નાનજી કાલિદાસ મહેતા – મહેન્દ્ર છત્રારા

[ આફ્રિકામાં ઔદ્યોગિક સામ્રાજ્યના સર્જક શ્રી નાનજી કાલિદાસ મહેતાના જીવનસંઘર્ષની કથા તાજેતરમાં શ્રી મહેન્દ્રભાઈ છત્રારાએ આલેખી છે; તેનો થોડો અંશ અહીં માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બાળ-રંગો

સૌરાષ્ટ્રમાં ગિરનાર, સોમનાથ, દ્વારકા, સુદામાપુરી ઉપરાંત અનેક તીર્થધામો આવેલા છે, તેમાંનું, એક શ્રી હરસિદ્ધ માતાનું મંદિર, તેની પાસે રાવલ, તેની અડોઅડ બારાડી વિસ્તારનું છેલ્લું ગામ તે ગોરાણા. રૂપાળું હાંડા જેવું, પંખીના માળા જેવું બે’ક હજારની વસતી વાળું ગામ. આ ગામમાં કાલિદાસ વિશ્રામનો પરિવાર રહે. તેમના સંતાનોમાં ગોરધનદાસ, નાનજીભાઈ, મથુરદાસ અને દેવકી બહેન. આ રઘુવંશી લોહક્ષત્રિય બદિયાણી શાખ ધરાવતા પરિવારમાં નાનજીભાઈનો જન્મ વિક્રમ સંવત 1944ના માગશર સુદ બીજ, ઈ.સ. તા. 17-11-1887ના શુભ દિને થયો.

ગોરાણામાં રાજ્યના વજેભાગનો ઈજારો, રાજ્યનું મોદીખાનું, ધીરધારનો ધંધો, તેલીબિયાં – અનાજની પરચૂરણ દુકાન ઉપરાંત આસપાસના ગામડાંઓનો કપાસ ખરીદી પોરબંદર વેચવો – આ વ્યવસાય. ઉપરાંત થોડી જમીન, જેમાંથી ખાવાના ખપ પૂરતું અનાજ આવે. ઘેર ગાય-ભેંસોના દૂઝણાં, ધંધાના પ્રવાસ માટે ઘોડાં… વરસે હજાર-બે હજાર કોરી આવક…. આનંદ-સંતોષનું જીવન. ધંધાના પ્રવાસોમાં જોખમ ઝાઝું, તેનાથી શરીર અને મન મજબૂત બનતાં. કાકા ગોકળદાસ પરિવારમાંથી પહેલી વાર જંગબાર ગયા, કમાયા, તેના પરથી નાનકડા નાનજીના ચિત્તમાં વિદેશ જવાનું પ્રેરણાબીજ રોપાયું.

માતા જમનાબેન વહેલી સવારે ઉઠાડે, દાતણ કરી લે, ત્યાં શિરામણમાં બાજરાનો ટાઢો રોટલો, તાજું માખણ, તાંસળી ભરીને દહીં ને ભેગું અથાણું હોય. શિરાવીને નિશાળે જવાનું. તેમના જીવન પર શિક્ષકોના જીવનની સાદગી, સ્વચ્છતા, નિયમિતતા, પ્રામાણિકતા, સચ્ચાઈના ગુણોની ગાઢ અસર પડી. નિશાળેથી છૂટીને બારેમાસ જળભરી રહેતી નદીમાં ધૂબાકા મારવા, બપોરે જમી-રમીને ફરીથી નિશાળે…. ચાર વાગે બપોરાની રજામાં રોટલો, દૂધ, ઘી, માખણની મજા લઈ ફરીથી નિશાળે. ત્યાં આંકની મોં પાઠ પતાવી, કસરત અને રમતગમત…. છેક દીવાબત્તી ટાણે ઘરે આવવાનું….. આખા ઘરના નિત્ય નિયમ મુજબ નાના-મોટા સૌ ઠાકર મંદિરે જાય. દર્શન જાપ કરી, ઝાલર વગાડી, ઘરે આવીને વાળુ કરતા. કોડિયાના અજવાળે વાળુ થાય, પછી આંગણામાં ખાટલા ઢાળી સૂવાનું…. તારાદર્શન કરતાં અનેક તરંગો સ્ફૂરે… વળી અજવાળી રાતોમાં સરખે સરખા છોકરાઓ મેદાની રમતો રમે. અધરાતે મા બોલાવવા આવે, ન માને તો ધખે ને બીજે દિ’ સવારે પીટે. અઠવાડિયામાં એક-બે વાર માર ન ખાય તો સંતોષ ન વળે ! ઘેર કાયમ મહેમાન હોય જ, વળી સુદામાપુરીથી દ્વારિકાનો મુખ્ય રસ્તો એટલે સાધુ-સંતો-યાત્રાળુઓ આવે. પિતાજી ખૂબ ભાવિક. પ્રેમપૂર્વક સૌને જમાડે. આમ, સાધુ-સંતોના સત્સંગ-ભજનનો લાભ બાળકોને મળે, ધાર્મિક સંસ્કારો કેળવાય.

