રિટાયર્ડ…. – નીલમ દોશી

[ રીડગુજરાતીને આ રમૂજી વાર્તા મોકલવા માટે શ્રીમતી નીલમબેન દોશીનો (ભુવનેશ્વર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો.]

બસ હવે તો એક મહિનો… છેલ્લો મહિનો…પછી પત્નીની….અનુરાધાની બધી ફરિયાદ દૂર થઈ જશે. પછી તો સમય જ સમય છે. હવે પત્નીના સાન્નિધ્યમાં રહેવા મળશે. સાચા અર્થમાં અમારું સહજીવન શરૂ થશે. જિંદગી માણવાની તક હવે જ મળી છે. અનુની બધી ફરિયાદ હવે દૂર થશે. આટલા વરસો કંપનીને આપ્યા. હવે મારા સમય પર અનુનો પૂરો અધિકાર છે. એની બિચારીની બધી ફરિયાદ સાચી છે. કાલથી જીવન બદલાશે…બધી ઘરેડમાંથી બહાર નીકળી જીવન શાંતિથી આરામથી વીતાવશું. બસ હવે તો મારી પાસે બધા માટે સમય જ છે. અને પછી તો….જિંદગી એક સફર હૈ સુહાના…..

ટાઈ બાંધતા બાંધતા યશવંતભાઇ ગણગણી રહ્યાં. ચહેરા પર સ્મિતની એક લહેરખી ફરી વળી. 58 વરસની ઉંમર થઇ હતી પણ લાગતા હતા 50 જેવા. બિલકુલ તંદુરસ્ત. આ તો કંપનીની વયમર્યાદાની પોલીસીને લીધે નિવૃત્તિ આવી પડે તેમ હતી. બાકી કામથી ક્યાં થાકયા હતા ? થાકવાની તો વાત જ ક્યાં હતી ? કામનો એક નશો હતો. સારી કંપનીમાં જનરલ મેનેજરની પ્રતિષ્ઠાભરી પદવી હતી. માન હતું, ઇજજ્ત હતી, સત્તા હતી. જોકે તેમના વર્કોહોલિક સ્વભાવની પત્નીને હંમેશા ફરિયાદ રહેતી : ‘તમે હંમેશા મોડા આવો છો. બસ કામ, કામ ને કામ. કોઈ દિવસ શાંતિથી સાથે બેસવા ન પામીએ. તમારી કંપની કયારેય મળે જ નહીં.’ આ તેમની હંમેશની ફરિયાદ હતી. અને વાતે ય સાચી હતી. પોતે ઘરમાં કે પત્નીને પૂરતો સમય નથી આપી શકતા તેનો એહસાસ યશવંતભાઈને પણ હંમેશા રહેતો. પરંતુ કંપનીની જવાબદારીને લીધે ઘર કે પત્ની માટે ખાસ સમય ન ફાળવી શકતા.

પરંતુ હવે સંજોગો બદલાવાના હતા. હવે પોતે પત્નીની ફરિયાદ દૂર કરી શકશે. ઘરમાં પૂરેપૂરો સમય આપી શકાશે. નિરાંતે હીંચકા પર બેસીને છાપુ વાંચવાનું અને કડક, મીઠી ગરમાગરમ ચા…. વાહ…. મજા આવી જશે. ચા પીતા પીતા પત્ની સાથે દુનિયાભરના ગપ્પાં મારશે. પૌત્ર સાથે રોજ સાંજે બગીચામાં રમશે. બસ… હવે ઘણું કામ કર્યું….હવે જિંદગી માણવાની….એક એક પળ જીવવાની. બીજા કોઇ પ્રશ્નો હતા નહીં. ભર્યુંભાદર્યું ઘર હતું. પત્ની હતી, દીકરો-વહુ હતા અને મૂડીના વ્યાજ જેવો નાનકડો સાત વરસનો મીઠડો પૌત્ર હતો. હવે બધા સાથે મળીને કિલ્લોલ કરીશું. હવે તો બસ કુટુંબમેળાનાં કંકુછાંટણા…. યશવંતભાઇ મનોમન મલકાઇ રહ્યાં.

