ગુજરાતીને ખતમ કરીશું ? – ડૉ. પંકજ શાં. જોશી

[ પ્રસ્તુત લેખ ‘નવનીત સમર્પણ’ – મે : 2008માંથી અહીં રીડગુજરાતી પર એ વખતે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેને વાચકોના ખૂબ જ પ્રતિભાવ પ્રાપ્ત થયા હતાં. આજે  ‘વિશ્વ માતૃભાષા દિન’ નિમિત્તે આ લેખ ફરીથી પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે જેથી આ વિષય પર ફરી એક વાર પુનર્વિચાર કરી શકાય.  ડૉ. પંકજ શાંતિલાલ જોષી આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત વિશે પી.એચ.ડી. કરી, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંશોધક તરીકે સેવા આપે છે. વિદેશમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ અવારનવાર જાય છે. તારાઓનાં ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની તેમની ‘ફાયરબોલ’ થીયરી આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ પામી છે. ભૌતિક વિજ્ઞાનમાં તેમનાં અનેક સંશોધનપત્રો અને અંગ્રેજી તેમજ ગુજરાતી પુસ્તકો પ્રકાશિત થયાં છે. હાલ અંગ્રેજી સમાચાર પત્રો અને રાષ્ટ્રીય ચેનલો ઉપર એમને ખાસી પ્રસિદ્ધિ મળી રહી છે. આવા અવ્વલ દરજ્જાના વૈજ્ઞાનિક માતૃભાષા ગુજરાતી માટે શું કહે છે ? ચાલો સાંભળીએ….  ]

ગુજરાતના કોઈ પણ શહેર-ગામમાં જવાનું અને વિદ્યાર્થીઓ તથા અન્ય નાગરિકોને મળવાનું થાય ત્યારે એક સવાલ અચૂક પુછાય છે : ‘તમે કઈ ભાષામાં તમારો અભ્યાસ કર્યો ?’ જ્યારે હું કહું છું કે હું તો ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું, ત્યારે મોટા ભાગના લોકો ભારે આશ્ચર્ય અને અચંબો વ્યક્ત કરે છે અને કંઈક આવું કહે છે : ‘હોય નહિ સાહેબ ! એમાં તો આગળ પ્રગતિ કેવી રીતે થાય અને દુનિયામાં આગળ કેવી રીતે વધાય ?’

તાજેતરમાં અમદાવાદમાં એક પિતાએ પોતાના પુત્ર વિશે ભારે ચિંતા અને વ્યથા વ્યક્ત કરી : ‘આને તો અમે ગુજરાતી મિડિયમમાં મૂકી દીધો. હવે તેની આગળની પ્રગતિ અટકી તો નહીં જાય ને ? અંગ્રેજી વિના આનું આગળ શું થશે ? કંઈક મહાન ભૂલ જીવનમાં કરી નાખી હોય તેવા તેમના હાવભાવ હતા.

આજે મોટા ભાગનાં મધ્યમવર્ગનાં કુટુંબોમાં એવી પરિસ્થિતિ થવા લાગી છે કે બાળકો ગુજરાતી વાંચતાં અથવા લખતાં અટકી ગયાં છે. જો બાળપણથી જ સીધાં અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ થાય તો ગુજરાતી ભાષા સાથે માત્ર બોલચાલની ‘બોલી’ પૂરતો જ સંબંધ રહે તેવું થતું જાય છે. અને માતા-પિતાઓ પણ એવું માનવા લાગ્યા છે કે આ તો જરૂરી અને અનિવાર્ય છે. જો બાળકને દુનિયામાં આગળ વધવું હોય તો અંગ્રેજી માધ્યમની શાળામાં જ મૂકવું પડે તેવી માન્યતા ફેલાઈ છે. બીજી એક ઘણી વ્યાપક માન્યતા ગુજરાતમાં ફેલાયેલી જોવા મળે છે એ તે છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાત બહાર જાય કે અન્ય ઊંચી પ્રાપ્તિઓ કરવી હોય તો અંગ્રેજીનો ‘પ્રોબ્લેમ’ નડે છે અને તેનું એક જ સમાધાન તે અંગ્રેજી માધ્યમમાં કેળવણી અને અંગ્રેજી માધ્યમની શાળા !

હવે સામાન્ય રીતે કોઈ પણ ભાષાનું કૌવત અને પ્રાણ તે ભાષાના સાહિત્યકારો, કવિઓ અને શિક્ષકો જ હોય છે. તેઓ જ સામાન્ય પ્રજામાં ભાષા પરત્વેની અભિરુચિ, પ્રેમ તથા ઉત્સાહ જગાડીને ભાષા તથા કાવ્ય દ્વારા જીવનનાં કેવાં ગહન પાસાંઓનો સ્પર્શ કરી શકાય છે તેની ઝાંખી કરાવતા હોય છે. પરંતુ આજે તો આપણા મોટા ભાગના કવિ-સાહિત્યકારો પણ, કોઈક અપવાદો હોય તો તેને બાદ કરતાં, ભારે ‘વ્યવહારુ’ બની ગયા છે તેવું લાગ્યા વિના રહેતું નથી. એકાદ-બે ઉદ્યોગપતિઓ કે એક-બે રાજકારણીઓની મીઠી નજર હોય અને કંઈક નાની-મોટી પ્રવૃત્તિઓ ચાલે એટલે ઘણું થયું. ‘ગુજરાતીનો ઉદ્ધાર કરવાનું કામ આપણું થોડું છે ?’ એવી માનસિકતા જણાય છે. તો વળી કેટલાક એમ વિચારે છે કે આ તો જમાના પ્રમાણે ચાલવું જ પડે, આમાં આપણું શું ગજુ, જે ચાલે છે તેમ ચાલવા દો, આપણો ‘આદર્શવાદ’ ન ચાલે.