પરિવાર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં માને, રોજ રાતે કથા-કીર્તન થાય. પિતાજી બસો બાવન વૈષ્ણવની વાર્તા વાંચે, છોકરાઓ સાંભળે. નાનકડા નાનજીનો સ્વભાવ ગરમ, તોફાનો કરે, મારામારી પણ થાય. રોજ સાંજે એકાદી ફરિયાદ આવે જ. ક્યારેક મામા વીસાવાડાથી આવ્યા હોય, તેઓ ખીજાય. નવ વર્ષની ઉંમરે ગુજરાતી બે ધોરણ પૂરા કર્યાં ને મામા વીસાવાડા તેડી ગયા. મામાની સ્થિતિ સાધારણ, પણ હેત અનરાધાર. બાજરાનો પોંક, ચીભડાં, મકાઈ, તરબૂચ, રાણ, કરમદાના ઢગલા થાય. માણસોના મન મોટા, ગામ આખું કુટુંબની જેમ રહે. દિવાળી – હોળી – જન્માષ્ટમીના તહેવારો રંગે-ચંગે-ઉમંગે ઉજવાય. વીસાવાડા (મૂળ દ્વારિકાથી) દરિયો નજીક, ભાઈબંધો સાથે દરિયાકાંઠે વખતોવખત જવાનું, મોજાંની સાથે દોડવાની શરત જામે. દૂર દરિયામાં જતા વહાણને જોઈ મનમાં અનેક પ્રશ્નો ઊઠે, સપનાઓ સળવળે ! કાકા દેશાવર ગયા, તેથી નાનજીના હૈયે દરિયો ખેડવાના કોડ જાગતા. વીસાવાડામાં ચાર ચોપડી પૂરી કરી, અભ્યાસમાં મન લાગતું ન હતું. તેથી બારમા વર્ષે બાપાની સાથે વેપારમાં જોડાઈ ગયા.

વેપારીના દીકરા માટે ઘરની દુકાનથી મોટી નિશાળ કઈ હોઈ શકે ?- દુકાનમાં ઘરાકને કાપડ ભરી આપવું, તેલ-ખાંડ-ગોળ જોખીને દેવા, ખેડૂત લાવ્યા હોય તે અનાજ –કપાસ-તેલીબિયાં જોખવા, હિસાબ કરવો. દ્રવ્ય વ્યવહારને બદલે વસ્તુ વિનિમયથી ગામડાના વહેવાર ચાલતા. મોસમનો માલ ખરીદી પોરબંદર પહોંચાડવાનું કામ બાર-તેર વર્ષના નાનજી ઉપર આવ્યું. આ જિંદગીની તાલીમ હતી. દિવાળી પછી ગાડા ચાલુ થાય, તે છેક વૈશાખ સુધી ચાલે. પંદર-વીસથી માંડી પાંત્રીસ-ચાલીસ ગાડા સાંજના ટાણે જૂતે, છેલ્લા ગાડામાં ધોતિયું, કસવાળી આંગળી, માથે પાઘડીવાળા નાનકડા નાનજી શેઠ હોય, માજીના બનાવેલા દૂધના થેપલાં, ગોળ, અથાણાં હોય. રસ્તામાં રામવાવે બે કલાકનો પોરો ખવાય, ભાતાના ડબરા ખૂલે, ને પછી પોરબંદર ઢાળા થાય વહેતા, તે વહેલી પરોઢે પોરબંદર… આડતિયાને માલ આપી, બાપાની ચીઠ્ઠી મુજબ ગોળ, કપાસિયા, તેલ, ખાંડ, ખજૂર, નાળિયેર વગેરે ખરીદી ગાડામાં ભરાય. બપોરે પોરબંદર વીસીમાં દોઢ આના (આજના દસ પૈસા)માં દાળ, ભાત, શાક, રોટલીનું પેટભર ભોજન કરી, સાંજે ગાડા હાલતા થાય. રસ્તામાં બાબડેશ્વર મહાદેવ નાસ્તા માટે રોકાઈ, રાતે રામવાવ બે કલાક ગાડા છૂટે. આકાશે તારા ખીલ્યા હોય, ચંદ્રનું આછું અજવાળું હોય. સામસામા દૂહાની રમઝટ બોલે, કોઈ વળી મીઠા રાગે ભજન ગાય. પરોઢિયે ગાડે જૂતે ને સૂરજ ઊગે એ પહેલા વરતુ નદીને કાંઠે…. બારેમાસ વહેતી વરતુ કાંઠે દાતણ-પાણી-સ્નાન કરીને ઘરે પહોંચતા.
.
[2] મહાભિનિષ્ક્રમણ ?

