[ હંમેશની જેમ રસપ્રદ અને પ્રેરણાત્મક પ્રસંગોથી ભરેલા ‘મોતીચારો’ શ્રેણીના પુસ્તકોમાંનો તાજેતરમાં પ્રકાશિત થયેલો આ ભાગ-6 છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. વીજળીવાળાનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] દવા
એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.
એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે, ‘જુઓને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું ?’
‘અરે ! એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી !’ પેલા યજમાન બહેન બોલ્યાં. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, ‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતાસાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવોને ?’
પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું : ‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી ? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’
‘ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’ ડૉક્ટરે કહ્યું.
હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું : ‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી ? તમને એક સવાલ પૂછી શકું ?’
‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે ? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.
‘ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી ? એવી દવા હોય તો અમારે એ લેવી છે !’
ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા.
.
[2] મેં એને જોયો છે !
પરદેશમાં એક ગામથી થોડે દૂર આવેલા ફાર્મહાઉસમાં એક નાસ્તિક કુટુંબ રહેતું હતું. પતિ-પત્ની અને એમની પાંચ વરસની દીકરી, એમ ત્રણ જ જણ એ કુટુંબમાં હતાં. માતાપિતા સંપૂર્ણપણે નાસ્તિક હોવાને લીધે ઘરમાં ઈશ્વરની વાત પણ ક્યારેય થતી નહીં. ભગવાન, શ્રદ્ધા કે આસ્થા જેવા શબ્દો પણ દીકરીના કાથે ક્યારેય પડ્યા નહોતા. દીકરીને હજુ નિશાળે કે બાલમંદિરે નહોતી બેસાડી એટલે બીજાં બાળકો કે અન્ય મોટા લોકો પાસેથી પણ એને ઈશ્વર અંગે કાંઈ સાંભળવા નહોતું મળ્યું. અરે ! એવું કાંઈ હોય એવો પણ એને ખ્યાલ નહોતો.
એક રાત્રે પેલાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. નાનકડી વાતમાંથી શરૂ થયેલા એ ઝઘડાએ જોતજોતામાં વરવું સ્વરૂપ લઈ લીધું. અત્યંત ક્રોધે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની છાતીમાં બંદૂકની બે-ચાર ગોળીઓ ધરબી દીધી. પછી પોતે પણ પોતાના માથામાં ગોળી મારીને મરી ગયો. એ લોકો ગામથી દૂર રહેતા હતા એટલે લોકોને આ ઘટનાની છેક સવારે ખબર પડી. ગામના બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો અને પેલી બાળકીને ગામના ચર્ચને સોંપી દેવામાં આવી. બાળકીનો માસૂમ ચહેરો જોઈને ફાધર એકદમ દુઃખી થઈ ગયા. આકાશ સામે જોઈને એ મનોમન બોલી ઊઠ્યા કે, ‘હે ભગવાન ! હે પ્રભુ ઈસુ ! આવો તો તારો કેવો ન્યાય ? આટલાં નાનાં બાળકોથી તું આટલો બધો ખફા હો એ હું માની જ નથી શકતો. તારી છત્રછાયાથી તેમ જ તારી કૃપાથી આવાં ફૂલો શું કામ વંચિત રહી જતાં હશે ?’
એ જ સમયે ચર્ચમાં અન્ય નાનકડાં બાળકો આવ્યાં. એ બધાંએ ફાધરનું અભિવાદન કર્યું. ફાધરે એ બાળકોને પેલી નાનકડી બાળકી સાથે ઊભા રાખી દીધાં. પછી એ બધાંની બાજુની દીવાલ પર દોરેલો ભગવાન ઈસુ ખ્રિસ્તનો ફોટો બતાવીને પૂછ્યું : ‘ચાલો બાળકો, કહો જોઉં ! આ કોણ છે એ કોઈ જાણે છે ?’
‘હા, હું જાણું છું !’ બીજું કોઈ જવાબ આપે એ પહેલા જ પેલી બાળકી બોલી ઊઠી.
