વીણેલી વાતો – બેપ્સી એન્જિનિયર

[ પ્રેરક પ્રસંગો અને બોધદાયક વાતોના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘વીણેલી વાતો’માંથી કેટલાક પ્રસંગો અહીં સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નવતર પરીક્ષા

ગાંધીજીની ફિનિક્સ સ્કૂલમાં મોટે ભાગે દર શનિવારે પરીક્ષા લેવાય. પરીક્ષક ગાંધીજી પોતે હોય. કોઈ વાર ગણિત, કોઈ વાર ગીતાપાઠ, કોઈ વાર ભાષા. એમ વારાફરતી દરેક વિષયની પરીક્ષા લેવાય. ગાંધીજી જાતે ઉત્તરવાહિની તપાસે અને ગુણ મૂકે. સાંજે પ્રાર્થના સમયે સૌ ભેગા થાય ત્યારે ગાંધીજી પરિણામ જાહેર કરે. ભૂલચૂક સુધારે. સારું કરનારને પ્રોત્સાહન આપે. સારું ન કરે તો ટપારે પણ ખરા. ગાંધીજીની ગુણાંક આપવાની પદ્ધતિ અનોખી. ઘણા વિદ્યાર્થીઓને પોતાને અન્યાય થયો છે એવું લાગે. મેં બીજા બધા કરતાં સારું લખ્યું છતાં બાપુએ મને ઓછા ગુણ આપ્યા એમ કોઈ તેજસ્વી વિદ્યાર્થીને મનમાં થતું. સુંદર અક્ષરની હરીફાઈમાં પણ કેટલાકને અન્યાય થયેલો લાગતો.

આખરે એક વિદ્યાર્થીએ ગાંધીજીને સીધું પૂછી લીધું.
‘બાપુજી, મેં આના કરતાં ઘણું વધારે સારું લખ્યું છે છતાં તમે મને એના કરતાં ઓછા ગુણ આપ્યા એ તે કેવું ?’
ત્યારે ગાંધીજી બોલ્યા, ‘આમાં તમને કોઈને અન્યાય થયો નથી. કેવળ મારી ગુણાંક પદ્ધતિમાં ફેર છે. ફલાણો વિદ્યાર્થી ફલાણા કરતાં કેટલો વધુ બુદ્ધિશાળી છે એવા વિચારે હું ગુણ મૂકતો નથી. દરેક વિદ્યાર્થી ગઈ વખતની પરીક્ષા કરતાં ત્યાર બાદની પરીક્ષામાં કેટલો ઊંચો આવ્યો કે નીચે ગયો તે જોઈને હું તો ગુણ મૂકવાનો. અનિયમિત કામ અને ઓછી મહેનત કરનાર બુદ્ધિશાળી હોય છતાં પણ પાછો પડવાનો. જે ચીવટ રાખી મહેનત કરે એ જ આગળ આવવાનો. આવાને હું વધુ ગુણને લાયક ગણું.’ ગાંધીજીની આ નવતર પરીક્ષા પાછળનો હેતુ જાણ્યા બાદ સૌને ખાતરી થઈ કે ગાંધીજી અન્યાય નહીં કરે, પક્ષપાત નહીં બતાવે. હવે બધા વિદ્યાર્થીઓ આડાઅવળા વિચારો છોડીને મહેનત કરવા પ્રેરાયા.

[2] વડો નિશાળિયો ન્યૂટન

મહાન વૈજ્ઞાનિક ન્યૂટનનો બાલ્યકાળ એમનાં દાદીમાને ઘેર વીતેલો. દાદીમાને મુદ્દલ કરતાં વ્યાજ વધુ વહાલું લાગે. તેઓ ન્યૂટનની ખૂબ આળપંપાળ કરતાં. લાડ લડાવતાં. ન્યૂટન મોટો થતાં ગ્રામર સ્કૂલમાં ગયો. ન્યૂટનના શરીરનો બાંધો અન્ય વિદ્યાર્થીઓ કરતાં નાજુક. શાળામાં એક નટખટ દાદો હતો. બધા વિદ્યાર્થીઓ તેનાથી ડરીને ચાલતા. નબળો-પોચો વિદ્યાર્થી સહેલાઈથી તેનો શિકાર બનતો. દાદો તેને ખૂબ પજવતો અને મારતો પણ ખરો. આમ કરવામાં તેને ખાસ આનંદ મળતો. એક દિવસ દાદાની નજર ન્યૂટન ઉપર પડી. નવો વિદ્યાર્થી. નાજુક, નમણો અને શરમાળ. ઉપરાંત ઓછાબોલો અને એકાંતપ્રિય. દાદીમાના ઘરનું શાંત વાતાવરણ છોડીને શાળામાં આવેલો. એને શાળાનો કોઈ અનુભવ નહીં. આ બધું દાદો સમજી ગયો.

