વિનીનું ઘર – ધીરુબહેન પટેલ

[‘નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી-2012માંથી સાભાર.]

રઘવાયો થઈને એ જતો હતો. એ ઈચ્છતો હતો કે કોઈ એને ટપારે નહીં, જુએ નહીં, નિરર્થક વાતોનો કાદવ એના પર ફેંકે નહીં. એ જાણતો હતો કે આ બધું સહન કરવું જ પડે છે, સામે મોં મલકાવવું પડે છે, હાથ ફરકાવવા પડે છે. બે-ચાર શબ્દો પણ ગણગણવા પડે છે. આ બધું જરૂરી છે, બેહદ જરૂરી. તે વગર સમાજ એની સામે વિચિત્ર નજરે જોશે, ધીમે ધીમે હડસેલા મારીને વર્તુળની બહાર પણ ફેંકી દે, કંઈ કહેવાય નહીં. અને એ પણ કહેવાય નહીં કે એવું બને તે એને ગમે કે નહીં…. અત્યારે તો આમ જ ચાલ્યા કરવાનું અને ઝટપટ વિનીને ઘેર પહોંચી જવાનું. પછી નિરાંત !

શું હતું વિનીના ઘરમાં ? હજી એ શોધી શક્યો નહોતો કે ત્યાં એવું તે શું હતું….. પણ એટલું તો નક્કી હતું કે ત્યાં ગયા પછી બહુ હાશ લાગતી. ફાવે ત્યાં બેસો, ફાવે તેમ બેસો, મન થાય તો આડા પડો. કોઈ કશું પૂછે નહીં. થોડી વાર પછી સહેજે તીખી મીઠી સુગંધ આવે, વિનીની સુનેત્રા આવીને બે પાણીના પ્યાલા અને એક ચાનો કપ એની પાસે મૂકીને ચૂપચાપ અંદર ચાલી જાય. મન થાય તો પી શકાય નહીંતર કલાક પછી આખો ખેલ પાછો સમેટાઈ જાય.

અંધારું થયા પછી થોડી વારમાં વિની આવે. એની સામે અછડતી નજર નાખીને ખૂબ આનંદભર્યા સ્વરે કહે, ‘ઓહો, આવી ગયો, અર્જુન ? ચાલ, સારું થયું !’ પછી એ પણ અંદરના ખંડમાં ચાલી જાય અને ઘણી બધી વારે આવીને બારીની બહાર જોતાં જોતાં કહે, ‘ખબર છે, આજે શું થયું ?’ લગભગ તો કશું થયું જ ન હોય. છતાં એની વાત સાંભળવાની મજા આવે. જાણે કોઈ અજાણી નદીનાં શાંત વહેણ પરથી હળવેથી ઊંચકાઈને આવતાં આછાં સૂર્યકિરણ પોતાની આસપાસ રમે છે. બહુ સારું લાગે છે. ધ્યાન આપવાની, પ્રશ્નો પૂછવાની, હં કે હો કરવાની કશી જરૂર નહીં. વૃક્ષોનાં પાકટ પાનમાંથી વહેતા આવતા પવનના અવાજને કોઈ ક્યાં જવાબ આપે છે ? તોયે સાંભળવાનું ગમે. વિનીની વાતોનું એવું જ હતું.

કોઈ વાર વળી વિની નયે આવે. સાંજ રાતમાં ખોવાઈ જાય. નાનપણની યાદ આપતી આછી ધૂપસુગંધ ઘરમાં કશુંક શોધતી બધે ફરી વળે. સુનેત્રા અંદરના બારણામાંથી જ ડોકિયું કરીને પૂછે, ‘જમવાના કે અર્જુનભાઈ ?’ અર્જુન ઘણુંખરું ના પાડે. કોઈ વાર વળી હા પણ પાડી બેસે. જે સામે મુકાય તે ખાઈ લેવાનું. પછી થોડી વાર રાહ જોવાની. વિની આવે તોયે ઠીક, ન આવે તોયે ઠીક. પછી ઘેર જતાં જતાં વિચાર કરવાનો, શાથી મન હળવુંફૂલ લાગે છે ? વિનીના ઘરમાં એવું તે શું છે કે ધોધમાં નાહ્યા પછી જૂની જિંદગી થોડીક વાર માટે પણ ભુલાઈ જાય અને એક નવોનકોર સમય શરૂ થયો હોય એવી લાગણી થાય છે ?