મૂઠ્ઠીમાંથી સરતી રેતીની માફક સમય સરી રહ્યો. મહિનાને જતા શી વાર ? હંમેશા સમયની સાથે દોડતાં યશવંતભાઈને સમયની બ્રેક લાગી ગઈ. નોકરીનો છેલ્લો દિવસ. પાંત્રીસ વરસની ઉજ્જ્વળ કારકિર્દી પર પૂર્ણવિરામ. ઓફિસમાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન… યશવંતભાઇના ગુણગાન ગાતા ભાષણો…સુંદર મજાની ભેટ.. થોડાં શરમાતા…. થોડા હસતાં…. યશવંતભાઇએ વિદાયની યાદગીરીરૂપે નમ્રતાથી ભેટ સ્વીકારી. બધાનો આભાર માન્યો. ફોટાઓ પડાવ્યા અને મીઠી સ્મૃતિઓ વાગોળતા એક ધન્યતા સાથે ‘graceful exit’ કરી તેઓ ઘેર આવ્યા. હાશ… હવે શરૂ થયું નિવૃત્તિની….. નિરાંતની….આરામદાયક પળો માણવાનું. રાત્રે વિદાય સમારંભની બધી વાતો ઘેર કરી. થોડું ગૌરવ અનુભવ્યું. હવે કાલથી નિરાંત… નો દોડાદોડી… પત્ની સાથે હળવી પળો માણીશું. એનો પણ મારી ઉપર કોઇ હક્ક તો ખરો ને ? બિચારી આટલા વરસોથી ફરિયાદ કરે છે. મારી પ્રતીક્ષા કરે છે. હવે તેની બધી ફરિયાદનો અંત. મીઠા શમણા સાથે યશવંતભાઈ ઊંઘની આગોશમાં….
સવારે રોજના સમયે જ ઊંઘ ઉડી ગઇ. તો પણ થોડીવાર એમ જ આળસમાં રજાઇ ઓઢી પડયાં રહ્યાં. ચાલવા કાલથી જશું. હજુ આજે તો પહેલો દિવસ છે. હવે તો રોજ રવિવાર જ છે ને ? યશવંતભાઇ નિરાંતે ઉઠયા. જો કે વચ્ચે પત્ની બે વાર ઉઠાડવા આવી ગઈ પણ પોતે જલદી મચક ન આપી. ઊઠી ફ્રેશ થઈ પત્નીને પણ પોતાની સાથે ચા પીવાની ઓફર મૂકી.
‘અનુ, ચાલ… તારો ચાનો કપ પણ અહીં જ લેતી આવ. નિરાંતે હીંચકા પર બેસીને સાથે ચા પીશું.’ જાણે કોઈ વિચિત્ર વાત કહી હોય તેમ અનુ….અનુરાધા પતિ સામે જોઇ રહી.
‘નિરાંત ? અત્યારે સવારના પહોરમાં ? કંઇ ભાન બાન છે કે નહીં ?’ આવી ગાંડા જેવી વાતનો શું જવાબ આપવો ? યશવંતભાઈને કશું સમજાયું નહીં. પત્ની આમ કેમ પોતાની સામે જુએ છે ? પોતે સાથે ચા પીવાની એક સામાન્ય વાત કહી તેમાં આમ બાઘાની જેમ સામે શું જુએ છે ? તેમણે ફરીથી પોતાની વાત દોહરાવી. પત્નીએ રસોડામાં જતાં જતાં જ જવાબ આપ્યો :
‘મેં તો કયારની પી લીધી છે. તમે પી લો. ત્યાં ટેબલ પર કપ મૂકયો છે.’
યશવંતભાઇને થયું પોતે મોડા ઉઠયા છે. બિચારી કયાં સુધી રાહ જુએ ? વાંધો નહીં. કાલે થોડો વહેલો ઊઠીશ. તેમણે હાથમાં પેપર લીધું. પેપર વાંચતા વાંચતા ચાની ચુસકીઓ ભરવાની મજા આવી. નિરાંતે વાંચવા જતાં હતા ત્યાં પત્નીનો અવાજ સંભળાયો : ‘હવે તમે છાપું મૂકીને નાહવા જાવ તો સારું. નોકર ચાલ્યો જશે તો કપડાં રહી જશે. આમેય હવે તમારે કયાં ઓફિસે જવાનું છે ? છાપું તો પછી નિરાંતે વંચાશે.’

યશવંતભાઈને પરાણે ઊઠવું પડયું. મનમાં તો થયું કે આટલા વરસોથી તો વહેલો જ નહાતો હતો ને? હવે ઓફિસ નથી એટલે જ તો થાય છે કે બધું નિરાંતે કરીશું પણ…ખેર….. બાથરૂમમાં જતાં જતાં યશવંતભાઈ વિચારી રહ્યા. જલ્દી જલ્દી નાહીને ફરી છાપું હાથમાં લીધું…. ત્યાં ચા યાદ આવી ગઈ. વરસોની ટેવ હતી ને ટી-બ્રેકની… તેમણે પત્નીને એક કપ ચાની ફરમાઇશ કરી… પણ…ત્યાં તો…. ‘હમણાં તો ચા પીધી હતી. ઘરમાં નવરા બેઠા બેઠા ચા જ પીધે રાખવાની છે કે બીજું કંઇ ?’ યશવંતભાઇ મૌન. ઓફિસમાં દર બે કલાકે આવતી ચાની ટેવ તેમને તડપાવી ગઈ. ત્યાં તો થોડું મોડું થતું તોયે પટાવાળાનું આવી બનતું અને આજે એક ચા માટે સાંભળવાનું ?…. તેમને જરા ઓછું તો આવી ગયું પણ પછી મનને મનાવ્યું કે અનુ એકલી બિચારી કેટલે પહોંચે ? વહુ નોકરી કરવા જાય એટલે બધી જવાબદારી પત્ની પર જ આવી છે ને ? હું રીટાયર્ડ થયો છું. તે થોડી થઈ છે ? મન મોટું રાખી તેમણે આશ્વાસન લીધું અને ફરી છાપામાં મન પરોવ્યું.

