પ્રેમ તો હું તને જ… – કલ્પેશ પટેલ

[‘ઉદ્દેશ’ સામાયિક (માર્ચ-2012)માંથી સાભાર.]

પાંચ વાગ્યા છે કેદાર ! બેસી રહી છું ત્યારની આમ જ ! ના-ના ! કોઈની રાહ જોઉં છું એમ રખે માનતો. હું શું કામ રાહ જોઉં કોઈની ? ના કહ્યું ? આ તો એમ જ…. ગમે છે, નથી ગમતું…. એવું બધું ! તું હોય તો કોઈ ઊંચા બરનો શબ્દ મૂકી આપે, કેમ ?…. વિહવળતા-ઉદ્વેગ-અવસાદ…. તારી તો વાત જ એવી. એવી મિન્સ કે અનોખી ! તું પોતે જ અનોખો હતો ને આમ તો ! તારું બોલવું…. તારું ચાલવું… તારું હસવું… મીન્સ કે, તારી કોઈપણ જેસ્ચર. તારી ભાષામાં કહું તો, ‘અદ્દભુત’ કેમ ?…..

કાલે જ ઑફિસમાં આ ‘અદ્દભુત’નું જબરું ચાલેલું. શું કે, મમતા મેડમ નાયલોન ખમણ લાવેલાં ટિફિનમાં. એમને તો તું ઓળખે છે ને કેદાર ? ભૂલી ગયો ? આપણે સાથે ઉત્કંઠેશ્વર ગયેલાં, ત્યારે તેં એમની એવી તો મજાક ઉડાવેલી કે બાપડાંનું મોરલ જ તૂટી ગયેલું ! યાદ આવ્યું ને ? તો, એ મમતા મેડમને ફાસ્ટ ફૂડનું ભારે એટ્રેક્શન. નાયલોન ખમણ એમણે અમનેય ચખાડ્યાં. અમને એટલે મને અને કાર્તિકને. કાર્તિક ચાખીને તરત જ બોલ્યો કે, ‘અદ્દભુત !’ તારા સમ તું મને એટલો તો યાદ આવ્યો કે, વાત ન પૂછ ! અરે, હા ! કાર્તિકને તું નથી ઓળખતો કેમ ? આજે તને ઈન્ટ્રો કરાવવો જ પડશે. ઑફિસમાં જ છે અમારી સાથે. પેલા વ્યાસકાકા હતા ને ? એઓ રિટાયર્ડ થયા, એમની જગ્યાએ મૂકાયો છે. હશે મારાથી બેએક વર્ષ નાનો. ફૂટડો જુવાન ! હેન્ડસમ પણ. તારી સાથે એની કમ્પેરિઝન ન થાય, તું તો યાર ! ગજબનો લેડી કિલર હતો. પણ, આયે કાંઈ જેવો-તેવો નથી. જોજે પાછો તું ગેરસમજ કરતો ! ઑફિસમાં છે એટલે વાતચીત થાય, ચા-પાણી કે લંચ વખતે થોડી ઝાઝી વાતો થાય. એટલું જ… એથી કંઈ….

એણે અનાયાસે જ પૂછેલું મને તારે વિશે, મિસિસ અપર્ણા ! યોર હસબન્ડ ? જવાબ નહોતો આપી શકાયો મારાથી. રિયલિ કેદાર ! આઈ સ્વેર… તારા સમ, બસ ! તને તો ખબર છે ને…. હું તારા સમ ખોટા ખાઉં કદી ? મને હેઝિટેટ થતી જોઈ એ બિચારો મૂંઝાઈ ગયેલો. તને ગુસ્સો આવતો હશે, ‘બિચ્ચારો’ શબ્દ સાંભળીને…. બટ ! તું ‘જેલસ’ ન બનીશ, ડિયર ! એ એવો નથી જરાય. ઈમોશનલ છે… રિયલમાં મને કહે : ‘આઈ એમ રિયલિ સૉરી મૅમ ! મારો આશય તમને દુભવવાનો નહોતો. સૉરી ! એક્સ્ટ્રીમલિ સોરી !’ કહીને બહાર નીકળી ગયેલો. હા, કેદાર ! એ મારી પાસે એજન્ડા ફાઈલ લેવા આવેલો. પણ….. પણ તું શું કામ મોઢું બગાડતો હોઈશ, કેદાર ! એકવાર તો કહ્યું કે, ડૉન્ટ થિન્ક સો. તું એવું કશુંય રોન્ગ વિચારતો નહિ…. તારી એ કુટેવ આઈ ડિસ્લાઈક. કોઈ પુરુષ મારી સાથે વાત કરે તોય તારું મોઢું બગડી જાય. એ વખતે તો એવો બોચિયા જેવો લાગે !….