હવે આપણે ગુજરાતીઓ તો ‘વ્યવહારુ’ પ્રજા તરીકે જાણીતા છીએ ! જેમાં ‘ફાયદો’ થાય તે કામ કરવાનું. કેટલાક સમય પહેલાં ગુજરાત વિશે એક ગુજરાતી છાપાએ પૂર્તિ કાઢેલી તેમાં એક શીર્ષક હતું : ‘ગુર્જર મંત્ર : ધંધાની વાત કરો !’ તો પછી એવો પ્રશ્ન ગુજરાતને પૂછી શકાય કે આજના યુગમાં જો હવે ગુજરાતી નકામી થઈ ગઈ હોય તો તેને ટકાવીને શું કામ છે ? ગુજરાતી ભાષા ખતમ થઈ જાય તોયે શો વાંધો ? વળી, જો અંગ્રેજીથી જ આપણા વિદ્યાર્થીઓ અને નવી પેઢીનું ‘કલ્યાણ’ થવાનું હોય તો એકાદો કાયદો કરીને બધી જ શાળાઓને ફરજિયાત ‘અંગ્રેજી મિડિયમ’ માં જ ફેરવી નાખી હોય તો કેવું ? અને આથી પણ આગળ વધીએ તો, જો અંગ્રેજીમાં આટલો બધો ફાયદો હોય તો ગુજરાતી બોલવાનું પણ બંધ કરીને આખા ગુજરાતમાં માતૃભાષા જ ‘અંગ્રેજી’ કરી નાખીએ તો બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય !

તો આવું બધું કરવા જેવું છે કે કેમ તે હવે વિચારવાનો પ્રશ્ન છે. નવી પેઢીનાં બાળકો-વિદ્યાર્થીઓ તો કેટલેક અંશે આવી બાબતો અમલમાં મૂકવા જ લાગ્યાં છે. જેમ કે મેં જોયું છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતાં બે ગુજરાતી બાળકો ઘરમાં ભલે ગુજરાતી બોલતાં હોય, પરંતુ પરસ્પર મળે ત્યારે તો અંગ્રેજીમાં જ એકબીજા સાથે વાતો કરવા લાગે છે. જ્યારે પૂછીએ કે આમ કેમ, ત્યારે તેમનો જવાબ હોય છે કે ‘અમને આમ જ ફાવે !’ અલબત્ત, મૈત્રી થોડી વધે અને આત્મીયતા થાય પછી આપમેળે થોડું ગુજરાતી પણ વચ્ચે વચ્ચે આવવા લાગે છે. મારી દષ્ટિએ, આ રીતે વિચારવું અથવા આવી દિશામાં આગળ વધવું તે અત્યંત આત્મઘાતી વલણ છે. ‘શા માટે ?’ આ પ્રશ્નનાં અનેક ઉત્તરો અને પાસાંઓ છે, જેના વિશે થોડી વાત કરીએ. તે પછી આજની પરિસ્થિતિનો શો ઉપાય છે તે વિશે પણ કંઈક વિચારીએ, જેથી રચનાત્મક દિશામાં શાં નક્કર પગલાંઓ લઈ શકાય તે વિશે કંઈક સ્પષ્ટતા થાય અને એક કાર્યક્રમની રૂપરેખા બનાવી શકાય.

આજે ગુજરાતની નવી પેઢીનો ગુજરાતી ભાષાના વાચન-લેખન સાથેનો સંબંધ નબળો પડતો જાય છે તેમાં સૌથી મોટું નુકશાન શું છે તે પહેલાં વિચારીએ. અહીં સર્વ પ્રથમ સમજવાની વાત એ છે કે ગુજરાતી અથવા અન્ય કોઈ ભારતીય ભાષા, પછી તે મરાઠી હોય કે બંગાળી, હિન્દી હોય કે પંજાબી, તે આ દેશના હજારો વર્ષના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે આપણો સંબંધ જોડી આપતી હોય છે. આ જ પાના પરના શબ્દોને જરા ઝીણવટથી જોશો તો તરત સમજાશે કે તેમાંના ઘણાયે સંસ્કૃત ભાષા પરથી ઊતરી આવેલા છે, જેમ કે ‘વિચાર’, ‘પ્રથમ’, ‘સ્પષ્ટ’ વગેરે. આથી જ આ ભાષાઓના સાહિત્યમાં તથા કાવ્યમાં ભારતીય વિચારધારા, વેદાંત, તત્વજ્ઞાન, ન્યાય, સાંખ્ય તથા અન્ય વિચારધારાઓનાં પ્રતિબિંબ ઝિલાયેલાં છે. અંગ્રેજીને અપનાવી લેવાના ભલે કેટલાક ફાયદાઓ હોય, આજના અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર કે વિજ્ઞાનની દષ્ટિએ અથવા વૈશ્વિક પ્રવાહોને સમજવામાં થોડી વધુ મદદ પણ મળે તેવું બને. પરંતુ આપણી મૂળ ભાષાના ભોગે તે કરવામાં આપણા મૂળ પર જ ઘા કરવા જેવી વાત છે અને જીવન જીવવા માટે અતિ ઉપયોગી તેવો એક સમૃદ્ધ વિચાર તથા જ્ઞાનવારસો ખોવાનું તેમાં બને છે.

ઉદાહરણ લઈએ તો, ‘સ્વાસ્થ્ય’ આ શબ્દ વિશે વિચાર કરો. તેનો સામાન્ય અર્થ આપણે ‘તબિયત સારી હોવી’, ‘તંદુરસ્તી’ કે તેના જેવો કંઈક કરીએ. પરંતુ આ મૂળ શબ્દનો અર્થ છે ‘સ્વ’માં ‘સ્થિરતા’ એટલે કે માણસનું મન, બુદ્ધિ તથા અંત:કરણ અને ઈન્દ્રિયો આસપાસ, ચોપાસ બહારની દુનિયામાં ભટકવાનું છોડીને પોતાના સ્વરૂપમાં શાંત-સ્થિર થાય ત્યારે જ શરીર તથા મનની સાચી, ઉત્તમ અને આનંદદાયક અવસ્થા પ્રગટે છે, આવું આ ‘સ્વાસ્થ્ય’ તે શબ્દ સૂચિત કરે છે. હવે ગુજરાતી વાંચનારો, ભણનારો તથા માતૃભાષા દ્વારા વિચારનારો બાળક વહેલોમોડો પહેલાં શબ્દનો સામાન્ય અર્થ અને પછીના એક તબક્કે ઊંડાણવાળો અર્થ જરૂર સમજશે, તેના દ્વારા તેને જીવન વિશેની એક દષ્ટિ પણ પ્રાપ્ત થશે જે આ શબ્દો તથા તેના દ્વારા રચાયેલા સાહિત્યમાં સમાયેલી છે. પરંતુ માત્ર અંગ્રેજી માધ્યમમાં જ ભણનાર અને વિચારનાર બાળક તો ‘Health’ અને ‘Fitness’ જેવા ખ્યાલોથી આગળ જ નહીં વધે, જેમાં આગળ વાત કહી તેવું કોઈ ઊંડાણ અથવા દષ્ટિ સમાયેલાં નથી. આથી આવો બાળક કદાચ ભવિષ્યમાં સંસ્કૃત અથવા અન્ય ભારતીય ભાષા શીખે તો તેને આવો પરિચય થશે, એ પણ મોડો મોડો, અને નહીં તો તે આ વિચાર તથા જ્ઞાનવારસાથી વંચિત જ રહી જશે હંમેશને માટે.

