જાગરણ – ભૂપત વડોદરિયા

[ તાજેતરમાં આપણા જાણીતા સાહિત્યકાર શ્રી ભૂપતભાઈ વડોદરિયાના પાંચ પુસ્તકોનું એક સેટ સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં ‘જાગરણ’, ‘આચમન’, ‘અભિષેક’, ‘પંચામૃત’ અને ‘ઉપાસના’ એમ પાંચ પુસ્તકોનો સમાવેશ થાય છે. જીવનને સુંદર ઘાટ અર્પે તેવા અત્યંત પ્રેરક લેખોનો આ સુંદર વસાવવા લાયક સંગ્રહ છે. આજે ‘જાગરણ’માંથી બે લેખો માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] તમારી પ્રતીતિ તમને જ થઈ શકે

માણસની મોટી કરુણતા એ છે કે તે નક્કર નિર્જીવ વસ્તુને એકદમ વળગી પડે છે. માણસ આને ‘હકીકત’ કહે છે અને માણસ માને છે કે આ ‘હકીકત’ની માર્ગદર્શિકા તેના પંથને અજવાળવા માટે પૂરતી છે, પણ સૂફીઓની વાત સાચી છે કે માણસ જેને ‘હકીકત’ કહે છે તે ઘણી વાર તો આળસથી ઊંઘી ગયેલી શંકાઓ કે વહેમો જ હોય છે. માણસ વારંવાર કહે છે કે આ ‘હકીકત’ છે. પણ હકીકત શું છે ? હકીકત એ જ હોય છે – તેણે જોયેલા એક દૃશ્યનું તેનું પોતાનું એ વૃતાંત હોય છે. જેલમાં પડેલા સર વોલ્ટર રેલેએ ઈંગ્લેંડનો ઈતિહાસ લખવાનું નક્કી કર્યું. પાંચ-સાત પાનાં લખ્યાં, એક દિવસ તેમણે જેલની બારીની બહાર થોડે દૂર કંઈક ઝઘડો થતો જોયો. તેમણે જે જોયું તે પરથી મનમાં નક્કી કર્યું કે ઝઘડો અમુક બાબત વિશેનો અને અમુક વ્યક્તિઓ વચ્ચેનો હતો. ત્યાં એક નોકરડી સર વોલ્ટર રેલેને પાણી આપવા આવી. સર વોલ્ટર રેલેએ પૂછ્યું : ‘ઝઘડો શેનો હતો ?’ નોકરડી તો ઝઘડાની તદ્દન નજીક ઊભી હતી. તેણે જે વાત કરી તે સાંભળીને સર વોલ્ટર રેલેને આશ્ચર્ય થયું. નોકરડી ચાલી ગઈ પછી તેમણે પોતે લખેલાં ઈતિહાસનાં પાંચ-સાત પાનાં ફાડી નાખીને કચરાની ટોપલીમાં ફેંકી દીધાં. સગી આંખે દૂરથી જોયેલા એક ઝઘડાના દૃશ્યના બે જ આંખે દેખ્યા અહેવાલો આટલાં ભિન્ન કે તદ્દન વિરોધાભાસી બની જતા હોય તો સો-બસો વર્ષ પહેલાંની ઘટના વિશે વિશ્વાસપૂર્વક-ખાતરીપૂર્વક લખવાનો અર્થ શું ?

