સાહિત્ય સરવાણી – સંકલિત

[1] માતૃવેદના – બાબુલાલ ગોર

તે હિ નો દિવસો ગતા !
આ સૂત્ર જ્યારે મારા વાંચવામાં આવે છે ત્યારે સ્વગત મારાથી નિઃસાસો નંખાઈ જાય છે કે ખરે જ એ સુખના દિવસો ગયા અને એનું એક કારણ છે બાની સ્મૃતિ. બા એટલે મા, જનની, પોતાની કૂખે જન્મ દેનારી જન્મદાત્રી.

બચપણથી જ મારી પ્રકૃતિ બીકણ. જરા અમથી નાનકડી ફોલ્લી થાય તો ય જાણે કેન્સરનું દર્દ થયું હોય તેવો ભય અનુભવું. એવી ફડક બેસી જાય કે ખાવાપીવાનું છોડી સૂનમૂન બની જાઉં. મિત્રવર્ગમાં તો મારા આ બીકણપણાની ઠેકડી ઉડાવવામાં આવે. કવચિત પિતાજી પણ ક્યારેક કંટાળીને અણગમો વ્યક્ત કરે. પરંતુ બાથી મારું આ દુઃખ ન સહેવાય અને મારા દુઃખ-દર્દનું જલદી નિવારણ થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરે. બાધા આખડી રાખે. હું સ્વસ્થ ન થાઉં ત્યાં સુધી પોતે પણ ચેનથી ઊંઘે નહિ.

બચપણની સ્મૃતિ વાગોળું તો એક પ્રસંગ યાદ આવે છે : હું મારી દાદીમાના ખોળામાં બેઠો હતો. મારા પિતાજીને તેઓ કહી રહ્યા હતા કે, ‘દીકરા, મારા શરીરનો હવે કાંઈ ભરોસો નથી. મૃત્યુ એ તો લલાટે લખાયેલું છે તેની ચિંતા નથી ! પણ મને ચિંતા એ સતાવે છે કે, મારા ગયા પછી તારું તથા તારા કુટુંબનું શું થશે ?’ – અને વર્ષો બાદ પ્રભુને પ્યારી થઈ ગયેલી મારી બાના અંતિમ શબ્દો મારી સ્મૃતિ પર પડઘાય છે – ‘બાબુડા, હાણે તું કીરધે કુશે ?’ (બાબુડા, હવે તું કરીશ શું ?) આજે પણ મને આ શબ્દો ગદગદિત કરી મૂકે છે. ઉક્ત પ્રસંગો મમતામયી માતાના વાત્સલ્યસભર હૃદયની તસવીર સ્પષ્ટ કરે છે. અને જાણે સૂચવે છે કે, નિરવધિ કાળની અકળ ગતિ પણ સંતાન પ્રત્યેના માતાના વાત્સલ્યરૂપી પ્રેમવારીમાં ઓટ લાવવા અસમર્થ છે. (‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.)
.

[2] કાનૂન અને કવિતા ! – યશવન્ત મહેતા

કહેવત છે કે ઈસ્ટ ઈઝ ઈસ્ટ ઍન્ડ વેસ્ટ ઈઝ વેસ્ટ ઍન્ડ ધી ટ્વેઈન શેલ નેવર મીટ ! પૂર્વ એ પૂર્વ છે અને પશ્ચિમ એ પશ્ચિમ છે, અને એ બન્ને કદી મળશે નહિ ! એ જ રીતે, કાયદો કર્કશ છે અને કવિતા કોમળ છે; કાયદો તર્ક છે અને કવિતા ઊર્મિ છે, કાયદો રુક્ષ છે અને કવિતા સૂરીલી છે… વગેરે વગેરે; અને એ બેનો મેળ ન ખાય. પરંતુ ક્યારેક અદાલતો અને ન્યાયમૂર્તિઓ કવિતા કે વાર્તા કે પુરાણને કાનૂની પ્રક્રિયામાં સામેલ કરે છે. અરે, એને અનુસરીને ચુકાદા પણ આપે છે. ત્યારે આપણને અહેસાસ થાય છે કે સાહિત્યનો પ્રભાવ સર્વવ્યાપી છે. આવું એક ઉદાહરણ : માર્ચ, 2011માં ભારતની સર્વોચ્ચ અદાલતે પાકિસ્તાનના સત્તાવાળાઓને જાસૂસીના આરોપસર આજીવન કેદની સજા પામેલા ભારતીય નાગરિક ગોપાલદાસને મુક્ત કરવા અનુરોધ કર્યો. આ માટે અદાલતને વિખ્યાત પ્રગતિશીલ શાયર ફૈઝ અહેમદ ફૈઝનો એક શેઅર પ્રાસંગિક લાગ્યો :

કફસ ઉદાસ હૈ, યારો, સબાસે કુછ તો કહો;
કહીં તો બેહરે – ખુદા આજ ઝિક્રે – યાર ચલે.

