રીતુ નામની એક છોકરી – વર્ષા અડાલજા

[ તંત્રી નોંધ : પ્રિય વાચકમિત્રો, છેલ્લા દસ-બાર દિવસ દરમિયાન બહારગામ જવાનું થયું હોવાથી ઘણા બધા વાચકમિત્રોના ઈ-મેઈલનો પ્રત્યુત્તર આપી શકાયો નથી, તો એ માટે ક્ષમા કરશો. વળી, આ દિવસોમાં મોબાઈલની અસુવિધાને કારણે આપ સૌના સંપર્કમાં રહેવું શક્ય નહોતું. પરંતુ હવે આપ ઈ-મેઈલ કે મોબાઈલથી સંપર્ક કરી શકો છો. નવા લેખોની સમીક્ષાનું કાર્ય ચાલી રહ્યું હોવાથી આજે ફક્ત આ એક જ વાર્તા પુનઃપ્રકાશિત કરવામાં આવી છે. ‘વિચારબિંદુ’ પુસ્તિકાનું વેચાણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.  આપ સૌનો આભાર.]

 

બાપુજીએ ઑફિસેથી આવતાં જ પૂજાની ઓરડીમાં જઈ નવું કેલેન્ડર ટિંગાડ્યું અને પછી બૂમ મારી : ‘જુઓ તો ખરા, કેવું મજાનું કેલેન્ડર છે.’ બા અને ભાભી તરત દોડતાં આવ્યાં. શૈલેષભાઈ સાંજની ચાનો સ્વાદ માણતાં માણતાં હીંચકા પર છાપું વાંચી રહ્યા હતા. સમાચાર પર થિસિસ લખવી હોય એમ એક કલાક સુધી તેઓ ઝીણવટપૂર્વક છાપું વાંચતા અને રાત્રે ટી.વી. પરના સમાચાર સાંભળી બંને સમાચાર સરખાવી જોતા. બાપુજીની બૂમ પણ એમને આ મહત્વની ક્રિયામાંથી ચળાવી શકી નહીં. એમણે દૂરથી જ ડોક ઊંચી કરી અને ‘સરસ…’ કંઈક એવું બબડયા. ‘ફરી સરહદ પર ઘૂસણખોરી’ આ લેખમાં ધ્યાન પરોવી દીધું.

પ્રેક્ષકવર્ગમાં રહ્યા એક દાદા અને રીતુ. દાદા બહારના ઓરડામાં નાનકડી ખાયણીમાં પાન કૂટી રહ્યા હતા અને રીતુ પાડોશીના રંગીન ટીવી પર છાયાગીત જોઈ ઘરમાં પ્રવેશતી હતી. બાપુજીએ ફરીથી બૂમ પાડી એટલે દાદાજી ઝટઝટ કચરેલું પાન બોખા મોંમા મૂકી આવી પહોંચ્યા, અને છેલ્લી રીતુ.
‘અરે, વાહ ! શું કેલેન્ડર છે…. કઈ કંપનીનું બહાર પાડેલું છે ? ખીમજી આણંદજી સોપારીવાલા…. અરે આ પેલી પેઢી તો નહીં જે…..’
બાપુજી અને દાદા વચ્ચે સંવાદ ચાલ્યો. બાએ બે હાથ જોડી ભક્તિભાવથી પ્રણામ કર્યા. ભાભી ડોકું હલાવી-લ્યો ત્યારે પૂજામાં એકેય શંકર-પાર્વતીનો સાથે ફોટો નહોતો તે આવી ગયો – એવી મતલબનું બોલી રસોડામાં ગયાં. નાનકડા પ્રેક્ષકવૃંદમાં રહી રીતુ માત્ર. એ કંઈ બોલી નહીં. બોલવાનું શું હતું ? પૂજાની ઓરડીમાં હવે જગ્યા રહી ન હતી. દેવદેવીઓના જૂનાં કેલેન્ડરો રંગ ઊખડી ન જાય ત્યાં સુધી ચારે તરફ લટક્યાં કરતાં, પછી ક્યારેક સારો દિવસ જોઈ દરિયામાં પધરાવી દેવાતાં. નવું કેલેન્ડર રીતુએ હવે ધ્યાનથી જોયું. શંકર તપ કરવા બેઠા છે, અને પાર્વતી ફૂલોની છાબ ભરી એમના ચરણ પાસે બેઠાં છે, અને પાછળ બરફથી ઢંકાયેલા પહાડો અને શિખરો… રીતુ સ્થિર નજરે જોયા કરે છે.

