શ્રી નિમિષ શાહ : ‘હું ધારીશ તે કરીશ જ’ – ડૉ. ઊર્મિલા શાહ

[ ‘મારી સિદ્ધિનો ઘડવૈયો હું જ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશનનો’ ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

‘નિમિષ, તારે મોટા થઈને શું થવું છે ?’ નિમિષ લગભગ આઠમા ધોરણમાં હતો ત્યારે તેને મમ્મીએ પૂછ્યું. કારણ કે ત્યાં સુધી તો સૌ કોઈનાં મનમાં એમ જ હતું કે બાપદાદાનો આટલો ધીકતો ધંધો ચાલે છે એટલે નિમિષ તો કોમર્સ જ લેશે ને ! ધંધો જ સંભાળી લેશે ને ! પણ છેલ્લાં બેએક વર્ષથી નિમિષનાં મમ્મી રસપૂર્વક નિમિષને શામાં રસ પડે છે તે બાબતનો ઊંડાણથી અભ્યાસ કરી રહ્યાં હતાં. આમેય નિમિષ નાનો હતો ત્યારે કોઈ પણ રમકડું આપો. બહુ જલદી એ તોડીફોડીને જુદું કર્યું જ હોય, કારણ કે એને એના મિકેનિઝમમાં જ રસ પડતો અને ત્યારે તો એની છાપ ‘ભાંગફોડિયો’ છે એવી પડી ગઈ હતી પણ ઊર્મિલાબહેન બાળઉછેરમાં સારાં એવાં સમજુ હતાં અને એટલે નિમિષ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેમણે તેની એ જિજ્ઞાસાવૃત્તિને પારખીને યોગ્ય દિશા ચીંધી અને પરિણામે નિમિષનો રસ જુદી દિશામાં કેળવાયો.

આમેય એ સમય એવો હતો કે દરેક માબાપના મનમાં એવી જ મહત્વાકાંક્ષા જાગતી કે મારો દીકરો ક્યાં તો એન્જિનિયર બને ક્યાં તો ડૉકટર બને. માબાપને માટે એ એક પ્રતિષ્ઠાનો વિષય હતો અને આઠમું ધોરણ એટલે હાયર એજ્યુકેશન માટેનો પાયો. એ પાયાનું ચણતર બરાબર પાકું કરવું હોય તો ભાવિ કેરિયરનો રાહ સમયસર નક્કી કરવો જ પડે. પણ હજી તો નિમિષ સાવ નાનો ને નાદાન. એને પૂરી સમજેય શું પડે ! એ તો એની આસપાસ જે કંઈ જોતો હોય તે પરથી જ અંદાજ બાંધે. એની દીદી હમણાં જ ડૉક્ટર થઈ હતી એટલે એનેય ડૉક્ટર થવાનું મન તો થાય પણ એણે એને એનેટોમી અને ફાર્મેકૉલૉજીની ગોખણપટ્ટી કરતી જોઈ હતી ને તે મેડિકલ કરવામાંથી પાછો હટી ગયો હતો. છતાંય ઊંડે ઊંડે ઈચ્છા તો હતી એટલે કહે, ‘મમ્મી, મારે ડૉક્ટર તો થવું છે પણ મારે તો હાર્ટ કે બ્રેઈન ઉપર જ રિસર્ચ વર્ક કરવું છે. આવું એમ.બી.બી.એસ. જેવું વૈતરું મારે નથી કરવું.’
‘બેટા ! એ કર્યા વિના તો આગળ કેવી રીતે થાય ?’
‘તો મારે મેડિકલમાં નથી જવું.’
‘તો પછી શું થવું છે ?’
‘તો હું એન્જિનિયરિંગમાં જઈશ.’
‘પણ કયા એન્જિનિયરિંગમાં ?’
‘મમ્મી ! મારે તો ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલમાં જ એન્જિનિયરિંગ કરવું છે.’