એક દિવસ ન્યૂટન શાળાના મેદાનમાં રમતો હતો. ત્યાં અચાનક દાદાએ પોતાના પંજામાં ન્યૂટનની ગરદન ઝાલી. પછી તેને જોરથી હલાવવા લાગ્યો. આ બધું એક પળમાં બની ગયું. પરંતુ ન્યૂટનના જીવનમાં એ પળે મોટો પલટો આણ્યો. સૌના આશ્ચર્ય વચ્ચે ન્યૂટને દાદાને જોરથી ગુલાંટ ખવડાવી ભોંય ભેગો કર્યો અને પોતે પોતાના સ્થાન પર પૂરી સ્વસ્થતાથી અડીખમ ઊભો રહ્યો. તે પળે ન્યૂટનને અત્યાર સુધી અપ્રગટ રહેલી પોતાની તાકાતનું ભાન થયું. તેનામાં આત્મવિશ્વાસ પ્રગટ્યો. તેનો અભ્યાસ સુધર્યો. તે સ્વરક્ષણ કરતાં શીખ્યો અને બીજા સત્રમાં તો તે શાળાના વડા નિશાળિયા તરીકે પંકાયો.

[3] એક ક્રિકેટરનો સુખદ અનુભવ

વિલિયમ બારકલે કહે છે; ‘નાનપણથી હું ક્રિકેટ રમતો આવેલો. ક્રિકેટની એક સીઝન દરમિયાન મારા બાધ પાસા ઊંધા પડેલા. તે વેળા ડૉન બ્રેડમેન જેવા મહાન ક્રિકેટ ખેલાડીને મનોમન સંભારેલા. એ પણ નિષ્ફળ ક્યાં નહોતા નીવડ્યા ? એક વાર ઉત્તમ રમત રમેલો, બીજી વાર બધું નહિવત.

એક વાર ત્રણ અઠવાડિયાં સુધી લગાતાર હું જોઈએ એવો સારો દેખાવ કરવામાં નિષ્ફળ નીવડ્યો. બહુ નિરાશ થઈ ગયો. બીજે અઠવાડિયે મારું નામ ખેલાડીઓના લિસ્ટમાં જોઈ હું તો આશ્ચર્યચકિત ! મને એમ હતું કે આ ફેરા તો ચોક્કસ મને પડતો મૂકવામાં આવશે. બપોરના સમયે રમત શરૂ થવાની હતી. ખેલાડીઓના બૅટિંગ ઑર્ડરની યાદી મૂકવામાં આવી. હું તે જોવા ગયો. ખાતરી હતી કે મારું નામ છેલ્લા ખેલાડીઓમાં ક્યાંક હશે. એમ જ હોય ને ? છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મારી રમત જોતાં વધુ આશા પણ કેમ રાખી શકાય ? પ…ણ જુઓ તો ખરા ! લિસ્ટ તપાસતાં જોઉં તો કૅપ્ટને મારું નામ ઈનિંગ્સ ખોલવામાં મૂકેલું ! મારું નામ ત્યાં જોઈ તુરત મેં મારા ખભા ટટાર કર્યા. હું રમવા ઊપડ્યો. તે દહાડે હું સરસ રમ્યો. અને પહેલાંની હારનો બદલો વ્યાજસિક્કા સહિત મારા કૅપ્ટનને વાળી બતાવ્યો. આમ કેમ બનવા પામ્યું ?

મારો એ કૅપ્ટન બહુ સમજદાર હતો. મારા કૅપ્ટને મને વેળાસર પ્રોત્સાહિત કર્યો તેનું એ શુભ પરિણામ હતું. તે દહાડે હું જીવનનો એક મહામૂલો પાઠ શીખ્યો – કોઈ નિષ્ફળ નીવડે ત્યારે તેને તે ક્ષણે વધુ નિરુત્સાહી બને એવું વર્તન દાખવવાને બદલે ઉત્સાહિત કરી શ્રેષ્ઠ પરિણામ લાવવા પ્રેરિત કરવો આવકારપાત્ર જ નહીં આવશ્યક પણ ગણાય.

