ત્રણ સત્યઘટનાઓ – સંકલિત

[‘અખંડ આનંદ’ નવેમ્બર-2011માંથી સાભાર.]

[1] પ્રામાણિકતા – ગોવિંદ ખોખાણી

હિમાલયની ગિરિકંદરાઓ, હરિદ્વાર, હૃષીકેશ, બદ્રિનાથ, સ્થાનોના દર્શનની ઈચ્છા થાય ત્યારે ત્યાં દોડી જાઉં છું. આ સ્થાન મને માનસિક ઊર્જા આપે છે. કામના બોજથી મન થકાવટ અનુભવે ત્યારે આ સ્થળોની યાત્રા પરમ શાંતિ અર્પે છે. હિમાલયના પહાડો પર નાનાં ગામડાંમાં વસવાટ કરતા લોકોના ચહેરા પર તેમની પ્રામાણિકતા, કષ્ટમય જીવન વચ્ચે પણ સંતોષી જીવનનો આનંદ જોતાં મને આનંદ થાય છે. પહાડી લોકો ગરીબ છે, ખેતીમાં સખત મહેનત કરે છે. ચારધામની યાત્રાએ જતા યાત્રાળુઓની સેવા કરે છે, ચોરી, લૂંટફાટ કે અણહકનું લેવામાં તેઓ પાપ સમજે છે.

થોડાં વર્ષ અગાઉની વાત. અમારા 12 જણના ગૃપે હરિદ્વારથી બદ્રિનાથની યાત્રા માટે બસ પકડી. અમારા ગૃપમાં પ્રાથમિક શાળાનાં ચાર બહેનો પણ જોડાયાં. હિમાલયના પહાડના રસ્તે બસમાં પંક્ચર પડ્યું. ડ્રાઈવરે બસને રુદ્રપ્રયાગમાં થોભાવી અને રિપૅર થતાં અડધો એક કલાક નીકળી જશે તેમ જણાવી યાત્રાળુઓને નીચે આવી જવા જણાવ્યું. અમે નીચે ઊતર્યાં. મુખ્ય રસ્તા પર એક દુકાનનું શટર બંધ જોઈ તેના પગથિયે અમે ગોઠવાઈ ગયા. બાજુમાં નાનકડી કૅબિનમાં એક ભાઈ ઘડિયાળ રિપૅરિંગ કામ કરતા હતા.

બસનું ટાયર રિપૅર થતાં ડ્રાઈવરે બૂમ પાડી અને અમે સૌ દોડતાં બસમાં ગોઠવાયાં. બસમાં બેઠા પછી એક શિક્ષિકા બહેનને અચાનક યાદ આવ્યું કે તેમનું હૅન્ડપર્સ જ્યાં બેઠાં હતાં ત્યાં જ રહી ગયું છે ! મેં ડ્રાઈવરને થોભી જવા વિનંતી કરી અને બહેન સાથે બસની નીચે ઊતર્યો. બહેનના યાત્રાખર્ચના પૈસા આ પર્સમાં હતા તેથી ગભરાયેલાં જોવા મળ્યાં. મેં કહ્યું, ‘તમારું પર્સ એ જગ્યાએ જ ગુમ થયું હશે તો જરૂર મળી જશે. દેવભૂમિમાં વસવાટ કરતા આ લોકોમાં હજુ પ્રામાણિકતા છે.’ અમે જ્યાં બેઠાં હતાં એ સ્થળે પહોંચી, દુકાનનાં પગથિયાં પર નજર કરી. પર્સ જોવા ન મળ્યું. બાજુમાં ઘડિયાળીને પૂછપરછ કરી. તેણે અજ્ઞાનતાના ભાવ વ્યક્ત કર્યા, કંઈ જવાબ ન આપ્યો. ત્યાં જ ઊભા રહી મેં બહેનને પૂછ્યું, ‘તમને બરાબર યાદ છે કે તમારું પર્સ અહીં જ રહી ગયું હતું ?’ બહેને જવાબ આપ્યો, ‘આપણે બસમાંથી ઊતર્યા ત્યારે પર્સ મારા હાથમાં હતું એ મને બરાબર યાદ છે.’

