મલેરિયાનો મસીહા – હરીશ નાયક

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ગૂર્જર બાળવાર્તાવૈભવ’ શ્રેણીના 20 પુસ્તકો પૈકી ‘હરીશ નાયકની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’ પુસ્તકમાંથી પ્રસ્તુત પ્રેરક સત્યઘટના સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તકોનો સેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

તેનામાં આવડત હતી, પણ નોકરી મળતી ન હતી. ખાવાપીવાનું મળતું નહિ અને પહેરવા-ઓઢવાનુંય મળતું નહિ. જિંદગી કેવી રીતે પસાર કરવી એ એક સવાલ હતો. વગર લેવેદેવે એને જેલમાં મોકલી દેવાયો. ગરીબોને કદાચ આમ જ જેલ થતી હશે ! જેલમાંથી તેને છૂટવું ન હતું. છૂટીને જાય કઈ જગાએ ? છતાં જેલવાળાએ ધકેલી દીધો.

તે આમતેમ ફરતો થઈ ગયો, પણ કેટલું ફરે ? ફરવાનીય હવે જગ્યા રહી ન હતી. તે કંઈક કામ જાણતો હતો, પણ કોઈ તેને કામે રાખતું ન હતું. છેવટે તે થાકી ગયો. હારી ગયો. આના કરતાં મોત સારું, એમ વિચારી મરવા ગયો. પણ તેની અને મોતની વચમાં એક બંગલી આવી ગઈ. એ બંગલીના લોકો ભોજન કરતા હતા. ખડખડાટ હસતા હતા. જેની પાસે ખાવાનું હોય છે તે હસી શકે છે. આની પાસે ખાવાનું ન હતું. હસવાનું કેવું હોય ?
જે થવાનું હોય તે થાય, એ બંગલીમાં દાખલ થઈ ગયો.
માતા-પિતા તથા બાળકો ભોજન કરતાં હતાં. હસતાં હતાં.
તે સામે જઈને ઊભો રહી ગયો.
તેનો ચહેરો વિકરાળ હતો. ભૂખે મરતાના ચહેરા એવા જ હોય છે. તેનાં કપડાં ફાટેલાં હતાં. તે બીક લાગે તેવો હતો. બધાં બી ગયાં, ડરી ગયાં. ઘરના માલિકે બૂમ પાડી : ‘કોણ છે તું ? શું જોઈએ છે તારે ?’ જવાબને બદલે તે આગળ વધી ગયો. ટેબલ ઉપર રોટી હતી, ઉપાડી લીધી. માલિકે એવી હોહા કરી કે નોકરો દોડીને આવી ગયા. પહેરેગીરો ભેગા થયા.

‘પકડી લો આ પાગલને ! કેવો ડરામણો છે, જુઓ તો ! ખૂની જ લાગે છે.’ પકડી લેવાયો તેને. જેલભેગો કરી દેવાયો. જેલમાં કેસ શરૂ થયો. કાજીએ પૂછી જોયું :
‘તેં આ લોકો પર હુમલો કરી દીધો એ સાચી વાત ?’
એ કહે : ‘હા, હુમલો કરી દીધો, પણ એ હુમલો કરનાર હું ન હતો. એ તો રોટીનો હુમલો હતો. રોટી હુમલો કરે છે અને ખાનાર ડરી જાય છે, અમીર ચીસો પાડે છે.’
કાજીને થયું કે ગાંડો છે આ ! સાવ પાગલ જ લાગે છે !
ફરમાન થયું : ‘લઈ જાઓ એને પાગલખાનામાં.’ મોતખાનામાં જતો હતો, પાગલખાનામાં પહોંચી ગયો. પણ પાગલખાનું વધારે ભયંકર હતું. મોતથી ભયાનક હતું. બીજા પાગલો આખો વખત ચીસાચીસ પાડી રહેતા, તેને બાઝી પડતા, તેને વળગી પડતા, તેના વાળ ખેંચી લેતા. તેને થતું કે ગાંડાઓ સાથે રહીને હુંય ગાંડો થઈ જઈશ. બચવાનો આરો ન હતો.

