જો આ હોય મારું અંતિમ પ્રવચન – અમૃતલાલ વેગડ

[ આજીવન નર્મદાની પરિક્રમા કરનાર પદયાત્રી શ્રી અમૃતલાલભાઈ વેગડના આ અંગેના અનેક પુસ્તકો ગુજરાતી સાહિત્યમાં ઉપલબ્ધ છે. ‘કોફીમેટ્સ’- ‘વિકલ્પ’ અને ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી’ના ઉપક્રમે 4 થી ડિસેમ્બર 2011ના દિવસે આપેલા વ્યાખ્યાન ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’માંનું તેમનું વક્તવ્ય અહીં નવનીત સમર્પણ (જાન્યુઆરી 2012)માંથી સાભાર લેવામાં આવ્યું છે.]

કબૂલ કરું છું કે હું સારો પતિ નથી. પરંતુ આ દેશમાં માત્ર સારી પત્નીઓ જ થાય છે, સારા પતિઓ નહીં. રામથી લઈને ગાંધી સુધી કોઈ તો સારા પતિ નહોતા. પછી હું એકલો જ શી રીતે કસૂરવાર ઠરું છું ? પોલેન્ડના એક વૈજ્ઞાનિકને ભાષણ આપવા માટે અમેરિકા જવાનું થયું. એમનું અંગ્રેજી સારું નહોતું. એથી એમણે પોતાના ભાષણની શરૂઆત આ રીતે કરી – My relationship with English is just like my relationship with my wife, I love her but I have no control over her.

અમારાં લગ્નને આ 56મું વર્ષ ચાલે છે. જ્યારે 50 પૂરાં થયેલા ત્યારે અમારે ત્યાં અનેક સ્નેહી-સ્વજનો આવેલાં. ત્યારે મેં કહેલું કે મને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે, પરંતુ મારા જીવનનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર કાન્તા છે. એના સાથ ને સંગાથ વિના હું આ પરિક્રમા કરી જ ન શક્યો હોત. એક જ ઉદાહરણ આપું. એક વાર મેં એને કહ્યું – ચિ. શરદનાં લગ્નવેળા વહુના દાગીના બનાવવા વગર કહ્યે તેં તારાં ઘરેણાં આપ્યાં હતાં. આ વેળા પરિક્રમામાં જવા માટે પૈસાની જોગવાઈ નથી. જો તું તારી વીંટી આપી દે તો મારું કામ બને. કહે – આટલી અમથી વાતમાં આટલું સ્તુતિગાન ! પછી તો –
કાન્તાએ મને વીંટી આપી
વીંટી મેં સોનીને આપી
સોનીએ મને રૂપિયા આપ્યા
રૂપિયા મેં ગાંઠે બાંધ્યા
ને પરિક્રમામાં નીકળી પડ્યો !

મારા જીવનમાં જે પણ મંગલમય આવ્યું, એનું શ્રેય એને છે. હવે એમને એક વિનંતી. મેં એમનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું છે. આશા રાખું છું કે એ પણ મારું પ્રવચન ધ્યાનથી સાંભળશે. આ એટલા માટે કહેવું પડે છે કેમ કે જેવો હું ભાષણ શરૂ કરું એટલે એને થાય કે હું હાલરડાં ગાઉં છું ને એ ઊંઘમાં સરી પડે. જો આ મારું સામાન્ય પ્રવચન હોત તો એ એક માળનું હોત. પરંતુ આ તો મારું અંતિમ પ્રવચન છે એથી એ ચાર માળનું રહેશે. પહેલા માળમાં વતન અને પિતા, બીજા માળમાં શાંતિનિકેતન, ત્રીજામાં નર્મદાની પહેલી પરિક્રમા અને ચોથામાં નર્મદાની બીજી પરિક્રમા રહેશે.

