ધુઆંધાર ધોધ અને કાન્હા નેશનલ પાર્કની મુલાકાતે – પ્રવીણ શાહ
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]
નર્મદા નદી મધ્ય પ્રદેશમાં અમરકંટક આગળથી નીકળી, ૧૩૦૦ કી.મી. જેટલું અંતર કાપીને ભરૂચ આગળ અરબી સમુદ્રને મળે છે. નદીની આ લંબાઈમાં તેને કિનારે કેટલાયે ગામડાં અને શહેરો વસ્યાં છે. ઠેકઠેકાણે કેટલાયે શિવમંદિરો તથા અન્ય મંદિરો બન્યા છે. નદી પોતે પણ અવનવાં સ્વરૂપો ધારણ કરે છે, તે તો જુદુ !
અમરકંટકમાંથી નીકળ્યા પછી નર્મદા થોડા જ કિ.મી. બાદ બે વાર ધોધરૂપે પડે છે. એક ધોધનું નામ છે કપિલધારા અને બીજાનું દૂધધારા. ત્યાર બાદ આશરે ૩૦૦ કી.મી. પછી જબલપુર શહેર આગળ ‘ભેડાઘાટ’ નામના સ્થળે નર્મદા ફરી મોટા ધોધરૂપે પડે છે. આ ધોધ ‘ધુઆંધાર’ નામે જાણીતો છે. આગળ જતાં નર્મદાને કિનારે ઓમકારેશ્વર નામનું વિખ્યાત મંદિર છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. ગુજરાતમાં પ્રવેશ્યા પછી સૂરપાણેશ્વર, ગરુડેશ્વર, કરનાળી, માલસર, નારેશ્વર, અંગારેશ્વર શુકલતીર્થ, ઝાડેશ્વર – એમ અસંખ્ય તીર્થો નર્મદાકિનારે છે. વળી, નવાગામ આગળ નર્મદા બંધ તો ખરો જ. નર્મદાએ લોકોને જીવન પૂરું પાડ્યું છે. અરે, નર્મદાના કિનારે ના રહેતા હોય એવા લોકોને પણ ખેતી અને પીવા માટેનું પાણી નર્મદા ડેમમાંથી પૂરું પડાય છે. નર્મદા પૂજ્ય છે. કહે છે કે નર્મદામાં કંકર એટલા શંકર છે. નર્મદા વિશે લખવા માટે તો ગમે એટલા શબ્દો ઓછા પડે. અહીં વાત કરવી છે ધુઆંધાર ધોધના પ્રવાસની. ધુઆંધાર વિશે વાંચ્યા અને સાંભળ્યા પછી મન ત્યાં જવા માટે તલસી રહ્યું હતું. છેવટે મેળ પડી ગયો ! થોડાક જાણીતા મિત્રોએ ભેડાઘાટ અને કાન્હા નેશનલ પાર્ક ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, તેમાં અમે જોડાઈ ગયા. અમે કુલ ૩૬ જણ હતા.
સૌ પ્રથમ અમે ટ્રેનમાં જબલપુર પહોંચ્યા. અમદાવાદથી જબલપુરનું અંતર ૯૭૮ કિ.મી. છે. હોટેલ પહોંચી, નાહીધોઈને પરવાર્યા ત્યારે સાંજના સાત વાગ્યા હતા. તૈયાર થઇ સૌ પ્રથમ જબલપુરના કચનાર વિસ્તારમાં આવેલું એક શિવમંદિર જોવા ગયા. ‘સિદ્ધેશ્વર મહાદેવ’ તરીકે જાણીતી આ જગ્યાએ શિવજીની ૭૬ ફૂટ ઉંચી મૂર્તિ બિરાજમાન છે. કેટલી મોટી અને ભવ્ય મૂર્તિ ! અંધારું થઈ ગયું હતું તે છતાં સફેદ રંગની આ મૂર્તિ ખૂબ જ દેદીપ્યમાન લાગતી હતી. આરતીની તૈયારી હતી. અમે પણ આરતી ઉતારવાનો લાભ લીધો. મૂર્તિની અંદરની ગુફામાં શિવજીનાં બાર જ્યોતિર્લિંગોનાં દર્શન કર્યાં. નર્મદાના વિસ્તારમાં તો શિવજીનો જ મહિમા છે. મન પ્રસન્ન થઈ ગયું. તે પછી તો હોટેલ પર જઈને પૂરો આરામ કર્યો. બીજે દિવસે અમે પ્રખ્યાત ધુઆંધારનો ધોધ જોવા માટે જવાના હતા એટલે રાતભર સૌને એનાં જ સ્વપ્નાં આવતાં રહ્યાં.