આશ્ચર્ય થયું. આવી ભારે લાઈન !
‘નિમિષ ! એમાં તો બહુ ટકા લાવવા પડશે દીકરા…. એમાં એડમિશન મેળવવું બહુ મુશ્કેલ બનશે.’
‘તે કંઈ વાંધો નહીં…. હું લાવીશ…. પણ મારે તો એ જ ભણવું છે. તું મને એટલી તપાસ કરી આપજે મા કે મારે બારમામાં કેટલા ટકા માર્ક્સ લાવવા પડશે કે જેથી મને એમાં એડમિશન મળે….’ અને નિમિષ જ્યારે બારમામાં આવ્યો તેનાં બે વર્ષ પહેલાં જ એ બધી તપાસ કરી. એને બારમામાં લગભગ બ્યાંશી કે ત્ર્યાંશી ટકા માર્ક્સ લાવે તો જ તેને ધારી લાઈનમાં એડમિશન મળે તેવી સમજ મમ્મીએ આપી દીધી હતી. નિમિષે તો તેનું લક્ષ્ય નક્કી કરી દીધું હતું અને એણે એ સિદ્ધ કરવા સાધના શરૂ કરી દીધી હતી.

અગિયારમાના વર્ષમાં લગભગ વિદ્યાર્થીઓ દસમાની બોર્ડની પરીક્ષા પછી થોડા રીલેક્સ થાય છે. તેને બદલે નિમિષે અગિયારમામાં અને બારમાનાં બંને વર્ષમાં નિયમિત રીતે સરસ અભ્યાસ કર્યો. બારમાના પ્રૅક્ટિકલની છેલ્લી પરીક્ષા આપીને નીકળ્યો ને તેની મમ્મીએ પૂછ્યું :
‘બેટા ! કેટલા ટકા માર્ક્સ આવે તેવું લાગે છે ?’
તરત જ નિમિષે જવાબ આપ્યો, ’82.5%’ અને મમ્મીને ચિંતા થઈ. ‘આજે છોકરાઓ જેટલા માર્ક્સ ધારે છે તેનાથી બેપાંચ ટકા તો ઓછા જ માર્ક્સ આવે છે. નક્કી નિમિષને રિઝલ્ટ આવશે ને માનસિક આઘાત લાગશે. આટલો બધો લાગણીવશ સ્વભાવ છે. એને હું સંભાળીશ કેવી રીતે ? રિઝલ્ટના દિવસ સુધી નિમિષની નિર્દોષ આંખો સામે મમ્મી જુએ ને એમના હૃદયને આ ચિંતા કોરી ખાય. ‘કહેવાય નહીં અને સહેવાય નહીં……’ રિઝલ્ટની રાહ જોતાં જોતાં એક એક દિવસ એમને ખૂબ લાંબા લાગતા હતા. પણ આખરે રિઝલ્ટનો દિવસ આવ્યો. ‘દીદી અને મમ્મી-પપ્પા બધાં સાથે મળી વૅકેશનની મજા ફરી ક્યારે માણવા મળશે ?’ એ વિચારે આબુ ચાર દિવસ ફરવા ગયાં હતાં. ત્યાં નીકળવાના બે દિવસ બાકી હતા ને સાંજે છાપામાં વાંચ્યું. બારમાનું રિઝલ્ટ એક દિવસ વહેલું છે. મમ્મીના મનમાં અધીરાઈ આવી. તેણે કહ્યું : ‘કાલે આપણે અમદાવાદ પહોંચી જઈએ…..’ નિમિષ તો ખૂબ જ સ્વસ્થ હતો. ‘મમ્મી ! તું શું કામ ચિંતા કરે છે ? જે રિઝલ્ટ આવવાનું છે તે તો આવશે જ. એક દિવસ મોડું રિઝલ્ટ જાણીએ તોય શો ફેર પડી જશે ? ફોર્મ ભરવાની તારીખો તો અઠવાડિયા સુધીની હોય છે જ ને ! માંડ માંડ રજાઓ માણવા આવ્યાં છીએ તો રજાની મજા માણી લે ને !’ અને મમ્મીને એની સ્થિતપ્રજ્ઞતા માટે માન થયું. આશ્ચર્ય થયું. મમ્મીને ચિંતા હતી, પણ એને લેશમાત્ર ચિંતા જ ન હતી ! કેવો આત્મવિશ્વાસ ! પોતે કરેલા કામની પરિપૂર્ણતા માટે કેવો ભરોસો !