મોટા ભાગે માણસો પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહોને પકડી-થિજાવીને, ઢીમ બનાવી દઈને તેને નામ આપે છે – હકીકત ! એ જેને હકીકત કહે છે તે તેનું અમુક સ્થળે અને અમુક ક્ષણે સાચું એક દૃષ્ટિબિંદુ જ હોય છે. પણ તે પોતાની આ હકીકતને – પોતાના આ ‘સત્ય’ને એકદમ આંતરરાષ્ટ્રીય ચલણનો દરજ્જો આપી દે છે. પોતાનો આ સિક્કો દરેકે સ્વીકારવો જોઈએ ! જો ન સ્વીકારે તો એણે ‘સત્યોનો દ્રોહ’ કર્યો કહેવાય ! એટલે જ જ્યારે ધર્મ કહે છે કે સત્ય એ જ પરમેશ્વર છે ત્યારે તેમાં માણસની પોતાની મર્યાદા વિશેની ઊંડી સૂઝ પ્રગટ થાય છે અને તે સમજે છે કે સત્યને પામવું તે પણ ઈશ્વરની કૃપાનો પ્રસાદ છે. તમારી ચકોર દૃષ્ટિને તમે ગમે તેટલી વખાણતા હો કે તમારી બુદ્ધિને તમે ગમે તેટલી કુશાગ્ર લેખતા હો – તમે જે જુઓ છો તેમાં ખરેખર ‘સત્ય’ શું છે તે માત્ર પરમાત્મા તથા તેની કૃપા પામેલા દૃષ્ટાઓ જ કહી શકે.

સૂફીસંતોની રૂપકકથાઓમાં માણસના સૈકાઓના શાણપણનો સંગ્રહ છે. એમાં એક રૂપકકથા ખૂબ સુંદર છે : એક ઝરણું ઊછળતું-કૂદતું આગળ વધ્યું અને રણ પાસે આવીને થંભી ગયું. ઝરણાને લાગ્યું કે પોતે આ રણ તો ઓળંગી નહીં જ શકે – ઝરણું રણમાં એક જ કદમ આગળ વધ્યું ત્યાં પાણી રેતીમાં અદૃશ્ય થવા માંડ્યું. ઝરણાને થયું કે મારાથી આ રણ પાર કરી શકાશે નહીં. હું જો રણમાં ચાલું તો આ સૂકી તરસી રેતીમાં ગાયબ જ થઈ જાઉં. ઝરણું મોટેથી બોલ્યું : ‘મારે આ રણ ઓળંગી જવું છે, પણ તેને કઈ રીતે પાર કરવું તેનો કોઈ રસ્તો મને સૂઝતો નથી.’ પ્રકૃતિની મુંગી જબાનમાં રણનો અવાજ ઝરણાને સંભળાયો. રણે કહ્યું : ‘પવન મને ઓળંગી જાય છે. તું પણ મને ઓળંગી શકે છે. ઝરણાએ કહ્યું : ‘પણ હું જ્યારે જયારે પ્રયત્ન કરું છું ત્યારે રેતી મને ચુસી જાય છે – હું સહેજ પણ આગળ વધી શકતું નથી.’ રણે કહ્યું : ‘રેતી પવનને તો કંઈ કરતી નથી.’ ઝરણાએ કહ્યું : ‘પવન તો ઊડી શકે છે – હું ઊડી શકતું નથી.’ રણે કહ્યું : ‘આ રીતે વિચારવાનો તારો ઢંગ ખોટો છે. તું ભલે ઊડી શકતું ન હોય, પણ પવનની મદદ લે. પવન તને રેતીની પાર પહોંચાડી દેશે.’
ઝરણાએ દુ:ખી થતાં કહ્યું : ‘અરે, એ તો મરવાનો જ રસ્તો કે બીજું કંઈ ? આ રીતે મારે મારું અલગ અસ્તિત્વ – મારું પોતાનું વ્યક્તિત્વ ગુમાવવું નથી. રેતીને બદલે પવન મને શોષી લે, પછી મારું શું બચ્યું ?’
રણે કહ્યું : ‘આ એક તર્ક છે પણ તેને સાચી વાસ્તવિકતા સાથે કંઈ જ નિસ્બત નથી. પવન પાણીને શોષી લે છે અને તેને રણની પાર પહોંચાડે છે. પછી એ જ ભેજવાળી હવાનાં વાદળ વરસાદરૂપે વરસે છે અને વરસાદથી ઝરણાં અને નદી બને છે.’ પણ ઝરણાની મુંઝવણ એ છે કે એ નવું ઝરણું તો બીજા નામે ઓળખાતું હશે ! એ ઝરણું હું જ છું તેની ખાતરી કઈ રીતે કરવી ? રણ જવાબ આપે છે કે તેની પ્રતીતિ તમારા અંતરમાં જ તમને થઈ શકે. લોકો તમને ભલે ગમે તે નામે ઓળખે, પણ તમે તમારી અસલિયત – તમારું મૂળ તત્વ – જાણતા હશો તો તમને પ્રતીતિ થશે જ કે હું જળ છું, મારું બાહ્ય રૂપ ઝરણાનું હોય કે નદીનું હોય. હવે આ બધા તત્વો–સત્વો – જયારે તમે ‘સર્વોપરી’ના જ અંશરૂપ પિછાનો ત્યારે પછી પેલી નામ અને રૂપની ઓળખાણ ભૂંસાઈ જવાનો ખેદ રહેશે નહીં.
.
[2] માત્ર પેટના ગુલામ ન બનો