સવારે બધા ખુશ હતા. નાસ્તો કરીને અમારી બસમાં નીકળી પડ્યા. જબલપુરથી ૨૩ કી.મી. દૂર ભેડાઘાટ નામના સ્થળે ધુઆંધાર ધોધ આવેલો છે. અહીં આખી નર્મદા નદી ધોધરૂપે પડે છે. ઉપરવાસમાં નદીનો પટ વિશાળ છે. પરંતુ ધોધરૂપે પડ્યા પછી, નર્મદા ત્રણેક કિ.મી. સુધી સાંકડી ખીણમાં થઈને વહે છે. જે જગાએ ધોધ પડે છે ત્યાં પાણીનાં એટલાં બધાં ફોરાં અને વાછંટ ઉડે છે કે વાતાવરણ આખું ધુમ્મસ (ધુઆં) જેવું લાગે છે. એટલે તો આ ધોધ ‘ધુઆંધાર’ તરીકે ઓળખાય છે. જ્યાં ધોધ પડે છે ત્યાં પાણીની ઊંડાઈ માન્યામાં ન આવે એટલી…. ૨૫૦ ફૂટ અને સહેજ આગળ ખીણમાં ૪૦૦ ફૂટ જેટલી છે ! જો પડ્યા તો ગયા જ સમજો ! ત્યાં કોઈ બચાવવા ન આવી શકે. ધોધમાં સ્નાનની તો કલ્પના જ નહિ કરવાની. ધોધ પડવાનો અવાજ પણ ઘણો જોરદાર છે.
ઘણા લોકો આ ધોધને ‘ઈન્ડિયન નાયગ્રા’ કહે છે. બસના પાર્કીંગથી ધોધ સુધી પચાસેક પગથિયાં ઉતરવાનાં થાય છે. અહીં જાતજાતની દુકાનો લાગેલી છે. ધોધ આગળ રેલિંગ બનાવેલ છે એટલે માત્ર દસેક ફૂટ દૂરથી જ ધોધનાં દર્શન કરી શકાય છે. ધોધમાં પડતા પાણીનો જથ્થો એટલો બધો છે કે બસ જોયા જ કરીએ અને કુદરતના આ કરિશ્માને માણ્યા કરીએ ! ધોધ જોઈને એક જ શબ્દ મોમાંથી નીકળે, ‘વાહ ! અદભૂત !’ ચોમાસામાં પૂર આવે ત્યારે અહીં શું થતું હશે, તે કલ્પી શકો છો ? પાણી એટલું બધું હોય કે નીચવાસની ખીણ છલકાઈ જાય અને ધોધ જેવું કંઈ રહે જ નહિ ! પાણી રેલિંગ ઉપરાંત આજુબાજુ ઘણે સુધી ફરી વળે. અહીં ધોધવાળી જગ્યા સુધી આવી શકાય જ નહિ. દૂરથી જુઓ તો વિશાળ દરિયો ઘૂઘવતો હોય એવું લાગે. અહીં રોપ-વે પણ બનાવ્યો છે. આ કિનારેથી સામે કિનારે ટ્રોલી જાય છે અને તેમાં બેઠા બેઠા ધોધ જોઈ શકાય છે.



