[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]
હોળી નજીક આવી રહી છે
એની ઉજવણી માટેની એક સભા
ગામના
પાદરપટે વિસ્તરેલા વડલાની નીચે
ભરાઈ છે.
એક અંગારો ઊભો થઈને બોલ્યો :
‘આ વખતે એ બધાની સામે એકી અવાજે
કટિબદ્ધ થઈને લડવું પડશે.’
બીજાએ કહ્યું : ‘દર વર્ષે આપણે એવું જ કહીએ છીએ
પણ છેલ્લી ઘડીએ ધૂળેટી બની જઈએ છીએ.’
ત્રીજાએ કહ્યું : ‘આ વખતે મેં પવનનાં વસ્ત્રો
સીવડાવી રાખ્યાં છે, કોઈ આડા ન આવતા.’
ચોથાએ કહ્યું : ‘તરસ લાગે તો શું કરવું ?’
પાંચમાએ કહ્યું : ‘એની ચિંતા ન કરો, મેં
વાદળનાં માટલાં ભરીને તૈયાર રાખ્યાં છે.’
છઠ્ઠાએ કહ્યું : ‘અંધારું થઈ જાય તો ?’
સાતમાએ કહ્યું : ‘સૂરજને આપણા ખીલે
બાંધવાનો બંદોબસ્ત થઈ ગયો છે.’
ભરી સભામાં સર્વાનુમતે ઠરાવ થયો :
‘આ વર્ષે દુશ્મનોના તાબે ન થવું. આખરી
શ્વાસ સુધી એમનો સામનો કરવો
ને શહીદી વહોરી લેવી.’
વડલો પોતાના કાનમાં આંગળીઓ
ઘાલીને ઊભો હતો.
4 thoughts on “સભા – કિશોરસિંહ સોલંકી”
સુંદર
ખુબ જ સરસ..
સરસ લેખ સમાજ ને બરાબર લાગુ
જય માતાજિ wah wah solanki bapu wah