રિસેસમાં હું કેન્ટિનમાં એકલી ગયેલી. મમતા મેડમ ઘરેથી ભારે જમીને આવેલાં એટલે એ.સી.નો નંબર વધારીને લથડી પડેલાં. કેદાર ! કહેતાં ભૂલી ગઈ કે, હમણાંથી હું કૉફી પીઉં છું, સ્ટ્રોન્ગ કૉફી ! શું કે તને લોસ્ટ કર્યા પછી.. લૉ બી.પી… ડૉન્ટ વરી ! એવું સિરિયસ નથી કંઈ… બટ… ઓર્ડર આપીને બેઠી-બેઠી એસ.એમ.એસ. જોતી હતી, સેલફોનમાં. ટાઈમ પાસ એક્ટિવિટી, બીજું શું ? પેલી દીર્ઘાની તો તને ખબર જ છે ને ? પહેલેથી જ રનિંગ આઈટેમ છે. નોન વેજ જોક મોકલ્યા કરે છે હમણાંથી. પાછી કહે, નોન વેજ નથી હોતા…. ઈન્ટેલેક્ચ્યુઅલ હોય છે…..
‘હલો… મિસિસ અપર્ણા !’
‘હાય !’
‘કેન આઈ જોઈન ?’
‘અફકોર્સ ! વ્હાઈ નોટ ?….’ મેં સેલફૉનને પર્સમાં મૂકી દીધો. ના-ના ! કેદાર ! એવું નથી કે, મને પરપુરુષની કંપની ગમે છે. પણ, તું જ કહે… કોઈ માણસ આપણે માટે આટલી ફીલિંગ્સ દેખાડે તો પછી આપણે શી રીતે ટાળી શકીએ એને ? બાકી, એવું કશું જ નથી… લે કહું આગળ ! તને બહુ ઈંતેજારી થતી હશે કેમ ? હા, કેદાર ! તો કાર્તિક બેઠો મારી સામે. વધારે પડતો સિરિયસ જણાયો મને એ. નહિ તો એક મિનિટ માટે પણ જંપીને બેસતો નથી, આમ તો !….. પાછું મોઢું બગાડ્યું, કેદાર ? તને એમ કે હું એના આખા દિવસનું નિરીક્ષણ કરતી હોઈશ ! એવું નથી હોં પણ….. હું તો એમ કહેવા માગું છું કે, ગાતા પંખી જેવો છે, આ જુવાન ! મોઢામાં કોઈ ને કોઈ ગીતની પંક્તિ રમતી હોય ! જે ટેબલ પાસે જાય ત્યાં ખળભળાટ મચાવે !… હું તો મૂંગી જ રહી પણ ! શું કામ બોલું ? તું જ કહે કેદાર ! બરાબર કર્યું ને ? મેં ઓછો એને મારા ટેબલ પર ઈન્વાઈટ કર્યો હતો કે એને પંપાળું ? તને ક્યાં ખબર નથી કે, મને પુરુષોની ભાટાઈ કરવી ફાવતી નથી ! અરે, ખુદ તનેય ઘણીવાર તો સંભળાવી દેતી હતી તો પછી…. આ તે શું લાવ્યો ?
‘કૉફી પીશો ને મેમ ?’
‘હા. પણ મેં ઑર્ડર આપી દીધો છે.’
‘ઓ.કે… વેઈટર !’ બોલીને મારી સામે જોયું એણે. શું પાણીદાર આંખો ! ખોટું ન લગાડતો કેદાર ! પણ, એની આંખો તો….
વેઈટરે આવીને પૂછ્યું એટલામાં- ‘બોલો, સાયેબ !’
‘મેડમની કૉફી જ લેતો આવ, મિત્ર ! બોલીને એણે ફરી મારી સામે જોયું. ના-ના. જરાય ન ખળભળી હું. એમ તો મેં તારું પડખું સેવ્યું છે, ડિયર ! એમ રમતવાતમાં કંઈ… પણ, આંખો તો એની….
