પોળોનાં મંદિરો – રમેશ ઠક્કર અને જગદીશ ભટ્ટ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘વિરાસત વિજયનગરની’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. સર્જક શ્રી રમેશભાઈ ઠક્કર હાલમાં નાયબ કલેકટર તરીકે ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવી રહ્યાં છે અને શ્રી જગદીશભાઈ ખેડબ્રહ્મા ખાતે હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે બંને સર્જકોનો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 98795 24643 અથવા આ સરનામે rrthakkar@ymail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલીની હરિયાળી ટેકરીઓ અને ઘટાટોપ વનરાજી વચ્ચે હરણાવ નદીનાં નયનરમ્ય કાંઠે પોળોનાં પ્રાચીન મંદિરો શોભાયમાન છે. હરણાવ નદીનો ઉલ્લેખ પુરાણોમાં એક પવિત્ર નદી તરીકે થયેલો છે. આવા પ્રાકૃતિક વૈભવ વચ્ચે પોળોનાં જૈન, શિવ મંદિરો આવેલાં છે. આ મંદિરો આશરે ચૌદમી-પંદરમી સદીના હોવાનું મનાય છે. એનું સ્થાપત્ય અને શિલ્પો જોતાં તે સોલંકીકાલીન અવશેષો હોવાનું પ્રથમ નજરે લાગે છે. આમ છતાં એમાં તત્કાલીન ઈડર સ્ટેટના વંશજોનો પણ વારસો સચવાયેલો હોવાનું દૃષ્ટિગોચર થાય છે. ‘પોળ’ શબ્દ મારવાડી ભાષાનો શબ્દ છે જેનું ગુજરાતી થાય છે ‘પ્રવેશદ્વાર’ અથવા અંગ્રેજીમાં (Entrance) કહી શકાય. દેખીતી રીતે જ આ પ્રદેશનું જે ભૌગોલિક સ્થાન છે એ મારવાડ (રાજસ્થાન) અને ગુજરાતને જોડતા પ્રવેશદ્વાર તરીકેનું જ છે. આ મંદિરોની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં હિંદુ અને જૈન બંને સંસ્કૃતિનાં મંદિરો અડોઅડ ગોઠવાયેલા જોવા મળે છે. ગુજરાતમાં આ વિસ્તાર માટેની જાણકારી નહિવત છે. આપણે સહુ આવી કોઈ સુંદર, સાંસ્કૃતિક જગ્યા ગુજરાતમાં હોવા અંગે અજાણ છીએ. અને એટલે જ પોળોનાં મંદિરો વિશેની જાણકારી આપણા સહુ માટે જરૂરી બની જાય છે.

ગુજરાતની રાજધાની ગાંધીનગર અને ઐતિહાસિક નગર અમદાવાદથી માત્ર બે કલાકના રોડ માર્ગે આપણે પોળો સાઈટ સુધી પહોંચી શકીએ છીએ. અમદાવાદથી નેશનલ હાઈ-વે નં. 8 મારફતે હિંમતનગર, ત્યાંથી ઈડર થઈને વિજયનગર તાલુકામાં પોળો સાઈટ સુધીનું અંતર 110 કિ.મી. જેટલું થાય છે. માત્ર દોઢ-બે કલાકને રસ્તે આવું રમણીય અને ભવ્ય સ્થળ આવેલું છે એ હકીકત કોઈ પણ પ્રવાસીને માટે મનગમતી વાત છે. અહીં આવનાર પ્રવાસીઓને વિજયનગરનાં ગાઢ અને સુરક્ષિત જંગલો, અદ્ભુત એવી અરવલ્લીની લીલીછમ્મ ટેકરીઓ અને પર્યાવરણની રીતે તદ્દન સ્વચ્છ અને રળિયામણો પ્રદેશ જોવા મળે છે. રહેવા માટે સુંદર ગેસ્ટહાઉસ, બાજુમાં જ નાનકડો છતાં આકર્ષક એવો વણજ ડેમ અને હરણાવ નદીનો અતિ આકર્ષક ખુલ્લો અને વનરાજીથી લચેલો કિનારો પણ નિહાળવા મળે છે. ટ્રેકિંગ માટે અહીં સુંદર સાઈટ્સ છે. તો કેવળ પ્રકૃતિભ્રમણ કરનારા માટે સ્વર્ગસમાન જગ્યા છે. ખળખળ વહેતા ઝરણાં, વૈવિધ્યસભર વૃક્ષો અને ભોળાં ગ્રામ્યજનો અને તેમનાં ખોરડાં – આ તમામ પ્રાકૃતિક પરિવેશ આવનારને નવીન અને તાજગીપ્રેરક અનુભવ કરાવે છે.

ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદીના ભીના કિનારાની આસપાસ વસેલા નાનાં-મોટા નગરોના 7690 ચો.કિ.મી.ના વિસ્તારને સાબરકાંઠા એવું હુલામણું નામ આપ્યું છે. આ સાબરમતીનું નામ પુરાણમાં સાંભ્રમતિ એવું હતું. આવા સાબરકાંઠામાં આવેલ હરણાવ નદીના કિનારે હિંદુ અને જૈન સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી હતી. સાબરકાંઠાને અડીને રાજસ્થાનના શિરોહી, ઉદેપુર, ડુંગરપુર જિલ્લાઓ છે. દક્ષિણે અમદાવાદ, ખેડા, ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પશ્ચિમે બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદો અડે છે. સાબરકાંઠાના અમદાવાદ અંબાજી હાઈ-વે નં. 8 ઉપરથી ઈડરથી આગળ જતા વિજયનગર ત્રણ રસ્તાથી લગભગ 40થી 45 કિ.મી.ના અંતરે વીરેશ્વર અને શરણેશ્વરનાં જંગલો આવેલાં છે. ત્યાં અભાપુરનાં જંગલોની વચ્ચે હરણાવ નદીને કિનારે-કિનારે ખજાનો વેરાયેલો પડ્યો છે. પોળો સાઈટ્સમાં પ્રવેશતાં જ સુંદર મજાની પથ્થરમાંથી બનાવેલી છત્રીઓ સ્વર્ગવાસી રાણીઓની યાદમાં બનાવી હોવાનું જાણવા મળે છે. આમાં સુંદર શિલ્પકામ અને પાળિયાઓની પ્રતિકૃતિ તેમજ પથ્થરમાં લખાણો પણ કોતરાયેલા જોવા મળે છે. શ્રદ્ધાળુ લોકો આને ‘સતીમાના સ્થાનકો’ તરીકે પૂજે છે.

[વર્તમાન સમયમાં સચવાયેલી વિરાસત]

આવો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતો આ સમગ્ર પોળો મંદિરોનો વિસ્તાર હાલ પણ રમણીય અને ઘટાટોપ વનરાજી અને હરણાવ નદીનો આકર્ષક પરિવેષ જાળવીને સહુ કોઈને આકર્ષે છે. અહીં આગળ તમામ પુરાતન મંદિરો અને તેના કિમતી અવશેષો સારી રીતે સચવાયેલા નજરે પડે છે. પુરાતત્વ વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર અને વન વિભાગ દ્વારા પોતપોતાની રીતે આ રાષ્ટ્રીય સંપત્તિને સારી રીતે ટકાવી રાખવાના યથાશક્તિ પ્રયાસો થયેલા જોવા મળે છે. અહીં આવવા માટેના તમામ રોડ સરસ અને આધુનિક છે. મોબાઈલનું કવરેજ લગભગ બધે મળે છે. બાજુમાં જ વિજયનગર અને ખેડબ્રહ્માનાં તાલુકા-સ્થળો આવેલાં છે. જ્યાં પ્રવાસીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા મળી શકે છે. આ વિસ્તારની ઐતિહાસિક જાણકારી સાથે તેનો રસપ્રદ ઈતિહાસ કહી શકે તેવા ગાઈડ પણ મળે છે. નજીકમાં આવેલો વણજ નદી ઉપરનો વણજ ડેમ અત્યંત આકર્ષક પ્રાકૃતિક દૃશ્યો માટે સુવિખ્યાત છે. ડેમ સાઈટ અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર કોઈ પણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દે એવો આકર્ષક છે. અહીં આવનાર પ્રવાસી પોળો મંદિરોની મુલાકાત સાથે વિજયનગર અને ખેડબ્રહ્મામાં અંબાજી માતા, બ્રહ્માજીનું મંદિર, ગઢડા શામળાજી અને દેરોલ પ્રાચીન મંદિરો સહિત છેક પોશીનાના દરબારગઢ સુધીની સફર બે-ત્રણ દિવસમાં આરામથી કરી શકે છે અને પોતાના પરિવાર, મિત્રો કે સગાં સંબંધીઓ સાથે વીક ઍન્ડ કે વેકેશનમાં આનંદદાયક લ્હાવો લઈ શકે છે.

