શુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.]

દરેક શુભ કામમાં મુહૂર્ત જોવાય છે. લોકશાહીમાં ચૂંટણી શુભ ઘટના કહેવાય. જોકે વારંવાર આવી પડતી ચૂંટણી લોકશાહી માટે શુભ કહેવાય કે કેમ તે પ્રશ્ન છે. પણ ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે બધા – બધા નહિ તો મોટા ભાગના ઉમેદવારો મુહૂર્ત સાચવવાનો પ્રયત્ન કરે છે. બિનસાંપ્રદાયિક ગણાતા અને/અથવા ગણાવડાવતા ઉમેદવારો પણ મુહૂર્ત સાચવવાની કાળજી રાખે છે – બધા નહિ તો કેટલાક તો રાખે જ છે.

લગ્ન જેવી જીવનની, જીવન માટેની, જીવન દ્વારા સંપન્ન થતી ઘટનામાં મુહૂર્ત જોવાય તે સમજી શકાય એવું છે, પણ ચૂંટણીમાં મુહૂર્ત સાચવવાની શી જરૂર ? – આવો પ્રશ્ન થઈ શકે, પણ આવો પ્રશ્ન અસ્થાને છે. ચૂંટણી લગ્નની જેમ જ જીવનની, જીવન માટેની, જીવન દ્વારા સંપન્ન થતી ઘટના છે. કેટલાક સંતાનસુખ ધરાવતા નેતાઓ તો એમનાં સંતાનોને ચૂંટણી વારસામાં પણ આપતા જાય છે. એટલે ચૂંટણી જેવી મહત્વની ઘટનામાં મુહૂર્ત જોવામાં આવે એમાં કશું ખોટું નથી. લગ્ન અને ચૂંટણીમાં બીજું પણ એક સામ્ય છે. બંનેમાં લડવાનું આવે છે. અલબત્ત, ચૂંટણીમાં ચૂંટણી પહેલાં, ચૂંટાવા માટે લડવાનું હોય છે, ત્યારે લગ્નમાં લગ્ન બાદ લડવાનું હોય છે !

લગ્નમાં તો ડગલે ને પગલે મુહૂર્ત જોવાનું હોય છે. ‘શુકન જોઈ ઘોડે ચડો રે વરરાજા’ એવું એક લગ્નગીત છે. જોકે શુકનને જોવા કરતાં ઘોડાને જોઈને એના પર ચડવાનું વરરાજા માટે વધુ સલામતીભર્યું ગણાય. અમારા એક મિત્ર લગ્નમાં એકઠા થયેલા સાજનમાજનને જોઈને વીરરસમાં આવી ગયા હતા. વરરાજાને લગ્નને માંડવે લઈ જવા માટે એક ઘોડાને શણગારીને લાવવામાં આવ્યો હતો. ત્રણ-ચાર જણની મદદથી સારા મુહૂર્તમાં અમારા વરરાજામિત્રને ઘોડા પર ચડાવવામાં આવ્યા. ઢોલનગારાં સાજનમાજન – હાથમાં તલવાર ને માથે સાફો – વરરાજામિત્ર ઉશ્કેરાયા. ઘોડાના પડખામાં બૂટની અણી જરા જોરથી અડાડી ને ઘોડો ઉશ્કેરાયો. એકદમ વૃક્ષ થઈ ગયો. વરરાજાનો સાફો નીચે પડી ગયો ને આંખો ઊંચે ચડી ગઈ. ઘોડાવાળાએ સમયસર ઘોડાને ઝાલી લીધો ન હોત તો વરરાજાનો ભૂમિપાત નિશ્ચિત હતો. વરરાજા પડ્યા તો નહિ, પણ એમનું બ્લડપ્રેશર લો થઈ ગયું. શુકન જોઈ ઘોડે ચડેલા વરરાજા લગ્નના માંડવે પહોંચ્યા તો ખરા – પણ હૉસ્પિટલે થઈને પહોંચ્યા.

