સાસુનું અવમૂલ્યન – ડૉ. નલિની ગણાત્રા

[‘હસવું મરજિયાત છે’ પુસ્તકમાંથી સાભાર.]

‘સાસુ’ નામ શોધનારને, જીવે ત્યાં સુધી સરકારે વેતન આપવું જોઈએ. આતંક જેવું સોંસરવું નામ છે. એક અદ્વિતીય કામ કરી જવાની ખેવનાથી મેં સાસુના નામનો (માત્ર નામનો જ હોં !) વિકલ્પ શોધવાનું નક્કી કર્યું અને એ માટે ‘અશુભ નામાવલી’ના થોથેથોથાં ઉથલાવી નાંખ્યાં. લોઢાના વીસ વિકલ્પ મળી આવ્યા પણ…. સાત સ્ત્રીઓ ટોળે વળીને બેઠી હોય અને કોઈક બોલે કે સાસુ આવી….! તો એક સાથે સાતેય ડોક કાટખૂણે થાય. એમાં ‘સવિતાની સાસુ’ એવું બોલવાનીયે જરૂર નહીં. ડૉક મયડાવવા સાસુ નામ જ કાફી !!

સાસુ એક એવી કમનસીબ મહાસત્તા છે જે સુલભ સુખો ભોગવી નથી શકતી. એ સુખ ભોગવવામાં અજગરની જેમ જો કોઈ આડું ઊતરતું હોય તો એ છે એનો અહમ ! અઘેણીના દીકરાની જેમ અહમને ઘડીક અળગું ન થવા દે, એને એમ ન પુછાય કે – બા, (પાછી સાસુને સાસુ ન કહેવાય, એને બા જ (બાજ!) કહેવી પડે !) આ ગ્લાસ તમે અહીં મૂક્યો છે ?’ ફાટફાટ થાય, ‘હું શું કામ મૂકું ? મારે શું કામ મૂકવો પડે ? મારે મૂકવાની શું જરૂર ? મારે ક્યાં એવી નવરાશ છે ?’

અહમ એનો ઓક્સિજન
ને એ અહમની દાસ !

શરીરમાંથી જો અહમને છૂટું પાડી શકાતું હોય અને સાસુના શરીરમાંથી અહમનું વિરેચન કરી દેવામાં આવે તો સિંહ જેવી સાસુ તત્ક્ષણ નિશ્ચેતન થઈને પડે ! કોઈકના સ્વભાવમાં અહમનો અભાવ હોય, તો કોઈપણ કંપનીની સાસુના નાક પાસે ફક્ત દોઢ સેકંડ એનું નાક રખાવી ઊંડો એક જ શ્વાસ લેવડાવવો. ધાર્યું પરિણામ આવે ! એના અહમ માટે પેલા બાવાનો બનાવ પુરતો છે. એક બાવાને વહુએ લોટ ન આપ્યો. એ બાવો ગામને ગોંદરે જતાં એને વહુની સાસુ મળી. ગામના ગોંદરેથી બાવાને પાછો લાવીને, ઘેર આવીને પોતે ના પાડીને તગેડ્યો, ‘ના પાડું તો હું પાડું, વહુ શેની ના પાડે ?’ લો બોલ્લો….. પછી અમદાવાદમાં આઠ મહિના ઉનાળો જ રહેને ! વહુની સ્થાપના પહેલાં ‘વહુ સાથે કેમ વર્તવું’ એનો આખ્ખો અભ્યાસક્રમ ‘સાસુ યુનિવર્સિટી’એ ઘડી લીધેલો હોય ! ‘પડે એવું દેવાશે.’ એ રેફરન્સ બુક તો જુદી ! વહુને કામ સોંપવાની એની સૂઝ તો ચીલઝડપ જેવી ! મારા જેવાને તો કામવાળી પાસે કામ લેવું એય બુદ્ધિનો વિષય હોય એમ ફાવતું નથી. મને તો અત્યારથી ચિંતા થાય છે કે હું સાસુ બનીશ ત્યારે મારું થશે શું ?