નીચવાસની ખીણને કિનારે કિનારે ૧ કી.મી. જેટલું ચાલ્યા પછી એક ઊંચો ટેકરો આવે છે, તેની પર ચઢીને પણ ધોધને દૂરથી જોઈ શકાય છે. આ ટેકરાને ‘ન્યૂ ભેડાઘાટ’ કહે છે. અહીં પણ રેલિંગ છે. અમે અહીં પણ ઊભા રહીને ધોધ જોવાની મજા માણી. પછી શેરડીનો તાજો રસ પીધો. હજુ બીજા ૨ કી.મી. સુધી નર્મદા ખીણમાં જ વહે છે. આ ખીણની ખૂબી એ છે કે ખીણની બંને બાજુ આરસપહાણના મોટા ખડકો (marble rocks, માર્બલ રોક્સ) આવેલા છે. માર્બલ રોકની વચ્ચેથી વહેતી નદી કેવી ભવ્ય અને જુદી જુદી લાગે ! આ ખીણમાં બોટમાં બેસીને વિહરવાની તો કેવી મજા આવે ! હા, અમારે આ બોટીંગ કરવાનું હતું. વર્ષોથી મનમાં સંઘરી રાખેલું સ્વપ્ન આજે સાકાર થવાનું હતું ! તો ચાલો બોટમાં… બોટીંગ માટે કિનારે કિનારે ૨ કી.મી. જેટલું ગયા પછી ઘાટ આવે છે. ત્યાંથી બોટમાં બેસવાનું અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટીંગ કરીને ધોધ બાજુ આવવાનું.

હવે અમારી બસ ઘાટ તરફ ચાલી. વચમાં ચોસઠ જોગણી માતાનું મંદિર આવ્યું. અસ્તવ્યસ્ત એવાં ૧૦૮ પગથિયાં ચઢ્યા બાદ ઉપર આ મંદિર છે. પથ્થરોનું બનેલું પૂરાણું મંદિર છે. મંદિરના પરિસરમાં ગોળ ફરતે ૬૪ જોગણીઓની પથ્થરની તૂટીફૂટી મૂર્તિઓ છે. કહે છે કે ઔરંગઝેબે અહીં ચડાઈ કરી અને આ મૂર્તિઓની તોડફોડ કરી હતી. એ દર્શન કર્યા બાદ ભારતના ઇતિહાસની યાદો તાજી કરીને અમે નીચે આવ્યા અને ચાલ્યા ઘાટ તરફ. અહીં પણ ૧૦૩ પગથિયાં ઉતરો એટલે હોડી સુધી પહોંચાય. આ પગથિયાં નાનાં અને વ્યવસ્થિત છે. ઘાટ આગળથી જ ‘માર્બલ રોક્સ’ દેખાય છે. અમે છત વગરની ખુલ્લી હલેસાંવાળી બોટમાં બેઠા. બોટની કેપેસીટી લગભગ ૧૮ થી ૨૦ માણસોની. બોટના નાવિકો અને ગાઈડ પણ સાથે ખરા જ. ખીણમાં નર્મદાના પાણી પર પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે ધોધ તરફ અમારી બોટ ચાલી. બંને બાજુ ઊંચાનીચા-અસ્તવ્યસ્ત આકારના આરસના ખડકો. આટલો બધો આરસપહાણ એકસામટો ક્યાં જોવા મળે ? ખીણ ક્યાંક સાંકડી તો ક્યાંક પહોળી થાય. ઘડીકમાં એવું લાગે કે ડાબી કે જમણી બાજુ વળવાનું થશે પણ એવું ન હોય. સીધે જ સીધું જવાનું હોય. ભૂલભૂલૈયા જેવું લાગે. પાણી તો ખૂબ જ ઊંડું અને શાંત. નિઃશબ્દ વાતાવરણ. આરસના બંને બાજુના પહાડો પણ શાંત. ક્યાંક તો ખીણ એટલી સાંકડી કે જાણે કે ગુફામાં પેસતા