- ReadGujarati.com - http://www.readgujarati.com -

માનવવર્તનમાં કાર્ય-કારણનો નિયમ – જેમ્સ એલન

[ શ્રી માવજી કે. સાવલા દ્વારા અનુવાદિત આ કૃતિ મૂળ ‘Mastery of Destiny’ નામે અંગ્રેજી લેખક જેમ્સ એલનનું સર્જન છે. અહીં તેમાંથી એક પ્રકરણ સાભાર લેવામાં આવ્યું છે. આ પુસ્તકથી છથી વધુ આવૃત્તિઓ થઈ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

વિજ્ઞાન જગતમાં એ સર્વવિદિત નિયમ છે કે દરેક કાર્ય (Effect)નો સીધો સંબંધ એના કારણ સાથે હોય છે. અર્થાત આ જગતમાં પૂર્વવર્તી કારણ સિવાય કોઈ પણ ઘટના બનતી નથી. આ નિયમ માનવવ્યવહારને લાગુ પાડીએ એટલે તરત જ ન્યાયનો-સત્યનો સિદ્ધાંત સ્પષ્ટ થઈ જશે.

એક રજકણથી લઈને સૂર્ય સુધી આ ભૌતિક જગતમાં પૂર્ણપણે એક પ્રકારની સંવાદિતા પ્રવર્તમાન છે અને એના થકી જ ભૌતિક જગત ચાલી રહ્યું છે, અને એ અંગે બધા વૈજ્ઞાનિકો પણ એકમત છે. માત્ર આપણું ભૌતિક જગત જ નહીં, પરંતુ અસંખ્ય ગ્રહો, ઉપગ્રહો અને સૂર્યમાળા વચ્ચે પણ કોઈ એક ચોક્કસ નિયમ થકી સંવાદિતા છે. બધે જ એક પ્રકારની પૂર્ણ વ્યવસ્થા છે. આ જગતનાં વિવિધ ભાતીગળ જીવસ્વરૂપો વચ્ચે પણ એક પ્રકારનો કોઈ સિદ્ધાંત ગૂંથાયેલો જણાય છે. જો આ વૈશ્વિક સંવાદિતામાં એકાંગી રીતે એક નાનું સરખું ભંગાણ પણ થાય તો આ બ્રહ્માંડનું આખું અસ્તિત્વ નષ્ટ થવાનો ભય ઊભો થાય અને માત્ર એક જબરજસ્ત અરાજકતા ઊભી થાય. આવી અરાજકતાને અટકાવવાનું સામર્થ્ય કોઈ મનુષ્યની સીમિત શક્તિના ગજા બહારની વાત છે. માટે જ માનવજાતમાં પણ જે સૌથી ઉત્તમ માણસો, વિવેક-પ્રાપ્ત સજ્જનો હશે, તેઓ બ્રહ્માંડના આ સનાતન કાનૂનને માન આપશે, કારણ કે એથી વધુ પૂર્ણ કશું હોઈ શકે નહીં.

જગતની તમામ વસ્તુઓ, પછી તે સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, આ સનાતન નિયમ – કાર્યકારણના નિયમથી બંધાયેલી છે. જેવી રીતે સ્થૂળ ભૌતિક પદાર્થોમાં આ નિયમ સ્પષ્ટપણે જોઈ શકાય છે, એવી જ રીતે માનવીના વિચારો કે કર્તવ્યો પણ આ નિયમની મર્યાદાથી છટકી શકે નહીં. કચ્છના એક સંત મેકરણદાદાનું એક પદ આમ જ કહે છે :
ભલો કંધે ભલો થીંધો
ભુછો કંધે ભુછો થીંધો
મિડે પ્યા બુજે
મુંકે પ્યા પુછો.
(ભલું કરશો તો તમારું પણ ભલું થશે, બૂરું કરશો તો એના બૂરાં ફળ તમારે જ ભોગવવા પડશે. આ બધું તમે સમજો જ છો, છતાં નાહકનું મને પૂછ્યા કરો છો !)