આહાહા ! માઉન્ટ એવરેસ્ટ ! જાણે પર્વતારોહકોની સાહસિક ટુકડી ચડી રહી છે, સૌથી આગળ છે પેલી બચેન્દ્રી પાલ. સૌથી પહેલી ભારતીય સ્ત્રી જેણે એવરેસ્ટ શિખર સર કર્યું…. રીતુ આંખો ફાડી જોઈ રહી. વાહ ! બચેન્દ્રી પાલ નહીં, પણ આ તો છે પોતે જાતે ! રીતુ પિતામ્બરદાસ મરીવાલા. તપ કરતા શંકર અને ફૂલોની છાબવાળા પાર્વતીજી તત્ક્ષણ અદશ્ય થઈ ગયાં અને પોતે ભારતીય ત્રિરંગો શિખર પર ખોડી રહી છે…. તાળીઓના ગડગડાટ…. સમાચારોમાં નામ – રીતુ મરીવાલાને રાષ્ટ્રપતિ અભિનંદન આપી રહ્યા છે – અને છેલ્લે ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા….’
‘રીતુ બેટા બાપુજીની થાળી પીરસો.’
ધડામ દઈને રીતુ એવરેસ્ટ પરથી સીધી ખોબા જેવડી અંધારી પૂજાની ઓરડીમાં આવી પડી. એ ડોક વાંકી કરી તાકી રહી છે કેલેન્ડરને. ફરી પાછા શંકર ભગવાન તપ કરવા બેસી ગયા છે અને ફૂલોની છાબવાળાં પાર્વતી એમનાં ચરણમાં. રીતુ ચૂપચાપ એ શ્વેત બર્ફીલા પર્વતનાં ઊંચા શિખરો પરથી ઝટ ઝટ, રસોડામાં બાપુજીની થાળી પીરસવાના કામમાં લાગી ગઈ.
‘બા, કાલે બીજી ટ્યુબલાઈટ નાખવાનું બાપુજીને કહોને, આનું અજવાળું ઝાંખું થઈ ગયું છે.’ ભાભીએ પાપડ શેકતાં કહ્યું. રીતુએ નિ:શ્વાસ મૂક્યો. અરે રામ, બચેન્દ્રી પાલ એવરેસ્ટ ચડે અને મારે આમ અંધારિયા ઘરમાં ઘરકામ કરવાનું ?

જમવાનું પતી ગયું. ભાભીને થોડી રસોઈ ઢાંકવામાં મદદ કરી, બાને સંધિવાથી દુ:ખતા ગોઠણ પર તેલનું માલિશ કરીએ પથારીમાં પડી ત્યારે બા તો ક્યારનાં સૂઈ ગયાં હતાં, પણ રીતુને ઊંઘ નહોતી આવતી. માઉન્ટ એવરેસ્ટે એના મનમાં થોડી વાર પહેલાં ખળભળાટ મચાવ્યો હતો. શૈલેષભાઈ પાસેથી એ છાપું લઈ આવી હતી, છોકરીની આંખ ખરાબ થશે એવા દાદાના સ્પષ્ટ વિરોધ છતાં શૈલેષભાઈએ એની પથારી પાસે વાંચવાનો સરસ લેમ્પશેડ નખાવી આપ્યો હતો. બસ, આ જગ્યા રીતુનો અભેદ્ય કિલ્લો. રાત્રે સૌ સૂઈ જાય પછી રીતુ બત્તી કરે, અને પથારીમાં સૂતાં સૂતાં દુનિયા આખીમાં ભમવા નીકળી પડે. કદી ઘોર યુદ્ધમાં બહાદુરીથી લડતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પડખે રહી શૌર્યથી લડી રહી હોય, તો કદી અવકાશયાત્રી બની એ જુદા જુદા ગ્રહો પર ઘૂમતી હોય. ક્યારેક એ મહાન વૈજ્ઞાનિક સંશોધન કરતી પ્રયોગશાળામાં જાતજાતનાં દ્રવ્યોની મેળવણી કરી, ચશ્માંમાંથી ઝીણી આંખ કરી તપાસી રહી હોય ત્યાં પડખું ફરતાં બા બોલે :
‘અરે રીતુ ! હજી જાગે છે બેટા ? પછી સવારે ઉઠાશે નહીં હોં !’

