જીવનઘડતરની વાતો અને પ્રસંગો – રવિશંકર મહારાજ

[ આજે એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની વાચકમિત્રો નોંધ લેશો. – તંત્રી]

[1] થાકેલા ભગવાન

કહે છે કે ભગવાન અવતરે છે. અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણાકશ્યપ થયો, ત્યારે ભગવાન નીચે ઊતર્યા. નહીં માણસમાં કે નહીં પશુમાં, એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા. પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ આવ્યો, એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઊતર્યા. ત્રણ પગલાંમાં ત્રિભુવન માપી, બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં મોકલી દે છે.

તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે, પણ જેવો હાથ લઈ લીધો કે હતું તેમનું તેમ – એવું વામનના ગયા પછી થયું. એટલે વળી પાછા રામ આવ્યા. બહુ સારું રાજ કર્યું. રામ પણ ગયા.

છેલ્લે કૃષ્ણ આવ્યા. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ-પાંડવ લડ્યા. છેવટે કોઈ ન બચ્યું. યાદવો પણ અંદરઅંદર કાપાકાપી કરીને મરી ગયા. આ બનાવથી હતાશ થઈ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી, પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા. એમને હરણ માની એક પારધીએ તીર માર્યું, તે ભગવાનને વાગ્યું. એમના પ્રાણ જવાની તૈયારી હતી તે વખતે એમનો સારથિ પાસે હતો, તેણે પૂછ્યું : ‘ભગવાન, કાંઈ સંદેશો કહેવાનો છે ?’
ભગવાને જવાબ આપ્યો : ‘હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ‘ગીતા’માં જ આપી દીધો છે : માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો; કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી.’
.

[2] માધીનો છોકરો

અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાંતતાં શીખવ્યું અને દોઢ વરસે તેના સૂતરમાંથી એક તાકો તૈયાર થયો. તાકો જોઈને છોકરો નાચતો નાચતો કહે : ‘મારી માધીને આપીશ ! મારી માધીને આપીશ !’ એના મુખ ઉપરનો મલકાટ નિહાળી મને થયું : ‘આ છોકરાને માધી ઉપર કેટલો સ્નેહ છે ! હું જાણતો હતો કે માધી તે બાળકની મા નથી. એ છોકરાની મા મરી ગઈ તેથી માધીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. બાળકનો માધી પરનો સ્નેહ દેખાતો હતો, પણ માધીને બાળક માટે કેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વિચાર આવ્યો.

એક વાર બાળકોને લઈને અમારે પ્રવાસે જવાનું થયું. માધીને ગામ અમે તો ઊપડ્યાં. માધીને ઘેર હું ગયો. તેણે મને પ્રેમથી આવકાર્યો. ફાટીતૂટી એક ગોદડી પાથરી આપીને હસતે મુખે સામે બેસીને વાતો કરવા લાગી. ત્યાં છ-સાત વરસનો એક છોકરો આવીને ધબ દઈને તેના ખોળામાં પડ્યો. બાઈ તેને ખસેડવા ઘણુંય કરે, પણ પેલો તો વધારે ને વધારે વળગેલો રહે !
મેં પૂછ્યું : ‘આ કોણ છે ?’
માધી કહે : ‘વાણિયાનો છોકરો છે. મેં ઉછેરેલો.’
મેં પૂછ્યું : ‘કેમ, તારે કેમ ઉછેરવો પડ્યો ?’
બાઈ કહે : ‘તેની મા સુવાવડમાં મરી ગઈ, ને બાળકને આપણાથી રેઢું છોડાય ?’ (માધી સુયાણી હતી)
‘શેઠે શું આલ્યું ?’
‘આલે શું ? – મેં કંઈ લીધું જ નથી, મા’રાજ ! વખતે મફત આપે તેથી ભૂલેચૂકેય તેની દુકાનના ઉંબરે ચડી નથી.’ બાઈએ ખુમારીથી જવાબ વાળ્યો.
‘ત્યારે આ બાળક સાજુંમાંદું થાય ત્યારે દવાદારૂ અંગે શું કર્યું ?’ મારા મનમાં તો હજી આ બધું કોયડારૂપ જ હતું.

