મગજ રજા ઉપર છે – રજનીકુમાર પંડ્યા

[‘શબ્દસૃષ્ટિ’ ફેબ્રુઆરી-2012માંથી સાભાર.]

મનમાં અને મનમાં વિચારોનો ચરખો ચલાવ્યો. કઈ રીતે ? કે એમ કોઈ આપણને બનાવી જાય એ વાતમાં માલ નથી. હું ભનુભાઈ જ્વેલર્સને ત્યાં જતો હતો ત્યાં ટ્રાફિક સિગ્નલ પાસે હસુએ પોતાની બાઈક આડી નાખી. મને પૂછે છે ક્યાં ઊપડ્યો ? મેં કહ્યું સારા સમાચાર છે, ઘેર જિગાનાં વાઈફને ખોળો ભરવાનો પ્રસંગ છે. તને જૂનો ભાઈબંધ હોવા છતાં નહોતું કેવાયું કારણ કે તારી ભાભીએ લાલ આંખ કરીને કહ્યું છે કે બૈરાંનો પ્રસંગ છે. તમારા કોઈ ફ્રૅન્ડને કહેવાનું નથી. તારે કોઈ વાઈફ હોત તો કે’વારત પણ તારે ક્યાં….હેં….હેં….હેં…..

હસુ કહે, ‘એટલે તને ય ઘર બહાર કાઢી મૂક્યો એમ કહેને.’
‘ના રે’ મેં ગાડીને એક તરફ તારવીને ઊભી કરી દીધી, ‘હું તો વહુ માટે નાકની ચૂની લેવા જાઉં છું.’ પછી બોલ્યો : ‘અમારામાં રિવાજ છે, પગે લાગે ત્યારે સસરાએ વહુના ખોળામાં ચૂની નાખવાની, ચૂની એ નાકનું પ્રતીક છે. વહુ ઘરનું નાક ગણાય.’
‘મુબારકબાદી’ હસુ બોલ્યો, ‘પણ બે મિનિટ મારા માટે કાઢ. આ સામે જ હોસ્પિટલ છે. મારે તને ત્યાં લઈ જવો છે.’
‘વાસ્તે ?’
‘વાસ્તે કંઈ નહિ, બસ, થોડો ટાઈમ કાઢ, ચાલ.’
વખત હતો. આમેય આળસુનો પીર ભનુ જ્વેલર્સ હજુ ખૂલ્યો નહિં હોય તો બેઘડી ટાઈમપાસ, ચાલ.

સમજી લેવું કે ગરીબોના વૉર્ડમાં બધા ગરીબ જ હોય એ જરૂરી નથી જેમ કે ગાંધીનગરમાં બધા (લગભગ કોઈ) ગાંધી નથી. સરનેમ ગાંધી હોય એ વાત જુદી બાકી આમ નહિ. માથે લખ્યું હતું ‘શેઠશ્રી જેજેચંદ શ્રીચંદ શાહ ગરીબ વૉર્ડ’ શું શેઠશ્રી જેજેચંદ ગરીબ હતા ? છતાં એમના નામની પછવાડે આમાં ગરીબ શબ્દ ચોંટ્યો કે નહિ ? મને આવાં ઑડિટ કરવાં બહુ ગમે એમ આમાંય ! ભોંય પર જેની પથારી હતી એવો એક માથે પાટાપિંડીવાળો ખેંખલી જણ કાને મોબાઈલ વળગાડીને બેઠો હતો ને ગાણાં સાંભળતો હતો જ્યારે હસુ મને જે ખાટલે લઈ આવ્યો એ દર્દીની કહેવાતી, ‘ગરીબ’ ધણિયાણીના કાનમાં સોનાનાં ઠોળિયાં ચમકતાં હતાં ! મારી તો ચકોર નજર ! મને કોઈ બનાવી જાય એ વાતમાં માલ નથી. જ્યારે હસુ તો સાધારણ નોકરિયાત છતાં દાનેશ્વરી કર્ણનો અવતાર ! મને કહે છે આ બાઈ નાકની ચૂની ગીરવે મૂકીને એક હજાર રૂપિયા લઈ આવી ને ઘરવાળાને અહીં લઈને આવી. બોલ, સુરેશ, હદ છે ને ?
હું એમ તે કાંઈ વાતમાં આવી જતો હોઈશ ? તરત કહ્યું : ‘તું ગમે તે કહે હસુ, પણ બાઈ આપણને મૂરખ બનાવે છે. બે વાતમાં.’
‘એમ ?’ એને કપાળે કરચલી પડી, ‘કઈ કઈ વાતમાં ?’
‘એક તો તારા કહેવા મુજબ તને એ કહેતી હતી કે પોતાના લગ્નને પંદર વરસ થયાં, તને એ સાચું લાગે છે ? તું ખુદ જો. એ દેખાય છે અઢાર-ઓગણીસની. છોકરુંય વરસ દિવસનું માંડ લાગે છે. એ એક વાત એ ને બીજું એ કે તેં કહ્યું કે એના ઘરવાળાની સારવાર માટે રૂપિયા નહોતા ને નાકની ચૂની રાખીને હજાર રૂપિયા લઈ આવી એ એનું છેલ્લું ઘરેણું હતું. જ્યારે તું જોઈ શકે છે કે એના કાનમાં પીળા ઘ્રમ્મક હેમનાં ઠોળિયાં ઝૂલે છે.’

