પિતા-પહેલા ગુરુ – રમણલાલ સોની

[‘પિતા-પહેલા ગુરુ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] પિતાનો વારસો [દાદા સાહેબ ગ. વા. માવળંકર]

દાદાસાહેબ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરજી ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ હતા. પંડિત જવાહરલાલે એમને આપણી ‘લોકસભાના પિતા’ કહ્યા છે. એકવાર તેમણે પચીસ ત્રીસ મિત્રોને પોતાને ત્યાં જમવા નોતર્યા. ભોજન બાદ સૌને પાન આપવાનાં હતાં. આ પાન દાદાસાહેબનાં પત્ની શ્રી સુશીલાબહેને જાતે તૈયાર કર્યાં હતાં અને દરેક પાન પર લવિંગ દાબ્યું હતું. મહેમાનોને પાન આપવાની સેવા દાદાસાહેબે પોતે કરી. તેમણે ડાબા હાથમાં એક ખાલી વાટકી લીધી અને પાન આપતી વેળા મહેમાનોને કહ્યું કે લવિંગ ન જોઈતું હોય તો આ વાટકીમાં નાખજો.

આ જોઈ એક મિત્રે ટકોર કરી : ‘દાદાસાહેબ, આવી પણ કરકસર ? બે લવિંગ પડી ગયાં તો શું બગડી જવાનું ?’ દાદાસાહેબ તે વખતે તો કંઈ બોલ્યા નહિ, પણ તમામ મહેમાનોને પાન આપવાનો વિધિ પત્યા પછી તેમણે લવિંગવાળી વાટકી પેલા મિત્રની સામે ધરી કહ્યું : ‘લો, આ ફેંકી દો !’ મિત્રે જોયું તો વાટકીમાં પંદર સત્તર લવિંગ હતાં. તેણે કહ્યું : ‘આટલાં બધાં લવિંગ કંઈ ફેંકી દેવાતાં હશે ?’ સાંભળી દાદાસાહેબ હસ્યા. મિત્રને પાઠ મળી ગયો કે નજીવી લાગતી કરકસરનું કેટલું મોટું મૂલ્ય છે !

ઘરમાં દાદાસાહેબની કડક શિસ્ત હતી. જમવાના બરાબર સમયે સૌએ હાજર થવું જ જોઈએ. બધા એક સાથે જમવા બેસે, પિરસાયા બાદ પ્રાર્થના કરે, તે પછી જ જમવાનું શરૂ થાય. ભાણામાં કશું છાંડવાનું નહિ, ઘરમાં બનાવેલી દરેક ચીજ સૌએ થોડી પણ ખાવી જ પડે. દાદાસાહેબ ખૂબ સાદાઈથી રહેતા. કપડું ફાટે તો જાતે સાંધી લેતા, બટન તૂટે તો જાતે નાખતા. થીંગડાંવાળું કપડું પહેરવામાં એમને નાનમ નહોતી લાગતી. લોકસભાના સ્પીકર થયા ત્યારે પણ ઘરમાં ઉઘાડા શરીરે, સરકારી કામકાજ કરે અને વિદેશી રાજદૂતનેય મળે. સાધારણ માણસની પેઠે અમદાવાદની બસમાં મુસાફરી કરવામાં એમને કોઈ હોદ્દો નડતો નહિ. એમની હયાતી સુધી એમના ઘરમાં રેફ્રિજરેટરનો પ્રવેશ થયેલો નહિ. લોકસભાના સ્પીકર થયા પછી પૂરો પગાર લેતા નહિ. કહેતા કે આપણા ગરીબ દેશને મોટા પગારો શોભે નહિ. તેઓ કહેતા કે સ્પીકર (લોકસભાના અધ્યક્ષ) અને સ્વીપર (ઝાડુવાળો) બેઉનું માનવગૌરવની દષ્ટિએ સરખું મૂલ્ય છે. દાદાસાહેબે પોતાના પુત્રોને સંબોધીને એક પત્ર લખેલો છે, તે એવો સર્વહિતલક્ષી છે કે તે મને, તમને અને સૌને સંબોધીને લખેલો છે એવું માનીએ તો ખોટું નહિ. એ પત્રને દાદાસાહેબના સુપુત્ર શ્રી પુરુષોત્તમ માવળંકરે ‘પિતાનો વારસો’ નામ આપ્યું છે. તેમાંથી થોડાં વચનો આ નીચે ઉતાર્યાં છે :

