- ReadGujarati.com - http://www.readgujarati.com -

પારિવારિક ભાવનાનો વિસ્તાર – મીરા ભટ્ટ

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

મારે ત્યાં એક જર્મન છોકરી હિન્દી શીખવા આવે છે. તે દિવસે અમારે ત્યાં એક અમેરિકાવાસી ભારતીય મિત્ર મળવા આવવાના હતા. મેં બુચિયાને કહ્યું કે તું રોકાઈ જા, તને એમને મળવાનું ગમશે.
ત્યાં એ અચાનક બોલી ઊઠી, ‘પણ એ મહાશય એમની પત્ની પર હુકમ પર હુકમ છોડતા નથી ને ?’
‘કેમ આવું પૂછે છે ?’
‘જુઓને, હું જેમને ઘેર રહું છું તે ઘરના પતિદેવ પોતાની પત્નીને હુકમ પર હુકમ જ છોડતા રહે છે.’ પછી તો ખૂબ વાતો ચાલી. પરિવાર સ્વસ્થ હોય છે, તો એવા સ્વસ્થ પરિવારનો પ્રભાવ જીવનનાં બીજાં અનેક ક્ષેત્રો પર પડે છે, પરંતુ આજે પરિવાર ધીરેધીરે એક પ્રશ્નચિહ્ન બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. પરિવારમાં આજે કેટલાય માણસો એકલતા અનુભવે છે. આદિલ મન્સૂરીએ ગાયું છે –

દરવાજા, ભીંત, બારી, પરિચિત નથી કશું
મહેમાન થઈ રહું છું હું મારા મકાનમાં.

આજે પરિવારમાં સ્વજનો નથી રહેતાં, મહેમાનો રહે છે. પરિવારમાં સાથે છે, કારણ કે સાથે રહેવાના આનંદ સિવાયનું કોઈ ઈતર કારણ છે. પૈસા, સગવડ, પ્રતિષ્ઠા, આશરો- ગમે તે કારણ હોઈ શકે, પરંતુ પરિવારમાં હોવાની કશી સભાનતા નથી. જન્મ્યા તેથી પરિવારના, બાકી બીજું કોઈ જ પ્રયોજન નહીં. આપણે નિશાળે જઈએ છીએ, તો અભ્યાસ માટે. દુકાને કે ઑફિસે જઈએ છીએ તો વ્યવસાય-નોકરી માટે. મંદિરે જઈએ છીએ તો શાંતિ માટે. કલબમાં જઈએ છીએ તો મિત્રો માટે. બસ, ઘર એક એવી ચીજ છે, જ્યાં જવા માટે કશાં કારણની જરૂર નથી.

સૌ કોઈથી દૂર એકલાઅટુલા, નિઃસંગ, નિર્હેતુક, નિરર્થક રહેવા માટે પરિવાર નથી. પરિવારમાં પારસ્પરિકતા છે. આપણે જાણતા ન હોઈએ તેવાં કારણસર અને તેવા પ્રયોજનપૂર્વક આપણે કોઈ એક પરિવારના સભ્ય બનીએ છીએ. માત્ર લોહીની સગાઈના સંબંધો જ નહીં, યૌન સંબંધે પણ બંધાતી સગાઈમાં કશુંક પ્રયોજન હોય છે. પરિવારમાં આપણે કેવળ ‘હું’ બનીને જીવી ન શકીએ. ‘હું’થી ‘તું’ તરફ અને ‘તું’થી ‘આપણે’ સુધીની યાત્રા કરવા માટે પરિવાર છે, કુટુંબના વડા બનીને સૌ સ્વજનોને પોતાની હૂંફમાં લેવા તે એક બાબત છે અને પોતે કમાય છે અથવા તો ઘરની બધી ભૌતિક જવાબદારી ઉપાડે છે તે કારણસર તમે સૌનાં માથાં પર ચઢી પરિવારના આધિપતિ ન બની શકો. પ્રત્યેક વ્યક્તિનું સ્વાતંત્ર્ય જળવાય, પ્રત્યેકને પોતાની પ્રતિભા પ્રગટાવવાનો પૂરો અવકાશ મળે અને તેમ છતાંય સૌ કોઈ એકમેક સાથે પોતાને જવાબદાર સમજે, સૌ સાથેની પોતાની નિસબતને દઢ કરતો રહે તે પરિવારના બંધારણ માટે જરૂરી છે.