હોઈએ એવું લાગે. આ એક એવો અદભૂત નઝારો છે કે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા હોઈએ એવું લાગે. ક્યાંક તો કોઈ ફિલ્મના દ્રશ્ય જેવું લાગે. નદીનું આવું સ્વરૂપ દુનિયામાં બીજે ભાગ્યે જ જોવા મળે. એથી તો આ ‘માર્બલ રોક’ જગવિખ્યાત છે. પુસ્તકોમાં એના વિષે ઘણું લખાયું છે. એની ખરી મજા અને આનંદ તો અહીં બોટીંગ કરો ત્યારે જ અનુભવવા મળે. આ એક બેજોડ અનુભવ છે. ઘણી ફિલ્મોનાં શુટીંગ અહીં થયેલાં છે. ખડકોમાં ટોચ તરફનો આરસ કાળાશ પડતો છે. નીચે તરફ તે ઊજળો થતો જાય છે અને પાણીના સંપર્ક આગળ તો તે ઘણો ઊજળો છે. ખીણ જ્યાં સૌથી વધુ સાંકડી છે ત્યાં કહે છે કે, વાંદરાઓ એક બાજુના ખડક પરથી બીજી બાજુના ખડક પર કૂદી જતા. એટલે કે આખી નર્મદા નદી એક જ કૂદકામાં ! આ જગાને ‘બંદરકૂદની’ કહે છે. ખડકોના આકાર પરથી લોકોએ તેનાં નામ પાડ્યાં છે. ક્યાંક ખડક મારુતી ગાડી જેવો દેખાય, ક્યાંક ગુરુ-ચેલો બેઠા હોય એવું લાગે, તો ક્યાંક શિવજીના લિંગનો આકાર દેખાય. અમને ગાઈડ આ બધું સમજાવતો જાય અને સાથે સાથે જોડકણાં પણ બનાવતો જાય, જેવાં કે :
ઉપર ઝાડ, નીચે પહાડ
આપ કર રહે હૈ નૌકા વિહાર !



બે કિ.મી. જેટલું એટલે કે ન્યૂ ભેડાઘાટ સુધી જઈ બોટ પાછી વાળી અમે ઘાટ તરફ આવ્યા. એક અવર્ણનીય આનંદનો લ્હાવો લઈ આવ્યા. એકવાર તો આ ‘માર્બલ રોક’ વચ્ચે જવા જેવું જ છે. સાંજે છ વાગ્યા પછી બોટીંગ બંધ થઇ જાય છે. રાત્રે ઘાટ પર ૧૦૮ દીપકવાળી આરતી થતી હોય છે. ચાંદની રાતે ‘માર્બલ રોક’નો માહોલ કંઈ ઓર જ હોય છે. ચોમાસાના ચાર મહિના બોટીંગ બંધ હોય છે. પૂરમાં ખીણ ઊભરાઇ જતી હોય એમાં બોટીંગ ક્યાંથી થાય ? અહીંથી કોઈને ખડકો તોડી માર્બલ લઇ જવાની છૂટ નથી.
બસ, એ પછી તો હોટેલ પર ભોજન લીધા બાદ અમારી બસ ચાલી ‘કાન્હા નેશનલ પાર્ક તરફ’. આ પાર્ક જબલપુરથી ૧૬૫ કી.મી. દૂર છે. જંગલો અને વળાંકોવાળા ઊંચાનીચા રસ્તે બસ દોડતી હતી. મગજમાં ધુઆંધાર અને માર્બલ રોકની યાદો વાગોળાતી હતી. મંડલા નામના એક ગામ આગળ મધ્યપ્રદેશ ટૂરીઝમનું ગેસ્ટ હાઉસ આવ્યું. ત્યાં અમે સૌ ચા પીવા થોભ્યાં. શું સુંદર જગ્યા હતી ! બધાને આ જગ્યા ગમી ગઈ. સાંજે તો ‘કાન્હા પાર્ક’ આગળના એક રિસોર્ટમાં પહોંચી ગયા. અમારો મુકામ અહીં હતો. બીજે દિવસે વહેલી સવારે ‘નેશનલ પાર્ક’ જોવા જવાનું હતું.

