દિલનો અજંપો – ફાધર વાલેસ

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-1માંથી સાભાર.]

જમ્યા પછી હું મારા રૂમ પર જતો હતો. બપોરનો તાપ હતો, એટલે થોડો આરામ કરવાનો વિચાર હતો. મકાનમાં કંઈક કામ ચાલતું હતું અને એ કામ કરનારા બે-ત્રણ મજૂરો પણ બપોરના તાપને માન આપીને ટિફિનનું ભોજન કર્યા પછી આરામ કરતા હતા. એમાંનો એક બરાબર મારા રૂમના બારણાની આગળ લાંબો થઈને સૂતો હતો. એને કોઈ સ્પર્શ કે વિક્ષેપ ન થાય એ કાળજીથી મેં તાળું ખોલ્યું અને બરાબર સાચવીને, એના ઉપર થઈને હું ધીરેથી અંદર ગયો. પછી અંદરથી બારણું બંધ કર્યું અને સૂવાનો વિચાર કર્યો. પણ મનમાં બીજો વિચાર હતો. મારા રૂમની બહાર સૂતેલા અને ઊંઘી ગયેલા મજૂરનો વિચાર મનમાં હતો. બારણું બંધ હતું. પણ એનું ચિત્ર તો મનની આગળ હતું. અને એ ચિત્ર જોઈ જોઈને મનમાં અનેક જાતના વિચારો આવવા લાગ્યા.

એક રીતે તો એની અદેખાઈ આવી. એ નિરાંતે ઊંઘતો હતો. ભોંય પર સૂઈને, કંઈ ઓઢ્યા-પાથર્યા વગર, માથાની નીચે હાથ મૂકીને ઊંઘતો હતો. વળી લોકો આવે, જાય, અવાજ થાય, ન થાય – એની પરવા કર્યા વગર તે ઊંઘતો હતો. મને તો ગાદલું ન હોય અને ઓશીકું (નરમ) ન હોય અને કંઈક ઓઢવાનું ન હોય તો ઊંઘ જ ન આવે. અને બહાર અવાજ થાય તો ઊંઘ ઊડી જાય. એ મજૂરના મનમાં હાલ કોઈ ચિંતા નહોતી એટલે એ નિરાંતે ઊંઘી શકતો હતો. એની પાસે કોઈ કીમતી વસ્તુ નહોતી કે ચોરીની બીક લાગે, કોઈ અગત્યનું કામ કરવાનું નહોતું કે ઉતાવળ ને ચિંતા થાય. સવારે કામ કર્યું હતું અને બપોરે કરશે, અને જેટલું થાય તેટલું થશે, અને આજે ન થાય તે કાલે થશે એટલે ચિંતા નથી, અને નિરાંતે ઊંઘી શકાય. કોઈ ઘેનની ગોળીઓ લેવાની જરૂર નથી. કોઈ ખાસ તૈયારી કરવાની જરૂર નથી. જ્યાં છે ત્યાં સૂઈ જાય અને ઊંઘ આવે. એટલે મારા કરતાં એ વધારે સ્વતંત્ર છે, કારણ કે એને ઓછી વસ્તુઓની જરૂર છે. ઊંઘ તો કુદરતનું વરદાન છે, માટે એના ઉપર કુદરતની વિશેષ કૃપા છે એ ફલિત થયું. એટલે એ રીતે થોડી અદેખાઈ તો આવી. સાદાઈનો આશીર્વાદ હતો. ગરીબાઈની મુક્તિ હતી.