[4] ચોથી પેઢીની ચિંતા

એક નગરશેઠ મરી ગયા એટલે તેમના પુત્રે શેઠના મુનીમને પૂછ્યું, ‘મારા પિતાજી એમની પાછળ કેટલું ધન મૂકી ગયા છે ?’
મુનીમ કહે, ‘ત્રણ પેઢીઓ ચાલે એટલું.’
મુનીમની વાત સાંભળી શેઠના પુત્રને ચોથી પેઢીની ચિંતા થઈ. શરીર સુકાવા લાગ્યું. દવાદારૂ નકામાં ઠર્યાં. ત્યાં એક દિવસ શેઠના દીકરાને ઘેર એક સંત આવી પહોંચ્યા. સંતે દીકરાની વાત સાંભળી કહ્યું, ‘ભાઈ, તું રોજ સવારે એક શેર અનાજ ગરીબોને આપવાનું વ્રત લે. તારી તબિયત સુધારવાનો આ એક માત્ર ઈલાજ છે.’ શેઠના દીકરાએ રોજ એક શેર અનાજ કોઈ ગરીબગુરબાંને આપવા માંડ્યું.

એક દિવસ કોઈ અનાજ લેવા ન આવ્યું. શેઠનો પુત્ર વ્રત તૂટવાના ભયે ગભરાયો. ત્યાં તેની નજર રસ્તે જતા એક ગરીબ જન પર પડી. શેઠનો દીકરો તેને અનાજ આપવા દોડ્યો. ત્યાં તો પેલો ગરીબ માણસ બોલ્યો, ‘મોટાભાઈ, જરા થોભો. પહેલાં હું ઘેર જઈને જોઈ આવું કે આજે મને અનાજની જરૂર છે કે નહીં.’ થોડી વાર રહીને પાછા ફરતાં તે બોલ્યો, ‘આજ પૂરતું અનાજ તો મારે ત્યાં છે. હવે તમારા અનાજનો મને ખપ નથી.’
શેઠનો દીકરો બોલ્યો, ‘અરે ભલા આદમી, આજ નહીં તો કાલે તને કામ આવશે….’
શેઠના દીકરાને આગળ બોલતો અટકાવી તે ગરીબ માણસ હસીને કહે, ‘ભાઈ, કાલની ચિંતા હું આજે કરતો નથી.’ ગરીબની વાત સાંભળી શેઠનો પુત્ર વિચારી રહ્યો, ‘આ માણસ કાલની ચિંતા નથી કરતો અને હું મૂર્ખ ચોથી પેઢીની ચિંતા કરી નાહકનો દૂબળો પડતો જાઉં છું !’ પછી તેણે ચિંતા કરવી છોડી દીધી.’

[5] ખોપરી

એક મુસાફર જંગલમાં થઈને જઈ રહ્યો હતો. તેને કકડીને ભૂખ લાગી હતી. ક્યાંય કશું ખાવા મળે એમ નહોતું. ભૂખ અને થાકથી ત્રસ્ત મુસાફર લથડિયાં ખાતો આગળ વધી રહ્યો હતો. કાશ એકાદું રોટીનું બટકું એના ભખભખ થતા જઠરાગ્નિને ઠારવા મળી જાય…. ત્યાં તો ભગવાને એની પ્રાર્થના સાંભળી હોય તેમ દૂર એક ગુફા નજીક એક મહાત્મા બેઠેલા દેખાયા. તેઓ ગુફાની બહાર બેઠા ભોજન આરોગી રહ્યા હતા. મુસાફર નજીક આવી લાગતાં મહાત્મા બોલ્યા : ‘ભાઈ, તું થાક્યોપાક્યો અને બહુ ભૂખ્યો લાગે છે. અહીં ઘડીક આરામ કર. મારી પાસે જે કાંઈ છે તે ખાઈને તારી ભૂખ મટાડ.’ આમ કહી મહાત્માએ જે ખાવાનું હતું તે મુસાફર સામે ધર્યું. મુસાફરે જોયું તો ભોજન એક ખોપરીમાં રાખેલું હતું. તે જોતાંને વાર મુસાફરે મોં બગાડ્યું. બોલ્યો, ‘ક્ષમા કરજો મહાત્મા, ભૂખ્યો હોવા છતાં આ ભોજન હું આરોગી નહીં શકું. મને બહુ સૂગ લાગે છે.’ આટલું બોલી તેણે ખોપરી તરફ આંગળી ચીંધી.

