કેવી અજબ જેવી વાત છે ! – ભગીરથ બ્રહ્મભટ્ટ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

આ સૃષ્ટિ એક મોટું વિસ્મય છે, સર્જનમાત્ર વિસ્મય છે. એ વિસ્મયનો પાર પામવાનું ક્યાં સરળ છે ? પરંતુ વિસ્મયો ચમત્કારી હોય છે. ધરતીમાંથી બીજ ઉદ્દભવે છે, એ વિસ્મય ઓછો ચમત્કાર છે ? બીજનું છોડમાં રૂપાંતર થવું પછી એને ફળ-ફૂલ આવવાં આ ઘટના યાંત્રિક થોડી છે ? એમાં સંવેદનાની ગતિવિધિ છે…. ફૂલના રંગો અને આકાશના રંગો, ફૂલની સુગંધ અને ધરતીની સુગંધ એને આપણે એક કહીશું કે અલગ અલગ ? અર્થોના મહાલયોને પામવાનો ભાષા પણ ક્યાં નાનો ચમત્કાર છે ? ચમત્કારો દેખાય ત્યાં વિસ્મય હોવાનું…. વિસ્મય જ જીવનનો શ્વાસ છે – એ શ્વાસ પણ એક પ્રકારનું વિસ્મય જ છે. કીડીથી શરૂ કરીને કુંજર સુધીની જીવસૃષ્ટિનું વિસ્મય…. તૃણથી શરૂ કરી વટવૃક્ષ સુધીનું વિસ્મય… શબ્દથી શરૂ કરી મહાકાવ્યો સુધીનું વિસ્મય કેવી અજબ જેવી વાત છે !

બાળક મોઢામાં ચૉકલેટ નાખે, મમળાવે. મોંમાં ચૉકલેટ મૂક્યા પછી હોઠ ભીડી દે. એ ભીડેલા હોઠની અંદર રસ ઝરે…. રસ બહાર ન નીકળી જાય એટલે હોઠ ભીડે…. એ રસઝરણાં બાળકને જેમ પ્રિય છે – એવો જ રસ વિસ્મયમાંથી પેદા થાય છે. આંખો – અનેરું આશ્ચર્ય ! આંખો દશ્ય નિહાળે છે કે આંખોમાં દશ્ય પુરાય છે ? આંખો દશ્યને જુએ છે કે આંખો દશ્યોને ગટગટાવે છે ? એ દશ્યોમાંથી પણ રસ ઝરે છે – એ રસ જીવન છે. બાળકનાં બધાં વિસ્મયો આંખ દ્વારા જન્મે છે – આંખ દ્વારા દેખાય છે. આંખ નાની-મોટી પણ ક્યાં થાય છે ? એની સરહદમાં પ્રેમપૂર્વક પ્રવેશ કરનાર એમાં પુરાઈ જાય છે, એટલું જ નહીં, આત્મીય બની જાય છે.

કાળીડિબાંગ રાત્રિ છે, ઘોર અંધારું છે, એમાં ટ્યૂબલાઈટ થાય તો ? અંધારાની શાંતિ જોખમાય છે. ટ્યૂબલાઈટની વાણી અંધારાને માંજે છે, અંધારાને શણગારે છે. એમાં અંધારું વધારે સારું લાગે એના મૂળ રૂપમાં ? આપણે મૂળ રૂપનાં પરિવર્તનો ઝંખીએ છીએ- એ પરિવર્તનો રૂપાંતરોને જ વિસ્મયની ગંગોત્રી કહેવી પડે. અંધારાની ઉપર પેલી પ્રકાશવાણીનું લીંપણ થાય છે. શાંતિ ઉપર શબ્દની સવારી આવે છે. બંધ ઘરની બારી ખોલીએ ત્યાં અંદરથી કશુંક બહાર જાય છે એવું કશુંક બહારથી અંદર પણ આવે છે. આ અવરજવર કેવી છે અને શાની છે ? આ વિસ્મય છે. જન્મ-મરણ પણ એવા જ પ્રકારની અવરજવર છે… અવાજ વગરની અવરજવર… – અંધારાની સામે પ્રકાશ જુધ્ધે ચઢે છે કે પ્રકાશને પછાડવાનું અંધારું કાવતરું ઘડે છે – આવાં તો કેટકેટલાં વિસ્મયો ! અંધારાની સામે પ્રકાશ આદિકાળથી ઝઝૂમે છે – અંધારા અજવાળાનું આ શાંતયુદ્ધ આજનું થોડું છે ? પાંડવકાળથી ચાલ્યું આવે છે – સમય એનો સાક્ષી છે.

પવનના ઝરણામાં ભીના થઈ જવાથી પુષ્પો પવિત્ર થતાં હોય છે, પ્રત્યેક સજીવ ઉપર પવનની લહેરખી પાવિત્ર્ય છાંટે છે. એ પાવિત્ર્ય કોનું પવનનું કે પદાર્થનું ? પુષ્પોના દલેદલમાં સુવાસનું સામ્રાજ્ય ક્યાંથી આવે છે ? એ સવારી નાકને તરબતર ક્રએ છે. આંખોના દરબારમાં ફૂલોનો કયો વૈભવ પ્રવેશ કરે છે ? આકારનો કે રંગનો ? કે ઉભયનો ? એના સ્વાગતની તૈયારીઓ થાય છે. પુષ્પનો આટલો બધો મહિમા હોવા છતાં એના ચહેરા ઉપર સંયમપૂર્વક સ્મિતનો શાંત કોલાહલ છે. પુષ્પોનો પરિચય આત્મીયતા અર્પે છે. પવનના પાલવમાં સૃષ્ટિ નહાય છે કે સૃષ્ટિના ખોળામાં પવન ક્રીડા કરે છે ! પવન નિરાકાર છે – છતાં સાકાર થવાના એના પ્રયત્નો એ ઝાડ, પાન, ડાળ, સજીવ-નિર્જીવ વગેરે પદાર્થો તો નહીં હોય !