પરિવારમાં સૌ પોતપોતાની પ્રકૃતિ, પોતપોતાનાં પ્રયોજન અને પોતપોતાનું શીલ લઈને આવે છે, પરિવારમાં કોઈ કારેલાંને મરચું થઈ જવાનું ન કહી શકે. ગુલાબ એ ગુલાબ અને મોગરો તે મોગરો જ રહે, પણ બન્ને પોતપોતાની ક્યારીમાં ભરપૂર વિકાસ કરી શકે તેટલી મોકળાશ તો હોવી જ જોઈએ. પોતાનાથી ભિન્ન વૃત્તિવાળા માણસને સ્વજન બનાવવાની કળા પરિવારમાં શીખવાની છે. પરિવારમાં વિધાયક મૂલ્યોનું ઘડતર જરૂરી છે. બાળકમાં નાનપણથી જ જો જીવનદાયક રચનાત્મક વિધાયક પરિબળો પ્રત્યેનું આકર્ષણ કેળવાયેલાં હશે, તો ભવિષ્યમાં એ નકારાત્મક પરિબળો ભણી કદીય ખેંચાઈ નહીં જાય. આજે માણસ ‘નાનો પરિવાર-સુખી પરિવાર’નો મંત્ર રટતો થઈ ગયો છે. દેશકાળની માગણી મુજબ કુટુંબ-વ્યવસ્થા ગોઠવાય તે સારું જ છે, પરંતુ તેથી કરીને, પરિવાર-સંસ્થાનો જે વિધાયક ફાળો હતો તેને જ ગુમાવી બેસીએ તો આગળ વધ્યા ન કહેવાય. કુટુંબમાં ભલે એકલા ઊછરીએ તોપણ એકલપેટા ન બનતાં ભાગીદારીના પાઠ ભણીએ. આજે લગ્નસંબંધમાં છૂટાછેડાની ઘટના વધતી જાય છે, તેનું મહત્વનું કારણ આ પણ છે કે પરિવારમાં ભાગીદારીનું, બીજાને સહી લેવાનું, પોતાના મળતરમાં બીજાને સામેલ કરવાનું શિક્ષણ જ નથી મળતું. આ રીતે તપાસીએ તો બાળકને મળતો અલાયદો ઓરડો એને જીવનભર એકલા જ રહેતાં શીખવી લે છે. ‘સહિયારું’ શબ્દ ને જીવવાની એને તક જ મળતી નથી. પ્રતિકૂળતાને પચાવવાની કસરતથી એ સાવ દૂર રહી જાય છે.

આજે સંતાનોનો માબાપ સાથેનો સંબંધ કેવળ માબાપની મિલકત પૂરતો સીમિત થતો જાય છે, આ હકીકત સમાજ માટે ભારે નુકશાનકારક છે, માબાપ તો પોતાનાં સંતાનનાં સુખ-શાંતિ જ ઝંખે. બાળકોનાં હિત જળવાય તે માટે એ બધું જ કરી છૂટે, પરંતુ સંતાનોની જીવનપોથીમાં માબાપનાં એક પ્રકરણને નહીં, એક ફકરાને પણ સ્થાન રહ્યું નથી. પોતાનો જીવન-વ્યવહાર ચલાવવા માબાપ પાસેથી જે મેળવવાનું હોય તે મળી જાય, પછી માબાપ નગણ્ય બનતાં જાય છે. કેટલાંક કુટુંબોમાં તો બાપે સંતાનોને આપવા જોગ હોય તેથી ઘણું બધું વધારે આપી દીધું હોય તોપણ સંતાનોને સંતોષ નથી થતો. સ્વાર્થાંધતા છે. માબાપના વ્યાપક સમાજ સાથેના સંબંધને પ્રેમભરી નજરે જોવાનું સંતાનોએ શીખવું જોઈએ. આવું ન થાય તે માટે બાળપણથી જ બાળકોનો સંબંધ સમાજ સાથે જોડાય તે માટેનું સંસ્કારસિંચન જરૂરી છે. વિનોબાના ‘સર્વોદયપાત્ર’ના આયોજનમાં આ વાત સધાતી હતી. ઘરમાં રાખેલા નાનકડા સર્વોદયપાત્રમાં ઘરના સૌથી નાનકડા બાળક પાસે મુઠ્ઠીભર અનાજ નાખવાના સંસ્કાર રેડાય. આ અનાજ કોના માટે ? તો જવાબ મળશે- સમાજ માટે. સમાજ એટલે કોણ ? તો પરિવાર ઉપરાંતનું કશુંક. એ પાડોશી પણ હોઈ શકે કે કોઈ સાવ અજાણ્યો જણ પણ હોઈ શકે. વળી, સર્વોદયપાત્રમાં જે મુઠ્ઠી ધાન નાખશે, તે મુઠ્ઠી ક્યારેય હાથમાં બીજાને મારવા પથરો, ચાકુ, પિસ્તોલ કે બૉમ્બ નહીં પકડે. બાળપણથી જ ‘શાંતિ’ના સંસ્કાર.

