પ્રામાણિક જવાબ – નીલમ દોશી

[સાસુ અને થનાર વહુ વચ્ચે પત્ર સ્વરૂપે લખાયેલ સુંદર જીવનપ્રેરક સંવાદનું આ પુસ્તક ‘સાસુ-વહુ.com’ નામે તાજેતરમાં પ્રકાશિત થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રીમતી નીલમબેન દોશીનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

બેટા જૂઈ,

અઠવાડિયાથી તારા જવાબની કાગડોળે રાહ જોતી હતી. આ રીતે લખ્યું છે એ તને ગમશે કે કેમ ? – એવી આશંકા મનમાં જાગતી હતી. તું નવી પેઢીની પ્રતિનિધિ અને હું કદાચ જૂની પેઢીની…. મારી જાતને ગમે તેટલી આધુનિક માનું છતાં થોડો ગૅપ રહી જ જાય. હૈયાના હેતથી તને આવકારતી મારી દષ્ટિ આજે આખરે એક સાસુની જ હોય એ હકીકત અવગણી કેમ શકાય ?

તારો પત્ર હમણાં જ મળ્યો. વાંચીને ખૂબ સારું લાગ્યું. તારો સહયોગ મળતાં આ યાત્રા હવે સાચા અર્થમાં સહિયારી યાત્રા બની શકી એનો આનંદ છે. તારા સાથ અને સહકાર વિના તો આ યાત્રા અધૂરી જ ગણાત. વહુને દીકરી માનવી જોઈએ કે સાસુને મા માનવી જોઈએ… એવું દીકરીના લગ્ન સમયે બધા કહેતાં આવ્યા છે; પરંતુ વ્યવહારમાં જૂજ અપવાદ સિવાય એ શક્ય બની શકે છે ખરું ? પ્રામાણિક જવાબ ઘણું કરીને ‘ના’માં આવશે. કારણો ઘણાં છે. બંને પક્ષે છે. સમાજમાં અનેક નેગેટિવ ઉદાહરણો બંનેએ જોયેલ છે. સાંભળેલ છે. સદીઓથી સાસુ-વહુના સંબંધો સમાજ માટે એક પ્રશ્નચિહ્નો બની રહ્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે જ બંનેનાં મનમાં અનેક શંકાઓ જાગતી રહે છે.

અત્યાર સુધી ઘરમાં એકચક્રી સ્થાન પામેલાં સાસુના મનમાં અનેક શંકા, કુશંકા, અસુરક્ષાની ભાવના જન્મતી રહે છે : જીવનસંધ્યાએ આ છોકરી અમને સાચવશે ? સ્નેહ આપી શકશે ? મારા દીકરાને મારાથી દૂર તો નહીં કરી દે ને ? વહુના દરેક વર્તનને જાણ્યે-અજાણ્યે તેનું મન કસોટીની એરણે ચડાવતું રહે છે, તર્કના ત્રાજવે તોલતું રહે છે. ક્યારેક કોઈ પાસે વહુનાં વખાણ કરે તો તુરત સાંભળવા મળે છે…. : ‘એ તો નીવડ્યે વખાણ….! બહુ માથે ચડાવશો તો પસ્તાવાનો વારો આવશે. બહુ છૂટ આપશો તો તેનો દુરુપયોગ કરશે. આજકાલની છોકરીઓ આમેય સ્વતંત્ર મિજાજની હોય છે. તમારી તો પાછી ભણેલી-ગણેલી….! તમારો કાંકરો કાઢી નાખતાં વાર નહીં લાગે. સાવચેત રહેજો. દીકરાનેય બદલી નાખતાં વાર નહીં લાગે….’ આસપાસનાં, પરિચિતોનાં આવાં અનેક ઉદાહરણોના રસથાળ વગર માગ્યે પીરસાઈ જતા હોય છે. આ અને આવાં કેટલાંયે સલાહ-સૂચનોથી સાસુનું મન અનાયાસે શંકા-કુશંકાઓના વિષચક્રમાં ઘેરાતું રહે છે. જાણ્યે-અજાણ્યે દરેક વાતમાં તેના એ માનસનો પડઘો પડતો રહે છે. સામે પક્ષે પણ સ્થિતિ કંઈક એવી જ હોય છે. છોકરી નાની હોય ત્યારથી જ તેના માસૂમ મનમાં ‘સાસુ’ નામના પ્રાણીનો એક અદશ્ય ‘હાઉ’ ઊભો કરાયેલ હોય છે. ‘સાસરે જશો ત્યારે ખબર પડશે… સાસુ ધોકો લેશે…. ત્યાં મા નહીં હોય…..’