હું સિરિયલો બહું જોઉં. સી.આઈ.ડી. જેવી કેટલીક તો ક્યારેય છોડું જ નહિને ? એમાંથી બહુ શીખવાનું મળે છે, ગમે તે ઉંમરે બ્રેઈનની એક્સરસાઈઝ કરાવે. એનાથી સવાલો કરવાની શક્તિ પેદા થાય, આપણને કોઈ છેતરી ના જાય. એટલે મારા આવા બોલવાથી હું સી.આઈ.ડી. સિરિયલનો એ.સી.પી. પ્રદ્યુમ્ન હોઉં ને આખી હૉસ્પિટલ એ જાણે કે કલર ટી.વી.નો એલ.સી.ડી. સ્ક્રીન હોય એમ હસુ મારી સામે જોઈ રહ્યો. બિચારો સેવાના ધખારાવાળો જીવ. એની સામે મેં ભવાં ઉલાળ્યાં ને લમણે આંગળી મૂકીને કહ્યું, ‘મૂળ શું ! આવી બધી પોલ પકડવા માટે બ્રેઈન જોઈએ, બ્રેઈન, ડેવલપ્ડ બ્રેઈન !’ (સ્વગત જે તારામાં નથી)

આટલી વાત થઈ ત્યાં પેલીના ઘરવાળાએ ઉંહકારો કર્યો તે બાઈ એની એના તરફ દોડી. દૂર એક ડોશી બેઠેલાં. તે છોકરું જઈને એમની પાસે રમવા માંડ્યું. મેં હસુને પૂછ્યું :
‘ઓહોહો, તને ભગવાન બુદ્ધ જેવી આ કરુણા ઊપજી તે પૂછું છું કે છે શું આ બધું ? આ કેસ શેનો છે ?’
‘મલ્ટીપલ ફ્રેક્ચરનો’ એ બોલ્યા, ‘પોતાના ખેતરમાં આ માણસ માંચડો બાંધીને વધુ પાણી મેળવવા માટે કૂવામાં શારડો ફેરવતો હતો. એમાં માંચડો કડડભૂસ ને આવડો આ સીધો મોંભરિયા અંદર ! માથે મંડાણનાં લાકડાં પડ્યાં.’
‘જોયું ને !’ મેં કહ્યું : ‘આનો મતલબ શું થયો ? જેમાં કૂવો હોય એવું એક ખેતર પણ એની પાસે છે. હમણાં જો તું. બ્રેઈન વાપરીને કેવી કેવી હકીકતો કઢાવું છું એની પાસેથી.’
‘ઘર છે ?’ મેં દરદીને પૂછ્યું.
‘છે.’
‘બળદ ?’
‘છે.’
‘જો દયાળુના દીકરા !’ મેં હસુને કહ્યું, ‘આને જમીન છે, કૂવો છે, બળદ છે, બાળક છે, બૈરી છે ને બૈરીનો દાગીનો પણ છે. હમણાં બાઈ બોલતી હતી એમ ગામ, કયું ગામ કહ્યું ? હા, તાલુકા સેન્ટરથી માત્ર છ કિલોમીટર દૂર આવેલા એના ગામે એના સગાંવહાલાંનાં પચીસ-ત્રીસ ઘર પણ હશે જ. હવે તું જ કહે કે આ માણસ, શું નામ ? અરે જે હોય તે, હા, હવે તું જ કે આદિવાસીને કંગાળ કઈ રીતે કહેવો ? ને તું એને તારા સાંકડા ખિસ્સામાંથી મદદ કઈ રીતે આપવાનો ?’ વળી મેં મારે લમણે આંગળી ધરીને કહ્યું : ‘જરી અરે, જરીક જ, બ્રેઈન વાપરતો હો તો ! બધું દિવા જેવું દેખાય. કોઈની વાતમાં એમ આવી ના જવાય, શું ?’