થોડી વાર અટકીને બાઈ કહે : ‘એ શું બોલ્યા, મા’રાજ ? એવાં કેવાં છોકરાં ઉછેરીએ કે માંદાં થાય ? માંદાં થાય તો આપણું કાંડું ન કાપી કાઢીએ ? મારું તો એકેય છોકરું કોઈ દી માંદું પડ્યું નથી ! માંદાં પડે તેવાં છોકરાં ઉછેરીએ જ શીદને ?’
.
[3] છે તેટલું તો વાપરો !

એક દિવસ ચાર-પાંચ જુવાનિયા મારી પાસે આવ્યા. વાતવાતમાં તેમણે પૂછ્યું : ‘મહારાજ, અમે ઈંડાં ખાઈએ તે અંગે તમારો શો અભિપ્રાય છે ?’
મને થયું : ‘એમને શો જવાબ આપું ? પણ તરત જ મારાથી કહેવાઈ ગયું : ‘અલ્યા, તમારે ઈંડાં ખાવાં કે નહિ એમાં મને શું પૂછો છો ? – એ ઈંડાંની મૂકનાર માને જ પૂછી જુવોને !’
‘પણ દાદા, નિર્જીવ ઈંડાં ખાઈએ તો ?’
‘પણ, મને એ તો કહો કે તમારે ઈંડાં ખાવાં છે શું કામ ?’
‘કેમ ? ઈંડાંમાં પુષ્કળ વિટામીન અને પ્રોટીન હોય છે.’ યુવાનોમાંથી એકે કહ્યું.
‘તમારી પાસે છે એટલું વિટામિન તો વાપરો ! – પછી ખૂટે તો વિચારજો.’ અને એના અનુસંધાનમાં ગાંધીજીની એક વાત મને યાદ આવી તે મેં જુવાનોને કહી સંભળાવી :

ગાંધીજી તો પ્રયોગવીર હતા. અનેક જાતના પ્રયોગો કરતા. એમનું જીવન એટલે પ્રયોગ. એક દિવસ ગાંધીજીને વિચાર આવ્યો કે માણસ જો કાચું જ અનાજ ખાવાની ટેવ પાડે, તો એની કેટલીયે વેડફાઈ જતી શક્તિ બચે અને ઓછી વસ્તુમાંથી પણ વધારે તાકાત મેળવી શકે. ગાંધીજીને વિચાર આવ્યો એટલે જોઈએ શું ? પોતાની જાતથી જ શરૂ કરે. એ જ તેમના જીવનની વિશેષતા હતી. મને તેમની આ વાત ગમી ને હું તેમના પ્રયોગમાં જોડાયો. ત્રણ-ચાર દિવસ તો બાપુને આ પ્રયોગથી ખૂબ સ્ફૂર્તિ રહી, પણ પછી તેમને ઝાડા થઈ ગયા. એક દિવસ તેમના ઓરડામાં મારે કાંઈક લેવા જવાનું થયું. બાપુએ મને બોલાવ્યો.
‘તારો પ્રયોગ ચાલે છે ?’ એમણે પૂછ્યું.
‘હા.’ મેં ટૂંકો જવાબ આપ્યો.
‘વજન ઘટ્યું ?’
‘પોણો શેર ઘટ્યું છે.’
‘પણ શક્તિ ?’
‘થોડી ઘટી હોય એમ લાગે છે.’
‘તું શું કામ કરે છે ?’
મેં મારે ભાગે આવતાં બધાં જ કામો ગણાવ્યાં.
‘આ બધું કામ થઈ શકે છે ?’
‘હા, એમાં વાંધો નથી આવતો.’
‘તો પછી શક્તિ થોડી ઘટી છે એમ શા ઉપરથી કહે છે ?’
એ વાણિયાને હું શો જવાબ આપું ! અને પછી બાપુએ જે ભાષ્ય કર્યું તે હું કદી ભૂલી શકું એમ નથી.