એક ખૂબ મર્યાદાવાળી કુટુંબની દીકરી વહુ બનીને સાસરે આવી. સ્વભાવની બિચારી દાબેલી જેવી નરમ. કોઈપણ કામ માટે બહાર જાય, ઈવન પતિ સાથે ખાલી આંટો મારવાય નીકળે તો ય ઓઢેલા માથે મૃદુતાથી કહેતી જાય કે, ‘બા અમે બા જાઈ છી બા હોં બા !’ અન્ય શબ્દોની સરેરાશ જેટલી સંખ્યા ‘બા’ની તોય સાસુમા ‘હા’નો હોંકારોં ય ન દે. વહુઓ એટલી હદે ફફડતી કે સાસુને સાચવવા, રીઝવવા, એની મહેરબાની મેળવવા ઉનાળામાં ફ્રીજના પાણીની સ્પેશિયલ ચા બનાવી આપતી. તોય હીટર (કે હીટલર) ગરમ જ ! આવી સાસુઓને કેમ સમજાવવું કે અહમ એ કાચ છે અને ફૂટવું એ કાચનો ધરમ છે. પણ અમુક કાચને પોતે લોખંડી હોવાનો વહેમ હોય છે અને લોખંડી કાચ ફૂટે નહીં તો ય એમાં તિરાડો તો પડે જ અને એ તિરાડો દિવસે દિવસે એટલી વધતી જાય કે તિરાડોમાં કાચ હોય એવું લાગે ! એ તિરાડો કાચને એક દિવસ એવી અકળાવે કે કાચ ખુદ ઈચ્છે કે આના કરતાં ફૂટી જવું સારું. આ જ કાચ પછી પ્રભુને પોકારીને કહે, ‘હે દીનાનાથ ! હવે તારે ખોળે લઈ લે !’ અને જે વીસ-પચીસ વર્ષ સુધી વહુને માથાના ખોડાની જેમ ખૂંચી હોય, એને ખોળે લેતાં ઈશ્વરનેય ઈન્ફેકશનનો ભય લાગે જ ને ? પણ દરેક સાસુઓને અમરીશપુરીની જેમ અંત સમયે કર્મનો અહેસાસ થાય છે (પોતે વળી જાય અને ઢીંચણ ન વળે ત્યારે !) સજ્જનોનું સમારકામ કરતો અમરીશપુરી અઢી કલાક અમનચમન કરે. પણ અંત સમયની એની અવદશા જોઈને થાય કે જિંદગીમાં વાયરસ-બેક્ટેરિયા મારવાનુંય પાપ ન કરવું ભઈસા’બ ! મારું તો માનવું છે કે દરેક સાસુને, સાસુ બને કે તુરત જ હિન્દી ફીચર ફિલ્મ નિયમિત બતાવવાનો કાયદો ઘડવો જોઈએ. છેલ્લો અડધો કલાક તો ફરજિયાત અને કરમુક્ત !

એક વહુ તો ઘણીવાર ખેદ કરે કે, મારી સાસુ મરી જશે ત્યારે હું કોઈ બીજાને યાદ કરીને રડીશ ત્યારે ‘પ્રસંગ’ સચવાશે. તો એક વહુએ એની સાસુ બીફોર ટાઈમ ગુજરી જાય તો ઉનાળામાં પણ આજીવન ઘરમાં સેલા, પહેરવાની બાધા રાખી છે. સાસુઓ અમથી ‘આવ અહમ અમ પર પડ’ જેવું કરે છે. બેઠી બેઠી વ્યાજ (દીકરાના દીકરા)ને વહાલ કરે અને શિવને સંભારે તો એક ઝાડવે એકવીસને વિસામો રહે પણ આ તો વહુની પ્રાઈવેટ વોચમેન લિમિટેડ કંપની. પડોશી પગરખાં વસાવે એમાંય એને વહુનો હાથ લાગે. જો કે આમાં બધી સાસુઓનો સ્વતંત્ર વાંક નથી હોતો.

