બા સતત મારી સાથે છે – ગાંધીજી

[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.]

[22 ફેબ્રુઆરી, 1944ના રોજ યરવડા જેલમાં બા બાપુના ખોળામાં ચિરનિદ્રામાં પોઢી ગયાં. બાના મૃત્યુ પછી બાપુએ કાઢેલા ઉદ્દગારો કે લખેલા પત્રોમાંથી….]

[1] મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.

[2] બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ બામાં જ આ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હું નહોતો જાણતો કે આ ગુણ બામાં છુપાયેલો છે. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોય તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશેય રહેતી. પણ મારું જાહેરજીવન જેમ ઉજ્જવળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારે મારામાં અને મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે, મારામાં અને મારા કામમાં – સેવામાં ભેદ ન રહ્યો. તેમ તેમ બા તેમાં તદાકાર થવા લાગી. આ ગુણ હિન્દુસ્તાનની ભૂમિને કદાચ વધુમાં વધુ ભાવે છે.

બામાં આ ગુણ પરાકાષ્ઠાએ પહોંચ્યો તેનું કારણ અમારું બ્રહ્મચર્ય હતું. મારા કરતાં બાને સારુ એ ઘણું વધારે સ્વાભાવિક નીવડ્યું. આરંભમાં બાને એની ગતાગમ પણ ન હતી. મેં વિચાર્યું અને બાએ એ ઊંચકી લીધું ને પોતાનું કરી મૂક્યું. પરિણામે અમારો સંબંધ સાચા મિત્રનો થયો. મારી સાથે રહેવામાં બાને સન 1906થી, ખરું જોતાં સન 1901થી, મારા કામમાં જોડાઈ જવા ઉપરાંત કે તેની બહાર કંઈ જ ન રહ્યું. તે નોખી રહી શકતી હતી, નોખા રહેવામાં એને કશી હરકત ન આવત, પણ તેણે મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે અને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કર્મમાં સમાઈ જવામાં જ માન્યો. તેમાં મારી અંગત સેવાને બાએ અનિવાર્ય સ્થાન આપ્યું. એટલે મરતાં લગી મારી સગવડની દેખરેખનું કામ તેમણે છોડ્યું જ નહીં.

[3] બા સતત મારી સાથે છે, જોકે તેનો દેહ અગ્નિમાં હોમાઈ ગયો છે. આ સત્ય હું બુદ્ધિ અને હૃદય દ્વારા સમજું છું તેમ છતાં દુનિયાભરની સહાનુભૂતિને મેં મહામૂલી ગણી છે. એને લીધે મને પહેલાં કદી નહોતો થયો એવો ઈશ્વરની ભલાઈનો અનુભવ થયો છે.

[4] બાના મૃત્યુ પછી હિન્દુસ્તાનના વાઈસરૉય લોર્ડ વેવેલને 9 માર્ચ, 1944ના રોજ પત્ર લખ્યો, તેમાં બાપુ લખે છે : ‘જો કે એના મૃત્યુને લીધે સતત વેદનાથી તે છૂટ્યાં એટલે એ ખાતર મેં એના મૃત્યુને આવકાર આપ્યો છે. તો પણ મેં ધાર્યું હતું એના કરતાં આ ખોટથી મને વધારે લાગે છે. અમે અસાધારણ દંપતી હતાં. 1906માં એકબીજાની સંમતિ પછી અને અજાણી અજમાયશ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિતરૂપે સ્વીકાર્યો. આને લીધે અમારી ગાંઠ પહેલા કદી નહોતી એવી દઢ બની તેથી મને ભારે આનંદ થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. મારી એવી ઈચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હંમેશાં બહુ મજબૂત ઈચ્છાશક્તિવાળાં સ્ત્રી હતાં, જેને નવપરિણીત દશામાં હું ભૂલથી હઠીલાં ગણી કાઢતો. પણ મજબૂત ઈચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસરકારકની કળાના આચરણમાં મારાં ગુરુ બન્યાં. આચરણનો આરંભ મારા પોતાના કુટુંબથી જ કર્યો. 1906માં જ્યારે મેં એને રાજદ્વારી ક્ષેત્રમાં દાખલ કર્યો ત્યારે એનું વધારે વિશાળ તથા ખાસ યોજેલું સત્યાગ્રહ નામ પડ્યું. દક્ષિણ આફ્રિકામાં હિંદી જેલયાત્રા શરૂ થઈ ત્યારે શ્રી કસ્તૂરબા સત્યાગ્રહીઓમાંનાં એક હતાં.’

[5] કસ્તૂરબા ગાંધી સ્મારક નિધિ માટે એકઠાં કરેલાં નાણાંના વિનિમય અંગે બોલતાં કહ્યું : ‘કામ ઝપાટાભેર ચાલે એ માટે અધીરો છું તેમ છતાં આ નાણાં છૂટે હાથે ખર્ચાય અથવા બેપરવાઈથી વપરાય એવું નહીં થવા દઉં. એ નાણાં એક અભણ અને સરળ હૃદયની નારીને નામ એકઠાં કરવામાં આવ્યાં છે. મારી નિંદા કરનારા તો છે પણ બાના કોઈ નથી.’

[6] બાના અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી થઈ ગયા પછી સૌ પાછાં ફર્યાં. બાપુ હૃદયમાં તીવ્ર વેદના અનુભવતા હતા. રાતે ખાટલામાં સૂતાં સૂતાં બાપુ દર્દભર્યા અવાજે બોલ્યા : ‘બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો ! હું ઈચ્છતો હતો કે બા મારા હાથમાં જ ચાલી જાય, જેથી મને ચિંતા ન રહે કે મારી પાછળ એનું શું થશે. પરંતુ એ મારા જીવનનું અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે, તે કદી ભરાઈ શકવાનું નથી.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “બા સતત મારી સાથે છે – ગાંધીજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.