એટલામાં ડૉક્ટર આવ્યા ને થોડી ચહલપહલ થઈ. ડૉકટર આ દર્દીને જોવાનું મૂક પડતું, ને બાળકને જોવા માંડ્યા. મેં હસુને પૂછ્યું : ‘આ અરધટેણિયાને વળી શું થયું છે ?’
‘ટેણિયો નથી.’ એ બોલ્યો, ‘ટેણી છે. એનું નામ નાથી છે. અરે, એ તો બાર મહિનાની હતી ત્યારે તો આજે જાઉં, કાલે જાઉં કરે એવી માંદગી પડી ગયેલી એમ એની મા કહેતી હતી. આ બચાડી એની મા, તે ધણીને સંભાળે કે આ નખની કટકીને ! અહીં પણ માંદી પડી પણ માંડ માંડ મેં દવા-ઈંજેકશન લાવી આપ્યાં ને માંડ બચાવી જોયું ને ? આજે ડૉક્ટરે પહેલાં એના ખબર-અંતર પૂછ્યાં.’
‘એમાં આપણે શંકા નથી કરતાં’ હું ઠાવકાઈથી બોલ્યો, ‘હશે. ટેણી માંદી પડી હશે. એને ઢોંગ કરતાં ના આવડે. બાકી આ આદિવાસી લોક તો મને ને તમને ઘોળીને પી જાય એવા. આ તો ઠીક કે આપણે જરા….’ વળી મારો હાથ ‘બ્રેઈન’ તરફ જવા કરતો હતો ત્યાં પાછો વાળી લીધો. પછી બહુ કરીએ તો ખરાબ લાગે એમ બ્રેઈનમાં જ ઊગ્યું. દર્દીને ખાટલામાં કોઈક દવા પીવડાવવા બેઠો કર્યો. ને એને માથે મેં વળી ચોટલી ફરફરતી દેખી. તરત જ મનમાં શંકા થઈ. હશે કોઈ ઉચ્ચ વર્ણનો ને આદિવાસીમાં ખપવા માટે નામ બદલી નાખ્યું લાગે છે. છેતરપિંડી નખથી શિખા લગીની ! હદ છે !’
‘કઈ જ્ઞાતિ ?’ મેં એને પૂછ્યું.
‘માળીવાડ – આદિવાસી માળીવાડ, પંચમહાલ તરફના.’ એ ક્ષીણ અવાજે બોલ્યો. વળી મેં એની નજર નોંધીને એની ચોટલી સામે જોયું. એ સમજી ગયો. તે બોલ્યો : ‘અમે ચોટલી રાખીએ.’ પછી બોલ્યો : ‘નહિ તો દેવ કોપે.’
‘ખેતીવાડીમાં મઝા છે ને ?’
‘શેની ખેતીવાડી ?’ એ મરકીને બોલ્યો : ‘અમે બે ય જણાં મજૂરીએ જઈએ ત્યારે માંડ વરસ ઉકલે.’
‘કેમ ?’ મેં પૂછ્યું : ‘જમીન છે, કૂવો ય છે – નથી ?’
‘જમીન ?’ એણે કહ્યું : ‘માણસના ખિસ્સામાં ભલેને છેલ્લો એક પૈસો પડ્યો હોય તોય “પૈસા”વાળો તો કહેવાય જ ને ! એમ હું જમીનવાળો.’
‘મતલબ ?’
‘જમીન છે એક વીઘું’ એણે વીઘાને બદલે વીઘું બોલીને જાણે કે એકડો કરતાં કરતાં મીડું ઘૂંટી દીધું. બોલ્યો : ‘એ પણ લગભગ ખરાબ જેવી એમાં થોડી મકાઈ, થોડી બાજરી વાવીએ. થાગડ થીગડ ગણાય. એમાં મરિયલ જેવા અમારા બળદનું ય માંડ પૂરું થાય. એમાં વળી આ વરસે દુકાળ, તે કૂવાનાં પાણી ઊંડાં જતાં રહ્યાં. તે શારડો ફેરવવા બેઠો ને જઈ પડ્યો સીધો કૂવામાં. કૂવામાં ખાટલો ઉતારીને મને બહાર કાઢ્યો.’
‘અરે’ વચ્ચે જ બાઈ બોલી, ‘સાવ સત વગરના થઈ ગયેલા.’
‘સત વગરના !’ વળી મેં મગજને કામે લગાડ્યું. સત એટલે શું ? સત…..સધ….શધ….શુદ્ધ….શુદ્ધિ. મેં પૂછ્યું : ‘એટલે શુદ્ધિ વગરના ?’
હવે ‘શુદ્ધિ’નો અર્થ એ ના જાણે. બોલી, ‘બેભાન-બેભાન.’
‘પછી ?’
‘પછી તરત દવાખાને તો લઈ જવા પડે ને ! પણ રૂપિયા વગર તો બહાર ડગલું ન દેવાય. હું રૂપિયા ખોળવા ઠેરઠેર ભટકી પણ ના મળ્યા.’
‘કેમ તમારાં સગાંવહાલાં પચ્ચીસ-ત્રીસ તો હશે ને ? કોઈ ના ધીરે ?’ હસુ ક્યારનોય આ સાંભળતો હતો તે હવે બોલ્યો : ‘એના સગાંવહાલાં હોત તો હું અહીં શેનો ઊભો હોત, સુરેશ ?’
ત્યાં તો બાઈ જ બોલી : ‘પણ સગાંવહાલાંય પાછા અમારા જેવાં જ ને ! ખિસ્સે ખાલી તો ડાચું વકાસીને ઊભા રે. પછી શું કરું ? નાકની ચૂની મૂકીને હજાર રૂપિયાનો મેળ કર્યો, બસ એ છેલ્લો જ દાગીનો.’
‘સાવ ખોટ્ટું બોલવું હોય તો બહેન સાચું લાગે એવું ખોટ્ટું બોલો’ મારાથી ના જ રહેવાયું તે બોલ્યો. પણ વ્યંગની ભાષા આ લોક શું જાણે ? એટલે પરદો ચીરી જ નાખ્યો, ચોખ્ખું જ પૂછ્યું : ‘કેમ છેલ્લો ?’ મેં હસુભાઈ ભણી જોઈને આંખ મિંચકારી, ને પછી પૂછ્યું : ‘આ ઠોળિયાં તો બેય કાને ઝગમગ ઝગમગ થાય છે. કેટલા ? બે-ચાર-પાંચ હજારના તો હશે જ ને ! એ દાગીનો ના કહેવાય ?’

