વચન પાલન – ભાણદેવ

[‘અધ્યાત્મ-કથાઓ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ભક્તરાજ વિભીષણ બે હાથ જોડીને પોતાના વડીલબંધુ લંકાપતિ રાવણને સમજાવે છે :
‘મોટાભાઈ ! આ રામ સામાન્ય માનવી નથી. રામ ચૌદ લોકના નાથ છે. તેમની સાથે વેર ન હોય. તેમની સાથે વેર રાખવામાં આપનું કે આપણા કોઈનું કલ્યાણ નથી. આપ હઠ છોડી દો. આપ શ્રીરામનું શરણ સ્વીકારો. સીતાજી તેમને પાછા સોંપી દો અને તેમ કરીને તેમની કૃપાને પ્રાપ્ત કરો.’

વિભીષણ તો મોટાભાઈને વારંવાર વીનવે છે, પરંતુ રાવણ જેનું નામ ! રાવણ એકનો બે ન જ થયો. રાવણે વિભીષણનું અપમાન કર્યું. તેમને લાત મારીને કાઢી મૂક્યા. વિભીષણે રાવણનો અને લંકાનો ત્યાગ કર્યો. વિભીષણ ભગવાન શ્રીરામને શરણે ગયા. રાવણ અને લંકાનો ત્યાગ કરીને જતી વખતે વિભીષણ રાવણને કહે છે : ‘હે રાક્ષસરાજ ! હું તમારું હિત ઈચ્છું છું, તેથી મેં તમને આ હિતવચનો કહ્યા છે. પરંતુ જેમનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય છે તેમને હિતવચનો પણ રુચિકર લાગતા નથી. હે મોટાભાઈ ! વિનાશકાળે બુદ્ધિ વિપરીત બની જાય છે. તમને મારા હિતવચનો રુચિકર લાગતા નથી કારણ કે હવે વિનાશકાળ નજીક આવ્યો છે.’ આ પ્રમાણે કઠોર પરંતુ હિતકર વચનો કહીને ભક્તરાજ વિભીષણ તે સ્થાન પર આવે છે, જ્યાં લક્ષ્મણ સહિત શ્રીરામ બિરાજમાન હતા. તે વખતે વિભીષણની સાથે તેમના ચાર અનુચરો પણ હતા.

ભક્તરાજ વિભીષણ પોતાના અનુચરો સહિત તે સ્થાને પહોંચ્યાં જ્યાં ભગવાન શ્રીરામ પોતાના વરિષ્ઠ સેનાનાયકો સાથે મહત્વની મંત્રણા કરી રહ્યા હતા. થોડે દૂર આકાશમાં ઊભા રહીને વિભીષણે આ પ્રમાણે કહ્યું : ‘લંકાપતિ રાક્ષસરાજ દુરાચારી રાવણનો હું નાનો ભાઈ છું. મારું નામ વિભીષણ છે. રાક્ષસરાજ રાવણે ભગવતી સીતાનું કપટથી હરણ કર્યું છે. સીતાજી અત્યારે રાક્ષસીઓના પહેરા હેઠળ લંકામાં જ છે. મેં મારા મોટાભાઈ રાવણને ભગવાન શ્રીરામ સાથે વેરનો ત્યાગ કરીને સીતાજી તેમને પાછા સોંપી દેવા માટે ખૂબ સમજાવ્યા. પરંતુ જેમ મરણાસન્ન પુરુષને ઔષધપ્રયોગ અરુચિકર લાગે છે તેમ મારા હિતવચનો રાવણને હિતકર લાગ્યા નહિ. તેમણે મારો તિરસ્કાર કર્યો છે. હવે મારા પરિવારને લંકામાં જ છોડીને હું ભગવાન શ્રીરામને શરણે આવ્યો છું. આપ ભગવાન શ્રીરામને સૂચિત કરો કે શરણાર્થી વિભીષણ આપની સેવામાં ઉપસ્થિત થયો છે.’ વિભીષણના આ વચનો સાંભળીને વાનરરાજ સુગ્રીવ તુરત જ શ્રીરામ પાસે ગયા. સુગ્રીવે શ્રીરામને વિભીષણના આગમનની જાણ કરી અને વિભીષણે જે વચનો કહ્યા હતા તે સર્વ તેમને કહી સંભળાવ્યા.