ભારતીય ભાષાઓના આવા અનેકવિધ અતિ સુંદર શબ્દો તથા તેની પાછળ રહેલા વિચારવારસા વિશે, તથા તેમાં સમાયેલી અદ્દભુત અર્થસભરતા વિશે શ્રી અશ્વિન મહેતાએ એક ઘણી ઉપયોગી પુસ્તિકા આપી છે, જેનું શીર્ષક છે, ‘આપણી અણમોલ સંપદા (યજ્ઞ પ્રકાશન, 2006). આ જોઈ જવા તથા તે વિશે વિચારવા રસ ધરાવતા વાચકોને ખાસ ભલામણ છે. તેના દ્વારા ગુજરાતી ભાષા વિશે આવા નવા અભિગમથી વિચારતા થવાય તેવું છે.

નરસિંહ મહેતાની રચનાઓ અથવા અખા ભગત અને ગંગા સતીનાં પદો-કાવ્યો, તેમાં જે વિચારસમૃદ્ધિ, ગહન છતાંયે સરળ ભાષામાં અપાયેલું તત્વચિંતન તથા સમગ્ર જીવન વિશેનો એક અભિગમ, તે કેવળ અંગ્રેજી ભણનાર બાળકને ક્યા અંગ્રેજી સાહિત્યમાંથી મળી શકશે ? આધુનિક જીવનની ભાગદોડમાં ફસાતા તે લાંબા સમય સુધી આ સુંદર વારસાથી વંચિત જ રહેશે અથવા કાયમને માટે ગુમાવશે. અમારી દીકરીને શાળામાં ભણતી હતી ત્યારે ફ્રેન્ચ અને મરાઠી આ બંને ભાષાઓ વચ્ચે પસંદગી કરવાની હતી. મેં તેને સૂચન કર્યું કે અત્યારે મરાઠી ભણી લે, નહીં તો કદી નહીં કરે. ફ્રેન્ચ તો ભવિષ્યમાં જરૂર પડશે તો તું શીખી જ લેવાની છે ! અને આજે પણ તેના પરિણામે તે જ્ઞાનેશ્વર તથા તુકારામની અદ્દભુત રચનાઓ તથા કાવ્યોને યાદ કરે છે.

ગુજરાતી ભાષા સાવ છોડી દઈને કેવળ અંગ્રેજીની પાછળ પડવામાં અને શિક્ષણનું માધ્યમ જ અંગ્રેજી કરવામાં આર્થિક અથવા સામાજિક રીતે કેટલાક ફાયદાઓ હશે, પણ સમગ્ર જીવનની દષ્ટિએ તો ઘણા ગેરફાયદાઓ જ છે અને બાળક એક મોટો વારસો તથા સંપદા કાયમને માટે ગુમાવી જ દે છે. સાવ સાદો જ દાખલો લઈએ તો, આપણા દેશમાં થતા અદ્દભુત અને અતિ સુંદર ઋતુ પરિવર્તનો, ‘વસંત’, ‘શરદ’, ‘શિશિર’ અને આવાં નામોની અંગ્રેજીમાં ભણતાં કેટલાં બાળકોને ખબર હશે ? અલબત્ત, ‘મધર્સ ડે’, ‘ફાધર્સ ડે’ અને ‘વેલેન્ટાઈન્સ ડે’ની તેમને ખબર હોય છે તેનો ગુજરાતી માતા-પિતાઓ આનંદ લઈ શકે !

આજે પણ અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ મળે ત્યારે હું તો તેમને જરૂર કહું છું કે ગુજરાતીમાં ભણીને મેં તો તમારા કરતાં ઘણું વધારે મેળવ્યું છે ! પરંતુ આવી ‘વધુ મેળવવા’ની વાત સાંભળીને આપણો ‘વ્યવહારુ’ ગુજરાતી તરત સવાલ પૂછશે : ‘ભાઈ, મળતું હોય તો તો સારું છે, તો પછી આ બંને બાજુનો ફાયદો મળતો હોય તેવો કોઈ વચ્ચેનો રસ્તો નહીં હોય ? અમારે તો શું છે કે છોકરાનું ‘ભવિષ્ય’ બનવું જોઈએ !’ તો તેનો જવાબ એ છે કે આવો ‘વચલો’ રસ્તો જરૂર છે, આવો બંને બાજુનો ફાયદો મેળવી લેવા જેવો છે જેથી આપણાં બાળકોનું આર્થિક અને સામાજિક ભવિષ્ય પણ બને અને લાંબા ગાળે તેનું જીવન ધન, ધાન્ય અને વિચાર-સંસ્કાર સમૃદ્ધિથી પણ સભર બને. આ વિશે હવે થોડી વાત કરી લઈએ. જ્યારે વિદેશોમાં વસતા આપણા લોકો પણ ખાસ મહેનત કરીને પોતાનાં બાળકોને માતૃભાષા શીખવવાની મહેનત કરે છે કે જેથી સંતાનોને જીવનમાં આગળ ટકવા માટેનું એક મોટું બળ અને આધાર મળી રહે, તો આપણે ઘરઆંગણે બેસીને ખોટ શા માટે ખાવી ? તેમાં, સૌથી પહેલાં તો આપણા ગુજરાતી ભાઈએ અંગ્રેજીનો આટલો બધો ડર અને ‘હાઉ’ સાવ કાઢી નાખવાની જરૂર છે. અંગ્રેજી એવી તે કઈ મોટી વાડીનો મૂળો (કે મૂળી) છે તે એનું નામ પડતાં જ આપણો ‘જણ જેવો જણ’ ગુજરાતી ભાઈડો ‘પાણી-પાણી’ થઈ જાય છે ? જરૂર હોય તો શીખી લેવાનું અને વાત ખતમ કરો, આજના જમાનામાં તેનાં સાધનો ક્યાં ઓછાં છે ?