ધબ દઈને રીતુના હાથમાંથી ટેસ્ટટ્યુબ નીચે પડી જાય, એની મહામૂલી શોધ કાચની અસંખ્ય કરચોમાં વેરાઈ જાય, અને એ કાચની કરચ પગમાં વાગી લોહી કાઢવા લાગે. રીતુ ઊંહકારા ભરતી બત્તી બંધ કરી ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગે. કૉલેજે જવાનું રીતુને બહુ ગમે, પણ કૉલેજ છૂટ્યા પછી મિત્રો સાથે ગપ્પાં મારતી કેન્ટીનમાં બેસે કે ત્યાંથી પાછું મન ઊખડી જાય. સેન્ડવિચ ખાતાં મીના કહેશે : ‘કાલે જ મમ્મી એવી સરસ સાડી લઈ આવી, કૉલેજ ફંકશનમાં હું પહેરીશ.’
કાજલે હમણા જ વાળ કપાવી ટૂંકા કરાવ્યા હતા. વાળ ઉછાળતી એ કહેતી :
‘આ વેકેશનમાં હું કૂકિંગ કલાસ અને મહેંદી કલાસ જોઈન્ટ કરવાની છું. મિસિસ ખન્ના શું ટેસ્ટી ડીશીઝ શીખવે છે ?’
‘તને કેવી રીતે એડમિશન મળી ગયું ?’ છૂપી ઈર્ષાથી થમ્સઅપ પીતાં રાગિણીનો પ્રશ્ન, ‘બાકી એને ત્યાં લાંબું વેઈટિંગ લિસ્ટ હોય છે. મારી પેલી ફ્રેન્ડ નહીં નિયતિ ? એ પરણીને અમેરિકા ગઈ ત્યારે મિસિસ ખન્નાને ત્યાં અમે એમની કૂકબુક લેવા ગયેલા. માય માય ! કલાસ આખો ચિક્કાર હતો.’
‘નિયતિ અમેરિકા ગઈ ?’ મીનાની સેન્ડવિચ અધૂરી રહી ગઈ, ‘શું કરે છે એનો હસબન્ડ ત્યાં ?’
‘યુ સી…. એ તો ખાસ ખબર નથી. એ બે જ અઠવાડિયા માટે આવેલો, એટલે જલદી જલદી બધું નક્કી થઈ ગયું.’
‘સાલ્લી લકી હં.’ ભારતી ધીમેથી બોલી.
કાજલે અચાનક રીતુને કહ્યું :
‘કંપની વગર એકલા બોર થઈ જવાય છે, ચાલને તું મારી સાથે કૂકિંગ કલાસમાં રીતુ. હું મિસિસ ખન્નાને કહી જોઉં.’
રીતુ ભડકી : ‘હું ?’
બધાં ખડખડાટ હસી પડ્યાં. ‘શું યાર ! યુ આર ગ્રેટ, તું તો કમાલ છે. એક વાર મિસિસ ખન્નાની ડીશીઝ શીખી લે, વર ચપટી વગાડતામાં ખુશ થઈ જશે.’
‘ખુશ કરવો પડે એવા વરને હું પરણીશ જ નહીં ને !’
‘એટલે ?’ વાળની લટ કપાળ પર ગોઠવતાં કાજલ બોલી.
‘એટલે એમ કે….’ રીતુને શું બોલવું તે સૂઝ ન પડી, ‘એમ કે… વરને ખુશ કરવો પડે એવો વર મને ન ગમે.’
‘રીતુને તો એને ખુશ કરે એવો વર ગમે, કેમ ?’

