પ્રાકૃતિક સ્થાપત્યનો ભીષ્મ પિતામહ : નરી ગાંધી – કનુભાઈ સૂચક

[ અન્ય લેખોની સમીક્ષાનું કાર્ય ચાલી રહ્યું હોઈ આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.]

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

વાસ્તુશાસ્ત્રમાં આર્કિટેક્ટ માટે સ્થપતિ શબ્દનો ઉપયોગ થયો છે. સ્થપતિ શબ્દ સાથે અનેક અર્થવ્યંજના અભિપ્રેત છે. સર્વ શાસ્ત્રોના જ્ઞાતા, કલાવિદ, સ્થાપત્યશાસ્ત્રમાં કુશળ, કુશળ સલાટ, સારા શિક્ષક અને સમતાવાન પુરુષનાં લક્ષણો ધરાવતા બહુવિધ પ્રતિભા ધરાવનારને સ્થપતિ તરીકે ઓળખ મળતી. લોકો તેને બ્રહ્મા અથવા વિશ્વકર્માના નામે આદર આપતા.

ભારતભરમાં આવા અનેક આદરણીય સ્થપતિઓનો ઈતિહાસ મળે છે. ગુજરાતમાં સોમપુરા અટક જ સ્થપતિનું પર્યાયવાચી નામ થઈ ગયું છે. સદીઓ પુરાણી આપણી સંસ્કૃતિ સાથે જે સ્થાપત્યોએ આપણું અનુસંધાન જાળવ્યું છે તે સ્થાપત્યોના સ્થપતિઓનું સન્માન કરવું તે આપણા રાષ્ટ્રીય સંસ્કાર રહ્યા છે. આજે આપણે એક એવા જ સ્થપતિની વાત કરવી છે જેને તેના ટૂંકા જીવનકાળમાં જ લોકોએ વિશ્વકર્મા નામ આપી આદર આપ્યો છે. આ આધુનિક સ્થપતિનું નામ છે સ્વર્ગસ્થ નરી ગાંધી.

નરી ગાંધીના વ્યક્તિત્વની ખાસ કોઈ વિશિષ્ટતા નહીં. સાવ જ સીધાસાદા આ પારસી સદગૃહસ્થ. મધ્યમ બાંધાનો, આર કે. લક્ષ્મણના કોમન મેન જેવો, ખાદીનાં સફેદ કપડાં, ખભે ખાદીનો થેલો લટકાવી ક્યારેક ફોર્ટની કોઈ ફૂટપાથ પર, બેસ્ટની કોઈ બસમાં, રેલવેના સેકન્ડ કલાસની ભીડમાં, કોઈ રસ્તે, કોઈ શેરીએ તમને મળી પણ ગયો હશે અને તમે તેની નોંધ પણ લીધી નહીં હોય. સર્વ ઘોંઘાટ અને ભીડમાં આ અલિપ્ત માણસને બસમાં કે ગાડીમાં મુસાફરી કરતાં બેસવા મળી જાય તો બસની ટિકિટની પાછળ કે નાના કાગળની ચબરખી ઉપર બારીક અણીવાળી પેન્સિલથી લીટાં દોરતો પણ તમે જુઓ. આ માણસને મળતાં જ ઓળખી જવાનું તો ન જ બને, પરંતુ ક્યારેક નોંધ લેવાઈ જાય ત્યારે તેના ગોરા મુખ પર સદાય ઝળકતી સ્વસ્થ આભા માત્ર અદ્દભુત નહીં દૈવી લાગે. નરી ગાંધી આ ધરતી પર ચાલતો નરવો અને નર્યો આદમી હતો. અને છતાં વિશેષ હતો. સાગરને ગાગરમાં ભરવાના ઉપક્રમ જેવા નરીના વ્યક્તિત્વને શબ્દોમાં સમાવવાનો આ પ્રયાસ છે.

જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, મુંબઈમાં અભ્યાસ કરી અમેરિકા તેલીસીનમાં પ્રાકૃતિક સ્થાપત્ય રચનારીતિના પરમ પુરસ્કર્તા વિશ્વવિખ્યાત સ્થપતિ ફ્રેન્ક લોઈડ રાઈટની પાસે પાંચ વર્ષ રહ્યા. આ સંસ્થાના પ્રવેશદ્વાર પર નરીએ અહીં અભ્યાસ કર્યો હતો તે દર્શાવવા જ હોય તેમ સાક્ષીરૂપ એક પથ્થર પડેલો છે જે ‘નરીનો પથ્થર’ તરીકે આજે પણ ઓળખાય છે. પ્રખ્યાત ગુરુના લાડલા શિષ્ય નરીના મનમાં એક અનોખા સ્થાપત્યની વિચારસરણી જન્મ લઈ ચૂકી હતી. સ્થાપત્ય જગતમાં એક અનન્ય વિશ્વકર્માનો જન્મ થઈ ચૂક્યો હતો. ગુરુનું 1959માં અવસાન થયું. 1961 પછી નરીએ થોડો સમય સ્થપતિ વૉરેન વેબર સાથે કામ કર્યું. ત્યાર બાદ કેન્ટ યુનિવર્સિટીમાં 19 મહિના પોટરીનો અભ્યાસ કર્યો. નરી માટીકામને સ્થાપત્યનું એક અગત્યનું અંગ જ માનતો. તે પછી રાઈટના લવનેસ કોટેજના કામ માટે તેણે સ્વેચ્છાએ સેવા આપી. નરીનું માનવું હતું કે સ્થાપત્ય સાથે તેનો અવિનાભાવી સંબંધ છે. નરીની તેજસ્વિતાથી પ્રભાવિત એક મિત્રબંધુએ સલાહ આપી કે જો તે અમેરિકામાં જ તેની કારકિર્દી શરૂ કરે અને વસવાટ રાખે તો અનેક કામ, મોટું નામ અને અઢળક પૈસો મળે. નરી ગાંધીને જાણનારા દરેકને ખબર હશે જ કે ઓલિયા ફકીર જેવો એ જણ બોલે ખૂબ ઓછું, પરંતુ બોલે તેમાં નરી દઢતા અને સચ્ચાઈનો રણકાર જ હોય. નરીનો ટૂંકો જવાબ હતો, ‘જેટલું થશે તે સારું જ હશે.’ અને 1964માં નરી ભારત પરત આવ્યા. અહીં નરીએ જે કામ કર્યું તે સારું જ નહીં ઉત્તમ કર્યું. વિચારથી તેને કોઈની સાથે વિવાદ ન હતો. વર્તનમાં સહજ અને સરળ. કોઈની સાથે સ્પર્ધાનો અણસાર પણ નહીં. તેના સ્વભાવનો એક ભાગ જ હતો તે કદાચ ઘણાને પસંદ ન પડતો. એટલે સુધી કે પોતાના કામ સાથે કોઈ પણ સમાધાન કરવાની ગ્રાહકને પણ ના પાડી દે. એટલું જ નહીં, પરંતુ પોતાના કામનું લાખો રૂપિયાનું મહેનતાણું બાકી નીકળતું હોય તો પણ કામ છોડીને ઊભો થઈ જાય. અને પછી તેને મનાવવાનું અતિ મુશ્કેલ. તેની તે વાત પછી અંગત બની જાય અને કોઈ માંધાતા કે મિત્ર કોઈની વાત સાંભળે નહીં. ખરેખર તો તેની સાથે એ સંવાદ ખોલી જ ન શકાય.