ત્યાં….
‘ઘરમાં નવરા બેઠા છો…. તે બજારમાંથી જરા શાક લાવી આપોને. મારે એટલો ધક્કો ઓછો.’
‘શાક ? શાક લેતા મને કયાં આવડે છે ? હું કયાં કયારેય શાક લેવા ગયો છું ?’
‘કયારેય નથી ગયા તો હવે જાવ… હવે એટલી મદદની આશા તો હું રાખી શકું કે નહીં ?’ પત્નીએ લીસ્ટ અને થેલી હાથમાં પકડાવી દીધા. યશવંતભાઈનું મોઢું થોડું કટાણું તો બની ગયું. પરંતુ પત્નીની વાત ખોટી તો નથી જ ને ? એટલી મદદ તો કરાવવી જ રહી. યશવંતભાઈ અનિચ્છાએ પણ અણગમતું કામ કરવા ઉપડયા. શાકમાર્કેટમાં જરાયે મજા ન આવી. કેટલી ગંદકી અને કેવો અસહ્ય કોલાહલ. રોજ તો આ સમયે એરકંડીશન્ડ ઓફિસમાં બેઠાં બેઠાં ચાની ચૂસકીઓ સાથે બિસ્કીટની મજા માણતા હોય. નાક આડે રૂમાલ રાખી માંડ માંડ જલ્દી જલ્દી લીસ્ટ પ્રમાણે શાક લઇને આવ્યા તો પત્નીને મોંઘુ લાગ્યું. ગુવાર જાડો ને ભીંડા ‘ગલઢા’ લાગ્યા. કાકડી કડવી નીકળી. એક ઘરરખ્ખુ ગૃહિણી બોલ્યા સિવાય કેમ રહી શકે ?
‘જરા ચાખીને ન લેવાય ?’
‘હું ત્યાં ચાખવા બેસું ? એવું બધું મને ન ફાવે….’ તે બબડતા રહ્યાં. થોડીવાર ટીવી ચાલુ કરી રીમોટ હાથમાં લઇ ચેનલો ફેરવી જોઈ પણ ખાસ મજા ન આવી. ત્યાં તો પત્નીની જમવા આવવાની બૂમ આવી :
‘હમણાં નહીં થોડીવાર પછી. હજુ તો ભૂખે ય નથી લાગી. નાસ્તો મોડો કર્યો હતો ને તે…’
‘એટલે તો સવારે કહેતી’તી કે નાસ્તો વે’લો કરી લો..ઠીક હવે…આજે જે થયું તે…ચાલો, જે ભાવે તે જમી લો. કામવાળી આવે તે પહેલા વાસણ તો ખાલી કરી દેવા પડશે ને ? કાલથી નાસ્તો વહેલો જ પતાવી લેજો.’ યશવંતભાઇ પરાણે જમવા બેઠા. ઓફિસમાં બધા તેમનો ટાઈમ સાચવતા. આજે તેમને કામવાળાના ટાઈમ સાચવવાના હતા.

જમીને આડા પડવાનો વિચાર કરતા હતા ત્યાં પત્નીનો અવાજ આવ્યો,
‘જીતની બસનો આવવાનો ટાઇમ થઈ ગયો છે. તમે જરા નાકા ઉપર જઈને તેડી આવોને. રોજ તો હું જતી હતી. હવે તમે આમેય નવરા છો તો તમે જઈ આવો. આમાં તો યશવંતભાઇથી ના પડાય કે દલીલ કરાય તેવું કયાં હતું ? યશવંતભાઈ સાત વરસના પૌત્રને લેવા તડકામાં નીકળ્યા. ઓફિસની એ.સી. કેબિનની યાદ અનાયાસે જ આવી ગઈ. પૌત્રને લઈને હાંફતા હાંફતા આવ્યા ત્યારે યશવંતભાઇ પરસેવાથી રેબઝેબ….. બાપ રે ! કેટલો તાપ પડે છે ? એ.સી.નું વહેલી તકે કંઈક કરવું પડશે… આજ સુધી સાલી ખબર જ ન પડી. હવે ઊંઘ આવે તેમ નહોતું. તેથી છાપું શોધવા લાગ્યા. હમણાં તો અહીં રાખીને ગયા હતા. પૂછપરછ કરતાં ખબર પડી કે એ તો કામવાળીએ બધું સરખું કરીને ‘જગ્યાએ’ રાખી દીધું હતું. યશવંતભાઈની જગ્યા કઇ હતી….તે કદાચ હજુ કોઈને ખબર નહોતી. નહીંતર કદાચ તેમને પણ જગ્યાએ ગોઠવી દીધા હોત. તેમણે પત્નીને કહ્યું,
‘હજું તો મેં વાંચ્યું પણ નહોતું…’
‘મને એમ કે આજે તો સવારથી તમે સાવ નવરા છો….તો વાંચી જ લીધું હશે ને?’ પત્નીનો જવાબ સાંભળી યશવંતભાઈ પોતાની નવરાશ વિચારતા રહી ગયા. પહેલે જ દિવસે બોલવું સારું નહીં… તે મૌન જ રહ્યા. પરંતુ મન અને મોં બંને કટાણા થઈ ગયા. થોડીવાર પરાણે આડા પડયાં. પડખા ફેરવ્યાં. પરંતુ ઊંઘ ન આવી. સામે ઘડિયાળમાં નજર કરી તો ચાર વાગી ગયા હતા. ત્રણ વાગે તો ચાનો ટાઈમ હતો. તેમણે પત્નીને બૂમ પાડી. પણ કંઇ જવાબ ન મળ્યો. ઊભા થઇને જોયું તો નોકર કચરો કાઢતો હતો. પૂછતાં તેણે કહ્યું કે બેન તો બાબાને ટયુશનમાં મૂકવા ગયા છે. કયારે આવશે ? એવા પ્રશ્નનો કોઇ અર્થ નહોતો. જવાબ કોણ આપે ? નોકર જરા વારમાં પોતાનું કામ કરી જતો રહ્યો. થોડીવાર રાહ જોઈ પણ પત્ની ન આવી. ચાની તલપ લાગી હતી. હવે ? ચાલ, જીવ, સવારથી નવરો જ છું ને ? આપ મૂઆ વિના સ્વર્ગે થોડું જવાશે ?

