કોડિયાનો ઉજાસ – અબ્બાસઅલી સૈયદ

[ સત્યઘટના, ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

માનવી ભૂંડો નથી હોતો. પરંતુ સંજોગો જ માણસને એવું કાર્ય કરવા લાચાર, મજબૂર, વિવશ કરે છે. ખરેખર માનવી સંજોગોની કઠપૂતળી બની જાય છે. આવા જ એક બનાવની આ વાત છે. આ ઘટના લીંબડીમાં 13 વર્ષ પહેલાં બનેલી. અમારી શેરીના નાકે એક રાધેશ્યામ મંદિર આવેલું છે.

એક દિવસ બપોરના સમયે એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશ્યો. આડું-અવળું જોઈને મંદિરના અંદરના ભાગમાં પહોંચી ગયો. જ્યાં રાધા-કૃષ્ણની મૂર્તિને નીરખતો રહ્યો. કૃષ્ણના માથે કીમતી સોનાનો મુગટ શોભતો હતો. રાધા-કૃષ્ણની મૂર્તિઓને કીમતી આભૂષણોથી સજાવી હતી. અજાણ્યો માણસ ક્યાંય સુધી રાધા-કૃષ્ણની મૂર્તિને અપલક નેત્રે તાકી જ રહ્યો. બે-એક વાર તેણે પોતાની ચકોર નજરને આજુબાજુ ઘુમાવી. ‘સબ સલામત છે.’ જાણી તેણે ત્વરાથી કૃષ્ણ ભગવાનના માથેથી કીમતી સોનાનો મુગટ ઉતાર્યો, અને સાથે લાવેલી થેલીમાં મુગટને છુપાવી ત્યાંથી ચાલતી પકડી.

મંદિરના મહંત છુપાઈને આ બધું જોતા હતા ! તેઓ પણ દબાતે પગલે અજાણ્યા માણસની પાછળ ચાલવા લાગ્યા. મંદિરની બહાર આવીને તે અજાણ્યા શખ્સે મુઠ્ઠીઓ વાળી ભાગવા માંડ્યું. મહંત પણ તેની પાછળ થોડું અંતર રાખીને દોડવા લાગ્યા. તમાશાને તેડું ન હોય ! મહંતને પેલા અજાણ્યા માણસની પાછળ પીછો કરતા જોઈ લોકો પણ મહંતની પછવાડે ઉતાવળે ડગલે દોડવા લાગ્યા. બે-ત્રણ શેરીઓ વટાવી અજાણ્યો જણ ભલગામડા દરવાજે પહોંચ્યો. ત્યાં જ મંદિરના મહંત લલિતા શરણજી મહારાજે ચિત્તાની જેમ છલાંગ મારી તેને કાંઠલો ઝાલી પકડી પાડ્યો. લોકોનું ખાસ્સું ટોળું જમા થઈ ગયું. મહંતે કરડાકીથી કહ્યું : ‘તેં ભગવાનને પણ ન છોડ્યા ? તેં એવું નીચ કૃત્ય આચર્યું છે કે ઈશ્વર પણ તને માફ નહીં કરે.’
‘બાપુ, મને ક્ષમા કરી દો. સંજોગોની નાગચૂડમાં હું એવો તો સપડાઈ ગયો હતો કે હું સારાસારનું ભાન ગુમાવી બેઠો. સ્વાર્થમાં અંધ બની જઈ હું આ દુષ્કાર્ય કરી બેઠો.’