લગ્નમાં હસ્તમેળાપના સમયમાં એટલે કે હસ્તમેળાપનો સમય નક્કી કરવામાં મુહૂર્ત સાચવવાનો સંનિષ્ઠ પ્રયત્ન થાય છે એટલે જ હસ્તમેળાપનો સમય આપણી ટ્રેનોના સમયની જેમ અગિયાર ને તેત્રીસ મિનિટ, બાર ને સુડતાળીસ મિનિટ, નવ ને ઓગણસાઠ મિનિટ એવો હોય છે. ગયા વર્ષે એક મિત્રની પુત્રીનાં લગ્ન હતાં. લગ્નમાં મારે સમયસર એટલે કે હસ્તમેળાપના સમયે એટલે કે સવારના નવ ને ત્રણ મિનિટે હાજર રહેવું – એવી મિત્રની ભાવના હતી, જે એમણે આજ્ઞાના સૂરમાં પ્રગટ કરી હતી. એક બસ ચૂકી ગયો ને બીજી બસ ભરાયેલી આવી એટલે ઊભી ન રહી. ત્રીજી બસની રાહ જોવા રહું તો હસ્તમેળાપનો સમય ચૂકી જાઉં ને મિત્રને દુઃખ થાય એટલે ખાસ્સો એવો રિક્ષાખર્ચ કરીને હું નવ વાગ્યે – નિર્ધારિત સમય કરતાં ત્રણ મિનિટ વહેલો પહોંચી ગયો તો કન્યાએ હજુ મંડપમાં પદાર્પણ જ નહોતું કર્યું ! એ પછી મોડા આવેલા વ્યવહારદક્ષ મિત્રોએ સમજાવ્યું કે, હસ્તમેળાપો ભાગ્યે જ સમયસર થતા હોય છે. ત્યારથી હસ્તમેળાપ માટે વર-કન્યાને – ખાસ કરીને વરને ભલે ઉતાવળ હોય, પણ આપણે પહોંચવામાં ઉતાવળ ન કરવી એવું મેં નક્કી કર્યું છે.

અમારા એક મિત્રનાં લગ્ન, વર્ષો પહેલાં, કાળ ચોઘડિયામાં થયાં હતાં. લગ્ન તો સારા મુહૂર્તમાં જ રાખ્યું હતું. પણ ટ્રેન એટલી બધી મોડી પહોંચી કે શુભ ચોઘડિયાં જતાં રહ્યાં. સારા ચોઘડિયાની રાહ જુએ તો પાછી ફરતી ટ્રેનમાં જાન પાછી વળી ન શકે (અલબત્ત ટ્રેન સમયસર હોય તો) અને જાનને ચોવીસ કલાક વધુ રોકાવું પડે, જે એકેય પક્ષને ફાવે એવું નહોતું. એટલે ગોરમહારાજે પછીથી દોષનિવારણની કશીક વિધિ કરવાની ખાતરી આપી અને કાળ ચોઘડિયામાં હસ્તમેળાપ કરાવ્યો. પણ એમનો લગ્નનો કાળ ઘણો સુખદ નીવડ્યો. કાળ ચોઘડિયામાં લગ્ન કરવા છતાં પોતે સુખી થયા એ અંગે મિત્રનું આશ્ચર્ય હજુ શમ્યું નથી. જ્યારે મિત્રનાં પત્ની એમ માને છે કે ગોર મહારાજે દોષનિવારણની વિધિ કરી એટલે જ અમે સુખી થયાં ! હું મુહૂર્ત-બુહૂર્તમાં માનતો નથી એવું માનવાનું – ખાસ કરીને બીજાંઓને મનાવવાનું મને ગમે, પણ મુહૂર્ત જોયા વગર શુભ કામો કરવાનું સાહસ મેં કદી કર્યું નથી; જોકે બીજાંઓએ કરવા દીધું નથી એવું કહેવું હોય તો કહી શકાય. પણ ધારો કે બધાં મને કોઈ શુભ કામ ખરાબ ચોઘડિયામાં કરવાની રજા આપે તો હું કરું જ એવું ખાતરીપૂર્વક કહી શકતો નથી. મારા લગ્ન વખતે અમારા પક્ષે ત્રણ અને મારા શ્વસુરના પક્ષે ચાર જ્યોતિષીઓને કન્સલ્ટ કરવામાં આવ્યા હતા. પરિણામે મારાં લગ્ન છ મહિના પાછાં ઠેલાયાં હતાં. લગ્ન થયાં ત્યારે શુભ ચોઘડિયામાં જ થયાં, પણ એથી કંઈ વિશેષ લાભ થયો હોય એવું મારી પત્નીને લાગતું નથી !