‘કાન્હા નેશનલ પાર્ક’ એ આરક્ષિત જંગલ છે. પ્રાણીઓ અને ખાસ તો વાઘ માટેનું અભયારણ્ય છે. એટલે કે ‘નેશનલ ટાઈગર રિઝર્વ’. આ પાર્કનો વિસ્તાર આશરે ૨૦૦૦ ચો.કી.મી. નો છે. તેમાં અત્યારે ૮૯ જેટલા વાઘ છે. જૂના વખતમાં અહીં ઘણા વાઘ હતા પણ રાજામહારાજાઓ અને શિકારીઓના શિકારને કારણે વાઘની સંખ્યા ઘટતી ચાલી. છેવટે ભારત સરકારે કાન્હાને અભ્યારણ્ય જાહેર કરતાં હવે અહીં વાઘનો શિકાર થતો નથી અને તેઓનું જતન કરવામાં આવે છે. અહીં પહેલાં ‘કાન્હા’ નામનું ગામ પણ હતું. પણ હવે એ લોકોને બીજે વસાવવામાં આવ્યા છે. અહીં માત્ર જંગલ ખાતાના અધિકારીઓ અને પ્રવાસીઓને જ પ્રવેશ મળી શકે છે. જંગલ ખૂબ ગાઢ છે. જંગલમાં હરણ, સાબર, વારાસીંગા, ટપકાંવાળું હરણ, બીસન જેવાં પ્રાણીઓ છૂટથી વિહરે છે, પણ તેમને વાઘનો ડર તો ખરો જ. આ પાર્ક સાતપુડા પર્વતની મૈકલ રેન્જમાં આવે છે. અહીંની ભાષામાં માટીને ‘કન્હારી’ કહે છે. તેના પરથી પણ આ પાર્કનું નામ ‘કાન્હા’ પડ્યું હોવાનું કહેવાય છે. જંગલમાં મોટે ભાગે સાલનાં અને વાંસનાં વૃક્ષો છે. સાલના ઝાડનું લાકડું રેલ્વેના સ્લીપર બનાવવામાં વપરાય છે. આ કારણથી પણ ભૂતકાળમાં અહીં સાલનાં ઝાડ ખૂબ કપાતાં હતાં. પ્રવાસીઓ અહીં જંગલમાં ફરવાનો આનંદ માણવા અને ખાસ તો ખુલ્લા ફરતા વાઘ જોવા માટે આવતા હોય છે. અહીં પાર્કમાં ખુલ્લી જીપમાં ફરવાનું હોય છે. જીપમાંથી નીચે નહીં ઊતરવાનું. જીપ ખુલ્લી હોવા છતાં વાઘ જીપમાં બેઠેલા પર હુમલો નથી કરતો. પરંતુ હા, વાઘને છંછેડવાનો નહીં. જો એમ કર્યું તો……..