આમ સાસુ કોઈ ખરાબ પ્રાણી છે. મા જેવી તો હરગિજ નથી જ – પૂર્વગ્રહની એ ગ્રંથિ બંધાતી રહે છે. તેને સમયાંતરે ખાતર-પાણી પણ મળતાં રહે છે… જેથી એ ગ્રંથિ મજબૂત બનતી રહે છે. કદાચ છોકરીનીયે જાણ બહાર. સગાઈ પછી કે લગ્નસમયે પણ જાતજાતની સલાહો બિનઅનુભવી પુત્રીને મળતી રહે છે. ‘જો વરને તારો કરી રાખજે હોં….! એ આપણો હોય પછી કોઈ ચિંતા નહીં. તારી સાસુ તો જબરી લાગે છે ! પહેલેથી ધ્યાન રાખજે. જો એક વાર દબાઈ ગઈ ને તો પછી કોઈ તારો ભાવ નહીં પૂછે.’ બિનઅનુભવી દીકરી આ બધી સલાહ બરાબર યાદ રાખે છે. પરિણામે સંબંધોમાં તિરાડ પડતી રહે છે. બેટા, આપણા સંબંધોમાં આવી કોઈ તિરાડ ન પડે તે માટે આપણે બંને જાગ્રત રહીશું ને ? ક્યારેક એક સાસુનાં સમણાંની તો ક્યારેક એક વહુનાં સમણાંની માનસિક હત્યા જાણ્યે-અજાણ્યે થતી જ રહે છે. ક્યારેક બંનેનાં, તો ક્યારેક કોઈ એકના દિલમાં ઉઝરડા પડતા રહે છે. તેની આસપાસના લોકો દ્વારા એના પર મલમપટ્ટી લગાવવાને બદલે મીઠું-મરચું લગાવી એ જખમને દૂઝતા રાખવાનું કામ થતું રહે છે. બસ… આવા કોઈ ઉઝરડા આપણા સંબંધમાં ન પડે…. ક્યારેક જખમ થાય તો એને રૂઝવવાનો… આ એક નાનકડો પ્રયાસ…. કેટલું સફળ થવાશે એની જાણ નથી, પરંતુ પ્રયત્ન કર્યાનો સંતોષ તો મળશે ને ?

તારી બહેનપણી ઈરાની વાત વાંચી દુઃખ થયું. એક દીકરીના મનને કેવડો મોટો આઘાત લાગ્યો હશે તે કલ્પી શકું છું. આપણી આસપાસના સમાજમાં આવા અનુભવો વારંવાર જોવા-સાંભળવા મળે ત્યારે ઘણી વાર ઘણાંને લગ્નસંસ્થા પરથી વિશ્વાસ ઊઠી જતો હોય છે. આવા પ્રસંગોથી કોઈ દીકરીના મનમાં આશંકાઓ, પ્રશ્નો ઊઠતા રહે એ પણ સ્વાભાવિક છે. આજે તેની સાથે થયું…. કાલે મારી સાથે આવું કશું તો નહીં થાય ને ? કમનસીબે આજે એકવીસમી સદીમાં પણ અનેક દીકરીના તુલસીક્યારા એક કે બીજા કારણસર મૂરઝાતા રહે છે. ત્યારે મનમાં શંકાનાં વાદળો ઘેરાય અને કોઈ દિશા સૂઝે નહીં એવું બની શકે. તારી વાત સાચી છે… જે કંઈ પણ બદલાવ આવે છે તે લગ્ન પછી જ આવે છે. સારો બદલાવ તો સ્વાભાવિક રીતે આવકાર્ય જ હોવાનો… સાસુ કે વહુ કોઈ પણ માટે નેગેટિવ બદલાવ આવે ત્યારે અનેક પ્રશ્નો સર્જાય છે. એનાં કારણો અનેક હોય છે અને દરેક માટે તે અલગ જ હોવાનાં, કેમકે દરેકના સંજોગો, સ્વભાવ, વાતાવરણ – બધું જ તો અલગ હોવાનું ને ?