બધી છોકરીઓ હસી પડી. આમ રીતુ એમને જરા વિચિત્ર તો લાગતી, પણ નિયતિની શાળા સમયની બહેનપણી, એટલે કૉલેજમાં પણ નિયતિની બહેનપણીઓ સાથે વાતો કરવા ઊભી રહેતી કે ક્યારેક કેન્ટીનમાં બેસતી, પણ એમની વાતોમાં રીતુને મજા ન પડતી, ન પોતાની વાત રીતુ એમને કદી કહેતી. સાડી ને કૂકિંગ કલાસ, મહેંદી અને થમ્સઅપ – એમાં વળી એ પર્વતારોહણ કે ઝાંસીની રાણીની વાત કરે તો આ લોકો એને ગાંડી જ માને.

એ સાંજે એ ઘરે ગઈ ત્યારે રોજની જેમ બા શાકની થેલી ખાલી કરી રહ્યાં હતાં, ભાભી શાક સમારતાં હતાં, દાદાજી ખાયણીદસ્તામાં પાન કૂટતાં હતાં અને બાપુજી આરામખુરશીમાં બેસી મસાલા ફુદીનાની ચા પીતા હતા. શૈલેષભાઈ હીંચકા પર બે-ચાર છાપાંની ઢગલી કરીને રસપૂર્વક કોઈક અખબાર વાંચી રહ્યા હતા. રોજનું ગોઠવેલું દશ્ય. એ લોકો આમ જ બેસે, આમ જ વાતો કરે.
‘આવી ગઈ રીતુ બેટા ?’ – બાપુજી.
‘કેમ મોડું થયું ?’ – દાદાજી.
‘હશે. બહેનપણીઓ સાથે વાત કરતી હશે.’ – ભાભી.
‘ના, પણ જુવાન દીકરી છે. જરા તને રસોઈમાં મદદ કરે તો શું ખોટું છે ? જરા શીખશે.’ – બા.
‘ચા પીશે રીતુ ? ફુદીનાની છે, ગરમ કરી લે.’ ભાભી ઈશારો કરે. એટલે રીતુ સીધી દોડે રસોડામાં…. કંટાળીને રીતુ ખુરશીમાં બેઠી, અને રોજના સંવાદો શરૂ થવાની રાહ જોવા લાગી. પણ આજે કંઈક જુદું જ બન્યું.
‘આવી ગઈ રીતુ બેટા ? અમે રાહ જ જોતા હતા.’
આ વળી નવાઈ. આ નક્કી થયેલો સંવાદ નહોતો, એટલે એણે આશ્ચર્યથી પૂછ્યું : ‘મારી રાહ જોતાં હતાં ? કેમ કંઈ કામ હતું ?’
બાપુજીએ લિજ્જતથી ચાનો ઘૂંટ ભર્યો. પોતાનું શું કામ હોય ? મોટેરાંઓએ નક્કી કરી રાખેલા પ્રમાણે ગોઠવેલું જીવન જિવાતું જતું હતું. એ આખી વ્યવસ્થામાં પોતાની રાહ જોવી પડે એવું કોઈ કામ નહોતું. તો પછી આ….

‘કાલે રવિવાર છે, ક્યાંક બહેનપણી બહેનપણી કરતી બહાર જતી નહીં.’
‘એટલે ?’ રોજ કરતાં આજે બધું ઊંધું જ બનતું હતું. રવિવારે તો એ ગીતાને ત્યાં રંગીન ટીવી પર હિન્દી ફિલ્મ જોવા જતી જ.
‘ફોડ પાડીને વાત કરો ને !’ પાન બરાબર કુટાયું કે નહીં તેની ખાતરી કરતાં દાદા બોલ્યા.
‘આ શું છે બધું ?’ રીતુ અકળાઈ.
‘જો ને બહેન, કાલે સાંજે રમેશ આવવાનો છે તને જોવા, અને…..’
‘જોવા ?’ રીતુ નર્યા આશ્ચર્યથી બોલી ઊઠી, ‘મને ?’
‘ઘરમાં પરણાવવા લાયક તો તું જ છે, દીકરા.’ દાદાજીએ આખરે માવો થઈ ગયેલું પાન મોમાં મૂક્યું.
‘એટલે એટલે મારી સગાઈ કરવા માગો છો તમે ? એ નહીં બને….’ જુસ્સાભેર બોલતી રીતુ ધમાધમ અંદર ચાલી ગઈ.