[વીરેશ્વર મહાદેવ ]

વીરેશ્વરના મંદિરને આપણે Gate Way of Polo એમ કહી શકીએ. પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી ઊઠેલી છે. અભાપુરનાં જંગલોમાં વેરાયેલા પોળોનો સોનેરી ખજાનો જોવા નીકળનાર પ્રવાસીઓ ઈડરથી આઠ કિ.મી.ના અંતરે વિજયનગર જવાના વળાંકે વળે એટલે તરત જ આત્માનો દોરીસંચાર જાણે કોઈ ઈશ્વરીય તત્વોના હાથમાં આવી જાય છે. જંગલ, ઝરણાં, પક્ષીઓ અને પર્વતોના દર્શનોમાં ખોવાઈ જવાય તેવો માર્ગ. પ્રથમ પડાવ આવે છે ભગવાન વીરેશ્વરનું ધામ. ચારે બાજુ લીલીછમ ટેકરીઓથી ઘેરાયેલા આ સ્થાનમાં સુંદર મજાનું પૌરાણિક વીરેશ્વર મંદિર આવે છે. પુરાણ કાળમાં આ મંદિરની સ્થાપના કેમ થઈ તેની વાત કરી તો પોતાના પિતા દક્ષ રાજાને ત્યાં યોજવામાં આવેલા યજ્ઞમાં ભભૂતિ લગાડેલાં ભરથારને આમંત્રણ ન મળતાં ક્રોધિત થયેલા પાર્વતી દેવી ક્રોધિત થઈ યજ્ઞવેદીમાં કૂદી પડ્યા છે એવા સમાચાર મળતાં જ કૈલાસમાંથી દોટ મૂકીને યજ્ઞસ્થળે પહોંચેલા ભગવાને પાર્વતી દેવીનો દેહ ખભે ઉપાડ્યો. ત્રિલોકના નાથે ત્રણે લોકમાં ભ્રમણ ચાલુ કર્યું.
ગુસ્સે થયેલા ભગવાન શિવે પોતાની જટામાંથી એક વાળ તોડી તેમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો અને તેને દક્ષના યજ્ઞનો નાશ કરવાનું કહ્યું. પણ ગણે તો યજ્ઞની સાથે જોડાયેલા બ્રાહ્મણોનો પણ સંહાર કર્યો. આમ કરતાં વીરભદ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. તેમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવતાં શિવજીએ કહ્યું કે તારે ઉંબરાના વૃક્ષ નીચે બેસી ભગવાન દત્તાત્રેયના મંત્રનો જાપ કરવો પડશે. વીરભદ્રએ આ જંગલોમાં આવી એકાંત સ્થળ શોધી મંત્ર-આરાધના કરી. વીરભદ્ર બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયો ત્યારે માતાજી ગંગા સ્વરૂપે પ્રગટ થયા. હાલમાં પણ આ મંદિરના પ્રાંગણમાં બારેમાસ કુદરતી ફુવારા સ્વરૂપે લગભગ દસ ફૂટ ઊંચાઈ ધરાવતો પાણીનો અભિષેક થયા કરે છે. આ એક મનોરમ્ય સ્થળ છે. ચોગાનમાં નરસિંહ અવતારનું પણ મંદિર છે. અહીં રહેવા-જમવા સાથેની સંપૂર્ણ વ્યવસ્થા હોવાથી બારેમાસ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતાં રહે છે. અહીં લોકોના સહયોગથી અન્નક્ષેત્રની સુંદર સેવા ચાલે છે.

[ શિવશક્તિ અને સૂર્ય પ્રતિમાઓનો અદ્ભુત સંગમ ધરાવતું અભાપુરનું શક્તિ મંદિર]

દ્વૈત આવિર્ભાવો અને સુંદર કોતરણીકામ ધરાવતું અભાપુર પરિસરનું શિવશક્તિ મંદિર ઉત્તન અને બેનમૂન અવશેષરૂપ મંદિર છે. પોળોમાં નીકળતાં-પોળો કેમ્પ સાઈટથી આગળ જમણી તરફ ઊંચી અને વિશાળ પર્વતમાળાઓ વચ્ચે બાજુમાં વહેતા જળપ્રવાહના એક છેડે આ પુરાતન સ્થાપત્ય આવેલું છે. જે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક છે.

