- ReadGujarati.com - http://www.readgujarati.com -

અંતરનાં અમીઝરણાં – સંકલિત

[1] પ્રેરણાના પુષ્પ – સનત વાયડા

[ રીડગુજરાતીને આ બંને પ્રેરણાદાયી પ્રસંગો મોકલવા માટે શ્રી સનતભાઈનો (ભરૂચ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825613262 અથવા આ સરનામે sanat.vayeda@yahoo.in સંપર્ક કરી શકો છો.]

[અ] મનુષ્યમાં ઈશ્વરનું દર્શન : આ વાત એક સત્યઘટના પર આધારિત છે. હું એક શૈક્ષણિક સંસ્થાના સંચાલન મંડળમાં કામ કરું છું. અમારા ટ્રસ્ટ અંતર્ગત વિવિધ કૉલેજો ચાલે છે. થોડા વર્ષો પૂર્વે એક સંદીપ નામના યુવાને અમારે ત્યાં ચાલતા 3 વર્ષના એમ.બી.એ. પાર્ટ ટાઈમના અભ્યાસક્રમમાં એડમિશન લીધું હતું. એક જ વર્ષ બાદ કૌટુંબિક કારણોસર તેણે અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડેલો. નિયમ મુજબ તેના મૂળ માર્કશીટ તથા પ્રમાણપત્રો અમારી કૉલેજ પાસે હતાં.

છ-આઠ મહિના બાદ જ્યારે બીજી કોઈ નોકરી શોધવાની જરૂર પડી ત્યારે તેને પોતાના સર્ટીફિકેટની યાદ આવી. તેણે કૉલેજના આચાર્યને આ બાબતે જાણ કરી પરંતુ તેણે અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો હોઈને કૉલેજે તેના પાસેથી નિયમ મુજબ બાકીના વર્ષની ફી ભરી જવા જણાવ્યું. વિદ્યાર્થીની આર્થિક હાલત બિલકુલ કંગાળ હોઈ, તેણે પોતાની અસમર્થતા બતાવી. જેથી આખી વાત મારી પાસે આવી. મેં તેને પોતાનો આખ્ખો કિસ્સો પત્ર દ્વારા લખી મોકલવાનું કહ્યું. પત્રમાં જે વિગત હતી તેનો સાર કંઈક આ પ્રમાણે હતો :

એ યુવાનની બહેનના લગ્ન થયા બાદ બનેવી તરફથી તેને શારીરિક ઈજા કરવામાં આવતી હોઈને તે પોતાના પિયર પરત આવેલી. આ અંગેનો કોર્ટમાં કેસ ચાલતો હોઈને તેના પેટે આશરે ત્રણેક લાખ સુધીનો ખર્ચ થયો હતો. છેવટે, છુટાછેડા થઈ જતાં આખીયે વાતનો અંત આવેલો. આ યુવાનનો પરિવાર મહારાષ્ટ્ર બાજુનો હતો. તેઓ સામાન્ય ખેડૂત હતા તેથી છૂટાછેડાની ઘટના બાદ પૈસાની જોગવાઈ નહીં હોવાને લીધે ફરી અભ્યાસ ચાલુ કરવો શક્ય નહોતું. કોર્ટમાં પૈસા ખર્ચ્યા બાદ ખાવાના પણ સાંસા હતા. મેં તેઓની સાથે ફોન પર વાત કરીને એ યુવાનની આર્થિક પરિસ્થિતિ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી જોયો અને મને ખાત્રી થઈ કે તે વ્યક્તિ ખરેખર જ ખૂબ જરૂરિયાતમંદ છે.

