પંખીજગતનો પોલીસ : કાળો કોશી – પ્રકાશચન્દ્ર કા. સોલંકી ‘પ્રણય’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રકાશચન્દ્રભાઈનો (પાલનપુર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9723081163 અથવા આ સરનામે pranaysolanki18@yahoo.com સંપર્ક કરી શકો છો.]

પોલીસદાદાનું નામ પડતાં જ ખાખી વર્દીધારી મજબૂત શરીર, ભરાવદાર ચહેરો અને મોટી મોટી મૂછો ધરાવતી એક મનુષ્યાકૃતિનું દૃશ્ય આપણા મન-મસ્તિકપટ પર ખડું થાય તે સ્વાભાવિક છે. પરંતુ આપણે અહીં આપણા રક્ષક એટલે કે માનવજાતના પોલીસમેનની નહીં, પણ પંખીજગતના પોલીસમેનની વાત કરવાના છીએ. તમને થશે કે પંખીઓનો તો વળી પોલીસ હોતો હશે ? પરંતુ વ્હાલા વાચકમિત્રો ! સૃષ્ટિના સર્જક-જગતનિયંતા ઇશ્વરે નોખી નોખી રીતભાત ધરાવતાં હજારો પંખીઓનું સર્જન કર્યું છે. આમાંનાં કોઈ ચોરપંખી તરીકે ઓળખાય છે, તો ગરુડના કુળનાં પક્ષીઓ રાજવીપંખી તરીકે પંકાય છે. કલકલિયો માછીમાર તરીકે જગમશહૂર છે, તો બાજ અને સમડી જેવાં પક્ષીઓએ લૂંટારા અને બહારવટિયા તરીકે કુખ્યાતિ કે બદનામી મેળવેલ છે. આવી જ રીતે “કાળો કોશી” નામનું પક્ષી, પક્ષીજગતના પોલીસ તરીકે જાણીતું છે.

ગુજરાતીમાં ‘કાળો કોશી’ કે ‘કાળિયો કોશી’ ને નામે ઓળખાતા આ પંખીને હિન્દીમાં ‘भुजंगा’ અને ‘कोतवाल’ એમ બે નામોથી ઓળખાય છે. આ જ રીતે અંગ્રેજી ભાષામાં પણ તેને ‘Black Drongo’ અને ‘King Crow’ એવાં બે નામ મળેલાં છે. જ્યારે જીવશાસ્ત્રીય કે વૈજ્ઞાનિક (લેટિન) ભાષામાં તેને ‘ડિકુરસ મેક્રોસરકસ’ ( Dicrurus Macrocercus ) નામથી ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં તેને ‘भारत अंगारक’ નામથી અને આપણા રાજ્યના કેટલાક વિસ્તારોની તળપદી બોલીમાં તેને ‘પટેલ’ એવા હુલામણા નામથી ઓળખવામાં આવે છે.

કેટલીક વખત તેના નામમાંના કોશી શબ્દની જગ્યાએ ‘કોસીટ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. કાળો કોશી કે કાળો કોસીટ એ ચટકવર્ગ (પાસરી ફોર્મ્સ – Passeri Formes)ના દ્વયગ્રપુચ્છ કુળ (ડીક્રુરીડી – Diecruridae)નું પક્ષી છે. આ કુળમાં કાળિયા કોશીની સાથે તેના સબંધીઓ એવા ‘સફેદ પેટનો કોશી (White bellied Drongo-Dicrurus caerulescens)’, ‘રાખોડી કોશી (Indian Gray Drongo or Ashy Drongo Dicrurus leucophaeus )’ અને ‘ભીમરાજ કે ભૃંગરાજ (Greater Racket-tailed Drongo or Malabar Racket-tailed Drongo – Dicrurus paradiseus)’ તથા અન્ય પક્ષીઓ સમાવિષ્ટ છે. કાળો કોશી બુલબુલથી મોટું પક્ષી છે. તેના શરીરની લંબાઈ આશરે એકાદ ફૂટ(30 સેમી) જેટલી હોય છે. તેનો રંગ તેના નામ પ્રમાણે કાળો (Black) છે. તેની ચાંચ તેમજ પગ કાળા રંગનાં હોય છે, તેની આંખ લાલ (Red) રંગની હોય છે. જ્યારે બાકીના શરીર પર ચળકતો કાળો (Silky Black) રંગ હોય છે. કાળા કોશીને છ-એક ઇંચ લંબાઈની અનોખી અને સુંદર-છટાદાર પૂંછડી હોય છે. તેની આ પૂંછડી દ્વિશાખિત હોય છે, એટલે કે તેની પૂંછડી છેડેથી પરસ્પર વિરુદ્ધ દિશામાં બે બાજુ ફંટાય છે. કોશી પોતાની આ વિશિષ્ટ પ્રકારની પૂંછડીના લીધે અન્ય પક્ષીઓથી અલગ તરી આવે છે.