વહેલી સવારે અમે નાહીધોઈને તૈયાર થઈ ગયાં. અમારા રિસોર્ટ આગળ જીપો આવી ગઈ. એક જીપમાં છ જણે બેસવાનું. બધી જીપ એક સાથે ઊપડી. શિયાળો હતો એટલે ઠંડી તો પુષ્કળ હતી અને એમાં ય વહેલી સવાર. અમે ઘેરથી લાવ્યા હતા તે બધાં ય ગરમ કપડાં ઠઠાડી દીધાં, તો ય હજુ ઠંડી લાગતી હતી ! ચારેક કિ.મી. જેટલું ગયા પછી ચોકી આવી. અહીં ચેકીંગ પત્યા પછી જીપમાં અમારી સાથે ગાઈડ જોડાઈ ગયો અને અમે પ્રવેશ્યા ‘કાન્હા નેશનલ’ પાર્કમાં. અહીં જંગલ ખૂંદવા માટે રસ્તાઓ બનાવ્યા છે, પણ તે માટીના જ. ડામરની પાકી સડક નહીં. અમે જીપમાંથી આજુબાજુ જોતાં હતાં. વૃક્ષો અને ક્યાંક ક્યાંક હરણાં અને અન્ય પ્રાણીઓ નજરે પડતાં હતાં. સૌથી વધુ આતુરતા વાઘ જોવાની હતી. સામાન્ય રીતે વાઘ સવારમાં કે સાંજના બહાર ફરવા નીકળતો હોય છે. બપોરે તાપમાં ના નીકળે. એટલા માટે તો અમે વહેલી સવારે નીકળ્યા હતાં. ઘણું બધું ફરીને ‘સેન્ટર પોઈન્ટ’ પહોંચ્યા. અહીં જંગલની વચ્ચે રેસ્ટોરન્ટ, પ્રદર્શનરૂમ, વનવિભાગના કર્મચારીઓના રૂમ, બેસવા માટે વિશાળ જગ્યા – એવી બધી વ્યવસ્થા છે. અમને નાસ્તામાં ફૂડપેકેટ આપેલાં તે અહીં ખાઈ લીધા અને ફરી નીકળ્યા વાઘની તલાશમાં. જંગલના રસ્તાઓમાં ઘણું ફર્યાં. ક્યાંક કોઈક પ્રાણીનો કે પક્ષીનો અવાજ આવે એટલે વાઘ હોવાનો સંકેત મળ્યો હોય એવું લાગે. ગાઈડ એને ‘કોલ મળે છે’ એવું કહે અને જીપને સાઈડમાં ઊભી રખાવે. કદાચ વાઘ ક્યાંકથી નીકળી આવે અને જોવા મળી જાય. પણ આવા ઘણા સંકેતો મળવા છતાં વાઘનાં દર્શન ના થયાં. અંતે, આશરે ચાલીસેક કિલોમીટર જેટલું રખડ્યા પછી બાર વાગે રિસોર્ટ પર પાછા પહોંચ્યા. જો કે અમારામાંના એક ગ્રુપને વાઘ જોવા મળી ગયો. વાઘ રસ્તો ક્રોસ કરતો હતો !



જમીને થોડો આરામ ફરમાવી બપોરે પાર્કના બીજા રાઉન્ડમાં નીકળ્યાં. વાઘની તલાશ ફરીથી શરૂ. આ વખતે જંગલના બીજા ભાગમાં (સવાર કરતાં જુદા ભાગમાં) નીકળ્યા. ઘણું ફર્યા. સંકેતો મળતા રહ્યાં, અમારા સહપ્રવાસીઓની જીપો આમનેસામને આવતી રહી, પણ વાઘ ? ના.. વાઘ ના મળ્યો, તે ના જ મળ્યો. છેવટે સાંજે રિસોર્ટ પર પાછા વળ્યા. વાઘ જોવા મળ્યો હોત તો એનો આનંદ જુદો હોત. અહીં જંગલમાં હાથી પર બેસીને પણ વાઘ જોવાની વ્યવસ્થા છે. વ્યક્તિદીઠ ૨૦૦ રૂપિયાની ટીકીટ છે. પરંતુ વાઘ હોવાનો સંકેત મળ્યો હોય અને પાકી ખાતરી હોય તો જ હાથી પર લઈ જાય. આમ છતાં ય પંદરેક મિનિટમાં વાઘ ના મળે તો સવારી પાછી વાળે અને ૨૦૦ રૂપિયા પાછા આપી દે.