અમે મૂળ કચ્છનાં. પિતા ચુસ્ત ગાંધીવાદી. હરિજનસેવા અને ખાદીપ્રચાર એમનાં પ્રિય કાર્ય. નવજીવનનાં લગભગ બધાં જ પુસ્તકો અમારા ઘરમાં. ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ અને ‘કુમાર’ની પાકી બાંધેલી કેટલીય ફાઈલો અમારા ઘરમાં. ‘કુમાર’ની ફાઈલો મને ખૂબ ગમતી. વ્યવસાય નિમિત્તે પિતા મધ્ય પ્રદેશના જબલપુર આવી ગયા. મારો જન્મ જબલપુરમાં. ઠક્કરબાપા (અમૃતલાલ વિ. ઠક્કર)ના નામ પરથી મારું નામ અમૃતલાલ રાખ્યું. નાની વયે કચ્છ ભણવા મોકલ્યો. ત્યારે ભૂજ પાસે દક્ષિણામૂર્તિના ઢબે ચાલતી સરસ રાષ્ટ્રીય શાળા હતી. નામ હતું સદનવાડી. ત્યાં મને ખૂબ ગમ્યું. સાહિત્ય અને ચિત્રકળા પ્રત્યે પ્રેમ જાગ્યો. મારો ગુજરાતીનો અભ્યાસ માત્ર ચાર ધોરણ સુધીનો. આજે જો હું ગુજરાતીનો લેખક છું તો એનું શ્રેય સદનવાડીને, ‘કુમાર’ ને અને માતૃભાષામાં મળેલા પ્રાથમિક શિક્ષણને છે. પ્રાથમિક શિક્ષણ એ થડ છે. એ જો મજબૂત હોય તો એમાંથી અન્ય ભાષાઓની ડાળીઓ સહેલાઈથી નીકળી શકે.

[શાંતિનિકેતન]
કોલેજનું શિક્ષણ અધૂરું મૂકીને મેં શાંતિનિકેતનની વાટ લીધી. ત્યાં હું પાંચ વર્ષ રહ્યો. ગુરુદેવના જીવનના બે પ્રસંગ કહું. એક વાર એમણે સીતારામ સેકસરિયાને કહ્યું કે શાંતિનિકેતનમાં હિંદી ભણાવવા માટે મેં હજારીપ્રસાદ દ્વિવેદીને નીમ્યા છે. એમને મહિને માત્ર સાઠ રૂપિયા આપું છું. તે પણ એક ભાઈ તરફથી મળે છે. એમનો પત્ર આવ્યો છે કે તેઓ હવે આ સહાય ચાલુ નહીં રાખી શકે. એથી હજારીપ્રસાદને છૂટા કરવા પડશે. બીજો કોઈ ઉપાય નથી. આપણે કલ્પના કરી શકીએ કે ગુરુદેવ કેવી વિષમ પરિસ્થિતિમાં શાંતિનિકેતન ચલાવતા હશે. જો કે એ સ્થિતિ ન આવી ને હજારીપ્રસાદ એમના પદ પર કાયમ રહ્યા.