‘હે પુત્રો, એક વાત હંમેશાં ધ્યાનમાં રાખજો કે કુલ ખર્ચનો આંક નિયમિત વાર્ષિક આવકના પંચોતેર ટકાથી વધવો જોઈએ નહિ. સરકારી નીતિ અને ખર્ચાને લીધે રૂપિયાનું ખરીદ-મૂલ્ય ઓછું થતું જ જવાનું છે અને ફુગાવાની શક્યતા હંમેશા રહેલી છે, એટલે દેશની આ પલટાતી પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને તમારી જરૂરિયાતોનો ક્રમ ગોઠવજો, નિરંકુશપણે જરૂરિયાતો વધારતા નહિ. એક વાત બરાબર સમજી લેજો કે ભૌતિક સંપત્તિથી કે દુન્યવી પદસ્થાનથી માણસને માપવાનો નથી, પણ વ્યક્તિ કઈ રીતે જીવી તેનાથી તેનું માપ કાઢવાનું છે. તેથી કરીને સત્યનિષ્ઠ રહેવું. જે સત્યનિષ્ઠ છે તે પળેપળ પ્રભુની પ્રાર્થના કરતો હોય છે એમ કહી શકાય. એટલા માટે મારા પુત્રોએ મિલકતનો સંગ્રહ કરવાને બદલે સેવા કરવા સારુ તત્પર રહેવું જોઈએ. હે પુત્રો, તમારી માતા સાથેના વર્તાવમાં માતાની લાગણીનો પહેલો વિચાર કરજો. માતાથી ચડિયાતી કોઈ અન્ય દેવતા નથી. તમારી આસપાસ પ્રેમાળ મિત્રોનું વર્તુળ ઊભું કરજો. કોઈ સાથે મતભેદનો દોર બહુ લંબાવતા નહિ. સુખી જીવનની આ ચાવી છે. બધાં સગાંની સંભાળ રાખજો, તેમાંયે જે ગરીબ હોય કે મુશ્કેલીમાં હોય તેની વિશેષ દરકાર કરજો. પુસ્તકો અવશ્ય ખરીદજો અને વાંચજો; પુસ્તકોથી ઘરની શોભા વધે છે એ કદી ભૂલતા નહિ.’

.

[2] પિતાની ચરણરજ [શ્રી કૃષ્ણદાસ પાલ]

બંગાળમાં ‘હિંદુ પેટ્રિયટ’ નામે એક અખબાર નીકળતું હતું.
શ્રી કૃષ્ણદાસ પાલ તેના તંત્રી હતા.
ભારે દેશભક્ત. દેશનાં સુખદુઃખની એ અખબારમાં બરાબર રજૂઆત કરે. દેશવાસીઓ એ વાંચી ગર્વ અનુભવે; અંગ્રેજ સરકારના અધિકારીઓ પણ એ વાંચે અને એની બરાબર નોંધ લે. એમને વિશ્વાસ કે પાલબાબુ લખે તે વિચાર કરીને જ લખે, સત્યાસત્યની ખાતરી કરીને જ લખે. પાલ બાબુના પિતા ધર્મશ્રદ્ધાવાળા ભાવિક પુરુષ હતા. તેઓ રોજ નિયમિત પૂજાપાઠ કરતા. નાહીધોઈ માત્ર પંચિયાભેર ઉઘાડા ડિલે ઉઘાડા પગે તેઓ ઘરના બગીચામાં જઈ ફૂલ વીણતા અને એ ફૂલ લઈ પૂજા-ઘરમાં પૂજા કરવા બેસતા.