સૌ નવાઈ પામી ગયાં. રીતુ આવી રીતે કદી વર્તી નહોતી. નાની વાતમાંય કદી વિરોધ ન કરનાર રીતુ આવી ગંભીર વાતમાં, વડીલોની સામે જવાબ આપી ગઈ એથી સૌ ઘડીભર ડઘાઈ ગયાં. સૌથી પહેલાં દાદાજી ચિંતાથી ડોકું ધુણાવતાં બોલ્યા :
‘રીતુ… આમ… આવી રીતે… કહું છું તમે જરા દીકરીનું મન જાણી લ્યો તો. આજકાલનાં છોકરાં… કૉલેજમાં કોઈ….’ પાન ઝડપથી ખાવાની દાદાજીને અંતરાશ આવી ગઈ. બાએ ભાભીને મોકલી, પણ રીતુએ બારણું બંધ કર્યું હતું. બાપુજીએ ફુદીનાની ચાનો અડધો કપ પાછો મૂકી દીધો.
‘આ શૈલેષ પણ ખરો છે. આખો દિવસ છાપામાં માથું ખોસે, પણ ઘરની વાતમાં જરાય રસ ન લે.’
‘અરે ઘરની વાતમાં રસ ન લે તો કંઈ નહીં, બેઠા છે મોટેરાં બધાં. પણ એકની એક નાની બહેન એનામાં તો રસ લેવો જોઈએ ને ! બહુ ભણ્યો છે તે અંદર જઈને બહેનને જરા સમજાવ કે વાંધો શો છે ?’
બાપુજીની ચા છૂટી નહીં. એમણે ઠંડી તો ઠંડી ચા પી લીધી ને વ્યવહારિક સ્વરે કહ્યું : ‘જો શૈલેષ, અમેય સમજીએ છીએ કે આજકાલ કંઈ જબરજસ્તીથી લગ્ન થતાં નથી. આપણી રીતુ કંઈ વધારાની નથી, તોયે છોકરો સારો છે… ઘર સારું છે… જો થઈ જાય. જા જરા પૂછ તો ભાઈ…’ પગથી ઠેસ મારી શૈલેષભાઈ નિરાંતે ‘આસામનો સળગતો પ્રશ્ન’ એ લેખનો ઊંડાણથી અભ્યાસ કરવા લાગ્યા. બા કંઈ બોલવા જતાં હતાં, પણ ભાભીએ બધું થઈ રહેશે એવી જાતની નિશાની કરી એટલે બા ત્યાંથી ઊઠી ગયાં.

