જીવનવિદ્યા – પ્રવીણ દરજી

[ થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક ‘અણસરખી રેખાઓ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ફરી એક વાર શિક્ષણમાં પરિવર્તનની વાત આપણી સામે આવી છે. પરિવર્તન તો સૌ ઈચ્છે છે પણ પરિવર્તન કેવું, તેની આધારશિલા કઈ તે વિશે આપણે સૌ કંઈક અસ્પષ્ટ છીએ. વળી એ મુદ્દો લાંબી વિચારણા માગી લે તેવો, તેમજ ખાસ્સી ધીરજ ધારવી પડે એવો પણ છે. કારણ કે શિક્ષણ બદલીએ છીએ ત્યારે અમુકતમુક પુસ્તકો બદલતાં નથી, અમુક વિષયનું ઉમેરણ કે તમુક વિષયની બાદબાકી તેવું પણ નથી. શિક્ષણ બદલાય છે ત્યારે વિચારધારાઓ બદલાતી હોય છે. નવા નવા આયામોનું તેમાં સ્વાગત થતું હોય છે તો નિરૂપયોગી બની ગયેલાની ફેરવિચારણા થતી હોય છે, અથવા અપ્રસ્તુત જ હોય તો તેવી વસ્તુને પડતી પણ મૂકવી પડે.

વળી તેમાં બદલાયેલા કે બદલાઈ રહેલા સમાજની આકાંક્ષાઓનું પ્રતિબિંબ પણ ઝિલાતું હોવું જોઈએ. રાષ્ટ્રના સ્તરે યુવાશક્તિને ક્યા સ્તરે જોતરવા માગીએ છીએ તે વાત પણ તેમાં ઊપસી રહે. રાષ્ટ્રના નૂતનનિર્માણની પ્રક્રિયાને તેથી વેગ મળે એ મુદ્દો પણ તેમાં નિહિત હોય. આગળ વધીને આપણે અપોપું જાળવીને વિશ્વ સ્તરે કદમ ભરી શકીએ, તેમાં પ્રભાવક ભૂમિકા ભજવી શકીએ તેવા દષ્ટિબિંદુને પણ આમેજ કરવાનું હોય છે. આ સાથે દેશની ધંધા, બેરોજગાર કે અક્રિય યુવાશક્તિના કેટલાક મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટેની પગથીઓ પણ એવા બદલાવ વડે ખોળવાની રહે છે. અને આ સર્વની ઉપર એક મહા મુદ્દો રહે છે તે માણસ માણસ રહે, યંત્ર કે પદાર્થ ન બની જાય એ. ખરી વાત તો માણસને કેળવવાનો છે, તેના મનુષ્યત્વનું તેને સતત સ્મરણ થતું રહે તે છે. શિક્ષણનું પરિવર્તન એવું ન હોય કે તેમાંથી માણસની જ બાદબાકી થઈ જાય ! એટલે જ શિક્ષણમાં પરિવર્તનના પ્રશ્નો ઊઠે છે ત્યારે બદલાવ ઈચ્છનારે ચારે તરફનું જોવાનું હોય છે. ઉપર-નીચેનું પણ જોવાનું હોય છે. સાથે પેલા માણસને ભીતરથી વધુ ને વધુ સમૃદ્ધ કરે, તેની સંવેદનાને ભરી ભરી રાખે તે સર્વનો વિચાર કરવાનો હોય છે.

આજે આપણી સામેનું વિશ્વ, અગાઉ ક્યારેય નહોતું એટલું ઝડપી બન્યું છે. ભારે સ્પર્ધાવાળો આ સમય છે. અનેક ખંડોમાં, જાતિઓમાં, ભાષાઓમાં કે રંગોમાં વિભક્ત એવા વિશ્વને હવે અનિવાર્યપણે ખંડમાંથી અખંડ તરફ ગતિ કરવાનો તકાજો રહ્યો છે. ‘હું’, ‘અમે’ એવી સંજ્ઞાઓનું આકર્ષણ કંઈક ઘટતું જાય છે. હવે વાત ‘આપણે’ જેવી સંજ્ઞા ઉપર આવીને અટકી છે. નવું વિશ્વ, નવો માણસ, નવો ચહેરો, નવી સંવેદના, નવી ગતિ – એવું એક ટૂંકું સૂત્ર કે સમીકરણ લગભગ રચાઈ ગયું છે. આપણા રાષ્ટ્રગત કે રાષ્ટ્રપ્રકૃતિગત જે વિશેષો છે, તેને જાળવીને બહુરાષ્ટ્રગત વિભાવને ઓળખવાનો રહે છે. આજના માણસની સામે આમ માત્ર અર્જુનની જેમ કેવળ લક્ષ્યવેધ જ નથી, લક્ષ્યવેધ અને લક્ષ્યવેધ પછીની ઘટનાઓ બંને છે. શિક્ષણમાં પરિવર્તન લાવવા ઈચ્છનારે આ બંને બાબતોને લક્ષમાં રાખવાની છે. જે કંઈ આપણું, આપણું કર્યા કરીએ છીએ તેનો શુકપાઠ હવે કરીશું તો ચાલશે નહિ. ‘આપણા’ને પામવું પડશે, વિસ્તારવું પડશે, તેની અનન્યતા સિદ્ધ કરવી પડશે. તો જે કંઈક વૈશ્વિક છે એ સ્પંદને આપણા ધબકાર સાથે જોડવો પડશે. શિક્ષણને નવો વિભાવ કોઈ રૂપકથી સ્પષ્ટ કરવો હોય તો એમ કહું કે આપણું નવું શિક્ષણ વૃક્ષ જેવું હોવું જોઈએ. જે મૂળિયાંમાંથી પોષણ મેળવે છે અને ડાળ-પાંદડાં વડે બહારની દુનિયામાંથી હવા-પાણી એવું પણ નહિ. બંને પ્રવૃત્તિ યુગપત ચાલવી જોઈએ. તો જ એ વૃક્ષ ઘેઘૂર બને, શાતા અર્પનાર બને, અનેકોને આશ્રય આપી રહે એવો નવશિક્ષણનો માહોલ જ આજના વિશ્વને અનુરૂપ એવા નાગરિકો જન્માવી શકશે.