ફાધરને નવાઈ લાગી. એક નાસ્તિક કુટુંબમાં જન્મેલી અને ગામલોકોથી દૂર ફાર્મહાઉસમાં મોટી થયેલી એ છોકરી, પ્રભુ ઈસુ વિશે કઈ રીતે જાણતી હોઈ શકે ? એ ખરેખર જાણતી હશે કે એમ જ કોઈ ભળતી વ્યક્તિનો વિચાર કરીને જવાબ આપ્યો હશે ? પોતાના મનની શંકા દૂર કરવા એમણે એ બાળકીને જ પૂછ્યું :
‘એમ ! તું ખરેખર જાણે છે એને ? તો ચાલ, જોઉં બેટા ! એ કોણ છે અને તું એને કઈ રીતે જાણે છે ?’
‘મારા પિતાએ મારી માને અને પોતાને ગોળી મારી ત્યારે આ માણસ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો હતો અને આખી રાત એ મારી જોડે જ મારો હાથ પકડીને બેઠો હતો !’ બાળકીએ જવાબ આપ્યો.
ફાધરની આંખમાં આંસુ આવી ગયાં. કદાચ એ સમયે પેલી છોકરી જેવા નાનકડાં ફૂલો નહીં, પરંતુ પોતે હજુ પ્રભુની છત્રછાયા અને કૃપાથી વંચિત રહી ગયા છે એવું એમને જરૂર લાગ્યું હશે !
.
[3] મદદ
વરસો પહેલાંની વાત છે. હોલૅન્ડનું એક નાનકડું ગામ. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો. લોકો મુખ્યત્વે દરિયા પર નભતા એટલે લગભગ દરેકેદરેક ઘરમાંથી એકાદ બે જણને તો દરિયો ખેડવા જવું જ પડતું. ઘણી વખત જ્યારે દરિયામાં તોફાનો આવતાં ત્યારે માછલી પકડવા ગયેલી હોડીઓ એમાં ફસાઈ જતી અને સમયસર મદદ ન મળે તો માછીમારોનો ભોગ પણ લેવાઈ જતો. એટલે વારંવારની આ તકલીફને પહોંચી વળવા ગામલોકોએ ભેગાં થઈને એક મજબૂત બોટ બચાવ માટે વસાવી હતી. ઉપરાંત થોડાક ચુનંદા યુવાનોને તાલીમ આપીને બચાવટુકડી પણ બનાવી હતી. જેવો વાયરલેસ પર મદદનો સંદેશો (S.O.S.) મળે કે તરત જ બચાવટુકડી પેલી મજબૂત બોટ લઈને તોફાનમાં ફસાઈ ગયેલા વહાણ કે હોડીને મદદે નીકળી પડતી.
એક દિવસ એ ગામની કેટલીક હોડીઓ માછલી પકડવા ગઈ હતી. અચાનક તોફાન આવી ચડ્યું. ભયંકર પવન અને રાક્ષસી મોજાંઓની થપાટો એવી હતી કે ભાગ્યે જ કોઈ બચી શકે. મોટા ભાગની હોડીઓ પાછી ફરી ગઈ, છતાં હજુ કોઈક બાકી રહી ગયું હોઈ શકે એવી ધાસ્તી સાથે બચાવ ટુકડી બોટ તૈયાર રાખીને જ બેઠી હતી. એ જ વખતે મદદનો સંદેશો મળ્યો. બચાવ ટુકડીના કૅપ્ટને ગામને જાણ કરી. ગામના લોકો દરિયાકાંઠે ભેગા થઈ ગયા. ગામના સાથે જરૂરી વાત કરી એ મજબૂત બોટ સાથે બચાવ ટુકડી દરિયાનાં ભીષણ મોજાંઓ વચ્ચે અદશ્ય થઈ ગઈ. ગામના લોકો બેચેનીપૂર્વક એમના આવવાની રાહ જોતા કાંઠા પર જ ઊભા રહ્યા. એમાંના ઘણા હાથમાં તોફાનમાં ન ઓલવાય એવા ફાનસ હતા તો વળી કોઈકના હાથમાં દૂર સુધી પ્રકાશ ફેંકી શકે એવી ટૉર્ચ પણ હતી. એકાદ કલાક એમ જ વીતી ગયો. એ પછી જાણે ધુમ્મસનો પહાડ ચીરીને આવતી હોય એમ કાંઠા તરફ આવી રહેલી બોટ દેખાઈ. ખુશીથી ચિચિયારીઓ પાડતાં ગામલોકો સામે દોડ્યા. બોટમાં બેઠેલ દરેક જણ વરસાદ, પવન અને અત્યંત થાકના લીધે ઢીલુંઢફ્ફ થઈ ગયેલું દેખાતું હતું. બોટમાંથી ઊતરીને કાંઠાની ભીની રેતી પર ફસડાઈ પડતાં કૅપ્ટને કહ્યું કે, ‘એક નાનકડી હોડી પર રહેલ એક માણસને બાદ કરતાં બધાને બચાવી લેવાયા છે. ફક્ત એ એક જ માણસને પાછળ છોડી દેવો પડ્યો છે. જો એને બેસાડ્યો હોત તો બોટ ડૂબી જવાનો ખતરો હતો. એટલે બાકી બધાને બચાવવા માટે અમારે એને એની હોડી સાથે જ છોડી દેવો પડ્યો.’