(દોસ્તો, કેદખાનું પણ ઉદાસ છે. હવાને કાંઈક તો કહો કે ઈશ્વરને ખાતર ક્યારેક દોસ્તોની વાત લાવે !) આ શબ્દોમાં દોસ્તો અને પ્રિયજનોથી લાંબા સમયથી વિખૂટા પડેલા પ્રત્યે સહાનુભૂતિ દાખવવાનો અનુરોધ છે. – સમાચાર છે કે કેટલાક દાયકાઓની કેદ પછી ગોપાલદાસની મુક્તિ થઈ છે. (‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)
.

[3] શ્રી કૃષ્ણનું સરનામું – દિનકર જોષી

કેટલાક માણસો પોતાનાં સરનામાં બૉક્સ નંબરથી આપતા હોય છે : બૉક્સ નંબર 1, 2, 3, 4….. આવા માણસની ઓળખ છતી કરવી અઘરી હોય છે. એ ઓળખ છુપાવવા માગે છે. બીજા કેટલાક માણસો લખે છે – ફલાણો બંગલો, ઢીંકણો રોડ. આ એમનું સરનામું છે. સરનામામાં ક્યારેક ફલાણાની સામે કે ઢીંકણાની બાજુમાં એવીય વિગત ઉમેરવામાં આવે છે. ગાંધીજીના પત્રો ‘મહાત્મા ગાંધી’ એટલું જ લખવાથી એ જ્યાં હોય ત્યાં મળી જતા હતા. અમેરિકાથી એમને લખાયેલા એક પત્રના સરનામાની જગાએ માત્ર એમની તસવીર ચિટકાડી હતી અને આમ છતાં આ પત્ર હિન્દુસ્તાનમાં એ જ્યાં હતાં ત્યાં પહોંચી ગયો હતો. ચાર્લી ચેપ્લીનનો પત્ર ‘જગતનો સહુથી જુઠ્ઠો માણસ – અમેરિકા’ એટલું જ લખવાથી મળી જતો હતો. કેટલીક વાર એવુંય વહેવારિક જગતમાં બને છે કે વિઝીટીંગ કાર્ડમાં આપણે જે સરનામું છપાવતા હોઈએ છીએ ત્યાં ખરેખર આપણું ઘર ન પણ હોય… સરનામું અને ઘર એક જ હોય એ સદભાગ્ય ગણાય. મોટાભાગે ઘરની શોધ કરવી પડે છે- સરનામાં સ્થાયી હોય છે !

કૃષ્ણ-મથુરામાં જન્મયા, ગોકુળમાં નંદોત્સવ થયો. જન્મતાંવેંત સરનામાનું રહસ્ય પ્રગાઢ બન્યું હતું ! કૃષ્ણને શોધવા મહાભારત, ભાગવત, વિષ્ણુપુરાણ વગેરેનાં પૃષ્ઠો ઉથલાવીએ કે એના પુરાવા શોધવા મથુરા, દ્વારકા કે હસ્તિનાપુર ફરી વળીએ…. સહુએ ગોકુળમાં ભલે નંદોત્સવ કર્યો હોય પણ કોઈ જાણતું નહોતું કે જેમનો જન્મોત્સવ મનાવી રહ્યાં છીએ એ બાળકનું પ્રભવસ્થાન તો મથુરામાં કારાગારમાં હતું…. તો પછી કૃષ્ણનું સરનામું ક્યાં ? માણસજાત જે કૃષ્ણત્વને પામવા આદિકાળથી ઝંખે છે એ કૃષ્ણત્વ એટલે શું અને એને ક્યાંથી પામી શકાય ? એનું સરનામું એક જ છે. (‘શબ્દયોગના સાધક શ્રી દિનકર જોષી’ પુસ્તકમાંથી સાભાર.)
.