હવે શું કરવું ? વિભીષણ સાથે કેવો વ્યવહાર કરવો ? તેમનો સ્વીકાર કરવો કે નહિ ? આ વખતે ભગવાન શ્રીરામ પોતાના સાથીઓ, મંત્રીઓ અને સેનાનાયકોનો મત પૂછે છે. હનુમાનજી, જાંબુવાનજી, સુગ્રીવ આદિ સૌ એક પછી એક પોતાનો મત પ્રગટ કરે છે. મોટાભાગના સાથીઓ વિભીષણનો સ્વીકાર ન કરવાનો મત પ્રગટ કરે છે. કોઈક વળી સાવધાન રહેવાનો મત જણાવે છે. રામસખા શ્રી સુગ્રીવજી તો દઢતાપૂર્વક કહે છે : ‘પ્રભુ ! વિભીષણ રાક્ષસ છે. દુશ્મનનો નાનો ભાઈ છે. અત્યારે યુદ્ધકાળ છે. આ સંજોગોમાં વિભીષણને આપણી વચ્ચે સ્થાન આપવું તે ઘણું જોખમી અને તેથી ન કરવા જેવું કાર્ય છે.’ ભગવાન શ્રીરામ સૌનો મત સાંભળે છે, સૌના મત પર વિધાયક દષ્ટિકોણથી વિચારે છે, પરંતુ આખરે સૌની સમક્ષ પોતાનો મનોભાવ પ્રગટ કરે છે. ભગવાન કહે છે : ‘તમે સૌ મારા મિત્રો અને હિતેચ્છુઓ છો. તમે સૌ બુદ્ધિવાન અને નીતિવાન પણ છો. આ યુદ્ધકાળમાં તમે જે સાવચેતીની વાત કરો છો તે પણ બરાબર જ છે. પરંતુ બંધુઓ ! મારું એક વ્રત છે. આપ મારું આ વ્રત સાંભળો –

सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते ।
अभयं सर्वभूतेभ्यो ददाम्येतद व्रतं मम ।।
( જે વ્યક્તિ મારે શરણે આવે છે અને હું તમારો છું એમ કહીને યાચના કરે છે, તેમને હું સર્વભૂતોથી અભય આપું છું, એવું મારું વ્રત છે.)

‘ભાઈઓ ! મારે શરણ આવનાર વ્યક્તિ પાપી હોય, દુરાચારી હોય કે અધોગતિને પામેલ હોય તો પણ હું તેનો કદી અસ્વીકાર કરતો નથી. અરે ! આ તો વિભીષણ શરણે આવ્યો છે. ખુદ રાવણ પણ જો શરણે આવે તો હું તેનો અસ્વીકાર કરીશ નહિ.’ ભગવાન શ્રીરામના આ વચનો સાંભળીને સુગ્રીવ આદિ સર્વ તેમના વચનોની પ્રશંસા કરવા લાગ્યા. સૌએ ભગવાનના વચનોમાં પોતાની સંમતિ પ્રગટ કરી. પછી ભગવાન શ્રીરામ પોતાના સુગ્રીવ આદિ સર્વ સાથીઓને લઈને વિભીષણને લેવા માટે સામેથી ચાલીને ગયા. પ્રભુ રામને આ રીતે સામેથી આવતા જોઈને વિભીષણ પોતાના અનુચરો સહિત પૃથ્વી પર આવ્યા. વિભીષણે ભૂમિ ઉપર પડીને શ્રીરામને પ્રણામ કર્યા. વિભીષણે શ્રીરામનું શરણ ગ્રહણ કર્યું. વિભીષણ સહિત સૌ પ્રસન્ન થયા. ભગવાન શ્રીરામનો જયજયકાર થયો. વિભીષણે ભગવાન શ્રીરામને રાવણ સામેના યુદ્ધમાં સર્વ રીતે સહાયભૂત થવાનું વચન આપ્યું. ભગવાન શ્રીરામે વિભીષણને ‘લંકાપતિ’ કહીને સંબોધ્યા. ભગવાને લક્ષ્મણજીને સમુદ્રનું જળ લાવવાની આજ્ઞા કરી. તે જ વખતે રેતીનું સિંહાસન રચીને તેના પર વિભીષણે બેસાડીને ભગવાને સમુદ્રના જળ વડે તેમનો લંકાના રાજવી તરીકે અભિષેક કર્યો. વિભીષણ લંકાના રાજવી તરીકે અભિષિક્ત થયા, નિશ્ચિત થયા. ભગવાન શ્રીરામનો પુનઃ જયજયકાર થયો.