તેની વાત સાંભળી મહાત્મા બોલ્યા, ‘તારે સુગાવાની કાંઈ જ જરૂર નથી. હું આ ખોપરીને રોજ સવાર-સાંજ ધોઈ માંજીને ચકાચક રાખું છું. તે બિલકુલ સ્વચ્છ છે.’ છતાં મુસાફરે એકની એક વાત દોહરાવતાં કહ્યું : ‘મને બહુ સૂગ લાગે છે.’
ત્યારે સંત બોલ્યા : ‘ભાઈ, જે ખોપરી તારા માથા પર છે તેમાં સૂગ આવે એવું કેટલુંય પડ્યું છે. કામ, ક્રોધ, મોહ, માયા, નિંદા, ઈર્ષ્યા, વેરઝેરરૂપી કીડાઓ તેમાં ખદબદે છે. એ ખોપરી દિનરાત માથે રાખતાં તને સૂગ નથી લાગતી ?’ મુસાફર શું બોલે ?

[6] જિંદગી બચાવવા જેવી ખરી ?

એક છોકરો નદીમાં નહાવા ગયો. થોડી વારમાં તે ડૂબવા લાગ્યો. ‘બચાવો, બચાવો’ની બૂમો પાડવા લાગ્યો. કિનારા પર એક માણસ ચાલતો હતો. તે પાણીમાં પડ્યો. પેલા છોકરાને ડૂબી જતો તેણે બચાવી લીધો. પછી તે જવા લાગ્યો ત્યાં પેલો છોકરો બોલી ઊઠ્યો :
‘સજ્જન, તમારો બહુબહુ આભાર. તમે મારા તારણહાર.’
પેલો માણસ કહે, ‘તું શા માટે મારો આભાર માને છે ?’
છોકરો કહે : ‘તમે તો મને આજે ડૂબી જતો બચાવ્યો ! તમારો તો આભાર માનું એટલો ઓછો.’ પેલા સજ્જને છોકરાની આંખોમાં આંખો પરોવી કહ્યું, ‘બેટા, તું મોટો થાય ત્યારે યાદ રાખજે કે તારી જિંદગી બચાવવા લાયક હતી.’

[7] ખરું અને ખોટું

જાપાનના એક ગુરુ આગળ ઘણા જણ શીખવા આવતા. એક દિવસ એક વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયો. અન્ય વિદ્યાર્થીઓએ ગુરુજી આગળ ફરિયાદ કરી, ‘આ છોકરાએ ચોરી કરી છે. એને અહીંથી કાઢો.’ ગુરુજીએ અન્ય વિદ્યાર્થીઓની વાત પર ઝાઝું ધ્યાન આપ્યું નહીં. બીજી વેળાએ પણ પેલા છોકરાએ ચોરી કરી. આ વેળાએ પણ ગુરુજીએ જોયું ન જોયું કર્યું. આથી બધા વિદ્યાથીઓ છંછેડાયા. એ બધાએ ગુરુજીને ચેતવણી આપી :
‘ક્યાં તો આ છોકરાને કાઢો, ક્યાં તો અમે બધા અહીં આવવું છોડી દઈએ !’
ગુરુજીએ બધા વિદ્યાર્થીઓને ભેગા કર્યા. પછી બોલ્યા, ‘જુઓ ભાઈઓ, તમે બધા સમજુ છો. શું ખરું, શું ખોટું તે બરાબર જાણો છો. તમારે બીજે ભણવા જવું હોય તો ભલે જાઓ. આ બિચારો છોકરો શું ખોટું અને શું ખરું તે જાણતો નથી. હું જો તેને આ ન શિખવાડું તો તેનું શું થાય ? માટે તમે બધા જતા રહો તોપણ હું તેને રાખીશ !’

ગુરુજીની વાણી સાંભળી જેણે ચોરી કરી હતી તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. ત્યાર બાદ તેણે ચોરી કરવી છોડી દીધી.