કોઈ પણ કામ શરૂ કરવું તો સારા ચોઘડિયામાં જ કરવું એવી ગ્રંથિ કાયમ મારા મનમાં રહી છે. સવારે ચાલતા જવાનું શરૂ કરવું તો સોમવારે જ શરૂ કરવું ને સારા ચોઘડિયામાં જ શરૂ કરવું એવું મારા મનમાં હતું. સોમવારે એલાર્મ ન સંભળાય ને વહેલાં ન ઉઠાય તો પછી પછીના સોમવારે વાત જાય. આમ, પછી ચાલવાનું શરૂ કરવાનો સોમવાર આવ્યો જ નહિ ! બે વર્ષ પહેલાં હાઈ બ્લડપ્રેશરની તકલીફ થઈ એટલે વારવાંકડો જોયા વગર સવારે ફરવા જવાનું શરૂ કરી દીધું. માંદગી ચોઘડિયાં જોયા વગર આવે છે તો સાજા થવા માટે ચોઘડિયાં જોવા ન રહેવું એવું ડહાપણ હવે આવ્યું છે. એ જ રીતે ભણતો ત્યારે વાંચવાનું ગુરુવારે જ શરૂ કરવું – ‘વિદ્યારમ્ભે ગુરો શ્રેષ્ઠ’ – એવો ખ્યાલ મનમાં દઢ થઈ ગયો હતો. એમાંય ફરવા જવા જેવું જ થતું. જે ગુરુવારથી વાંચવાનું શરૂ કરવું હોય તે ગુરુવારે વહેલા ન ઉઠાય, પછીના ગુરુવારે બહારગામ જવાનું થાય ને તે પછીના ગુરુવારે તબિયત બગડે – એમ એકાદ દોઢ મહિનો નીકળી જતો. પરીક્ષાના છેલ્લા ત્રણ મહિના વાંચવાનું એમાં એક દોઢ મહિનો આ રીતે કપાઈ જાય. આ કારણે ઈન્ટર આર્ટ્સમાં એક વાર નાપાસ થયેલો.

હમણાં મેં એક ખુરશી બનાવડાવી. દેવદિવાળીએ મુહૂર્ત કરવા સારુ મેં ખુરશીના નિર્માતાને ઘણી ઉતાવળ કરાવી. આ કારણે એક વાર આ કાષ્ઠ કલાકાર (સુથાર)ને પગ પર કરવતીનો ઘસરકો થઈ ગયો. એની પીડાને કારણે એમને બે દિવસ તાવ આવી ગયો. આમ છતાં, એમણે મુહૂર્ત સાચવ્યું ને દેવદિવાળીએ હું નવી ખુરશી પર બિરાજમાન થયો.

