ફરિયાદ – જગદીશ રાઠવા

[ પ્રસ્તુત કૃતિમાં એક બાળક ઈશ્વરને ફરિયાદપત્ર લખે છે. પત્ર લખવા વિશે બાળકને નવું-નવું શીખવવામાં આવ્યું છે. વળી, આ ઈશ્વરને લખાયેલો ફરિયાદપત્ર છે તેથી તે કેટલાક દિવસો સુધી ટૂકડે-ટૂકડે લખે છે અને આઠ દિવસને અંતે તે પૂરો કરે છે એવી સર્જકની કલ્પના છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (પંચમહાલ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9601829047 અથવા આ સરનામે brtjgds@gmail.com સંપર્ક કરી શકો છો.]

પ્રિય ભગવાનજી,

તમારું કોઈ એક નામ નથી લખતો, કેમકે ઘણાં નામો યાદ આવે છે. કયું લખવું અને કયું ના લખવું એમ થાય છે. અત્યારે ઘરના ધાબે છુપાઈને આ લખું છું એટલે કોઈને પૂછવા જવાય એવું નથી. રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ગણેશ, હનુમાનજી, વરુણ – એવા અઢળક ભગવાનો છે. મારા સાહેબ હંમેશા કહે છે કે બધા ભગવાન એક જ હોય છે, ખાલી નામ જુદાંજુદાં હોય છે.

થયું એવું કે ગયા અઠવાડિયે અમારા સાહેબે પત્રલેખન કેવી રીતે કરવું તે ભણાવ્યું. પરીક્ષામાં પંદર માર્કસનો પત્રલેખનનો પ્રશ્ન પૂછાય છે. સાહેબે કહેલું કે કોઈ મોટા માણસ આગળ ફરિયાદ કરવી હોય તો પણ કાગળ લખી શકાય. આજે મને થયું કે ભગવાનને જ કાગળ લખીએ તો કેમ ? મઝા આવી જાય ! એટલે જ છાનોમાનો તમને આ પત્ર લખું છું. અમારા કલાસમાં હું બહુ હોંશિયાર છું – મારા સાહેબો પણ એવું કહે છે. બધા સવાલો તૈયાર કરું છું, બધું જ લેસન કરું છું, પરીક્ષામાં બધું જ સાચું લખું છું; તોય પરીક્ષામાં મારો પહેલો નંબર નથી આવતો. અમારા આચાર્ય સાહેબનો છોકરો મારી સાથે ભણે છે, ભગવાનજી… અને પહેલો નંબર એનો જ આવે છે. સાવ ડફોળ છે પણ નંબર એ જ લઈ જાય. મારા પપ્પાને મેં આ વાત કરી હતી. પપ્પાએ મને સમજાવ્યું કે ‘બેટા, પહેલો નંબર તો એનો જ આવશે. આમાં બધું રાજકારણ હોય છે.’ રાજકારણ એટલે કેવું રાજ તેની પપ્પાએ સમજણ નહોતી પાડી. પૂછપૂછ કરવાની મારી ટેવ હોવા છતાં પપ્પાને એ વિશે કશું પૂછ્યું નહોતું. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસોએ ગાંધીબાપુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ જેવા રાજનેતાઓની વાત થતી હોય છે. રાજકારણમાં આવા રાજનેતાઓ રાજ કરતા હશે એવું સમજ્યો હતો. પછી પાછી મૂંઝવણ થઈ કે રાજકારણ અને પહેલા નંબરને શું લાગેવળગે ?

તો ભગવાનજી, હું શું કહેતો હતો કે હું છાનોમાનો કાગળ લખું છું. છાનામાના, છુપાઈને લખવો પડે એમ છે. મમ્મી કે પપ્પા જોઈ જાય તો પડે ગાલ પર સટ્ટાક ! મને મારની બહુ બીક લાગે. અમારા કલાસમાં એવું થાય કે હું મહેનતથી હોમવર્ક કરીને જાઉં ને સાહેબ જરાક નજર ફેરવી લે. પછી ખરાની નિશાનીઓ કરે અને સહી કરી દે. અને જે હોમવર્ક નથી કરતા એમને હથેળીમાં બબ્બે ફૂટ ફટકારે, સલાહો આપે, ધમકી આપે અને બેસાડી દે. એ ડફોળો લહેરથી હસતાં હસતાં બધું સાંભળી લે, માર ખાઈ લે. એ લોકો રોજ એવું જ કરે છે. ભગવાનજી, મને પણ એવું થાય કે મારે શું કામ મહેનત કરવી જોઈએ હેં !? પેલા લોકોની જેમ હથેળી પર બે ફૂટ ખાઈ લેવાનું વધારે સારું પડે ! પણ મારની બહુ બીક લાગે… મારો પત્ર બહુ લાંબો થઈ ગયો, નહીં ? જે ફરિયાદ કરવી છે તે તો મેં કરી જ નથી; એટલે હજુ લાંબો થશે. છેલ્લા ત્રણ દિવસથી આ એકનો એક કાગળ લખ્યા કરું છું. તમને કાગળ જ લખ્યા કરું તો લેસન ક્યારે કરું ? જેટલા દિવસ થાય એટલા, પણ હું તમને બધું જ કહી દઈશ.