મેં મારી ફરજના ભાગરૂપે એક પ્રપોઝલ તૈયાર કરી અને અમારા ટ્રસ્ટીઓને મોકલી કે જેમાં વિદ્યાર્થીની આર્થિક હાલત ખૂબ જ નાજુક હોઈને બાકીના બે વર્ષની ફી માફી કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. સદભાગ્યે અરજી મંજુર થઈ ગઈ અને મેં યુવાનને કૉલેજનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો મેળવી લેવાની સુચના આપી. આ આખીયે ક્રિયાવિધિ માત્ર ફોન અને ઈ-મેઈલના માધ્યમથી થઈ હોવાને કારણે હું એ વિદ્યાર્થીને રૂબરૂ ઓળખતો ન હતો. જે દિવસે તેણે પોતાના દસ્તાવેજ કૉલેજમાંથી પરત મેળવ્યા તે જ દિવસે તે મને મળવા ખૂબ જ આતુર હતો. લગભગ ચાર થી પાંચ વખત તેણે ફોન કરીને ખાત્રી કરી કે હું ઑફિસમાં જ છું ને ? એ પછી મને મળતાવેંત તેણે સૌપ્રથમ મારા પગમાં પડીને વંદન કર્યાં અને કહ્યું, ‘મારી માએ આપને ખાસ પગે લાગવાનું કહ્યું છે કારણ કે આપ મને બિલકુલ ઓળખતા ન હોવા છતાં અમારા માટે તો ભગવાન રૂપ જ છો.’ આ બે ઘડીના પ્રસંગે મને અંદરથી ઝંઝોળી નાંખ્યો. મેં મારી જાતને પૂછ્યું કે ‘શું હું ભગવાન છું ?’ જવાબ મળ્યો : ‘ના.’ પણ એ સાથે એક વાત સમજાઈ ગઈ કે જ્યારે લોકોને અણીના સમયે કામમાં આવીએ છીએ ત્યારે એને કેટલી ખુશી થાય છે અને એ વખતે કદાચ આપણને પણ કંઈક વિશેષ કર્યાનો સંતોષ મળે છે. મને મારું ટ્રસ્ટની ઑફિસમાં કામ કરવું સાર્થક લાગ્યું.
.

[બ] મા એટલે માસ્તર : મેં મારી માની અંદર એક અદ્દભુત કૌશલ જોયું છે. તે પોતે જ પોતાની ઓડિટર ! પોતાને જ પ્રશ્ન પૂછીને જવાબ શોધે. સાથોસાથ પોતાની જાતને બદલે પણ ખરી. કંઈ કેટલાય અશક્ય લાગતા પ્રશ્નોના સમાધાન તેમણે જાતે જ શોધ્યા છે. ખાસ ભણેલી નહીં પરંતુ ગણતરમાં અવ્વલ. સતત આજુબાજુના પ્રસંગોમાંથી શીખતી, બદલતી અને આગળ વધતી.

અસહ્ય કારમી ગરીબીમાં કુનેહપૂર્વક ઘરનું સંચાલન કરતી અને ‘આખર તારીખ’ ને બને તેટલી દૂર હડસેલવાની ખેવના રાખતી. કદાચ આજુબાજુમાં અવલોકન કરીને શીખી લેવાની કળા તેની મા (મારા નાનીબા) પાસેથી મળી હોવી જોઈએ. મારી માએ કહેલો એક પ્રસંગ યાદ આવે છે, જે મારા નાની વિશેનો છે. એ જમાનામાં ખૂબ જ કારમી મોંઘવારી વચ્ચે ભર્યાભાદર્યા ઘરનો વહીવટ ચલાવવો મારા નાની માટે તો મા કરતાં પણ કઠીનકાર્ય હતું. મારા નાનીનો વસ્તાર મોટો અને નાનાને સામાન્ય ગુમાસ્તાની નોકરી. ઘરના બે છેડા ભેગા કરવાનું બિલકુલ અશક્ય લાગે, તેને કારણે ઘરમાં બપોરની ચા બનાવવાનો કે પીવાનો જાણે કે રિવાજ જ નહીં.

