બાના છેલ્લા દિવસો – મનુબહેન ગાંધી

[ આજે 14મી ફેબ્રુઆરી, વેલેન્ટાઈન-ડે. પ્રેમના નામે કદાચ પ્રેમ સિવાય બીજું ઘણું બધું. ભારતીય દાંપત્યજીવનમાં પ્રેમ તત્વ શું છે એ જોવા માટે મહાપુરુષોના જીવનને નજીકથી જોવું રહ્યું. એ તત્વ કોઈ એક દિવસ માટે નથી, આજીવન છે. કસ્તૂરબા-ગાંધીજીનું જીવન એમાં આદર્શ દષ્ટાંત છે. અહીં તેમના જીવનની કેટલીક અંતિમપળો શબ્દસ્થ થઈ છે, જેમાં આંખોને ભીંજવી દેતું પ્રેમતત્વ સ્પષ્ટરૂપે અનુભવાય છે. વેલેન્ટાઈન-ડે એટલે ગિફ્ટો, સ્ક્રીમો, ફિલ્મો અને ખાણીપીણી નહીં, એ તો છે પ્રેમ તત્વના શાશ્વવત સ્વરૂપને અનુભવવાનો ઉત્સવ… આંખોના ખૂણા ભીનાં કરી દેતો આહલાદક અનુભવ…. પ્રસ્તુત લેખ ‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.– તંત્રી.]

[સ્વ. મનુબહેન ગાંધી 12-13 વર્ષની ઉંમરે જ બા-બાપુ (કસ્તૂરબા-ગાંધીજી) પાસે આવેલાં. આવેલાં તો વેકેશન ગાળવા પણ બાના અને બાપુના અંતિમ દિવસ સુધી તેમની સાથે રહ્યાં. તેમણે પોતાનાં પુસ્તકોમાં બા-બાપુની, તેમના અંતિમ દિવસોની, જેલની, બાપુના પ્રવાસો-કાર્યોની, મુલાકાતીઓની એમ દિનભરનાં કાર્યોની વાતો લખી છે. એ બધી સામગ્રી ઐતિહાસિક અને દસ્તાવેજીય છે. ‘બા-બાપુની શીળી છાયામાં’ એ નામના અઢીસો પાનના પુસ્તકમાંથી મુખ્યત્વે કસ્તૂરબાની અને તેમની અંતિમ વિદાયની વાતો અત્યંત સંક્ષેપ કરીને મૂકી છે.]

આગાખાન મહેલ, પૂના.
તા. 13-2-1944.

આજથી લાહોરથી આવેલા પંડિત શિવશર્માની દવા ચાલી. આજે આખો દિવસ તબિયત બહુ સારી રહી. અમને થયું કે, ખરેખર આ વૈદ્યરાજને યશ મળશે જ. સાંજે તો મોટીબા (કસ્તૂરબા) કહે : ‘મને બાળકૃષ્ણ પાસે લઈ જાઓ.’ મીરાબહેન પોતાના ઓરડામાં બાળકૃષ્ણ રાખતાં અને મોટીબા સાજાં હતાં ત્યારે રોજ જતાં. મોટીબાને પૈડાંવાળી ખુરશીમાં બેસાડી ત્યાં હું લઈ ગઈ. બાપુજી, સુશીલાબહેન, પ્રભાવતીબહેન બધાં ફરતાં હતાં. અને મોટીબા તો બાળકૃષ્ણની પ્રાર્થનામાં લીન થઈ ગયાં હતાં. આ જોઈને બાપુજી ઉપર આવ્યા. બાપુજીને જોઈને મોટીબા સ્મિત કરતાં કહે, ‘તમે ફરવા જાઓ ને ફરતાં ફરતાં અહીં શું કામ આવ્યા ?’ બાપુજી હસી પડ્યા અને કહે, ‘બોલ, હવે સિંહ કે શિયાળ ?’ થોડી મિનિટ આમ વિનોદ કરીને બાપુજી પાછા ત્યાં જ આંટા મારવા લાગ્યા. પ્રાર્થના પહેલાં તુલસીજી પાસે દીવો કરાવ્યો. પ્રાર્થના પણ સરસ રીતે ઘણા દહાડા પછી કરી. પણ રાત્રે ફરી બેચેની શરૂ થઈ.