પણ નક્કર વાત કરીએ તો, આજના વિજ્ઞાને હવે એ પાકું સાબિત કરી આપ્યું છે કે નાનાં બાળકોની ભાષા શીખવાની શક્તિ ગજબ હોય છે, તેને ત્રણ-ચાર ભાષા શીખતાં તો કાંઈ તકલીફ થતી નથી. આથી આપણું બાળક ગુજરાતીમાં ભણે તો તેને અંગ્રેજી નહીં આવડે તેવી ચિંતા રાખવાની જરાય જરૂર નથી. ખરી જરૂર એ છે કે આપણી ગુજરાતી શાળાઓએ પહેલા જ ધોરણથી સાદું અંગ્રેજી શીખવવાની શરૂઆત કરી દેવી જોઈએ. બીજું બધું ભણવાનું અને વિષયો ભલે ગુજરાતીમાં જ શીખવાય, એ તો સારું જ છે અને બાળક તેમાં વધુ શીખશે (આ વિશે વધુ સમજવા મારો અગાઉનો લેખ : ‘ગુજરાતીમાં બોલો’ જુઓ). જો આ કામ વ્યવસ્થિત રીતે અને ધ્યાન આપીને કરીશું તો ચોથા-પાંચમા ધોરણ સુધીમાં તો બાળક એટલું સરસ અંગ્રેજી શીખતું જશે કે પછી મા-બાપને કે શિક્ષકને કે બાળકને પોતાને પણ અંગ્રેજીની ચિંતા જ નહીં રહે ! અને સાથે જ માતૃભાષાના અદ્દભુત ફાયદાઓ પણ બાળકને મળતા રહેશે.

અંગ્રેજીને નામે આજે લાખો રૂપિયા પડાવી અંગ્રેજી શાળાઓને આપણે ગુજરાતી શાળાઓએ પોતાનું કૌવત, ગુણવત્તા અને સામર્થ્ય વધારીને એવી તો જોરદાર સ્પર્ધા આપવાની જરૂર છે કે તેમને પોતાની ‘દુકાનો’ બંધ કરવાનો વારો આવે ! સાવ ગરીબ અને મજૂરી કરતાં મા-બાપો પણ આજે પેટે પાટા બાંધીને અને નિચોવાઈ જઈને આ અંગ્રેજીના વેપારીઓના ‘હપ્તા’ ભરે છે અને મોટી મોટી ફી ચૂકવે છે એ શું આપણા બધા માટે શરમની વાત નથી ? આનું કારણ આપણો અંગ્રેજીનો ‘ડર’ અને ગુલામીની ‘માનસિકતા’ આ સિવાય બીજું કશું નથી. શું આ વિશે ગુજરાતનું શાસન, ઉદ્યોગપતિઓ તથા જાગ્રત નાગરિકોની કોઈ ફરજ નથી ? આપણા ‘કવિ-સાહિત્યકારો’ તો ભલે બિચારા હાથ ઊંચા કરીને બેસી ગયા હોય પાણીમાં, અને તેમને તો ‘સરકાર’, ‘ઉદ્યોગપતિઓ’, તથા ‘વિદેશના મહેમાનો’નાં અનેક કામોની સાહિત્યસેવામાં આવા ‘નાનાં કામો’ નો સમય ન મળે તે સમજાય તેવું છે ! પણ જો પ્રત્યેક શિક્ષક અને જાગ્રત નાગરિક આને પોતાનું કામ માની થોડું પણ પ્રદાન કરે તો આ જરાય અઘરું નથી અને આપણાં બાળકો તથા નવી પેઢી પર મોટો ઉપકાર થશે.

અહીં એ સ્પષ્ટતા કરી દઉં કે અંગ્રેજી ન શીખવું તેવી કોઈ વાત જ નથી. દરેક નવા નવા યુગમાં નવી વાતો શીખવા-સમજવાની હોય છે અને આજના યુગમાં એ જ રીતે સાવ સરળતાથી અંગ્રેજી કરી લેવાનું છે, નવા જમાનાનાં અનેકવિધ સાધનો, ટીવી, છાપાંઓ વગેરે આપણી મદદમાં છે. આજે આ અઘરું કામ જ નથી, તેનો ‘ઈશ્યુ’ અને ‘પ્રોબ્લેમ’ બનાવવાની જરૂર જ નથી ! ગુજરાતનું શાસન તથા ઉદ્યોગપતિઓ સરળતાથી આ કાર્યમાં મોટી મદદ કરી શકે. ગુજરાતનો દરેક જિલ્લો અથવા તાલુકામાં ગુજરાતી માધ્યમની એક શાળાને ‘ઉત્તમ શાળા’ તરીકે ગુજરાતની સરકાર દત્તક લઈ શકે. ઉદ્યોગપતિઓ તેમાં પોતાનું અનુદાન અથવા મદદ આપી શકે. આંતરરાષ્ટ્રીય સ્તરની સર્વોચ્ચ સગવડોથી આ શાળાને એવી સુસજ્જ કરાય કે તેમાં ‘એડમિશન’ માટે ગુજરાતી મા-બાપોની પડાપડી થાય. કેવળ ‘સ્ટાફ’ પર શાળાના શિક્ષણનો આધાર ન હોય પણ જાગ્રત અને વિદ્વાન નાગરિકોની શિક્ષણકાર્ય માટે નિયમિત મદદ લેવાય. અંગ્રેજી તો પહેલા જ ધોરણથી વિવિધ સાધનોની મદદથી એવું સુંદર શીખવાય કે વિદ્યાર્થીઓ ‘અંગ્રેજી મિડિયમ’ ને પણ પાછળ રાખી દે. જો આવી એકસો ‘ઉત્તમ શાળાઓ’ તૈયાર થાય તો પણ તેની પ્રેરણા અને ઉદાહરણથી સમગ્ર ગુજરાતનો શિક્ષણનો સ્તર અને કેળવણીનો ઢાંચો બદલાઈ જાય. આ માટે આવશ્યકતા એટલી જ છે કે આ વિશે કાળજીભર્યું ધ્યાન આપીને અતિ વ્યવસ્થિત આયોજન થાય. આની શરૂઆત કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અથવા ગુજરાત વિદ્યાપીઠ એક ‘વિચાર સત્ર’ અથવા ‘આયોજન સત્ર’ ગોઠવે, જેમાં જાગ્રત નાગરિકો, ઉદ્યોગ તથા શાસન અને સાહિત્ય-વિજ્ઞાનનું પ્રતિનિધિત્વ હોય અને એક સુનિશ્ચિત કાર્યક્રમ આ દિશામાં આગળ વધવા માટે ઘડી કઢાય.