આ રીતે સ્તો માણસ જવાબદાર બને. પહેલાં પરિવાર પ્રત્યેની જવાબદારી શીખે, પછી સમાજ પ્રત્યેની. એકડા ઘૂંટાતા રહે તો જ શિક્ષણ થાય. પરિવારમાં આવી નાની નાની બાબતો બાળપણથી શિખવાડાતી નથી, એના કેટકેટલા અંતરાયો આગળ આવીને ઊભાં રહે છે. માત્ર સંતાનો જ શા માટે, સ્ત્રીઓને પણ સમાજ સાથેની નિસબત શિખવાડાતી નથી, તો પોતાના પતિને સમાજ માટે ઘસાતો એ સહી શકતી નથી. ‘મારું ઘર-મારો પતિ, મારાં બાળકો-આ તમામ ‘મારાં-મારાં’થી એ એટલી બધી ઘેરાઈ ગયેલી હોય છે કે એની ભીતર ઊંડે ઊંડે ડટાઈ ગયેલા કરુણાના સ્ત્રોતને શોધવો મુશ્કેલ બની જાય છે. મેં કેટલાંય ઘરોમાં માને પોતાનાં બાળકોને કહેતી સાંભળી છે કે – ભવિષ્યમાં તું ગમે તે બનજે, પણ તારા બાપ જેવો સર્વોદયી ન બનીશ.’ આજના યુગમાં પરિવાર અંગે ઘણું બધું નવેસરથી વિચારવાની જરૂર છે. આજે પલટો આવતો જાય છે, પણ દેખાદેખીથી અને ગતાનુગતિકતાથી. વિચારપૂર્વકનું કોઈ આયોજન નથી. પરિણામે કુટુંબને પોષાય, ન પોષાય તોય અંગ્રેજી શિખવાડતી શાળામાં બાળકને ભણવા મૂકાય. બીજા-ત્રીજા ધોરણનાં બાળક માટે કામવાળી પણ ટ્યૂશન રાખે અને એની દીકરીના હોઠ રંગવા લિપસ્ટિક ખરીદે !

સમાજ પરિવર્તન માગે છે, તો પરિવાર પણ પરિવર્તન માગે છે. ભલે થોડાક, પણ જાગૃત પરિવારોએ હવે નવો સમાજ રચી શકાય તેવાં મૂલ્યોનું વાવેતર પોતાના કુટુંબમાં શરૂ કરી દેવું જરૂરી છે. આજે દાદા-દાદી પોતાના સગા દીકરાને એનાં પૌત્ર-પૌત્રીની બાબતમાં કશું સૂચવી શકતાં નથી. મૂળભૂત વિચારોની આપ-લે થાય તે જરૂરી છે. દુરાગ્રહ કોઈનો ન રહે, પણ વિચારવલોણું તો ચાલે… આજે તો ‘સંવાદ’ જ શક્ય નથી, ઝઘડા થાય છે, અસંતોષ વધે છે, પણ સંવાદ રચી માર્ગ શોધાતો નથી. નવું માર્ગખોજન આજે અત્યંત જરૂરી છે.