‘તને ખબર છે ? ખપની શક્તિ કરતાં વધારે શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી વિકાર જન્મે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે જેટલું કામ કરવાનું હોય એટલી જ શક્તિ ઉત્પન્ન કરવી જોઈએ. વધારાની શક્તિથી લાભ નથી; ઊલટાની વધારાની શક્તિ ચિત્ત ને ઈન્દ્રિયોમાં વિકાર પેદા કરે છે.’
.
[4] – તો લગ્ન કેમ કર્યું ?

ભાલ-નળકાંઠાના ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર અને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા એ ખસી. એ ખસતી હતી ત્યાં મારી નજર તેના પગ ઉપર પડી. પગ પાતળા દોરડી જેવા હતા. મેં સહજ પૂછ્યું : ‘કેમ બહેન, તમારે પગ નથી શું ?’

મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે એણે પાસે ઊભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું : ‘પૂછી જુઓ એમને, કદી કાંઈ દુ:ખ દીધું હોય તો ! હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીંપું છું. માત્ર પાણી એમને ભરવું પડે છે.’
ત્યાં એના પતિએ કહ્યું : ‘મહારાજ, એને પૂછી જુઓ કે કદી દુ:ખ પડવા દીધું છે ? મેં એને બધે જાત્રા કરાવી છે. ગાડી મળી ત્યાં ગાડી, મોટર મળી ત્યાં મોટર; પાલીતાણા ગયો ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઈ ગયો હતો ને બધે દર્શન કરાવ્યાં હતાં.’

હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. મેં પેલા ઓડને પૂછ્યું : ‘તમે લગ્ન કર્યાં તે પહેલાં આ બાઈ અપંગ છે એ જાણતા હતા ?’
‘હા, જી.’ ઓડે કહ્યું.
‘તો લગ્ન કેમ કર્યું ?’
‘મને થયું કે આ બિમારીની સેવા કોણ કરશે ? આખી જિંદગી દુ:ખી થશે એટલે એની સેવા કરવા મેં તેની સાથે લગ્ન કર્યું.’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સાસુનું અવમૂલ્યન – ડૉ. નલિની ગણાત્રા
લીલાવિશ્વ – માધવ રામાનુજ Next »   

10 પ્રતિભાવો : જીવનઘડતરની વાતો અને પ્રસંગો – રવિશંકર મહારાજ

 1. krina says:

  Excellent articles – food for soul and life.

 2. Mital says:

  “એવાં કેવાં છોકરાં ઉછેરીએ કે માંદાં થાય ? માંદાં થાય તો આપણું કાંડું ન કાપી કાઢીએ ?”
  -આ છે ખરી ગુજરાતી અસ્મિતા!

 3. Dipti Trivedi says:

  હંમેશની જેમ ખૂબ જ પ્રેરણાદાયી.

 4. Nikul H.Thaker says:

  ખુબ જ સારો લેખ છે.

 5. priyangu says:

  ખપની શક્તિ કરતાં વધારે શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી વિકાર જન્મે. એટલે વધારાની શક્તિથી લાભ નથી; ઊલટાની વધારાની શક્તિ ચિત્ત ને ઈન્દ્રિયોમાં વિકાર પેદા કરે છે.
  – આજકાલ જે દુર્ગતિ છે તેનુ કારણ આ વધારાની શક્તિ (ચરબી) છે.

 6. rajshah says:

  ખુબ જ સારો લેખે.

 7. Rajesh Dhokiya says:

  બધિજ વાતો ખુબ જ સરસ છે.
  મે એક જ્ગ્યા એ વાચેલ “કાચુ એટલુ સાચુ”

 8. p j paandya says:

  પુ રવિશ્ન્કેર મહરજ્ને વન્દન્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.