આજે ફરીથી ધાબે બેસીને પત્ર લખું છું. નીચેના રૂમમાં મમ્મી અને પપ્પા વચ્ચે ઝઘડો ચાલે છે. બેઉ જણ જોરજોરથી બોલે છે. મને તો ખબર જ નથી પડતી કે શાનો ઝઘડો ચાલે છે ? લગભગ રોજેરોજ આવું ચાલ્યા કરે છે. ફળિયામાં કૂતરાં, બકરાં, મરઘાં, ભેંસો અને બળદની લડાઈ જોવા મળે છે. એ જોવાની મજા આવે. મને સૌથી વધારે ગમતી હોય તો બકરીઓની લડાઈ. બેઉ બકરીઓ એકબીજાથી થોડે દૂર જાય, આગળના બે પગ હવામાં અધ્ધર કરે, ડોક પરનાં વાળ ફૂંગરાવી, ડોક સહેજ ત્રાંસી કરી એકદમથી સામેની બકરીનાં શીંગડાં સાથે પોતાના શીંગડા ભટકાડે ! – ફરી દૂર જાય, ફરી શીંગડા અથડાવે. એકવાર આ રીતે જ બે બકરીઓની લડાઈ ચાલતી હતી. લેસન કરવાનું પડતું મૂકી હું એ જોવા દોડી ગયેલો. મજા પડી ગઈ’તી. પણ મમ્મી મને જોઈ ગઈ. એમાં મજા બગડી. મને ખૂબ ધમકાવ્યો હતો. સાચું કહું ભગવાનજી, તે વખતે મને બહુ જ ગુસ્સો આવેલો. એ લોકો લડે અને આડોશીપાડોશી જુએ, સાંભળે તો કશું નહીં ! અને હું બકરીઓની લડાઈ જોઉં એમાં કેમ વિરોધ ? બધી લડાઈઓ તો સરખી જ ને, ભગવાનજી ! ૫છી મેં વિચાર્યું, ‘બકરીઓએ શું કામ લડવું જોઈએ? એ બે લડીના હોત, તો મમ્મી મને વઢત નહીં. એક લડાઈમાંથી જ બીજી લડાઈ પેદા થાય છે. કોઇ લડે જ નહીં તો બીજી લડાઈ ૫ણ ના થાય.’

બકરીઓ આખો દિવસ ચર્યા જ કરે, બેં બેં કર્યાં કરે, અને લડે જ નહીં તો મજા આવે ખરી ? મારો એક ભાઈબંઘ મને કહેતો કે એ કંટાળી જાય ત્યારે એના નાના ભાઈ સાથે ખાલીખાલી ઝઘડો કરે. બેઉ વઢે. એમાં મજા આવી જાય. બઘો કંટાળો દૂર થઈ જાય. ૫ણ ભગવાનજી, મને તો આવું ના ગમે. ઘરમાં મમ્મી-૫પ્પા ઝઘડે ત્યારે મને બહુ કંટાળો આવે છે. તમારા ઘરમાં આવા ઝઘડા થાય તો તમને ગમે કે ? હં, ના જ ગમે ને ! પ્રાણીઓમાં તો એવું હોય કે એમને બોલતાં ના આવડે. વળી બુદ્ધિય ઓછી હોય એટલે વાત સમજયા વગર લડી ૫ડે. માણસને તો મગજ હોય છે અને એમાં ઘણી બુદ્ધિ હોય છે. એટલે માણસે લડવું ના જોઈએ.

એકવાર વિજ્ઞાનના તાસમાં સાહેબે કહયું હતું, ‘માણસ પોતાના મગજનો દસ ટકા જ હિસ્સો વા૫રે છે. બાકીનું મગજ વ૫રાયા વગર ૫ડી રહે છે.’
એ વખતે મારી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી બોલી ઊઠયો, ‘સાહેબ, તમે અત્યાર સુઘી કેટલા ટકા મગજ વા૫ર્યું?’ અને એ સાહેબ ખિજાયા.
માર્યો બિચારાને ! હું એની બિલકુલ બાજુમાં બેઠેલો એટલે સાહેબ એને ફટકારે અને બીક મને લાગે ! રિસેસમાં બહાર નીકળીને મને કહે, ‘સાહેબે વગર ભૂલે મને માર્યો. એવું લાગે છે કે સાહેબે મગજ વા૫રવાની શરૂઆત જ નથી કરી.’ અમે બંને હસ્યાં અને રમવા ભાગ્યાં.

