- ReadGujarati.com - http://www.readgujarati.com -

રિટાયર્ડ…. – નીલમ દોશી

[ રીડગુજરાતીને આ રમૂજી વાર્તા મોકલવા માટે શ્રીમતી નીલમબેન દોશીનો (ભુવનેશ્વર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો.]

બસ હવે તો એક મહિનો… છેલ્લો મહિનો…પછી પત્નીની….અનુરાધાની બધી ફરિયાદ દૂર થઈ જશે. પછી તો સમય જ સમય છે. હવે પત્નીના સાન્નિધ્યમાં રહેવા મળશે. સાચા અર્થમાં અમારું સહજીવન શરૂ થશે. જિંદગી માણવાની તક હવે જ મળી છે. અનુની બધી ફરિયાદ હવે દૂર થશે. આટલા વરસો કંપનીને આપ્યા. હવે મારા સમય પર અનુનો પૂરો અધિકાર છે. એની બિચારીની બધી ફરિયાદ સાચી છે. કાલથી જીવન બદલાશે…બધી ઘરેડમાંથી બહાર નીકળી જીવન શાંતિથી આરામથી વીતાવશું. બસ હવે તો મારી પાસે બધા માટે સમય જ છે. અને પછી તો….જિંદગી એક સફર હૈ સુહાના…..

ટાઈ બાંધતા બાંધતા યશવંતભાઇ ગણગણી રહ્યાં. ચહેરા પર સ્મિતની એક લહેરખી ફરી વળી. 58 વરસની ઉંમર થઇ હતી પણ લાગતા હતા 50 જેવા. બિલકુલ તંદુરસ્ત. આ તો કંપનીની વયમર્યાદાની પોલીસીને લીધે નિવૃત્તિ આવી પડે તેમ હતી. બાકી કામથી ક્યાં થાકયા હતા ? થાકવાની તો વાત જ ક્યાં હતી ? કામનો એક નશો હતો. સારી કંપનીમાં જનરલ મેનેજરની પ્રતિષ્ઠાભરી પદવી હતી. માન હતું, ઇજજ્ત હતી, સત્તા હતી. જોકે તેમના વર્કોહોલિક સ્વભાવની પત્નીને હંમેશા ફરિયાદ રહેતી : ‘તમે હંમેશા મોડા આવો છો. બસ કામ, કામ ને કામ. કોઈ દિવસ શાંતિથી સાથે બેસવા ન પામીએ. તમારી કંપની કયારેય મળે જ નહીં.’ આ તેમની હંમેશની ફરિયાદ હતી. અને વાતે ય સાચી હતી. પોતે ઘરમાં કે પત્નીને પૂરતો સમય નથી આપી શકતા તેનો એહસાસ યશવંતભાઈને પણ હંમેશા રહેતો. પરંતુ કંપનીની જવાબદારીને લીધે ઘર કે પત્ની માટે ખાસ સમય ન ફાળવી શકતા.

પરંતુ હવે સંજોગો બદલાવાના હતા. હવે પોતે પત્નીની ફરિયાદ દૂર કરી શકશે. ઘરમાં પૂરેપૂરો સમય આપી શકાશે. નિરાંતે હીંચકા પર બેસીને છાપુ વાંચવાનું અને કડક, મીઠી ગરમાગરમ ચા…. વાહ…. મજા આવી જશે. ચા પીતા પીતા પત્ની સાથે દુનિયાભરના ગપ્પાં મારશે. પૌત્ર સાથે રોજ સાંજે બગીચામાં રમશે. બસ… હવે ઘણું કામ કર્યું….હવે જિંદગી માણવાની….એક એક પળ જીવવાની. બીજા કોઇ પ્રશ્નો હતા નહીં. ભર્યુંભાદર્યું ઘર હતું. પત્ની હતી, દીકરો-વહુ હતા અને મૂડીના વ્યાજ જેવો નાનકડો સાત વરસનો મીઠડો પૌત્ર હતો. હવે બધા સાથે મળીને કિલ્લોલ કરીશું. હવે તો બસ કુટુંબમેળાનાં કંકુછાંટણા…. યશવંતભાઇ મનોમન મલકાઇ રહ્યાં.

