અંદર-બહાર – પારુલ કંદર્પ દેસાઈ

[ શ્રી વીનેશ અંતાણી દ્વારા સંપાદિત ‘2005ની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

પોતાની વ્યાકુળતા તરફ કોઈનું ધ્યાન ન જાય એ રીતે, ટૂંકા પણ ઝડપી પગલે, સામા મળે તેની સાથે સ્મિત ફરકાવતી, ઝાકઝમાળભર્યા, ફૂલોની સુગંધથી તરબતર અને અનેક પ્રકારના અવાજોથી ઘેરાયેલા વાતાવરણમાંથી તે બહાર આવી, મર્સિડીઝ સુધી પહોંચી. આરામથી બેઠેલો શૉફર બહેનને વહેલાં આવેલાં જોઈ, ચમકીને એકદમ ઊભો થઈ ગયો અને કારનો દરવાજો ખોલ્યો. પાછળની સીટ પર લગભગ ફસડાઈ પડતાં તેણે કહ્યું : ‘જલદી ઘરે…..’ મૂંઝાયેલા ચહેરે શૉફરે કાર સ્ટાર્ટ કરી. સીમાબહેનને આવી હાલતમાં તેણે ક્યારેય નહોતાં જોયાં. હંમેશા સ્વસ્થ, હસતાં-હસાવતાં, કાળજીપૂર્વક બધાનાં ઘર-પરિવારની ખબર પૂછતાં સીમાબહેનનો ચહેરો આજે કેમ કરમાઈ ગયો છે એ તેને સમજાયું નહીં.

એમ તો સીમાને પણ ક્યાં કશું સમજાયું હતું – સમજવાની સ્થિતિ જ ક્યાં રહી હતી ? બસ, કાનમાં કર્કશતાથી અથડાયા કરે છે એણે નહોતું સાંભળવાનું ને છતાં સંભળાઈ ગયું હતું એ પેલું વાક્ય ! નાના એવા એ વાક્યે દાંપત્યની પહેલી ક્ષણથી આજપર્યન્તનાં નાનાં-મોટાં તમામ દશ્યની સામે મૂકી આપ્યું હતું મોટું પ્રશ્ન ચિહ્ન.

ઘરમાં પ્રવેશી ત્યારે જ સીમાને હાશ થઈ. એની નજર આજુબાજુ, ઉપરનીચે, ચારેકોર ફરી વળી. અહીં બધું પોતાનું અને આગવું હતું. આ ઘરમાં કશુંય એવું નહોતું કે જેના પર સીમાનો સ્પર્શ ન હોય. કેવું રસપૂર્વક આ ઘર એણે સજાવ્યું છે અને ચોખ્ખુંચણાક રાખ્યું છે ! નોકરોનું કામ ગમે નહીં તે જાતે ઘસીઘસીને બધું ચકચકિત રાખ્યું છે. આગળની ગૅલેરી, તેમાં બેસતાં જ દૂર ક્ષિતિજ સુધી ભમી વળતી નજર, ભવ્યતાની સાથે હૂંફનો અનુભવ કરાવતો ડ્રોઈંગરૂમ અને સૌનો ગમતો એવો નકશીદાર હિંચકો. જાતે બનાવેલી, પેઈન્ટ કરેલી ભરેલી, ગૂંથેલી અનેક કલાત્મક ચીજવસ્તુઓ, આ મારું વ્હાલું વ્હાલું ઘર અને એમાં જ સમાઈ જતું મારું નાનકડું વિશ્વ… અને અચાનક સડસડાટ દોડતી ગાડીને શોર્ટબ્રેક મારવી પડે અને એ હચમચી જાય એમ જ સીમાની નજર પાછી વળી. બધે જ તારાં આંગળાંની છાપ છે પણ વિનોદની ? વિનોદનો સ્પર્શ પામી હોય એવી એક પણ વસ્તુ અહીં નથી. બિઝનેસટૂરને કારણે વિનોદ દેશવિદેશમાં ફરે પણ ક્યારેય કશુંય લાવે નહીં.
‘ખરીદી કરવાનું કામ મારું નહીં. એ વિભાગ તમને સોંપ્યો.’ વિનોદ કહેતો.
‘પુરુષોનો સ્વભાવ જ એવો. એના પપ્પાય કશું ન લાવતા.’ સાસુ કહેતાં.
ધીમેધીમે સ્વીકારી લીધું હતું સીમાએ. મનથી પણ વિરોધ નહોતો કર્યો કે વિનોદ માટેના અહોભાવમાંય ઊણપ આવવા દીધી નહોતી. એને તો એ અને એનું ઘર. અને આ બે વાનાંથી રાજી રાજી થઈ જતો વિનોદ. પણ આજે આ ઘર જાણે કે કરાળ ખડક બની અથડાયું. આ ઘરમાં વિનોદ ક્યાંય છે નહીં, અને છતાંય આ બધું તો વિનોદનું છે, વિનોદ માટેનું છે – એમાં તારું શું છે ? આ પ્રશ્ન એની સામે આવીને ઊભો ને એ સુન્ન થઈ ગઈ. એને થઈ આવ્યું જાણે કે પોતે કોઈ અજાણ્યા ઘરમાં ઘૂસી ગઈ છે. એકદમ તે ઊભી થઈ ગઈ ને આંટા મારવા લાગી, અંદરથી બહાર….. બહારથી અંદર… અંદરથી બહાર.