પણ એથી મનને સંતોષ ન થયો. એની સાદાઈ સાચી અને એની ગરીબાઈ આશીર્વાદરૂપ; પણ એ તો હું સારી સગવડભરી રૂમમાં બેસીને અને સારું ભોજન જમી આવીને કહું છું. એને માટે એ સાદાઈ અને એ ગરીબાઈ તો ફરજિયાત છે. બંધનરૂપ છે. એ એણે પસંદ કર્યાં નથી, સહન કરવાં પડે છે. એનું ટિફિન મેં જોયું છે. એનાથી એક નાના છોકરાને પણ પૂરું ન પડે. અને એ લઈને એને આખો દિવસ મજૂરી કરવી પડે છે. એ ગરીબ છે, એની પાસે કશું નથી. એની પાસે કશું નથી એ એનું સદભાગ્ય નથી, લાચારી છે. એ મારા રૂમની બહાર સૂતો છે અને હું અંદર બેઠો છું. મારી પાસે ઘણું છે, કંઈ નહિ તો જોઈએ એટલું બધું છે. ખુશ જીવન છે, આરામ છે. પછી દિલમાં શાંતિ કેમ રહે ?

દિલમાં અજંપો છે. સાદાઈ માટે પહેલેથી જ તો આકર્ષણ છે. સાધના માટે ત્યાગ જોઈએ, આધ્યાત્મિકતા માટે અપરિગ્રહ જોઈએ એ ખબર છે, એટલે એ પ્રયત્ન પણ છે. ઓછું લઈને જીવવું, ઓછી જરૂરિયાતો, ઓછો ખર્ચ. પૈસાનો વ્યવહાર નહિ, સંગ્રહ કરવાની વૃત્તિ નહિ. અને તોય અનેક ચીજો વળગી જાય, ટેવો પડી જાય. આ જોઈએ છે, અને તે વિના ન ચાલે. આખરે આપણે કામ કરવાનું છે ને ! આપણે ક્યાં વૈરાગી બાવા છીએ કે એક લંગોટી ને એક દંડ લઈને ફરીએ ! કૉલેજોમાં ભણાવવાનું છે એટલે કપડાં જોઈએ અને પુસ્તકો જોઈએ, અને પુસ્તકો રાખવા માટે કબાટ જોઈએ, અને કબાટને માટે રૂમ જોઈએ, અને રૂમમાં થોડી વ્યવસ્થા જોઈએ ને થોડી સગવડ જોઈએ. એટલે નાનકડો સંસાર બંધાય અને પરિગ્રહ જામે. સાદાઈનો આદર્શ છે. થોડોક અમલ છે, ઘણી ખામીઓ છે, માટે દિલનો અજંપો રહે છે. સાધનાને પંથે જેમ સામાન ઓછો, તેમ જલદી આગળ વધી શકાય એ સિદ્ધાંત છે. એ અનુભવ છે. અને તેથી જીવન બને તેમ સાદું બનાવવા સતત જાગૃતિ છે અને પ્રયત્ન છે. પણ બીજું કારણ પણ છે. આધ્યાત્મિક સાધના અને અંગત પ્રગતિ ઉપરાંત જીવનમાં સાદાઈ અને સરળતા લાવવા માટે બીજું કારણ પણ છે. અને એ પણ તાકીદનું અને અગત્યનું છે. એ કારણ તો મારા રૂમની આગળ સૂતેલો એ અકિંચન મજૂર છે. ગરીબ લોકો છે. દુનિયાની આર્થિક વિષમતા છે.

ધર્મનો સંદેશો દયાનો અને સેવાનો છે. પ્રેમનો અને એકતાનો છે. બધા માણસો ભાઈઓ અને બધા સમાન. બધા એક જ કુળના અને એક જ કુટુંબના. હા, પણ પછી એક મહેલમાં અને એક ઝૂંપડીમાં, એક મિલનો માલિક અને એક મિલનો મજૂર, એક ધરાઈને ખાય અને બીજો ભૂખે મરે. એ ભાઈઓ કેવા ? અને એ ધર્મ કેવો ? બધા એકસરખા હોવા જોઈએ એમ તો નથી. કંઈક ઊંચે, કંઈક નીચે; કંઈક મોટા, કંઈક નાના. બધા અવયવો સરખા હોય તો દેહ નહિ થાય. બધાં પાત્રો સરખાં હોય તો કથાવસ્તુ નહિ જામે. અમુક ભિન્નતા જોઈએ, અમુક ફેર જોઈએ. અને રહેશે. પણ આટલો ફેર તો નહિ. આટલું અંતર તો નહિ. એક પગથી ઉપર સૂઈ જાય અને બીજો પંખાની નીચે સુંવાળી પથારીમાં સૂઈ જાય, એમ તો નહિ. એક અભણ રહે અને બીજો પરદેશ અભ્યાસ કરવા જાય, એમ પણ નહિ. વિષમતા છે એ મટાડવાની છે. અન્યાય છે એ દૂર કરવાનો છે.