મૂઠ્ઠીમાંથી સરતી રેતીની માફક સમય સરી રહ્યો. મહિનાને જતા શી વાર ? હંમેશા સમયની સાથે દોડતાં યશવંતભાઈને સમયની બ્રેક લાગી ગઈ. નોકરીનો છેલ્લો દિવસ. પાંત્રીસ વરસની ઉજ્જ્વળ કારકિર્દી પર પૂર્ણવિરામ. ઓફિસમાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન… યશવંતભાઇના ગુણગાન ગાતા ભાષણો…સુંદર મજાની ભેટ.. થોડાં શરમાતા…. થોડા હસતાં…. યશવંતભાઇએ વિદાયની યાદગીરીરૂપે નમ્રતાથી ભેટ સ્વીકારી. બધાનો આભાર માન્યો. ફોટાઓ પડાવ્યા અને મીઠી સ્મૃતિઓ વાગોળતા એક ધન્યતા સાથે ‘graceful exit’ કરી તેઓ ઘેર આવ્યા. હાશ… હવે શરૂ થયું નિવૃત્તિની….. નિરાંતની….આરામદાયક પળો માણવાનું. રાત્રે વિદાય સમારંભની બધી વાતો ઘેર કરી. થોડું ગૌરવ અનુભવ્યું. હવે કાલથી નિરાંત… નો દોડાદોડી… પત્ની સાથે હળવી પળો માણીશું. એનો પણ મારી ઉપર કોઇ હક્ક તો ખરો ને ? બિચારી આટલા વરસોથી ફરિયાદ કરે છે. મારી પ્રતીક્ષા કરે છે. હવે તેની બધી ફરિયાદનો અંત. મીઠા શમણા સાથે યશવંતભાઈ ઊંઘની આગોશમાં….
સવારે રોજના સમયે જ ઊંઘ ઉડી ગઇ. તો પણ થોડીવાર એમ જ આળસમાં રજાઇ ઓઢી પડયાં રહ્યાં. ચાલવા કાલથી જશું. હજુ આજે તો પહેલો દિવસ છે. હવે તો રોજ રવિવાર જ છે ને ? યશવંતભાઇ નિરાંતે ઉઠયા. જો કે વચ્ચે પત્ની બે વાર ઉઠાડવા આવી ગઈ પણ પોતે જલદી મચક ન આપી. ઊઠી ફ્રેશ થઈ પત્નીને પણ પોતાની સાથે ચા પીવાની ઓફર મૂકી.
‘અનુ, ચાલ… તારો ચાનો કપ પણ અહીં જ લેતી આવ. નિરાંતે હીંચકા પર બેસીને સાથે ચા પીશું.’ જાણે કોઈ વિચિત્ર વાત કહી હોય તેમ અનુ….અનુરાધા પતિ સામે જોઇ રહી.
‘નિરાંત ? અત્યારે સવારના પહોરમાં ? કંઇ ભાન બાન છે કે નહીં ?’ આવી ગાંડા જેવી વાતનો શું જવાબ આપવો ? યશવંતભાઈને કશું સમજાયું નહીં. પત્ની આમ કેમ પોતાની સામે જુએ છે ? પોતે સાથે ચા પીવાની એક સામાન્ય વાત કહી તેમાં આમ બાઘાની જેમ સામે શું જુએ છે ? તેમણે ફરીથી પોતાની વાત દોહરાવી. પત્નીએ રસોડામાં જતાં જતાં જ જવાબ આપ્યો :
‘મેં તો કયારની પી લીધી છે. તમે પી લો. ત્યાં ટેબલ પર કપ મૂકયો છે.’
યશવંતભાઇને થયું પોતે મોડા ઉઠયા છે. બિચારી કયાં સુધી રાહ જુએ ? વાંધો નહીં. કાલે થોડો વહેલો ઊઠીશ. તેમણે હાથમાં પેપર લીધું. પેપર વાંચતા વાંચતા ચાની ચુસકીઓ ભરવાની મજા આવી. નિરાંતે વાંચવા જતાં હતા ત્યાં પત્નીનો અવાજ સંભળાયો : ‘હવે તમે છાપું મૂકીને નાહવા જાવ તો સારું. નોકર ચાલ્યો જશે તો કપડાં રહી જશે. આમેય હવે તમારે કયાં ઓફિસે જવાનું છે ? છાપું તો પછી નિરાંતે વંચાશે.’