રાત્રે સૌ આનંદ અને શાંતિથી સૂઈ ગયા. સૌ નિદ્રાધીન થયા છે, પરંતુ જાંબુવાનજીને નિદ્રા આવતી નથી. જાંબુવાન વૃદ્ધ છે, અનુભવી છે અને ડાહ્યા છે. તેઓ ભગવાન શ્રીરામના ભક્ત છે અને પરમ હિતેચ્છુ છે. તેમના મનમાં રહી રહીને વિચાર આવે છે – ‘ભગવાન શ્રીરામે વિભીષણને શરણાગત જાણીને તેનો સ્વીકાર કર્યો, તે તો ઉચિત જ છે. ભગવાને વિભીષણને લંકાના રાજવી તરીકે અભિષિક્ત કર્યા છે. પ્રભુ રામ તો એકવચની છે, સત્યપ્રતિજ્ઞ છે. હવે જો આ જ રીતે રાવણ પણ ભગવાનને શરણે આવશે તો ? ભગવાન તો શરણાગતવત્સલ છે. શરણાગતને અભય આપવાનું ભગવાનનું વ્રત છે. ભગવાન રાવણનો પણ સ્વીકાર કરશે અને આમ બનશે તો લંકાના રાજા કોણ રહેશે ? રાવણ શરણાગત બને તો તેમની પાસેથી લંકાનું રાજ્ય લઈ શકાય નહિ અને તો પછી વિભીષણનો લંકાના રાજા તરીકે અભિષેક થયો તેનું શું થશે ? આમ જો બંને ભાઈઓ પ્રભુના શરણાગત બનશે તો પ્રભુ રામ ધર્મસંકટમાં મૂકાશે. આમ બનશે તો પ્રભુ રામ શું ઉપાય લેશે ?’ જાંબુવાનજીના મનમાં આવી ગડમથલ ચાલી રહી છે. તેમને ઊંઘ આવતી નથી. બાજુમાં જ સૂતેલા ભગવાન જાંબુવાનજીની આ અનિદ્રાને જાણી ગયા. તેમણે જાંબુવાનજીને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું :
‘જાંબુવાનજી ! કાંઈ સમસ્યા છે ? કાંઈ ગડમથલ છે ?’

નિરાંતે વાત કરવા માટે ભગવાન અને જાંબુવાનજી બંને સમુદ્રકિનારે એકાંત સ્થાનમાં જાય છે. બંને સમુદ્રની રેતીમાં બેસે છે. ભગવાન જાંબુવાનજીને પૂછે છે :
‘કહો, જાંબુવાનજી ! શું સમસ્યા છે ? શું મૂંઝવણ છે ?’
જાંબુવાનજી કહે છે : ‘ભગવાન ! આપે વિભીષણનો લંકાના રાજવી તરીકે અભિષેક કર્યો છે. હવે ન કરે નારાયણ અને રાવણ પણ શરણે આવશે તો ? તો તો આપ લંકાનું રાજ્ય લઈ શકશો નહિ અને તો વિભીષણનો લંકાપતિ તરીકે રાજ્યાભિષેક થયો તે વ્યર્થ ગણાશે ! તો આપ ધર્મસંકટમાં મૂકાઈ જશો. આપના વચનનું શું ? આપની પ્રતિજ્ઞાનું શું ? પ્રભુ ! મારી આ સમસ્યા છે, મારી આ મૂંઝવણ છે. આ મૂંઝવણને કારણે મને નિદ્રા આવતી નથી.’ ભગવાન શ્રીરામ જાંબુવાનજીની સમસ્યા અને તેમની મૂંઝવણ સમજી ગયા. તેમની ચિંતા વાજબી છે અને સકારણ છે, તેમ સમજવામાં પણ પ્રભુને વાર ન લાગી. જાંબુવાનજીના ડહાપણ અને તેમની દીર્ઘદષ્ટિ માટે પણ પ્રભુને માન થયું.

….. પણ રામ તો રામ છે ! ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ્રભુ રામે જાંબુવાનજીની સમસ્યાનો ઉકેલ આપી દીધો. ભગવાને જાંબુવાનજીને કહ્યું : ‘જાંબુવાનજી ! રાવણ શરણે આવશે તો શું કરશું, તે સમસ્યા છે ને ? અરે ! રાવણ શરણે આવશે તો હું તેને મારું અયોધ્યાનું રાજ્ય આપી દઈશ. જાંબુવાનજી ! રાવણ પણ શરણે આવશે તો વિભીષણ લંકાના રાજા બનશે અને રાવણ અયોધ્યાના રાજા બનશે. હું જીવનભર વનમાં જ વસીશ. જાંબુવાનજી ! તમે નચિંત રહો. મારી પ્રતિજ્ઞા તૂટશે નહિ, મારું વચન બદલાશે નહિ.’ પ્રભુ રામના આ વચનો સાંભળીને જાંબુવાનજી સ્તબ્ધ બની ગયા. તેમણે ભગવાનના ચરણોમાં મનોમન શત વાર પ્રણામ કર્યા.