પણ બેટા, તું એવી કોઈ ચિંતા કરીશ નહીં. મનમાં હંમેશાં એક વિશ્વાસ રાખજે : તું દુઃખી થાય એવું કશું જ આ ઘરમાં નહીં થાય. હું તારી માતા બની શકીશ કે નહીં તેની તો આ પળે ખબર નથી, પરંતુ બેટા, એક સારી સાસુ બનવાનું….. એક સારી સ્ત્રી બનીને તારી લાગણી સમજવાનું વચન તો આ ક્ષણે જ આપી શકું છું – અને તે પણ પૂરી પ્રામાણિકતાથી. તારી સફળતામાં સહભાગી થવાનું અને તારી નિષ્ફળતામાં હૂંફ આપી તારી પડખે ઊભા રહેવાનું હું મારી જાતને વચન આપું છું. બેટા, જીવનના દરેક પડાવે અમારો સહકાર તને મળવાનો જ એટલો વિશ્વાસ રાખજે. અને તારી પાસેથી હું પણ ચપટીક પ્રેમની, થોડી સમજદારીની અને પોતીકાપણાની અપેક્ષા રાખી શકું ને ? અને એમાંથી જ કોઈ સુખદ પળે આપણી વચ્ચે સાચા અર્થમાં મા-દીકરીનો સંબંધ મહોરી ઊઠશે. બાકી રાતોરાત તું મને તારી મમ્મીનું સ્થાન નહીં જ આપી શકે તેનો મને ખ્યાલ છે. હું પણ તને ક્યાં રાતોરાત દીકરીનું સ્થાન આપી શકીશ ? ‘મમ્મી’ સંબોધનથી મમ્મીની લાગણી વહુના હૈયામાં જન્મી શકતી નથી કે ‘દીકરી’ કહેવાથી દીકરીની લાગણી સાસુથી અનુભવી શકાતી નથી, એ વાસ્તવિકતા છે.

આ સંબંધોના સમીકરણમાં આવે મોટી બાધા,
વહાલ ઉમેરી આપો અમને, બાદ કરી દો વાંધા.

આપણે સૌ વાંધાવચકા છોડી, આ સંબંધમાં ચપટીઅમથું વહાલ ઉમેરવાનું કામ કરી શકીએ તો ? માનવમન અત્યંત સંકુલ અને નાજુક છે. ઘણી વાર સાવ નાની ક્ષુલ્લક વાતોપણ એને ભીતર સુધી હર્ટ કરી જાય છે. આ ક્ષણે એક વાત મનમાં રમી રહે છે. આપણી બાજુમાં રહેતાં સ્નેહાબહેનને તો તું હવે ઓળખે છે ને ? છ મહિના પહેલાં તેમણે દીકરીનાં લગ્ન કરેલાં. એકની એક દીકરી. ખૂબ લાડકી હતી. માતાને સ્વાભાવિક રીતે જ દીકરીની ચિંતા હોય. તેને સાસરામાં કેવું છે, ઘરના લોકો કેવા છે એ જાણવાની આતુરતા હોય. એમાં કશું ખોટું નથી. સ્નેહાબહેન રોજ નિયમિત રીતે દીકરીને અચૂક ફોન કરે જ. અને એક મા દીકરીને ફોન કરે એમાં કશું ખોટું કે ખરાબ નથી જ હોતું. પરંતુ…. આવી કોઈ પૂછપરછ સતત થતી રહેતી.
‘નિશા બેટા, કેમ છો ? બધું બરાબર ચાલે છે ને ? કોઈ તકલીફ તો નથી ને ?’
છ મહિના પહેલાં સાસરે વળાવેલી દીકરીને સ્નેહાબહેન પૂછી રહ્યાં. જોકે આમ તો પોતાને જાણ હતી જ કે દીકરીને કોઈ દુઃખ નથી. એ મજામાં જ છે. ઘરનાં બધાં સભ્યો ખૂબ સારાં છે, છતાં આખરે તો માનો જીવ રહ્યો ને ? દીકરીની ચિંતા ન કરે તો કેમ ચાલે ?
‘ના મમ્મી, આમ તો કોઈ તકલીફ નથી. પણ….’
‘પણ…. શું બેટા ? કોઈ કશું બોલ્યું ? તારાં સાસુની કોઈ કચકચ તો નથી ને ?’
‘ના.. ના… મમ્મી એવું તો નથી. આ તો રસોઈ મારે એકલીએ જ કરવાની… તેથી ક્યારેક થાકી જવાય છે. આદત નથી ને એટલે… પણ ધીમે-ધીમે ટેવાઈ જઈશ… તું ચિંતા કરીશ નહીં.’ દીકરીએ માને સધિયારો આપ્યો.

