તારી આંખનો અફીણી – કલ્પના દેસાઈ

[વિશેષ નોંધ : સામાન્ય સમારકામને કારણે રીડગુજરાતી પર આવતીકાલે શુક્રવારે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં જેની નોંધ લેશો. શનિવારે નવી બે કૃતિ સાથે ફરી મળીશું. – તંત્રી.]

[ હાસ્યલેખ : ‘પોરવાડ બંધુ’ સામાયિક ઑક્ટોબર-2011માંથી સાભાર.]

એમ.બી.બી.એસ. (મેડિકલ !)માં એડમિશન ન મેળવનારની પહેલી પસંદ ડેન્ટિસ્ટ બનવાની જ રહે છે. એનું દેખીતું કારણ છે બત્રીસ દાંત ! પેશન્ટનું મોં ખોલતાની સાથે જ ડૉક્ટરની આંખ ચમકી ઊઠે, ‘અરે વાહ ! ચાર સડેલા ! છ અડધા તૂટેલા ! આઠ તો હલે છે ને બાકીના એની મેળે હલતા થઈ જાય એવા કરી આપીશ. વાહ પ્રભુ વાહ ! તારી લીલાનો જવાબ નથી. ખુદા જબ દેતા હૈ તો દાંત તોડકે દેતા હૈ !’ ખુલ્લા મોંમાં દાંતનું હાડપિંજર જોઈને ડૉક્ટરની લાળ ટપકવા માંડે; પેશન્ટના બેલેન્સ ગુમાવી ચૂકેલા દાંતમાં (ને મગજમાં) એને પોતાનું બેંકબેલેન્સ દેખાવા માંડે છે.

કમનસીબે આંખના ડૉક્ટરને આવા કોઈ જ લહાવા દર્દીને જોઈને નાચવા કૂદવાના, મનમાં મહેલ બાંધવાના ને ભગવાનનો આભાર માનવાના મળતા નથી ! તો એક તો, ગણી ગણીને બે જ આંખો હોય ને તેનેય પાછું બેતાલીસ વરસ પછી મૂરત આવે ! મોતિયા તો એથીય મોડા આવે. પાછી એમાંય ઝાઝી કરામત બતાવવાની નહીં કે મોટા મોટા શો રૂમ રાખીને વટ મારવાનો નહીં. બગાસાં ખાતાં ખાતાં, બેતાલાં છે કહી ચશ્માની દુકાનવાળાના નામનો ચેક ફાડી આપવાનો. પોતાના હાથમાં શું આવે ? ચશ્માની દુકાનવાળો તો હોલસેલના પચાસના ભાવની ફ્રેમના પાંચસો લઈ લે તોય લોકો હોંશે હોંશે અરીસામાં જોયા કરે, પણ ડૉક્ટર પચાસના પાંચસો કરે તો લોકો ઊંચકીને ઘેર બેસાડી દે ! ભણ્યા તેનું વળતર શામાંથી કાઢવું ? (એટલે જ, કદાચ હવે મોટા ડૉક્ટરો ગણીગણીને બદલો નથી લેતા. કાયમ માટે આંખ ફાટેલી જ રહી જાય એવા ભાવ એક એક ઑપરેશનના પડાવી લે છે. જાણે આ પેશન્ટ ઘડી ઘડી નથી આવવાનો !)

કોઈ દિવસ એવું બન્યું છે કે તમને ગળામાં દુઃખતું હોય ને ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમારું ગળું પકડી લે ? કે ગળું દબાવી દે ? પેટમાં દુઃખતું હોય તો તમારું પેટ પકડે કે પોતાનું પેટ પકડીને હસે ? એમને તો રોજ જાતજાતના પેશન્ટ આવતા હોય તેથી કંટાળીને ઘણી વાર આવી ઈચ્છાઓ જરૂર થતી હશે પણ પોતાના પેટને ખાતર ડૉક્ટર આવા બધા કોઈ ખતરા-અખતરા ઉઠાવતા કરતા નથી. કાનના ડૉકટર તો કોનો ગુસ્સો કોના પર કાઢવો તે સમજ્યા વગર પેશન્ટનો કાન પકડીને ઊંચો-નીચો, વાંકોચૂકો કરીને લાલ લાલ કરી નાખે, ને સાસુથી ગભરાયેલા નાકના ડૉક્ટર તો પેશન્ટનું નાક પણ સાચવીને પકડે. ફક્ત એક આંખના ડૉક્ટર જ એવા છે, જે આંખને અડ્યા વગર તપાસે ! કાન કે ગળામાં સોજો હોય અથવા દુઃખતું હોય ત્યારે એમાં ટૉર્ચ વડે ડૉક્ટર શું શોધતા હોય છે એ આજ સુધી કોઈ જાણી નથી શક્યું. છતાં ડૉકટર કંઈક તો કહેશે તેની આશામાં પેશન્ટ મોં વકાસીને જોયા કરે ત્યારે ડૉક્ટર કોથળામાંથી બિલાડું કાઢે ! ‘અંદર સોજો છે ને લાલ થઈ ગયું છે.’ ને જ્યારે આંખના ડૉક્ટર ટૉર્ચ લઈને પેશન્ટની આંખમાં ક્યાંય સુધી જોયા કરે ત્યારે આપણને બીક લાગે કે પેશન્ટની આંખો ફાટી ગઈ કે ડોળા ચડાવી ગયો કે શું ? કદાચ ડૉક્ટર હમણાં ટૉર્ચ બંધ કરીને કહેશે, ‘આઈ એમ સૉરી ! હી ઈઝ ડેડ !’