બાઈને હસવું આવ્યું ઠે….એ…..એ….એ…એ….. એણે મોં આડો સાડલાનો ડૂચો દીધો : ‘અરે ભાઈ, એ તો પાંચ રૂપિયાવાળા છે. ખોટા છે, ખોટા વધારે ઝગમગે એટલે શું સાચા થઈ ગયા ?’ બ્રેઈન એટલે કે મગજમાં જરા સટાકો બોલી ગયો. આવું તો આપણે વિચારેલું જ નહીં. ઠીક પણ એટલું સમજી લેવું કે આપણે ત્રિકાળજ્ઞાની નથી. ધોખો ના કરવો. મગજને ક્યાં આંખો હોય છે !
‘ઠીક, પછી ?’
‘પછી કોઈએ કીધું કે શહેરમાં ટ્રસ્ટના દવાખાના ભેગા કરો એટલે પછી અમદાવાદ લાવી.’
‘એકલાં જ ?’
‘એકલાં કેવી રીતે અવાય ? જનમ ધરીને પહેલી જ વાર અમદાવાદ જોયું. શહેર કોને કહેવાય એ જ ખબર નહીં.’
‘હશે- પછી ?’
‘અમારી ભેગો અમને મૂકવા મારો પાડોશી સુમરો ગોઠી આવેલો. પણ એની પાસે ય રૂપિયા ના મળે. અહીં લગ ભૂખ્યા તરસ્યા જ આવેલાં. કારણ કે ભૂખ ભાંગવા બેસીએ તો વેંત (નાણાંનો) તૂટી જાય. અમે તો કરગરીને કહ્યું કે રૂપિયા નથી, આપવો હોય તો આશરો આપો, નહિતર આમ ને આમ પાછા જતા રહીએ. ત્યાં આ હસુબાપા મળી ગયા. રૂપિયા એમણે ભર્યા. આમ જગ્યા તો મળી, ખાટલો બી મળ્યો. પણ અમારે ખાવાપીવા તો એક ટંક જોઈએ ને ? વળી થોડીક દવા બહારથી લાવવી પડે. છોકરું છે એને દૂધ-ચા કરવા પડે. આમાં ને આમાં ભાઈ બસોમાંથી ઘટતા ઘટતા રૂપિયા ત્રણ રહ્યા ને સુમરા ગોઠીને પાછો અમારે ગામ મોકલ્યો. એક તો એટલા માટે કે અહીં રહે તો એનો ખર્ચો કેટલો બધો આવે ! બીજું પછી પાછો વધારે નાણાંનો જોગ તો કરવોને !’
‘ક્યાંથી કરવાના હતા ?’ ઊલટતપાસ લીધી તો પૂરી લેવી જોઈએ. એની બધી વાત જેમની તેમ સાચી ના માની લેવાય, આપણે આપણું મગજ તો ચલાવવું જ જોઈએ. પૂછ્યું : ‘તમે કહ્યું ને કે નાકની ચૂની એ તો છેલ્લો જ દાગીનો હતો ? હવે રહ્યું શું ? એ ક્યાંથી પૈસા લાવી શકવાનો હતો ?’