‘મેં જાણ્યું મે’મ. મમતા મૅડમ પાસેથી. બૉસે પણ કહ્યું કેટલુંક ! હાઉ ટેરિફિક ! રિયલિ ઈનટોલરેબલ ! લાઈફ પણ કેટલી ડેન્જરસ ચીજ છે, નહિ મેમ !…. બોલીને શાંત થઈ ગયેલો એ. મારી આંખ તો શું વહે… શું વહે !
‘મને તમારો મિત્ર ગણશો, મે’મ ? સહૃદય મિત્ર ? ઈફ યુ ડોન્ટ માઈન્ડ !’… તારા સમ કેદાર ! ના જ પાડી દેવાની હતી હું એને. પહેલાં મિત્રતા ને પછી એમાંથી…. રિસાઈ ન જા એમ. પુરુષો તો બધા એવા જ હોય. લોભી-લાલચુ ! દંભી પણ ! પણ અમે એમ કોઠું ન આપીએ ને ! તેં પણ પહેલાં તો જાળ જ બિછાવેલી ને મારે માટે ! લુચ્ચા ! પણ….

એવું કશું જ નહોતું પણ આ કેસમાં તો કેદાર ! ખરેખર તો શું થયું કે, સવારમાં મને પૂછીને એ ભોંઠો પડ્યો, એટલે ઍપોલોજી પૂરતું જ. આવી ફોર્માલિટીઝની આજકાલ ક્યાં નવાઈ છે ? પણ, સાલું કહેવું તો પડે જ કે, એનું બિહેવીયર એટલું બધું ફોર્મલ કે સુપરફીસિયલ નહોતું કેદાર ! મેં તો એને ટૂંકું ને ટચ સંભળાવી દીધેલું – ‘મારે બહુ ઓછા મિત્રો છે, મિ. કાર્તિક મને એકલતા ગમે છે !’
‘ઓહ, રિયલિ !’ ભોંઠો નહોતો પડ્યો એ. –
‘હૉબીઝ ?’
‘મ્યુઝિક !’
‘લાઈક મી. મને મહેંદીહસન સાહેબ અને ગુલામ અલી સાહેબ ગમે !’
‘મને જગજિત…!’ મારાથી બોલાઈ ગયું. તને એમ થશે કે, મ્યુઝિકની વાતે હું પલળી ગઈ હોઈશ ! પણ, શું છે, કેદાર ! સાવ ન બોલીએ એ પણ બરાબર ન કહેવાય. સ્ટાફમાં છે, તે કામનો છે કોક દિવસ !
‘ઓહ, આઈ સી ! ત્યારે તો રાજપથ કલબમાં લાસ્ટ ટાઈમ જગજિતસિંઘ આવ્યા ત્યારે હતાં તમે ?’
‘ના’ મારો અવાજ લથડી પડ્યો – ‘એ દિવસોમાં જ !’
‘સૉરી’ એની પ્રુડેન્સી સ્પર્શી જાય એવી હતી – ‘જગજિતના અવાજમાં એક ઈટરનલ દર્દ છે. મનને મથી નાખે એવું.’ કાર્તિક સ્મૂધલિ બોલતો હતો. જગજિતની ગાયકીની જેમ જ ! તું જે વિચારે છે, એ જ હું પણ વિચારું છું, કેદાર ! મને જગજિત ગમે છે એ જાણીને મહેંદીહસન અને ગુલામઅલીને તો ભૂલી જ ગયા, નવાબજાદા ! રામ જાણે કે એને આ ત્રણેય સિંગર્સમાંથી એકેય ગમતો હશે કે પછી આજકાલના વછેરા ? આપણે શું ? ગમે કે ન ગમે ! કૉફી પીધા પછી છૂટાં આપણે તો ! એવું જ કર્યું મેં કેદાર ! યંત્રવત પી લીધી કૉફી. ‘એક્સક્યૂઝ મી’ કહીને ઊભીય થઈ ગઈ. બિલ મને ન ભરવા દીધું પણ. શું કરું હુંય કેદાર ! મનેય ખબર છે કે, કોઈનાય નાના સરખા અહેસાનમાં ન આવીએ એમાં મજા ! એ ક્યારે આપણો મિસ્યુઝ કરે એ કહેવાય નહિ !….