અમે વાતચીત કરતાં રહ્યાં એ સમયે બહેનની વ્યાકુળતા જોઈ ઘડિયાળીભાઈ મરક મરક હસ્યો. ખાત્રી થતાં પોતાના ટેબલના ખાનામાંથી પર્સ કાઢી બહેનના હાથમાં મૂક્યું. પર્સ મળી જતાં બહેનના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. આભાર વ્યક્ત કરી અમે રવાના થયાં. ઘડિયાળીભાઈએ અમને પરત બોલાવ્યાં. બહેનને કહ્યું : ‘પ્રથમ તમારું મનીપર્સ તપાસી લો !’ બહેને જોયું, મનીપર્સમાં મૂકેલ રૂ. પંદર હજાર પૂરા હતા. બહેને ઘડિયાળીને રૂ. 100ની નોટ ભેટ રૂપે સામે ધરી. ઘડિયાળીએ વિનયપૂર્વક સ્વીકારવાની ના પાડતાં જણાવ્યું, ‘આપ તો યાત્રાળુ હૈ. આપકી સેવા કરના હમારા ધર્મ હૈ, ભગવાનને હમેં જો કુછ કમાઈકા દિયા ઉસસે હમેં સંતોષ હૈ.’

માનવહૃદયમાં વસેલા પ્રામાણિકતાના ભાવને વંદન કરતાં અમે વિદાય લીધી અને બસમાં ગોઠવાયાં. વિલંબ કરવા બદલ ગુસ્સો વ્યક્ત કરતાં ડ્રાઈવરે બસ ચાલુ કરી. રસ્તામાં બહેને કહ્યું : ‘તમે વારંવાર હિમાલયયાત્રાનું વર્ણન કરતાં આ દેવભૂમિના લોકોની પ્રામાણિકતાની વાત કરતા હતા ત્યારે હું મનોમન વિચારતી, અત્યારના યુગમાં લોકોમાં પ્રામાણિકતા નહીંવત જોવા મળે પરંતુ આજના યુગમાં હજુ પણ પ્રામાણિકતા જીવે છે ખરી ! તેનો અનુભવ મને પ્રત્યક્ષ થતાં તમારી માન્યતાનો હું સ્વીકાર કરું છું.’
.

[2] મંગલકારી યાત્રા : યે જિંદગી કે મેલ – કનૈયાલાલ જી. વ્યાસ

વર્ષો પહેલાંનો મારો આ જાતઅનુભવ આજે લખું છું. ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ ખાતેની કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો અને કૉલેજ-હૉસ્ટેલનો ખર્ચ કાઢવા નેશનલ ટુરિસ્ટ કંપનીમાં પાર્ટ-ટાઈમ સર્વિસ કરતો હતો. તેથી હૉસ્ટેલનો ખર્ચ નીકળી જતો હતો. પણ બુક્સ, ટર્મ ફી, (દર છ મહિને) નીકળવી મુશ્કેલ હતી. સંચાલક શ્રી ડાહ્યાભાઈ પંડિતને મારી અંગત મુશ્કેલી જણાવી તો એમણે રસ્તો બતાવ્યો : ‘ઉનાળાના વૅકેશનમાં કાશ્મીર-કુલુ-મનાલી અને દિવાળી વૅકેશનમાં દક્ષિણ ભારતની ટૂર લઈને તારે જવું અને આ કામના બદલામાં ટર્મ ફી વગેરેની જોગવાઈ થઈ શકશે.’ મેં એ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને આ સિલસિલો છ વર્ષ ચાલ્યો.