આગાખાન મહેલ, પૂના.
તા. 18-02-1944.

બિચારા વૈદ્યરાજ તો આજે પૂનાની બજારમાં જાતે જઈને શોધી શોધીને કાઢાઓ સારુ દવા લાવ્યા. પણ એમણેય નિરાશા અનુભવી. બાપુજીને કહ્યું કે, ‘જેટલું બન્યું તેટલું કર્યું, પણ કંઈ ફેર નથી જોતો. એટલે જો હવે ડૉ. સુશીલાબહેન કે ગિલ્ડર સાહેબને કંઈ નવું સૂઝે તો કરે.’ એ બિચારા આટલું કહેતાં ગળગળા થઈ ગયા હતા. પણ બાપુજી કહે, ‘તમે શું કરો ? તમે તમારાથી બનતું બધું કર્યું છે. તકલીફ લેવામાં મણા નથી રાખી. માણસ શક્ય તેટલા પ્રયત્નો કરે, ફળ ઈશ્વરાધીન છે.’ હવે બાપુજીની ઈચ્છા તદ્દન રામનામ પર રાખવાની હતી. પણ બંને ડૉક્ટરો માને તેમ ન હતા.

આગાખાન મહેલ, પૂના.
તા. 20-2-1944.

આજે તો આખી રાત મોટીબા ઑક્સિજનની નળી નાખીને સૂઈ રહ્યાં હતાં. પણ સવારે ‘હે રામ ! હે રામ ! હવે ક્યાં જાઉં ?’ એમ પોકારતાં હતાં. બાપુજી આવ્યા. માથે હાથ ફેરવ્યો એટલે શાંત થયાં અને ‘શ્રી રામ ભજો દુઃખમેં સુખમેં’ એ ચટ્ટોપાધ્યાયની રેકર્ડ સાંભળી. સવારના જેવી બેચેની ફરી શરૂ થઈ ગઈ. ભજન, ગીતાપાઠ, ધૂન તો સતત ચાલતાં જ હતાં. હવે તો મોટીબા પણ દવા લેવાની ના કહે છે. બાપુજીએ પણ કહ્યું કે : ‘હવે એને રામનામની જ દવા. એ સિવાય બીજું બધું બંધ કરો, એને પોતાને પણ એમાં જ શાંતિ છે.’ બાપુજી તો પોતાનું બધું કામકાજ બંધ કરી મોટીબાની સેવા કરવામાં જ લીન થઈ ગયા છે. ઘણોખરો વખત મોટીબા પાસે બેસવામાં જ ગાળે છે. મોટીબાને સાફ કરવામાં વારંવાર નાના રૂમાલો ખરાબ થતા, ને જો અમારામાંથી કોઈ હાજર ન હોઈએ તો બાપુજી જાતે જ ધોતા.

આગાખાન મહેલ, પૂના.
તા. 22-02-1944. (મહાશિવરાત્રી)

ગઈ કાલે દેવદાસકાકા આવી ગયા. પણ આજનો દિવસ ભયંકર છે, એની આગાહી દરેકના મન ઉપર હતી. આખી રાતનો બધાંને ઉજાગરો હતો. સવારે મોટીબા સુશીલાબહેનના ખોળામાં હતાં. બાપુજી પોતાની રોજના ખોરાકની ‘કૅલરીઝ’ લખતા હતા. હું મોટીબાના પગ દબાવતી હતી. સુશીલાબહેનને મોટીબા કહે, ‘મને બાપુજીના ઓરડામાં લઈ જાઓ.’ એટલે સુશીલાબહેને મને ઈશારાથી સમજાવી કે, મોટીબા ફરવાની તૈયારી કરે છે, તું ઊઠ અને ચાદર વગેરે આપ. બાપુજી કૅલરીઝ લખી લેવાની અણી ઉપર હતા. કટેલીસાહેબ કંઈક કાગળ લઈને આવ્યા (મને યાદ નથી કે તે કાગળ શાને વિશે હતો) પણ બાપુજીએ કહ્યું : ‘ચર્ચિલ મને પોતાનો મોટામાં મોટો શત્રુ માને છે. મને અથવા જેની ઉપર જનતાનો વિશ્વાસ છે, તેવાઓને જેલમાં પૂરીને તે દેશને દબાવી નહીં જ શકે. જો જનતાએ ખરા હૃદયે વિશ્વાસ દાખવ્યો હશે તો, હું તો અહીં જ ખપીશ તોય મારું કામ પૂરું થયું માનીશ. પણ મારે સ્વરાજ્ય મેળવવા જીવવું તો છે જ. અને તે જીવવાનો પ્રયત્ન કરું છું. આ કૅલરીઝનો હિસાબ લખવો એ પણ મારે જીવવાના પ્રયત્નોમાંનો એક ભાગ છે. એથી બાની માંદગીમાં બધુંય છોડ્યું છે, પણ આ કામ નથી છોડ્યું.’