શું ? એ પછી શું થયું એમ ? કહું છું, ડિયર ! એ જ કહું છું. તારાથી ક્યાં ક્શું છુપાવ્યું છે ?….. કાર્તિક એ પછી પણ મળતો. સાવ ઠાવકો લાગતો મને. હા, કેદાર ! મોઢા પર રમતું પેલું ગીત તો અદશ્ય થઈ ગયેલું ક્યાંક, બોલ !…. એક સવારે હું શું જોઉં છું ? મારા ટેબલ ઉપર એક નવીનકોર સી.ડી. પડી છે. જગજિત-ચિત્રાના ફૉટોગ્રાફવાળી. કુતૂહલ થયું મને. કોણે મૂકી હશે એવું તો ન જ થાય ને…. સ્વાભાવિક રીતે !… કાર્તિક જ હોય. પણ, આ લેટેસ્ટ કલેકશન ક્યાંથી લાવ્યો હશે એ ?… તું આમ મોળો ન પડી જઈશ, કેદાર ! એવી ચીપ ન ધારી લઈશ મને, બીજાં બૈરાંઓ જેવી. આપણે માટે આ બધું ક્યાં નવીનવાઈનું હતું ? ક્રોસવર્ડમાં મને મહિનામાં ત્રણ વખત તું લઈ જનારો ! યુ સી, તેં પાડેલી એ ટેવ તો મારું વ્યસન બની ગઈ છે ! મમતામૅડમ સાથે જાઉં છું ઘણીવાર. સી.ડી. અને ઈંગ્લિશ બુક્સના ખૂણા ફેંદી વળું છું. મને કાર્તિક શું ઈમ્પ્રેસ કરી શકે, ડિયર ?… મેં તો સી.ડી.ને એમ જ પડી રહેવા દીધી, કેદાર ! જોઈ જ નથી જાણે. કાર્તિક આવ્યો બપોરે. કોઈ લેટરનું ટ્રાન્સલેશન બતાવવા. બૉસે સોંપ્યું હશે પણ, ગુજરાતીમાં ગોથાં ખાતા’તા, બિરાદર ! બે શબ્દો મેં સજેસ્ટ કર્યા. ‘વાઉ ! એ તો મને સૂઝ્યું જ નહિ !’ કહેતાં હસી પડ્યો. સી.ડી. પર નજર પડી ગઈ અનાયાસે.
‘સી.ડી. જોઈ મે’મ ? ખાસ તમારે માટે લાવ્યો છું !’
‘તકલીફ ન લીધી હોત તો ચાલત !’
‘તકલીફ ? એમાં શી તકલીફ ?’… એના ચહેરા પર અવઢવ હતી.
‘હાસ્તો ! ક્યા રાઈટથી તમે મને સી.ડી. ગિફટ કરી શકો ?’ કહી જ દીધું મેં તો, કેદાર ! બાકી શા સારુ મૂકીએ ? પાછળ હા-ના કરવા કરતાં આ જ ખરું. મોઢામોંઢ ફેંસલો !
‘ઓહ, એ તો મેં વિચાર્યું જ નહિ, મે’મ ! આઈ એમ સો સૉરી ! મને… એ તો.. સેટરડેના મૉલમાં ગયેલો, એક ગઝલકાર મિત્રની સાથે. સી.ડીઝ જોતા’તા. આ સી.ડી. હાથમાં આવી. થયું કે, મૅડમ માટે લઈ લઉં, એમને ગમશે ! બસ, આટલી જ વાત !
‘આટલી જ વાત, બસ !…..’ મેં એની નકલ ઊતારતાં કહ્યું, ‘આ શું સામાન્ય વાત છે, કાર્તિક ! ખાસ પરિચિત ન હોય એવી મહિલા માટે તમે બસ્સો-અઢીસો રૂપિયાની સી.ડી. ખરીદી લાવો છો. અને એને ખપાવો છો સામાન્ય વાત ગણીને !…..’ કાર્તિક ઊભો રહેલો, મોં વકાસીને. એની હાલત જુઓ તો દયા આવી જાય ! રિયલિ હોં, કેદાર ! માંડ માંડ કળ વળી ભાઈસા’બને ! સી.ડી. ઉપાડીને બીતાં-બીતાં પૂછ્યું :
‘તો… તો લઈ જાઉં પાછી ?’
‘બિલકુલ !’…. તું મોં બગાડે કે ન બગાડે, કેદાર ! બટ, આઈ એક્સેપટ વન થિંગ કે, એ દિવસે કામમાં મન ન ચોંટ્યું ! મનમાં એમ થાય કે, નાહક ઈન્સલ્ટ કર્યું. એવો તો શો ગુનો હતો એનો ? સી.ડી. જ લાવ્યો હતો ને ? સ્ટાફમિત્ર છે ને મારી હૉબી જાણે છે, તે લાવ્યો. એમાં એવો તે શો પહાડ તૂટી પડ્યો ? એને હક્ક નથી તો, મનેય શો હક્ક હતો એની લાગણીને કચડી નાખવાનો….?