‘તે તારી સાસુ તને કંઈ મદદ ન કરાવે….? એવું કેમ ચાલે ? આખો દિવસ બેઠાંબેઠાં શું કરે ? તું એકલી કેટલેક પહોંચી વળે ?’
‘ના, મમ્મી એમ તો થોડી ઘણી મદદ કરાવે. પણ એ તો એમની મરજી થાય ત્યારે અને તો જ કરાવે. બાકી જવાબદારી તો બધી મારી ઉપર જ તેમણે ઢોળી દીધી છે. એ ન કરાવે તોયે મારે કર્યે જ છૂટકો ને ?’
‘બેટા, સંભાળીને રહેજે. તું પાછી બહુ ભોળી છો…. પહેલેથી સાસુના દાબમાં આવી ગઈ ને તો પછી પૂરું… થોડું સાવચેત રહેવું સારું. અને જો, નિશાંતને તો આપણા હાથમાં જ રાખવો. એને તો એવી રીતે વશમાં કરી લેવો કે ક્યારેક એની મા કંઈક કહે ને તોપણ એને તારી જ વાત સાચી લાગે. સમજ પડી, બેટા ? સાસરામાં થોડાં હોશિયાર ન થઈએ ને તો આપણો કાંકરો નીકળી જતાં વાર ન લાગે.’ સામે છેડેથી એક માનો ચિંતાતુર અવાજ આવ્યો. મમ્મીની આવી અનેક શિખામણોનો મારો નિશા પર અવારનવાર ચાલતો રહ્યો. અને હવે નિશાનું ધ્યાન સાસુ આખો દિવસ શું કરે છે, પોતાને કેમ રાખે છે… તે બધું જોવામાં અનાયાસે પ્રવૃત્ત થતું જાય છે. સાસુના દરેક શબ્દનું પોતાની રીતે મનોમન અર્થઘટન થતું રહે છે. માતાની આ પ્રકારની સતત પૂછપરછને લીધે સાસુ તેને માટે હંમેશાં પારકી બની રહે છે. એક મા જાણ્યે-અજાણ્યે દીકરીને તેના ઘરમાં એકરસ નથી થવા દેતી. સ્નેહાબહેનને એ સમજાતું નથી કે આમ કરીને તે દીકરીનું હિત નહીં બલકે અહિત જ વધારે કરે છે. સહાનુભૂતિનું નકારાત્મક મોજું જીવનમાં ક્યારેય આવકાર્ય ન હોઈ શકે. માતાના કે કોઈ પણના સતત પુછાતા રહેતા આવા કોઈ પ્રશ્નોથી બિનઅનુભવી દીકરી તેની નાનીનાની તકલીફો શોધીને માતાને કહેતી રહે છે. અને શોધનારને શું ન મળે ? જેને જે શોધવું હોય તે હંમેશાં મળી જ રહેવાનું. આમ પણ સર્વગુણસંપન્ન તો દુનિયામાં કોણ હોય છે ? આવી સામાન્ય પૂછપરછને પરિણામે સાસુ-વહુ વચ્ચે ક્યારેય લાગણીનો સેતુ બંધાતો નથી. આવી નાની વાતોનું પરિણામ મોટું આવી શકે તેવી શક્યતાઓ નકારી કેમ શકાય ?