વિનોદે એની અવગણના કે ઉપેક્ષા કરી છે એવું ક્યારેય નથી લાગ્યું. જોકે એવું કશુંય વિચારવાનો સમય જ ક્યાં મળ્યો હતો તેને ? પાંત્રીસ વર્ષ પહેલાં, લગ્નમંડપમાં ચાર ફેરા ફરી, સાવ અજાણ્યા પુરુષનો હાથ પકડી આ ઘરમાં આવી ત્યારે વિનોદે કહ્યું હતું, ‘જો, આ બધું હવે તારું. તું હવે આ ઘરની રાણી અને રાજા પણ તારો.’ બહુ ગમ્યું હતું – જાણે ચક્રવર્તી બની જવાયું હતું ! વિનોદ પ્રત્યે એક કૃતજ્ઞતાનો ભાવ પણ જાગ્યો હતો. વિનોદે આટલી ઝડપથી વિશ્વાસ મૂકીને એનું બધું જ મને સોંપી દીધું ! સુખ છેક ઊંડે સુધી પથરાઈ ગયું હતું. સમથળ. અને પછી તો સાસુ-સસરા, વડસાસુ, નણંદ-દિયરથી આ ભર્યા સંસારમાં તે એવી તો પરોવાઈ ગઈ હતી કે….
‘વહુ બેટા, આજે થોડા ગળ્યા, પોચા, શક્કરપારા બનાવી નાંખજો. બાળગોપાળનેય ચાલે ને મોણ વધુ નાખજો. એટલે અમ જેવાં ઘરડેરાંય ખાઈ શકે…’
‘ભાભી, આજે મારી સાથે ડ્રેસ ખરીદવા આવશો ? કલરચોઈસ તો તમારી જ.’ નાની નણંદ કેયૂરી ગળે વળગીને કહેતી.
‘ભાભી, ગરમાગરમ નાસ્તો અને તમારા હાથની અફલાતૂન ચા મળે ?’ દિયર લાડભર્યું પૂછતો.
‘સીમા, આજે બિઝનેસ મિટિંગ આપણે ઘેર જ રાખી છે અને મિટિંગ પછી ઈટિંગ તો… જોકે તને કશું કહેવાનું હોય જ નહીં. શું સર્વ કરવું એ તારું કામ, મને તો….’ વિનોદનો ફોન આવતો.