સાંજે નીકળતાં પાર્કિંગમાં જ મળી ગયો. નજર ચોરવામાં હતો પણ મેં જ સામેથી બોલાવ્યો – ‘કાર્તિક !’
બાઈકને ‘સ્ટૅન્ડ’ કરી મારી પાસે આવી ઊભો એ. સવાલ પૂછતી’તી એની આંખો.
‘કંઈ નહિ એ તો….’ ગૂંચવાઈ ગયેલી હું. શબ્દો જ નહોતા સૂઝતા.
‘સૉરી, એ તો ! સવારે હું… પ્લીઝ ! પાર્ડન મી !’
‘ઈટ્સ, ઓ.કે. મે’મ ! સહજ બનવા ગયેલો એ. નહોતો બની શક્યો પણ ! તમારું પુરુષોનું આ કોમન લક્ષણ છે, કેદાર ! આમ મોટી મોટી ડિંગો મારો અને સ્ત્રી સાથે વાતો કરવાની આવે ત્યારે તત-ફફ થાય !… તારું પણ એવું જ હતું ને કેદાર ! રહેવા દે, આપવડાઈ કર મા !
‘એટલું જ નહિ, કાર્તિક ! તારે મને એ સી.ડી….’ દોડવા જેવું જ કરીને એ બાઈક પાસે ગયો. ડિકીમાંથી કાઢી લાવ્યો સી.ડી.
‘લો. મૅ’મ !’
‘થૅન્ક્સ !’
‘વન થિંગ, મૅ’મ !….’ એ કહેવા તો ગયો પણ, તરત જ અચકાયો. શું કરું ? નહોતું કહેવું મારે કેદાર ! છતાંય કહેવું પડ્યું – ‘બોલ કાર્તિક !’
‘ઈફ યુ ડોન્ટ માઈન્ડ. પણ સેટરડેના સુગમ સંધ્યા છે, સરદાર હોલમાં. જો આવી શકો તો… મારી પાસે બે પાસ છે, સેકન્ડ સેટરડે છે એટલે રજા છે.’
તું જોજે એવું માનતો કે, હું પલળી ગઈ હોઈશ ! ઈમૅચ્યૉર થોડી છું હવે ઘડાઈ ગઈ છું કેદાર ! પણ, શું કે, મારે એને હર્ટ નહોતો કરવો ! માંડ-માંડ આ સી.ડી. કાંડને સમેટ્યું’તું. એટલે એમ જ કહ્યું – ‘જોઉં ! ફાઈનલ ન કહી શકું. શું છે કે, શનિ-રવિ માટે મધર-ઈન-લૉ ને મળવા જવાનું હોય છે. તોય, ફ્રાઈડેના ખબર પડી શકે….’
‘ઓ.કે. જો આવી શકો એમ હોવ તો….’
‘ફોન કરીશ. ઓ.કે. !’
‘નંબર ? છે ? મારો ?….’ કહી એણે કાર્ડ ધર્યું મારી સામે.
‘થૅન્ક્સ !…’ બોલીને મેં કાર્ડ લીધું. ફોન તો કરે છે મારી બલા ! ના-ના કેદાર ! એવું નથી કે, હવે સંગીત નથી ગમતું. આમ, તો જવું ગમે. પણ, અંદરથી ઈચ્છા હોવી જોઈએ ને આપણી. અને, કોઈ આપણને લઈ જવા અમુક રીતનો આગ્રહ રાખે… એ તો ન જ ચાલે ને !

