આભને ઝરૂખે એક બાંધ્યો છે હીંચકો,
………… હીંચકે ઝૂલે મારો સાયબો સલૂણો.
ચાંદ-સૂરજનાં છત્તર વિરાજે
નવલખ તારાઓની ઘૂઘરિયું બાજે !
સાયબા વિના નથી ખાલી એક ખૂણો,
………… હીંચકે ઝૂલે મારો સાયબો સલૂણો.
વાયરાઓ આવીને વીંજણલા વાય છે
વેદ-ઋચાઓ દેવપંખીઓ ગાય છે !
અભરે ભર્યો, નથી જરીકેય ઊણો,
………… હીંચકે ઝૂલે મારો સાયબો સલૂણો.
નભની ગંગા આવી ચરણો પખાળતી
ઉષા ને સંધ્યા ગુલાલે વધાવતી !
વજ્જરથીય આકરો ને ફૂલથીય કૂણો,
………… હીંચકે ઝૂલે મારો સાયબો સલૂણો.
One thought on “આભને ઝરૂખે – લાલજી કાનપરિયા”
વજ્જરથીય આકરો ને ફૂલથીય કૂણો,
………… હીંચકે ઝૂલે મારો સાયબો સલૂણો.
વાહ – સરસ ગીત કવિતા