‘જાત મહેનત ઝિંદાબાદ’ કરી તે રસોડામાં ગયા. ફ્રીઝમાંથી ખાંખાંખોળા કરી દૂધની તપેલી લેવા ગયા ત્યાં આગળ રહેલ દહીંને ખોટું લાગ્યું હોય તેમ દહીંની વાટકી આગળ ધસી આવી અને જાતે ઢોળાઈ ગઈ. યશવંતભાઇ હાથમાં દૂધની તપેલી લઈ નીચે ઢોળાયેલ દહીં સામે કરૂણાભરી નજરે જોઇ રહ્યા. નોકર પણ ચાલ્યો ગયો હતો. હવે દહીં સાફ કરવા કપડું શોધવાની કવાયત ચાલી. અંતે કંઈક નેપકીન જેવું હાથ લાગ્યું ખરું. માંડમાંડ બધું સાફ કર્યું. હાથ ગંદા થઈ ગયા હતા. દહીંવાળા કપડાનો એક તરફ ઘા કરી તેમણે રસોડામાં ચા-ખાંડના ડબ્બા શોધવાની પ્રક્રિયા ચાલુ કરી. પણ એ કામ કંઈ ધાર્યું હતું તેટલું સહેલું ન નીકળ્યું. બે ચાર ડબ્બા ખોલ્યા… અંદરથી જાતજાતની અપરિચિત વસ્તુઓએ ડોકિયા કર્યા. ડબ્બા ઉપર ચિઠ્ઠી ચોંટાડતા શું થાય છે ? આટલા ડબ્બાઓની વણઝારમાંથી કયા ડબ્બામાં ચા-ખાંડ છૂપાઈને બેઠા હશે ? રસોડાનું ‘આઇ.એસ.ઓ.’ કરાવવું જોઇએ…. યશવંતભાઇ એકલા એકલા બબડી રહ્યા. અંતે ચા-ખાંડના ડબ્બા મળતાં યશવંતભાઈ વિજયીની અદાથી તેની સામે જોઇ રહ્યા. કેવા પકડી પાડ્યા ! પરંતુ પછી ચાનો મસાલો શોધવાની હિંમત તો ન જ ચાલી. પરંતુ નસીબ સારા હતા. ગેસનું લાઇટર શોધવામાં તકલીફ ન પડી. દીવાલ પર લટકતું લાઇટર સામે દેખાઈ જતા યશવંતભાઈ ખુશખુશાલ બની ગયા.

લાઈટર હાથમાં લઈ ગેસ ચાલુ કરતા ગયાં પણ લાઈટરે મચક ન આપી. ચાલુ થાય એ બીજા… એમ કોઈ પણ આવીને પોતાનો ઉપયોગ કરી લે એ અનધિકાર ચેષ્ટા તેનાથી સહન ન થઈ અને રિસાઇને બેસી ગયું. યશવંતભાઈ દયામણી નજરે લાઈટર સામે જોઇ રહ્યાં. હવે માચીસ કયાં શોધવી ? છેલ્લીવાર પ્રયત્ન કરવા ગયા ત્યાં એક ભડકો….અને ગેસ ચાલુ… ગેસ ઉપર પાણી ઉકળવા મૂકી ઉકળે ત્યાં સુધીમાં ગરણી અને સાણસી શોધવાનું અભિયાન ચાલુ થયું. એક કામની પ્રતીક્ષા કરતાં ઊભુ થોડું રહેવાય ? ચા ઉકળે ત્યાં સુધીમાં ગરણી શોધતા યશવંતભાઇના ફળદ્રુપ ભેજામાં સમય બચાવવાના અનેક ઉપાયો ઉભરાતા રહ્યા. ટાઇમ મેનેજમેન્ટ એટલે શું ? તેની આ બૈરાઓને સમજ જ ન પડે. તેથી જ તેમનો આટલો બધો સમય રસોઈ જેવા નાનકડા કામમાં જાય છે અને આખો દિવસ રસોડામાં ગોંધાઈ રહેવું પડે છે. કાલથી અનુને બધું વ્યવસ્થિત કરી આપશે. બધા ઉપર લેબલ લગાડી સમય કેમ બચાવવો એ શીખડાવશે. વિચાર કરતાં કરતાં યશવંતભાઇ ગરણી શોધતા રહ્યા. પરંતુ ગરણી શોધવામાં એટલી બધી વાર લાગી કે ચાને ખરાબ લાગી ગયું અને અડધી ચા ઉભરાઇ ગઈ. યશવંતભાઇ કરૂણાભરી નજરે ઉભરાયેલી ચા સામે જોઇ રહ્યા. ડરતાં ડરતાં તપેલીમાં નજર કરી.. કશું બચ્યું છે ખરું ? સદનસીબે થોડી ચા બચી હતી ખરી. હાશ…. કરી ઝડપથી બચેલી ચા ગાળવા ગયા. પરંતુ સાણસી પકડતા ફાવ્યું નહીં. વળી અડધાની બીજી અડધી ચાએ નીચે જમીન તરફ પ્રયાણ કર્યું. અંતે બચી-ખૂચી ચા ગાળી, કપ હાથમાં લઈ નવરા બની ગયેલ યશવંતભાઇ ચા પીવા બેઠા. ત્યાં….ધડાધડ બારણે બેલ…

જાણે ધરતીકંપ આવ્યો. અત્યારે વળી કોણ ? શાંતિથી એક ચા પણ પીવા નથી મળતી. રાતાપીળા થતાં યશવંતભાઈએ બારણુ ખોલ્યું.
‘કોણ છો ભાઈ, આવો. શું કામ છે ?’
‘ધોબી છું…. આ કપડાં ગણી લો અને બીજા આપવાના છે ?’ માથુ ખંજવાળતાં યશવંતભાઇને સમજ ન પડી. ધોબીને શેઠની દયા આવી ગઈ.
‘ઠીક છે… કાલે બેનને પૂછી જઈશ. તમને નહીં સમજાય. લો…આ કપડાં મૂકી દો….’ ધોબીએ કદાચ આવા કંઇક યશવંતભાઇઓ જોઈ નાખ્યા હતા.
‘આ બધા કપડાં અમારા છે ?’
‘ના..ના…બીજાના તમને દાન આપી જાઉં છું….’ ધોબીના ન બોલાયેલા શબ્દો યશવંતભાઇને સંભળાયા.
તેમણે કપડાં લીધાં. બારણું જોશથી બંધ કરી ધોબી ગયો.