અને અમદાવાદ બીજે દિવસે આવ્યાં. રિઝલ્ટ જાણ્યું…. બરાબર સાડાબ્યાંસી ટકા, ને સૌના આશ્ચર્યનો પાર ન હતો. આજ દિન સુધી પોતે ધાર્યા હોય એટલા જ માર્ક્સ બરાબર આવે ખરા ! નિમિષની આ ગણતરી ! એની ચીવટ ! પોતે લખ્યા ઉપર વિશ્વાસ હોય પણ પરીક્ષક તપાસશે કેવી રીતે તેની ઉપર તે આપણો કાબૂ કેવી રીતે હોય ! આ પણ એક આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો હતી જ. પણ તે પરથી જીવનમાં એક હકીકત સિદ્ધ થતી તો લાગી કે માણસ જે ધારે છે તે જરૂર કરી શકે છે. એણે એનો Goal નક્કી કરવો જોઈએ. અને એટલે જ Goal setting અને Motivation એ માણસની કેરિયરની Development માટેના બે બહુ જ મહત્વનાં પરિબળો છે. ‘Where there is the will there is the way’ માણસ જે ધારે તે કરી જ શકે છે. માત્ર તેનામાં આત્મવિશ્વાસ અને પોતાનામાં પ્રેરણાબળ હોવું જોઈએ. બાકી કેટકેટલાં લોકો ભલભલા વિપરીત સંજોગોમાં પણ સંઘર્ષો વેઠીને આગળ વધી શકે છે ને ધાર્યા લક્ષ્યને સિદ્ધ કરી શકે છે ! સાધના વિના કયારેય સિદ્ધિ શક્ય બને છે ખરી ! અને નવમા ધોરણથી જીવનનું એ લક્ષ્ય નક્કી કર્યું હતું તેથી જ નિમિષને એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં આઈ.સી.ઈ.સી.ની ફક્ત ફાળવાયેલી બાર સીટોમાંથી સાતમી સીટમાં એડમિશન મળી શક્યું હતું. એનો આનંદ કેવો અપાર હતો ! બે દાયકા પહેલાંની આ વાત વખતે ડોનેશન સીટથી એડમિશનની તો પ્રથા જ ન હતી પણ નિમિષનાં મમ્મી બારમું પાસ થયા પછી હજી આ કાચી ઉંમરે હૉસ્ટેલમાં તેને મોકલી ભણાવવા પણ બહુ તૈયાર નહોતાં, માનસિક રીતે એ તૈયાર ન હતાં. સંતાનોનાં સર્વાંગી ઘડતર માટે એ વધુ પડતાં જાગૃત અને ચિંતિત હતાં અને એટલે જ એકએક તબક્કે એમણે નિમિષની સાથે પળેપળ રહીને એને પૂરેપૂરું માર્ગદર્શન, પ્રોત્સાહન સતત આપ્યા જ કર્યું. કેરી ખાવી હોય તો આંબો વાવવો પડે, એનું જતન કરવું પડે ને તો જ કેરીની મીઠાશ માણી શકાય. નિમિષની મહેનત તો ફળી હતી જ. કારણ કે એણે એકલવ્યની જેમ સાધના કરી હતી.

હમણાં જ દસમાની પરીક્ષા આપીને છૂટા થયેલા સમીરને મેં પૂછ્યું :
‘બેટા ! આગળ શું લેવા વિચાર છે ?’
‘ખબર નહીં, માર્ક્સ આવે એ ઉપર આધાર.’ અને મને એ સાંભળી નવાઈ લાગી, આખા જીવનની કેરિયર નક્કી કરવાની હોય તે માર્ક્સ આવે તે પરથી નક્કી કરવાની હોય કે આપણે જે કેરિયર નક્કી કરવી હોય તે પ્રમાણે માર્ક્સ લાવવાના હોય ! આપણું લક્ષ્ય નક્કી કરી તે સિદ્ધ કરવા તેની પાછળ પહેલેથી મહેનત કરવા લાગી જવાનું હોય કે માર્ક્સ આવે પછી ગમતી ન હોય તેવી લાઈનમાં ન છૂટકે એડમિશન લઈને જીવનભર એ જ કેરિયર બનાવીને જીવનને બોજ બનાવવાનું હોય ! તમારા જીવનના શિલ્પી તમારે જ બનવાનું હોય ને ! એક પરીક્ષક તમારા જીવનની દિશા નક્કી કરનાર કોણ ! એ અધિકાર તો તમારો પોતાનો જ હોય ને ! તમારું જીવન તમારે કેવું જીવવું, અને કેટલું આગળ ધપાવવું એ બધા નિર્ણયો તો તમારે પોતે લેવાના હોય. ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ જીવનમાં ગમે તેટલું સાચું છે છતાં માણસના જીવનનાં માણસે જાતે શિલ્પી જ થવું હોય તો ‘હું ધારીશ તે કરીશ જ’ એ જીવનમંત્ર તેણે અપનાવવો જ રહ્યો…. અને એ ધારે તે કરવાની ઈશ્વર હંમેશાં તેને શક્તિ આપે જ છે. આવા નિમિષ તો માત્ર એક નહીં અનેક હોય છે. સંતાનોમાં આ ધગશ જગાવવાની જ માત્ર જરૂર છે અને એના બીજ બાળપણથી જ રોપવા પડે બાકી જીવનમાં સફળ થવા માટે 90% પરિશ્રમ અને 10% જ પ્રેરણાનો ફાળો હોય છે. આજની નવી પેઢીમાં ઘણું હીર પડ્યું છે. એ પરિશ્રમમાં પાછી પડે તેમ જ નથી હોતી. એને પ્રેરણા અને પ્રેમ આપવામાં આપણે ક્યાંય ઊણા ન રહીએ એ આપણે જોવાનું છે.