આપણા શિક્ષણ પરિવર્તનમાં એમ કેન્દ્ર અને પરિધ બંને ઉપર બારીકાઈભરી નજર રાખવી પડે તેમ છે. અપ્રસ્તુત બનતી જતી વિનયન-વિજ્ઞાન-વાણિજ્ય કૉલેજો સંખ્યા દષ્ટિએ તો હજી બીજાં થોડાંક વર્ષો ચાલશે. ભાષા-કળા-વિજ્ઞાન-વાણિજ્યની રૂઢ વાતોનું રટણ પણ એવો વિદ્યાર્થી કર્યા કરશે. પણ જ્ઞાન અને ઘડતર બંનેની ત્યાં અનુપસ્થિતિ હોય છે. હોય છે માત્ર ને માત્ર ઊંચા ગુણોવાળી ડિગ્રી, ટૂંકામાર્ગોએ મેળવેલી ડિગ્રી. આવા અભ્યાસક્રમોમાં અને ઈતર વિદ્યાશાખાના અભ્યાસક્રમોમાં જીવન ઉમેરવું પડશે. આગળ વધીને કહું તો સભ્યતા અને સંસ્કૃતિ બંનેનો સમાવેશ કરવો પડશે. પેલા મૂળમાંથી પોષણ મેળવીને વિવેક, વિનય, શિષ્ટતા તો તે ધારે જ સાથે સંસ્કૃતિને નખશિખ પામી જીવનવિદ્યાનો પણ તે જ્ઞાતા બને. કલા-વિજ્ઞાન-વાણિજ્ય કે ઈતર વિદ્યાશાખાઓમાં પણ પેલા બહિર વિશ્વની સાથે કોઈક ને કોઈક રૂપે સંસ્કૃતિવણાટને અભિન્નઅંશે રૂપે લાવવો પડશે.

એમાં નગર, વન અને ગ્રામ ત્રણેની ચેતના છે. ત્યાં જ આપણા વિચારકેન્દ્રોનાં મૂળ છે. ત્યાંથી જ તત્વ અને સત્વની સમજ વિસ્તરતી આવી છે. ત્યાંથી જ ઉત્ક્રાંતિ, પરિષ્કૃતિ કે વિકાસ-પ્રગતિનો આંક વિસ્તરતો રહ્યો છે. શિક્ષણ એવું ન હોય જે કેવળ બાહ્ય સમૃદ્ધિને જ તાકે, જે કૂપમંડૂક બનાવે. તેમાં જીવનની પણ સમૃદ્ધિ હોય, શુદ્ધિ હોય, જીવનશુદ્ધિ અને જીવનસમૃદ્ધિ બંનેની આપણે ત્યાં તેથી ભારપૂર્વક જિકર થતી રહી છે. કદાચ એ માર્ગ વધારે ઉપકારક પુરવાર થાય તેવો છે. સમજ સાથેનો વિકાસ અને કેવળ વિકાસ બે તત્વતઃ ભિન્ન બાબતો છે. શિક્ષણ એક જ એવી વસ્તુ છે જ્યાં માનવમૂર્તિનું નિર્માણ થાય છે. આંતર અને બાહ્ય સૌંદર્યની ખિલવણી શક્ય બને છે. સંસ્કૃતિ કોઈ સંકીર્ણ વસ્તુ નથી. કેટલાક તેને કોઈ ચોક્કસ સીમામાં બાંધીને જુએ છે પણ તે ખરેખર સંસ્કૃતિ નથી. સંસ્કૃતિ તો ભરપૂર અવકાશ છે, નિઃસીમતાનું ગાન છે. આપણું શિક્ષણ એવા વાયુમંડળમાંથી શ્વાસ ભરતું હોવું જોઈએ. આ કે તે વિદ્યાશાખાના એકલદોકલ વિષયો શિક્ષણ બની જતા નથી. તેમાં આવો નિઃસીમ સંસ્કૃતિસંદર્ભ પ્રકટી રહેવો જોઈએ. ભારતીય શિક્ષણ ભારતીય સંસ્કૃતિમાંથી અનુ-આધુનિક વિશ્વમાં પણ ઘણું પોષણ મેળવી શકે તેમ છે. કારણ કે ભારતીય સંસ્કૃતિના મૂળમાં ‘આપણે’ અને ‘વિશ્વ’નો સંદર્ભ રહ્યો છે. કાકાસાહેબ જેવાએ વર્ષોપૂર્વે વિદ્યાના ગર્ભમાં સંસ્કૃતિને જોડાજોડ મૂકીને જોઈ છે એ અહીં યાદ કરવું જોઈએ. શિક્ષણમાં પરિવર્તનો એ રસ્તેથી થતાં રહે તો ?

[કુલ પાન : 195 (પાકું પૂઠું). કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “જીવનવિદ્યા – પ્રવીણ દરજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.