અભાપુરનું આ શિવશક્તિ મંદિર અને એની આસપાસનો સમગ્ર માહોલ અનેક પ્રકારની જિજ્ઞાસા અને કુતૂહલ પેદા કરે છે. અહીં પ્રવેશતાં જ ખંડેર હાલતમાં વિશાળ દરવાજાના અવશેષો ઊભા છે. એ આ સમગ્ર મંદિરની શરૂઆત હશે એવું અનુમાન કરી શકાય. સ્થાપત્ય બાંધણી અને રચના કાળ ચૌદમી કે પંદરમી સદીના હોવાનું સામાન્ય રીતે જાણી શકાય છે. તેમાં વપરાયેલા પથ્થરો, કારીગરી કે શિલ્પ કળાઓ જોતાં તે અન્ય પોળો મંદિરોનો જ કોઈ ભાગ હોય એવું પ્રથમ નજરે જ લાગે છે.

આ મંદિરમાં પ્રવેશતાં જ એમાં કોતરાયેલાં શિલ્પો અને મૂર્તિઓનો વૈભવ જોતાં એ શિવશક્તિ મંદિર હોવાનું જણાય છે. મંદિરની ચારે તરફ સુંદર શક્તિ પ્રતિમાઓ અને તેને ઉઠાવ આપતી કલાત્મક કોતરણી જોવા મળે છે. દરવાજાનું જે ખંડેર છે ત્યાં દીવાલ ઉપર એક શિલાલેખ કોતરેલો જોવા મળે છે. તેની ભાષા સ્પષ્ટ થતી નથી. પરંતુ મરોડદાર લિપિ એ સમયની કોઈ સમૃદ્ધ ભાષાથી વાકેફ કરાવે છે. આ ભાષા એ વખતના અહીંના સમયકાળ મુજબની ગુજરાતી અને મારવાડી બંને સંસ્કૃતિઓના સુમેળ જેવી કોઈ ભાષા હશે એવું લાગે છે. મંદિરનાં શિલ્પો, ઘુમ્મટ, પ્રવેશદ્વાર અનુપમ છે. પણ મંદિર ઘણી રીતે અદ્ભુત છે, અજાયબ છે. તે સૂર્યમંદિર હોવાનું પણ કહેવાય છે. સામાન્ય રીતે સૂર્યમંદિરો પૂર્વાભિમુખ હોય છે. પરંતુ આ મંદિરનું દ્વાર પશ્ચિમ તરફનું જોવા મળે છે. મંદિરમાં સૂર્ય ભગવાન અને બંને બાજુ અશ્વારૂપ અશ્વોની આજુબાજુ સૂર્યાણી દેવીની પ્રતિમાઓ દેખાય છે. જે આ મંદિર બેશક રીતે સૂર્યમંદિર હોવાનું સાબિત કરે છે.

મંદિરની ઊડીને આંખે વળગે એવી હકીકતોમાં પશ્ચિમાભિમુખ મંદિરની જંઘામાં શિવશક્તિના દ્વૈત દર્શનરૂપ ઈન્દ્ર અને ઈન્દ્રાણી, શિવ-પાર્વતી તેમજ બ્રહ્મા અને બ્રહ્માણીનાં શિલ્પો મૂકાયેલાં છે. દ્વારસાખના ભદ્રાદિ ભાગે સૂર્યાણી દેવીની અશ્વારૂઢ પ્રતિમાઓ સોળે કળાએ ઊપસી રહી છે. અંતરંગની મધ્યે આ શિલ્પો ઉપરાંત દર્પણકન્યા અને અપ્સરાનાં શિલ્પો પણ ગજબનું આકર્ષણ ધરાવે છે. પંદરમી સદીના ભગ્નાવેશો જેવી આ પ્રતિમાઓ અને સમગ્ર મંદિર કોતરણીની ભાતમાં તથા સ્થાપત્યના તેના આવિર્ભાવોથી પોળો મંદિરના સમગ્ર વૈભવને ઉજાગર કરે છે.

[કુલ પાન : 122. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : બુક શેલ્ફ. 16, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા. અમદાવાદ-9. ઈ-મેઈલ : info.npm@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “પોળોનાં મંદિરો – રમેશ ઠક્કર અને જગદીશ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.