સ્ત્રી નીચું જોઈ ગઈ. વીસ વરસની ઉંમર પર એકાએક બીજા વીસ વરસનો થર ચડી ગયો. ઘરવાળા સામે સંકોચની નજરે જોયું. ઘરવાળાની આંખમાં બધું ભખી જવા માટે ઘરવાળી પ્રત્યે ઠપકાનો ભાવ ઝબકી ગયો. છતાં એ તો અંતે બોલી જ : ‘ચૂની તો’ એણે અડવા નાકે આંગળી અડાડી અને ચમકીને પાછી લઈ લીધી : ‘હવે પાછી આવી રહી. રહ્યા જમીન અને બળદ, તે ગીરો મૂકી દેવા માટે મોકલ્યો સુમરા ગોઠીને. કાકા, દોઢસો બસો તો એની ઉપર મળશે જ ને.’ આલ્લેલે, મને કાકો કીધો ! કાકો તે કઈ તરાહનો ? પણ છતાં ય મગજને જાણે કે કોઈએ વીજળીનો ટાઢો આંચકો આપ્યો. સૌભાગ્યની નિશાની ચૂની તો ગઈ તે ગઈ જ, પણ હવે દોઢસો બસો રૂપિયામાં જ જમીન અને બળદ ? અને પછી ? એ ખૂટે એટલે શું ? ઘરવાળાનું તૂટેલું અંગ તો પણ દુરસ્ત ના થાય તો ? તો શું ? ને નાકનમણ એવી ચૂની ગીરવી મૂકી છે એને છોડાવવાની વાત તો ભૂલી જ જવાની ને ?