ગુરુદેવ એમના એક નોકર પર સંપૂર્ણ રીતે નિર્ભર હતા. એ જો મોડો આવે તો ગુરુદેવ અસહાય થઈ જતા. રોજ એ સાત વાગ્યે આવી જતો પરંતુ એક દિવસે સાત વાગ્યા, આઠ વાગ્યા, નવ વાગ્યા, તોય એ ન આવ્યો. જેમ જેમ મોડું થતું ગયું, તેમ તેમ ગુરુદેવનો ગુસ્સો વધતો ગયો. એની સજા પણ વધારતા ગયા. ત્યાં એ બાર વાગ્યે આવ્યો ને રોજની જેમ ઝાડુ લઈને ઓરડો વાળવા લાગ્યો. ગુસ્સે થઈને ગુરુદેવ બોલ્યા – આટલો મોડો કેમ આવ્યો ? નોકરે કહ્યું – મારી દીકરી મરી ગઈ છે. સીધો સ્મશાનેથી આવું છું. આ પછી ગુરુદેવે જે લખ્યું છે, એમની ભાષા તો હું ક્યાંથી લાવી શકું, પણ એનું તાત્પર્ય એ છે કે આપણાં વ્યક્તિગત સુખદુઃખ આપણાં પોતાનાં છે, એનાથી આપણી ફરજમાં, આપણા કર્તવ્યપાલનમાં, જરા પણ ફરક ન પડવો જોઈએ. The show must go on. પાછો વળીને જોઉં છું તો સ્પષ્ટ સમજાય છે કે વિધાતાને મારી પાસે નર્મદા-પરિક્રમાનું કાર્ય કરાવવું હતું, પ્રવાસવર્ણનો લખાવવાં હતાં, ચિત્રો બનાવડાવવાં હતાં અને આ કાર્ય જરા સારી રીતે થઈ શકે એ માટે મારું શાન્તિનિકેતન જવું જરૂરી હતું – પરિક્રમા માટેનું પાથેય મને ત્યાંથી મળવાનું હતું. મારા ગુરુ આચાર્ય નન્દલાલ વસુ પાસેથી મને સૌંદર્ય જોવાની દષ્ટિ મળી. જો એમની પાસેથી શિક્ષણ ન મળ્યું હોત, તો કદાચ મેં પરિક્રમા ન કરી હોત. જ્યારે ત્યાંનું ભણતર પૂરું કરીને ઘરે પાછા વળતી વખતે એમના આશીર્વાદ લેવા ગયો. ચરણસ્પર્શ કરીને બેઠો ત્યારે એમણે કહ્યું – ‘બેટા, જીવનમાં સફળ ન થજે. સફળ થનારાઓની કોઈ કમી નથી. રોજ સવારે વર્તમાનપત્રોમાં એમનાં નામ આપણે જોઈએ છીએ. તું તારું જીવન સાર્થક કરજે.’ ગુરુની આ શીખ મારા જીવનનો મંત્ર બની ગઈ. એમના આ એક વાક્યે મને ચાર હજાર કિલોમીટર ચલાવ્યો. મારું જીવ્યું સાર્થક તો નથી કરી શક્યો પણ એક ઈમાનદાર કોશિશ મેં જરૂર કરી છે.

જીવન સાર્થક કેવી રીતે થાય ?
આ નર્મદા – ઊંચા પર્વત શિખરેથી ઊતરીને, મીઠાં જળની લહાણ કરતી, મેદાનોને ધાન્યથી હર્યાંભર્યાં કરતી ને પોતાનું સર્વસ્વ લૂંટાવતી સમુદ્રમાં મળે છે. જે દિવસે આ નર્મદા આપણી ભીતર પ્રવાહિત થશે, તે દિવસે આપણો દષ્ટિકોણ જ બદલાઈ જશે. આપણે લેવા નહીં પણ દેવા ઈચ્છીશું, જીવવા નહીં પણ જિવાડવા ચાહીશું. છે આ અઘરું. પારકાને માટે જીવવું સહેલું નથી. એમાં બહુ કષ્ટ છે. પણ સ્વેચ્છાએ આપણે જે કષ્ટ વેઠીએ છીએ, એ પણ મધુર લાગે છે. જો આપણે આવું જીવન જીવી શકીએ તો આપણું જીવન સાર્થક થયું ગણાય. આ જ વાતને જરા જુદી રીતે પણ કહી શકાય. જો આપણે દુકાનદારને એક રૂપિયો આપીએ અને બદલામાં એ આપણને એક રૂપિયાની ચીજ આપે, તો આ થઈ કાયદેસર વાત. જેટલું લેવું એટલું આપવું. પરંતુ આપણે ઈચ્છીએ છીએ કે આપણે આપીએ તો રૂપિયો પણ બદલામાં ચીજ મળે સવા રૂપિયાની. એવી જ રીતે દુકાનદાર ઈચ્છે છે કે રૂપિયો લઈને 75 પૈસાની જ ચીજ આપે. વધુ લેવું ને ઓછું આપવું – આ છે અન્યાય. આ કાયદાથી પણ વિરુદ્ધ છે. પરંતુ એક ત્રીજી સ્થિતિ પણ થઈ શકે છે. એવો ઘરાક પણ હોઈ શકે જે રૂપિયો આપીને બદલામાં 75 પૈસાની જ ચીજ ઈચ્છે. તેમ એવો દુકાનદાર પણ થઈ શકે જે રૂપિયાની ચીજ આપીને બદલામાં 75 પૈસા ઈચ્છે. તમે કહેશો કે આવું તે ક્યાંય થાય ? થાય. મહાત્મા ગાંધી અને વિનોબા આનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમણે સમાજથી કેટલું ઓછું લીધું ને કેટલું બધું આપ્યું ! સમાજ પાસેથી બે રોટી ને એક લંગોટી લઈને જિંદગી માનવજાત માટે ન્યોછાવર કરી દીધી. સાચા સાધુસંતો, સેવાભાવી શિક્ષકો કે તન તોડીને મહેનત કરતા ખેડૂતો ને મજૂરો પણ આજ કોટિમાં આવે છે. તો આ જે ત્રીજી સ્થિતિ છે- ઓછું લેવું ને વધુ આપવું – એ મુજબ જે ચાલે છે, એ પોતાનું જીવન સાર્થક કરે છે. આજની ભાષામાં કહું તો જે Producer વધુ છે ને Consumer ઓછો છે.