[8] આચાર્યનો પત્ર

પ્રિય શિક્ષણ બંધુઓ,
હું કૉન્સનટ્રેશન કૅમ્પમાં રહી ચૂકેલો દુર્ભાગી છું. ત્યાં મેં જે કાંઈ સહ્યું અને જોયું ભગવાન તેવું કોઈને ન બતાવે. વિદ્વાન એન્જિનિયરોએ જાતે બનાવેલા કૉન્સનટ્રેશન કૅમ્પો મેં જોયા છે. જાણીતા દાક્તરોએ જાતે ઝેરી ઈન્જેકશનો ઘોંચી ઘણા બાળકોના જાન લીધા છે. અનુભવી પરિચારિકાઓને નાનાં ભૂલકાંઓને ગળે ટૂંપો દેતાં જોઈ છે. કૉલેજ કે હાઈસ્કૂલની શીખેલ ભણેલ વ્યક્તિઓએ સ્ત્રીઓ અને બાળકોને ગોળીએ દીધેલાં જોયાં છે. ત્યારથી સુસંસ્કૃત શિક્ષણ વિશે મારો અભિગમ બદલાઈ ગયો છે. માટે તમો બધાંને મારી વિનંતી છે કે માનવતાનાં મૂલ્યો સૌ પહેલાં શીખો, શિખવાડો – વિદ્વાન રાક્ષસો પેદા ન કરો. લખવું, વાંચવું, ગણિત ઈત્યાદિ જરૂર આવશ્યક વિષયો છે. ક્યારે ? જ્યારે એ બધું તમને માનવતાનાં મૂલ્યો શિખવાડે ત્યારે. આપણાં બધાંનું સદા આ જ ધ્યેય હો.

[9] સાચું ભણતર કોને કહેવાય ?

એક જુવાન ઑફિસરને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું ભાષણ સાંભળવું હતું. તે ટ્રેનમાંથી પોતાની સૂટકેસ લઈ પ્લૅટફૉર્મ પર ઊતર્યો. વિદ્યાસાગર પણ પોતાની સૂટકેસ લઈ બહાર આવ્યા. ત્યાં પેલા ઑફિસરે મજૂરને બોલાવ્યો. વિદ્યાસાગર કહે, ‘ભાઈ, આટલાં નાની સૂટકેસ સારું મજૂર શા માટે રોકો છો ? આ તો તમે જાતે ઊંચકી શકો એટલી નાની છે !’
ઑફિસર કહે, ‘મહેરબાન, હું શીખેલ ભણેલ ઑફિસર છું. સૂટકેસ હાથમાં લઈને ચાલું તો મારો મોભો લજવાય.’
ઈશ્વરચંદ્ર કહે, ‘ભાઈ, તમારે તમારી બૅગ ઊંચકવી ન હોય તો લાવો, હું તે ઊંચકીશ.’ આટલું કહી તેમણે ઑફિસરની બૅગ ઊંચકી તેની સાથે ચાલવા માંડ્યા. પછી પેલો ઑફિસર જ્યાં ભાષણ ગોઠવાયેલું ત્યાં પહોંચ્યો, જુએ છે તો જેણે તેની સૂટકેસ ઊંચકેલી તે બીજા કોઈ નહીં પણ સન્માનીય વ્યક્તિવિશેષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોતે હતા ! ઑફિસરનું માથું શરમથી ઝૂકી ગયું.

[10] ચારિત્ર્યનો સવાલ

ઈ.સ. 1949માં સી.વી. રામને ‘રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના કરેલી. એમણે એક મદદનીશની ખાસ જરૂર હતી. ઘણા જણ મુલાકાતે આવ્યા. મુલાકાત બાદ એક જણ જે ઈન્ટરવ્યૂ દરમિયાન અયોગ્ય સાબિત થયેલો તે હજી પણ બારણા બહાર ઊભો રહેલો. તેને ત્યાં ઊભેલો જોઈ સી.વી. રામને સહેજ તોરમાં પૂછ્યું :
‘શું કરે છે ? તને કહ્યું ને, આ જગા માટે તું લાયક નથી ?’
પેલો મુલાકાતી ધીરેથી બોલ્યો, ‘સર, હું જાણું છું તે વાત, હું તો અહીં એટલા માટે આવ્યો છું કે તમારી ઑફિસવાળાઓએ ભૂલથી મને મુસાફરી અંગેનું ભથ્થું વધારે આપેલું. બાકીના પૈસા પરત કરવા આવ્યો છું.’
‘એમ વાત છે ?’ સી.વી. રામન બોલ્યા. પછી તેના ખભે હાથ રાખી કહે, ‘અંદર આવ. મને તારા જેવાની જરૂર છે. ભૌતિક વિજ્ઞાનનું તારું જ્ઞાન ભલે કાચું હોય. તે હું તને શિખવાડીશ. તું એક ચારિત્ર્યવાન, પ્રામાણિક વ્યક્તિ છે અને મારે માટે તે પૂરતું છે.’

[કુલ પાન : 120. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a Reply to Hiral Vyas "Vasantiful" Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “વીણેલી વાતો – બેપ્સી એન્જિનિયર”

Copy Protected by Chetan's WP-Copyprotect.