બંધ ઓરડામાં ય રીતુને ધીમા અવાજો તો સંભળાતા હતા. ભીનાં લાકડાંની જેમ એ ધૂંધવાવા લાગી. કરો કાવતરું બધાં ભેગાં મળીને. પણ હું બિલકુલ માનવાની નથી. લગ્ન ? હજી બી.એસ.સી.ની ડિગ્રીને ય એક વર્ષની વાર છે ત્યાં લગ્ન ? પછી ઘર, રસોઈ, એકધારી જિંદગી. પછી પોતાને પણ એક રીતુ. પછી સાંજનો ગોઠવેલો સંવાદ… રીતુને થયું હિન્દી ફિલ્મની હિરોઈનની જેમ પોતે ખંડની એકેએક ચીજનો ઘા કરે. બધું ઊથલપાથલ કરી નાખે. માઉન્ટ એવરેસ્ટ ડોલવા લાગ્યો હતો. (અલબત્ત, આ સમયે તપ કરતા શંકર ભગવાન અને ફૂલોની છાબવાળાં પાર્વતીજી ત્યાંથી જલદી ઊઠી ગયાં હતાં) ઝાંસીની રાણી વીર લક્ષ્મીબાઈ શૌર્યથી તલવારો વીંઝતાં હતાં, ફૂલોરેન્સ નાઈન્ટીન્ગલ ફાનસ ઝુલાવતી દર્દીઓમાં ફરી શુશ્રુષા કરી રહી હતી, સરોજીની નાયડુ કોકિલકંઠે કવિતા ગાઈ રહ્યાં હતાં….. અને… રીતુ પીતામ્બરદાસ મરીવાલા પોતાને ‘જોવા’ આવવાવાળા છોકરાને ચા-નાસ્તો આપવા ઓરડામાં દાખલ થઈ રહી છે. બંને પક્ષના વડીલો આડીઅવળી વાતો કરતાં, એક પછી એક સરકી જાય છે….. ‘તમે જરાક વાતો કરો.’ પાંચ મિનિટ તો મૂંગી જ વીતી જાય છે. પછી છોકરો પૂછે છે… કઈ સ્કૂલમાં ભણ્યાં છો ? ઓહોહો ગુજરાતી માધ્યમાં ? તો તો તમારું અંગ્રેજી પૂઅર હશે ખરું ને ? આઈ સી….. આઈ સી… ધેટ ઈઝ વેરી બેડ. ઓહ ! તમને હિન્દી ફિલ્મનો શોખ છે ? બાપ રે, કેવી મસાલા ફિલ્મ હોય છે ! હું તો ઈંગ્લિશ મૂવી સિવાય….

રીતુએ દાંત કચકચાવીને ઓશીકું ભીંત પર ફેંક્યું. ભીંત પર રાકેશ શર્માનો, છાપામાંથી કાપી લીધેલો ફોટો એની સામે હસી રહ્યો હતો. પોતાની પથારી પાસે બ્રુસ-લીનું કેલેન્ડર ઝૂલતું હતું. (પૂજાની ઓરડીનાં કેલેન્ડરોમાંના દેવ-દેવીઓ મને ક્ષમા કરે.) ટેબલ પર કૉલેજનાં પુસ્તકોની થપ્પીમાં સૌથી ઉપર અમિતાભ બચ્ચનનો ફોટો, ભીંત પર ઓશીકું ફેંકવાની ક્રિયાને રસપૂર્વક જોઈ રહ્યો હતો…. અને આ બધાંની સામે એ પેલા રમેશને (કેવું બબૂચક અને સામાન્ય નામ !) ભાભીની સાડી પહેરી ચા આપવા જાય ? શું કરતો હશે ? બેન્કમાં ઑફિસર હશે. બેન્કની નોકરી. વાહ. એમાં તો બા-બાપુજી ખુશ. બેન્કની નોકરી સલામત અને સારી ગણાય. દાદાજી બોખે મોંએ આજના જમાનાનું પરમસત્ય ઉચ્ચારશે… બસ, આમ જ બારણું બંધ કરી પડી રહીશ. ખાઈશ નહીં, પીઈશ નહીં, સત્યાગ્રહ. ક્રાંતિનો ઝંડો ફરકાવશે ત્યારે જ ઘરનાં બધાંને ખ્યાલ આવશે કે રીતુ કંઈક છે.

બે-ચાર વખત બારણું ખખડ્યું, પણ રીતુએ મક્કમતાથી ન ખોલ્યું. બાના સૂવાના સમયે પણ નહીં. ભલે દીવાનખાનામાં સૂઈ રહેશે. ભૂખ લાગી હતી. હવે યાદ આવ્યું. કોલેજથી આવતાં જ ભાંજગડ થઈ હતી, એટલે ચા પણ લીધી નહોતી. પણ ના, સત્યાગ્રહ એટલે સત્યાગ્રહ. સ્વાતંત્ર્ય ચળવળ વખતે સૌ આમરણાંત ઉપવાસ શી રીતે કરતા હશે !