શુક્રવારે ઑફિસમાં જ હશે કાર્તિક. વર્કલોડ જ એટલો હતો કે, ફુરસદ ન મળી, મૅસેજ કરવાની. સામે ચાલીને તો શું કામ…. કૅન્ટિનમાંય ગઈ નહોતી. પાર્કિંગમાં બાઈક પણ નહોતું એનું. એનું બાઈક યાદ રાખવાનો કાંઈ પ્રયત્ન કર્યો છે એવું નથી પાછું ! એવું બધું તો મને યાદ પણ ક્યાં રહે છે, કેદાર ! પણ, આ તો… એમ જ, તે દિવસે નજર પડી ગયેલી….. મૉપેડ લઈને નીકળી હું. ગૉડ નોઝ કેમ બે જગ્યાએ ડ્રાઈવિંગમાં થાપ ખવાઈ ગઈ મારાથી. કોઈ કારણ નહોતું. આમ, જરા થાક જેવું… વગર કારણે કશે મન ન ચોંટે એવું. ઘરે આવીને ફ્રેશ થઈને કૉફી બનાવી, સ્ટ્રૉન્ગ ! ટી.વી. ચાલુ કર્યું. સાંજ ઢળી ગઈ હતી ક્યારનીય. ઊભી થઈને બહાર પોર્ચમાં લટાર મારી આવી. વળી, ઘરમાં આવી. કાર્તિકે આપેલી સી.ડી. શોધીને ચાલુ કરી. જગજિત-ચિત્રાના સ્વર સાંજની ગમગીનીને બેવડાવી રહ્યા. થોડીક પળો એમ જ વીતી કેદાર ! તને મિસ કર્યા પછી પહેલીવાર આટલી બોઝિલ સાંજ હતી આ મારે માટે !…. ઊભી થઈ વળી પાછી ! કાર્ડ શોધ્યું…. કાર્તિકવાળું…. જોયું જ ક્યાં હતું ત્યારે તો ? અત્યારે ધ્યાનથી જોયું. અલ્ટ્રામોર્ડન ડિઝાઈન હતી. અંગ્રેજીમાં નામ લખેલું હતું કાર્તિકનું, બે મોબાઈલ નંબર, એડ્રેસ !

-લગાવું ?…. પણ…. શું કામ ? વગર કારણે એને ફોન કરવાની શી જરૂર ? મૂકી દીધું કાર્ડ, સોફા પર…. મારો મોબાઈલ ? ભુલકણી થઈ ગઈ છું, કેદાર ! તારા ગયા પછીસ્તો ! નહિ, તો તારી ઝીણી-ઝીણી જરૂરિયાતોને યાદ રાખીને હું જ… તારાં સૉક્સ, સિગરેટ કેસ, તારો ફોન… પણ, એ બધી ઝીણવટો જાણે તારા જેવા સાથે જ… ટી.વી. પરથી મળ્યો ફોન ! હાશ, મોબાઈલ તો વળગણ થઈને રહ્યો છે, આજકાલ ! તું પણ એમાં ને એમાં જ ! નહિ, તો બીજાંને ડ્રાઈવિંગ વખતે ફોન પર વાત ન કરવાની સલાહ આપનારો તું…. એ દિવસે… વળી, સોફામાં બેસીને નિઃશ્વાસ નાખ્યો મેં, કેદાર ! ફોન કરવો નથી કાર્તિકને, તો પછી શું કામ ?…. અરે, હા ! એનો નંબર સેવ કરી લઉં ! કાર્ડ ક્યાંય કચરામાં પધરાવી દઈશ નહિ તો હું…. માંડ બે-પાંચ નંબર હશે પુરુષોના… કાર્તિકનો પણ ના રાખું…. પણ, સ્ટાફમાં છે એટલે…. શું કે…. ના-ના ! તું નાહક ટેન્સ ના થઈશ, ડિયર ! મને વળી એવી હૅબિટ જ નથી. લાંબાલચ્ચ ફોન કરીને ફોગટનું બેલેન્સ જ ઓછું કરવું ને ? એમ તો હું કંજૂસ છું, તું જ કહેનારો ! સેવ કરી લીધો મેં એક નંબર…. ઉપરનો ! બે તે શું કરવા’તા ? એવી શી અરજન્સી હોય કે બે નંબર રાખવા પડે મારે ?…..

જમવાનું બનાવવાનો ટાઈમ વીતતો’તો. મને થયું કે, મારે ઈન્ફોર્મ કરવું જોઈએ. બીજું કંઈ નહિ પણ એની પાસેનો પાસ એ બીજા કોઈને પણ આપી શકે ને ! ખાસ તો મૅનરિઝમ !…. ના પાડું ? પણ, કાલે તો ફ્રી જ છું…. ખાસ તો મ્યુઝિકનું જ એટ્રેકશન ! ના-ના ! નથી જતી કેદાર ! મિસ કોલ જ આપીને કહી દઉં કે… બે રિંગો વગાડીને બેસી રહી. તરત જ ફોન આવ્યો એનો- ‘બોલો, મે’મ !’
‘મજામાં, કાર્તિક ?’ (ફોર્માલિટી જ, હોં કેદાર !)
‘છું. તમે ?’
‘ઠીક છું.’