યશવંતભાઈને પરાણે ઊઠવું પડયું. મનમાં તો થયું કે આટલા વરસોથી તો વહેલો જ નહાતો હતો ને? હવે ઓફિસ નથી એટલે જ તો થાય છે કે બધું નિરાંતે કરીશું પણ…ખેર….. બાથરૂમમાં જતાં જતાં યશવંતભાઈ વિચારી રહ્યા. જલ્દી જલ્દી નાહીને ફરી છાપું હાથમાં લીધું…. ત્યાં ચા યાદ આવી ગઈ. વરસોની ટેવ હતી ને ટી-બ્રેકની… તેમણે પત્નીને એક કપ ચાની ફરમાઇશ કરી… પણ…ત્યાં તો…. ‘હમણાં તો ચા પીધી હતી. ઘરમાં નવરા બેઠા બેઠા ચા જ પીધે રાખવાની છે કે બીજું કંઇ ?’ યશવંતભાઇ મૌન. ઓફિસમાં દર બે કલાકે આવતી ચાની ટેવ તેમને તડપાવી ગઈ. ત્યાં તો થોડું મોડું થતું તોયે પટાવાળાનું આવી બનતું અને આજે એક ચા માટે સાંભળવાનું ?…. તેમને જરા ઓછું તો આવી ગયું પણ પછી મનને મનાવ્યું કે અનુ એકલી બિચારી કેટલે પહોંચે ? વહુ નોકરી કરવા જાય એટલે બધી જવાબદારી પત્ની પર જ આવી છે ને ? હું રીટાયર્ડ થયો છું. તે થોડી થઈ છે ? મન મોટું રાખી તેમણે આશ્વાસન લીધું અને ફરી છાપામાં મન પરોવ્યું.

ત્યાં….
‘ઘરમાં નવરા બેઠા છો…. તે બજારમાંથી જરા શાક લાવી આપોને. મારે એટલો ધક્કો ઓછો.’
‘શાક ? શાક લેતા મને કયાં આવડે છે ? હું કયાં કયારેય શાક લેવા ગયો છું ?’
‘કયારેય નથી ગયા તો હવે જાવ… હવે એટલી મદદની આશા તો હું રાખી શકું કે નહીં ?’ પત્નીએ લીસ્ટ અને થેલી હાથમાં પકડાવી દીધા. યશવંતભાઈનું મોઢું થોડું કટાણું તો બની ગયું. પરંતુ પત્નીની વાત ખોટી તો નથી જ ને ? એટલી મદદ તો કરાવવી જ રહી. યશવંતભાઈ અનિચ્છાએ પણ અણગમતું કામ કરવા ઉપડયા. શાકમાર્કેટમાં જરાયે મજા ન આવી. કેટલી ગંદકી અને કેવો અસહ્ય કોલાહલ. રોજ તો આ સમયે એરકંડીશન્ડ ઓફિસમાં બેઠાં બેઠાં ચાની ચૂસકીઓ સાથે બિસ્કીટની મજા માણતા હોય. નાક આડે રૂમાલ રાખી માંડ માંડ જલ્દી જલ્દી લીસ્ટ પ્રમાણે શાક લઇને આવ્યા તો પત્નીને મોંઘુ લાગ્યું. ગુવાર જાડો ને ભીંડા ‘ગલઢા’ લાગ્યા. કાકડી કડવી નીકળી. એક ઘરરખ્ખુ ગૃહિણી બોલ્યા સિવાય કેમ રહી શકે ?
‘જરા ચાખીને ન લેવાય ?’
‘હું ત્યાં ચાખવા બેસું ? એવું બધું મને ન ફાવે….’ તે બબડતા રહ્યાં. થોડીવાર ટીવી ચાલુ કરી રીમોટ હાથમાં લઇ ચેનલો ફેરવી જોઈ પણ ખાસ મજા ન આવી. ત્યાં તો પત્નીની જમવા આવવાની બૂમ આવી :
‘હમણાં નહીં થોડીવાર પછી. હજુ તો ભૂખે ય નથી લાગી. નાસ્તો મોડો કર્યો હતો ને તે…’
‘એટલે તો સવારે કહેતી’તી કે નાસ્તો વે’લો કરી લો..ઠીક હવે…આજે જે થયું તે…ચાલો, જે ભાવે તે જમી લો. કામવાળી આવે તે પહેલા વાસણ તો ખાલી કરી દેવા પડશે ને ? કાલથી નાસ્તો વહેલો જ પતાવી લેજો.’ યશવંતભાઇ પરાણે જમવા બેઠા. ઓફિસમાં બધા તેમનો ટાઈમ સાચવતા. આજે તેમને કામવાળાના ટાઈમ સાચવવાના હતા.