સંસાર જેને સ્વામી વિવેકાનંદના નામે ઓળખે છે એ નરેન્દ્રનાથ દત્ત જ્યારે એકવીસ વર્ષના યુવાન હતા ત્યારે તેમના કુટુંબ ઉપર એક મોટી આફત ઊતરી આવી. નરેન્દ્રનાથ સ્નાતક થયા હતા અને કાયદાનો અભ્યાસ કરવા માગતા હતા. તેમના પિતા વિશ્વનાથ કલકત્તા હાઈકોર્ટમાં એક સફળ એટર્ની-એટ-લો હતા. કુટુંબના એ એકમાત્ર કમાનાર સભ્ય હતા. એ એક દેવસ ઓચિંતા હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. નરેન્દ્રનાથનું કુટુંબ દારુણ ગરીબીના ખપ્પરમાં આવી પડ્યું. પિતા ઉદાર માણસ હતા. તેમણે ઘણાંબધાં સગાસંબંધીઓને મદદ કરી હતી, પણ જ્યારે એમના મૃત્યુ પછી એમનું કુટુંબ ગરીબીનો સામનો કરવાની સ્થિતિમાં મુકાઈ ગયું ત્યારે તેમનાં કોઈ સગાંસંબંધી કશી જ મદદ કરવા આવ્યાં નહીં. લેણદારો રોજ તકાદો કરતા. જે મકાનમાં તેઓ રહેતા હતાં તે મકાનમાંથી તેમને હાંકી કાઢવા સગાંવહાલાં તૈયાર થઈ ગયાં ! હવે કુટુંબના ભરણપોષણની બધી જ જવાબદારી નરેન્દ્રનાથના શિરે આવી પડી.

સ્વામી વિવેકાનંદે પોતાની જિંદગીના આ સૌથી વિકટ સમયનું વર્ણન કર્યું છે. વિવેકાનંદે કહ્યું છે : ‘પિતાના મૃત્યુના શોકનો સમય પૂરો થાય તે પહેલાં જ મારે તો નોકરીની શોધમાં જવું પડ્યું હતું. હું રોજ બપોરના તાપમાં એક હાથમાં અરજી લઈને એક પછી એક દફ્તર-કચેરીમાં ભટક્યા કરતો હતો. મારા એક-બે નિકટના મિત્રોને મારા પ્રત્યે સહાનુભૂતિ હતી. નોકરીની શોધમાં હું નીકળતો ત્યારે કોઈ કોઈ વાર આ એક-બે મિત્રો મારી સાથે આવતા, પણ દરેક જગ્યાએ મારા માટે બારણાં બંધ જ હતાં. જિંદગીની વાસ્તવિકતા સાથેનો આ મારો પ્રથમ પરિચય હતો અને મને લાગ્યું કે આ દુનિયામાં નિ:સ્વાર્થ સહાનુભૂતિ એક દુર્લભ ચીજ છે. નિર્બળ, નિર્ધન અને દુ:ખી માણસ માટે ક્યાંય જગ્યા જ નથી. મેં જોયું કે થોડાક દહાડા પહેલાં જ જે લોકો મને મદદરૂપ થવામાં ગૌરવ અનુભવતા હતા તે હવે જાણે મારાથી મોં સંતાડતા હતા. મને મદદ કરવા માટે તેમની પાસે પૂરતાં સાધનો હતાં. આ બધું જોઈને મને કોઈ કોઈ વાર એવું લાગતું કે આ દુનિયા ઈશ્વરે નહીં, શયતાને બનાવેલી લાગે છે !