એક વર્ષ દિવાળી વૅકેશનની દક્ષિણ ભારતની ટૂર લઈને રેલવેના ટૂરિસ્ટ કોચમાં વી.ટી. સ્ટેશનથી પ્રસ્થાન કર્યું. ટૂરિસ્ટ કોચમાં કોચના બન્ને છેડે ખુલ્લી વિશાળ જગ્યા અને બારી પાસે બેસવાની પાટલી અને રાત્રે આ ખુલ્લી જગ્યામાં પથારી થતી. વચ્ચેના ભાગમાં નાનું રસોડું અને એક ચાર વ્યક્તિ સૂઈ-બેસી શકે તેવી કૅબિન હોય છે. આ કૅબિનમાં મૅનેજરની હેસિયતથી મને અને 25 થી 35 વર્ષની વયની ત્રણ બહેનોને જગ્યા આપવામાં આવી હતી. મારું સ્થાન ઉપરની બર્થમાં મેં નિશ્ચિત કર્યું હતું. કુલ પચાસ સ્ત્રી-પુરુષો હતાં. સૌનાં પોતપોતાનાં ગૃપ હતાં. પણ આ ત્રણ બહેનોનું કોઈ ગૃપ નહોતું. ટ્રેન ઊપડી કે તુરત જ એ ત્રણે બહેનોએ મારી આ કૅબિનમાં દેવ-દેવીઓના નાના-મોટા ફોટાઓ લગાવી, ફૂલહાર ચડાવી, દીવાબત્તી, અગરબત્તી કર્યાં. આસનસ્થ થઈને પ્રભુપ્રાર્થના કરી. આમ લગભગ એક માસના સમગ્ર પ્રવાસ દરમિયાન આ દૈનિક ક્રમ ચાલ્યો. કોચમાં રાત્રિ દરમિયાન ભજન-કીર્તનની રમઝટ જામતી, જેમાં આ ત્રણ બહેનો શિરમોર રહેતી. આથી સૌને તેમના પ્રત્યે વિશેષ અનુરાગ રહેતો. આ ત્રણેય બહેનો જ્યારે ‘દો આંખે બારાહ હાથ’ની પ્રાર્થના- ‘અય માલિક તેરે બંદે હમ….’ તન્મય થઈને ગાતાં ત્યારે કોચમાં ભક્તિભાવનું વાતાવરણ લહેરાઈ ઊઠતું.

ધાર્મિક સ્થળોમાં જ્યાં જ્યાં દર્શનાર્થે ગયાં ત્યાં પૂરા ભક્તિભાવથી પૂજા-અર્ચના આ ત્રણેય બહેનો કરતાં. તેમનો પરિવેશ અત્યંત સાદો, સ્વભાવ સરળ, ધાર્મિક વિચારો, અત્યંત સાહજિક રહેણી-કરણીથી તે સૌનાં આદરપાત્ર બની ગયાં હતાં. ચેન્નાઈ, તાંજોર, ત્રિચિનપલ્લી, મદુરા, રામેશ્વરમ વગેરે પવિત્ર સ્થળોની યાત્રામાં સમય ક્યાં વ્યતિત થઈ ગયો તેની ખબર પડી નહીં. અમે યાત્રા પૂરી કરી મુંબઈ પરત આવ્યાં. સ્ટેશને સૌએ એકબીજાને સરનામા આપ્યાં. પણ આ ત્રણેય બહેનો સરનામાની આપ-લેથી અલિપ્ત રહ્યાં. મને થોડું વિચિત્ર લાગ્યું. હું કૅબિનનો સહયોગી હતો તેથી મને વિશેષ પરિચય હતો. તેમની એડ્રેસ ન આપવાની વૃત્તિથી મેં તેમને એડ્રેસ પૂછ્યું નહિ. વી.ટી. સ્ટેશને યાત્રીઓને રીસિવ કરવા તેમનાં કુટુંબીજનો આવ્યાં હતાં ત્યાં મારું ધ્યાન છેક છેલ્લે પોતાનો સામાન જાતે ઉતારતાં આ બહેનો તરફ ગયું કે તેમને લેવા માટે કોઈ આવ્યું નહોતું. સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાથી પ્રેરાઈને વિવેક કર્યો- સામાન સ્ટેશનની બહાર લાવ્યો અને પૂછ્યું, ‘તમારે ક્યાંની ટૅક્સી કરવાની છે ?’ જવાબ મળ્યો, ‘ફોરાસ રોડ.’ આ સાંભળીને હું આઘાતથી તેમની સામે જોતો રહી ગયો. દેહવિક્રયની આ બદનામ વસ્તીમાં વસનારી બહેનો ! ટૅક્સીમાં બેસતાં બેસતાં તેમાંની એક આધેડ વયની બહેને હસતાં હસતાં કહ્યું, ‘દેહવિક્રયના સ્થાનનું એડ્રેસ તમારા જેવા કૉલેજીયનને ન અપાય. વ્યાસજી, અમને માફ કરજો.’ ને એમની ટૅક્સી મુંબઈના માનવ-મહેરામણમાં વિલીન થઈ ગઈ. પણ મને વિચારોના વમળમાં મૂકતી ગઈ !