આટલું કહી બાપુજી મોઢું ધોઈ મોટીબા પાસે ગયા. સુશીલાબહેન ઊઠ્યાં અને ત્યાં હું બેઠી. બાપુજીએ કહ્યું : ‘હું ફરવા જાઉં ને ?’ મોટીબાએ ના કહી. દરરોજ મોટીબાને ગમે તેટલું અસુખ હોય, પણ ફરવાની ના ન કહેતાં. આજે ના કહી. મારી જગ્યાએ બાપુજી બેઠા. રામધૂન ઈત્યાદિ ચાલતું હતું. પણ બાપુજીના ખોળામાં એમણે થોડી વાર શાંતિ લીધી. અર્ધા કલાક પછી ફરી વાર બાપુજીએ કહ્યું :
‘હવે હું જાઉં ?’
‘હે રામ ! હવે ક્યાં જાઉં ?’
બાપુજી કહે : ‘જવાનું ક્યાં હોય ? જ્યાં રામ લઈ જાય ત્યાં.’
દસ મિનિટ પછી અઢી ઔંસ ગરમ પાણી અને મધ પીધું.
લગભગ દસ વાગ્યે બાપુજીને રજા મળી. બાપુજી કહે : ‘સાવ નહીં ફરું તો માંદો પડીશ, એટલે થોડુંક ફરવું જરૂરી છે.’ સુશીલાબહેન ત્યાં બેઠાં. ફરતી વખતે બાપુજી કહે : ‘બા હવે થોડા વખતની મહેમાન છે. માંડ ચોવીસ કલાક કાઢે તો. કોના ખોળામાં એની આખરી નિદ્રા થશે તે જોવાનું છે.’ પાંચ આંટા મારીને ઉપર આવ્યા. પાંચ પાંચ મિનિટે ડૉ. ગિલ્ડર સાહેબ આવીને જોઈ જતા. બાફેલાં શાકનો છૂંદો કરી તેમાં દૂધ નાખીને બાપુજીને મેં આપ્યું, તે બાપુજી પી ગયા.