એક દિવસ મારા નાની પડોશમાં કંઈક કામે ગયા. પડોશીની પણ સ્થિતિ પણ એક સાંધતાં તેર તૂટે એવી. પરંતુ બહારની કોઈ વ્યક્તિને આમ જણાઈ ન આવે તે રીતે તેઓ જીવનનિર્વાહ ચલાવતાં. નાની આવ્યા એટલે એમણે પોતાની દીકરીને જેમતેમ કરીને ચા મૂકવાનું કહ્યું. ચા પીધા પછી નાની ઘરે જવા નીકળતા હતાં ત્યારે તેમણે જોયું કે રસોડામાં ઊભી ઊભી એ ચા બનાવનાર દીકરી ચાની ગળણીને ઊંચેથી પકડીને તેમાંથી ટપકતું ટીપું ચાટી રહી હતી. બે ચાર સેકન્ડનું આ દ્રશ્ય જોઈને નાની તો ત્યાંથી પસાર થઈ ગયાં પરંતુ ઘરે આવીને તેમણે નિયમિત બપોરની ચા બનાવવાનો સંકલ્પ કર્યો જેથી પોતાનાં બાળકો ચાની તલપથી તલસતા ન રહી જાય. બધી જ વિપરિત પરિસ્થિતિઓ છતાં આ નિર્ણય તેમણે છોડ્યો નહીં. પરિસ્થિતિને પલકવારમાં માપી લેવાની શક્તિ મારી માને કદાચ નાની પાસેથી જ મળી હશે.

મા એ પણ પલકવારમાં જાતને બદલી નાખવાની મહારત હાંસલ કરી છે. અમે ચાર ભાઈઓ અને બધા જ પરણીને ઠરીઠામ થયા. પહેલી વહુના ઘરમાં આવ્યા બાદ જે અનુભવો થયા તેમાં માનો બદલાવ સૌથી પહેલો. તેઓ એમ માનતા કે ‘નવી વહુ ઘરમાં આવે એટલે એને ઘર અને વર પોતાનાં લાગે તેથી પોતાને ગમતો વ્યવહાર કરે, જ્યારે મા અને દીકરો પણ ઘરને પોતાનું માને અને પોતાની રીતે ચલાવવા પ્રયત્ન કરે – ઘર્ષણ આને લીધે જ ઊભું થાય.’ આના ઉકેલ રૂપે માએ પોતાનો હક્ક જતો કરીને આવનારી નવી વહુ માટે જગ્યા કરી આપી. માની દલીલ એવી કે મેં તો દીકરાનું ધ્યાન આટલા વર્ષ રાખ્યું જ છે ને ! હવે હું અહીંથી બાજુ પર હટીશ તો જ નવી વ્યક્તિને પોતાનું સ્થાન મળશે. આ વાતો સહેલી છે પરંતુ વાસ્તવિક રીતે તેનો અમલ ખૂબ જ મુશ્કેલ છે જે માએ સહજ સ્વસ્થતાથી કરી બતાવ્યું છે. પાછલી જિંદગીમાં મારા માતાપિતા અમારા વતનમાં રહેતા હતા ત્યારે પણ માનું એવું દ્રઢપણે માનવું કે વૃદ્ધાવસ્થામાં બને તેટલી જરૂરિયાત ઓછી કરી નાખવી, અત્યારથી માયા મૂકશો તો છેલ્લે અઘરું નહીં પડે. વહુઓને જગ્યા કરી આપવી અને સંસારની માયાને મૂકતા જવું – એમ કરતાં માને અમે નજરે જોઈ છે. એટલે જ મને એવું લાગે છે કે મા એટલે માસ્તર, જીવતી જાગતી નિશાળ.
.
[2] માનવતાની જાત્રા – નીલા ત્રિવેદી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નીલાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9328273228 અથવા આ સરનામે priyangu_trivedi@rediffmail.com સંપર્ક કરી શકો છો.]

વાત છે ઈ.સ. 1990ની ફેબ્રુઆરી માસની. મારા માતુશ્રી, દીકરો અને દીકરી સાથે સારંગપુર, ગઢડા, ગોંડલ થઈને ઘોઘાવદરમાં રહેતાં અમારા એક સંબંધીને ત્યાં જવાનું નક્કી કર્યું. વડોદરાથી સારંગપુર, બોટાદ થઈને ગઢડા તો સુખરૂપ પહોંચી ગયા. રાત રોકાઈને ઘોઘાવદર જવા માટે અમારે ગઢડાથી ઢસા જંકશન જવાનું હતું. ઢસાથી ગોંડલ કે રાજકોટની બસ મળે. અમે બપોરે 2:00 વાગ્યે નીકળ્યા ઢસા જવા માટે.