આજે તો સામાન્ય રીતે માબાપ છોકરાઓના અભ્યાસ માટે એટલાં બધાં ચિંતિત રહ્યા કરે છે કે તેમનાં સંતાનોને Goal setting અને Motivation બરાબર કરવાને બદલે તેમને સતત વાંચવા માટે, ભણવા માટે ટોક્યા જ કરે છે. એક તો આ તબક્કે એ સંતાનોની કિશોરાવસ્થા. જેમાં તેમનામાં અનેક લાગણીના ઊભરા આવતા હોય, હોરમોન્સના ફેરફારોને લીધે તેમની માનસિક અવસ્થા પણ નાજુક હોય, તેમને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહનની જરૂર હોય ત્યારે માબાપ અધીરાં થઈને તેમને સતત રોકટોક કરે છે અને તે પણ હંમેશાં negatively જ : ‘વાંચવું જ ક્યાં ગમે છે ? આખો દિવસ બસ ટી.વી. અને સેલફોન આપો. રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે.’ માબાપને ખબર નથી આ તબક્કે એમને માબાપ નહીં પણ મિત્રની જરૂર છે. માર્ગદર્શકની જરૂર છે, વાલીની નહીં પણ માળીની જરૂર છે, આ સંતાનોમાં તો ઘણું હીર પડ્યું છે. પણ એ હીર આપણને પારખતાં અને બહાર લાવતાં આવડે છે ખરું.

નિમિષને બે વર્ષ પહેલાં જ કેટલા માર્ક્સ લાવવા પડશે તે સમજ તેની મમ્મીએ આપી દીધી અને તે ધૂણી ધખાવીને અભ્યાસ પાછળ પડી ગયો અને ધારેલું રિઝલ્ટ મેળવી શક્યો. આજની નવી પેઢીમાં આ મનોબળ હોય છે. એને પ્રેરણા અને પ્રોત્સાહન આપણે આપવાનાં છે એટલું જ નહીં પણ પ્રસન્નતાથી અને પ્રેમથી તેની સાથે વર્તાવ રાખીને તેનામાં આત્મવિશ્વાસ પ્રગટાવવાનો છે. આજે તો સંતાનોનો આત્મવિશ્વાસ એક બાજુ માબાપ ટકવા દેતાં નથી, બીજી બાજુ શિક્ષકો પણ એની પર આઘાતો આપે છે. એની આંખમાં આંખ મિલાવીને એના મનની વાત સમજવાની આપણામાં સમજ કે ક્ષમતા છે ખરાં ! આપણે માબાપે એ કેળવવાની ખાસ જરૂર છે અને તો જ આપણું સંતાન કહી શકશે ‘હું ધારીશ તે જ કરીશ. મારી સિદ્ધિનો ઘડવૈયો તો હું જ બનીશ.’

[કુલ પાન : 164. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “શ્રી નિમિષ શાહ : ‘હું ધારીશ તે કરીશ જ’ – ડૉ. ઊર્મિલા શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.