જમીને આડા પડવાનો વિચાર કરતા હતા ત્યાં પત્નીનો અવાજ આવ્યો,
‘જીતની બસનો આવવાનો ટાઇમ થઈ ગયો છે. તમે જરા નાકા ઉપર જઈને તેડી આવોને. રોજ તો હું જતી હતી. હવે તમે આમેય નવરા છો તો તમે જઈ આવો. આમાં તો યશવંતભાઇથી ના પડાય કે દલીલ કરાય તેવું કયાં હતું ? યશવંતભાઈ સાત વરસના પૌત્રને લેવા તડકામાં નીકળ્યા. ઓફિસની એ.સી. કેબિનની યાદ અનાયાસે જ આવી ગઈ. પૌત્રને લઈને હાંફતા હાંફતા આવ્યા ત્યારે યશવંતભાઇ પરસેવાથી રેબઝેબ….. બાપ રે ! કેટલો તાપ પડે છે ? એ.સી.નું વહેલી તકે કંઈક કરવું પડશે… આજ સુધી સાલી ખબર જ ન પડી. હવે ઊંઘ આવે તેમ નહોતું. તેથી છાપું શોધવા લાગ્યા. હમણાં તો અહીં રાખીને ગયા હતા. પૂછપરછ કરતાં ખબર પડી કે એ તો કામવાળીએ બધું સરખું કરીને ‘જગ્યાએ’ રાખી દીધું હતું. યશવંતભાઈની જગ્યા કઇ હતી….તે કદાચ હજુ કોઈને ખબર નહોતી. નહીંતર કદાચ તેમને પણ જગ્યાએ ગોઠવી દીધા હોત. તેમણે પત્નીને કહ્યું,
‘હજું તો મેં વાંચ્યું પણ નહોતું…’
‘મને એમ કે આજે તો સવારથી તમે સાવ નવરા છો….તો વાંચી જ લીધું હશે ને?’ પત્નીનો જવાબ સાંભળી યશવંતભાઈ પોતાની નવરાશ વિચારતા રહી ગયા. પહેલે જ દિવસે બોલવું સારું નહીં… તે મૌન જ રહ્યા. પરંતુ મન અને મોં બંને કટાણા થઈ ગયા. થોડીવાર પરાણે આડા પડયાં. પડખા ફેરવ્યાં. પરંતુ ઊંઘ ન આવી. સામે ઘડિયાળમાં નજર કરી તો ચાર વાગી ગયા હતા. ત્રણ વાગે તો ચાનો ટાઈમ હતો. તેમણે પત્નીને બૂમ પાડી. પણ કંઇ જવાબ ન મળ્યો. ઊભા થઇને જોયું તો નોકર કચરો કાઢતો હતો. પૂછતાં તેણે કહ્યું કે બેન તો બાબાને ટયુશનમાં મૂકવા ગયા છે. કયારે આવશે ? એવા પ્રશ્નનો કોઇ અર્થ નહોતો. જવાબ કોણ આપે ? નોકર જરા વારમાં પોતાનું કામ કરી જતો રહ્યો. થોડીવાર રાહ જોઈ પણ પત્ની ન આવી. ચાની તલપ લાગી હતી. હવે ? ચાલ, જીવ, સવારથી નવરો જ છું ને ? આપ મૂઆ વિના સ્વર્ગે થોડું જવાશે ?