[નર્મદાની પહેલી પરિક્રમા]
નર્મદાની પરિક્રમા શા માટે કરવી જોઈએ ?
એક પરિક્રમાવાસીએ મને કહ્યું કે જો કોઈને ડૉક્ટર બનવું હોય તો એના માટે મેડિકલ કોલેજ છે, એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયરિંગ કોલેજ છે, પણ જો કોઈને સારા માણસ બનવું હોય તો એના માટે કોઈ કૉલેજ ખરી ? નર્મદા-પરિક્રમા સારા માણસ બનાવવાની કોલેજ છે. 3 વર્ષ 3 મહિના અને 13 દિવસ સુધી એક જ નદીનું ધ્યાન કરતાં ચાલવું, ભીક્ષા માગીને ખાવું, અપરિગ્રહનું પાલન કરવું – આ કંઈ નાનું તપ નથી. વળી એક વૃદ્ધે મને કહેલું, ‘પરિક્રમા દરમિયાન ધારો કે તમે કોઈક પાસે કશું માગ્યું ને એણે ના પાડી. કદાચ અપમાન પણ કરી બેસે. તો એને પણ પ્રેમથી લેજો. આમ કરવાથી અહંકાર નષ્ટ થાય છે. પરિક્રમા અહંનો નાશ કરવા માટે જ તો છે !’ નર્મદા-પરિક્રમાએ મારામાં શ્રદ્ધા અને વિનમ્રતાના ભાવ ભર્યા. મને ભીતરથી સમૃદ્ધ કર્યો. ત્યાંના લોકો પાસેથી હું શીખ્યો કે જીવન સાદું અને સરળ હોવું જોઈએ. નર્મદા પદયાત્રાઓ થકી મને પ્રકૃતિ સાથે ધાર્મિક પ્રેમ થયો. મને લાગ્યું છે કે નદીકાંઠે બેસવું કે હરિયાળાં મેદાનોને નિહાળવાં એ ઉત્તમ કોટિનો સત્સંગ છે. વળી પ્રકૃતિપ્રેમ દેશપ્રેમનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી આ વિશાળ દેશને આપણે એની સમસ્ત ખૂબીઓ સાથે નજરે નહીં જોઈએ, ત્યાં સુધી એના પ્રત્યેનો આપણો પ્રેમ શાબ્દિક જ રહેવાનો. આપણે માત્ર જડ નથી. ચેતન પણ છીએ. આ ચેતનને એનો ખોરાક નિસર્ગ પાસેથી જ મળશે. નર્મદા પદયાત્રાઓનો આરંભ મેં 1977માં કરેલો અને 1999માં પૂરી પરિક્રમા કરી લીધી. આનાં બે પુસ્તકો થયાં – ‘પરિક્રમા નર્મદા મૈયાં’ અને ‘સૌંદર્યની નદી નર્મદા.’