ઠંડી થઈ ગયેલ ચા પીવી કે નહીં એ યશવંતભાઇને સમજાયું નહીં. આમ પણ ચા તો નામની જ બચી હતી. છતાં પીવા બેઠા તો ખરા. એક ઘૂંટડો ભર્યો… કંઈ મજા ન આવી. ત્યાં ફરીથી બેલ વાગી. તેમનો ચહેરો દયામણો બની ગયો. વળી કોણ હશે ? આ તે ઘર છે કે ? બારણા ખોલવા કોઈ પટાવાળો રાખવો જોઇએ… એમ વિચારતા યશવંતભાઇ ઉભા થયા. દરવાજો ખોલ્યો… પત્નીને જોઇ થોડી હાશ થઇ. ત્યાં પત્ની તરફથી ઉલટતપાસ આવી.
‘એક દરવાજો ખોલતા આટલી વાર ?’
‘મને એમ કે કોણ હશે ?’
‘પણ તને આટલી વાર કયાં લાગી ?’ પત્નીનો ઠાવકો જવાબ…
‘આજે તમે ઘેર જ હતાં તો થયું કે જીતને ટયુશનમાં મૂકવા જાઉં છું તો ભેગા ભેગા મીનાબેનને ઘેર પણ જઈ જ આવું. કેટલા દિવસથી ખબર કાઢવા જવાતું નહોતું.’ પછી ત્યાં પડેલ પોટલા સામે નજર જોતાં પૂછયું, ‘ધોબી આવી ગયો ? કેટલા કપડાં આપી ગયો ?’
‘તેં આપ્યા હશે એટલાં જ આપી ગયો હશે ને ? કંઈ કોઇના લઈને વધારે ન આપી જાય. એટલી સમજ પડવી જોઇએ.’ યશવંતભાઇએ સ્મિત કરતાં સ્માર્ટ જવાબ આપ્યો.
‘વધારે ન આપી જાય…પણ ઓછા જરૂર આપી જાય..ગણીને લેવા જોઇએ.’ સામો ફટકો આવ્યો, ‘અને એના ગોટાળાની તમને હજુ ખબર નથી. ખેર ! હવેથી જરા ધ્યાન રાખજો’
‘હવેથી..?’ યશવંતભાઈ ચોંકી ગયા પણ બોલ્યા વિના ચૂપચાપ સાંભળી રહ્યાં. ઓફિસમાં પોતે ખીજાતા હતા ત્યારે નીચેના માણસો કેવા ચૂપચાપ સાંભળી લેતા હતા. આજે પોતે અહીં બોસ થોડા હતા ? ઓફિસમાં ભલેને હોશિયાર ગણાતા હોય અહીં સાવ ‘ઘોઘા’ હતાં.
અનુરાધાબેન હવે રસોડામાં ગયા. અંદર જતાંવેત જ જાણે સાપ જોયો હોય તેમ બૂમ આવી.
‘આટલીવારમાં આ શું રમખાણ કરી નાખ્યું છે ?’
‘જરા ચા ઉભરાઇ ગઇ હતી.’ આરોપીએ ધીમેથી જવાબ આપ્યો.
‘અરે, એક જરાવાર રાહ ન’તી જોવાતી ? હું આવીને ચા ન કરી દેત ? મારું કેટલું કામ વધારી દીધું ? અને આ શું દહીં ઢોળ્યું છે કે શું ? હે ભગવાન.. કંઈ આવડે નહીં તો કરતા ન હોય તો..’ બધું સાફ કરતાં અનુબેન પાસેથી અત્યારે દૂર ખસી જવામાં જ સલામતી છે એટલું ન સમજે એવા કંઈ યશવંતભાઇ મૂર્ખ થોડા હતા ? ‘પોતાને કંઇ નથી આવડતું’નું સર્ટીફિકેટ લઈ યશવંતભાઇ બેઠાં રહ્યાં.