નીચે જોયું તો બાળક ઘુઘવાટા કરતું એકલું એકલું રમતું હતું.
‘લગ્નને કેટલાં વરસ થયાં ?’ મેં પૂછ્યું.
‘પંદર’ એ બોલી : ‘અમારામાં તો પાંચ વર્ષની ઉંમરે છોકરીને પરણાવી દે. એણે બાળકી તરફ આંગળી ચીંધી : ‘ચાર વરસ પછી આના ય ફેરા ફેરવી દેવા પડશે.’
‘અરે !’ મેં કહ્યું : ‘તમારો પંદર વરસનો ઘરવાસ. છોકરું તો ઠીક આ એક જ. પણ કાંઈક તો આટલાં વરસમાં રળી રળીને ગાંઠે બાંધ્યું કે નહીં ?’ ભલે રોકડ નહીં તો કંઈ નહીં, પણ ઠામ, ઠોચરાં, લૂગડાં’ વળી વિચાર આવ્યો તે કહ્યું : ‘ભલે પરસેવાના પૈસા હોય પણ એમ પરસેવાની જેમ રેલાવી થોડા દેવાય ? કાંઈક તો બચાવવા જોવે કે નહિ.’ બાઈ બોલી નહીં. પણ બોલતી નજરે મારી સામે જોયું. મારાથી એના અંગ પરના સાડલા તરફ જોવાઈ ગયું. એનો સાડલોય ઘણું ઘણું બોલે એવો.

ત્યાં જ હસુભાઈ બોલ્યા : ‘બહુ ખોદ નહીં તો સારું દોસ, બાઈના અંગ પર આ એક ફાટેલો સાડલો તું જો છો ને ? એ એક જ. એને ધોવાનો થાય ત્યારે બીજા કોઈનો ઉછીનો માગીને પહેરવો પડે – રહેવા દે સુરેશ એ વાત રહેવા દે. તું જે જગતમાં રહે છે એ જગતથી હદપાર આ લોકો જીવે છે. તેં તો એને અમદાવાદ કેટલામી વાર જોયું એમ પૂછ્યું અરે અમદાવાદ તો ઠીક એણે પહેલીવાર જોયું પણ પૂછ ટી.વી., નાટક, સિનેમા કેવા હોય એની એને ખબર છે ? અને તું હમણાં પૂછતો હતો કે ઘર છે ? ત્યારે એણે હા પાડી. કારણ કે ચાર વાંસડા અને પરાળને ટેકે ઊભાં કરેલાં છાપરાંને એ ઘર કહે છે કે જેનાં ઉપર એણે ખાખરા અને સાગટનાં પાન છાવરેલાં છે જેમાંથી ચોમાસામાં હરરોજ પાણી ચૂએ છે એને એ ‘ઘર’ કહે છે કારણ કે એમાં એની ઘરવાળી સાથે એ રહે છે. અને એમાં એને ત્યાં ‘લક્ષ્મીજી’ પધાર્યાં છે. એને કોઈને સહારે સાચવવા મૂકીને પોતાના ખેતરનું થોડું કામ પતાવીને એ બન્ને વગડામાં મજૂરી કરવા ચાલ્યાં જાય છે. મરચાં વીણવા જાય. ખાડા ખોદવા- રેલવેની ચોકડીઓ ખોદવા જાય. જણને રોજના રૂપિયા વીસ મળે ને બાઈને દસ. કોઈક દિવસ એમાં ય ખાડો પડે. કારણ કે કોઈ દિવસ માંદગી, કોઈ દિવસ ક્યાંય લગ્નમરણ હોય ને કોઈ દિવસ કામ જ મળ્યું ના હોય ત્યારે એકાદ ટંક નકોરડો ખેંચી કાઢવો પડે.’
‘બસ બસ’ મેં કહ્યું, ‘કોઈ કહે એ બધું સાચું ના માની લેવું. આ લોકો ને તો એકાદ ટંક પેટપૂરણ ખાવા મળે તો પણ ઘણું. એ લોકોના હાડ જ ભગવાને એવા ઘડ્યા હોય છે. પછી બાઈ તરફ જોઈને મેં પૂછ્યું :
‘રોજ રોજ જમવામાં શું લ્યો ?’
‘રોજ રોજ ?’ એ બોલી, ‘અરે, રોજ રોજ તે ક્યાંથી જમવાનું હોય ! હોય ત્યારે મકાઈના રોટલા, છાશમાં બોળી બોળીને….’
‘શાક ?’
‘બાફેલું કરીએ ! વધાર મોંઘો પડે મારા બાપ, તેલ કેટલાં મોંઘાં ?’