એક પૂર્ણ સત્યના કાનૂનના આધારે જગત ટકી રહ્યું છે. મનુષ્યનું જીવન અને તેનું આચરણ આ કાનૂનને આધીન છે. આ જગતની જીવન અંગેની વિવિધ પરિસ્થિતિઓ આપણને જે દેખાય છે તે આ જ સનાતન અફર કાનૂનના ફળ રૂપે છે. મનુષ્ય પોતે જ પસંદગીપૂર્વક એવાં કાર્યો કરે છે કે જે કારણરૂપ બનીને એ કાર્યોનાં ફળ પ્રાપ્ત કરાવે છે. અને આ રીતે ભોગવવાં પડતાં પરિણામોને તે ટાળી શકે નહીં; પરંતુ એટલું તો ચોક્કસ નક્કી કરી શકે કે કેવા વિચારો કરવા, કેવું આચરણ કરવું. માણસ પાસે કશુંક કરવાની બધી શક્તિ હોય, પરંતુ આવું એક કર્મ કરતાંની સાથે જ એની એ શક્તિનો અંત આવે છે અને પછી એ કર્મના પરિણામને ફેરવવાની કોઈ પણ શક્તિ એની પાસે નથી; કારણ કે પોતાના જ કરેલ કાર્યના પરિણામમાંથી તે છટકી શકતો નથી. આ પરિણામ અફર હોય છે. અશુભ વિચારો અને અશુભ કાર્યો દુઃખ અને યાતના નીપજાવે છે, જ્યારે શુભ વિચાર અને શુભ કાર્ય આશીર્વાદરૂપ સુખદ પરિસ્થિતિ લાવે છે. આ રીતે મનુષ્યની શક્તિ સીમિત છે. અને તેનાં સુખ-દુઃખ તેનાં પોતાનાં જ કાર્યો થકી નિર્ધારિત થાય છે. આ સીધા સાદા સત્યને જાણી લેવાથી જીવન સાદું, સરળ અને કશી પણ ઉલઝનો વગરનું સ્પષ્ટ બને છે; જીવનનો રાહ સીધો અને સરળ રાજમાર્ગ જેવો બને છે અને પછી વિવેકબુદ્ધિનાં શિખરો સહેજે સર થતાં રહે છે. દુઃખ અને અનિષ્ટમાંથી મુક્તિનો દરવાજો સહજતાથી ખુલ્લો દેખાય છે.

જીવન શું છે ? જીવનની સરખામણી ગણિતના એક દાખલા સાથે કરી શકાય. જેને આ ગણિત નથી આવડતું અને આ ગણિતની ચાવીઓ નથી સમજ્યો એના માટે જીવન અત્યંત ભયજનક, કઠિન અને જટિલ દેખાશે; પરંતુ એક વાર આ ગણિત શીખી લીધા બાદ જીવન આશ્ચર્યજનક રીતે સાદું, સરળ જણાશે. આ સમજવા માટે આપણે ગણિતશાસ્ત્રનું એક ઉદાહરણ લઈએ. એક દાખલો ખોટો ગણવા માટે જુદા જુદા માર્ગો હોઈ શકે. પરંતુ એનો સાચો જવાબ મેળવવામાં એક જ ઉકેલ હોઈ શકે અને એ જ્યારે સાચો ઉકેલ-સાચી પદ્ધતિ મળી આવે છે, ત્યારે બધી ગૂંચવણોનો વિદ્યાર્થી માટે અંત આવે છે. એ સાચું છે કે દાખલો ખોટી રીતે ગણતી વખતે વિદ્યાર્થીને તો એમ જ લાગે છે કે તેણે એ સાચી રીતે જ ગણ્યો છે. પરંતુ આમ છતાં તે કંઈક દ્વિધામાં છે – મૂંઝવણમાં છે. અને જો તે નિષ્ઠાવાન હશે તો જ્યારે શિક્ષક એને ભૂલ બતાવશે ત્યારે પોતાની ભૂલ એ સમજી જશે. જીવનમાં પણ એમ જ બને છે. માણસ એમ સમજે છે કે તે સાચી રીતે જીવી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં અજ્ઞાનને કારણે તેનું જીવન સતત ખોટી રીતે ચાલતું હોય છે. પરંતુ જ્યારે તે મૂંઝવણ અનુભવે છે, શંકા કરે છે અને વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે તેને અસંતોષ પેદા થાય છે ત્યારે તેને સમજાય છે કે હજી તેને જીવનનો સાચો રાહ પ્રાપ્ત થયો નથી.

