નાનકડી રેખાઓ – મોહમ્મદ માંકડ

સુખી સંસારનું ચિત્ર, અગાઉથી દોરાઈ ગયેલું કોઈ તૈયાર ચિત્ર નથી. કોઈ તૈયાર ફૉર્મ્યુલા નથી. એ તો હર પળે દોરાઈ રહેલું ચિત્ર છે. થોડી નાની રેખાઓ એને સુંદર બનાવી શકે છે અને થોડી નાની રેખાઓ એને બગાડી પણ શકે છે. તો પછી, આજે એમાં થોડી નાનકડી સુંદર રેખાઓ શા માટે ન ઉમેરવી ? જો તમે પુરુષ હો તો – એમ કરવામાં આજનું આ ટાણું ચૂકશો નહીં અને શરૂઆત તમે તમારી પત્નીથી જ કરજો.

તમારી પત્નીની રસોઈનાં તમે અવારનવાર વખાણ કરો છો ખરા ? આજે તમે એની રસોઈનાં જરૂર વખાણ કરજો. તમે એણે પહેરેલી સાડીની પ્રેમભરી નોંધ ક્યારેય લીધી છે ખરી ? એની ચીવટની, એના ઘરની (તમારું ઘર નહિ) – એની પ્રશંસા કરી છે ખરી ? તમે ઘણી વાર એના ઉપર કદાચ ચિડાઈ ગયા હશો, નારાજ થઈ ગયા હશો, પણ આજે તમે એની સાથે બેસીને ખડખડાટ હસજો. ચાલતી ગાડીમાં પાસેપાસે રહેલાં બે વાસણ અથડાય અને એનો અવાજ થાય, સંસારની ગાડીમાં પણ બે વ્યક્તિઓ વચ્ચે ચણભણ થઈ જાય, પણ માણસ કાંઈ જણસ નથી. એકલી ટકટક કે ઝઘડા કરીને એ સંસારની સફર કરી ન શકે. તો, આજે તમે એની સાથે બેસીને હસવાનું ટાણું ન ચૂકશો.

પતિ-પત્ની બે સાથે જીવતાં હોય ત્યારે એમને એકબીજાની માનસિક હૂંફની ઘણી જરૂર હોય છે. તમે કોઈ સારું કામ કરો અને તમારું કુટુંબ કે તમારી પત્ની એની સહેજે નોંધ ન લે ત્યારે તમને કેવું લાગે છે ? એવી જ રીતે તમારી પત્ની રસોઈ કરે, કપડાં ધુએ, મકાન શણગારે, તમે માત્ર આંખો બંધ રાખીને આંધળા બની રહો એ કેવું લાગે ? તમે પુરુષ કે સ્ત્રી ગમે તે હો, સુખી સંસારનું ચિત્ર તૈયાર કરવા માટે તમે તમારા બાળકને વહાલ કર્યું છે ખરું ? તમે એની સાથે રમ્યા છો ખરા ? તમે એને તેડીને ફર્યા છો ખરા ? તમે એની સાથે ઘોડો-ઘોડો રમ્યા છો ? તમે એને કાયમ ઠપકો આપો છો, કારણ કે બાળકને ઠપકો આપવાનું કે વઢવાનું મા-બાપ માટે સામાન્ય હોય છે. પ્રાણી પણ પોતાનાં બચ્ચાંને તે આડુંઅવળું થાય કે ભૂલ કરે ત્યારે ટોકે છે. આ વસ્તુ કુદરતી છે અને બાળકના વિકાસ માટે અમુક અંશે જરૂરી પણ છે; પરંતુ બાળક ભૂલ કરે ત્યારે ધમકાવવાનું કે ટોકવાનું જેટલું જરૂરી હોય છે એટલું જ તેને વહાલ કરવાનું પણ જરૂરી હોય છે.