નેકીબહેન નવાંસવાં સાસુ બનેલાં. વહુ ખરેખર સારી હતી. એટલે ‘સાસુ અકાદમી’માં નેકીબહેન વહુની પ્રશંસા કરે, ‘મારી વહુ તો લક્ષ્મી છે લક્ષ્મી. બોલે તો મોંએથી ‘માઝા’ ઝરે. મને બિસ્કુટના કટકા ય ન કરવા દે. મજાની ઠંડી ‘થમ્સઅપ’ જેવી છે. અને…..’ અકળાયેલાં આનલબહેન સળવળ્યાં, ‘બોન, મને ય આવી જ ફોડકી થઈ’તી. ઈને પંપાળી એમાંથી મોટું ગૂમડું થયું અને નસ્તર મુકાવવું પડ્યું.’ અને નેકીબહેનની નેકી આસ્તે રહીને અસ્સલ સાસુ અકાદમીમાં જમા થઈ જાય. આ સાસુને કોઈ કરતાં કોઈની સાથે સરખાવી ન શકાય. મરચા સાથે એની સરખામણી કરવા જઈએ તો મરચા મહાજન ડીંટીયા સાથે ડોળા કાઢે… એય, અમારી કોમ્યુનિટીમાં ઘોલરમરચું અપવાદ છે, શું સમજ્યો ? માફ કરો આગળ જાવ. ઈ.સ. પૂર્વે કોઈએ આગાહી કરી હશે કે ઈ.સ. પશ્ચિમે કદાચ બધા જ પ્રકારનાં મરચાનો નાશ થઈ માત્ર ઘોલર મરચાં ચલણમાં રહેશે. પણ એવું કંઈ બન્યું નહીં. અને જેની છીંકણીના નમૂના જેટલી યે કલ્પના નહોતી કરી એવી સાસુનું અર્વાચીનમાં અવમૂલ્યન થઈ ગયું. મૂલ્ય અને અવમૂલ્યન એ લાયકાત અને આવડતની નીપજ છે. સત્તાના દુરુપયોગનું પરિણામ જાહેર છે. બાકી પ્રાચીન કાળમાં ખરેખર વહુઓ રૂ જેવી હતી. એ રૂ નો ઉપયોગ એના પૂમડાં દૂધમાં બોળી આંખના પોપચાં પર મૂકવામાં કર્યો હોય તો કેવી ટાઢક આપે ? પણ ના, આ તો રૂને જોયું નથી કે પવન ફૂંકાયો નથી. (મંદ પવનનું અસ્તિત્વ સર્વકાળ રહે છે, વાવાઝોડું અલ્પાયુ હોય)

‘અતિ એ થોડા માટે’ના ન્યાયે જ આ અંધારી આલમનું અવમૂલ્યન કરાવ્યું. અને રૂપિયાનું અવમૂલ્યન થાય તો એનો રણકાર પણ બોદો થઈ જાય છે તો….?! હવે જમાનો સ્કૂટી વહુઓનો આવી ગયો છે. કીક માર્યા વગર સાસુઓને ભગાવે ! સાસુઓ બોલતી જ, આ વહુઓ બોલ્યા વગર કરી બતાવે, હોવે ! વહુઓનાં ઈન્ટરવ્યુના નવટાંક નમૂનાઓ પર નજર નાંખીએ…..

[1]
‘વહુ મેડમ, તમારાં સાસુ ટકટક કરે, તો તમે શું કરો ?’
‘ભાત જ ઢીલા કરી નાંખું !’
‘એટલે ટકટક કરતી બંધ થઈ જાય ?’
‘થવું જ પડે, ભાત વગર એને ચાલે નહીં, અને ઢીલા ભાત એને ભાવે નહીં. ભૂખ્યું પેટ કેટલું બોલી શકે ?’

[2]
‘નીલમ વહુ, સાંભળ્યું છે કે, તમારાં સાસુય બહુ કચકચ કરે છે. તો તમે સામો જવાબ આપો કે ?’
‘બિલકુલ નહીં !’
‘કેમ ?’
‘મેં મેનેજમેન્ટનો કોર્સ કરેલો છે. મને નાડ પારખતાં આવડે છે. હું જાણું છું કે સાસુઓ ઈચ્છતી હોય છે કે વહુઓ એકાદ વાક્ય સામું બોલે. બોલ આવે તો પોતે સિક્સ, ફોર કે ટુડી ય મારી શકે, પણ હું બોલું નહીં એટલે બેટ હવામાં ઘુમાવી ઘુમાવીને થાકીને ચંપલ પહેરીને સૂઈ જાય.’