પ્રભુ રામ સિવાય એવું કોણ આ ધરતી પર જન્મ્યું છે, જે પોતાના વચનના પાલન માટે પોતાનું અયોધ્યાનું રાજ્ય દુશ્મન રાક્ષસ રાવણને આપવા તૈયાર થઈ જાય ! રામનું બાણ એક છે. રામનું બાણ અમોઘ છે. રામનું બાણ કદી ખાલી જતું નથી. એક જ નિશાનને ભેદવા માટે રામને બીજા બાણનો ઉપયોગ કરવો પડતો નથી. તેથી રામનું બાણ એક છે એમ કહેવાય છે. રામને પત્ની પણ એક જ છે. તે યુગમાં રાજાને અનેક પત્નીઓ હોય તેવી પરંપરા હતી. દશરથ મહારાજને ત્રણ રાણીઓ હતી. પરંતુ રામે એક પત્નીવ્રતનું સાદ્યંત પાલન કર્યું છે. સીતાનો ત્યાગ થયા પછી રાજસૂયયજ્ઞ કર્યો ત્યારે સીતાની સોનાની મૂર્તિ મૂકવામાં આવી, પરંતુ રામે અન્ય સ્ત્રીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો નથી. તેથી રામને પત્ની પણ એક જ છે તેમ ગણાયું છે. રામનું વચન પણ એક જ છે. રામનું વચન પણ રામના બાણની જેમ અમોઘ છે. પિતાના વચનના પાલન માટે રામે ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો છે. રામના બાણની જેમ રામનું વચન કદી મિથ્યા બનતું નથી.

રામે વિભીષણનો લંકાના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો છે. આનો અર્થ એમ કે રામે વિભીષણને લંકાનું રાજ્ય આપવાનું વચન આપ્યું છે. હવે રાવણ પણ શરણે આવે તો ? શરણાગતનું રક્ષણ પણ રામનું વ્રત છે. આવા પ્રસંગે શું કરવું ? રામ કહે છે – તો રાવણને હું મારું અયોધ્યાનું રાજ્ય આપી દઈશ. આવું અમોઘ છે – રામનું વચન અને આવું વિરલ છે રામનું વચનપાલન !

[કુલ પાન : 474. કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 232460.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સત્યવ્રત (એક લોકકથા) – ઉમાશંકર જોશી
ફરિયાદ – જગદીશ રાઠવા Next »   

6 પ્રતિભાવો : વચન પાલન – ભાણદેવ

 1. Krutesh says:

  વાર્તા સરસ છે. પણ મારો પ્રશ્ન એ છે કે અયોધ્યાનું રાજ રામનું હતું કે ભરતનું? પિતાએ રાજ્ય ભરતને સોંપ્યું હતું. તો રામનો તેની પર હક ગણાય?

  એવું માનીયે કે ભરત રામને રાજ્ય સામે ચાલીને સોંપી દે. તો પણ આવા સંજોગોમાં રામ કરતા ભરતનો ત્યાગ મોટો કહેવાય. રામને તો જે મળ્યું નથી તે ત્યાગ્યું છે. જ્યારે ભરતે વારસામાં મેળવેલું રાજ્ય ત્યાગ્યું છે. કોનો ત્યાગ મહાન કહેવાય?

  • viren says:

   Dear krutesh ram to bhagvan hata ne so ato jamuvanji nu mann rakhva temni diff. solve kari ram ne a khbr hoy k jamu van kem chinta ma 6 to amne a b khbr j hoy k ravan nevr do it….jay shree ram

 2. Komal says:

  To the best of my knowledge, Bharat did not “accept” the kingdom given by his father. He decided that he will simply rule on behalf of Ram till he returns.

 3. vijay chauhan --folk singar says:

  વચનનો મહિમા અદભુત

 4. vijay chauhan --folk singar says:

  જે કોઇ તમારિ પાસે આવે તેને વચનો મહિમા સમજાવજો

 5. dineshbhai bhatt .vapi says:

  સરસ લેખ ….

  રામે વિભીષણનો લંકાના રાજા તરીકે રાજ્યાભિષેક કર્યો છે. આનો અર્થ એમ કે રામે વિભીષણને લંકાનું રાજ્ય આપવાનું વચન આપ્યું છે. હવે રાવણ પણ શરણે આવે તો ? શરણાગતનું રક્ષણ પણ રામનું વ્રત છે. આવા પ્રસંગે શું કરવું ? રામ કહે છે – તો રાવણને હું મારું અયોધ્યાનું રાજ્ય આપી દઈશ. આવું અમોઘ છે – રામનું વચન અને આવું વિરલ છે રામનું વચનપાલન ખરે ખર અદભુત….

  દિનેશ ભટ્ટ ના નમસ્કાર્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.