આ જ પ્રશ્ન પોતાને ઘેર પહોંચ્યા પછી લમણામાં ફંગોળાવાનો.
‘એવું તે શું દાટ્યું છે એના ઘરમાં તે છાશવારે ને છાશવારે વગર બોલાવ્યે ત્યાં પહોંચી જાઓ છો ? સાચું કહેજો, વિનીને ઘેર ગયા હતાને ?’
‘હા.’
‘શું કરવા ?’
‘કોને ખબર !’ કહીને પોતાના ઓરડામાં જતા રહેવાનું.
‘છોને તમને ખબર ન હોય ! હું જાણું છુંને એ કેવી પહોંચેલી માયા છે. જો જો ખાંડ ખાતા કે તમે એકલા જ ત્યાં આંટાફેરા ને આશીર્વાદ કરો છો. બધા ઘણાયે ત્યાં જાય છે. તમે કહેતા હો તો નામઠામ સાથે ગણી બતાવું.’ વિપુલાનો ગુસ્સો એના વધતા જતા અવાજમાં ઠલવાતો જાય ત્યારે મૌન સિવાય કોઈ ઈલાજ રહે નહીં. માનો કે એ સાચી હોય. સાચી હશે જ. પણ તેથી શું ? વિનીના ઘરમાં તો ઘણા બધાએ જવું જ જોઈએ. જિંદગીના ભારથી થાકેલા માણસોને માટે બે ઘડી શ્વાસ લેવા આનાથી સારી કોઈ જગ્યા ન હોઈ શકે. ત્યાં અર્જુન એકલો શા માટે જાય ? ખૂબ બધા લોકો ત્યાં જાય, આસાયેશ પામે અને લગભગ નવા જેવા થઈને ત્યાંથી નીકળે એ જ યોગ્ય હતું.

શું હતું વિનીના ઘરમાં ? એવું તે વળી શું કે જે બીજે કશે ન મળે ? એમ તો અર્જુનનું પોતાનું ઘર પણ સરસ જ હતું. ચોખ્ખુંચણક અને ચકચકિત. વિપુલાના અગણિત નિયમોને આધીન એ ઘરમાં મગદૂર હતી કોઈની કે કશું પણ આમથી તેમ થઈ શકે ? કદાચ એ જ મુખ્ય કારણ હશે મનમાં અભાવ જાગવાનું. માણસે ઘરના ગુલામ થઈને રહેવું પડે. કરોળિયાના જાળાં જેવાં સૂક્ષ્મ બંધનો સામે લડાય તો નહીં. એ લાંબો વખત સહેવાય પણ નહીં, એક આછી ગૂંગળામણમાં જીવ તરફડે. સાંજે ઘર ભણી વળતાં પગલાંમાં એકલી લાચારી હોય- ઉત્સાહ તો કદી નહીં. વિપુલાને આ બધું શી રીતે સમજાવાય ? કોઈને પણ શી રીતે સમજાવાય ? જોકે સમજાવવાની કશી જરૂર પણ નહોતી.

એટલું જ બસ હતું કે અર્જુન ફાવે ત્યારે જઈ શકે, મહિનાઓ લગી ન જાય તોયે જ્યારે બારણે આવીને ઊભો રહે ત્યારે એ જ આવકાર મળે, નહીં કોઈ પ્રશ્નો, નહીં કશી અપેક્ષા, ન ઉપેક્ષા. નરી મોકળાશ, નરી આત્મીયતા ! એવું પણ એક ઘર હતું- વિનીનું ઘર.

[તંત્રીનોંધ : પ્રસ્તુત વાર્તામાં લેખિકા કોઈ સ્થૂળ ઘરની વાત કરી રહ્યા હોય તેમ જણાતું નથી. ‘વિનીનું ઘર’ પ્રતિક રૂપે વાપરીને લેખિકા પ્રેમ અને હૂંફથી ભરેલા ઘર તરફ નિર્દેશ કરે છે. દરેક વ્યક્તિના મનમાં એવા ઘરની કલ્પના હોય છે કે જ્યાં તે પોતાનું હૃદય હળવું કરી શકે. બિનજરૂરી પ્રશ્નો, વ્યર્થ ચર્ચાઓ અને કડક નિયમોનું પાલન થતું હોય એને ઘર કહી શકાય નહીં. એવા ઘરમાં પગ મૂકવાનું મન થતું નથી. નાયકને વિનીનું ઘર ગમે છે કારણે ત્યાં મોકળાશ છે અને હળવાશ છે. કોઈપણ ઘરને વિનીનું ઘર બનાવી શકાય છે એમ કદાચ લેખિકાનું માનવું છે.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વિનીનું ઘર – ધીરુબહેન પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.