મારા વર્ગમાં થોડા કરોડપતિઓના દીકરાઓ બેઠા છે. કેટલાક ગરીબ છોકરાઓ પણ છે. એમને હમણાં જઈને ભણાવવાનું થશે. ફરીથી મારા રૂમની આગળ સૂતેલા એ મજૂરના ઉપર થઈને હમણાં એ છોકરાઓને ભણાવવા વર્ગમાં જવાનું થશે. ભણાવવાનું તો ગણિત છે અને ગણિત બધાને માટે સરખું છે. એટલે હું આંખ આડા કાન કરી શકું, અને આગળ કોણ કોણ બેઠા છે એ તરફ ધ્યાન આપ્યા વગર નિર્લેપ ભાવે ગણિતનો પાઠ ચલાવી શકું, અને એમાં મેં મારી ફરજ પૂરી કરી એનો સંતોષ લઈ શકું. ગણિતનો વર્ગ છે. વિજ્ઞાનની તટસ્થતા છે. હા, પણ શિક્ષણનું કામ પણ છે. સંસ્કારોનું કામ છે. એ સંદેશ પણ આપવો જોઈએ. એ જાગૃતિ પણ કરાવવી જોઈએ. એ ભાવના પણ પેટાવવી જોઈએ. ગણિતના સમીકરણોમાં એવું ન જુએ તો ગણિતશિક્ષકના જીવનમાં જુએ. પાઠ્યપુસ્તકોમાં ન આવે તો શિક્ષકના વર્તનમાં આવે. સામે એ સુખી કુટુંબના છોકરાઓ બેઠા છે. એમને એ ખ્યાલ પહોંચવો જોઈએ, એ બોધ મળવો જોઈએ કે પોતે સુખી છે તો ભગવાનનો આભાર માને; પણ ઘણા સુખી નથી, સાવ ગરીબ છે, અકિંચન છે, કંગાલ છે એનો ખ્યાલ રાખે. અત્યારથી એમના દિલમાં એ જવાબદારી જાગવી જોઈએ, એ ચિંતા થવી જોઈએ. ગરીબોની સેવા કરવા, મજૂરોની સ્થિતિ સુધારવા, સમાજના અન્યાય મિટાવવા, દુનિયાનાં અંતર ઘટાડવા અમારે શું કરવું ? આજથી એ સંસ્કારો પડે તો આગળ ઉપર કંઈક કરશે. પણ આજે જો એ ધનવાનના દીકરાઓ આરામથી જીવે, લહેરથી ફરે, સામાજિક પ્રશ્નો ઉપર ધ્યાન ન આપે, ગરીબોની સામે નજર ન કરે – તો આવતી કાલે તેઓ એમનું શોષણ કરતા રહેશે, અને સમાજનાં અંતરો ઘટવાને બદલે વધતાં જશે.