સાંજે થોડું ચાલવા જવાનું મન થયું. પણ એકલાં એકલાં કેમ મજા આવે ? અને કોઈ મિત્રો બનાવવાનો તો સમય જ ક્યાં મળ્યો હતો ? પત્નીને કહી જોયું. પણ તે થાકી હતી. માંડ થોડીવાર નિરાંત મળી છે. હમણાં પાછી બીજી શીફટ ચાલુ થશે. તેની પાસે સમય જ કયાં હતો ? છતાં એકલા તૈયાર થયા.. ચાલ, થોડો બહાર આંટો મારું. જરા સારું લાગશે. ત્યાં…..પૌત્ર તેની મમ્મી સાથે ટયુશનમાંથી આવી ગયો હતો. તે દાદાજી પાસે આવ્યો.
‘દાદાજી, મમ્મી કહે છે આજથી તમે મને હોમવર્ક કરાવશો.’ પૂત્રવધૂએ આવીને શું કરાવવાનું છે…. કેમ કરાવવાનું છે તે બધું દાદાજીને વિગતવાર સમજાવ્યું.
‘પપ્પાજી, હવે તમે ફ્રી છો તો હવેથી જીતને રોજ તમે જ લેશન કરાવજો. જેથી હું પણ થોડી ફ્રી થઈ શકું અને મમ્મીને મદદ કરાવી શકું. આજથી જીત તમારી જવાબદારી.’ નવરા દાદાજી શું બોલે? ચૂપચાપ પૌત્રને લેશન કરાવવા બેસી ગયા. પણ ફાવ્યું નહીં. આવડતું તો બધું હતું પણ…શીખડાવતા ન ફાવ્યું. નાનકડા જીતને શીખવવામાં જે ધીરજ કે સંયમ જોઇએ તે પોતામાં કયાં હતાં ? જરા મોટેથી કહેવાઇ ગયું. જીતે લેશન અને દાદાજી બંનેનો બહિષ્કાર કરી દીધો : ‘દાદાજી પાસે લેશન નથી કરવું… ખીજાય છે.’ કહી તેણે ભેંકડો તાણ્યો…. યશવંતભાઇ ખિસિયાણા પડી ગયાં. નિષ્ફળ દાદાજીને પણ મોટેથી ભેંકડો તાણવાનું મન થઈ ગયું. પણ શું કરે ? પોતે તો મોટા હતા. દીપાલી અંદરથી દોડી આવી અને જીતને લઈ ગઈ. મોઢેથી તો કશું ન બોલી પણ યશવંતભાઇની સામે જોતી જોતી જીતનો હાથ પકડી અંદર લઈ ગઈ.
‘નવરા છો તો આટલું યે ન કરી શકયા ? નાનકડા પૌત્રને યે ને સમજાવી શકયા ?’ તેની આંખમાં રહેલી ફરિયાદ, ઠપકો નિષ્ફળ દાદાજી મૌન બનીને દયામણે ચહેરે સાંભળી રહ્યા.

રાત્રે જમવાનો સમય થતાં ચૂપચાપ પરાણે જમી લીધું. નવરા થઈને પોતે કંઈક ગુનો કરી નાખ્યો હોય કે પોતે નકામા થઇ ગયા હોય તેવો અહેસાસ મનમાં જાગ્યો. જમીને દીકરો વહુ તેના રૂમમાં ગયા. સવારે બંનેને નોકરીએ જવાનું હતું… વહેલા ઉઠવાનું હતું. તેથી જલ્દી જલ્દી સૂવા ગયા. પત્ની જરાકવાર તેની મનપસંદ સિરીયલ જોતી હતી. સાવ નવરા પડેલ યશવંતભાઈને ખબર ન પડી કે તે શું કરે ?

રિટાયર્ડ થયાના ચોવીસ કલાક પૂરા થયા હતાં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રંગોત્સવ-2012 – સંકલિત
પોળોનાં મંદિરો – રમેશ ઠક્કર અને જગદીશ ભટ્ટ Next »   

41 પ્રતિભાવો : રિટાયર્ડ…. – નીલમ દોશી

 1. સુંદર રજુવાત.

  “નિવૃત થયા પછી
  કોઇ પ્રવૃત્તિ નથી

  શહેર ના ટ્રાફિકથી બચ્યો છું
  ને ઘરમાં અટવાયો છું”

  • વાર્તા ર્હદય ને હચમચાવી નાખે તેવી છે.નિવ્રુત્તિ માણવી સહેલી નથી.નિવૃત્તિ એટલે કામથી મુક્તિ એ બરાબર નથી.જો ઘરમાં ઉપયોગી ન થઇએ તો ઘરના સભ્યોને તમે અળખામણા થઇ જવાના. હવે સાચી પ્રવૃત્તિ શોધી મનના એકાંતને પ્રભુ ભક્તિથી માણવાની પ્રવૃત્તિ કરવાની જરૂર છે પણ સાથેસાથે ઘરના સભ્યોને ઉપયોગી થવાની એટલી જ જરૂર છે.નિવ્રુત્તિમાં વૃત્તિ પ્રવૃત્તિ છોડી દ્દેવાની નથી ને ? પવૃત્તિથી નિવૃત્તિ એટલે જીવનનો અંત અર્થાત મૃત્યુ.

   મહેન્દ્ર સોલંકી.

 2. સુંદર રજુવાત.

  નિવૃત થયા પછી
  કોઇ પ્રવૃત્તિ નથી

  શહેર ના ટ્રાફિકથી બચ્યો છું
  ને ઘરમાં અટવાયો છું

  • priyangu says:

   કેટલાં હતા ટાયર્ડ કે થયા રિટાયર્ડ..
   વૃત્તિ ની કે પ્રવૃત્તિ ની ખરી નિવૃત્તિ !!
   જીવન પ્રભુ નુ છે ચલચિત્ર સેટાયર્ડ

 3. Hitesh Zala says:

  sundar rajuat office ane gar ma fark hoy che,Hiral bahen no pratibhav saras che

 4. jignesh says:

  કડવી વાસ્તવિકતા. પરંતુ જો રિટાયર્ડ માણસો જુદી જુદી સામાજીક પ્રવ્રુત્તિઓમાં મન પરોવે તો બંને પક્ષે ફાયદો થાય.

 5. JITENDRA J TANNA says:

  ખુબ જ સરસ.

 6. Krishnakumar says:

  ઘણી સરસ અને વાસ્તવીકતા ને ઉજાગર કરતી વાર્તા વાંચવાની મજા આવી, ખાસ તો હું હાલમાં જ રીટાયર્ડ થયેલ છુ, તેથી આ બધા અનુભવો માંથી પસાર થઇ રહ્યો છું.