શું ગુજરાત આજે પોતાનાં ‘ગૌરવ’ તથા ‘અસ્મિતા’ એટલી હદે ખોઈ બેઠું છે કે પોતાની ‘ગુજરાતી’ માતાને લાત મારીને બાજુની ‘અંગ્રેજી’ શેઠાણીને પગે પડવા નીકળી પડ્યું છે ? આશા રાખીએ કે પાંચ કરોડ ગુજરાતીઓ આનો ઉત્તર ‘અલબત્ત નહિ જ’ તેવો એક અવાજે આપે !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવનવિદ્યા – પ્રવીણ દરજી
સત્યનો મારગ છે શૂરાનો – ગુણવંત શાહ Next »   

24 પ્રતિભાવો : ગુજરાતીને ખતમ કરીશું ? – ડૉ. પંકજ શાં. જોશી

 1. Priti says:

  અત્ય્યન્ત્ સુન્દર રજુઆત

 2. devina says:

  mumbai ma maro be varas no dikro english school ma bhani kai rite gujarati samajse e chinta mane atyarthi satavi rahi cheo
  oh!!!!!!!! readers wake up do something to save our mother tounge sorry for typing in english

  • Nami Anami says:

   Hi Devina,

   I don’t know where you live in Mumbai, but in 1980’s I had attended M.M. Pupil’s Own School, in Khar(W). The school was in Gujarati medium.

   I hope this helps.

  • સુબોધભાઇ says:

   પ્રસ્તુત લેખ એવુ નથી કહેતું કે અન્ય ભાષામાં ભણવાથી આપણી માત્રુ ભાષા ભૂલાઇ જાય. ઘરમાં તેમજ આપણી માત્રૂભાષા બોલાતી હોય ત્યાં અચુક વાપરો. આજ ખરી ભાવના છે.

 3. માત્રુભાષા ગુજરાતીના લગાવ-અગત્યતાને તટસ્થતાથી મુલવતો સુન્દર લેખ.
  લેખના પ્રતિભાવો ગુજરાતીમા જ હોય તો ખુબ રૂડુ!!!

 4. હું જયારે અમદાવાદમાં ભણતો હતો ત્યારે એવી વાતો થાય કે અંગ્રેજી માધ્યમના છોકરાઓના બહુ ટકા આવે નહિ કારણકે માર્યાદિત રીસોર્સીસ અને માર્યાદિત સ્કૂલો. (૧૯૯૪ની વાત છે). બારમાં બોર્ડમાં જેમના નંબર આવે એ બધા મોટા ભાગે ગુજરાતી સ્કૂલોમાંથી જ હોય. અંગ્રેજી સ્કૂલો ઘણી દુર હોય અથવા એના ટ્યુશન કલાસીસ, અને એકસરસાઇઝ બુક એવું બધું સરળતાથી મળે નહિ.અને જાણીતી સ્કૂલો જેવી કે સી.એન. વિદ્યાલય, દીવાન બલ્લુભાઈ, વિદ્યાનગર, સ્વસ્તિક એ બધે તો એડમિશન માટે એવી પડાપડી થાય…અમારા બધા જ ઓળખીતાઓ, સગાઓના બાળકો બધા જ ગુજરાતી માધ્યમમાં જ હોય. મારી જાણકારી પ્રમાણે, માંડ એક કે બે જણ અંગ્રેજીમાં ભણતા હોય અને એ ય કદાચ એમના પપ્પાની ટ્રાન્સફર થતી હોય એવી જોબ હોય એટલે.

  આજે લગભગ પંદર-સત્તર વર્ષ પછી હું જોઉં છુ તો અમારા જેટલા ઓળખીતાઓ છે એમાંથી મોટાભાગના લોકોના બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ જાય છે. કેટલાક ગુજરાતી સાહિત્યપ્રેમીઓ અને ગુજરાતી પ્રત્યે પક્ષપાત ધરાવતા લોકોના બાળકો પણ બાલમંદિરથી અંગ્રેજી માધ્યમમાં જ જાય છે. એવી વાતો પણ સાંભળી છે કે એ લોકોને ત્યાં અંગ્રેજી બોલવાની પ્રેક્ટીસ પાડવામાં આવે છે જેથી મન અંગ્રેજીમાં વિચાર કરી શકે.

  અમદાવાદમાં જ કેટલી બધી અંગેજી માધ્યમની શાળાઓ ખુલી ગઈ છે અને એક આખી વ્યવસ્થિત પ્રણાલી ઉભી થઇ છે જેથી બધા સરળતાથી અંગેજી માધ્યમમાં ભણી શકે. ઘણા માં-બાપનું એવું કહેવું છે કે અમારો યશ તો છેને અંગ્રેજી સિવાય બોલતો જ નથી. એ બાબતથી ઘણું ગર્વ અનુભવે છે.

  અંગ્રેજી માધ્યમમાં જવાનો ટ્રેન્ડ હજુ વધશે એવું લાગે છે…એટલે પછી એવું થાય ખરું કે જયારે આ બાળકો મોટા થશે ત્યારે એમાં કેટલાયેને ગુજરાતી બરાબર આવડતું નહિ હોય. સાહિત્ય સર્જન કરનારા લોકો ઘટે એવું બને!

  આજની તારીખે, ગુજરાતી બોલનારા લોકોનો સંખ્યાની દ્રષ્ટિએ ત્રેવીસમો નંબર છે.. પણ હમણાં ક્યાંક વાંચ્યું હતું એમ, એકવીસમી સદીના અંતે જયારે વિશ્વમાં ત્રણસો ભાષાઓ રહી હશે તેમાં ગુજરાતી નહિ હોય.