‘આવશો કે કાલે ?’
‘અંઅં….’ ના પાડવા જતી હતી ને ‘યેસ’ થઈ ગયું કેદાર ! સોરી, બકા !…. શું થઈ ગયું એમાં ? ક્યાંક મ્યુઝિકના પ્રોગ્રામમાં સાથે જવાથી કંઈ હું તને બેવફા થઈ ગઈ ? તું તો યાર ! કલ્ચર્ડ કહેવાય ? આવું વિચારાય ?
‘કેમ, અચકાઓ છો, મે’મ ? ન આવી શકો એમ હો, તોય વાંધો નહિ ! આ તો તમને મ્યુઝિકમાં ઈન્ટરેસ્ટ છે એટલે !’
‘એવું નથી કાર્તિક ! ડોન્ટ માઈન્ડ. આવું છું હું. અચ્છા ! કેવી રીતે જવાનું થશે ?’
‘ઈફ યુ ડોન્ટ માઈન્ડ…. હું કાર લઈને… તમારું ઘર રસ્તામાં જ પડે છે, એટલે….’
‘કેટલા વાગ્યે તૈયાર રહું ?’
‘શાર્પ આઠ વાગ્યે.’
‘ઓ.કે. બાય !…’ પાછો રિસાઈ ગયો, કેદાર ! ‘બાય’ તો કહેવું જ પડે ને ! બોલવામાં સ્ટ્રેસ આપ્યો એમ ? એ તો મારી રોજની ટેવ છે. તું ક્યાં અજાણ્યો છે ?…. શું ? અવાજનું કહે છે ? અવાજ તો મારો પહેલાંથી એવો છે. મારા અવાજ પર જ ફિદા હતો ને તું ! એમાં તો હુંય શું કરું ?

શનિવારે સમયસર આવી ગયેલો કાર્તિક. તને માઠું લાગ્યું હતું એટલે મેં એને ઘરે આવવાનો વધારે આગ્રહ ન કર્યો. બેસી ગયેલી ગાડીમાં સી.ડી. સાંભળવામાં લીન થઈ ગઈ હોઉં એમ શાંત બેસી રહી. તારી જ બીક, કેદાર ! નાહક તને નારાજ કરવો ને ! પ્રોગ્રામમાંય જુદું જ બેસવું’તું. પણ, શું કરું ?… પાસે જ બેસવું પડ્યું. હૉલ ચિક્કાર ભરેલો હતો. ગવાયું પણ સારું ! તું નહિ માને કાર્તિક !…. એ રીતે જ બેઠો રહેલો મારી પાસે. જાણે કે, કોઈ છે જ નહિ, રિયલિ, કેદાર ! વળતાં પણ મૂંગો જ રહેલો એ તો. મને એમ કે એ કંઈક બોલે. બોલ્યો એમ જરૂર પૂરતું, ‘કેવો લાગ્યો, પ્રોગ્રામ ?’
‘સારું રહ્યું, એકંદરે ! થેન્કસ. ઘરે નહિ આવો ?’
‘ફરી કોઈવાર.’
‘ઓ.કે. ક્યારેક આવો જરૂર ! ગુડ નાઈટ !…’ એમ તો હુંય સમજું છું કેદાર ! આપણે એકલાં રહેતાં હોઈએ એમાં કોઈ પરપુરુષને ઘર દેખાડવામાં મજા નહિ. પણ, એની ગાડીમાં આવી ને રસ્તામાં જ ઘર પડતું’તું આપણું. એટલે… બાકી તો-

અરે ! હું તો તારી સાથે વાતે વળી ગઈ એમાં ને એમાં તો કામેય… અંધારુંય થઈ ગયું બહાર તો. બોલ કેદાર !.. શું ? તારી સાથે વાત નથી કરતી ? તો પછી કોની સાથે કરું છું ? તુંય ખરો છે, યાર ! શું કહ્યું કાર્તિક સાથે ? શું-શું ? આવો આક્ષેપ ? આવું આળ ? કેદાર ! આ ઠીક નથી હોં. હું તારી વાઈફ છું, તને વફાદાર છું. એનો મીનિંગ એવો નથી કે, તું ફાવે એમ મારું ઈન્સલ્ટ કરે ! શક કરે ! કહ્યું તો ખરું કે, એવું કશું નથી ! કાર્તિક ઈઝ માઈ કલિગ ઑન્લિ ! નથિંગ એલ્સ. વન મિનિટ કેદાર !… ડોરબેલ વાગી. હું જરા જોઉં. કોણ હશે ?…..