સ્વામી વિવેકાનંદને જે સવાલ જાગ્યો એ સવાલ આજે પણ લાખો જુવાનોને જાગે છે, પણ સ્વામી વિવેકાનંદ તો એક અવતારકાર્યના આત્મા હતા. એવું ભાગ્ય તો દરેકનું કે કોઈ પણ એકનું હોઈ ન શકે, પણ હરેક માણસ જેને એવું લાગે કે ઈશ્વર છે છતાં સંસારમાં આટલી પીડા અને અન્યાય કેમ ? તો તેણે સ્વામી વિવેકાનંદની વાત સમજવા જેવી છે. સ્વામી વિવેકાનંદે કાલી માતા પાસે પોતાના માટે કશું માગ્યું નહીં – ત્રણ વાર દર્શન થયાં, પોતાની માતા અને ભાઈઓ માટે વધુ કંઈ નહીં તો દાળરોટીનું સુખ માગવાનું મન તેમને થયું હતું, પણ તે આવું માગી શક્યા નહીં. આટલી ક્ષુદ્ર માગણી અને તે જગતની માતા પાસે કરવાની ? એક વાર તો તેમણે રામકૃષ્ણ પરમહંસને વિનંતી કરી – ‘મા પાસે મારા માટે કંઈક માગોને !’
રામકૃષ્ણ પરમહંસે કહ્યું : ‘નરેન, તું જાતે માગી લે ને માને તું જાણે છે. મા તને જાણે છે.’ પણ સ્વામી વિવેકાનંદે પોતાની દુ:ખી માતા કે ભાંડુઓ માટે કંઈ માગ્યું નહીં. સ્વામી વિવેકાનંદનો સંદેશો એ છે કે નિર્બળતા છોડો અને દરેક માણસને પેટ છે તે ખરું હોવા છતાં માત્ર પેટના ગુલામ ન બનો. ઈશ્વરને માત્ર મૂર્તિમાં ન જુઓ – મૂર્તિમાં ઈશ્વર છે અને જીવતાજાગતા માણસમાં ઈશ્વર નથી ? ઈશ્વર તો સર્વત્ર છે – દરેક માણસ ઈશ્વરનો જ અંશ છે અને ઈશ્વરની સાચી ભક્તિ તે માણસની સેવા છે. દુ:ખી માણસને સાંત્વન અને સહાય આપવા તમે જ ઈશ્વરના દૂત બનો. આ આખું વિશ્વ – સમગ્ર બ્રહ્માંડ – ઈશ્વરનો જ આવિષ્કાર છે. ઈશ્વર ક્યાંય જુદો કોઈક રાજમહેલમાં સંતાઈને બેઠેલો મનસ્વી શાસક નથી.

સ્વામી વિવેકાનંદ માનવીની કરુણામાં પણ ઈશ્વરની કરુણા જુએ છે અને એમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર અને ચમત્કાર બંને જુએ છે. સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કહે છે કે માણસ જો માણસનું દુ:ખ સમજે, તેને મદદ કરે તો આ પૃથ્વી પરથી ઘણાંબધાં દુ:ખો અદૃશ્ય થઈ જાય. આથી ઊલટું, આપણે જોઈએ છીએ કે માણસો ઈશ્વરનું નામ લઈને માણસને પીડા આપે છે, જુલમ કરે છે, રાજાનું નામ આગળ કરીને અત્યાચાર કરતા રાજાના કારભારીની જેમ.

[કુલ પાન : 140. (મોટી સાઈઝ. પાકું પૂઠું). કિંમત રૂ. 225 (એક પુસ્તકના). સમગ્ર સેટની કિંમત રૂ. 1125. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “જાગરણ – ભૂપત વડોદરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.