[નર્મદાની બીજી પરિક્રમા]
પરંતુ હું નર્મદાના સંમોહનનો શિકાર થઈ ચૂક્યો હતો. એથી 3-10-2002ના જેવું મને પંચોતેરમું બેઠું કે મેં નર્મદાની પદયાત્રા ફરી શરૂ કરી દીધી. આ યાત્રાઓમાં પત્ની કાન્તા ચાલી. એ સવાહજાર કિ.મી. પગે ચાલી. આ યાત્રાઓનું વૃત્તાંત છે ‘તીરે તીરે નર્મદા’માં.

આ પદયાત્રા મેં સળંગ નહીં પણ કટકે કટકે કરેલી. એક સાધ્વીને મેં કહ્યું કે નોકરીને લીધે આ પરિક્રમા એક સાથે નથી કરી શકતો, તો એમણે કહ્યું કે બેટા, આનું દુઃખ ન કરતો. બુંદીકા લડ્ડુ, પૂરા ખાઓ તો મીઠા ઔર ચૂરા ખાઓ તો મીઠા. આ પદયાત્રા મેં મારાં ચિત્રો માટે નવા વિષયો શોધવા અર્થે કરેલી. ચિત્રો તો થયાં જ, પુસ્તકો પણ થયાં. નર્મદાએ એક ચિત્રકારને લેખક પણ બનાવી દીધો. આમ હું રહેવાવાળો તો રંગોના દેશનો છું, શબ્દોના મલકમાં બસ, આવી ગયો છું. જ્યારે આવી જ ગયો છું ત્યારે એ પણ કહી દઉં કે કઈ દષ્ટિ લઈને આવ્યો છું. જુઓ, એક છે વન, બીજું છે ઉપવન, ત્રીજું છે તપોવન. વન લઘરવઘર હોય છે. એમાં ઝાડીઝાંખરાં હોય છે. માણસ એને વ્યવસ્થિત કરીને ઉપવન બનાવે છે અને કેટલાય સાધક પોતાની સાધનાથી, પોતાની તપસ્યાથી એને તપોવન બનાવે છે. વન-ઉપવન પ્રકૃતિનાં બાહ્ય સૌંદર્યનાં પ્રતીક છે, તપોવન મનુષ્યના હૃદયના આંતરિક સૌંદર્યનું પરિચાયક છે. મારી કોશિશ રહી છે કે મારા લેખનમાં આ બંને સૌંદર્યોને દર્શાવી શકું. ક્યાં સુધી સફળ થયો છું, નથી જાણતો. પરંતુ એક વાત સારી રીતે જાણું છું કે સારા કાર્યમાં અસફળ રહેવું પણ સારું છે. સીતાનું હરણ કરવામાં રાવણ સફળ થયો હતો, અને રોકવામાં જટાયુ અસફળ; પરંતુ જટાયુની અસફળતા રાવણની સફળતા કરતાં હજારગણી શ્રેષ્ઠ છે.

સજ્જનો, પાછલાં 33 વર્ષથી હું નર્મદા-સૌંદર્યની છડી મુબારક લઈને ઘૂમી રહ્યો છું અને ભવિષ્યમાં પણ આ જ કરતો રહીશ. હું જે કંઈ ઉલ્લેખનીય કરી શક્યો છું, એ નર્મદાની પદયાત્રાઓ શરૂ કર્યાં પછી જ. જો નર્મદા મારા જીવનમાં ન આવી હોત, તો મેં નોકરી કરી હોત, રિટાયર થઈ ગયો હોત અને મરી ગયો હોત. પરંતુ હવે આવું નહીં થાય. મરતાંની સાથે જ હું નહીં મરું. કેલેન્ડરમાં ભલે મરી જાઉં પણ મારાં પરિક્રમા પુસ્તકોમાં જીવતો રહીશ. કમસે કમ થોડા વર્ષ તો રહીશ જ. અથવા એમ પણ બની શકે છે કે જ્યાં સુધી નર્મદા રહે, ત્યાં સુધી હું પણ રહું ! 84નો છું. મસાણે જવાના દિવસો આવી ગયા. પરંતુ એ નર્મદા કાંઠેનું હોવું જોઈએ. બીજી જગ્યાનું મસાણ મને નહીં ફાવે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “જો આ હોય મારું અંતિમ પ્રવચન – અમૃતલાલ વેગડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.