એક પ્રસંગ નોંધવા મન થાય છે. ગુજરાતી કુટુંબનાં એક વિખ્યાત સ્ત્રીકલાકારનો જુહુમાં બંગલો નરીએ બનાવેલ. આકસ્મિકપણે તે કલાકારને ત્યાં જવાનું થયું. બંગલામાં પ્રવેશ કરતાં જ અદ્દભુતની અનુભૂતિ થઈ. ખબર પડી કે કામ નરીનું જ છે. પથ્થરનું બાંધકામ. વિશાળ અને ભારે દરવાજો. કાચની નાની નાની પટ્ટીઓ ઊભી કરી લગભગ 2” જાડાઈ, 4’ ફૂટ બાય 6’ પહોળાઈ અને 7’ ફૂટ ઊંચો દરવાજો સહેજ જ ખસેડતાં દરિયાની ઘૂઘવતી સૂરાવલી સંભળાય અને જાણે સમગ્ર અસ્તિત્વ શીતલ જળશિકરથી ભીંજાઈ જાય. અંદર દાદર ચડી ઉપરના માળ સુધીનો પ્રવાસ પણ દરિયાના મોજા પર ચાલતા હોઈએ તેવું લાગે. પ્રકાશ અને પવન અનુભવને તેજસ્વી આભા આપે. મુંબઈના બોરીવલીની કેનેરી ગુફાઓ અને અજંટા-ઈલોરાની ગુફાઓના બૌધવિહાર યાદ અપાવે તેવી પથ્થર રચના, પરંતુ તેમ છતાં બંધિયાર નહીં. શયનખંડમાં વિરામ કરતાં ઋતુચક્રના દરેક બદલતા સમયરંગના સાક્ષી બનીએ. મુખ્ય શયનખંડના પલંગમાં સૂતાં સમયે આકાશદર્શન થાય, પરંતુ કલાકારને એક પ્રશ્ન મૂંઝવતો હતો કે મસ્તક મૂકવાની જગ્યાની ઉપર લગભગ 11 ફૂટની ઊંચાઈએ દીવાલની બહારથી એક અણીદાર પથ્થર ડોકિયાં કરી જાણે કે બહાર 24 કલાક જાગતા દરિયાનો સંદેશ આપવા તૈયાર બેઠો હોય. કલાકારને ડર રહેતો કે રખે તે પથ્થર મસ્તક પર પડે તો ! હિંમત કરી નરીને સંદેશ તો આપ્યો. નરીએ સામે જોયા સિવાય જ માત્ર એક શબ્દમાં ઉચ્ચાર કર્યો, ‘ભલે.’

બીજું ઉદાહરણ નરી સાથે જેમનો સંબંધ કલાયન્ટથી પરમ મિત્રતા સુધી વિસ્તર્યો તે સદરુદ્દીન ડાયા એક સ્થળે નોંધે છે કે એક વખત તેના બંગલામાં પક્ષીઓ આવતાં રોકવા તેમણે દરવાજામાં કાચ મૂક્યો અને નરીએ તેમને સવાલ કર્યો તમે અહીં લટકાવેલાં કલાચિત્રો ઉપર અન્ય રંગનાં પીંછાં મારશો ? અને તે પછી નરી બે વર્ષ સુધી મિ. ડાયાને મળ્યા પણ નહીં. નરીનું સ્થાપત્ય સાદુ બાંધકામ નહીં પરંતુ અનોખું કલામય સર્જન રહ્યું છે. સર્જક તરીકે નરીને પોતાનાં સ્થાપત્યો પર મમતા રહેતી.