ગઈકાલનું પડી રહેલું છાપું લઈ એ પથારીમાં પડી. આમ તો વંચાઈ ગયું હતું. છતાં જરા આમતેમ ઊથલાવ્યું. ‘આપણાં અભયારણ્યો’ લેખનું મથાળું જોઈ એને નવાઈ લાગી. એ કેમ વાંચવાનું ચૂકી ગઈ ? ઘન જંગલ… ઝરણાં…. પક્ષીઓનો કલબલાટ… આમ સાવ નજીકથી જ સિંહનું દર્શન…. તો આસામના ઘનઘોર જંગલમાં હાથી પર સવારી… લીલાંછમ વૃક્ષોની વચ્ચે કમનીય કાયાની પગદંડી…. ઝીણવટથી લેખ વાંચી એણે છાપું બાજુ પર મૂક્યું ત્યારે લીલાંછમ વૃક્ષોમાંથી અપરિચિત પક્ષીનો ટહુકાર કાન માંડીને સાંભળતી હોય એમ મન પ્રસન્ન થઈ ગયું. એ ઊઠી, અને બાલ્કનીમાં આવીને ઊભી રહી. કોઈ સમૃદ્ધિવાન શહેનશાહે ખોબે ખોબે કીમતી હીરા-રત્નો ઉછાળ્યાં હોય એમ આકાશ ઝગમગતું હતું. બાલ્કનીની પાળી પર નાના કૂંડામાં ખીલી ઊઠેલા મોગરાની સુગંધથી મન તર થઈ ગયું. બારણું ખખડ્યું. એણે ધ્યાન જ ન આપ્યું.
‘હું શૈલેષ. મોટાભાઈ છું. બારણું ખોલ રીતુ.’
‘હા.’ મોટાભાઈનો વાંધો નહીં. એણે તરત બારણું ખોલ્યું. મોટાભાઈ છાપું લઈ અંદર દાખલ થયા. ‘કેમ છાપું નથી વાંચવું ? જમવું નથી ?’ રીતુ રડવા લાગી. મોટાભાઈએ બારણું બંધ કર્યું અને રીતુને માથે હાથ ફેરવ્યો.
‘રડ નહીં રીતુ. હું તારી વાત સમજું છું.’
‘ના, મારી વાત કોઈ સમજતું નથી.’ રીતુને વધારે રડવું આવ્યું.
‘હવે તું છાની રહી જાય છે કે નહીં ! પાગલ નહીં તો. જો તને કાલે કોઈ જોવા આવવાનું નથી. મેં બા-બાપુજીને ના પાડી દીધી છે.’

રડવાનું બંધ કરી રીતુ મોટાભાઈને વળગી પડી.
‘ઓ મોટાભાઈ તમે કેટલા સારા છો !’
‘ખરું પૂછ તો રમેશની જ આવવાની મરજી નહોતી. અરે હા, લે આ થોડાં બિસ્કીટ ને આ કેળાં.’
રીતુ ખુશ થઈ ગઈ. ઝટપટ થોડું ખાઈ ગઈ, ભૂખનો પહેલો હુમલો શમાવી એણે પૂછ્યું : ‘કેમ રમેશની અહીં મને ‘જોવા’ આવવાની ઈચ્છા નહોતી ? એનું ક્યાંક બીજે દિલ હશે અને એના મા-બાપ પણ એને પરાણે મોકલતાં હશે.’ અચાનક રીતુને ગયે રવિવારે જોયેલી ફિલ્મ ‘દિલે નાદાન’ની વાર્તા યાદ આવી ગઈ.
‘ના. ખાસ એવું નહીં, પણ એને આમ સાદીસીધી તમારી કૉલેજની ભાષામાં ‘મણિબહેન’ ટાઈપની છોકરી જોઈતી નથી.’
રીતુના હાથમાં અર્ધું ખાધેલું બિસ્કીટ અદ્ધર જ રહી ગયું. દાંત ભીંસાઈ ગયા. હું મણિબહેન ? મને ઓળખ્યા વગર આમ કહેવાની એ રમેશિયાની હિંમત કેમ ચાલી ? ફટ તલવાર તાણીને લક્ષ્મીબાઈ એની બાજુમાં આવીને ઊભી રહી.
મોટાભાઈ પોતે જ હવે બિસ્કિટ ખાવા લાગ્યા હતા.
‘રમેશની ઈચ્છા એવી કે એની ભાવિ પત્ની, ઘરની બહારની દુનિયામાં રસ લે, એના પોતાના જુદા શોખ કેળવે. યુ સી, કેક કે સ્પેગેટી બનાવતાં નહીં આવડે તો ચાલશે, પણ એ કંઈક બીજી યુવતીઓથી જુદી હોય…. લગ્ન પછી પણ ગમતું હોય તો આગળ ભણે… કે સિતાર શીખે…. હવે ભઈ આ બધી એની ગોળ ગોળ વાતોમાં મને કંઈ સમજ ન પડી રીતુ. અરે, એ તો કહે કે પરણીને હનીમુન કરવા મારી સાથે આસામના જંગલમાં વાઘ જોવા આવે તેને જ… પણ જવા દે ને બહેન, એની એવી ગાંડીઘેલી વાતો સાંભળી હું તો….’
‘મોટાભાઈ.’ રીતુએ હળવી ચીસ પાડી.