 7. NAVINBHAI RUPANI (U.S.A,) says:

  સમજે તેના માટે સારિ ચ્હે બાકિ તો હરિ ઓમ્……………..

 8. આટલા લાબા લેખમા નવીનતા ??? ઠીક છે, હવે!

 9. Divyesh says:

  સરસ વાર્તા. સારુ નિરુપણ….

 10. Neha says:

  very nice, enjoyed a lot

 11. Vaishali Maheshwari says:

  Very beautiful detailed description of a “Retired” person’s first day at home.

  It was his first day at home after retirement, so it will take a while for him to adjust to the home environment and later if he talks to his wife and family members, they all can think about what activities Yashwantbhai enjoys more. They can assign some household work to him so that he can be a helping hand to his family members, but at the same time he should be given freedom to just sit and relax and also if everyone could spend some quality time with him in this stage of his life, it would be simply great.

  Very nice story and thought provoking. Thank you so much for sharing it with us Ms. Neelam Doshi.

 12. Mital b gamit says:

  Khub j saro lekh 6 maza aavi

 13. Amit Patel says:

  આ રમૂજી વાર્તાતો નથી જ. જ્યારે મારા પપ્પા રીટાયર્ડ થયા ત્યારે તેમણે ઘણા સપનાઓ જોયા હતા અને જેમ જેમ પત્યા એટલે પછી ફરી નવા કામ પર લાગી ગયા. હવે રીટાયર્ડ એટલે નોકરી-બદલી. work till death એ નિયમ છે.

 14. Ketan patel says:

  Lekh khub j saras che. Manas matra nokari mathi ritayad thay che. Sansar thi nahi.

 15. vraj dave says:

  વાહ ખુબજ વાસ્તવીક …જાણે કેમ મારી જ વાત કેમનો હોઇ…

 16. nilam doshi says:

  thanks to all… this is just story of a common man.in lighter way..

 17. jaimin shah says:

  ખુબ ખુબ ખુબ સરસ. નીલમબેન સાચ્ચે જ એક કડવી વાસ્તવિકતા..

 18. jagruti says:

  સાચિ હકિકત દરેક માનવનેી

 19. amirali khimani says:

  હુ પ્ણ હાલ્માજ રિટાય્ડ થ્યો છુ જિવન નિ આ વાસ્તિક્તા છે હુ અહિનિ એક નામાકિત કમ્પ્નિમા ચિફ એકાવ ટન્ટ અને સેક્રેટ્રિ હ્તો રિટાય્ર થ્તા અવિજ સ્મ્શ્યા ઓ ઉભિ થઇ અને અડજ્સટમેન્ટ કઠિન લાગ્યુ હવે શુ કરવુ તે સ્મ્જાતુ ન્હોતુ.પ્ણ આભાર પ્સિ ક્મ્પ્યુટ્ર્નો મે તો એક ક્મ્પ્યુટર લિધુ અને ગુજરાતિ વેબ જ્ગ્ત ગોતિ બ્લોગ્સ અને ઓન લાય્ન છાપા લેખો નિબ્ન્ધો નુ વાન્ચ્ન શરુ કરિયુ બ્સ હવે આપ્ણે ભ્લા અને આપડુ પિસિ ભ્લુ.આધુનિક જ્ગ્ત નિ આ સુવિધ્યા રિટાય્ડ લાયફ મા અતિ ઉપ્યોગિ છે.ગુજરાતિ ક્વિઓ લેખકો નો આભાર કે આવિ સ્ર્ર્સ સુવિધ્યા ઉપ્લ્ભ થય શ્કિછે.ગુજરાતિ સહિત્ય પ્રરિશદ ને આ માધ્યમ થિ અર્જ કરુ છુ ક્રુપ્યા આ બાબ્ત વિચર કરિ જ્રુરુર ધ્યાન આપ્શો તો મારા જેવા કેટ્લાય નિવ્રુતો ને શહાય રુપ થાય્.

 20. sumeet says:

  ખુબજ સુંદર રજૂઆત…
  માણસ રીટાયર્ડ થાય છે. જીન્દગી અને કામ નહિ.. કદાચ અન્ય લોકોને આ ટૂંકી વાર્તા કડવી લાગી હશે પણ મને ખુબજ સારી લાગી કારણ કે દરેક વ્યક્તિને સમય અનુસાર બદલાવું જોઈએ. એ ટૂંકી વાર્તા પરથી પુરવાર થાય છે. કારણ કે આનંદ જીન્દગી ની ટૂંકી ટૂંકી વાતો અને ઘટના માજ સમાયેલો છે.

 21. Pushpa Goswami says:

  નિવ્રુત થનાર ને અને પત્નિ ને આરામ અને મર્જિ મુજબ દિન્ચર્યા હોવેી જરુરેી ચ્હે.

 22. હજુ તો ૨૪ કલાક જ થયા છે, આખી જીન્દગી કેમની પસાર થશે ?