દરદીને જરા જરા ઉધરસ આવવા માંડી. બાઈ એ તરફ ચાલી. મેં હસુભાઈ તરફ ફરીને પૂછ્યું :
‘તને આ લોક ખરા ભટકાઈ ગયા.’
‘અરે, જરા મારી બાઈકની ટક્કર આ બાઈને લાગી ગઈ. એના હાથમાં આ બાળક માટે દૂધ હતું તે ઢોળાઈ ગયું. તે વળી મને જરા દયા આવી તે નવી કોથળી લઈ આપી. બાઈક પાછળ બેસાડીને અહીં લગી આવ્યો ત્યાં આ બધું જોયું જોયું તો આ લોકો એડમિટ થવા માટે ટટળતા હતા, તે પછી……’
પછી શું થયું એની વાત તો બાઈએ જ કરી હતી.
‘ચાલ ત્યારે હું જાઉં’ મેં કહ્યું, ‘હું એમ નથી કહેતો કે બધા જ ખોટા હોય છે પણ……’
હસુએ મારી તરફ તીર જેવી નજર ફેંકી, ‘હા, તું તારે તો જવું હોય તો જા. ભનુ જ્વેલર્સની દુકાન હવે તો ખૂલી ગઈ હશે.’ પછી કહે…. લાવ તારી ગાડી સુધી મૂકી જાઉં.

મારું મગજ મારી સાથે ભયાનક ઝપાઝપી કરતું હતું પણ હું સમજું કે એને ડારો દઈને ચૂપ ના કરી દેવાય. આજ સુધી દિમાગ જ આપણી લક્ષ્મીનું રક્ષણ કરતું આવ્યું છે. નહિ તો બધું ફનાફાતિયા થઈ ગયું હોત. લાગણી નામની ચીજ સાચી પણ એના દાળિયા ના આવે. અને બીજી વાત પણ સમજી લેવી. દૂધની કોથળી આપણાથી ઢોળાઈ ગઈ હોય તો કોથળી એક સાટાની બે લઈ દેવાય. પણ ગાયના લઈ દેવાય. દાન પણ ધડાસરનું જ દેવાય.
***

વહુને માટે નાકનમણની સોનાની ચૂની લેવાનું બજેટ ત્રણ હજારનું રાખ્યું હતું એટલે મેં ભનુને કહ્યું :
‘શુકનની જ લેવાની છે. મારું બજેટ ત્રણ હજારનું છે શું સમજ્યો ?’
‘એક નવી ડિઝાઈન આવી છે.’ એણે શૉ-કેસનું ખાનું બહાર ખોલ્યું : ‘પણ તારે બજેટમાં હજાર વધારે નાખવા પડે. ચાર હજારની પડે. અસલી નંગ જડેલી આવે.’ એકાએક મારા મનમાં નકલી ઠોળિયાં ઝબકી ગયાં. નજર સામે ઝગમગ ઝગમગ બી થયાં. મારાથી બોલી જવાયું :
‘અસલી નંગને બદલે ઈમીટેશન નંગ લઈએ તો ?’
‘તો બે ચૂની આવે.’ ભનુ બોલ્યો, ‘હવે તો સારા સારા ઘરનાં બૈરાં ઈમીટેશન જ પહેરે છે.’ પણ પછી અટકીને મારી સામે જોયું, ‘પણ તારે બે ચૂનીને શું કરવી છે ?’
‘તું જલ્દી બે ચૂની પેક કર.’ હું પોતે બોલ્યા પછી ફરી જવાનો હોઉં એમ મને પોતાને જ લાગ્યું. એ ટાળવા માટે હોય એમ ઝડપથી બોલ્યો : ‘અલગ અલગ કરજે. એક સાદી અને એક ગિફટ પેક કરજે.’
‘ગિફટ પેક ?’ એણે વળી પૂછગંધો લીધો, ‘કોના માટે ?’
‘હસુની છોકરી માટે.’
‘અરે પણ……’ હું ગાડો થઈ ગયો હોઉં એમ ચશ્માં ઉતારીને મારી સામે જોયું, ‘અલ્યા, એ તો પઈણ્યો જ ક્યાં છે ?’ એણે ચમકીને પૂછ્યું : ‘તારું મગજ તો ઠેકાણે છે ને ?’
‘નથી.’ હું બોલ્યો, ‘રજા ઉપર છે.’