‘જાત મહેનત ઝિંદાબાદ’ કરી તે રસોડામાં ગયા. ફ્રીઝમાંથી ખાંખાંખોળા કરી દૂધની તપેલી લેવા ગયા ત્યાં આગળ રહેલ દહીંને ખોટું લાગ્યું હોય તેમ દહીંની વાટકી આગળ ધસી આવી અને જાતે ઢોળાઈ ગઈ. યશવંતભાઇ હાથમાં દૂધની તપેલી લઈ નીચે ઢોળાયેલ દહીં સામે કરૂણાભરી નજરે જોઇ રહ્યા. નોકર પણ ચાલ્યો ગયો હતો. હવે દહીં સાફ કરવા કપડું શોધવાની કવાયત ચાલી. અંતે કંઈક નેપકીન જેવું હાથ લાગ્યું ખરું. માંડમાંડ બધું સાફ કર્યું. હાથ ગંદા થઈ ગયા હતા. દહીંવાળા કપડાનો એક તરફ ઘા કરી તેમણે રસોડામાં ચા-ખાંડના ડબ્બા શોધવાની પ્રક્રિયા ચાલુ કરી. પણ એ કામ કંઈ ધાર્યું હતું તેટલું સહેલું ન નીકળ્યું. બે ચાર ડબ્બા ખોલ્યા… અંદરથી જાતજાતની અપરિચિત વસ્તુઓએ ડોકિયા કર્યા. ડબ્બા ઉપર ચિઠ્ઠી ચોંટાડતા શું થાય છે ? આટલા ડબ્બાઓની વણઝારમાંથી કયા ડબ્બામાં ચા-ખાંડ છૂપાઈને બેઠા હશે ? રસોડાનું ‘આઇ.એસ.ઓ.’ કરાવવું જોઇએ…. યશવંતભાઇ એકલા એકલા બબડી રહ્યા. અંતે ચા-ખાંડના ડબ્બા મળતાં યશવંતભાઈ વિજયીની અદાથી તેની સામે જોઇ રહ્યા. કેવા પકડી પાડ્યા ! પરંતુ પછી ચાનો મસાલો શોધવાની હિંમત તો ન જ ચાલી. પરંતુ નસીબ સારા હતા. ગેસનું લાઇટર શોધવામાં તકલીફ ન પડી. દીવાલ પર લટકતું લાઇટર સામે દેખાઈ જતા યશવંતભાઈ ખુશખુશાલ બની ગયા.

લાઈટર હાથમાં લઈ ગેસ ચાલુ કરતા ગયાં પણ લાઈટરે મચક ન આપી. ચાલુ થાય એ બીજા… એમ કોઈ પણ આવીને પોતાનો ઉપયોગ કરી લે એ અનધિકાર ચેષ્ટા તેનાથી સહન ન થઈ અને રિસાઇને બેસી ગયું. યશવંતભાઈ દયામણી નજરે લાઈટર સામે જોઇ રહ્યાં. હવે માચીસ કયાં શોધવી ? છેલ્લીવાર પ્રયત્ન કરવા ગયા ત્યાં એક ભડકો….અને ગેસ ચાલુ… ગેસ ઉપર પાણી ઉકળવા મૂકી ઉકળે ત્યાં સુધીમાં ગરણી અને સાણસી શોધવાનું અભિયાન ચાલુ થયું. એક કામની પ્રતીક્ષા કરતાં ઊભુ થોડું રહેવાય ? ચા ઉકળે ત્યાં સુધીમાં ગરણી શોધતા યશવંતભાઇના ફળદ્રુપ ભેજામાં સમય બચાવવાના અનેક ઉપાયો ઉભરાતા રહ્યા. ટાઇમ મેનેજમેન્ટ એટલે શું ? તેની આ બૈરાઓને સમજ જ ન પડે. તેથી જ તેમનો આટલો બધો સમય રસોઈ જેવા નાનકડા કામમાં જાય છે અને આખો દિવસ રસોડામાં ગોંધાઈ રહેવું પડે છે. કાલથી અનુને બધું વ્યવસ્થિત કરી આપશે. બધા ઉપર લેબલ લગાડી સમય કેમ બચાવવો એ શીખડાવશે. વિચાર કરતાં કરતાં યશવંતભાઇ ગરણી શોધતા રહ્યા. પરંતુ ગરણી શોધવામાં એટલી બધી વાર લાગી કે ચાને ખરાબ લાગી ગયું અને અડધી ચા ઉભરાઇ ગઈ. યશવંતભાઇ કરૂણાભરી નજરે ઉભરાયેલી ચા સામે જોઇ રહ્યા. ડરતાં ડરતાં તપેલીમાં નજર કરી.. કશું બચ્યું છે ખરું ? સદનસીબે થોડી ચા બચી હતી ખરી. હાશ…. કરી ઝડપથી બચેલી ચા ગાળવા ગયા. પરંતુ સાણસી પકડતા ફાવ્યું નહીં. વળી અડધાની બીજી અડધી ચાએ નીચે જમીન તરફ પ્રયાણ કર્યું. અંતે બચી-ખૂચી ચા ગાળી, કપ હાથમાં લઈ નવરા બની ગયેલ યશવંતભાઇ ચા પીવા બેઠા. ત્યાં….ધડાધડ બારણે બેલ…