મા ઉપર સ્વાભાવિક રીતે જ કોઈ પણ દીકરીને સંપૂર્ણ શ્રદ્ધા હોય છે. તે જે કહેશે તે પોતાના સારા માટે જ કહેશે એવો એને વિશ્વાસ હોય છે, જ્યારે સાસુ માટે હજુ એવી કોઈ ભૂમિકા… એવો કોઈ વિશ્વાસ ન હોય એ સ્વાભાવિક છે. આમ પણ શૈશવથી મનમાં ઊભો કરાયેલ પેલો ‘હાઉ’, નકારાત્મક ગ્રંથિ એને સાસુથી એક અંતર જાળવી રાખવા માટે સાવધાન રાખે છે. પુત્રીની વાતોનું અર્થઘટન મા પોતાની સમજણ મુજબ… પોતાના અનુભવોને આધારે કરતી અને કહેતી રહે છે અને દીકરીને શિખામણ આપતી રહે છે. તેમાં સામાન્ય રીતે સાસુથી સાવચેત રહેવાની વાત જ વધારે હોય છે. દીકરી પણ એ વાત ભૂલી જાય છે કે જે ઘરની વાત એ કરે છે તે ઘર જ હવે તેનું પોતાનું છે. પોતાના ઘરની જ વાતો પોતે કરે છે ! કદાચ દીકરીએ વરને જ પોતાનો માન્યો છે. ઘરને સાચા અર્થમાં પોતાનું માન્યું હોય તેવી કોઈ સંસ્કારી દીકરી સાસરાના ઘરની નેગેટિવ વાત જલદી પિયરમાં કેમ કરી શકે ? પિયરની કોઈ નેગેટિવ વાત તે જલદી સાસરે કરે છે ખરી ? ના, કેમકે એ ઘર એને માટે પોતીકું છે. આ ઘરને પોતીકું બનવાને હજુ વાર છે અને એ બને એ પહેલાં જ….. આવા કોઈ અવરોધ એમાં વિધ્ન બની રહે છે. અલબત્ત, કોઈ મોટી વાત હોય….. મોટો પ્રશ્ન હોય….. સાસરામાં કોઈ તકલીફ હોય અને માર્ગદર્શનની જરૂર હોય ત્યારે દીકરી માને વાત ન કરે તો કોને કરે ? એ સમજાય તેવી વાત છે. અને તેવે સમયે માતાપિતાએ દીકરીને તેના નસીબ પર છોડી દેવાને બદલે તેને શક્ય તે રીતે મદદરૂપ પણ બનવું જ જોઈએ. દીકરી સાસરે જ શોભે કે સાસરેથી દીકરીની અર્થી જ નીકળે…. આવા જુનવાણી વિચારોને તિલાંજલિ જ આપવી ઘટે; પરંતુ જ્યારે આવા કોઈ મોટા પ્રશ્નો ન હોય ત્યારે… માએ સમજદારીપૂર્વક દીકરીના સંસારથી થોડાં અળગાં રહેતાં શીખવું જ રહ્યું. ઈચ્છા થાય ત્યારે…. તેટલી વાર દીકરી સાથે વાતો ભલે કરે; પરંતુ સતત આવા કોઈ પ્રશ્ન પૂછતા રહી દીકરીના મનમાં ‘અમે જ તારાં અને સારાં’ અને સાસરાવાળાં ખરાબ કે પારકાં એવી કોઈ ગ્રંથિ… કોઈ પૂર્વગ્રહ…. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ ન જાગે એ માટે કોઈ પણ સમજુ મા-બાપે જાગ્રત રહેવું જોઈએ.