આ ભર્યા પરિવારમાં સીમાને કેન્દ્રસ્થાને મૂકી વિનોદ ક્યારે દૂર સરી ગયો – ખસી ગયો, ખબર જ ન પડી. કે પછી એ ક્યારેય સાથે હતો જ નહીં ? પિન્કીનો જન્મ થયો ત્યારે તે વેદનાથી કણસતી હતી. બધાંય તેની આસપાસ હતા પણ વિનોદ તો દૂર તેની બિઝનેસટૂરમાં. વિનોદનું ન હોવાપણું આજે તો અનેક પ્રસંગોમાં સ્પષ્ટ જણાઈ આવે છે…. તો શું એને માટે સીમા એટલે ઘરને સાચવનાર, સરસ આગતા-સ્વાગતા કરનાર એક કુશળ વ્યવસ્થાપક માત્ર હતી ? ઘરના બહોળા પરિવારનાં બધાં જ સભ્યોની માંગ પૂરી કરી શકે એવું હસતું-મલકતું મશીન માત્ર ! હવે યાદ આવે છે કે વિનોદે ક્યારેય એને કોઈ વસ્તુ ખરીદવાની ના નથી પાડી, પણ એણે ક્યારેય કોઈ વસ્તુ હોંશથી લાવી પણ આપી નથી કે પછી ક્યારેય સામે ચાલીને, પૂછીએ તે પહેલાં સાથે આવ્યો નથી. જાણે કે બંને રેલવેના બે પાટાની જેમ સમાંતર જીવ્યાં છે, ન ક્યારેય દૂરત્વ અનુભવાયું ન કદી એકત્વ સધાયું. પતિ-પત્ની વચ્ચે એક સંબંધ રચાવો જોઈએ. સમસંવેદનનો – માળામાં રાહ જોતાં બચ્ચાંને કણકણ ચણ ખવડાવતાં પંખી સમો. એનો અનુભવ આટલાં વર્ષોમાં ક્યારેય થયો જ નથી. તો શું વિનોદે જે વિશ્વાસ મૂક્યો હતો એ એનો સ્વાર્થ હતો ?

ના, માની જ નથી શકાતું. મન પાછું પડે છે. વિનોદ વિશે આવી કશી ધારણા બાંધતા છતાં લોહીઝાણ કરી મૂકે એવી કારમી, નઠોર વાસ્તવિકતા સામે આવીને ઊભી રહી ગઈ છે. સીમાને થયું – જે કંઈ સાંભળ્યું, સમજાયું તે બધું ભૂલી જવાય તો કેવું સારું ? જિંદગી પાછી હતી એવી ને એવી પાટે ચડી જાય તો કેવું સારું ? પણ એવું નહોતું બનવાનું. પેલા એમ જ બોલાયેલા શબ્દો લોહીના અણુએ અણુમાં પ્રસરી ચૂક્યા હતા. વિનોદના મિત્ર કપાસીના દીકરાના રીસેપ્શનમાં તે ગઈ હતી. હંમેશની જેમ એકલી. વિનોદ તો બિઝનેસટૂરમાં હતો. ચહેરા પર સફળ દાંપત્યની હાસ્યધજા ફરકાવતી તે ઘૂમી રહી હતી મોજથી. સાવ અણધાર્યું, એક ધીમેથી કહેવાયેલું વાક્ય સાંભળીને તેના પગ અટક્યા. ભીડની પેલી બાજુ કોઈ પુરુષસ્વર બાજુમાં ઊભેલાને પૂછતો હતો : ‘વિનોદ કેમ દેખાતા નથી આજે ! કપાસી તો એના જિગરી છે.’
દબાયેલા અવાજે સામેથી જવાબ મળ્યો, ‘અહીં ક્યાંથી હોય ? વિનોદ તો લહેર કરે છે પેલી નિશા સાથે. બિઝનેસટૂર અને…. બાકી તો તમે જાણો છો ! પણ વિનોદ છે મુત્સદ્દી હો, ભાભીને અહીં મોકલી આપ્યાં છે, એટલે કપાસીને ખરાબેય ન લાગે અને પોતે તો એય ને…..’ ના, આ વાત મારા વિનોદ વિશે ન હોય – એમ વિચારી પગ આગળ વધવા કરતા હતા ત્યાં જ સંભળાયું :
‘ઘેર ભાભીને ભલે દિલ્હી જાઉં છું એમ કહ્યું હોય પણ ખરેખર તો સાહેબ બહાદુર અત્યારે સિમલામાં છે.’
‘અરે, હોતું હશે ? આ ઉંમરે માણસ….’
‘સાબિતી જોઈએ છે ? સિમલાની હોટલ ગ્રાન્ડ પિક્સનો નંબર આપું ?’