હવે અમારો પ્રવાસ પૂરો થયો હતો. બીજે દિવસે સવારે કાન્હાથી નીકળી બપોરે જબલપુર રેલ્વે સ્ટેશને પહોંચ્યા. રસ્તામાં બોર અને આંબલીનાં ઝાડ આગળ ડ્રાઈવરે બસ ઉભી રાખી. અમને બોર અને કાતરા તોડવાની મજા કરાવી. જબલપુર સ્ટેશનથી ટ્રેનમાં બેસી એ જ રૂટ પર અમદાવાદ પાછા પહોંચ્યા. ધુઆંધાર ધોધ અને માર્બલ રોકની વચ્ચે નાવમાં સફર – એ ઘટનાઓ ખાસ યાદ રહી ગઈ.
નોંધ: જ્યાંથી નર્મદા નીકળે છે તે અમરકંટક, કપિલધારા અને દૂધધારા જોવા જેવાં સ્થળો છે. નર્મદા કિનારે ઉજ્જૈનની નજીક ઓમકારેશ્વર અને માહેશ્વર પણ દર્શનીય છે. પાસમાં આવેલું માંડુ, રાજાઓનું ઐતિહાસિક શહેર છે. જબલપુર પહોંચતા પહેલાં, પિપરીયા નામના સ્ટેશનેથી પંચમઢી જવાય છે – એ પણ એક પ્રખ્યાત પર્વતીય સ્થળ છે, માઉન્ટ આબુ જેવું. વળી, ભોપાલથી સાંચી, ખાજુરાહો અને બાંધવગઢ જઈ શકાય. અમરકંટકની દક્ષિણે રાયપુર અને ત્યાંથી જગદાલપુર જવાય. જગદાલપુરની પાસે ચિત્રકોટ અને તીરથગઢમાં ખૂબ મોટા ધોધ છે.

Email This Article
·
Print This Article
·
Save this article As PDF




સુંદર પ્રવાસ વણૅન મજા આવી.
આભાર
કૌશલ પારેખ
beautiful pics of the place,will surely visit.
beautiful pics of the place,will surely visit
સુંદર વર્ણન. ભરુચમાં ૨૫ વર્ષ રહી છું આથી નર્મદા વિષે વાંચવાની મજા આવી. નદીના પુલ પરથી રોજ ટ્રેનમાં જવાનો લાભ બાર વર્ષ લીધો છે અને ચોમાસામાં બે કાંઠે વહેતી હોય તે જોઈને મન ખુશ થઈ જતું (લોકો ખાસ પાણી જોવા પુલ પાસે જતા) તો આવો ધોધ જોવા મળે તે કેટ્લું અદ્ ભુત લાગે ! પણ ખીણની ઊંડાઈ વિશે વાંચ્યા પછી ખુલ્લી બોટમાં વિહાર કરવાની વાત “કરૂં કે ના કરું ” એમ થઈ ગયુ કારણ કે અહી લખ્યા મુજબ બચાવવાની કોઈ આશા નહી. એમ પણ થાય કે લહાવો લેવા જેવો તો ખરો જ.
Beautiful…………… Enjoyed . On my next trip to India, will plan to go there.Thank you Pravinbhai for such a good description and pictures.
ખુબ જ સુન્દર વર્ણન, ફોટા જોઇને સ્થળની મુલાકાત લેવાનુ મન થઈ જાય.
આભાર.
ખુબ જ સુંદર વણૅન કર્યું છે ……….
સુન્દર વર્ણન્ જાણે જાતે જ જઇ આવ્યા હોય એવુ લાગ્યુ
ભારતમાં જોવા જેવું અદ્ભુત સ્થળ અને અદ્ભુત વર્ણન.
અદ્ ભુત સુન્દર વર્ણન્
અમે નર્મદા દેમ જોવા ગયા હતા ખુબ મજા આવિ. પરન્તુ ઘને દુર સુધિ પન નસ્તા પાનિ નિ વ્યવસ્થા પુર્તિ નહિ હોવાથિ તક્લિફ રહે ચ્હે. બાકિ ખુબ ખુબ મજા આવિ.આતિ સુન્દર.
As always… very nice and informative article. Will definitely plan to visit these places in future.
Ashish Dave
very nice tour
ખુબ જ સુંદર વણૅન કર્યું છે