જાણે ધરતીકંપ આવ્યો. અત્યારે વળી કોણ ? શાંતિથી એક ચા પણ પીવા નથી મળતી. રાતાપીળા થતાં યશવંતભાઈએ બારણુ ખોલ્યું.
‘કોણ છો ભાઈ, આવો. શું કામ છે ?’
‘ધોબી છું…. આ કપડાં ગણી લો અને બીજા આપવાના છે ?’ માથુ ખંજવાળતાં યશવંતભાઇને સમજ ન પડી. ધોબીને શેઠની દયા આવી ગઈ.
‘ઠીક છે… કાલે બેનને પૂછી જઈશ. તમને નહીં સમજાય. લો…આ કપડાં મૂકી દો….’ ધોબીએ કદાચ આવા કંઇક યશવંતભાઇઓ જોઈ નાખ્યા હતા.
‘આ બધા કપડાં અમારા છે ?’
‘ના..ના…બીજાના તમને દાન આપી જાઉં છું….’ ધોબીના ન બોલાયેલા શબ્દો યશવંતભાઇને સંભળાયા.
તેમણે કપડાં લીધાં. બારણું જોશથી બંધ કરી ધોબી ગયો.

ઠંડી થઈ ગયેલ ચા પીવી કે નહીં એ યશવંતભાઇને સમજાયું નહીં. આમ પણ ચા તો નામની જ બચી હતી. છતાં પીવા બેઠા તો ખરા. એક ઘૂંટડો ભર્યો… કંઈ મજા ન આવી. ત્યાં ફરીથી બેલ વાગી. તેમનો ચહેરો દયામણો બની ગયો. વળી કોણ હશે ? આ તે ઘર છે કે ? બારણા ખોલવા કોઈ પટાવાળો રાખવો જોઇએ… એમ વિચારતા યશવંતભાઇ ઉભા થયા. દરવાજો ખોલ્યો… પત્નીને જોઇ થોડી હાશ થઇ. ત્યાં પત્ની તરફથી ઉલટતપાસ આવી.
‘એક દરવાજો ખોલતા આટલી વાર ?’
‘મને એમ કે કોણ હશે ?’
‘પણ તને આટલી વાર કયાં લાગી ?’ પત્નીનો ઠાવકો જવાબ…
‘આજે તમે ઘેર જ હતાં તો થયું કે જીતને ટયુશનમાં મૂકવા જાઉં છું તો ભેગા ભેગા મીનાબેનને ઘેર પણ જઈ જ આવું. કેટલા દિવસથી ખબર કાઢવા જવાતું નહોતું.’ પછી ત્યાં પડેલ પોટલા સામે નજર જોતાં પૂછયું, ‘ધોબી આવી ગયો ? કેટલા કપડાં આપી ગયો ?’
‘તેં આપ્યા હશે એટલાં જ આપી ગયો હશે ને ? કંઈ કોઇના લઈને વધારે ન આપી જાય. એટલી સમજ પડવી જોઇએ.’ યશવંતભાઇએ સ્મિત કરતાં સ્માર્ટ જવાબ આપ્યો.
‘વધારે ન આપી જાય…પણ ઓછા જરૂર આપી જાય..ગણીને લેવા જોઇએ.’ સામો ફટકો આવ્યો, ‘અને એના ગોટાળાની તમને હજુ ખબર નથી. ખેર ! હવેથી જરા ધ્યાન રાખજો’
‘હવેથી..?’ યશવંતભાઈ ચોંકી ગયા પણ બોલ્યા વિના ચૂપચાપ સાંભળી રહ્યાં. ઓફિસમાં પોતે ખીજાતા હતા ત્યારે નીચેના માણસો કેવા ચૂપચાપ સાંભળી લેતા હતા. આજે પોતે અહીં બોસ થોડા હતા ? ઓફિસમાં ભલેને હોશિયાર ગણાતા હોય અહીં સાવ ‘ઘોઘા’ હતાં.
અનુરાધાબેન હવે રસોડામાં ગયા. અંદર જતાંવેત જ જાણે સાપ જોયો હોય તેમ બૂમ આવી.
‘આટલીવારમાં આ શું રમખાણ કરી નાખ્યું છે ?’
‘જરા ચા ઉભરાઇ ગઇ હતી.’ આરોપીએ ધીમેથી જવાબ આપ્યો.
‘અરે, એક જરાવાર રાહ ન’તી જોવાતી ? હું આવીને ચા ન કરી દેત ? મારું કેટલું કામ વધારી દીધું ? અને આ શું દહીં ઢોળ્યું છે કે શું ? હે ભગવાન.. કંઈ આવડે નહીં તો કરતા ન હોય તો..’ બધું સાફ કરતાં અનુબેન પાસેથી અત્યારે દૂર ખસી જવામાં જ સલામતી છે એટલું ન સમજે એવા કંઈ યશવંતભાઇ મૂર્ખ થોડા હતા ? ‘પોતાને કંઇ નથી આવડતું’નું સર્ટીફિકેટ લઈ યશવંતભાઇ બેઠાં રહ્યાં.