ગમે તેટલી તેજ દષ્ટિવાળા આંખના ડૉક્ટર હોય પણ ટૉર્ચની મદદ વગર આંખ તપાસતા નથી. જેમ દાંતના ડૉક્ટર શક્ય તેટલું મોં (પેશન્ટનું) ફાટવાનો આગ્રહ રાખે તેવું જ આંખના ડૉક્ટર પણ પેશન્ટને પોતાની સામે શક્ય તેટલા ડોળા ફાડવાનું કહે. ચશ્માંના નંબર કાઢતી વખતે જરાય કંટાળ્યા વગર ખૂબ પ્રેમથી પેશન્ટને ગૂંચવે. બુટ્ટી, બક્કલ કે બંગડીનાં ખોખાં જેવી પેટી કાઢે ને એમાંથી, જેમ જાદુગર પોતાની ટોપીમાંથી જાતજાતની વસ્તુઓ કાઢે એમ જુદા જુદા નંબરના કાચ કાઢવા માંડે. વગર કાચનાં પહેરાવેલાં ચશ્માં વડે પેશન્ટ બાઘાની જેમ બધું જોયા કરે એટલે ખેલ શરૂ થાય. વર્ષોથી એ જ ઘીસાપીટા સવાલો પુછાય, ‘ત્યાં સામે બોર્ડ પર વાંચો. વંચાય છે ?’ ફરી કાચ બદલે, ‘હવે ?’, ‘હવે ?’ ….. કહેતા પેશન્ટના સ્વભાવની ચીકણાઈને ભાંડવા માંડે. (ડોબા, વંચાય એટલે બસ. તારે ક્યાં મોતી પરોવવાનાં છે ?) પણ પેશન્ટને ઘરમાં કોઈએ આટલી બધી વાર પૂછ્યું ન હોય એટલે ભાવાવેશમાં આવીને એ પણ નિરાંતે ગૂંચવાય ! એને બિચારાને થાય કે ઘડીક આ કાચ બરાબર છે, ઘડીક આગળનો હતો તે બરાબર હતો. એ પાછો ગોઠવે તો લાગે કે ના, પેલો જ બરાબર છે. ઘણા તો આ પૂછપરછ દરમિયાન રડવા જેવા પણ થઈ જાય. ડૉક્ટર તો રોજની આ રમતથી ટેવાઈ ગયા હોય એટલે આપણને સરખા લાગતાં પણ એમને યોગ્ય લાગતા બે કાચ ગોઠવી પેશન્ટને બોર્ડ વાંચી જણાવે. (ડૉક્ટર કદાચ આખું દવાખાનું નવું સજાવી કાઢે તોય પેલું બોર્ડ તો તે જ રાખશે !) પેશન્ટ તો રેસમાં ભાગ લીધો હોય એમ શરૂઆતના અક્ષરો ઝપાટામાં વાંચી જાય ને પછી છોભીલો પડી…. ત…ત… પ…પ…. થવા માંડે. ડૉક્ટરને ત્યાં વારંવાર જવાવાળા તો દોડીને પાટાને અડીને આવી રહેવાનું હોય એમ વગર કાચના ચશ્મે પણ સડસડાટ કે કડકડાટ આખું બોર્ડ વાંચી (!) જાય. ભૂલમાં બિચારા કોઈ અભણને ચશ્મા ચડાવ્યાં હોય ત્યારે ભેંસ આગળ ભાગવત વાંચવાનો ડૉક્ટરને અફસોસ થાય. આખી પેટી ખાલી થઈ ગઈ હોય ને પેલો, ‘નથી વંચાતું-નથી વંચાતું’ જ બોલતો હોય ને ?

