આજનું વેઠવું આવતી કાલે નહીં હોય – વીનેશ અંતાણી

[‘કોઈક સ્મિત’ પુસ્તકમાંથી સાભાર.]

અમેરિકાના હૅનોક મૅકકાર્ટી ત્યાંના લોકોને જીવનમાં પ્રેરણા આપે તેવી વાતો કહે છે. એમણે એન્જેલા નામની છોકરીના દઢ મનોબળ વિશે એક કિસ્સો લખ્યો છે. એન્જેલા અગિયાર વરસની હતી ત્યારે જ્ઞાનતંતુઓના અસાધ્ય રોગને લીધે અપંગ બની ગઈ. એ ચાલી શકતી ન હતી અને કોઈ પણ પ્રકારનું હલનચલન કરી શકતી ન હતી. એની સારવાર કરતા ડૉક્ટરોએ તો આશા છોડી દીધી હતી. એમના કહેવા પ્રમાણે એન્જેલાએ બાકીની આખી જિંદગી વ્હીલચૅરમાં જ કાઢવાની હતી. એમના મત મુજબ એન્જેલાને થયેલા રોગનાં દરદીઓ ભાગ્યે જ ફરીથી હલનચલન કરી શકે છે. પરંતુ એન્જેલા એવી નિરાશાજનક વાત સાંભળવા તૈયાર ન હતી. તે દરેકને કહેતી કે પોતે ફરીથી હાલીચાલી શકશે અને બધાં કામો જાતે જ કરશે.

એને સાન ફ્રાન્સિસ્કોના એક સારવારકેન્દ્રમાં દાખલ કરવામાં આવી. ત્યાં એને જુદા જુદા પ્રકારની કસરતો કરાવતા હતા. એને માનસિક કસરત કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. એન્જેલાએ આખો દિવસ પથારીમાં સૂતાં સૂતાં કલ્પના કરવાની હતી કે એ ખરેખર ચાલી રહી છે. સારવાર કરતા લોકોનું કહેવું હતું કે એનાથી બીજો કોઈ ફરક પડશે નહીં તો પણ એન્જેલામાં આશા જીવંત રહેશે. એ પ્રમાણે એ આખો દિવસ પોતે જુદાં જુદાં સ્થળોમાં સાજી નરવી વ્યક્તિની જેમ ચાલી રહી છે એવાં કલ્પનાચિત્રો ઊભાં કરતી હતી.

એક દિવસ એ એવી જ કલ્પના કરતી પથારીમાં સૂતી હતી. એ વિચારતી હતી કે એના બંને પગ બળપૂર્વક હાલી રહ્યા છે. એ જ વખતે ચમત્કાર થયો હોય તેમ એનો પલંગ આમથી તેમ ખસવા લાગ્યો. એ લગભગ ચીસ પાડી ઊઠી હોય તેમ બોલી ઊઠી, ‘જુઓ… જુઓ… હું શું કરી રહી છું ! મારા પગના ધક્કાથી હું પલંગને ખસાવી રહી છું…. જુઓ…. જુઓ તમે બધાં !’ એ જ સમયે સારવારકેન્દ્રમાં બીજાં લોકો પણ ચીસો પાડતાં નાસભાગ કરી રહ્યાં હતાં. ત્યાં પડેલી ચીજવસ્તુઓ અફળાતી હતી. વાસ્તવમાં ધરતીકંપ થયો હતો, પરંતુ કોઈએ પાછળથી પણ એન્જેલાને કહ્યું નહીં કે પલંગ એના પગના ધક્કાના જોરથી નહીં, પણ ધરતીકંપથી ખસ્યો હતો. એના મનમાં તો પોતે જ તે કામ કરી શકી છે તેવો દઢ વિશ્વાસ ઘર કરી ગયો હતો. હવે વરસો પછી એ દઢ મનોબળવાળી છોકરી ખરેખર એના બંને પગે ચાલી શકે છે. એ સ્કૂલ પણ જવા લાગી છે. એને વ્હીલચૅરની જરૂર પડતી નથી. જે વ્યક્તિ કલ્પનામાં ધરતીને ડગાવી શકે છે તે વ્યક્તિ વાસ્તવમાં પણ પોતાની અપંગ સ્થિતિ પર વિજય મેળવી શકે છે.

બાળકો એમને કોઈએ કરેલી નાનીસરખી પણ મદદને ભૂલી શકતાં નથી. એક શિક્ષિકાએ નાનાં વર્ગનાં બાળકોને એમને જે સૌથી વધારે ગમતું હોય તેનું ચિત્ર દોરવા જણાવ્યું. બાળકોએ એમને પ્રિય એવી કેટલીય ચીજોનાં ચિત્રો બનાવ્યાં. એક છોકરીએ હાથનું ચિત્ર દોર્યું. બધાં વિચાર કરવા લાગ્યાં કે એ કોનો હાથ છે. કોઈ કહે, એ એની માતાનો હાથ છે, કોઈને ખેડૂતનો હાથ લાગ્યો. જ્યારે શિક્ષિકાએ એ છોકરીને જ પૂછ્યું કે કોનો હાથ છે ત્યારે છોકરીએ કહ્યું : ‘તમારો.’ શિક્ષિકાને નવાઈ લાગી. પછી એને યાદ આવ્યું. થોડા દિવસો પહેલા એ છોકરી સ્કૂલના મેદાનમાં પડી ગઈ હતી અને ઊભી થઈ શકતી ન હતી, એ રડતી હતી. તે વખતે શિક્ષિકા એની પાસે દોડી ગઈ હતી અને હાથ લંબાવીને છોકરીને કહ્યું હતું : ‘લે, મારો હાથ પકડ ને ઊભી થા.’ પછી છોકરી શિક્ષિકાનો હાથ પકડીને વર્ગખંડ સુધી ચાલતી ગઈ હતી. તે વાત છોકરીને એટલી બધી યાદ રહી ગઈ હતી કે એ શિક્ષિકાનો હાથ એના માટે સૌથી વધારે ગમતી ચીજ બની ગયો હતો.

તાજેતરમાં આવેલી આર્થિક મંદીને લીધે એક મોટી અમેરિકન આઈ.ટી. કંપનીએ મોટી સંખ્યામાં સ્ટાફની છટણી કરી. એની અસરમાં આવી ગયેલા એક ભારતીય યુવાનને ભારત પાછા આવવું પડ્યું. એ પાંચ વરસોથી ખૂબ સારા પગારની નોકરી સાથે અમેરિકામાં સ્થિર થયો હતો. એક સવારે એને કહેવામાં આવ્યું કે આજથી એની જરૂર નથી. એ યુવકે ભારત પાછા આવીને એનાં કુટુંબીજનો અને મિત્રોને જે કહ્યું એ ઘણું પ્રેરક છે. એણે કહ્યું : ‘એ સાચું છે કે મેં ત્યાં ખૂબ સારો સમય વિતાવ્યો છે. હવે ખરાબ દિવસો આવ્યા છે – એ પણ વાસ્તવિકતા છે. ના, હું જરા પણ હતાશ થયો નથી. આપણે હંમેશાં એક ભૂલ કરતા હોઈએ છીએ – આપણે માની લઈએ છીએ કે બધી બાબતો હંમેશાં એકસરખી જ રહેવાની છે. અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે તો ફરી એક વાર નવો દિવસ ઊગશે અને મારો સમય પાછો આવશે. આવતી કાલે જ સમજાશે કે મારા ભાગે આજના દિવસે વેઠવાનું શા માટે આવ્યું છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “આજનું વેઠવું આવતી કાલે નહીં હોય – વીનેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.