પ્રાકૃતિક સ્થાપત્યને અંગ્રેજીમાં ‘ઓર્ગેનિક આર્કિટેકચર’ના નામથી ઓળખવામાં આવે છે. તે માટે આમ તો નરી જગપ્રસિદ્ધ પરંતુ નરીનું શાસ્ત્ર એથી પણ બે ડગલાં આગળ. ઘણા સ્થપતિઓ હવે તેની અંશપ્રતિકૃતિ કરવા પ્રયાસ કરે છે. પરવડે તેના ઘરમાં બગીચો બનાવી આપે. બહાર અને ઘરમાં પણ વૃક્ષો મૂકી આપે. અને જળફુવારાઓ અને સ્વિમિંગ પૂલની રચના કરી આપે. આ દશ્યો ઘરમાં સૂતાંબેસતાં માણી શકાય તેવી રીતે રાચરચીલું ગોઠવી આપે. વાતાયનની સુંદર ગોઠવણથી ઘર સુશોભિત કરી આપે. મન પ્રસન્ન થાય. ગ્રાહકોને જોઈએ તેવું અને ગમતું કરી આપે. સારું છે. ગ્રાહકની ઈચ્છા મુજબ ફેરફારો પણ કરી આપે. ગ્રાહકને પૈસા ખર્ચ્યાનો સંતોષ અને સ્થપતિને માગે તેવી તગડી ફી મળે. અહીં અને અમેરિકા બધે જ આ પરિકલ્પનાનો ઉપયોગ થાય છે. નરીએ તે અંગે કોઈની સાથે વિવાદ કર્યો નથી કે પોતાના વિચારોનો પ્રચાર કર્યો નથી. તેને માટે પોતાનું કામ એ જ મહત્વનું. તેની પાસે કામ કરાવાવાળા કારીગર પણ કસબી બની જાય. નરી બાંધકામના ન કદી નકશા બનાવે કે ન કદી પોતાના કલ્પનને કાગળ ઉપર મૂકે તેવી માન્યતા સંપૂર્ણ સાચી નથી. ઘણી વખત તેના હાથમાં સુંદર રેખાંકન લાગતા નકશાઓ જોયા છે. પરંતુ સ્થાપત્યમાં પહેલાં અમુક બને અને પછી અમુક તેવા ક્રમની ગુલામી નરી ન જ કરે. અન્યની રીતોને અનુસરવાની વાત નરી પાસે નહીં. સ્થાપત્ય સાથે એ જીવે અને સ્થાપત્યમાં પોતાનો જીવ મૂકે. પ્રકૃતિ સાથેના સુમેળની નરીની કલ્પના તેની પોતાની પ્રકૃતિ જેવી જ સીધી અને સરળ. ‘જંજાળભર્યા વિશ્વમાંથી આપણે ઘરની ચાર દીવાલોની સંકડાશમાં પ્રવેશ કર્યો હોય તેવું ન લાગે પરંતુ નિરાંતનો શ્વાસ લેવા ઘર સહિત આપણે પ્રકૃતિની ગોદમાં બહાર આવ્યા હોઈએ તેવી મુક્ત ભાવનાનો અનુભવ કરાવે તેવું સ્થાપત્ય.’ નરીએ આ ભાવનાની વાતો માટે ક્યારેય પ્રવચનો નથી આપ્યાં. તેનું પૂર્ણ અમલીકરણ પોતાનાં સ્થાપત્યોમાં કર્યું. પંચમહાભૂત અને મનુષ્યજીવનનો સંબંધ આપણા વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોમાં પણ દર્શાવ્યા છે પરંતુ વિચારસરણી પણ જો વિદેશથી આયાત થાય તો જ તે ઉત્તમની ભાવના ઘર કરી ગઈ છે. નરીએ પોતાના સ્થાપત્યને પોતાની રીતે નવી દિશા આપી. પ્રકૃતિના ઋતુચક્ર, કાર્યસ્થળ, સૂર્યગતિ, વાયુની દિશા, સ્થળ પરિસ્થિતિને અનુકૂળ અને સહેલાઈથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ નરીનાં સ્થાપત્યોનાં મૂળભૂત લક્ષણોની નોંધ આપણે લઈ શકીએ. નરીના સ્વભાવને સામાન્ય મનુષ્યના ત્રાજવે તોળવાનું શક્ય જ નહીં. અણગમતા પાસેથી ખસી જાય પરંતુ તે અંગે કોઈ ક્રોધનું નામનિશાન નહીં. વ્યવહારની તેની પરિભાષા પણ અનોખી. કોઈનું લીધેલું આપી દેવાની ઉતાવળ અને આપેલું કે લેવાનું સરળતાથી ભૂલી જવાની તેની સરળતા તેને અનન્ય બનાવે.

સ્વર્ગલોકથી ઊતરેલો તે ઓલિયો હતો. મહારાષ્ટ્ર સરકારમાંથી કોઈએ તેની પાસે દેવનાર પાસે ગરીબો માટે સસ્તાં મકાનો બાંધવા સલાહ માગી. તે પછી નરી તે સ્થળ પર કેટલાયે દિવસો સુધી ફરતો રહ્યો. આખરે તેણે યોજના આપી. એક હજાર ઘરનું નિર્માણ એ કરશે. દરેક ઘરમાં જરૂરી દરેક સુવિધા સાથે એક ઘર રૂપિયા પાંચસોમાં બની જશે પરંતુ એક જ શરત હતી કે આ કામ માટે કોઈ પણ બહારના મજૂર નહીં લાવવાના. જે રહેવા આવે તેમણે જ એ શ્રમદાન કરવાનું. તે જગ્યાની આજુબાજુ પડેલા માટીના અને કચરાના ઢગ અને પથ્થરો નરી માટે બાંધકામની સામગ્રી બની રહેત. સરકારી તંત્રને આવું કેમ ફાવે ?