દર વર્ષે પંદરમી ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય કમૂરતાંનો સમય ગણાય છે. આ એક મહિનો લગ્નો થતાં નથી. ગોરપદાનું કામ કરતા અમારા એક મિત્રને આ દિવસોમાં કોઈ પૂછે કે ‘શું ચાલે છે ?’ તો એ કહે છે ‘યુદ્ધવિરામ ચાલે છે.’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આજનું વેઠવું આવતી કાલે નહીં હોય – વીનેશ અંતાણી
સોનેરી સંધ્યા – ગીતા ત્રિવેદી Next »   

9 પ્રતિભાવો : શુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર

 1. સુંદર!!! હવે તો અહીં ‘કમેન્ટસ’ કરવા માટે પણ મૂરત જોવા નું ચાલુ કરી દેવું એમ લાગે છે!

 2. Bhumika says:

  સરસ હાસ્યલેખ! મજા આવી ગઇ.આ લેખ વાંચવા માટે સવાર નું મુહૂર્ત સારું, આખો દિવસ સરસ જાય.

  બરાબર ને.

 3. vatsalray m rana says:

  બહુ જ સરસ હાસ્ય પિરસ્યુ !

 4. સરસ-રમુજ સાથેનો સંદેશો આપતો સુંદર લેખ !

  સાદર, એક સત્યઘટના ટુ ધી પોઇન્ટ !!
  ભોપાલ ગેસ દુર્ઘટના અને પંજાબ બંધના એજ ૨-૩ દિવસોના હજ્જારો લગ્નોના શુભ મૂરતો, જે જે જ્યોતીશીસાસ્ત્રીઓએ કાઢી આપેલા તે સૌ ભાંગ-ગાંજો,અફીણ કે કોઇ નશાથી ચક્ચૂર હાલતમા હોવા જોઇએ! કારણ આટલી ભયંકર દુર્ઘટનાનો એક પણને સહેજ પણ અણસાર કેમ ના આવ્યો ????

 5. gita kansara says:

  સરસ હાસ્યનેી લ્હાનેી વરસેી.વાચ્વાનેી મજા આવેી.કાલ ચોઘદિયામા જન્મેલા મહાન વિભુતિ બન્યા ચ્હે.

 6. Kalidas V. Patel { Vagosana } says:

  મુ.રતિભાઈ,
  હાસ્યલેખ મજાનો રહ્યો.
  મુર્હૂત બાબતે કરશનભાઈની કોમેન્ટ મુજબ શુભ મુર્હૂત હોવા છતાં ભોપાલ ગેસ દુર્ઘટના ઘટી, આપણે ત્યાં શુભ મુર્હૂતોમાં ધરતીકંપ આવ્યો જેવા અસંખ્ય બનાવો બને છે. વળી, બધાં જ અગત્યનાં કાર્યો જેવાં કે લગ્ન,ખાતમુર્હૂત,ગ્રુહપ્રવેશ વગેરે શુભ મુર્હૂતમાં કરવામાં આવે છે છતાં ઘણી વિધવાઓ જોવા મળે છે, મકાન કે પૂલ અકાળે તૂટી પડે છે છુટાછેડાના અસંખ્ય બનાવો બને છે … કેમ?
  જ્યારે વિદેશોમાં કોઈ જાતનાં મુર્હૂત જ જોવાતાં નથી ત્યાં બધુ રાબેતા મુજબનું જ હોય છે…. કેમ?
  નથી લાગતું કે આ બધુ તૂત છે ! ભગવાન અશુભ-શુભ જેવો ભેદ રાખે જ શુ કામ?
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 7. vinod says:

  હુ તમારા વિચારથિ સહમત ચ્હે.કાલિદાસકાકા

 8. Arvind Patel says:

  Good or Bad is matter of mindset. Your inner voice is ultimate. We have to do our work without any doubts. Thats all. Don’t cling even end result. End outcome, positive or negative. Learn to accept willingly.

  Shubh Muhrut or Bad Muhurt are all the illusions. Any Muhurt has nothing to do with our working. Religious blindness !! Sincere efforts are important rather thinking & wasting energy in Muhart kind of things. Let us learn right things from religion & not wasted things.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.