લોકો એકબીજા સામે જોવા માંડ્યાં.
થાક ઓછો થતાં જ કૅપ્ટન ઊભો થયો અને બોલ્યો, ‘ચાલો, હું જાઉં છું. પેલા એકલા માણસને પાછો લાવવા. છે કોઈ મારી સાથે આવવા તૈયાર ? જો કોઈ નહીં જઈએ તો ચોક્કસ એ માણસ ડૂબી જશે. એ ખૂબ જ થાકેલો લાગતો હતો અને એની હોડી પણ ડૂબી જાય એવી જ હતી !’ તાલીમ પામેલ ટુકડી ખૂબ જ થાકી ગઈ હતી. એમાંથી કોઈ ઊભું ન થયું. છેલ્લે એક સોળેક વરસનો છોકરો ઊભો થયો. એ બોલ્યો, ‘તમારી સાથે હું આવીશ, ચાલો !’ એટલું કહીને એ બોટમાં ચડવા જતો હતો ત્યાં જ એની મા દોડતી આવી. એણે એનો હાથ પકડી લીધો અને બોલી, ‘નહીં મારા દીકરા ! હું તને તો નહીં જ જવા દઉં. તારા પિતાજી દસ વરસ પહેલાં આવી જ એક દરિયાઈ હોનારતમાં ડૂબી ગયા હતા. તારો મોટો ભાઈ પૉલ પણ ત્રણ અઠવાડિયાં પહેલા જ માછલી પકડવા ગયો હતો. એ પણ પાછો ન આવ્યો. હવે મારી પાસે બસ તું જ છે, બેટા ! હવે મારો એકમાત્ર આધાર તું જ છે એટલે તને તો નહીં જ જવા દઉં !’
માનો હાથ છોડાવીને મક્કમતાપૂર્વક એ છોકરો બોટમાં ચડી ગયો. બોટ ઊપડી ત્યારે એ બોલ્યો, ‘મા ! ગામ માટે કામ કરવાનો વારો આવે ત્યારે આપણે આપણો સ્વાર્થ જોવાનો ન હોય. મારે ગામ પ્રત્યેની ફરજ બજાવવી જ જોઈએ !’
એ છોકરાની મા આક્રંદ કરતી રહી. ગાંડાતૂર મોજાંઓ વચ્ચે બોટ ફરી એક વાર અદશ્ય થઈ ગઈ. ગામના લોકો એમ જ કાંઠા પર ઊભા હતા. બીજો એકાદ કલાક વીતી ગયો. બધા ચૂપચાપ અને ધડકતા હૈયે ઊભા હતા. થોડી વાર પછી ફરી એક વખત ધુમ્મસ અને અંધકારનો પહાડ ચીરીને આવતી બોટ નજરે પડી. બોટ જરાક નજીક આવી એટલે ગામના થોડાક માણસો સામે દોડ્યા. દૂરથી જ એમણે બૂમ પાડી :
‘અરે ભાઈ ! તમને પેલો માણસ સુખરૂપ મળી ગયો કે નહીં ?’