એક દિવસ અડધી રાતના તેણે જ ચીસ પાડી.
ચીસ ભયાનક હતી. મોતની ચીસ જ સમજો ! રખેવાળ દોડીને હાજર થયો. પૂછી જોયું, ‘શું છે એલા ?’
એ કહે : ‘મારી ઓરડીમાં સાપ છે. મને કરડી ખાશે.’
રખેવાળે તાળું ખોલી દીધું. તે સાપને શોધતો થઈ ગયો.
‘ક-ડિં-ગ !’ તેના માથા પર ઘા ઝીંકાયો. ખાવાના વાસણનો ઘા હતો. માથામાં વાગી ગયો. તે ઊંધો ઢળી ગયો. ઓરડીનું બારણું ઉઘાડું હતું. પેલો બહાર નીકળી ગયો. દોડતો થઈ ગયો. ભાગતો થઈ ગયો. પહોંચી ગયો દરિયાકિનારે. મળી ગઈ એક હોડી.
બસ હંકારી મૂકી હોડી.
હોડી જે દિશામાં જાય તે દિશામાં ગયો. કિનારે થોભી ફળફળાદિ ખાઈ લેતો. પાછો હોડીમાં બેસી જતો. પહોંચી ગયો એક જંગલમાં. ભીનાશ અને ઝાડી. મચ્છરોની દુનિયા, ચોંટી ગયા મચ્છરો. સવારે તે ઊઠે શાનો ? તાવ ચઢી ગયો હતો. ઊઠવાની તાકાત ન હતી. ટાઢ અને તાવ. તેનાથી રહેવાયું નહિ. ઝાડીમાંથી જે હાથ લાગી ગયું તે ખાતો થઈ ગયો. એક ફળ ખાઈ જોયું.
‘અરરર ! થૂ….થૂ….થૂ…થૂ…. ! કડવું કડવું ઝેર જેવું.’
કડવાશ જાય જ નહિ. લાંબા સમય સુધી મોઢામાં કડવાશ રહી.

પણ નવાઈ. ગજબની વાત. ન માની શકાય તેવી ઘટના.
તેનો તાવ ઊતરી ગયો.
તે દોડીને એ ફળ ભેગાં કરતો થઈ ગયો. ફળ કડવાં હતાં, પણ કરામતી હતાં. તેણે હોડીમાં ફળ ભેગાં કરી લીધાં. એ ફળનું નામ તેને ખબર ન હતું. તેણે પોતે જ તે ફળનું નામ આપી દીધું : ‘સિંકોના !’ એટલે કે કડવું ફળ. હોડી હંકારતો તે જાવા પહોંચી ગયો. તેણે લોકોને કહી દીધું : ‘આનાથી તાવ મટે છે. કડવું ફળ છે, પણ સંજીવની છે. હું કંઈક વખત બચી ગયો છું.’ જાવા એટલે તાવની ભૂમિ. મલેરિયાનો દેશ, મલેરિયાથી મરતા રોગીઓને એ ફળ ખવડાવી જોયાં. તાવ દૂર થઈ ગયો. મલેરિયા ભાગતો હતો. લોકો આ ભંગાર માનવીને દેવતા માનતા થઈ ગયા. તેણે સિંકોનાની ખેતી શરૂ કરી. લાવેલાં ફળનાં બી વાવી દીધાં. અહીં જાવામાં એ ફળ જોઈએ તેટલાં હતાં. જાવા સિંકોનાની ધરતી બની ગયું.

જાણકારો દોડતા થઈ ગયા. વૈદો અને હકીમોની દોડ અને હોડ શરૂ થઈ. નવા અને જૂના જાણકારોની પરખ આગળ વધી. સિંકોનામાંથી કુનૈનની શોધ થઈ. માનવીને મલેરિયાનો ઉપાય જડી ગયો. 1939માં બીજી લડાઈ શરૂ થઈ. દુનિયા આખી એ લડાઈમાં ઝડપાઈ ગઈ. લડાઈમાં રાત પડતી અને મલેરિયાના જીવો તૂટી પડતા. કુનૈનની ભારે જરૂર પડતી. એકલો આપણો આ જ યુવક બધે કુનૈન મોકલતો હતો. દુનિયામાં નેવું ટકા કુનૈન આ પીડિત માનવી જ પૂરી પાડતો હતો. પછી તો કુનૈનના રાજા તરીકે એનું બહુમાન થયું. એ જાતે મરતો હતો. એને જિવાડનાર કોઈ જ ન હતું. પણ કહે છે કે લડાઈની એક જ સાલમાં તેણે ચાર કરોડ લોકોને બચાવી લીધા હતા. મલેરિયાના પંજામાંથી એણે સૈનિકોને, નાગરિકોને બહાર ખેંચી લીધા હતા. કુનૈન, કુનાઈનની પછી તો અનેક શાખાઓ શરૂ થઈ. પણ એનો મૂળ શોધક તો એ જ. એનું નામ ફરાંઝ વિલહેમ જંઘન.

જિંદગી ટૂંકાવનારાઓ જરૂર વિચારે, કદાચ તે બીજાઓને ઉપયોગી થઈ શકે છે, કદાચ, તે આખી દુનિયાને બચાવી શકે છે, અરે, આગામી સેંકડો સાલ સુધી સહુને બચાવી શકે છે.

[કુલ પાન : 152. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “મલેરિયાનો મસીહા – હરીશ નાયક”

Copy Protected by Chetan's WP-Copyprotect.