[ તંત્રીનોંધ : હકીકતે જેઓ પારકાને પોતાના ગણીને તેમનાં સુખ-દુઃખ પોતાનાં સમજે છે એને તેમને મદદરૂપ થાય છે તેઓને જગત એમ જ કહે છે કે ‘તમારું મગજ તો ઠેકાણે છે ને ?’ જગત બૌદ્ધિક લોકોથી ભરેલું છે. બૌદ્ધિક લોકોને દરેક વાતમાં શંકા પડે છે. બૌદ્ધિક લોકોને હાર્દિક થતાં વાર લાગે છે. તેઓ તર્કબદ્ધ રીતે ગરીબ ને અમીર અને અમીરને ગરીબ સાબિત કરી શકે છે. બળદ, કૂવો, ખેતર, ઘર ભાળીને તેઓ માણસને પૈસાદાર ગણી લે છે…. પરંતુ એ કઈ સ્થિતિમાં છે તે તેઓ જોઈ શકતાં નથી. લેખકે અહીં અભાવનું અને અંદરના ખાલીપાનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. વાર્તાનું સારતત્વ છે તાર્કિક મનને હાર્દિક થવાનો મળેલો બોધપાઠ !]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અંદર-બહાર – પારુલ કંદર્પ દેસાઈ
સાહિત્ય સરવાણી – સંકલિત Next »   

18 પ્રતિભાવો : મગજ રજા ઉપર છે – રજનીકુમાર પંડ્યા

 1. વિપુલ ચૌહાણ says:

  ખુબ જ સંવેદનશીલ વાર્તા, કદાચ ઘણાખરા અર્થે સત્ય ઘટના જ હશે.

 2. SANJAY UDESHI says:

  SANVEDNA SABHAR CHE !! HAKIKAT MA MAGAJ VALA NE SANVEDNA NI ASAR JALDI THATI NATHI !!!!!

 3. devina says:

  it is the only right way to donate generously afterchecking out the need of some person ,otherwise chetra vavalaono kai toto nathi.varta khub gami

 4. devina says:

  bai na ghar-sansar nu hridya-sparshi aalekhan .

 5. Mukund P. Bhatt says:

  ખુબ જ સંવેદનશીલ વાર્તા.

 6. Payal says:

  Great story. Tragady cannot be catagorized in any one way. All emotions are subjective. At what point does one become happy? or unhappy? It is all relative. Here the poor family is calling their place of living home regardless of the fact that it was a mere hut whereas there are people in the so called high class society never satified with all the vast spaces of their bungalows.

 7. Gayatri Sharma says:

  ખરેખર હ્ર્દયસ્પર્શિ વારતા છે. “જોઇ જાણી ને દાન કરવુ વધુ ઉચિત છે એ સારો મેસેજ છે.

 8. Devendra Desai says:

  namste…apne pahela pan patrthi malya 6ie… me vancheli tamari krutioma thi shreshttam kruti… hrudayno avaj bhrmit sukhni eshana ma dabai jay 6….

 9. હ્ર્દય સ્પર્ષી સુંદર વાર્તા!!
  દુખીના દુખની વ્યથા, સુખી ના સમજી શકે,
  સુખી જો એ સમજે તો, દુખ ના વિશ્વમા ટકે.

 10. jignasa reshamwala says:

  ખુબ જ સુન્દર વાર્તા

 11. Bhumika says:

  Story concept was good…..

  But in today’s time it is difficult to identify the people…

 12. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  પંડ્યાસાહેબ,
  બહુ જ હ્રદયસ્પર્સી વાર્તા આપી.મગજથી નહિ પણ હ્રદયથી વિચારો તો જ સમજાય કે હકીકત શું છે. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 13. komal pandya says:

  સંવેદનશીલ વાતાઁ ….

 14. ડો. પુનમચંદ ચિકાણી says:

  હું માનવી માનવ થાઉં તો તે ઘણું.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.