ઢસા તો ત્રણ વાગ્યે પહોંચી ગયા. ત્યાં પૂછતા ખબર પડી કે 4, 4:30 અને 5:00 વાગ્યે બસ છે. અમે રસ્તા પર ચાની કેબિન પાસે ઊભા રહ્યાં. એક બાંકડા પર માતુશ્રીને બેસાડીને હું બાળકો સાથે બસની રાહ જોવા લાગી. થોડીવારમાં મુસાફરો આવવા લાગ્યાં એટલે થોડીક હાશ થઈ ! પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે કોને ખબર ? એ દિવસે ચાર વાગ્યા છતાં બસ ન આવી. આ દરમ્યાન એક બાવીસ-પચ્ચીસ વર્ષનો યુવાન અમારી આગળ-પાછળ આંટા માર્યા કરે અને હું મનમાં ગભરાયા કરું. મારી સાથે મમ્મી અને યુવાન દીકરી, લબરમુછિયો દીકરો…. શું થશે ? એક તો બસ પણ આવતી નથી ! પાંચ વાગ્યા એટલે મુસાફરો અંદરોઅંદર વાતે વળગ્યા કે બસ બગડી હશે ! પરંતુ બસ બગડી હોય તો બીજી તો આવે ને ? બસ તો શું એકેય વાહન કેમ નથી આવતું ? હું વાતો સાંભળું અને ચિંતા વધે. હવે શું થશે ? ગઢડા પાછા જવાનો વિચાર કરીને પૂછપરછ કરી તો મોટાભાગના મુસાફરોએ કહ્યું કે : ‘ગઢડા પાછા જવા કાંઈ નો મળે, એના કરતાં શાંતિથી બેસો. બસ મોડી મોડી પણ આવશે જ.’ હું મનમાં ને મનમાં પ્રાર્થના કરતાં ઊભી રહી.

થોડા વખતે ફરી પૂછપરછ શરૂ કરી કે, ‘ઘોઘાવદર કઈ રીતે જવાય ?’ એક જણે કહ્યું કે : ‘એક્સપ્રેસ બસ ઘોઘાવદર ના ઊભી રહે.’ કોઈકે વળી સૂચન કર્યું કે રાજકોટ જતાં રહો. વળી એક નવી ચિંતા કે રાજકોટ જઈને રાત રોકાવવું ક્યાં ? આ સઘળામાં મારી નજર તો પેલા યુવક પર ખરી જ. એણે આસપાસ ફરતાં ફરતાં નજીક આવીને મને પૂછ્યું : ‘ઘોઘાવદર જવું છે ?’
ટૂંકમાં જવાબ : ‘હા. તમારું નામ શું ?’
એણે જવાબ ન આપ્યો.
‘વડોદરાથી આવો છો ?’
ફરી મેં ટૂંકો જવાબ આપ્યો, ‘હા’ અને ઉમેર્યું, ‘તમને ક્યાંથી ખબર પડી ગઈ ?’
તે કહે : ‘બેગ પર લખેલું છે.’
મને થયું કે કાર્ડ મૂકવાનું દોઢ ડહાપણ ન કર્યું હોત તો ! આ તો બહુ પાક્કો નીકળ્યો ! મન ફટક્યું, ‘ક્યાં વળી આ સમયે ફરવા નીકળી પડી !’ પરંતુ થયું કે ના…ના… ફરવા નહીં, માતુશ્રીને જાત્રા કરાવવા નીકળી છું. ઈશ્વરને પ્રાર્થના કરી : ‘હે ભગવાન ! રક્ષા કરજો. સાથે રહેજો. સાચો માર્ગ સૂઝાડજો.’