સાસુ-વહુ વચ્ચે રાજકારણના આટાપાટા પહેલાં મનમાં અને પછી ઘરમાં રમાય છે. સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થાય છે. નિશા અને તેનાં સાસુ વચ્ચે પણ તિરાડ પડી. દિવસે દિવસે એ તિરાડ મોટી થતી ગઈ… સાસુ-વહુ વચ્ચે તૂ-તૂ, મૈં-મૈં…. શરૂ થયું. વહુએ શરૂ કર્યું તો સાસુ પણ પાછળ કેમ રહી જાય ? જાળવવાની લાખ કોશિશ કરી તોપણ સંબંધોના કાચા ધાગા તૂટ્યા છે. સાવ જ નાનકડી વાત….. પણ પરિણામ ? એક સંબંધનું તૂટવું… એક કુટુંબનું તૂટવું… આવાં અનેક કુટુંબો એક કે બીજા કારણસર તૂટતાં રહે છે, સમાજની સ્વસ્થતા ખોરવાતી રહે છે. આવા સંજોગોમાં સામાન્ય રીતે મેળવવાનું કોઈને ભાગે નથી આવતું. બંનેને ભાગે ગુમાવવાનું જ વધારે આવે છે. એક સાસુ-વહુ પોતાના મનમાં ઊઠતાં સંવેદનોને આ રીતે એકમેક પાસે વ્યક્ત કરતાં રહે એ એક મજાની વાત નથી ? જોયેલા, જાણેલા અનેક અનુભવો અહીં શબ્દરૂપે વહેતા રહેશે… ક્યારેક એમાંથી તું કંઈક જાણી શકીશ…. ક્યારેક એમાંથી હું કશુંક પામી શકીશ… આપણે બંને એ રીતે એકબીજાની વધારે નિકટ આવી શકીશું, એકબીજાને સમજી શકીશું.

બસ… મનમાં જે ક્ષણે જે વિચાર ઊઠે છે એને એ જ સ્વરૂપે વહેવા દઉં છું, દિલની પૂરી સચ્ચાઈથી. સચ્ચાઈ ન જાળવી શકાય તો એ લખવાનો કોઈ અર્થ નથી. દિલની પૂરી સચ્ચાઈ હોય તો જ એ અન્યના દિલને સ્પર્શી શકે અને ત્યારે જ આ સહિયારી યાત્રા કોઈને પોતીકી લાગે…. અને કોઈને એમાં એક કે બીજી રીતે સામેલ થવાનું મન થાય. કોઈ સાસુ કે કોઈ વહુ બંનેને પોતાના અનુભવો કહેવાનું મન થશે ને આ સફરમાં સામેલ થશે તો હું જરૂર ખુશી અનુભવી શકીશ…. સૌથી મોટી કરુણતા એ છે કે સંબંધોના આ બધા આટાપાટા વચ્ચે સૅન્ડવિચની માફક ભીંસાતો રહે છે એક છોકરો. એક તરફ જનેતા છે જેણે પોતાના જીવનનાં શ્રેષ્ઠ પચીસ વરસ એની પાછળ ખર્ચ્યાં છે. બીજી તરફ બધું છોડીને પોતાના વિશ્વાસે આવતી છોકરી…. બંને તેના પ્રેમનાં અધિકારી છે. બંને માટે તેને લાગણી છે. બંને તરફ તેનું કર્તવ્ય પણ છે. આવા સંજોગોમાં સંવેદનશીલ યુવક ગૂંગળાઈ રહે એ સ્વાભાવિક નથી ? અને આશ્ચર્યની વાત તો એ છે કે સાસુ-વહુ બંનેને એને માટે પ્રેમ છે અને છતાં… એ જ બંને એને દુઃખી કરી મૂકે છે !

આવા સમયે દીકરાનું પલ્લું ક્યારેક પત્ની તરફ ઢળે છે ત્યારે એને બૈરીઘેલો કહેવાય છે અને માતા તરફ ઢળે ત્યારે એ માવડિયો કહેવાય છે. જીવનમાં સંબંધોનાં સમીકરણ આસાનીથી ક્યાં બૅલેન્સ થઈ શકતા હોય છે ? દીકરો પત્નીની વાતમાં આવી જાય ત્યારે એક માતાને અન્યાય કરી રહે છે અને માની વાતમાં આવી જાય તો પત્નીને અન્યાય કરી બેસે છે. બેટા, સમજાય છે મારી વાત ? આપણે સંબંધોમાં સમતોલન જાળવવા જાગ્રત રહીશું ને ? આપણે કંઈ એકબીજાનાં હરીફ નથી, આપણે તો એકમેકનાં પૂરક બનવાનું છે. અને એમાં મને જોઈશે તારો… એક વહુનો સાથ-સહકાર. બેટા, મને તારો સાથ મળી રહેશે ને ?

મમ્મીના વહાલભર્યા આશીર્વાદ.

[કુલ પાન : 226. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “પ્રામાણિક જવાબ – નીલમ દોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.