કાળો કોશી કીટભક્ષી પક્ષી છે. તે વીજળી-ટેલિફોનના તાર, વૃક્ષોની ખૂલ્લી (પર્ણો વિનાની અને બહારની તરફ નીકળેલી) ડાળખીઓ કે ઊંચા સોટી જેવા એકાંકી ઊભેલા છોડ પર બેસી રહે છે અને જીવજંતુ નજરે પડતાં જ તેનો પીછો પકડીને પેટમાં પધરાવી દે છે. ક્યારેક તેઓ ચારો ચરતાં ઘેટાં-બકરાં કે ગાય-ભેંશ જેવાં પ્રાણીઓની પીઠ પર બેસી સવારીનો આનંદ પણ માણે છે. આ પ્રાણીઓના હલનચલનથી, ખલેલ પામીને ધરતી પરથી જે જીવડાં ઊડે છે તેમને ઝડપી લેવાં જ તેઓ આ પ્રાણીઓ ઉપર સવારી કરે છે. કોશી ખેતીને નુકશાનકારક જીવજંતુઓને ખાઈને તેમની વસતિ ઉપર નિયંત્રણ રાખે છે. આમ ખેતી માટે તે ફાયદાકારક પક્ષી છે. આથી જ તો આપણાં કેટલાંક રાજ્યોએ તેને સુરક્ષિત (Protected) પક્ષીઓની યાદીમાં મૂકીને તેને કોઈપણ રીતે અડચણરૂપ થવા એટલે કે બિનજરૂરી રીતે તેને પરેશાન કરવા પર અને તેનો શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. વળી કાળો કોશી ખેતી માટે ઉપયોગી એવાં બીજાં પક્ષીઓનાં ઇંડાં તથા બચ્ચાંનું રક્ષણ કરતો હોવાથી ખેડૂતો માટે તો તે ખૂબ કામનું પક્ષી છે. જીવડાંની શોધમાં કાળો કોશી વનવગડા, વાડી-ખેતર તેમજ ગૌચર જેવા વિસ્તારોમાં ઉડતો જોવા મળે છે અને આવા વિસ્તારોમાં જ તેનો કાયમી વસવાટ(મુકામ) છે. તે નીડર અને બહાદુર હોવાથી માનવવસતિની નજીક પણ જોવા મળે ખરો.
કાળા કોશીની માદા ઉનાળાની ઋતુમાં માળો બાંધે છે. આ માળામાં તે જાંબૂડિયા રંગની છાંટવાળાં, સફેદ રંગનાં ત્રણથી ચાર ઇંડાં મૂકે છે. ઇંડાં સેવવાની તેમજ બાળઉછેરની તમામ જવાબદારી માદાને શિરે હોય છે. નરનું મુખ્ય કામ પોતાના માળા અને તેની આસપાસના વિસ્તારોથી અન્ય હાનિકારક પક્ષીઓને દૂર રાખીને સુરક્ષા પૂરી પાડવાનું છે. તેમ છતાં નર કોશી પણ માદાને બચ્ચાં ઉછેરવાના કામમાં જરૂરી સહકાર આપે છે. આ જ રીતે માદા પણ માળાનું રક્ષણ કરવાના નરના કાર્યમાં પણ મદદરૂપ બને છે. ટૂંકમાં કહીએ તો બાળઉછેરની જવાબદારી માદાની છે અને માળા તથા બચ્ચાંના રક્ષણની જવાબદારી નરની છે છતાં તેઓ એકબીજાને તેમના કાર્યમાં જરૂરી મદદ પૂરી પાડે છે.

કાળો કોશી પક્ષીજગતમાં પોલીસદાદા તરીકે ઓળખાય છે. કેમ કે, તે નીડર અને બહાદુર છે. કાગડા, શકરા, સમડી અને બાજ જેવાં પોતાનાથી મોટાં અને જોરાવર પક્ષીઓ ઉપર હુમલો કરતાં પણ તે અચકાતો નથી. તે આવાં ચોર-લૂંટારાં પક્ષીઓને પોતાના રહેઠાણના વિસ્તારમાં ફરકવા પણ દેતો નથી. વધુમાં નીડર, બહાદુર અને આક્રમક (લડાયક સ્વભાવનો) હોવા છતાં તે નાનાં અને નબળાં પક્ષીઓને રંજાડતો નથી. તે પોતાના માળા ઉપરાંત પડોશનાં બીજાં પંખીડાંના માળાઓનું પણ રક્ષણ કરે છે. તેની આ બધી ખાસિયતોને લીધે જ નાનાં અને નબળાં એવાં કેટલાંય પક્ષીઓ તેના માળાની પાસે જ માળો બનાવે છે.

કાળા કોશીનો કંઠ પણ બુલંદ અને કંઈક અંશે મધુર છે. તે અન્ય પક્ષીઓની સરખામણીમાં વહેલા ઉઠવાની ટેવવાળો છે. ઉગમણા આકાશમાં જરા પણ પ્રકાશ દેખાય કે તરત જ તે જાગી જાય છે ને પોતાના મધુર અને બુલંદ સ્વરે ગાતો સંભળાય છે. ખાસ કરીને શિયાળાના ઉત્તરાર્ધમાં અને વસંતઋતુમાં તેનું ગાન વધુ મીઠું અને બુલંદ હોય છે. જોકે તેઓ કર્કશ અવાજ કાઢવા માટે પણ કુખ્યાત છે. ક્યારેક તેમની નાનીમોટી ટૂકડીઓ જાતજાતના કર્કશ અવાજ કાઢીને વાતાવરણને ઘોંઘાટિયું કરી મૂકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “પંખીજગતનો પોલીસ : કાળો કોશી – પ્રકાશચન્દ્ર કા. સોલંકી ‘પ્રણય’”

Copy Protected by Chetan's WP-Copyprotect.