હવે રાત પડવા આવી હતી. શિયાળાનો સમય એટલે અંધારું જલદી થઈ જાય અને ઠંડી વધતી જાય. લગભગ સાતેક વાગ્યે એ યુવાન ફરી આવતો દેખાયો. નજીક આવીને કહે, ‘રસ્તામાં ઝાડ પડી ગયું હતું એટલે રસ્તો બંધ હતો. ગોંડલની બસ નહીં આવે. રાજકોટની હમણાં આવશે. તમે મારી સાથે આટકોટ ઊતરી જજો, ત્યાંથી રિક્ષામાં ઘોઘાવદર જવાય છે, હું રિક્ષા કરી દઈશ.’ પાછી એક નવી વિમાસણ ! એ કહે, ‘તમને થશે કે આ માણસ કેમ ઓળખાણ વગર મદદ કરે છે પરંતુ આપ બાઈ માણસ છો અને છોકરાંવ નાના છે. ખાસ તો તમે અમારાં જસદણના રાણીમાનાં ગામનાં છો. અમારા મહેમાન કહે વાવ. તમને મદદ ન કરું તો મારો ધરમ લાજે.’ મેં એ ભાઈને ફરી પૂછ્યું કે તમારું નામ ? પરંતુ તે સાંભળ્યું-ન-સાંભળ્યું કરીને ‘બસની તપાસ કરી આવું’ કહેતો ફરી એ જતો રહ્યો. વળી મારું મન વિચારે ચઢ્યું કે કશી ખબર નથી અને આ અજાણ્યા ગામે સાવ અજાણ્યો માણસ !

હું અવઢવમાં હતી એટલામાં બસ આવી. પેલો યુવાન મારો સામાન ઊંચકીને આગળ ચઢતાં બોલ્યો, ‘જલ્દી જલ્દી બસ વાંહે ગરી જાવ….’ ભગવાનનું નામ લેતાં બસમાં અમે સૌ ચઢ્યાં. બસમાં ટિકિટ લેવાની થતાં કંડકટર કહે કે રાજકોટની લઈ લ્યો, સવારે બસ મળશે. પરંતુ એટલામાં પેલો યુવક બોલ્યો, ‘શારદા બા, મહેમાન વડોદરાનાં છે, એમને કહો કે આટકોટની ટિકિટ લ્યો….’ અને એક જ્વાજ્લ્યમાન સન્નારી પાસે બેઠાં હતાં, તેમણે મને કહ્યું : ‘બેનાં, હું અહીં નિશાળમાં આચાર્યા છું. આ સાચું કહે છે, આટકોટથી રિક્ષામાં બેસાડવાની જવાબદારી અમારી….’ પછી તેણે કંડકટરને કહ્યું : ‘ચાર આટકોટની ટિકિટ દઈ દયો.’ મેં પણ હવે હૈયાધારણ મળતાં આટકોટની ટિકિટ લઈ લીધી. આટકોટ ઊતર્યા એટલે એ યુવક રિક્ષા લઈને આવ્યો અને કાળજીપૂર્વક બેસાડીને ‘મે’માન છે, પુગાડી ફોન કરજે.’ની તાકિદ કરી. એ શારદાબહેન પણ ગયા. ફરી મેં એ યુવકને નામ પૂછ્યું પરંતુ રિક્ષાના અવાજમાં કંઈક ‘ફોટોગ્રાફર’ કે એવું સંભળાયું. રસ્તામાં રિક્ષા ચાલકે ફોડ પાડતાં કહ્યું કે : ‘એ યુવકનું નામ ‘નુરૂદ્દીન ફોટોગ્રાફર’ છે. ભલો માણસ છે. પરંતુ સાચું કહેજો બે’ન, જો પહેલાં કહ્યું હોત તો તમે મારી રિક્ષામાં બેસત ?’ અને સુમસામ રસ્તા પર એક અકળ મૌન વચ્ચે રિક્ષા દોડવા લાગી. રાત્રે દસ વાગ્યે સંબંધીને ત્યાં પહોંચ્યાં. પૈસા આપતાં રિક્ષાચાલકને મેં નામ પૂછ્યું. તેણે કહ્યું : ‘મારું નામ કાનાભાઈ. ચલો બેન જાઉં…. મોડું થ્યું છે… હજી નુરૂદ્દીનને ઘેર થઈ ને સમાચાર દેવાના છે.’

હું હજુ એ જ વિચાર કરું છું કે શું ખરેખર એ યુવકનું નામ જાણ્યા બાદ હું ભરોસો કરતી ? કે એણે બતાવેલ માર્ગ કે રિક્ષા લેતી ? મને ત્યારે જ થયું કે આ યાત્રા તો સફળ ! માનવતાના આવા ઉમદા દર્શન બીજે ક્યાં થાય ? અને મેં શરૂ કરી અમારી માનવતાની યાત્રા….!!