આમ, એક રાત ઘરે અને બે રાત ગાડામાં – કારતકથી વૈશાખ સુધી સાત માસ મુસાફરી થાય. આમ, બાર વર્ષ પૂરા થયાં. પણ હવે જીવ ચગડોળે ચડ્યો, મનમાં મથામણ થવા લાગી – ‘દુનિયામાં આવ્યા તો કંઈક કરી દેખાડવું, કોઈ સાહસ ખેડવું, ક્યાંક દૂર દૂર જવું….’ જીવ મંડ્યો ઊઠવા…. મેઘાણીજીએ એક દૂહામાં ગાયું છે-
‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ, સતની સીમુ લોપવા, જોબન માંડે જાગ !’
તેરમું વર્ષ બેઠું હતું. કેટલીક વાર્તાની ચોપડીઓ વાંચી હતી, તેમાં ધ્રુવાખ્યાન હતું. ‘ધ્રુવજીએ તપ કર્યું, તો ભગવાને દર્શન દીધાં’ – આ વાત મનમાં ઠસી ગઈ. ખીમો નામનો મેરનો છોકરો, પરમ મિત્ર. દિલ ખોલી વાત કરી શકાય. નાનજીએ કહ્યું : ‘મને અહીં ગમતું નથી, ક્યાંક દૂર જઈ તપ કરી ભગવાનને પ્રસન્ન કરવા છે, જો ભગવાન દર્શન ન દે, તો દેહ તજી દેવો છે !’ ખીમો ગળગળો થયો. એણે કીધું : ‘તમે અહીં ન હો, તો હું ક્યાં રહું ? હુંય ભેગો આવીશ !’

નિર્ણય થયો, રાત પડી, સૌ સૂઈ ગયાં, માળામાં પંખી જંપી ગયા, સોપો પડી ગયો. વેપારીના દીકરા એટલે દેહ પર ઘરેણાં ઝાઝાં. અને ઘરેણાં હોય તો જોખમ ઝાઝું. દાગીના ઊતારી પેટીમાં મૂક્યા, પટારામાંથી પંદરેક રૂપિયા લીધા. ઘરના મંદિરમાંથી ભગવાનની ચતુર્ભૂજ મૂર્તિ લીધી…. ને મધરાતે ગામ છોડ્યું. કોઈ સામે ન મળે એટલે રસ્તો છોડીને ખેતરનો માર્ગ લીધો. ચૌદ વર્ષનો ખીમો ને તેર વર્ષના નાનજી…. બાળક બુદ્ધિ. ક્યાંય પોરો ખાધા વિના સવાર સુધી ચાલતાં જ રહ્યાં. સૂરજ ઉગ્યે ભોમિયાવદરના પાદરમાં…. બાજુના ડુંગરની તળેટીમાં વડની ઘટા, શંકરની દેરી, તપ કરવાનું સર્વોત્તમ સ્થાન. નદીમાં સ્નાન કરી થાક ઊતારી પવિત્ર થઈ મંદિરમાં જઈ પ્રાર્થના કરી, બે’ક ભજન ગાયા. બપોરે ખીમો ગામમાં જઈ એક આનાનું અઢી શેર દૂધ લઈ આવ્યો તે પીને આરામ કર્યો. ઊઠીને પાછા ભજન, રાત પડ્યે ફરી દૂધ પીને મંદિરના ઓટલે પથારી કરી. બીજે દિ’ સવારે વહેલા ઊઠી નાહીધોઈ પદ્માસન વાળી સામસામે બેસી તપ આદર્યું. મનમાં ખૂબ શાંતિ થઈ. બપોરે ગામમાં જઈ લોટ લાવી, ખાખરાના પાનમાં લોટ બાંધ્યો. અડાયા છાણા, અગ્નિ પ્રગટાવી બાટી શેકી. દૂધની સાથે જમ્યા. ફરીથી દુનિયા આખીને ભૂલી જઈ પ્રભુ સ્મરણમાં લીન થયા. દિવસો વીતવા લાગ્યા. કેટલાક દિવસ બાદ માલધારી રબારીઓ ઘી વેચવા ઝારેરા ગામ ગયા, ત્યાંના વેપારીને વાત કરી, ‘મા’જનના રૂપાળા સરખા બે છોકરા મહાદેવ મંદિરે તપ કરવા આવ્યા છે, મજાના ભજન ગાય છે !’

