વિનોદકથા- વિનોદ ભટ્ટ

[‘વિનોદકથા’ પુસ્તકમાંથી સાભાર.]

[1] ખાટી-મીઠી દ્રાક્ષ

એક હતું શિયાળ.
તે મુત્સદ્દી હતું.
તે તકવાદી હતું.
કોઈ એક દ્રાક્ષની વાડીમાં તે ઘૂસી ગયું.
લીલી મજાની દ્રાક્ષ.
શિયાળના મોંમાં પાણી છૂટ્યું.
શહેરમાં લારીવાળાઓ આ દ્રાક્ષ બાર આનાની સો ગ્રામ વેચતા.
અહીં તો દ્રાક્ષની કિંમત માત્ર એક જ કૂદકો હતી !
શિયાળે કૂદકો માર્યો.
દ્રાક્ષ સુધી તે પહોંચી શક્યું નહિ.
સફળતા ન મળી.

ત્રીજો, ચોથો, પાંચમો…. તેણે પ્રયત્નો ચાલુ રાખ્યા !
તેણે ‘કરતાં જાળ કરોળિયો’વાળી કવિતા વાંચી હતી.
કરોળિયાની જેમ અઢાર-અઢાર વખત તેણે કૂદકા માર્યા.
તે દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહિ. શિયાળ થાકી ગયું.
શિયાળ નિરાશ થઈ ગયું.
તે પાછું વળતું હતું.
સામેથી વરુ આવતું હતું.
વરુએ પૂછ્યું : ‘કેમ શિયાળભાઈ, દ્રાક્ષ ખાટી છે ?’
‘આમ આવો કહું….’ શિયાળે વરુને બોલાવ્યું.
વરુ શિયાળ પાસે જઈને ઊભું રહ્યું.
શિયાળ તેની પીઠ પર ચડી ગયું.
વરુની પીઠ પર ઊભા ઊભા તેણે દ્રાક્ષનું એક ઝૂમખું તોડ્યું.
દ્રાક્ષનું ઝૂમખું તોડીને શિયાળે મોમાં મૂકી દીધું.
વરુની પીઠ પરથી ઊતરીને શિયાળે જંગલ તરફ ચાલવા માંડ્યું.
વરુ તો તેની સામે બાઘાની માફક જોઈ રહ્યું.
શિયાળે વરુ સામે આંખ મીંચકારતાં કહ્યું :
‘દ્રાક્ષ તો ખરેખર મીઠ્ઠી છે હોં !’

[બોધ : ખાટી અને મીઠ્ઠી દ્રાક્ષની વચ્ચે માત્ર એક બુદ્ધિપૂર્વકના કૂદકાનું અંતર હોય છે.]
.

[2] સ્વીટ હોમ

એ સાંજે સુગરી પોતાના માળાને છેલ્લો ઓપ આપી રહી હતી. નકામાં જણાતાં તણખલાં-સળીઓ વગેરે દૂર કરતી હતી. બે વખત તે માળામાં આંટાય લગાવી આવી. બધું ઠીકઠાક છે એની ખાતરી કરી પ્રસન્ન આંખે તે પોતાના માળાને પી રહી. સુગરી આ ક્ષણે કેવી ‘થ્રીલ’ અનુભવતી હશે એ વિચારે હું ભાવવિભોર થઈ ગયો. બીજે દિવસે સવારે જોયું તો સુગરી નવો માળો બનાવતી હતી. તેની સામે જોઈ મેં આશ્ચર્યથી પ્રશ્ન કર્યો :
‘તેં તો ગઈ કાલે સાંજે જ માળો તૈયાર કરેલો… હવે આ નવો માળો કેમ બાંધે છે ?’
‘ગઈ કાલવાળો માળો ‘ઑન’ લઈને એક કાગડાને ફટકારી દીધો…..’ તે ખંધું હસતાં બોલી.
.

[3] સમદુખિયાં

કોઈ એક ફિલ્મના આઉટડોર શૂટિંગમાં ગયેલી ફિલ્મ અભિનેત્રી તળાવને કિનારે બેઠી હતી ત્યાં તેણે પાસે એક મગરીને જોઈ. મગરી રડતી હતી. અભિનેત્રીએ મગરીને પ્રશ્ન કર્યો :
‘કેમ રડે છે, બહેન ?’
‘મારા દુઃખનું રડું છું. બાઈ….. મારાં આંસુને કોઈ સાચાં ગણતું નથી. મારા ધણી આગળ રડું ત્યારે તેય કટાક્ષ કરે છે : ‘રહેવા દે તારાં એ મગરનાં આંસુ…. હું કંઈ તારાં એવા આંસુથી છેતરાવાનો નથી….’ આવાં કટાક્ષબાણ સાંભળીને કાળજું વીંધાઈ જાય છે. એવાં કેવાં કરમ કે મગરયોનિમાં અવતરી !’
‘સખી, મારી હાલત પણ તારાથી બહુ સારી નથી…..’ મગરીને દિલાસો દેતાં ફિલ્મ અભિનેત્રીએ જણાવ્યું, ‘મને રડતી જુએ છે ત્યારે મારો પ્રેમી પણ આ જ ટોણા મારે છે. કહે છે : ‘હવે ગ્લીસરીનનાં આંસુ સારવાં રહેવા દે… એવી બધી એકટિંગ પડદા પર કરજે…. મારી પાસે નહિ…..’
.

[4] અઘરું કામ….