[4] જીવનને વિકાસલક્ષી બનાવવામાં પરિવારનો ફાળો મહત્વનો છે – વાગ્ભિ પાઠક પરમાર

મારા માટે પરિવારનું સૌથી મહત્વ અંગ એટલે માતા-પિતા, મારા પતિ અને મારી દીકરી. બસ, આ મારો પરિવાર. હું બાળપણથી જ વિભક્ત કુટુંબમાં રહેલી છું પણ એવું નથી કે સંયુક્ત કુટુંબ હોય તેને જ પરિવાર કહેવાય. બરોબર ને ? કુટુંબમાં સભ્યો ગમે તેટલા હોય પણ સાચા માર્ગદર્શક અને લાગણીશીલ સભ્યો થી જ પરિવાર બને… મારા લગ્ન થયા તે પહેલા મેં જુદા-જુદા ઘણા ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો. તે પછી ફેશન ડિઝાઈનીંગ હોય કે ભારતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય કે પછી બ્યુટી પાર્લરનો કોર્ષ. બસ, પહેલેથી હું વર્સટાઈલ પર્સનાલીટી રહી છું. મારા પિતાએ મારી કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી છે. તે હું કેમ ભૂલી શકું ? હું ભણતી ત્યારથી અલગ-અલગ ઈતરપ્રવૃતિઓમાં રસ ધરાવતી. મારા પપ્પા એ મને ખુબ પ્રોત્સાહન આપ્યું. પણ માતાને અલગ પ્રકારનો ડર ! સાસરે શું કરશે ? બસ, દરેક માતાની એક જ કહાની… પિતા મને કારકિર્દીમાં આગળ આધારે અને માતા ઘરકામમાં.

લગભગ 7 વર્ષ પહેલા મારી મરજીથી મારા પ્રેમલગ્ન થયા. માતા-પિતાને થોડી તકલીફ થઈ પણ સમય જતાં બધુ સમુસુતરું ઉતારી ગયું. તેમ છતાં માતા-પિતા બન્નેને ચિંતા… પિતાને થયું કે હવે કારકિર્દી પૂરી અને માતાને એ વાત પરેશાન કરે કે એકલા રહી અને કેમ બધું સાંભળી શકશે. ઘર માં હું અને મારા પતિ. મારા પતિની ત્યારે બહુ આવક હતી નહિ એટલે ના છૂટકે મારે કારકિર્દી પર ધ્યાન આપવું જ રહ્યું. થોડા દિવસો ખુબ કામ શોધ્યું. પણ નિરાશા હાથ લાગી, ત્યાં એક દિવસ મારા પપ્પાએ રેડિયોમાં એક ઉદઘોષણા સાંભળી અને એ હતી રેડિયામાં ઉદઘોષક થવાની ઉદઘોષણા…. બસ પછી શું ? જોતજોતામાં હું ઉદઘોષક પણ બની ગઈ પરંતુ પ્રશ્ન પછી ઊભો થયો. ઘર અને નોકરી બંને એકલા હાથે સંભાળવાનું. thank god !

મારા પતિ મહાશય બધું જ manage કરી લેતા. રસોઈ હોય કે ઘર નું કામ દરેક કામમાં તેમણે મને સહકાર આપ્યો. તેમના સહકારથી હું નિઃસંકોચ ડ્યુટી કરી શક્તી અને ઘરે આવી ને ફરી બાકીના કામમાં લાગી જતી. ૨ વર્ષ પહેલા મારે દીકરી આવી. મને મારા માતા-પિતાનો તો સહકાર મળતો જ પણ મારા પતિ પણ મારું ખુબ ધ્યાન રાખતા. તેમાં ફરી પાછું થયું કે બંને કામો તો કરવાના જ છે અને એક વધુ જવાબદારી મારા શિરે આવી ગઈ છે પણ મને મારા પરિવાર પર પૂરો વિશ્વાસ હતો એટલે કોઈ ચિંતા થઈ જ નહિ. સંજોગ અને સમય આપણી તરફેણમાં હોય અને તેમાં પણ પરિવારનો આવો સહકાર હોય પછી શું ચિંતા ? મારી દીકરી ત્રણ મહિનાની હતી ત્યારથી હું મારા પપ્પા-મમ્મી ને ત્યાં મુકીને નોકરી એ જતી અને હજી જવું પડે છે. આજના દિવસે પણ મારી દીકરી તેના નાના-નાની ને ત્યાં વ્હાલથી ઉછરે છે અને મારા મમ્મી પપ્પાની ખુબ હેવાઈ છે. મને બધા આશ્ચર્યથી પૂછતાં કે આટલી નાની બેબી 7-8 કલાક રહી શકે ? અને હું ગર્વથી મારી દીકરીના વખાણ કરતી. મારે કોઈ વખત રાત જાગવું નથી પડ્યું. આજની તારીખે મારા ઘરે કામ કરવા મેં કોઈ રાખ્યું નથી. બધું જ અમે જાતે કરીએ છીએ અને મારા મમ્મી-પપ્પાને આ વાતનો ગર્વ છે.