તિરસ્કારથી જે સમાજને આપણે જોઈએ છીએ તે કેવો અને કેટલો પવિત્ર હોઈ શકે છે તેનો અહેસાસ આજે પણ અનુભવું છું.
.

[3] એક ઝિંદાદિલ બુઝર્ગ – સીમાબહેન ગાંધી

હું જે ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યા છું ત્યાં ચાલુ વર્ષે એક છાત્રા કે જે અત્યંત ગરીબ વર્ગની છે અને મજૂરી કરી (વાંસમાંથી ટોપલા વગેરે બનાવી, વેચી) જીવન નિર્વાહ કરતા કુટુંબમાંથી આવી છે, તે ધોરણ 12મા વિજ્ઞાન વિભાગમાં 78% ગુણ લાવી ઉત્તીર્ણ થઈ છે. આ વાત એના કુટુંબ તથા અમારી શાળા માટે ગૌરવની વાત છે. એને એસ.વી.આર. એન્જિનિયરીંગ કૉલેજ, સુરત એડમિશન મળ્યું છે. શાળા કક્ષાએ ફી ભરવાની હોતી નથી. પણ કૉલેજમાં પછાત વર્ગમાંથી આવતી હોવા છતાં- અમુક ફી ભરવી આવશ્યક છે. જે ભરવા માટે આ બાળાનું કુટુંબ શક્તિમાન નથી. કોઈ આર્થિક સહાય ન મળે તો આનો અભ્યાસ રૂંધાય પણ ખરો.

અચાનક મને યાદ આવ્યું કે મારી શાળામાં કેન્દ્ર સરકારના એક નિવૃત્ત અધિકારી 80 વર્ષના વડીલ આવેલા અને વાતચીત દરમ્યાન તેમણે કહેલું કે, ‘આર્થિક મદદ વગર કોઈ વિદ્યાર્થીનો અભ્યાસ બગડતો હોય તો જણાવશો તો હું પૂરી સહાય કરીશ.’ તેમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું. અતિ ઉત્સાહમાં મેં તેમને ખરા બપોરના સમયે ફોન કર્યો. મને સમયનો ખ્યાલ ન રહ્યો કે સામાન્ય રીતે વૃદ્ધ લોકો આવા સમયે આરામ કરતા હોય છે. વડીલને ફોન પર બધી વાત કરી. તેઓ સંમત થયા. મારા આશ્ચર્ય વચ્ચે 30 મિનિટમાં તો રૂબરૂ આવીને મળી પેલી બાળાની ફીના નાણાં આપ્યાં. મારી ભૂલનો ખ્યાલ આવતાં મેં મારી દિલગીરી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ‘આ વિદ્યાર્થીની જ્યાં સુધી અભ્યાસ કરતી રહેશે ત્યાં તમારી મારફતે હું આવી મદદ કરતો રહીશ.’ તેમણે એક વાતની તાકીદ પણ કરી કે, ‘આ વાત કોઈને જાહેર ન કરવી. અરે લાભાર્થીને પણ નહીં. કદાચ તેને લઘુતાનો ભાવ થાય.’ આવી સમજુ, લાગણીશીલ, નિખાલસ, નિરાભિમાની, પ્રસિદ્ધિથી દૂર રહેવા માગતી વ્યક્તિ ખૂબ ઓછી મળે છે. એણે મારા હૃદયમાં ખૂબ ઊંચુ સ્થાન લીધું છે. મનોમન હું તેમને વંદન કરું છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “ત્રણ સત્યઘટનાઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.