 5. vijay says:

  આપણા ‘કવિ-સાહિત્યકારો’ તો ભલે બિચારા હાથ ઊંચા કરીને બેસી ગયા હોય પાણીમાં, અને તેમને તો ‘સરકાર’, ‘ઉદ્યોગપતિઓ’, તથા ‘વિદેશના મહેમાનો’નાં અનેક કામોની સાહિત્યસેવામાં આવા ‘નાનાં કામો’ નો સમય ન મળે તે સમજાય તેવું છે !

  > ખરેખર ?? સમય આવે ત્યારે ખબર પડશે. Remember the rule of Demand and Supply.

 6. Rutvik Trivedi says:

  પ્રણામ,
  આજે આ લેખ વાંચી ખૂબ આનંદ થયો. હું ધોરણ એક થી છ અંગ્રેજી માધ્યમમાં હતો અને ત્યારબાદ મેં ગુજરાતી માધ્યમમાં આગળનો અભ્યાસ કર્યો છે અને આજે હું માતૃભાષામાં ભણવાના અનેક ફાયદાઓ આજે જોઉં છું. આ પેહલા પણ આજ મંચ પર કોઈક બાળ ચિકિત્સક/મનોવૈજ્ઞાનિકે આજ વિષય પર થોડા અલગ સંદર્ભમાં વાત કરી હતી. હું એટલું જરૂર કહીશ કે મારો આજનો વિકાસ જો હું અંગ્રેજી માધ્યમ માં હોત તો શક્ય ના હોત. આજે હું સારું અંગ્રેજી લખી વાંચી અને બોલી શકું છું. ગુજરાતી સારું છે એટલે આજે અંગ્રેજીમાં કદાચ વધુ સારી રીતે બોલી ચાલી શકું છું એવું લાગે છે. મને પોતાને એક વખત જયારે engineering માં પ્રવેશ લીધો ત્યારે એમ થયું હતું કે કાશ હું અંગ્રેજી માધ્યમમાં ભણ્યો હોત તો આજે આ બધું સરળ હોત. પણ વાંચનનો વિકાસ થતા જ્ઞાન થયું કે જર્મની,ફ્રાંસ,ચીન,રશિયા અને તમામ વિકસિત દેશ, પ્રજાતિ કે વ્યક્તિની સફળતામાં માતૃભાષાનો મજબૂત પાયો છે, અને એના લીધેજ એ જીવનમાં આગળ વધી શક્યા છે.

 7. ketan shah says:

  Very nice topie.

  After lot of consideration, i have decided to put my both sons in gujarati Medium.

  Y r absoulety right, other then government school. Their is no gujarati private scheool available.

  Due to gujarati, when i discuss some thing about kalrav (Birs voice) / about tara / akkash. Iam able to educate my sons.

 8. priyangu says:

  ગુજરાતી માતૃભાષા છે. માતા ને છોડોછો, તો માતૃભાષા પછીની વાત છે!
  સ્ન્સકાર અને શિક્ષણ તો માતૃભાષા અને માતા જ આપી શકે.

 9. amirali khimani says:

  અહિ કરાચિ પાકિસ્તાન મા પ્ણ અમારિ આવિજ સ્મ્શ્યા છે.વિભાજ્ન પછિ અહિ કેટ્લાય ગુજરાતિ ઉધોગ પતિ હ્તા પ્ણ કોયે આપ્ણિ માત્રુભાશા તરફ ધ્યાન આપ્યુજ ન્હિ.ઉર્દ અને અગ્રેજિ મિડિય્મ મા અભ્યાસ નિ વ્રુતિ થય અને પ્રિણામે અહિ ગુજરાતિ દિન પ્ર્તિદિન વિલ્ય તર્ફ જ્ય રહિ છે. હવે અહિ બાળ પોથિ પ્ણ ઉપ્લ્ભ નથિ અમે અમારા બ્ળ્કોને ગુજરાતિ કેમ શિખવાડિયે? બેય દેશના રાજ પુરુશો તો લડવામાજ પડેલા છે,આપ્ણા ગુજરાતિ સ્ન્શકારો પ્ણ વિલિન થ્ય રહ્યા છે.૧૯૭૦ સુધિ અહિ ગુજરાતિ માદ્ય્મ હ્તુ મે પોતે ગુજરાતિ સાહિત્ય ફિલોસોફિ એથિક્સ સાથે બિયે કરેલુ હવે એ પ્ણ ઉપ્લ્ભ નથિ જ્યારે હુ આ બાબત વિચારુ છુ તો બ હુજ દ્ખ્થાય છે જો બે દેશો વ્ચે સ્બ્ન્ધ સુધ્રે તો અમ્મે ગુજરાતિ સહિત્ય મગાવિ શ્ક્યે વિશ્વ ગુજરાતિ ઓએ આ ધડો લેવા જેવિ વાત છે

 10. મૃદુલા તામ્બે says:

  મરાઠી ભાષાની સ્થિતિ પણ વિલગ નથી. બધા ભારતીય ભાષાના ભવિષ્યકાલ કઠીણ લાગે છે.

 11. ખુબજ સરસ લેખ છે…પણ થોડા પ્રશ્નો પણ છે…
  ૧. શું ગુજરાતી માં ભણતા વિદ્યાર્થી ને ગુજરાતી ભાષામાં બધી રીસર્ચ ની સામગ્રી ઉપલબ્ધ છે.
  ૨. સંપૂર્ણ ગુજરતી ભાષા ની પ્રયોગ કરવા માટે ગુજરાતી ભાષા માં રૂઢિગત બનેલા બીજી ભાષા ના શબ્દો ને બદલવાનો કોઈ ઉપાય છે?
  ૩. શું ગુજરાતી પ્રજા ને શાહિત્ય માં બંગાળ ની પજા જેટલો રાસ છે? કેમ નથી? કેમ ઉભો કરવો?
  ૪. ગુજરાતી ફિલ્મ માં કશું કુટુંબ સાથે બેસીને જોવા જેવું કશું હોય છે?
  ૫. ટૂંકા રસ્તા થી પ્રાપ્ત થયેલા ધન ને કરને તેઓની પ્રજા શું પૈસાનું સાચું મૂલ્ય સમજી શકશે? કેમ સમજાવશું? શરૂઆત કેવી રીતે કરીશું?

  હિરેન, વડોદરા.