ઈશ્વરની જેમ જળ પણ નિરાકારી છે. એ પણ વૃક્ષ, પાન, ડાળ, અરે, પ્રત્યેક સજીવમાં અસ્તિત્વ ધરાવે છે છતાં એ ક્યાં છે ? એની શોધ થોડી કરાય ? આપણે આકારોથી ટેવાયા છીએ, અને નિરાકારને સાકાર કરવાની આદત પડી છે આપણને…. ખરેખર તો બધું જળની જેમ નિરાકાર છે… પણ થંભી ગયેલા જળને- જંપી ગયેલા જળને આપણે જડ કહીએ છીએ. માણસ આકારોમાં જીવન શોધે છે. જીવન જીવવાની પદ્ધતિ આકારો દ્વારા ગોઠવે છે. ભૂખને ઠારવા રોટલાનો આકાર અને તરસને ઠારવા ગ્લાસમાં લીધેલા જળનો આકાર, ટેરવાંને ઠારવા ઈચ્છિત પદાર્થોનો આકાર માનવી શોધે છે, એને માફક આવે છે આકાર એના અસ્તિત્વનો આધાર. મંદિરો, મસ્જિદો, ઘર એ બધું આકારિત કરીને જ માણસ જંપે છે.

જગતના પદાર્થો સાથે પ્રથમ પરિચય નજરથી થાય છે. નજરના માધ્યમથી જે કંઈ હૃદયસ્થ થાય એ અનુભૂતિ વિગલન પામીને ભાષાના માધ્યમ દ્વારા બહાર આવે તે અભિવ્યક્તિમાં વિસ્મય નથી ? અભિવ્યક્તિ કેટકેટલા પ્રકારની ? શબ્દ સંગીત સાથે સંયોજાઈને બહાર આવે એનું વિસ્મય ! શબ્દ મર્મને સ્પર્શે, શબ્દ ઑગાળી નાખે, શબ્દ વીંધી નાખે… આ અભિવ્યક્તિનું વૈવિધ્ય ક્યાંથી આવે છે ? ભાવોનું વૈવિધ્ય અભિવ્યક્ત કરવાની મથામણોમાં જ પેલી વાણીની અભિવ્યક્તિ રહેલી છે…. લયાત્મકતાનું વિસ્મય સૌંદર્યનો પર્યાય બને છે. રાત-દિવસ, ઋતુચક્રો એ લયાત્મકતાનું પરિણામ બને છે…. આંખો દશ્યો જન્માવે છે કે જુએ છે ? નાનકડી આંખમાં સમગ્ર સૃષ્ટિનાં રૂપો કેવી રીતે સમાવિષ્ટ થતાં હશે ? પર્વત થંભી ગયેલા, થીજી ગયેલા જળની સાથે સરખાવીએ તો કેવું વિસ્મય થાય !

નાની મારી આંખ એ તો જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે !

જગતના સકલ પદર્થો તો અત્રતત્ર છવાયેલા છે, પરંતુ એની સાથે સૌપ્રથમ જોડાય છે આંખ. આંખ દ્વારા જ એ પદાર્થનો પરિચય થાય છે. આંખ ન હોત તો એ પદાર્થ વણ ઓળખાયેલો રહ્યો હોત. ઉપેક્ષિત હોત. આંખમાં જ અચંબો સર્જાય છે. કૃષ્ણ ભગવાને માટી ખાધી, યશોદામૈયાએ તેના મુખમાં જે દર્શન કર્યાં ત્યાં અચંબો છે. વિસ્મય છે. એ સાક્ષાત્કાર ભલે મુખ મારફતે થયો – પણ એનો ખરો યશ તો આંખને જ. આંખના નાનકડા વિશ્વમાં કેટલાં મોટાં વિશ્વો નિવાસ કરતાં હોય છે. કોઈ કવિએ અમસ્તું ગાયું હશે….

દુનિયા સમાય છે આખી બે આંખો મહીં પરંતુ
જીરવી નથી શકાતી એક ધૂળની કણીને.

જગતના સકલ પદાર્થોનો પરિચય તો શક્ય નથી, પણ આંખ જેના ઉપર મંડાય છે એનો પરિચય કેળવાય છે. આંખો દ્વારા જ પદાર્થનાં રૂપો હૃદયમાં સ્થિર થતાં હોય છે. પ્રણયના વિષયમાં પણ આંખ જેટલી મહત્વની ભૂમિકા બીજા કોઈ અંગની હોતી નથી. ખરો યશ આંખને અપાતો હોય છે. વાણીનું કામ પણ ક્યારેક તો આંખ કરી લેતી હોય છે. આંખ પાસે જે ભાષા છે તે ભાષા ધ્વનિયુક્ત ભાષા કરતાં વધારે બળવાન અને વધુ અસરકારક છે. ભાષા એ હૃદયના ભાવની અભિવ્યક્તિ હોય તો બીજી રીતે એમ કહેવાય કે આંખની સમૃદ્ધિ છે. આમ, સમગ્ર સૃષ્ટિ વિસ્મયનો મહાસાગર છે. આપણે આપણી શક્તિ-મતિ પ્રમાણે એમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “કેવી અજબ જેવી વાત છે ! – ભગીરથ બ્રહ્મભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.