બાપુજી સાડા બાર વાગ્યે મોટીબા પાસે ગયા; કઈ ઘડીએ મોટીબા જશે, એવું થઈ ગયું હતું. દેવદાસકાકા, મારા પિતાશ્રી અને હરિલાલકાકાની પુત્રીઓ આવ્યાં હતાં. એટલે બાપુજી જરાક જોઈને આરામ કરવા લાંબા થયા. મેં બાપુજીના પગે ઘી ઘસ્યું. વીસ મિનિટ બાપુજીએ આરામ કર્યો. દોઢેક વાગ્યે કનુભાઈએ કેટલાક ફોટાઓ લીધા અને દેવદાસકાકા ગીતાપાઠ પૂરો કરી મોટીબા પાસે આવ્યા. મોટીબા એમને કહે, ‘દીકરા, તેં મારી પાછળ ઘણા ધક્કા ખાધા. રામદાસને ના પાડજે. એ બિચારો માંદો છે. અહીં સુધી શું કામ નકામો ધક્કો ખવડાવવો ? તમે બધાં ખૂબ સુખી રહો અને તમારું ભોગવો.’ સાડા ત્રણ વાગ્યે દેવદાસકાકા ગંગાજળ અને તુલસીનાં પાન લઈ આવ્યા. એ પીવા બાએ મોઢું ઉઘાડ્યું. દેવદાસકાકાએ થોડું પાયું અને બા શાંત પડ્યાં રહ્યાં. દસેક મિનિટ પછી ફરી બાપુજીએ પણ પાયું. સાડા ચાર વાગ્યે ફરી બાપુજી તરફ જોઈને મોટીબા કહે :
‘મારી પાછળ તો લાડવા ઉડાવવાના હોય. દુઃખ હોય ? હે ઈશ્વર, મને માફ કરજે; તારી ભક્તિ આપજે.’ બીજાં સગાંઓ આવેલાં હતાં એ સહુને મોટીબા કહેતાં : ‘કોઈ દુઃખ ન કરશો.’
પાંચેક વાગ્યા પછી મને કહે : ‘બાપુજીની બાટલીમાં ગોળ થઈ રહ્યો છે, તેં કર્યો ?’
મેં કહ્યું : ‘હા મોટીબા, ગોળ સગડી ઉપર જ છે અને હમણાં થઈ જશે.’
‘જો મારી પાસે તો ઘણાં છે. બાપુજીનું દૂધ, ગોળ (ખાવાનું) બરાબર આપી, તું પણ જમી લેજે.’ આખી જિંદગી પૂ. બાપુજીની બધી સેવામાં રહેવાનું અને મુખ્યત્વે એમના બંને વખતના ભોજનની બારીક તપાસ રાખવાનું એમણે કદી નહોતું છોડ્યું. આજે છેલ્લે દિવસે પણ દર્દની ને ભગવાનની સામે યુદ્ધ કરતાં કરતાંય એમણે એકાએક મને ચેતાવી. આ વખતે તેઓ મારા પિતાશ્રીના ખોળામાં હતાં. મને કહે : ‘જયસુખલાલ અહીં છે, તું જા.’

આ તરફ બાપુ દૂધ પીને મોઢું ધોવા ગયા. બાથરૂમમાં મોં ધોઈને આંટા મારવાના હતા. પણ તેવામાં પ્યારેલાલજીના ઓરડામાં દેવદાસકાકા હતા તેમની સાથે વાતમાં રોકાઈ ગયા. હું પણ દીવો કરવા માટે બાથરૂમના ટેબલના ખાનામાં બાકસ લેવા ગઈ અને ત્યાં ઈન્જેકશન સંબંધી ચર્ચા ચાલતી હતી. મારે કાને બાપુજીના આટલા જ શબ્દો પડ્યા કે, ‘હવે તારી મરતી માતાને શા માટે સોય ભોંકવી ?’ પણ આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા અને હું તો દીવો કરવાની ઉતાવળમાં હતી એટલે ત્યાંથી ચાલી ગઈ. મેં દીવો કર્યો. મોટીબાએ સહુને જયશ્રીકૃષ્ણ કહ્યા. પ્રભાવતીબહેન, મારા પિતાજી એમની પાસે હતાં. એવામાં મોટીબાના ભાઈ માધવદાસમામા આવ્યા. એમને જોયા. બોલવા માગતાં હશે પણ કંઈ બોલી ન શક્યાં. એકાએક કહે, ‘બાપુજી !’ સુશીલાબહેન આવી રહ્યાં હતાં. બાપુજીને યાદ કરતાં જ બાપુજીને બોલાવ્યા. બાપુજી હસતા હસતા આવ્યા. કહે, ‘તને એમ થાય છે ને આટલાં બધાં સગાંઓ આવ્યાં એટલે મેં તને છોડી દીધી ?’ એમ કહી મારા પિતાશ્રીની જગ્યાએ બાપુજી બેઠા. ધીમેથી માથે હાથ ફેરવ્યો. બાપુજીને કહે : ‘હવે હું જાઉં છું. આપણે ઘણાં સુખદુઃખ ભોગવ્યાં. મારી પાછળ કોઈ રડશો મા. હવે મને શાંતિ છે.’ આટલું બોલ્યાં ત્યાં તો શ્વાસ રૂંધાયો. કનુભાઈ ફોટો લેતા હતા, પણ બાપુજીએ તેમને અટકાવ્યા અને રામધૂન ગાવા કહ્યું.