[3]
‘નીપા વહુ, તમારાં સાસુ કેવાં ?’
‘જોઈએ એટલાં સાવ ખરાબ નથી.’
‘મતલબ ?’
‘આમ સારાં, પણ પોતાનું ચલણ જારી રહે એટલે સલાહસૂચન કર્યા કરે. રસોઈ કરવી ગમે નહીં ને આવડેય નહીં. પણ રાઈની જેમ તડતડ કરવા જોઈએ. હું રસોઈ કરવાનું ચાલુ કરું એટલે એય ચાલુ થઈ જાય – ‘વહુ, દૂધીના શાકમાં રાઈ મૂકજે. બટાટા બહુ બાફી ન નાખતી. તૂરિયાના શાકમાં તેલપાણીનો રસો રાખવો પડે. ભીંડાના શાકમાં પાણી ન નાખતી.’ હું સાંભળું બધું અને કરું ઊંધું. ભીંડાના શાકમાં લોટો એક પાણી નાંખું. કૂકર થાકી જાય એટલી સીટીઓ મરાવીને બટાકા ઓળખાય નહીં એવા કરી નાંખું. આટલી જ કાળજી રાખું. મારી બી ફરજ તો ખરીને, કાળજી રાખવાની ?

[4]
‘શ્યામલબેન, સાંભળ્યું છે કે તમારાં સાસુ વાતે વાતે તમને કાળાં હોવાનો અહેસાસ કરાવે છે ?’
‘કરાવે છે નહીં, કરાવતા’તા !’
‘મતલબ ?’
‘એકવાર હું ગુવાર લાવી. ગુવાર થોડા ડાઘવાળો હતો. સાસુ બોલ્યાં, આમ તો જો, આવો ગુવાર લવાય ? જોવો ય ગમે નહીં એવો કાળો છે. એટલે મેં સાત વરસની સામટી ફટકારી, સાસુમા, ગુવાર કાળો છે પણ ઘરડો તો નથી ને ? ઘરડો હોય તો નક્કામો ગણાય. સાસુ ‘જડબેસલાક બંધ’ જેવી થઈ ગઈ છે ત્યારથી !’

આમ પહેલાંના સમયમાં તો સાસુ પડી પડી દાળની જેમ ઊકળતી જ હોય. એમાં વહુ બોલે તો છમ્મ થાય. પણ જ્યારે હવે સાસુનું અવમૂલ્યન થઈ ગયું છે ત્યારે સમજીને એક સાસુએ સચોટ અને સ્વીકાર્ય સમાધાન કરતાં સરસ વાત કરી કે વહુ ‘આવ-આવ’ કહે તો એની પાસે જવાનું, ‘હાવ-હાવ’ કરે તો નીકળી જવાનું ! પ્રાચીનકાળમાં વહુ લાવવાની માત્ર વાતો થતી ત્યારેય બનનાર સાસુનો ઠસ્સો જોવાલાયક સ્થળ જેવો રહેતો અને અત્યારે વહુ લાવવાની વાતો ચાલે અને વહુ કેવી આવશે એની ચિંતામાં સાસુનું વજન સો ગ્રામ મમરા જેટલું થઈ જાય. પહેલા નવી નવેલી વહુને સહુ પૂછતાં – તારી સાસુ કેવી છે અલી ? હવે સાસુને પૂછે છે – વહુ કેવી નીકળી ? સબડકા જેવી સાસુની દશા ધબડકા જેવી થઈ ગઈ છે. પણ વહુઓએ ય બહુ વકરવાની જરૂર નથી. એ સાચું છે કે સદીઓથી સાસુ સત્તાનો દુરુપયોગ કરતી આવી છે. પણ કોઈકની પાસેથી શું ન કરવું જોઈએ એ શીખ પણ લઈએ. રેખાનો અંત હોય, ચક્રનો નહીં. વેર એ તો વિષચક્ર છે. સીધી કે આડકતરી દુશ્મનાવટ છોડી ‘પ્રેમ સે જીઓ ઔર જીને દો’ રાખીએ તો ? જીતા વો નહીં, સમજા વો હી સિકંદર !