સાંભળનારે ભલે ન કરી, પણ હું તો ખાતરી કરીને જ….. એમ જ કોઈની વાત પર વિશ્વાસ કેવી રીતે કરી લેવાય ? ધડકતે હૈયે એ ફોન પાસે ગઈ. ધ્રૂજતી આંગળીએ નંબર ડાયલ કર્યો ને સામે જે સાંભળવા મળ્યું એનાથી જાણે કે કણકણ થઈ વેરાઈ ગઈ. આંખોમાં ઝરમર આંસુ ને મન સાવ શૂન્ય. રૂમમાં આ બારીએથી પેલી બારીએ બેસતી, મજાથી ઊડાઊડ કરતી ચકલી એકાએક પંખાની સાથે અથડાય ને ફેંકાય જાય એવી જ સ્થિતિ સીમાએ અનુભવી. વર્ષોથી છુપાવાઈ છે તે હકીકત આ છે ? આટલું મોટું છળકપટ પતિ માટેની એની અપાર શ્રદ્ધા સાથે ? તો સીધો, સાદો, બિઝનેસમાં પ્રવૃત્ત, સતત સીમાની પ્રશંસા કર્યા કરતો વિનોદ એ શું માત્ર ઓઢેલો અંચળો ? કેવી અને કેટલી ચાલાકીથી આ રમત એ રમ્યો મારી સાથે ? ક્યારેય કશી શંકા કેમ ન આવી મનમાં ? કે પછી હું જ ભોળી… ભોળી શાની ? મૂરખ કહે મૂરખ ! આટલાં વર્ષો સાથે રહ્યાં છતાં ક્યારેય આછો અણસાર પણ કેમ ન આવ્યો કે આ વિનોદ મારો નથી, લગીરેય મારો નથી. આને શું ગણવું ? પોતાનું ભોળપણ કે વિનોદની કુટિલતા ?

બિઝનેસટૂરથી ક્યારેક બે-ત્રણ દિવસે, ક્યારેક અઠવાડિયે થાક્યો-પાક્યો ઘેર આવે ત્યારે એની અપેક્ષા હોય કે સીમા જ બારણું ખોલે. સીમાને પણ બેલના અવાજ પરથી જ ખબર પડી જાય કે આ તો વિનોદ જ. પગ પંખી બની બારણે પહોંચી જાય. ‘બારણું ખૂલે ને તને જોઉં એટલે મારો અડધો થાક ઊતરી જાય અને બાકીનો થાક નાહીને, તારા હાથની ગરમાગરમ ચા પીઉં એટલે…..’ વિનોદ કહેતો. કેવું સાચું અને સારું લાગતું હતું એ બધું. સીમા સૂટકેસમાંથી મેલાં કપડાં બહાર કાઢી ધોવામાં નાંખે. એ મેલાં કપડાંને અડતાં ક્યારેય એવો વિચાર ન આવ્યો કે કોઈ બીજી સ્ત્રીનો સ્પર્શ અને ગંધ આ કપડાં પર….. આજે આટલાં વર્ષે સમજાય છે કે કોઈ અજાણી, એક સરખી ગંધ આવતી એ કપડાંમાંથી. પણ એનું મન દાંપત્યના રાજમાર્ગ પરથી શંકાકુશંકાની કેડી પર ચાલવા નવરું જ ક્યાં હતું ? કોઈક વાર એ વિનોદને કહેતીય ખરી – ક્યારેક તો મને તમારી સાથે લઈ જાઓ તમારું બિઝનેસવર્લ્ડ જોવા ! પણ વિનોદ કહેતો – ત્યાં તું શું કરે ? હું તો મિટિંગમાં હોઉં. તું એકલી બોર થાય ને અહીંયા તારું રાજ્ય રખડી પડે ! અને સીમા માની જતી, પરોવાઈ જતી પાછી વિનોદવિનાના વિનોદદીધા સંસારમાં. આજે અંધારાને ભેદતી આછી તિરાડના અજવાળે જુએ છે તો સીમાને દેખાય છે કે વિનોદના આ ગોપિત કુટિલ રૂપનાં પગલાંની છાપ તો અહીંતહીં – સઘળે પડેલી જ છે, આજ સુધી એ અદશ્ય હતી એટલું જ. ટપકાં ટપકાંવાળા અદશ્ય ચિત્રમાં બે ટપકાં વચ્ચેની જગ્યા લાઈન દોરતાં દોરતાં જોડીએ અને આપણી જાણ બહાર ખંધા ચિત્તાનું ચિત્ર ઊપસી આવે એમ જ વીતેલાં વર્ષોના એક એક પ્રસંગને જોડતાં આજે વિનોદનો અપ્રગટ ચહેરો સાવ સ્પષ્ટ થઈ ગયો.