‘હા ! મળી ગયો !’ બોટમાંથી જવાબ મળ્યો. એ અવાજ પેલા સોળેક વરસના છોકરાનો હતો. એણે બૂમ પાડીને કહ્યું : ‘એ માણસ તો મળી ગયો છે, પરંતુ તમે કોઈ મારી માને કહો કે એ માણસ બીજો કોઈ નહીં, પણ મારો મોટોભાઈ પૉલ છે !’
નિઃસ્વાર્થભાવે કરેલ કામનું વળતર કુદરત તરફથી કંઈક આવું જ મળતું હોય છે !
[કુલ પાન : 80. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]
29 thoughts on “હૂંફાળા અવસર – ડૉ. આઈ. કે. વીજળીવાળા”
ખુબ જ સુન્દર લઘુકથાઓ… એઝ એસ્પેક્ટેડ ફ્રોમ વીજળીવાળાસાહેબ!
સરસ બન્ને ભાઇ ભહેન સરસ લખએ ચે
As usual…Excellent stories from Dr. I.k.Vijalivala..
saras varta che ..
સરસ પ્રેરણાદાયક વાર્તાઓ.આભાર.
હંમેશ મુજબ,ખૂબ જ સરસ પ્રસંગો. વીજળીવાળા સાહેબનુ નવુ પુસ્તક આવ્યુ છે એ જાણીને ખૂબ જ આનંદ થયો.
આભાર,
નયન
જીવનની નરી-નકરી વાસ્તવિકતા સરળ રીતે બતાવો છો,તમે…તમારા જેવા લેખકો જ સૌને સ્પર્શે ને…
All short stories are excellent.
ખુબજ સરસ પ્રસન્ગો … ગનુ સિખવાનુ મડયુ
લઘુકથા ૧ અંગે –
શ્રેીમન્ત વિચારે કે શું કરું તો ભુખ લાગે?
ગરેીબ વિચારે કે ભુખ લાગે તો શું કરું?
very nice,and touchy
thanks
Raj
ખૂબ સુંદર પ્રેરણાત્મક લઘુકથાઓ, લેખકશ્રીને ધન્યવાદ !
મ્જ આવિ.
પહેલા મા સામાજીક સમસ્યા
બીજા મા ઈશ્વર કૃપા
ત્રીજા મા સદ ભાવના
ખુબ સરસ.
Very nice &heart touching story
heat touching story
હિમતે મર્દા તો મદદે ખુદા…
હેલ્લો સર મે રીડ ગુજ્રત મ આપ્ન લેખ વન્ચ્ય મને ખુબજ ગમ્ય ચે હુ તેઅચેર ચુ હુ મર સ્તુદેન્ત્સ ને પન કહિશ ઓક્
“ખુબ જ સરસ અવસર છે, સાહેબ. હું તમારા પુસ્તકો વાંચીને મારાં “મનના માળા”માં જીવનનો “મોતીચારો” ખાઇને “અમૃતનો ઓડકાર” પીને “પ્રેમના પગરવ” પર ચાલતાં ચાલતાં જીવનમાં “અંતરનાં ઉજાસ” સાથે “હુંફાળા અવસર” માણીને ખુબ જ ખુશ છુ.”
આનંદ(અજય) વારસંકિયા
hats off sir…
ખુબજ સુઁદર અને હ્રદયને અસર કરી જાય તેવી લઘુકથાઓ વાંચીને ખુબજ આનંદ આવ્યો
Heart touching short storyes….
I AM A BIG FAN OF U SIR…..
I PRAY TO GOD U WILL BECOME A GREATEST AUTHOR OF THE WORLD
તમારો ખૂબ ખૂબ આભાર ..
Very nice
વીજળીવાળા સાહેબ,
આપની ” દવા ” ગમી.
આના અનુસંધાનમાં … મારી એક કવિતા —
પ્રશ્ન …?
અમીરોને વૈભવી ડાઈનીંગ ટેબલ પરના
ભોજનથાળની અગણિત વાનગીઓ જોઈ…
પ્રશ્ન થાય કે —
ખાવું શું ?
ગરિબોને
ખાલી થાળી જોઈ …
પ્રશ્ન થાય કે —
ખાવું શું ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
બહુ જ સુંદર અભિપ્રાય !
આભાર.
खूब सरस वार्ता ओ से शक्य होय तो मोरारी बापू सुधी पहोसाडशो
ખુબ જ સરસ સહેબ