એમાં મારી જવાબદારી લાગે. કંઈ નહિ તો મારા જીવનમાં અને વર્તનમાં, સંકેતમાં અને ભાવનામાં તેઓ જો સાદાઈ જુએ, જો એ સ્વેચ્છાથી સ્વીકારેલી ને અપનાવેલી ને વધાવેલી ગરીબાઈ જુએ, જો અપરિગ્રહ અને ત્યાગ જુએ, જો ગરીબોને માટે પ્રેમ અને ચિંતા અને સેવા અને દયાના ભાવ જુએ, તો પેલા બીજા પાઠની સાથે આ મહત્વનો પાઠ પણ આવશે, આ સિદ્ધાંત બેસશે, આ સંસ્કાર પડશે, અને એ પ્રેરણાથી એમનું જીવન સુધરશે, અને એમનું જીવન સુધરવાથી આગળ ઉપર સમાજની સ્થિતિ સુધરશે. માટે જ એ અજંપો છે. એ અધીરાઈ છે. પોતાની જાતથી અસંતોષ છે, કંઈક વધારે કરવું જોઈએ, જેથી જીવન વધારે સરળ બને, વધારે સાદું બને, અને એ સંદેશ એ વિદ્યાર્થીઓને પહોંચે, એ સમાજને પહોંચે, અને નવી વ્યવસ્થા લાવવા અને સાચી સમાનતા લાવવા બધા એક સાચો ને અસરકારક પ્રયત્ન કરીએ. એ અજંપો છે, અને એ અજંપો શુભ છે. એ હશે એટલે વધુ કરવા પ્રેરશે, નવું કરવાની ફરજ પાડશે. એ અજંપો છે એ ભગવાનની કૃપા છે, અને એ રહે અને વધે અને કંઈક કરાવે અને ક્યાંક લઈ જાય એ અત્યારથી ભગવાનને દિલથી પ્રાર્થના છે. અને ભગવાન એ પ્રાર્થના સાંભળશે, સાંભળી રહ્યો છે. એ યાદ દેવરાવવા અને એ લાગણી સળગાવવા અને એ અજંપો કરાવવા એ એવા પ્રસંગો આપશે, એવાં દશ્યો જોવરાવશે, એવા અનુભવો કરાવશે. હા, આજની જેમ એવા ગરીબ લોકોને, એવા મજૂરોને મોકલશે અને આપણી આગળ રસ્તામાં સુવાડશે.

એ મજૂર હજી ત્યાં સૂતો છે. મારો આરામનો સમય તો પૂરો થયો છે. મને ઊંઘ આવી નથી. એને તો બરાબર આવી છે. હજી ઊંઘે છે. ને મારે તો પેલા છોકરાઓને ભણાવવા જવાનું છે. રૂમનું બારણું ધીરેથી ઉઘાડીશ. ધીરેથી બંધ કરીશ. સંભાળીને એના સૂતેલા શરીર ઉપર થઈને પસાર થઈશ. અને રસ્તામાં ભગવાનને પ્રાર્થના કરતો જઈશ કે પેલો અજંપો મારા દિલમાં જલતો રાખે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સરવણી – નયનાબેન શાહ
મલેરિયાનો મસીહા – હરીશ નાયક Next »   

8 પ્રતિભાવો : દિલનો અજંપો – ફાધર વાલેસ

 1. nilesh says:

  very nice and thoughtful narration.we must think for them.
  nkj

 2. It’s amazing,I like all of this.

 3. Nirav says:

  I think it isLittle boring for others….overall nice saying..must think…

 4. Jagdish B.Parmar says:

  માન.ફાધર વાલેશ,આપશ્રેીના દરેક લેખ મને વિચારતો કરેી મુકે તેવા હોય છે.ખુબ જ મજા આવેી ગઈ.

 5. Rajnikant says:

  માન.ફાધર વાલેશના લખાણમાં માણસ વધુ સારો બને તેવી પ્રેરણા મળતી રહે છે.આ તેઓનું ઘણુ સારું મિશનરી કાર્ય છે.

 6. arvind Patel says:

  આપને હન્મેશા બધાયને ન્યાય ન આપિ શકિયે. મારે મારિ ફરજ બજવવનિ, ઘાનુ બધુ જોયિને દુખિ થવથિ પરિસ્થિતિ માન કઓઇ ફેર્અફર થવનો નથિ

 7. Arvind Patel says:

  Do Your Best & Forget the Rest.
  That’s all.

 8. Kalidas V. Patel {Vagosana} says:

  ફાધર વાલેસના બધા જ લેખો માનવતાવાદી અને સમાજને યોગ્ય માર્ગદર્શન આપતા હોય છે. એક અંગ્રેજ માણસે ખૂબ જ સારું ગુજરાતી સાહિત્ય સર્જ્યું છે અને તે પણ માનવ જાતને અદ્કેરું બનાવતું !
  સલામ છે આવા સદલેખકને !
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.