ના, હવે તે અહીંયા નહીં રહે, નહીં રહી શકે. આ સુખ-સગવડ-સુવિધાઓને શું કરે તે ? ઘરની સઘળી ચીજવસ્તુ જાણે એની સામે ઉપહાસ કરતી તાકી રહી ! શું આ જ ઘરની રાણી બનીને તે જીવતી હતી ? આ જ ઘરમાં તે હવે વિનોદ સાથે પૂર્વવત જીવી શકશે ? બિઝનેસટૂર પરથી વિનોદ પાછો આવશે તો પહેલાંની જેમ જ હસીને તેના હાથમાંથી સૂટકેસ લઈ લેશે ? તેમાંથી મેલાં કપડાં જુદાં કાઢી ધોવા નાખશે ? પેલી વણ-ઓળખાયેલી ગંધ એને એમ કરવા દેશે ? ના, ના, વિનોદ આવે તે પહેલાં જ આ ઘર છોડીને ચાલ્યા જવું જોઈએ. ઘર છોડવાનો આ વિચાર સંકલ્પ બને ત્યાં જ અંદર રહેલી બીજી સીમા સળવળીને બેઠી થઈ ગઈ. તું આ ઘર છોડવા તો તૈયાર થઈ ગઈ છે પણ એય ભૂલી ગઈ કે પછી વિનોદનું શું થશે ? એની બૅગ કોણ તૈયાર કરશે ? એમાં સંભારીને સૂકો મેવો કોણ મૂકશે ? એના હેન્ડકર્ચીફને મનગમતું સેન્ટ સ્પ્રે કોણ કરી દેશે ? અરે, ઘરમાં એક પણ વસ્તુ જડવાની છે એને ? અને એ માંદો પડશે ત્યારે ? અમસ્થું સહેજ માથું દુઃખે તોય એ ઘાંઘો થઈ જાય છે….. અરે, એક વાર પગે ફેકચર થયું હતું ને ત્રણ મહિના કંપલસરી બેડરિડન રહેવું પડ્યું હતું ત્યારે બધુંય પથારીમાં જ…. નાકમોં ભવા ચડાવ્યા વગર તેં આ બધું…. પેલી નિશા કરશે આ બધું ? સુખડનો હાર પહેરાવેલા સાસુ-સસરાના ફોટા સામે સીમા હાથ જોડી ઊભી રહી ગઈ. તમે માથે હાથ મૂકીને આપ્યા હતા તે આશીર્વાદ કેમ ન ફળ્યા ? તમેય તમારા દીકરાને નહોતા ઓળખતા ને ? શું આ ઘોર અપમાન વેઠવા હું અહીં આવી હતી રાજરાણી બનીને ?