જગતની દરેક વ્યક્તિ 67-33 છે. એને 100% બનાવવી તમારા હાથમાં છે. સંપૂર્ણ પ્રેમ પ્રભુને પણ બંધનમાં રાખે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિનોદકથા- વિનોદ ભટ્ટ
જીવનઘડતરની વાતો અને પ્રસંગો – રવિશંકર મહારાજ Next »   

21 પ્રતિભાવો : સાસુનું અવમૂલ્યન – ડૉ. નલિની ગણાત્રા

 1. visat g.makavana(the1) says:

  so coooool

 2. geeta says:

  ખુબ જ સરસ

 3. sanat says:

  સાસુ નુ ખૂબ જ સુદર નિરુપ્ણ્

 4. Nirupam says:

  સાસુ નુ ખૂબ જ સુદર નિરુપ્ણ્

 5. priyangu says:

  ખૂબ મઝા આવી પણ આ બંને રેખા ના અંતિમ બિંદુઓ વચ્ચે ના કેન્દ્રબિંદુ પતિ વિશે પણ આપના અભિપ્રાય્ વાંચવા ગમશે.

 6. SANJAY UDESHI says:

  sras aalekhan !! sasra tatha pati nu pan aalekhan aapo to mazaa padi jaye.

 7. bhumika says:

  ખુબ હસુ આવ્યુ.મજા પડી ગઈ.

 8. Sakhi says:

  …….. I can’t stop laughing

  So So cool……………

 9. JyoTs says:

  ગુવાર વાળુ મજા આવિ ગઈ….

 10. Rutvik Trivedi says:

  એકવાર હું ગુવાર લાવી. ગુવાર થોડા ડાઘવાળો હતો. સાસુ બોલ્યાં, આમ તો જો, આવો ગુવાર લવાય ? જોવો ય ગમે નહીં એવો કાળો છે. એટલે મેં સાત વરસની સામટી ફટકારી, સાસુમા, ગુવાર કાળો છે પણ ઘરડો તો નથી ને ? ઘરડો હોય તો નક્કામો ગણાય. સાસુ ‘જડબેસલાક બંધ’ જેવી થઈ ગઈ છે ત્યારથી !’ Rock Solid comment…direct six..out of the ground…!!

 11. Goswami Minakshi says:

  Nice Last line was 2 gud..

 12. joshinicky says:

  khub sunder 6.

 13. આવુ વન્ચિ ને સુઇ જૈયે તો ઉન્ઘ સરસ આવિ જાય્.

 14. alaukik says:

  હા હા હા…..મજા આવી ગઈ

 15. meghna says:

  VERY NICE

 16. komal says:

  ખુબ જ જલસા થઇ ગયા…..

 17. pankita.b says:

  Majaa Avi gai! 🙂

 18. ખુબ જ સરસ એટલે મઝા જ આવે ને !
  હાજરજવાબી સાસુ વહુનો જમતી વેળાનો વાર્તાલાપ.
  અરે વહુ જો..જો.. બબ્બે આંખો છતાં તને આ દાળમા કાંકરો કેમ ના દેખાયો ?
  અરે ઓ સાસુબા, તમો આ બત્રીશ દાંત હોવા છતાં આ એક કાંકરાથી અક્ળાય ગયા ?

 19. gita kansara says:

  મજા આવેી ગઈ.આધુનિક સમાજ્મા તો સાસુ વહુ સામ સામે સેીક્સર મારે ને દિકરાનેી
  સેન્દવેીચ થાય્.લેખના અન્તમા સચોત સન્દેશ આપ્યો.
  સાસુનુ અવ્મુલ્યન કરવાનેી સાન્કેતિક રજુ કરતેી શૈલેી ઉત્તમ્.

 20. pjpandya says:

  ઘનિ સાસુ વહુઓને મા દિકરિનિ જેમ જોયેલ ચ્હે

 21. Kalidas V.Patel says:

  નલિનીબેન,
  સદીઓથી વગોવાયેલા સાસુ – વહુના સબંધને
  હાસ્યાલંકારથી નવાજવા બદલ આભાર
  કાલિદાસ વ. પટેલ (વાગોસણા)

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.