 23. snehal says:

  આ એક બદલાતો સમય છે જેને સમજવો જરુરેી છે. અને તે મુજબ પ્રવૃત્તિ શોધવેી અને કાર્યરત રહેવુ જોઈઍ.ઘરનુ કામ એટલે ગૌરવહેીન કામ અને ઓફિસમાઁ કામ એટલે ગૌરવશાળેી કામ એ ભાવનાથેી બચવુઁ જોઈઍ.અને પ્રથમથેી જ અમુક પ્રકાર્ર્નેી બાબતોમાઁ રસ લેવો જોઈઍ જેથેી મુશ્કેલેી ન થાય. અને જિઁદગેી એ કાઁઈ સ્વેીચ ઓન- ઓફ જેવેી બાબત નથેી કે એક દિવસમાઁ સેટ થઈ શકાય.વ્જેી ર્થેેીતે નિરાશ ન થતાઁ કેવેી રેીતે આપણેી ઉપયોગિતા ઉભેી કરવેી તે વિચારવુ જોઈઍ.બાકેી ચલતેી કા નામ જિઁદગેી એ યાદ રાખ્વુ જોઈઍ.અને ખુશેીથેી ,આનઁદથેી જેીવવુઁ જોઈઍ.
  જેમ જિઁદગેી ખતમ થયા પછેી પણ એક નવેી જિઁદગેી છે તેમ રેીટાયર્ડ થયા પછેી નવેી જિઁદગેી શરોૂ કરવેી જોઈઍ.
  બહુ સર્રસ સ્ટોરેી છે ,જિઁદગેીનેી ક્ડવેી વાસ્તવિકતા છે.પ્રેમ્થેી સ્વેીકારવેી જ્જોઈઍ.
  નેીલમબહેનને ધ્ન્યવાદ.

 24. નીલમબેન બહુજ સરસ વાર્તા. આખી જિન્દગી કામ કર્યા પછી વ્યક્તિ ઘરમાં કેટલો લાચાર બને છે એ યશવંતભાઈ ના પાત્ર દ્વારા દર્શાવ્યું છે. .જીન્દગીભર પ્રવ્રુત્ત રહેલો માનવી નિવ્રુત્તિમાં પ્રવ્રુત્ત રહી શકતો નથી.દરેક વ્યક્તિ એ પોતાની પસંદગી અનુસાર કંઇ ને કંઈ પ્રવ્રુત્તિ ખોળી કાઢવી જોઈએ. જીન્દગીનો પાછ્ળનો સમય ખરેખર પૂર્ણ કરવો મુશ્કેલ હોય છે જો કંઈ દિશા નહોય તો .કોઇ પણ પ્રવુતિ સાથે પોતાને વ્યસ્ત રાખ્યા વિના છૂટકો નથી. નહીંતો આ સમયમાં કોઈને કોઇના માટે સમય નથી તમારા માટે કોણ સમય ફાળવશે ? સુન્દર વાર્તા. આભાર નીલમબેન .

 25. AJAY OZA says:

  ખૂબ સરસ વાર્તા. અભિનંદન્..

 26. HIRAL SONEJI says:

  ખુબ જ સરસ લેખ ચ્હે.
  અતિ સુન્દર

 27. Dharmdeep Dodiya says:

  khub sundar lekh chhe.. Sapna ane vastavikta ma farak hoy , e sikhva male chhe..

 28. gita c kansara says:

  નિવ્રુતિમા પ્રવ્રુતિ.કાર્ય કરવાનેી વ્રુતિ બદ્લાય.રુચેી પોતનેી શક્તિ અનુસાર નવિન પ્રવ્રુતિ શોધેીને બેીજાને બોજારુપ નહેી બ્લ્કે સમાજ્ને પોતના પરિવારમા યોગદાન આપવુ જરુરેી.

 29. gita kansara says:

  સત્ય વાસ્તવિક્તા. નિવ્રુતિમા પ્ર્વ્રુતિશિલ બનેી જવુ.લેખ ઉત્તમ્.મજા આવેી ગઈ.

 30. arjun chauhan says:

  સરસ વાર્તા

 31. ashish dave says:

  વડીલો ને વિન્ઁતી આ ઉમ્ઁરે હવે તો સ્વાર્થ સાધો…..ખૂબ સરસ વાર્તા

 32. virji says:

  I like the story. In my opinion, the family should give him time to get adjusted to the new situation at home. He spent his whole life for the family and worked, now it’s his time to relax and enjoy the life. Then, the family should ask him, how he want to help around the house, so he could be active and get some slow time, at the same time, he can help the family too.

 33. pjpandya says:

  નિવ્રુતિમા મન્સિક નિવ્રુતિ ન લેવિ જોઇએ

 34. Bachubhai says:

  Very nice story, we have remember that after retire ment you have to find out good work that family like and you enjoy

 35. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નીલમબેન,
  નિવૃત્તી પછીની જિંદગીને “બોનસ લાઈફ” ગણીને આનંદપૂર્વક જીવવામાં આવે તો ખાસ વાંધો નથી આવતો. બસ એક સૂત્ર રાખવાનુ – ” કોઈને નડો મા ” – બસ, પછી એ … બગીચામાં નિવૃત્ત મિત્રો જોડે ગપસપ કરવી, લાફિંગ ક્લબમાં મોટેથી ખુલ્લા દિલે હસવાનું, થોડીક કસરતો કરવાની, મિત્રો જોડે હસાહસ કરતાં આનંદથી બચેલી જિંદગી પસાર કરવાની.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 36. parulben patoliya says:

  વાર્તા સરસ

 37. viral says:

  જીતે લેશન અને દાદાજી બંનેનો બહિષ્કાર કરી દીધો : ‘દાદાજી પાસે લેશન નથી કરવું… ખીજાય છે.’ કહી તેણે ભેંકડો તાણ્યો…. યશવંતભાઇ ખિસિયાણા પડી ગયાં. નિષ્ફળ દાદાજીને પણ મોટેથી ભેંકડો તાણવાનું મન થઈ ગયું. પણ શું કરે ? પોતે તો મોટા હતા.
  – ખુબ સુદર રજુઆત

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.