જવાના નિશ્ચય સાથે સીમાએ કબાટ ખોલ્યો. અધધધ થઈ જવાય એટલી સાડીઓ, સ્વેટરો, સ્કાર્ફ ને ગરમ શાલ….. વિનોદે ક્યારેય કશુંય ખરીદવાની ના નથી પાડી. માગ્યા એથીય વધારે પૈસા આપ્યા છે. હીરા-મોતી ને સોનાના સેટ પણ કેટલા !!! વિનોદે જ એક વાર કહેલું – બિઝનેસકિંગ વિનોદ પ્રધાનની પત્નીનો, જ્યાં જાય ત્યાં વટ પડવો જોઈએ અને એવું જ થતું. સીમાની પસંદગી અને પહેરવાની સ્ટાઈલને કારણે તે ટોળામાંથી જુદી તરી આવતી હંમેશ. વિનોદ આવે ત્યારે તે, જે-તે પ્રસંગનો અહેવાલ આવે તે સાંભળીને વિનોદની આંખોમાં સંતોષનો-પ્રશંસાનો ભાવ તરવરી રહેતો. એક-એક સાડી પર સીમાનો હાથ ફરવા લાગ્યો, સાડીઓના ઢગલાઓની વચ્ચેથી, કેટલી ચીવટથી પસંદ કરેલી આ સાડીઓ. તો વળી આ સાસુએ લઈ આપેલી. આ મમ્મીએ, આ બા-ફોઈએ, આ મામા-મામીએ, આ વિનોદના મિત્ર પરદેશ ગયા ત્યારે લઈ આવ્યા હતા. સીમા એકદમ બેસી પડી. આ આખાય કબાટમાં એવું કશુંય કેમ ન હતું, જે વિનોદે એને પ્રેમથી લાવી આપ્યું હોય ! સંબંધનો સેતુ ટકે એવો એકેય તાંતણો પણ વિનોદે છોડ્યો ન હતો તો પછી આટલાં વર્ષો શેને માટે ? ત્યાં જ નીચેના ખાનામાં પડેલાં રેશમી કાપડનાં પોટકાં પર સીમાની નજર પડી. અરે, આમાં વળી શું છે ? સીમાએ એને બહાર કાઢીને ખોલ્યું તો લાલ-પીળાં-નારંગી-સફેદ રેશમી દોરાઓથી ભરેલાં-અધૂરાં રહેલાં મોર ને પોપટ. અર્ધું ભરેલું લીલુંછમ પાન ને એમાંથી અધઝાઝેરું ડોકિયું કરતી ખીલુંખીલું થતી આછી કેસરી કળીઓ ! સીમાની આંખોમાં ચમક આવી ગઈ. પહેલેથી જ ભરત ભરવાનું એને ગાંડપણ ! ભરતનો એકેય ટાંકો એવો ન હોય જે એને ન આવડે. કશુંક નવું જુએ અને એની પાછળ પડી જાય – શીખ્યે જ છૂટકો. શરૂશરૂમાં તો સમય મેળવીને કશુંક ને કશુંક ભર્યા કરતી. વિનોદને ન ગમતું. બજારમાં આનાથી સરસ તૈયાર મળે છે. તું આટલો બધો સમય અને આવી રૂપાળી આંખો એમાં શું કામ બરબાદ કરે છે ? પછી તો ઘરગૃહસ્થીની એક પછી એક એવી જવાબદારી આવતી ગઈ કે બહુ ગમતા આ શોખને આમ જ રેશમી પોટલામાં બાંધીને ઢબૂરી દેવો પડેલો. વર્ષો પછી, આજે જ્યારે હવે આ ઘર છોડવાનું છે ત્યારે આ રેશમી પોટકું છોડ્યું ને…..

વિનોદે આવીને બેલ મારી. થોડી વાર ઊભો રહ્યો. ‘સીમા,’ ફરી બેલ મારતાં બૂમ પાડી, ‘હું છું’ પણ કોઈનો પગરવ સંભળાયો નહીં. ‘એને ખબર તો છે કે હું આજ આવી જવાનો છું.’ અકળાઈને એણે બારણાંને ધક્કો માર્યો તો બારણું ખુલ્લું જ હતું. અંદર પ્રવેશ્યો તો સામે જ હીંચકા પર બેઠી બેઠી સીમા લીલા દોરાથી ભરત ભરવામાં તન્મય હતી. ‘અરે, તું અહીંયા જ છે તો બોલતી કેમ નથી ?’ વિનોદે આશ્ચર્યથી પૂછ્યું, ‘લે, આ સૂટકેસ ને પ્લીઝ, એક કપ ગરમાગરમ ચા.’ પણ સીમા તો ભરત ભરતી રહી અડોલ ને હીંચકો હળવું હળવું ઝૂલતો રહ્યો.

[કુલ પાન : 254. (પાકું પૂઠું). કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “અંદર-બહાર – પારુલ કંદર્પ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.