હૅર સ્ટાઈલ – નિર્મિશ ઠાકર
[‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંથી સાભાર.]
‘નિમ્મેસભૈ, ટમારું મોનું બરાબર લાગે છ, પન…’
‘મોનું ? એ વળી શું ?’
‘ફેઈસ, ટમારો ફેઈસ….’
‘આઈ સી, મારું મોઢું…..’
‘એ જ ટો કેઉં છ, કે મોનું ટો ટમારું બરાબર, પન હૅરસ્ટાઈલમાં કાંઈ ગરબડ લાગે છ.’ ગનપટ હુરતીએ કહ્યું.
ક્યારેક મને આ ગનપટ હુરતીની વાત સાચી લાગે છે. બીજા કેટલાક લોકોએ પણ મને હૅરસ્ટાઈલ બદલવા ખાસ આગ્રહ કર્યા છે, મને ક્યારેય મારી હૅરસ્ટાઈલ અને મારો ચહેરો, બંને એક સાથે મારાં લાગ્યાં નથી. ક્યારેક હૅરસ્ટાઈલ પરાયી લાગે છે તો ક્યારેક ચહેરો ! તમે નહીં માનો, પણ આ દ્વિધા સાથે જ મેં જિંદગીનાં બેતાળીસ વર્ષ ખેંચી નાંખ્યાં છે.
‘હવે ક્યારના શું અરીસામાં ફાંફા મારો છો ! બીજા કોઈ કામધંધા નથી ?’ મારાં શ્રીમતી બરાડે છે.
‘આ મારી હૅરસ્ટાઈલ…..’
‘તો શું બળ્યું છે એમાં ? તમને પસંદ કર્યા, ત્યારે પણ અમને તો ખબર હતી કે આ ભમરડા જેવા ચહેરા પર એકેય હૅરસ્ટાઈલ જામવાની નથી !’ શ્રીમતિ ઘટસ્ફોટ કરે છે.
ખેર, મને એવું લાગે છે કે મારા ચહેરાને માફક આવે, એવી કોઈ હૅરસ્ટાઈલ બની જ નથી. મેં તો મારી હૅરસ્ટાઈલને અનુરૂપ મારો ચહેરો બનાવવાની કોશિશ પણ કરી છે ! એક જણે મને કહેલું કે તમારી હૅરસ્ટાઈલ હસમુખા ચહેરાને શોભે એવી છે. ત્યારથી તો હું કોઈની કાણમાં જાઉં, તોયે હસતો ચહેરો રાખું છું. કેટલાક સામાયિકોના તંત્રીઓએ તો મને મોઢામોઢ કહ્યું છે કે હસતો ચહેરો રાખવાને બદલે કાંક એવું લખો કે જેને વાંચીને હસવું આવે, હાલ તો તમને જોઈને હસવું આવે છે ! જો યોગ્ય અભ્યાસ કરાય તો માણસની હૅરસ્ટાઈલ પરથી એનો સ્વભાવ પણ જાણી શકાય, એવું મને લાગે છે. એ અંગેના મારા અધકચરા અભ્યાસને આધારે મેં કેટલાંક તારણો કાઢ્યાં છે.
કેટલાક લોકો પોતાના નાળિયેર જેવા માથાને જાણે કે બરાબર વચ્ચેથી ફાડવાનું હોય, એમ બરાબર વચ્ચે પાંથી પાડે છે. આવા લોકો દરેક બાબતમાં બે પલ્લાં સમતોલ રાખે છે અને હમેશાં તટસ્થ રહેવાની કોશિશ કરે છે. એમને જો એક ગાલે લાફો મારો (લાફો મારવાનું મન થાય એવો જ એમનો દેખાવ હોય છે.) તો તેઓ સમતોલન સાધવા તરત બીજો ગાલ સામો ધરે છે. દર્પણની પણ સાડાબારી ન રાખતા કેટલાક એવા સ્વાવલંબી માણસો હોય છે, જે પાંથી પણ પાડતા નથી. કપાળથી બોચી ભણી કાંસકાને ગતિ કરાવી ઊભા વાળ ઓળે છે. તેઓ સ્વભાવે બોચીયા કહી શકાય, એ પ્રકારના હોય છે. આ માણસ પાસેથી ઉધારની આશા રાખી શકાતી નથી. અલબત્ત, આવા માણસ સાથે ભાગીદારીમાં ધંધો કરવામાં કોઈ જોખમ નથી.