અમે તો ગમ્મત ખાતર ઘણી વાર મહોલ્લાના આંખના ડોક્ટરને ત્યાં ‘દેખતા આંધળા’ઓને જોવા પહોંચી જઈએ. કોઈ યોગશિબિરમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે. શાંત, દિવ્ય વાતાવરણમાં ઘણા આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હોય. કોઈ કોઈ ગુસપુસ પણ કરતા હોય ને કોઈ મૂરખ મોટેથી પણ લવારી કરતું હોય. કોઈ ઓળખીતા ભટકાયા કે એકદમ ઈન્ટેલિજન્ટ સવાલ પૂછાય, ‘આંખ બતાવવા આવ્યા ?’ એની પાસે પણ એ જ સવાલની ઝેરોક્સ હોય ! મોતિયાવાળાને પણ આવા જ વિશ્વપ્રસિદ્ધ ઈન્ટેલિજન્ટ સવાલો, ‘મોતિયો કઢાવ્યો ? ક્યારે ? એક આંખે કે બંને આંખે ?’ (મોતિયા પર પી.એચ.ડી. કરવાના હશે કદાચ.) વિસ્તારથી સમજાવો એવું લખ્યું હોય એટલે દરેક સવાલના 10-10 માર્કને હિસાબે શરૂ થઈ જાય, ‘1950 માં ડૉક્ટરે મોતિયાની શરૂઆત છે – કહ્યું’તું પણ મેં તો રોજેરોજ આંખમાં કોથમીરનો રસ, લીમડાનો રસ, કારેલાંનો રસ ને શેરડીનો રસ આંજી આંજીને આજ સુધી એને અટકાઈવો. હવે ઉંમર થઈ તે મેં’કુ ભલે આવતો….’ ભાવિ પેશન્ટોને ઘણું જાણવાનું મળે એ આશાએ જેમતેમ પ્રકરણ પૂરું કરે. મોતિયા પેશન્ટ તો એન્ટ્રી મારે ત્યારે ગીત ગાવાનું બાકી રાખે બાકી એનું વર્તન અને ચાલ જોઈને લાગે કે…. આપણે છુટ્ટા લાવ્યા હોત તો સારું થાત ! કોઈનો હાથ પકડીને કે કોઈને ખભે હાથ મૂકીને જ આવે. દાખલ થતાં વેંત એને માટે બાંકડા પર જગ્યા થઈ જાય ને પેલા સાથીદાર તો રાહ જ જોતા હોય એમ એને બેસાડીને ભાગે, ‘હમણાં આવું.’

દવાખાનામાં પણ સખણા ન બેસનારા ફાંફા મારનારાની આંખમાં દવા મૂકી એમને કલાકેક ઠંડા કરી દેવાય. વાત કરવાની મળે તો હંમેશાં બે સ્ત્રીઓ એકબીજા તરફ આકર્ષાતી હોય છે. એટલે ભૂલમાં પણ જો બે સ્ત્રીઓ નજીક નજીક બેઠી હોય તો બંધ આંખેય ઓળખાણ કાઢે ને (દૂરદૂરની) દુનિયા ફરી વળે. વળી કોઈ નવી પેશન્ટ આવી ચડી ને બધે નજર ફેરવતાં એકાદને ઓળખી કાઢી તો એના ખભા હલાવીને પણ પૂછે ખરી, ‘બકુબેન, આંખ બતાવવા આવ્યાં ?’ (ફિર વહી ઈન્ટેલિજન્ટ સવાલ !) બકુબેને તો અવાજથી જ બામની સુગંધ લઈ લીધી હોય એટલે ગભરાઈને મીંચેલી આંખ હજી વધુજોરમાં મીંચીને પૂછે, ‘કોણ સકુબેન ? આંખ બતાવવા આવ્યાં ?’ ( બધા જ ઈન્ટેલિજન્ટ થઈ ગયા !) જ્યાં સુધી આ ધરતી પર કે આકાશમાં ચાંદ ને સૂરજ રહેશે – આંખના ડૉક્ટર રહેશે ત્યાં સુધી આ સવાલ ને રમત રહેશે, રહેશે ને રહેશે જ ! યે હમારા દાવા હૈ !