અમે સહુ ‘રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ’ ગાવા લાગ્યાં. એ રામનામના છેલ્લા સ્વરો સાંભળ્યા ન સાંભળ્યાં ત્યાં તો બે મિનિટમાં બાપુજીના ખભા ઉપર મોટીબાએ માથું મૂકી કાયમની નિદ્રા લીધી ! બાપુજીની આંખમાંથી બે ટીપાં આંસુનાં પડી ગયાં. ચશ્માં કાઢી નાખ્યાં. જોકે બાપુજી તો બે જ મિનિટમાં સ્વસ્થ થઈ ગયા, પણ દેવદાસકાકાનું રુદન દેખ્યું જતું નહોતું. માથી વિખૂટા પડેલા નાના બાળકની જેમ તેઓ મોટીબાના પગ પકડીને કરુણ આક્રંદ કરવા લાગ્યા. આમાં અમારી કોઈની હિંમત ક્યાંથી રહે ? એ દુઃખદ પળનું શબ્દમાં વર્ણન કરવાની મારામાં શક્તિ નથી. 7.35 વાગ્યાની સંધ્યા મહાશિવરાત્રિની હતી. દેવળોમાં આરતીના સમયે, અમને રોતાં કકળતાં મૂકીને ભગવાન મોટીબાને પોતાના ધામમાં લઈ ગયા.

મોટીબાના શબને બાથરૂમમાં લાવ્યા. આગાખાન મહેલમાં આવી ત્યારથી મોટીબાના માથાના વાળ હું જ ધોતી અને ઓળતી પણ હું જ. એમના વાળ શિકાખાઈ સાબુથી છેલ્લા આજે મેં ધોયા. બીજાંઓ પણ નવડાવવામાં હતાં. વાળ ધોઈને જે ઓરડામાં મોટીબાએ છેલ્લો શ્વાસ લીધો હતો તે સાફ કરવા કનુભાઈની મદદમાં ગઈ. ગોમૂત્ર અને ગાયના છાણ વડે જગ્યા લીંપી પવિત્ર કરી. મીરાબહેને શબ રહે તેટલા ભાગમાં ચૂના વડે ચોરસો બનાવી માથા તરફના ભાગમાં ફૂલથી ૐ કર્યો, અને પગ તરફના ભાગમાં સાથિયો કર્યો. 1942માં એમણે સંઘરેલી બાપુજીના હાથના સૂતરની જે સાડી પહેરીને અગ્નિદેવની આહુતિમાં પોઢવાની આખરી ઈચ્છા કરી મને સોંપી હતી, તે મેં ધ્રૂજતા હાથે ઓઢાડી. શું ત્યારે જ એમને ભવિષ્ય સૂઝ્યું હશે કે એ સાડી મારે જ હાથે ઓઢશે તેથી સોંપી હશે ? લેડી પ્રેમીલાબહેન ઠાકરસીએ ગંગાજળમાં ભીંજાવેલી એક સાડી મોકલી હતી તે પણ ઓઢાડવામાં આવી. લાલ પટ્ટાની શ્વેત સાડી પહેરાવી, વાળ ઓળી અંદર ફૂલ ગૂંથ્યાં, કપાળ પર ચંદન અને કુમકુમનું લેપન કર્યું, પાસે ઘીનો દીવો અને અગરબત્તી મૂક્યાં. જાણે સાક્ષાત જગદંબા હોય એવું અપૂર્વ તેજ એમના ચહેરા ઉપર ચળકતું હતું. આ તરફ મોટીબાના શબ પાસે વૈષ્ણવજનના ભજનથી પ્રાર્થના શરૂ કરી, આખું ગીતાપારાયણ કર્યું. ગીતાપારાયણ વખતે અઢાર જણાં હતાં. બાપુજી શબની પાસે જ માથા તરફ ટટ્ટાર થઈ આંખ બંધ કરી બેઠા હતા.