એણે એક નાનકડી ભૂલ કરી હશે તો તરત જ તમે એને ઠપકો આપ્યો હશે, પણ તેના કોઈ સારા કામ માટે તેને શાબાશી આપી છે ખરી ? તમે એને કહ્યું હશે કે ‘દૂધ ઢોળાઈ ગયું ને ? તમારા હાથે બીજું થાય પણ શું ?’ (જાણે તમારા હાથે દૂધ કદી ઢોળાયું જ નહીં હોય !)
‘પેનમાં રીફિલ ચડાવતાં નથી આવડતું ? પુસ્તક કે નોટબુક સાંધતાં નથી આવડતું ? તારું થશે શું ?’
‘તું જેટલો વધ્યો છે એટલી તારી અક્કલ વધી હોત !’
તમારે સમજવું જોઈએ કે તમારું બાળક તમારાં આવાં પ્રમાણપત્રોની ઝંખના નથી રાખતું. દૂધ ઢોળાવા સિવાયનાં બીજાં કામો પણ એણે કર્યાં હોય છે અને એ માટે તમારી પાસેથી પ્રશંસાના, વહાલના બે શબ્દો એ ઝંખે છે. અને પ્રશંસાના એ બે શબ્દો માટે એની નજર તમારા ઉપર જ મંડાઈ રહી હશે – એ પાંચ વર્ષનો હશે કે પાંત્રીસ વર્ષનો, એની નજર તમારા ઉપર જ મંડાઈ રહી હશે. તો, આજનું ટાણું તમે ચૂકશો નહિ અને એને સારું કામ કરવા બદલ પ્રોત્સાહનના બે શબ્દો જરૂર કહેજો. જે પણ રીતે એના તરફનું ઋણ અદા થઈ શકે તેમ હોય એ અદા કરવાનું આજે ચૂકશો નહીં. એટલા અંશે તમે જરૂર હળવા થઈ જશો.

છેલ્લે, તમે તમારા પાડોશી સાથે સ્નેહથી ક્યારેય વાતચીત કરી છે ? માણસ ઘણી વ્યક્તિઓ સાથે સંપર્ક રાખે છે, ઘણા નવા સંબંધો બાંધે છે, પણ પોતાના પાડોશી સાથેના સંબંધો કાયમ મીઠા રાખવાનું કામ ભાગ્યે જ કરે છે. આપણી એક જૂની કહેવત છે કે પહેલો સગો પાડોશી. અને કહેવતમાં બહુ મોટું સત્ય રહેલું હોય છે. નાનાંમોટાં સુખદુઃખમાં, સારા-માઠા પ્રસંગોમાં જો સૌથી વધારે કોઈ મદદરૂપ હોય, સૌથી વધારે નજીક કોઈ હોય તો એ પાડોશી હોય છે. એની સાથેના મીઠા સંબંધો માણસના જીવનને હરિયાળું રાખે છે. પણ, પાડોશી સાથેના સંબંધોમાં પણ પત્ની સાથેના સંબંધો જેવું છે. માણસ એની સાથે પ્રેમ કરવાના બદલે ઝઘડો કરવા જલદી તૈયાર થઈ જાય છે. ઘર પાસે પડેલા કચરા માટે, દીવાલ પાસે ઢોળાયેલા પાણી માટે, કાગળના ડૂચા માટે બે પાડોશીઓ વચ્ચે ગાળાગાળી થઈ જાય છે અને મારામારી પણ થઈ જાય છે. પાડોશીઓ વચ્ચેના સારા સંબંધો માત્ર કોઈ એક પાડોશીના હિતમાં જ નથી હોતા, પણ પાડોશીઓના પરસ્પરના હિતમાં હોય છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે, ‘તારી જાત ઉપર તું જેવો પ્રેમ રાખે છે એવો જ પ્રેમ તારા પાડોશી ઉપર રાખ.’