ભગવાનજી, હું એ કહેવા માગું છું કે ઝઘડા તો ના જ જોઈએ. મમ્મી- પપ્પા ઝઘડે છે ત્યારે મને બહુ જ ખરાબ લાગે છે. દફતર ફેંકી દેવાનું મન થાય છે, દિવાલે માથું અથડાવવાની ઈચ્છા થાય. બેઉ જણ ઊંચા અવાજે બોલે. એક આમ કહેશે, બીજું તેમ કહેશે. ઝઘડો થાય એટલે બેઉ એકબીજા સામું જોવાનું ય બંઘ કરી દે. ૫પ્પા ખાધા વગર બહાર જતા રહે. મમ્મી રસોડામાં વાસણો પછાડે અને બબડે. હું કશુંક પૂછવા જાઉં તો મારા ૫ર ગુસ્સે થઈ જાય. મારી ભૂલ વગર મમ્મી મારા ઉ૫ર ગુસ્સે થાય ત્યારે મારી આંખમાં આસું આવી જાય છે. ભગવાનજી, તમને તમારી મમ્મી આ રીતે ધમકાવે ત્યારે રડવું આવે કે નહીં ? મને તો આવી જ જાય. હું નિયમિત સ્કૂલ જાઉં છું. હોમવર્ક પણ સમયસર કરું છું. નિયમિત લખવા-વાંચવા બેસું. આડોશ-પાડોશના છોકરાંઓની જેમ રજામાં આખો દિવસ રમ્યા નથી કરતો. મમ્મી છૂટ આપે ત્યારે જ રમવા જાઉં અને ટી.વી. જોઉં.

અમારા કલાસમાં એક જણ એક દિવસ ગેરહાજર જ હોય. સાહેબ એને ઊભો કરે અને પૂછે. કાયમ એનું એક જ બહાનું : ‘સાહેબ, પેટમાં બહુ દુ:ખતું હતું.’
એક દિવસ મેં એને પૂછી જ નાખ્યું, ‘તને કાયમ પેટમાં જ દુ:ખાવો કેમ થાય છે ?’
મને કહે, ‘પેટનો દુ:ખાવો કોઈને દેખાય ૫ણ નહીં. કોઈ સાધનથી મપાય ૫ણ નહીં. એમાં મારથી બચવાના ચાન્સ વધારે. મને તો આ જ બહાનું સારામાં સારું લાગે છે. મેં નકકી કર્યું છે કે જ્યાં સુધી ભણીશ, ત્યાં સુધી આ બહાનું જ ચલાવીશ.’ ભગવાનજી, હું એના જેવું નથી કરતો. મમ્મી-૫પ્પા કહે એ રીતે જ ભણું છું; તોય ખોટેખોટું ધમકાવે એ કેટલું ખરાબ કહેવાય !

હજીયે ઘરમાં ઝઘડા ચાલ્યા જ કરે છે. ઘણીવાર મમ્મી-પપ્પા એકબીજા સાથે બોલવાનું બંઘ કરી દે છે. એકબીજા સામું જુએ પણ નહીં. અમારા કલાસમાં કોઈ જોડે કિટ્ટા થાય તો બીજા દિવસે બોલતા થઈ જઈએ. ચોકલેટ કે પેન આપે એટલે કિટ્ટા ખતમ. પણ મારા ઘરમાં કોણે કોની સાથે કિટ્ટા કર્યા છે એ જ ખબર નથી પડતી. ઘરમાં કિટ્ટા કિટ્ટા ચાલ્યા જ કરે એ જોઈને હું થાકી ગયો છું. મને કોઈ કંઈ પૂછે નહીં, બોલે નહીં. ઘરમાં આવું ચાલે એ કેવું બકવાસ લાગે ! તમને કેવું લાગે, ભગવાનજી ?

અરે, પત્ર કેટલો લાંબોલચ થઈ ગયો. આજે આઠમો દિવસ છે. બસ, આજે આ ૫ત્ર પૂરો જ કરી દઉં. આવતા અઠવાડિયાથી પ્રથમ કસોટી શરૂ થવાની છે. હવે મમ્મી અથવા ૫પ્પા મારી ચોકીદારી કરશે. છેલ્લે એક ખાનગી વાત. હવેથી રોજરોજ સ્કૂલે જવાનું નથી ગમતું. હોમવર્ક કરવામાં કંટાળો આવે છે. જવાબો તૈયાર કરવાની ઈચ્છા થતી નથી. ગઈકાલે સાહેબે આપેલું હોમવર્ક મેં કર્યું નથી અને કરવાનો પણ નથી. આજે સ્કૂલમાં જ નથી જવું. ચારેક ભાઈબંઘો ભેગા થઈને જંગલમાં ફરવા જવાના છીએ. બીજા દિવસે સાહેબને કહીશ- ‘પેટમાં દુ:ખાવો થતો હતો.’ હોમવર્ક કર્યા વગર જઈશ અને માર ખાઈ લઈશ. સાહેબ જે બોલે એ સાંભળી લઇશ. હવે થાય છે કે મારથી ડરવાની જરૂર નથી. બકરીઓની જેમ, કલાસમાં કોઈ જોડે લડવાનું મન થાય છે અને ભગવાનજી, આ વખતની પરીક્ષામાં હું કશું લખવાનો નથી.
પ્રિય ભગવાનજી, આ પત્ર અહીં પૂરો થાય છે.

આ૫નો આજ્ઞાંકિત :
……………………..
ઘોરણ : ……….
વર્ગ : ………..
રોલ નં : …………

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ફરિયાદ – જગદીશ રાઠવા”

Copy Protected by Chetan's WP-Copyprotect.