નરી માટે વાતો કરવી હોય તો અંત ન આવે અને તેમ છતાં બધું કહેવાઈ ગયું છે તેવો સંતોષ ન થાય. 1934ની બીજી જાન્યુઆરીએ નરીનો સુરતમાં જન્મ. વયમાં પાંચ વર્ષથી મોટા નરી સાથે પરિચય 1971માં થયો અને ન ઉઘરાવે તોયે આદર થાય તેવા આ માણસને ‘તમે’ કહેવાનું ક્યારે પણ બન્યું નહીં. નરી મિત્ર હતો. લાગણી પ્રદર્શન તો ક્યારે પણ નહીં પરંતુ તેનું આપણી પાસે બેસવાનું જ સઘળું કહી જાય. જે. કૃષ્ણમૂર્તિના પ્રવચનમાં સાથે લઈ જાય. તેના પૂરા થયેલા અને ચાલુ હોય તેવા કામ પર પણ સાથે લઈ જાય. કુંભારના ચાકડે અને વણકરના ઓરડે લઈ જાય. ભાવતા ખારા સિંગદાણાનું પડીકું આપી જાય. ક્યારેક સામે બેસી ‘અવેસ્તા’ પઢે. કલાકો સુધી જોઈએ તો પણ કંટાળો ન આવે તેવી તેણે લીધેલા ફોટાઓની સ્લાઈડ્સ ખુદ બતાવે. અન્ય આર્કિટેક્ટને સોંપ્યું હોય તો ખર્ચના ખાડામાં ઉતારી દે તેને બદલે પ્રમાણમાં નાનું અને અંગત કામ નજીવા ખર્ચમાં પણ નરીસ્પર્શથી અનોખું બનાવી આપે.

એક વખત વાલકેશ્વર વસંત શેઠના નિવાસસ્થાને સાથે ગયા. ઘરનો દાદર ચડતાં બે પગથિયાં પાછળ રહેવાયું તો કહે, ‘ચાલ જલદી.’ જવાબ અપાઈ ગયો, ‘સ્વર્ગની સીડી પહેલી વાર જોઈ છે.’ આ અને તેના દરેક કામ જોતાં કોઈ અન્ય વિશ્વમાં પ્રવેશ્યા હોઈએ તેવી આનંદાનુભૂતિ થતી. આ અનોખા આદમીનું સર્જન કરનાર વિશ્વકર્માને ધરતી ઉપરના આ વિશ્વકર્મા નરીની ઈર્ષા જ થઈ હશે એટલે તેને જલદી જલદી પોતાની પાસે 1993માં જ બોલાવી લીધો. એક સમયે સાથે બેસી સિંગદાણા આરોગતા નરીએ કહ્યું કે ‘એક એક દાણો ખા.’ સાથે લાંબો પ્રવાસ કરતા હોઈએ તો પણ નરીનાં નાનાં નાનાં વાક્યોનાં ઊંડાણ જાતે જ ઉલેચવાનાં. જિંદગીનો પ્રવાસ નાનો તો પણ નરીએ જિંદગીનો રસ પીવામાં ઉતાવળ ક્યારે પણ ન કરી. ઘૂંટડે ઘૂંટડે તે પીધો અને પચાવી જાણ્યો. ગાંધીજી માટે આઈન્સ્ટાઈને કહ્યું તેમ નરી માટે પણ કહી શકાય કે ભવિષ્યની પેઢી માની નહિ શકે કે આવો અનુપમ વિશ્વકર્મા અને સાચુકલો આદમી આ ધરતી પર વિચરતો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “પ્રાકૃતિક સ્થાપત્યનો ભીષ્મ પિતામહ : નરી ગાંધી – કનુભાઈ સૂચક”

Copy Protected by Chetan's WP-Copyprotect.