એક વાર સવારે તેઓ આવી રીતે ઘરના બગીચામાં ફૂલ ચૂંટતા હતા, એવામાં એક અંગ્રેજ અફસર કંઈ કામ પ્રસંગે પાલ બાબુને મળવા આવ્યો. તે ઘોડા પર સવાર થઈને ફરવા નીકળ્યો હતો અને ફરવાનું પૂરું કરી સીધો જ અહીં આવ્યો હતો. ઘોડા પરથી ઊતરી ઘોડાનું શું કરવું તેનો તે વિચાર કરતો હતો, એવામાં એણે પાલ બાબુના વૃદ્ધ પિતાને બગીચામાં ફૂલ ચૂંટતા જોયા. કમરે પંચિયું વીંટાળેલું, બાકી આખું શરીર ઉઘાડું, પગમાં નહિ પગરખાં કે નહિ પાવડી, શરીર વૃદ્ધ – સાહેબે ધાર્યું કે આ કોઈ ઘરનો નોકર છે, એટલે ઘરના નોકરને હુકમ કરે તેમ એમણે એમને હુકમ કર્યો : ‘એ ઈ, ઈધર આ, હું ઘરમાં જઈ પાલ બાબુને મળી આવું એટલી વાર તું આ ઘોડાની લગામ પકડી અહીં ઊભો રહે !’ આ અવાજ ઘરમાં બેઠેલા પાલ બાબુએ સાંભળ્યો. હાથમાંનું કામ પડતું મૂકી એ તરત બહાર દોડી આવ્યા. જોયું તો તેમના પિતા ફૂલ ચૂંટવાનું કામ રહેવા દઈ તેમની તરફ આવવાનું કરતા હતા. આગળ કંઈ બને તે પહેલાં જ પાલ બાબુએ ઘોડાની લગામ પકડી લીધી ને અંગ્રેજ અફસરને કહ્યું : ‘હું લગામ પકડું છું. બોલો, આપનું કેમ અહીં પધારવું થયું ?’

સાહેબ મૂંઝવણમાં પડી ગયો કે આ વળી શું ? સાહેબની મૂંઝવણ જોઈ પાલ બાબુએ ખુલાસો કર્યો :
‘સાહેબ, આપે જેમને લગામ પકડવા હુકમ કર્યો એ મારા પૂજ્ય પિતાશ્રી છે. આપ મને હુકમ કરી શકો છો, મારા પિતાને નહિ.’ આમ કહી એમણે સાહેબની હાજરીમાં, જરા પણ સંકોચ વિના, ત્યાં આવી પહોંચેલા પોતાના પિતાશ્રીના ચરણમાં પ્રણામ કરી તેમની ચરણરજ મસ્તકે ચડાવી.
અંગ્રેજ અફસરના અફસોસનો પાર રહ્યો નહિ.
‘મને ક્ષમા કરો, વડીલ !’ કહી તેણે પણ પાલ બાબુની પેઠે પાલ બાબુના વૃદ્ધ પિતાને પ્રણામ કર્યા.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મારે પાલવડે બંધાયો…. – લોકગીત
જીવનવિદ્યા – પ્રવીણ દરજી Next »   

4 પ્રતિભાવો : પિતા-પહેલા ગુરુ – રમણલાલ સોની

 1. બન્ને પ્રસંગો ખુબ સુંદર

 2. Dhiren says:

  Good every indian read artical

 3. Suresh says:

  બન્ને પ્રસંગો જિવન મા ઉતારવા જેવા છે.

 4. બન્ને પ્ર્સન્ગો કાબિલે દાદ -સુન્દર !!
  પિતા પહેલા ગુરુ ?? હરગિજ નહિ.
  આજ્ના સમયમા સદાચારિ જિવન જિવવા ગુરુ કરવાનિ કોઇ જ જ્રરુર નથિ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.