પરંતુ ખાટલામાં સૂતી ત્યારે તો સાચે જ થયું કે, ના, હવે મોટીબાની સોડ નહીં સાંપડે. છેલ્લા ઘણા દિવસોથી રાત્રે લગભગ મોટીબાની સોડમાં જ સૂતી હતી. આજે એકલી પડી ગઈ ! મારી પાસે સુશીલાબહેન આવ્યાં. અમે બંને સરખાં દુઃખી હતાં, છતાં મને ખૂબ વહાલથી સમજાવી. પણ ક્યારેક કોઈ વધુ આશ્વાસન આપવા આવે છે, ત્યારે વધુ આઘાત લાગે છે, તે પ્રમાણે થયું. સુશીલાબહેન અને હું એકબીજાને ભેટી પડી રડતાં હતાં. બેએક વાગ્યે બાપુજી જાગ્યા. મને પોતાની પાસે બોલાવી, ખૂબ પ્રેમથી ચાંપી મને કહ્યું : ‘બાએ તારા વિશે મને ઘણીય વાર ભલામણ કરી છે. બા ક્યાંય નથી ગઈ. તું આમ રડશે તો તું મારી પાસે રોજ ગીતા શીખે છે તે બધું પાણીમાં જ જાય ને ? તારી ઉપર તો બાની મોટી આશા હતી. તારી માને બદલે બા મળી, અને બાને બદલે હું છું ને ? તારે મને મા સમજવાની. હજુ સવારના ઘણું કામ કરવાનું છે. અત્યારે તને બધું સમજાવીશ તો ઉજાગરો થશે. માટે શાંતિથી બાનું નામ લઈને સૂઈ જઈશ તો હું પણ ઊંઘી જઈશ.’

આગાખાન મહેલ, પૂના.
તા. 23-02-1944.

સાડા નવ વાગ્યે પ્રાર્થના, વૈષ્ણવજનનું ભજન અને ગીતાનો બારમો અધ્યાય બોલાય પછી અમે સહુએ એક વાર છેલ્લા પ્રણામ કર્યા, અને શબને બહાર વરંડામાં લાવ્યા. ત્યાં ગોર મહારાજે થોડી ધાર્મિક ક્રિયા કરાવી, દેહ ઉપર આખરનું ભાથું મૂક્યું. આ ભાથામાં જવ, તલ, નાળિયેર અને સૌભાગ્યના ચિહ્ન તરીકે પાંચ લીલા કાચની બંગડીઓ મુકાવી. શબને રામરટણ સાથે ચિતાસ્થાન પર લઈ જવામાં આવ્યું. સહુથી પ્રથમ બાપુજીએ હાથ અડાડ્યો ને ત્યાર પછી વારાફરતી સહુએ શબને કાંધ પર લેવાનું પુણ્ય લીધું. મારા હાથમાં ગોર મહારાજે કંકુ અને હળદરની રકાબી આપી હતી, તે હું શબની પાછળ પાછળ છાંટતી આવી. શબને આ લાકડાં ઉપર પધરાવ્યું તે વખતનું દશ્ય તો હૈયું હાથ ન રહે એવું હતું. મહાદેવકાકાની પડખે જ ચિતા ગોઠવાઈ હતી. ‘મારે તો હવે મહાદેવની પડખે સૂવું છે.’ એમ રટનારાં બા ખરેખર આજે ત્યાં જ સૂતાં. ફરી એક વખત હિંદુ, પારસી, ઈસાઈ અને મુસ્લિમ ધર્મોની ટૂંકી પ્રાર્થના થઈ. બારમો અધ્યાય બોલાયો, અને ‘મંગળ મંદિર ખોલો, દયામય ! મંગળ મંદિર ખોલો’ એ ભજન પૂરું થતાં જ, વેદોના મંત્રોચ્ચાર થયા અને દેવદાસકાકાએ શબને પ્રદક્ષિણા કરી આગ મૂકી. ક્ષણ વારમાં ચિતાની જ્વાળા પ્રસરી ગઈ અને સરકારના બંદીખાનામાંથી મોટીબાએ હંમેશને માટે મુક્તિ મેળવી.