એક મહાનુભાવે કપાળ પર વાળનું એવું મોટું છાપરું બનાવેલું કે આખા ચહેરા પર એનો છાંયડો રહેતો હતો. મેં ધંધો પૂછ્યો તો કહે, ‘અનાથ છું, મારે માથે કોઈ છાપરું નથી !’ આ પરથી એમ ધારી શકાય કે આવા માણસોનો મોટાભાગનો સમય વાળનું છાપરું બનાવવામાં જ જતો હશે અને કમાવા માટે સમય નહીં રહેતો હોય ! કેટલાક માણસો એવા વાળ રાખે છે જાણે કે કૂંડામાં ઘાસ ઊગાડ્યું હોય ! એમને જોઈ શાહુડીઓ પણ શરમાઈ જતી હોય છે ! આ પ્રકારની હેરસ્ટાઈલ (?) વાળા માણસો ખૂલ્લા દિલવાળા હોય છે, પણ એમની જિંદગીમાં કોઈ પ્લાનિંગ હોતું નથી. એમને ‘જડથા’ કહીએ તો કાંઈ ખોટું નથી. માથા પર વાંકી ચૂકી પાંથીવાળા મનુષ્યો ધાર્મિક પ્રકૃતિના હોય છે, હરિને ગમ્યું તે ખરું, એવું માનનારા. મેં એક સજ્જન એવા પણ જોયેલા, જેમણે વાળ વડે બંને કાન ઢાંકી રાખેલા.
મેં પૂછ્યું : ‘આપ માથાના વાળ વડે કાનને કેમ ઢાંકી રાખો છો ?’ ત્યારે એમણે કાતરિયાં ખાતાં કહેલું, ‘મેં માથાના વાળ વડે કાનને ઢાંક્યા નથી. કાનના વાળ વડે જ કાન ઢંકાઈ ગયા છે !’ ખેર, આવા માણસો ઓછું બોલનારા ને મીંઢા હોય છે. સ્ત્રીઓની હૅરસ્ટાઈલ માટે કશું લખતો નથી, કારણ કે એ અંગે મારો અભ્યાસ નથી.
તમે મને કહેશો કે હેરસ્ટાઈલ તો બદલી પણ શકાય, એથી શું માણસોના સ્વભાવ પણ બદલાઈ જશે ? ના મિત્ર. એટલે તો મેં અગાઉ કહ્યું છે કે મારો અભ્યાસ અધકચરો છે. છતાં જો તમે મારાં તારણો પર પૂરો ભરોસો કરશો, તો તમારા આ સ્વભાવને ધ્યાનમાં લેતાં હું કહીશ કે તમારે માથે ટાલ હશે !
ગનપટ હુરટીનું મુક્ટક :
બૌ વઢી ચાયલી હવે આ મોંઘવારી, હોં !
જિંડગીની પન ફરી ચાયલી પઠારી, હોં !
વાર માઠાના ખરે એવો સમય છે, ટો
ડોસ્ટ મારું માન, માઠે ટાલ હારી, હોં !



વાહ સવાર સવાર માં ખુબ જ હસી ને આખો દિવસ સુધરી ગયો.
ગનપટ હૂરટી ટો કવિ બની ચાઇલો છ, મુક્ટક હો બોલટો છ.
નિર્મિશ ભાઈ ખુબજ મજા આવી.. હું તમારા લેખો અમદાવાદના અખબાર દિવ્ય ભાસ્કરમાં અચૂક વાંચતો.. પણ જ્યારથી અમદાવાદ છૂટ્યું છે. ત્યારથી ઘણું ખરું છુટ્યું છે..
very interesting article.
મઝ્ઝા આવેી ગઈ……………
nice…my Dad really like this one
very very nice artical…..
નિમ્મેસભૈ…. ટમારો લેખ બોવ સરસ હોવા. આવા જ લેખ લખતા રેજો… બસ વાટ પુરી…..
ખુબ સુન્ડર….ઘન્ની મજા પડિ…..
Hilarious…Enjoyed reading it…Thank you Mr. Nirmish Thakkar for writing this and sharing it with us.
નિમ્મેશભૈ,
હસાવો છો તો બૌ મજા આવટી છે … પન ભૂલો બી બૌ કરટા છો ટે નથી ગમટુ છે!
શ્રીમતિ – શ્રીમતી … સામાયિક …આવુ તમારાથી ન લખાય … બસ વાટ પૂરી !
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
Bahu maja avi gai
bhai bhai
નિર્મિશભાઈ, આ ઉત્ત્મ હાસ્યલેખ વાંચીને મારી આંખો ભરાઈ આવી. અરે રોવા થી નહી – હસતા હસતા. ઃ)
અતિ ઉમદા કોટિનો લેખ છે. અતિસુંદર ….
પેટ પકડીને હસાવ્યા.