એવા મૂર્ખ અને લાપરવાહ વિદ્યાર્થીઓ હોય છે કે જેઓ ગણિતના આંકડાઓ સમજ્યા વગર જ પોતાના દાખલાને સાચો ગણાવ્યા કરે છે; પરંતુ શિક્ષણની કુનેહ અને આવડતથી તેમની ભૂલ પ્રત્યે ધ્યાન દોરાય છે. જીવનની ઘટનાઓ અંગે કંઈક આવું જ છે. જીવનના દાખલાઓના સાચા જવાબો કુદરતનો સનાતન કાનૂન આપણી સામે વારંવાર ખુલ્લા મૂકે છે. 2+2 એટલે 4 જ થાય, એ હંમેશને માટે સાચું હોય છે અને કોઈ પણ અજ્ઞાન, મૂર્ખાઈ કે ભ્રમણા 2+2ના સરવાળાને 4 ને બદલે 5 વાસ્તવમાં બનાવી શકે નહીં. જો ઉપરછલ્લી રીતે એક કાપડના ટુકડાને આપણે જોઈએ તો એ માત્ર એક કાપડ જ દેખાશે. પરંતુ જો આપણે વધુ ઊંડાણપૂર્વક એ કાપડના બનાવટ વિશે વિચારીએ અને એકાગ્રતાથી તપાસીએ તો જણાશે કે જુદા જુદા તાંતણાઓના સમૂહથી એ બનેલું છે અને જોકે એ બધા તંતુઓ એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજા પર આધારિત છે, તેમ છતાં એ દરેક તંતુનું એક સ્પષ્ટ અસ્તિત્વ છે જ. અને બધા તંતુ વચ્ચે કશો ગૂંચવાડો નથી પરંતુ એક પ્રકારની અરસપરસ સંવાદિતા છે. આ રીતે જુદા જુદા તંતુઓ વચ્ચેના ગૂંચવાડાનો કે અવ્યવસ્થાનો અભાવ જ એક સુંદર કાપડને જન્મ આપે છે; અને જો તંતુઓ વિસંવાદીત રીતે અરસપરસ ગૂંચવાઈ જાય તો કાપડ બનવાને બદલે નકામા ફેંકી દેવાલાયક ચીંદી કે કચરાનું સ્વરૂપ તે પામે છે. જીવનનું પણ આવું જ છે. માનવજીવન એ વ્યક્તિગત માનવીઓનો સમૂહ છે. તંતુઓની જેમ દરેક માનવી અરસપરસ આધારિત છે અને એકબીજા સાથે અવ્યવસ્થિત રીતે ગૂંચવાયેલો નથી. દરેક વ્યક્તિ પોતપોતાનાં કર્તવ્યોના ફળરૂપે સુખદુઃખ જાતે જ ભોગવે છે. દરેકનો પોતપોતાનો માર્ગ સ્પષ્ટ અને સરળ છે. સમષ્ટિરૂપે જટિલ દેખાવા છતાં જુદી જુદી ઘટનાઓના સંવાદપૂર્ણ સંયોજન જેવું જીવન બની શકે છે. ક્રિયા અને પ્રતિક્રિયા, કાર્ય અને તેનું પરિણામ, કારણ અને કાર્ય, અને એકબીજાને સમતોલ કરનાર પ્રતિક્રિયાઓ, પરિણામો હંમેશાં એક ચોક્કસ પ્રમાણમાં હોય છે.