બૉમ્બે એરપોર્ટ પર બે સી.આઈ.ડી. ઑફિસર્સ ભેગા થઈ ગયા. એકબીજાને પૂછ્યું : ‘તું કઈ કામગીરી માટે દોડધામ કરી રહ્યો છે ?’ જવાબમાં પહેલો બોલ્યો : ‘હું એક ઈન્ટરનેશનલ સ્મગલર પર નજર રાખી રહ્યો છું, જે મહિને દા’ડે પાંચ કરોડ રૂપિયાની હેરાફેરી કરે છે…. તું કોની પાછળ છે ?’
‘હું ને !’ બીજાએ કહ્યું : ‘હું એક સાધુનો પીછો કરું છું જે પોતાના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે પરદેશ જઈ રહ્યો છે…’
‘ઓહ ! તો તારું કામ વધારે અઘરું કહેવાય….’ પહેલાએ શુભેચ્છા પાઠવી : ‘વિશ યુ ઓલ ધ બેસ્ટ….’
.

[5] દોષિત કોણ ?

રોજની જેમ આજે તો બેવકૂફ નથી જ બનવું એમ નક્કી કરી, ફરી બેવકૂફ બનવા રાજા વિક્રમે સિદ્ધ વડ પરના મડાને ઉતારી, ખભે નાખી મહેલ તરફ જવા પગ ઉપાડ્યો ત્યાં જ ખડખડ હસતાં મડાએ આ વારતા શરૂ કરી :

કોઈ એક નગરમાં ત્રણ લેખકો રહેતા હતા. આ ત્રણમાંનો એક અનુવાદક, બીજો રૂપાન્તરકાર અને ત્રીજો મૌલિકકાર હતો. એક વખત એવું બન્યું કે કોઈ એક પરભાષી કૃતિ પર ત્રણેયની નજર એકસાથે જ પડી. આ પરભાષી કૃતિ ખરેખર બેનમૂન હતી. આ ત્રણ લેખકોએ એના પર હાથ અજમાવ્યો. પહેલાએ એનો સુંદર અનુવાદ કર્યો અને અનુવાદક તરીકે ઘણા મોટા અક્ષરે પોતાનું નામ લખ્યું, પણ કૃતિના અસલ કર્તાનું નામ તે ગળી ગયો. બીજાએ મૂળ કૃતિનું પોતાની ભાષામાં રૂપાન્તર કર્યું. મથાળે પોતાનું નામ લખ્યું અને વાર્તાને છેડે ફક્ત ‘સૂચિત’ એટલો એક જ શબ્દ મૂક્યો, પણ એના મૂળ સર્જકનું નામ મૂકવાની ભૂલ તેણે ન કરી. અને ત્રીજા લેખકે આ વાર્તાનાં નાયક-નાયિકાનાં નામ ફેરવી નાખ્યાં. મૂળ વાર્તામાં જ્યાં જ્યાં ‘રેઈનકોટ’ લખ્યું’તું ત્યાં ત્યાં છત્રી, ‘સેન્ડવીચ’ હતી ત્યાં ભજિયાં તળી નાખ્યાં, અને આટલી બધી મહેનત બાદ તૈયાર થયેલી કૃતિના મૂળ લેખક તરીકે તેણે પોતાનું જ નામ ઠઠાડી દીધું…..

વારતાને અહીં અટકાવતાં વૈતાળે રાજા વિક્રમને પૂછ્યું : ‘તો હે વિક્રમ ! આ ત્રણેયમાં વધુમાં વધુ દોષિત કોણ કહેવાશે ?’
‘એકેય નહિ…..’ રાજા વિક્રમે ડોકું ધુણાવતાં કહ્યું, ‘આ ત્રણેય નિર્દોષ છે. જો દોષિત જ ગણવો હોય તો પેલા પરભાષી લેખકને જ ગણવો જોઈએ કે જેણે સારી કૃતિ સર્જીને બિચારા આ ત્રણેય ભોળા લેખકોને ભરમાવ્યા છે….’
‘વાહ વિક્રમ, તું તો જબરો ઈન્ટેલિજન્ટ છે.’ કહેતાં આજેય મડું સિદ્ધ વડ પર લટકી ગયું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિનીનું ઘર – ધીરુબહેન પટેલ
સાસુનું અવમૂલ્યન – ડૉ. નલિની ગણાત્રા Next »   

9 પ્રતિભાવો : વિનોદકથા- વિનોદ ભટ્ટ

 1. ખુબજ સરસ વાતો છે.

 2. visat g.makavana(the1) says:

  ફ્ર્રીથી આવી વાતો મુક્જૉ
  thank you

 3. bhumika says:

  સરસ!નવુ જ વાંચવા મળયુ.

 4. Michael Macwan says:

  સાચે જ ખાટી અને મીઠ્ઠી દ્રાક્ષની વચ્ચે માત્ર એક બુદ્ધિપૂર્વકના કૂદકાનું અંતર હોય છે. વાક્ય મનને પ્રફુલ્લિત કરે છે. પણ્ બુદ્ધિપૂર્વકના કૂદકા શોધ્વા માટેનેી પણ બુદ્ધિ આવશ્યક હોય છે.

 5. bhuvnesh vora says:

  વાતો ખરેખર જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે. હાસ્‍ય સાથે આંખો થોડી ભીંની થાય તો જીવનના આઠમાં રંગની લિજ્જત મળી શકે.

 6. Prakash.j.maru says:

  Nice…..

 7. Chandrakant Gadhvi says:

  ખુબ જ સુન્દર. દિલ ખુશ થઇ ગયુ. ધન્યવાદ આભાર

 8. shirish dave says:

  “લો બસ, હું તો કહું છું જ કે એમએમ એસ નિર્દોષ જ છે.” સોનિયા

 9. Kalidas V. Patel {Vagosana} says:

  મજાની લઘુ હાસ્ય કથાઓ.
  મજા આવી ગઈ.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.