 12. bharat sheth says:

  મારા ૩સ્ંતાનોને ગુજરતી ભાષામા ભણાવ્યાનો સ્ંતોષ છે. સહુથી નાનો સી.એ. (ઉ.વ. ૨૬) આજૅ કહે ” ઓફીસ મા જૉ ઍ ગુજરાતી મા ૧૦ સુધી ભણ્યો તેમ કહે તો સાથે ના કામ કરવાવાલા અને બધાની નજર માથી ઉતરી જાય અને બધા તેને દુર કરી દે. આ લાગણી ચોક્ક્સ છે. ” આજે ગુજરાતીમા ભણ્યા છે તેમ કહેવુ પણ શરમ ગણાય છે ભલે તમારી પાસે ઉચ્ચ ડીગ્રી હોય પણ જો તમે તમે અંગ્રેજી માધ્યમા ની સ્કુલમા નો ભણ્યા હો તો તમને ‘સારા” ગણાતા ગ્રુપમા accept કરવામા નથી આવાતા. ( નીચી નજરે જોવામા આવે છે.) આ તો મુંબઈ ના પરા ની વાસ્તવિક વાત છે. મારી પૌત્રિને English medium school મા મે જાતેજ હાલમા દાખલ કરાવી છે જેથી કરીને તે લઘુતાગ્રન્થી વગર ભણી શકે. ગુજરાતી ભાષાનુ ભણતર ઘર મેળે કરાવીશુ.

 13. Kalidas V. Patel { Vagosana } says:

  પંકજભાઈ,
  વૈજ્ઞાનિક અને પ્રોફેસર તરીકે વિજ્ઞાન ભણાવતા “સાયંસના” માણસનો આટલો પ્રખર માતૃભાષા પ્રેમ અને સાહિત્યનો લગાવ સલામને પાત્ર છે.
  આ ચર્ચાને લંબાવવા કરતાં મધ્યમ માર્ગ એક જ છે કે …” માધ્યમ ગુજરાતી સાથે ઉત્તમ અગ્રેજી ભાષાજ્ઞાન. ”
  મેં પોતે B. Sc. {Phys.} ગુજરાતી માધ્યમમાં અને M.Sc. { Electronic
  અંગ્રેજી માધ્યમમાં કરેલું. વ્યવસાયે ટેક્નીકલ ઈજનેર રહ્યો પરંતુ અંગ્રેજી માધ્યમમાં ન ભણી શકવાનો કોઇ અફસોસ ન રહ્યો, ઉલ્ટાનો ફાયદો રહ્યો. ગુજરાતી માધ્યમને કારણે ગુજરાતી સાહિત્યમાં રસ લઈ શક્યો, સારી પેઠે જાણી શક્યો.
  વળી, ગુજરાતી માધ્યમ વાળી ઉત્તમ શાળાઓ ખૂબ જ ઓછી છે તથા મોટા ભાગની ગુજરાતી શાળાઓનું શિક્ષણ ઘણું જ નબળું હોવાને કારણે વાલીઓ પોતાના પાલ્યને અંગ્રેજી માધ્યમમાં ના છૂટકે મૂકવા મજબૂર બને છે તે ન ભૂલાવુ જોઈએ.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  • Bachubhai Patel says:

   I am also study in gujarati medium in B.Sc & M. Sc in English medium, I never got problem in USA in my job work as superviser. My opinion kids in lower stander in gujarati and higher study in English.

  • Devendra n patel says:

   કાલિદાસ ભાઈ બહુ સરસ વાત કરિ તમે .

 14. હું લંડનમાં ગુજરાતીનો શિક્ષક છું. મારા મત પ્રમાણે જે બાળક સૌ પ્રથમ પોતાની માતૃભાષા ભણે છે તે બીજી ભાષાઓ પર ઝડપથી કાબૂ મેળવી શકે છે. ગુજરાતી ભણાવાનું હજી સરળ બને તે માટે હાલમાં જ મે મારા એક બિન-ગુજરાતી વિદ્યાર્થીનો પ્રશ્ન અમુક વિદ્વાનોને પૂછ્યો હતો જેનો મને હજી સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી. તેનો પ્રશ્ન: મહેન્દ્ર, જીતેન્દ્ર, ઇન્દ્ર વગેરેમાં દેવનાગરીનો द ઉપરની લીટી વગર કેમ વાપરીએ છીએ? આના નિયમો શું છે? તમને નથી લાગતું કે તમે જ્યારે અમને બારાક્ષરી શીખવાડી ત્યારે તમારે અમને આ રીતે (ત થ દ द ધ ન) શીખવાડવી જોઈતી હતી? આપણે કેમ દ વાપરતા નથી?
  મને લાગે છે કે સાર્થ જોડણી કોશે આની સમજણ આપવી જોઈએ જેથી જે વિદ્યાર્થીઓ બિન-ગુજરાતી વાતાવરણમાંથી આવે છે તેને સરળતા પડે. આજકાલ ફોન તથા અન્ય ઉપકરણો પર ટેક્સ્ટ વહેવારનું ચલણ વધી ગયું છે ત્યારે એમ લાગે છે કે “ક્ષ” ને બદલે ક્શ અને “જ્ઞ” બદલે ગ્ન વપરાય તો વાંધો આવે તેમ નથી. તદુપરાંત મેં એ પણ જોયું છે કે અહી જે ગાવાવાળાઓ આવે છે ટે ગીત ગમે તે ભાષામાં હોય તો પણ અંગ્રેજીમાં લખી લે છે અને ગાય છે. જીવંત ભાષા એ છે જે પાણીની જેમ વહેતી રહે અને આ ઝડપથી બદલાતી દુનિયામાં થતાં પરિવર્તનોને સમાવી લે. તો જ ભાષા લોકપ્રિય બનશે.