મારા પરિવારના ચારેય સ્તંભો ખુબ જ અલગ છે પણ મારા માટે એટલા જ વિશિષ્ટ છે. આ ચારેયમાંથી એક ના પણ સહકાર વગર મારું જીવન અને જીવનયાત્રા આટલા સુંદર અને સરળ ના બન્યા હોત. હું કારકિર્દી અને ઘરકામ બંનેમાં સફળ ના થઈ શકી હોત. મારા જીવનના આ 7 વર્ષમાં મે જેટલો સંઘર્ષ કર્યો એમાં મારા પરિવારે મને ખુબ જ સાથ આપ્યો છે. અને આજે હું ગર્વ થી કહી શકુ છુ કે “હું જે કઈ પણ છું મારા પરિવારના લીધે છું.” દરેક સ્ત્રીને જો આવો પરિવારનો સહકાર મળે તો તે કોઈપણ કામ મજબુરીમાં નહિ, હોંશે હોંશે કરે. અને ઘરકામ હોય કે કારકિર્દી કે પછી ગમે તેવી જવાબદારીમાં પોતાના પ્રાણ પૂરી દે. દરેક વ્યક્તિના જીવનને વિકાસલક્ષી અને ખુબસુરત બનાવવા માટે પરિવાર ખુબ અગત્યનો ભાગ ભજવે છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર)
.

[5] શિક્ષણ, એજ્યુકેશન અને વિદ્યા…. – કૌશિક મહેતા

આજે કઈ શાળામાં દીકરા કે દીકરીને દાખલ કરવા એ મા-બાપ માટે ટેન્શનવાળું કામ છે. સારી શાળામાં એડમિશન મળ્યા બાદ શિક્ષણની ચિંતા, બાળક હોંશિયાર કેમ બને, ક્યાં ટ્યૂશન રખાવવું એની સમસ્યા, એમાંય ધો. 10 કે ધો. 12માં તો છોકરાઓ સતત ટેન્શનમાં રહે છે અને મા-બાપને રાખે છે. આજે શિક્ષણમાં માર્કનો મહિમા વધી ગયો છે. ગોખણપટ્ટી વધી ગઈ છે. કોઈ બાળક કડકડાટ કોઈ ગીત ગાઈ દે, કવિતા બોલે, શ્લોક બોલે તો એની પીઠ થાબડવામાં આવે છે. આ જ રીતે કોઈ બાળકને માપવો એ વાજબી નથી.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીનો એક કિસ્સો છે. એમનો ઉપદેશ સાંભળવા લોકો ઊમટી પડતા. એ વેળા એક પંડિત, દિનાનાથ ભટ્ટ એનું નામ. સંસ્કૃતના પ્રખર વિદ્વાન. સંસ્કૃતના સેંકડો શ્લોકો એમને મોઢે, કંઠાગ્ર. કોઈ એમને શ્લોક બોલવામાં માત ન કરી શકે. એકવાર પંડિત સહજાનંદ સ્વામી પાસે આવ્યો. સ્વામીએ એમનો આદર કર્યો પછી પૂછ્યું :
‘આપ તો સંસ્કૃતના વિદ્વાન છો. આપની યાદશક્તિ અદ્દભૂત છે, પણ એક પ્રશ્ન કરવો છે.’
પંડિત કહે : ‘પૂછોને.’
સ્વામી બોલ્યા : ‘આપને કેટલા શ્લોક મોઢે છે ?’
પંડિત કહે : ‘અઢાર હજાર. કહો તો અત્યારે જ ગાઈ સંભળાવું.’
સ્વામીજી કહે : ‘હમણાં નહીં, ફરી કોઈ વાર વાત. પણ મારે તો એ જાણવું છે કે, આ જે શ્લોક તમને મોઢે છે તેમાંથી મોક્ષ આપવામાં કેટલા ઉપયોગી થાય ?’ પંડીત મૂંઝાયા. થોડું વિચારીને કહે એની તો કોઈ દિવસ ગણતરી કરી નથી. હિસાબ માંડ્યો નથી.
સ્વામીજીએ કહ્યું : ‘તો પછી શ્લોક કંઠાગ્ર હોવાનો અર્થ શો ? જે વિદ્યા મુક્તિ ન અપાવે તેને ગ્રહણ કરવાથી શો લાભ ?’

પંડિત દિનાનાથ ભટ્ટની વાત બધાને લાગુ પડે છે. શિક્ષણ લેવું, પરીક્ષામાં સારા ગુણ મેળવી લેવા એ પૂરતું નથી. એ અધૂરું છે. વિદ્યા ચઢવી જોઈએ. કોઈ વાત આપણે એમને એમ રટ્યા કરીએ એનો અર્થ નથી. એની સમજ પણ હોવી જોઈએ. સમજ ન હોય તો ક્યારેક એમાંથી સમસ્યાનું સર્જન થાય છે. (‘હાર્ટ મેઈલ’ પુસ્તક અને ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “સાહિત્ય સરવાણી – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.