હવે ઘરેથી નીકળ્યા, ત્યારે ‘ભગવાનની ભક્તિ કરવા જઈએ છીએ, અમારી ગોત કરશો નહીં.’ એવી ચીઠ્ઠી મૂકેલી. ત્યાં તો બીજે દિ’ દોડાદોડી થઈ પડી. ઘોડા છૂટ્યા. તપાસ કરતા ઝારેરા ગામ આવ્યા. વાત મળી, પત્તો મળ્યો, ભુવનેશ્વર આવી બેયને બાવડે ઝાલી ઘોડા પર નાખી ઘરે લઈ આવ્યા. પારાવાર અફસોસ થયો. તપ અધૂરું રહ્યું, ભગવાનનો ભેટો ન થયો, મનની મનમાં રહી ગઈ. ખૂબ રોયાં. વડીલોએ વિચાર કર્યો – ‘આ છોકરો હવે હાથ નહીં રહે, એને બાંધવો સારો ! આને પરણાવી દો !’ વીસાવાડાથી મામા આવ્યા, સમજાવીને પોતાની ભેળો લઈ ગયા. આ બાજુ બાપાએ ફટાણા ગામે નાનજીનું સગપણ કરી નાખ્યું. તેર વર્ષનો નાનજી ને કન્યા બાર વર્ષની ! હૈયામાં આઘાત લાગ્યો. એક જ વાત – ‘મારે ભગત થઈ જવું છે !’ આથી તો વડીલોએ ઉતાવળ કરી વૈશાખમાં લગ્ન કરી નાંખ્યા. પોતાની ઈચ્છા વિરુદ્ધ આ થયું હોવાથી નાનજીના હૈયામાં નિર્દોષ કન્યા તરફ અણગમાના બીજ રોપાયા. લગ્નજીવન તરફ અભાવ આવી ગયો હોય, તેવા અનેક લોકોએ જીવનના વિવિધ ક્ષેત્રોમાં, અસાધારણ સાહસ કર્યા હોવાનું પોતે ચોપડીઓમાં વાંચ્યું હતું. ગૃહસ્થ જીવનની સુંવાળી જિંદગી કે કુટુંબની મમતામાં ન બંધાવું અને નિશ્ચિત ધ્યેય માટે મથવું – એવો મનમાં નિશ્ચય થયો.

બનવા કાળ તે, લગ્ન થયાં તે વિ.સં. 1956માં ભયાનક દુષ્કાળ પડ્યો. આ છપ્પનિયા દુકાળે કંઈકને આંટીમાં લઈ લીધેલા. નાનજીનો પરિવાર પણ ભીડમાં આવી ગયો. દરમ્યાન મોટાભાઈનો કાગળ આવ્યો – ‘હું અહીં એકલો છું, બીજાના ભાગમાં કામ કરું છું. નાનાભાઈને મોકલો તો સ્વતંત્ર દુકાન કરીએ.’ આગાઉ તો પરદેશ જવાની સાફ ના હતી, પણ કાગળ વાંચીને બાપા પીગળ્યા. માને થયું કે ના પાડશું તો પાછો ભાગી જશે. મામાએ રાજી થઈને હા પાડી. કાકાના દીકરા આફ્રિકાથી દેશમાં આવેલા, તે કાનજીભાઈ સાથે જવું તેવું પરિયાણ થયું. ઈ.સ. 1900ના ડીસેમ્બરમાં જવાનું નિરધાર્યું. નાનજીનું હૃદય આનંદથી ભરાઈ – ઊભરાઈ ગયું. પરદેશ જવાની તૈયારી થવા લાગી. મન-પંખી હરખથી ચહેકવા લાગ્યું.
[ કુલ પાન : 90. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “નાનજી કાલિદાસ મહેતા – મહેન્દ્ર છત્રારા”

Copy Protected by Chetan's WP-Copyprotect.