બિચારા નવા પેશન્ટ તો ડૉક્ટર પાસે જઈને સલાહ લેવાના બાજુ પર જ રહી જાય પણ તે પહેલાં જ અમુક સિનિયર પેશન્ટો, બહાર બેઠેલાઓના લાભાર્થે પોતાના અનુભવો ખાસ લાક્ષણિક અંદાજમાં વર્ણવે… ‘આપણે તો ઑપરેશન કોને ત્યાં કરાવ્યું – પહેલાં કોને ત્યાં બતાવ્યું – આ ડૉક્ટરને ત્યાં કેમ આવ્યા ? ને આ ડૉક્ટર નહીં ફાવે તો બીજા ક્યા ડૉકટરને ત્યાં જઈશું ?….’ વગેરે વાતો મસાલેદાર બનાવીને અંદર ડૉક્ટરને પણ ઊંચાનીચા કરી નાખે ! પેલાને તો ડૉક્ટરની બે આંખોની શરમ ન નડે પણ ડૉક્ટર બધાની આંખોમાં નીચે દેખાવા ન માગતા હોઈને આંખ આડા કાન કરી મૂકે. આંખમાં દવા મૂક્યા પછી આંખ થોડી વાર માટે (કાયમ માટે નહીં) બંધ રાખવાની હોય તે ઘણાને ખબર નથી હોતી. એટલે જેવી દવા મુકાય કે કોઈના પર વેર વાળતા હોય એવું મોં કરીને મલમ પચાવતા હોય એમ જોરજોરમાં આંખો ચોળીને પછી ખોલી નાખે ! ઘણા તો વર્ષો સુધી બેદરકાર રહ્યા હોય ને પછી અચાનક જ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય એમ આખો દિવસ આંખમાં પાણી જ છાંટ્યે રાખે. એમ કરવાથી કદાચ આંખનો (કે મનનો) બધો મેલ ધોવાઈ જશે એવું સમજતા હશે ! – ઘાસ ન હોય કે પીળું હોય તોય બગીચા સામે જોયે રાખશે ને જેવું ઘરમાં કોઈ ટી.વી. ચાલુ કરે કે લેકચર ફાડવા માંડે. પછી તો ઘરમાં બધાની આંખનો ઈજારો પોતાનો જ હોય એમ બધા પર નજર રાખે. ‘અંધારામાં નહીં વાંચો-ચોપડી આંખથી છ ફૂટ દૂર રાખો….’ વગેરે વગેરે જેટલું યાદ રહ્યું હોય એટલું ઊંઘમાંય બબડે !

‘અખિયા મિલા કેં’ રોગના ફેલાવા વખતે ડૉક્ટર અને કેમિસ્ટની સાથે સાથે લેખકો પણ પાંચપચીસ રૂપિયા કમાઈ લેઆ હોય છે. હાર્ટ સર્જરી અગાઉ કે સિઝેરિયન ઑપરેશન અગાઉ પેશન્ટના સગાની સહી ઉઘરાવાય છે તે જોઈને આંખના ડૉક્ટરોએ પણ હવે બે આંખની શરમ બાજુએ મૂકીને ‘ઑપરેશન તમારી પાસે જ કરાવીશ અને મારી આંખ ફૂટી જાય કે મીંચાઈ જાય તેને માટે તમે જરાય જવાબદાર નથી’ એવું પેશન્ટ પાસે લખાવવા માંડ્યું છે. આવું લખાવીને ડૉક્ટર બીજાઓની આંખો ખોલવા માંડ્યા છે. દવાખાનામાં બેઠા હો ત્યારે ખુલ્લી આંખે બધા તમાશા જોયા કરવા પણ જાતજાતના પેશન્ટોને જોઈ ગભરાઈ ન જવું, કારણ કે દારૂ ન પીધો કે ગુસ્સામાં ન હોય તોય કોઈની આંખો લાલ હોય, તમારો જરાય વાંક ન હોય છતાં કોઈ તમારી સામે ચૂંચી આંખ કરીને જોતું હોય, સમાધિમાં ન હોય કે ઉપર ન પહોંચી ગયું હોય તોય કોઈની આંખો બંધ હોય કે પછી કોઈ તમારી સામે ઘડી ઘડી આંખ ઝપકાવતું હોય (ત્યારે મનમાંથી સુંદર હોવાનો વહેમ કાઢી નાખવો – એને વાયુને કારણે આમ થતું હોય છે) આ બધી આંખની અંદરની વાત છે, ડૉક્ટરને જ ખબર પડે. આપણે તો એવે સમયે આંખ ફેરવી લેવી. આંખ કાઢવા જઈએ તો પછી કોઈ ડૉક્ટરની બે આંખની શરમ પણ નહીં રાખે. નજર નજરમાં ફેર હોય એટલે કોઈની નજીકની નજર કમજોર હોય ને કોઈની દૂરની ! બધી નજરના ઈલાજ આંખના ડૉકટર પાસે હોય, સિવાય કે બૂરી નજર ! રસ્તે ચાલતાં આંખો ફાડીને જોવા ટેવાયેલાઓ માટે જ કદાચ ‘બૂરી નજરવાલે…’ કહેવાતું હશે ?

અને છેલ્લે, આંખના ડૉક્ટર માટે જ લખાયેલું એક સુંદર ગીત – ‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ ?’ પેશન્ટની આંખોના ઊઘડવા ને બંધ થવા પર જ ડૉક્ટરની સવાર ને સાંજ પડે છે ને !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “તારી આંખનો અફીણી – કલ્પના દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.