ટકાઉ અને સુંદર કાપડ ગમે તેવા હલકી જાતના કાચા માલમાંથી બની શકતું નથી; એવી જ રીતે સ્વાર્થી અને નીચ કાર્યોના તંતુઓ ભેગા મળીને અર્થપૂર્ણ અને સુંદર જીવનનું નિર્માણ કરી શકે નહીં. દરેક વ્યક્તિ પોતાનું જીવન સુંદર પણ બનાવી શકે અને નકામું કે હાનિકારક પણ બનાવી શકે; અને એ માટે તે બીજા કોઈને, પોતાના પડોશીને કે કોઈ ત્રાહિતને દોષી ઠરાવે છે. મનુષ્યનો પ્રત્યેક વિચાર, એનું પ્રત્યેક કાર્ય કાપડમાંના એક તાંતણા જેવું છે. એ તાંતણો જેવો ખરાબ કે જેવો સુંદર હશે એવું જ જીવનરૂપી કાપડ બનશે. એના પડોશીનાં કર્તવ્યો માટે એ જવાબદાર નથી. એના પડોશીનાં વર્તન માટેનો એ ચોકીદાર નથી. તે માત્ર તેનાં પોતાનાં કાર્યો માટે જ જવાબદાર છે અને માત્ર પોતાની જ વર્તણૂકનો ચોકીદાર બની શકે. અનિષ્ટની સમસ્યા મનુષ્યના પોતાના અશુભ કાર્યમાં નિહિત છે અને તેનો ઉકેલ માત્ર પોતાના કાર્યોને શુભ માર્ગે વાળવાનો છે. રૂસો કહે છે : ‘હે માનવી, અનિષ્ટનું મૂળ શોધવા જવાની જરૂર નથી; તું પોતે જ અનિષ્ટનું મૂળ છે.’ કાર્યને (પરિણામને) કારણથી કદી પણ જુદું પાડી શકાય નહીં. વળી કાર્ય એ કારણથી જુદા સ્વરૂપનું પણ કદી હોઈ શકે નહીં. ઈમરસન કહે છે : ‘ન્યાયમાં કદી પણ વિલંબ નથી; એક પૂર્ણ સંતુલન હંમેશાં જીવનનાં બધા ક્ષેત્રોમાં એડજસ્ટ થતું રહે છે.’

એ વાતમાં ઘણું તથ્ય છે કે કાર્ય અને કારણ સાથોસાથ ચાલે છે, અને એ બન્ને મળીને જ એક પૂર્ણતા બને છે. આ રીતે જે ક્ષણે મનુષ્ય એક અનિષ્ટ વિચાર કરે છે યા તો એક ક્રૂર કાર્ય કરે છે એ જ ક્ષણે તેણે પોતાના જ મનને જખ્મી કર્યું હોય છે; એ ક્ષણ પહેલાંનો મનુષ્ય હવે આ બીજી ક્ષણે તે રહ્યો નથી. હવે તે થોડોક દુષ્ટ બન્યો છે, થોડો વધુ દુઃખી બન્યો છે; અને એવી જ રીતે આવા વધુ અનિષ્ટ વિચારો અને અશુભ કર્મો એક દુર્જન અને ક્રૂર માનવીને જન્મ આપશે. બરાબર આ જ રીતે સારો વિચાર, એક સત્કાર્ય એની સાથોસાથ જ સુખ અને શાંતિને લઈ આવે છે; અને આવાં વધુ ને વધુ સત્કાર્યો મનુષ્યના આત્માને મહાન અને સુખશાંતિપૂર્ણ બનાવે છે.

આ રીતે કાર્યકારણના સનાતન નિયમ થકી વ્યક્તિગત માનવીય વર્તન પોતાના સુખદુઃખ માટે જવાબદાર છે. માણસ જેવું કાર્ય કરે છે એવો જ એ પોતે બને છે. વાવે તેવું લણે તે સીધોસાદો નિયમ ઘણું બધું કહી જાય છે. જો માણસ મૂંઝાયેલો હોય, દુઃખી હોય, દુર્જન યા ઉપાધિમાં હોય, તો એ માટેનાં કારણો એને પોતાનામાં જ શોધવાં જોઈએ, કારણ કે તેની તમામ દુઃખદાયી ઉપાધિઓનું મૂળ અન્ય ક્યાંય નહીં પરંતુ એના પોતાનામાં જ છે.

[કુલ પાન : 64. કિંમત રૂ. 25. પ્રાપ્તિસ્થાન : રૉયલ બુક કંપની. મ્યુ. કૉર્પો. દરવાજા પાસે, ઢેબર રોડ, રાજકોટ.]