બાપુજી આંબલીના ઝાડ નીચે ખુરશી ઉપર બેઠા. કેટલાકે બાપુજીને આરામ કરવા જવા કહ્યું. બાપુજી કહે, ‘હવે આરામ જ કરવાનો છે ને ! ચિતા ચાલુ હોય અને હું અહીંથી જાઉં તો બા મને માફ ન કરે. તમે જુઓ ને કે, હું તો ફરવા જતો જતો, દેવદાસ સાથે વાતો કરવા ઊભો રહ્યો અને મને બાએ અંતઘડીએ યાદ કર્યો. જો હું નીચે ઊતરી ગયો હોત તો ક્યાંથી પહોંચત ? પાંચ જ મિનિટની વેળા હતી. એટલે અત્યારે આમ અધવચ્ચે જાઉં તો બા મારી ઉપર નારાજ થાય ને ?’ બાપુજીએ તો આ હસતાં હસતાં જ કહ્યું, પણ આમાંથી એમની મનોવેદનાનો ચિતાર આજેય મને નજરે તરે છે. અમે દીકરીઓ તો રડી રડીને હૈયું હલકું કરતી હતી અને આશ્વાસન આપનારા બાપુજી હતા, તેથી શાંતિ પણ મેળવતાં. બરાબર 4.40 વાગ્યે મોટીબાના દેહની ભસ્મ થઈ ગઈ.

મારા પિતાજીએ પ્રણામ કરી વિદાય લીધી, ત્યારે બાપુજીએ કહ્યું : ‘મનુની મા રાતથી હવે હું બન્યો છું હો ! તમે ચિંતા ન કરશો. અત્યાર સુધી તો એ જે સેવા નિમિત્તે આવી હતી તે તેણે પૂરી કરી. એ સેવામાંથી બચતા વખતમાં એનો અભ્યાસ થતો હતો. પણ હવે જો સરકાર એને રહેવા દેશે તો એને અહીં રાખીને અભ્યાસ કરાવવાની મારી ઈચ્છા છે.’ મારા પિતાશ્રી માટે તો, મને બાપુજીને સોંપવી એના કરતાં વધુ નિશ્ચિંતતા બીજી કઈ હોય ? હું તો કશુંય બોલી ન શકી; પ્રણામ કર્યા અને અમે વિખૂટાં પડ્યાં. બધાં વિદાય થયાં અને બાપુજી નાહવા ગયા, અમે બધાં નાહવા ગયાં. બધું સૂમસામ ભાસતું હતું. નાહ્યા બાદ અમે સહુએ લીંબુનું શરબત પીધું. ચોવીસ કલાક પછી પાણી પીધું. બાપુજી પણ ખૂબ જ થાકી ગયા હતા. એવામાં રામદાસકાકા આવી પહોંચ્યા. બાપુજીને ગદગદ હૈયે પ્રણામ કર્યાં. એમના મનમાં એમ રહી ગયું કે, એક વખત જીવતાં પણ બાને મળ્યો હોત તો સારું થાત. બાપુજી કહે : ‘બા જીવતી હોત અને તું આવ્યો હોત તો એનું દુઃખ જ જુઅત ને ?’ બધાં જમીને ફરી વખત ચિતાસ્થાને ફૂલ મૂકવા ગયાં. હજુ આગ બળતી જ હતી, ત્યાં ફૂલ મૂકીને પાછાં વળ્યાં. પ્રાર્થના ઈત્યાદિનો ક્રમ થયો. સાંજે (ભજન ગાવાનો અઠવાડિક વારો મારો હતો એ અનુસંધાનમાં) બાપુજીએ મને ભજન ગાવાનું કહ્યું હતું. મેં કહ્યું કે,
‘મારી મોટીબાને ઈશ્વરે લઈ લીધી. હવે તો હું પ્રાર્થનામાંય ભાગ નથી લેવાની અને રામનામ પણ નથી લેવાની.’
બાપુજી હસ્યા : ‘મૂરખ છે.’
‘પણ આજે તો દેવદાસકાકા ગાશે.’ એમ કહી મેં મારી ઉપરથી ભજન ગાવાનું ટાળ્યું. માણસોની સંખ્યામાં તો વધારો થયો હતો, પરંતુ એક મોટીબાના જવાથી એવો સૂનકાર વ્યાપ્યો છે કે જાણે આખા મહેલમાં હું એકલી જ છું અને કામ વગરની બની ગઈ છું.