સાંજે થોડું ચાલવા જવાનું મન થયું. પણ એકલાં એકલાં કેમ મજા આવે ? અને કોઈ મિત્રો બનાવવાનો તો સમય જ ક્યાં મળ્યો હતો ? પત્નીને કહી જોયું. પણ તે થાકી હતી. માંડ થોડીવાર નિરાંત મળી છે. હમણાં પાછી બીજી શીફટ ચાલુ થશે. તેની પાસે સમય જ કયાં હતો ? છતાં એકલા તૈયાર થયા.. ચાલ, થોડો બહાર આંટો મારું. જરા સારું લાગશે. ત્યાં…..પૌત્ર તેની મમ્મી સાથે ટયુશનમાંથી આવી ગયો હતો. તે દાદાજી પાસે આવ્યો.
‘દાદાજી, મમ્મી કહે છે આજથી તમે મને હોમવર્ક કરાવશો.’ પૂત્રવધૂએ આવીને શું કરાવવાનું છે…. કેમ કરાવવાનું છે તે બધું દાદાજીને વિગતવાર સમજાવ્યું.
‘પપ્પાજી, હવે તમે ફ્રી છો તો હવેથી જીતને રોજ તમે જ લેશન કરાવજો. જેથી હું પણ થોડી ફ્રી થઈ શકું અને મમ્મીને મદદ કરાવી શકું. આજથી જીત તમારી જવાબદારી.’ નવરા દાદાજી શું બોલે? ચૂપચાપ પૌત્રને લેશન કરાવવા બેસી ગયા. પણ ફાવ્યું નહીં. આવડતું તો બધું હતું પણ…શીખડાવતા ન ફાવ્યું. નાનકડા જીતને શીખવવામાં જે ધીરજ કે સંયમ જોઇએ તે પોતામાં કયાં હતાં ? જરા મોટેથી કહેવાઇ ગયું. જીતે લેશન અને દાદાજી બંનેનો બહિષ્કાર કરી દીધો : ‘દાદાજી પાસે લેશન નથી કરવું… ખીજાય છે.’ કહી તેણે ભેંકડો તાણ્યો…. યશવંતભાઇ ખિસિયાણા પડી ગયાં. નિષ્ફળ દાદાજીને પણ મોટેથી ભેંકડો તાણવાનું મન થઈ ગયું. પણ શું કરે ? પોતે તો મોટા હતા. દીપાલી અંદરથી દોડી આવી અને જીતને લઈ ગઈ. મોઢેથી તો કશું ન બોલી પણ યશવંતભાઇની સામે જોતી જોતી જીતનો હાથ પકડી અંદર લઈ ગઈ.
‘નવરા છો તો આટલું યે ન કરી શકયા ? નાનકડા પૌત્રને યે ને સમજાવી શકયા ?’ તેની આંખમાં રહેલી ફરિયાદ, ઠપકો નિષ્ફળ દાદાજી મૌન બનીને દયામણે ચહેરે સાંભળી રહ્યા.

રાત્રે જમવાનો સમય થતાં ચૂપચાપ પરાણે જમી લીધું. નવરા થઈને પોતે કંઈક ગુનો કરી નાખ્યો હોય કે પોતે નકામા થઇ ગયા હોય તેવો અહેસાસ મનમાં જાગ્યો. જમીને દીકરો વહુ તેના રૂમમાં ગયા. સવારે બંનેને નોકરીએ જવાનું હતું… વહેલા ઉઠવાનું હતું. તેથી જલ્દી જલ્દી સૂવા ગયા. પત્ની જરાકવાર તેની મનપસંદ સિરીયલ જોતી હતી. સાવ નવરા પડેલ યશવંતભાઈને ખબર ન પડી કે તે શું કરે ?

રિટાયર્ડ થયાના ચોવીસ કલાક પૂરા થયા હતાં.