લોકોનું ટોળું વિફર્યું, તે અજાણ્યા શખ્સને મારઝૂડ કરવા લાગ્યું ! મહંત વચ્ચે પડ્યા ન હોત તો લોકો એને અધમૂઓ જ કરી નાખત. મહંતે પેલા અજાણ્યા જણ પાસેથી કીમતી સોનાનો મુગટ લઈ લીધો. અને બોધ આપતાં કહ્યું : ‘ગમે તેવી વિટંબણાઓ આવે તોય ક્યારેય આવું દુષ્ટ કૃત્ય કરવાનો વિચાર સુદ્ધાં ન કરીશ. તારે માથે એવા તે શા વિપત્તિના પહાડ તૂટી પડ્યા હતા કે તારે મંદિરમાં ચોરી કરવી પડી ?’ રડતાં રડતાં અજાણ્યા આદમીએ પોતાની વિતક કથા કહી :
‘બાપુ હું જાણું છું, સમજુ છું કે ચોરી કરવી એ પાપ છે. એમાંય ભગવાનના દરબારમાં ચોરી કરવી એ તો મહાપાપ છે. મારા આ કૃત્યને ઈશ્વર ક્યારેય માફ નહીં જ કરે….’ અને તે નાના બાળકની જેમ પોક મૂકી રડી પડ્યો.
‘તારું ખરા દિલથી પ્રાયશ્ચિત ક્યારેય એળે નહીં જાય. મારો નાથ તને ક્ષમા બક્ષી દેશે. પણ તું મને એ બતાવ કે તારે એવી તે શી આપત્તિ આવી પડી’તી કે…..’
‘બાપુ, હું મજૂરી કરીને માંડ માંડ પાંચ જણાનું પૂરું કરું છું. અમારી હાલત એવી હતી કે રોજ કમાઈએ અને રોજ રોજનું ખાઈએ. જે દિવસ મજૂરી ન મળે તે દિ’ ભૂખ્યા સૂવું પડે ! આવી કપરી મોંઘવારીમાં ટૂંકી આવકમાં બચત તો ક્યાંથી કરીએ ? ઘરમાં દીકરીઓ જુવાન થઈ હતી. એના હાથ પીળા કરવાની જવાબદારી મારે માથે હતી. મજૂરી કરીને થાક્યો પાક્યો ઘેર આવતો તો ઘરવાળી મારું માથું કાણું કરી નાખતી. ઘરની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે ! આવા સંજોગોમાં કરવું શું ? દીકરીના સાસરી પક્ષ વાળા પણ ઉતાવળા થયા હતા. મારી આંખો સામે તો ચોમેર અંધારપટ છવાયો હતો. વિચારો સાવ કુંઠિત થઈ ગયા હતા. ઘરની બળી વનમાં ગઈ તો….. ચો-તરફથી વિટંબણાઓનાં વાદળો ઘેરાયાં હતાં. મારી મતિ મારી ગઈ અને હું આવું દુષ્ટ કૃત્ય આચરી બેઠો. મને ક્ષમા કરો, મહારાજ…’

મહંતના દિલમાં દયાની સરવાણી ફૂટી. તેમણે અજાણ્યા જણને પ્રેમથી-મમતાથી કહ્યું : ‘માનવી માત્ર પર આપત્તિ તો આવે છે- જાય છે. પરંતુ આવા કપરા સમયે કોઈ શાણા માણસની તેં સલાહ લીધી હોત તો… જાગ્યા ત્યારથી સવાર. તું આ ચિઠ્ઠી લઈને મારા ભક્ત પાસે જા. મારા આશીર્વાદ તારી સંગાથે છે.’ અજાણ્યો જણ ચિઠ્ઠી વાંચીને વિમાસણમાં પડી ગયો. તેની મૂંઝવણ પારખી જતાં મહંતે કહ્યું :
‘વત્સ ! દાન કરવાવાળો એ નથી જોતો કે દાન લેનાર હિન્દુ છે કે મુસલમાન. તું નિઃસંકોચ જા અને તારું કાર્ય ચપટી વગાડતામાં થઈ જશે. તારી ચિંતા ઉપરવાળા પર છોડી દે.’ મહંતે આપેલી નાની એવી ‘ચબરખી’ એ એના જીવતરમાં જાણે ચમત્કાર સરજ્યો. એ કોડિયાના ઉજાસે અજાણ્યા આદમીના અંધકારમય જીવનને જ નહીં એના અંતરનેય પ્રકાશિત કરી દીધું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “કોડિયાનો ઉજાસ – અબ્બાસઅલી સૈયદ”

Copy Protected by Chetan's WP-Copyprotect.