શૈલેષભાઈ ડઘાઈ ગયા.
‘શું છે રીતુ ? કેમ આવી ફિક્કી પડી ગઈ ? તબિયત તો સારી છે ને !’
‘અ હા….હા… તમે એને ના પાડી દીધી ?’
‘કોને ? રમેશને ?’
રીતુએ ચૂપચાપ નીચું જોઈ ડોકું ધુણાવ્યું.
‘ના. એટલે એમ કે અત્યારે રાત્રે ક્યાં ફોન કરવો ? સવારે પહેલુ કામ ઉઠતાંવેંત….’
‘તો ના ન પાડશો.’ રીતુ શરમાઈને મોં ફેરવી ગઈ.
‘એટલે…તું.. એને મળવા તૈયાર છે ?’ મોટાભાઈ નવાઈ પામી ગયા. રીતુએ ફરી એ જ શર્મિલી અદાથી હા પાડી.
મોટાભાઈએ કહ્યું : ‘અરે પણ તું સાંજથી જીદે ચડી છે, ના પાડે છે અને આ અચાનક શું થયું ?’
રીતુએ કેલેન્ડર સામે જોયું. બ્રુસ-લી ખુશ હતો. અમિતાભે પણ હસીને મંજૂરી આપી દીધી હતી. લક્ષ્મીબાઈ તલવાર મ્યાન કરી, એમનાં ઘોર યુદ્ધમાં ગૂંથાઈ ગયાં હતાં. મોટાભાઈને આ બધી શી સમજણ પડે ? ગાલ ફૂલાવી રીતુ બોલી : ‘મને ગમે તે થયું મોટાભાઈ, તમે ના નહીં પાડતા ને.’
‘મને ખબર જ હતી.’ મોટાભાઈએ સ્નેહથી રીતુને ગાલે ટપલી મારી.
‘એટલે ?’
‘એટલેબેટલે કુછ નહીં. આ લે, બે ટિકિટ ‘દો દિલ’ ની છે. નોવેલ્ટીમાં મેટિની શૉ છે. કાલે સવારે મારી સાથે બહાનું કાઢી નીકળી જજે. રમેશ થિયેટર પર રાહ જોશે.’
‘મોટાભાઈ તમે….’ રીતુ આંખો પહોળી કરી બાલ્કનીની ટિકિટ જોઈ રહી. ‘હં. મેં જ તો બધું ગોઠવ્યું છે અને સાંજે રમેશ જોવા આવે ત્યારે ચા-નાસ્તો ધરી દેજે ને ! દાદાજી, બા બધાં ખુશ થતાં.’ રીતુ તો કંઈ બોલ્યા વિના ભાઈને વળગી પડી.

મોટાભાઈ ગંભીર મોં કરીને બોલ્યા :
‘પણ એક વાંધો છે. દેખાવડો છે, ભણેલો છે, પણ…..’
રીતુનો શ્વાસ અદ્ધર ચડી ગયો : ‘પણ શું ?’
‘નામ સાવ સીધું સાદુ છે… રમેશ.’ મોટાભાઈએ મોં બગાડ્યું.
‘તો હું ય મણિબહેન છું ને.’ તકિયામાં મોં સંતાડતા રીતુ ખિલખિલ હસી પડી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

40 thoughts on “રીતુ નામની એક છોકરી – વર્ષા અડાલજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.