  • Kalidas V. Patel {Vagosana} says:

   ઉપેન્દ્રભાઈ,
   ગુજરાતી લિપીમાં, જે સંસ્કૃતની દેવનાગરી લિપી પરથી ઉતરી આવી છે, તેમાં…
   અમુક અક્ષરોના જોડાક્ષર કે માત્રાઓ લગાડતાં થતા ફેરફારો, જે લખવામાં અઘરા અથવા ભૂલ થવાની સંભાવનાવાળા લાગ્યા તેમના માટે થોડી જુદી રીતો અપનાવવામાં આવી.
   દા.ત. ૧. જ ને હ્રસ્વ ઉ કે દીર્ગ ઊ લગાડતાં, લખાણમાં ભૂલ થવાની સંભાવના લાગતાં … ઘૂસણખોર કાનો ઉમેરી દીધો … જુ ને બદલે જા ને નીચે હ્રસ્વ ઉ
   ૨. દ અક્ષરને ર જોડતાં દ્ર કરવું પડ્યું
   ૩. શ ને ન જોડતી વખતે શ્ન કરવું પડ્યું.
   ૪. શ ને ર જોડતી વખતે શ્ર કરવું પડ્યું.
   ૫. જ્ઞ નો ઉચ્ચાર ગ્ય જેવો છે , નહિ કે ગ્ન. વગેરે.
   આમ છતાં, થોડી વિસંગતતા હજુ પણ છે જ…
   જેમ કે — ધી કે ઘી … એક જેવું જ લાગે છે ને ?
   તથા અનુસ્વારોમાં કયાનો ઉચ્ચાર …મ,ન,ણ,કે ઙ થશે તે પણ ક્યાં ભણાવવામાં આવે છે ?
   જેમકે … ૧. અંબાજી = અમ્બાજી
   ૨. દંતાલી = દન્તાલી
   ૩. ગંગા = ગ ઙ ગા
   ૪. ડંડો = ડ ણ ડો
   આવું ઘણુંબધુ સુધારવાને લાયક છે ને ?
   કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 15. rahul k.patel says:

  Wahhhhh..khub j saras lekh

 16. Shantilal Joshi says:

  હૂં ગુજરાતી માં ભણ્યૉ. ડિપ્લોમા પહેલા વરસ મા મને ઇન્ગ્લિશ સમજવામા ખુબજ તકલિફ પડી હતિ.

 17. shirish dave says:

  ઉપેન્દ્ર ભાઈ વાસ્તવમાં શું કહેવા માગે છે તે ખબર પડતી નથી. ગુજરાતી ભાષાના કોઈપણ મૂળાક્ષર પર શિરોરેખા કરવામા આવતી નથી. મારા ખ્યાલ પ્રમાણે આ પ્રથા ઓગણીઅમી સદીના અંત કે વીસમી સદીની શરુઆતથી થઈ હશે.
  જો આ જોડાક્ષરની વાત હોય અને ર્ ને પૂર્વગ કે અનુગ વ્યંજન સાથે જોડવાની વાત હોય એટલે કે ક્+ર = ક્ર, દ્ + ર = દ્ર અને ર્ + વ, = ર્વ, ર્ + ય = ર્ય ની વાત હોય અને તેને ર્ ની નિશાની ને બદલે ર્ જોઈ શકાય તેમ જોડવાની વાત હોય તો મને લાગે છે કે ર્ ની નિશાની કરીએ છીએ તે જ બરાબર છે. દિવ્યભાસ્કર જેવા ઈન્ટરનેટ ઉપર કષ્ટ દાયક લાગે તેમ જે જોડાક્ષરો કરે છે તે સુધારો નથી પણ બગાડો છે.
  સ્વર વ્યંજનો ના જોડાણોની જે રીત છે તે સંસ્કૃતમાં જે પ્રણાલી છે તે પ્રમાણે અપનાવવામાં આવી છે. દેવનાગરીને થોડ ફેરફાર સાથે ગુજરાતીમાં મૂળાક્ષરો અને જોડણીઓ અપનાવવામાં આવ્યા છે તે યોગ્ય જ છે. શિરોરેખા ની હવે જરુર નથી.

 18. સુબોધભાઈ says:

  ” ગુજરાતીને ખતમ કરીશું ? “……શીર્ષક ક્રાઇમ થ્રિલર સ્ટોરી જેવું લાગે. પણ લેખક મહાશય આપણને ગુજરાતી ભાષા ખતમ ના થાય એમ કરવા માટે એમના વિચારો પ્રગટ કર્યા છે. માટે આપણે બધાએ , ઘરમાં,સગાવહાલા ના ઘેર કે સમાજ ના કોઈ કાર્યક્રમ માં હાજરી આપીયે તયાં ગુજરાતી માં જ બોલવાનો આગ્રહ રાખવો જરૂરી છે

  વર્તમાન પરિસ્થિતિ એટલી હદે આગળ વધી ગયી છે કે અંગ્રેજી ભાષા જાણવી,ભણાવી અને તે કડકડાટ બોલવી પણ પડશે. અને આમ થવાથી કાંઈ ગુજરાતી ભાષા ખતમ થાય નહીં. પણ અંગ્રેજી ના શીખવો તો …… શીર્ષક સાચું પડે કે નહીં .
  અને આ નીચે લખેલા છે એવા મહાનુભાવો ની મદદ ની અપેક્ષા કેવી રીતે રખાય; સરકારવાળા સાબુવાળા, કપડાવાળા, દવાવાળા જેવા ઉદ્યોગપતિ એ પોતેજ અંગ્રેજી શાળાઓ શરૂ કરાવી છે ને પાછા ગુજરાતી ભાષા ની શાળા ને અનુદાન આપે ?

  કરે તો એમના ઉભા કરેલા શિક્ષણ ઉદ્યોગમાંથી કયા લાટા લેવાના ? .

  (” ગુજરાતનું શાસન તથા ઉદ્યોગપતિઓ સરળતાથી આ કાર્યમાં મોટી મદદ કરી શકે. ગુજરાતનો દરેક જિલ્લો અથવા તાલુકામાં ગુજરાતી માધ્યમની એક શાળાને ‘ઉત્તમ શાળા’ તરીકે ગુજરાતની સરકાર દત્તક લઈ શકે. ઉદ્યોગપતિઓ તેમાં પોતાનું અનુદાન અથવા મદદ આપી શકે. આંતરરાષ્ટ્રીય સ્તરની સર્વોચ્ચ સગવડોથી આ શાળાને એવી સુસજ્જ કરાય કે તેમાં ‘એડમિશન’ માટે ગુજરાતી મા-બાપોની પડાપડી થાય.”)

 19. Arvind Patel says:

  Language is never so much important. Ideas , thinking , creativities , are important. Which language is used is less important. By & large , every person must have proper knowledge of mother tounge. Gujarati must know Gujarati. That’s it.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.