આગાખાન મહેલ, પૂના.
તા. 24-02-1944.

રાતે ભૂલભૂલમાં બે વખત જાગી ગઈ હતી, અને જાણે મારી ‘ડ્યુટી’ હોય એમ જે ઓરડામાં મોટીબાનું માંદગીનું બિછાનું હતું ત્યાં ગઈ. બારેક વાગ્યા હતા. સુશીલાબહેન લખતાં હતાં. મને જોઈને સમજી ગયાં, અને બંને થોડી વાર રડ્યાં. એમની પાસે સૂઈ ગઈ. બેએક વાગ્યે પણ આમ જ થયું. બે વાગ્યે તો બાપુજીય જાગતા હતા. મને રામનામ લેતાં સૂઈ જવા કહ્યું. સવારના ચાર વાગ્યે પ્રાર્થના થઈ. પ્રાર્થના પછી બાપુજીય ન સૂતા. મેં ઘણા વખતે કલાક કાંત્યું. ફરતાં ફરતાં બાપુજી કહે, ‘જો બાનો સાથ ન હોત તો હું આટલો ચડી જ ન શક્યો હોત. બા મારા હાથમાં જ જાય, મારી પહેલાં જ જાય, એ મારી પ્રબળ ઈચ્છા હતી. બા મારા હાથમાં જ ગઈ એથી એક રીતે આજે હું હળવો બન્યો છું. જોકે એની ખોટ તો પુરાઈ જ નથી શકવાની. જાણ્યેઅજાણ્યે મારી પાછળ ચાલવામાં જ એણે પોતાનો ધર્મ માન્યો.’ આમ મોટીબાનાં સ્મરણોની વાતો થઈ.

થોડાક આંટા મારીને મોટીબાનાં અસ્થિ ભેગાં કરવા લાગ્યાં, ત્યાં એક બહુ આશ્ચર્યજનક ઘટના બની. પૂ. મોટીબાના ઉપર મૂકવા ભાથા માટે મારી જે પાંચ બંગડી મેં આપી હતી, તેમાંની બે પ્રભાવતીબહેનને, એક સુશીલાબહેનને, એક બાપુજીને અને એક મને મળી. બ્રાહ્મણ મહારાજે કહ્યું કે, ‘મારા જીવનમાં મેં કેટલીય આવી ક્રિયાઓ કરાવી છે, પણ આવી ઘટના મેં ક્યારેય નથી જોઈ.’ બાપુજી કહે : ‘મને એમાં નવાઈ નથી લાગતી, કારણ બા એવી જ હતી ને ?’ હિન્દુસ્તાનમાં સતીના સતીત્વનાં પારખાંના ઘણા દાખલા છે. એમાં આ એક પારખું. આખું જીવન એક અગ્નિપરીક્ષામય જીવ્યાં જેમ સતી સીતા. અને એ સૌભાગ્યચિહ્ન બંગડીઓ અવિચ્છિન્ન હાલતમાં અગ્નિદેવે પાછી આપી. અસ્થિ અને ભસ્મ લઈને હું ઉપર આવી. મેં જે બંગડીઓ આપી હતી તે જ રંગની અને તેમાંની જ એક બંગડી સગડીમાં નાખી. તુરત જ એના કટકેકટકા થઈ ગયા.

હવે તો કોઈ જલદી ઊંઘી જવાનું નથી કહેતું, અને આજે આ ડાયરી રાતના સાડાબાર વાગ્યે લખી પૂરી કરી.

[સંક્ષેપ અને સંકલન : રમેશ સંઘવી]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “બાના છેલ્લા દિવસો – મનુબહેન ગાંધી”

Copy Protected by Chetan's WP-Copyprotect.