નાની-નાની રેખાઓથી જ મહાન ચિત્ર આકાર લે છે. તમે તમારી વ્યસ્તતાને લીધે તમારા મિત્રોને ઘણા વખતથી યાદ કરી શક્યા નથી. તો આજે સુખી સંસારનું ચિત્ર કરવા માટે થોડીક રેખાઓ મિત્રોને યાદ કરવા દોરી નાખો. આજે તમે કોઈક પ્રિય મિત્રને પત્ર લખી નાખો. કોઈક મિત્રને ફોન કરી નાખો. કોઈક મિત્રને ખાસ યાદ કરીને સંપર્ક કરો. ‘પ્રવીણસાગર’ ગ્રંથ રચનાર કવિ કહે છે કે માણસને માતા, પિતા, ભાઈ, બહેન એ તો કુદરતી રીતે જ મળે છે, પણ આ સંસારમાં સન્મિત્ર તો મહામુશ્કેલીથી મળે છે. જીવમાત્રમાં સ્વાર્થ રહેલો છે. દરેક વ્યક્તિને એના જીવનમાં સ્વાર્થી મિત્રો અને શઠ મિત્રો ભેટી જાય છે. બે મિત્રો વચ્ચે હરીફાઈ પણ હોઈ શકે છે, પરંતુ હંમેશાં એવું જ નથી બનતું. સંસારમાં સન્મિત્ર, જિગરજાન દોસ્ત પણ મળી શકે છે. અને એવા કોઈ મિત્રો તમારે હોય, કોઈ બાળપણના નિઃસ્વાર્થ ગોઠિયાઓ હોય, તો એ મિત્રતાની સરવાણી વહેતી રાખવા માટે, કામની ધમાલ વચ્ચેથી, સંસારના ઘોંઘાટ વચ્ચેથી થોડીક પળો કાઢીને મિત્રને ફોન કરી લેજો. એની સાથેની કેટલીક સાદી વાતોથી તમને ઘણો આનંદ મળી શકશે. બચપણમાં દોસ્તી હતી એવી નિર્દોષ દોસ્તીની તાજગી તમે માણી શકશો. સુખી થવા માટે તમે તમારી સાથે કામ કરતા સાથીદારોને એમની કોઈ વિશિષ્ટતા બદલ આજે ખાસ બિરદાવજો. એમની કોઈક ખાસ વિશિષ્ટતાની નોંધ લેવાયાથી એમના આનંદ અને ઉત્સાહમાં વધારો થશે જે છેવટે તમારા સંબંધોમાં ઉષ્મા લાવશે. ભૂતકાળમાં થયેલી કોઈક ભૂલને પણ કદાચ આ રીતે સુધારી શકાશે.

અહીં આપણે એ સમજવાનું જરૂરી છે કે આપણા સુખનો આધાર માત્ર આપણા સાડા પાંચ, છ કે સાત ફૂટના શરીર સાથે જ નથી. આપણા સુખનો આધાર પત્ની, પુત્ર, પુત્રી, માતા, પિતા, ભાઈ, બહેન, પાડોશી, મિત્ર, સાથીદારો વગેરે ઘણીબધી વ્યક્તિઓ સાથેના સંબંધ-વ્યવહાર ઉપર રહેલો છે. કોઈ પણ સંબંધમાં તણાવ પેદા થાય એટલે અવ્યવસ્થિત થઈ જાય છે, એમાં ખલેલ પહોંચે જ છે અને ચિત્રનું સૌંદર્ય નાશ પામે છે. પરંતુ હરપળે દોરાઈ રહેલા આ ચિત્રમાં તમે કેટલીક નાનકડી રેખાઓ ઉમેરીને સમગ્ર ચિત્રને સુંદર બનાવી શકો છો. અને એમ કરવા માટે તમે થોડો પ્રેમ તમારી પોતાની જાત સાથે અને તમારાં સ્વજનો સાથે જરૂર કરી લેજો. આ ટાણું ચૂકશો નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “નાનકડી રેખાઓ – મોહમ્મદ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.