‘અરે, કાર્તિક ! આવ-આવ ! આમ, અચાનક ?’
‘અહીંથી નીકળ્યો’ તો મને થયું કે, મળતો જાઉં, મૅ’મને !’
‘એમ જ ? આઈ મિન ! હું કાંઈ સમજી નહિ, કાર્તિક !’
‘સોરી, મેમ ! આ તો જસ્ટ… તમે નહોતું કહ્યું, તે દિવસે રાતે !’
‘કહ્યું હતું, એની ના નહિ, પણ ! સોરી કાર્તિક ! આ તો શું છે કે, આપણી વચ્ચે કંઈ હોય નહિ ને… પડોશીઓ તો… તમે સમજી શકો છો, એકલી રહેતી લેડીના પ્રોબ્લેમ્સ ?…. બેસો-બેસો ! ઊભા કેમ છો ? મારી ફિલીંગ્સ તો તમે સમજી શકો એમ છો.’
‘આઈ અન્ડરસ્ટૅન્ડ, મૅ’મ ! સૉરી, હવે પછી ભૂલ નહિ કરું, રિયલિ સૉરી !’
‘ઈટ્સ ઓ.કે. ! બેસો હું પાણી લાવું..’ કહીને હું કિચનમાં ! સાંભળી લીધું ને કેદાર ! આપણને એવું ગોળ-ગોળ બોલતાં ન ફાવે. મોઢે જ કહી દીધું. ક્લિઅર કટ. પહેલીવાર આવ્યો છે એટલે આપણે એનું ઈન્સલ્ટ ન કરીએ, પણ બીજીવાર તો વિચાર કરશે ભાઈસાહેબ !….. શું કેદાર ? કૉફીય ન પીવડાવાય એમ ? ના-ના. સાવ એમ તે કરાય ? બિચારો એવો નથી….. એને આપણા માટે કેટલો ભાવ હોય અને આપણે એને સાવ…. પ્રેમ નહિ, ભાવ ! તુંય શું કેદાર ! નાની-શી વાતને મોટું સ્વરૂપ આપી દેતો હોઈશ ! પાણી લઈને જાઉં, જલદી !….
‘લો.’
‘થૅન્ક્સ !’ બોલી એણે ટ્રેમાંથી ગ્લાસ લીધો.
‘કૉફી બનાવું થોડી.’
‘રહેવા દો મે’મ ! ફરી કોઈવાર…. શું કહ્યું, કેદાર ? ‘ફરી કોઈવાર’ એમ શું કામ બોલ્યો એમ ?… એમ જ. પછી તો એ આવવાનોય ક્યાં છે ? અરે, એને આવવું હોય તોય હું બોલાવું ત્યારે આવે ને ? એ તો ‘વિવેક’ ખાતર જ એમ બોલ્યો….
‘થોડી પીજો !’
‘બહુ પીધી છે આજે. રહેવા દો મે’મ !’
‘તમારી મરજી !’ કહેતી હું ટ્રે કિચનમાં મૂકી આવીને સામે જ ઊભી. હા, કેદાર ! ભલે, મોડર્ન છું પણ, એની સામે બેસવામાં સંકોચ થાય છે….
‘હું જાઉં, મૅ’મ !’
‘જવું જ છે ?’
‘હા’ એ ઊભો થયો- બાય !
‘બાય !…. એ ગયો.

એકલી પડી ગઈ હું. તું કેમ મોં મચકોડે છે, કેદાર ! મારી સામે ? તું જાતે જ ન્યાય કર ! મેં એને કૉફી પીવડાવી ? વધારે વાર બેસવા પણ દીધો ? મોઢે જ ના સંભળાવી દીધું ? તો, પછી તું કેમ આ રીતે મને ?… મેં તો ઊલટું એનું ઈન્સલ્ટ કર્યું છે ! હા-હા, વળી ! ઈન્સલ્ટ જ. બીજો કોઈ હોય તો નારાજ થાય, રિલેશન જ કાપી નાખે. આ તો ઘણો સારો છે. હા-હા, સોબર જ વળી. નહિ તો મારાથી એને એવું કહેવાય કે, તમે ન આવતા મારે ઘેર ? અરેરે ! મેં એને એવું કેમ કહ્યું ? મારે એની માફી માગવી જોઈએ, કેદાર ! હા, વળી. સૉરી કહેવું જોઈએ. ભલે, એણે વિવેક જાળવ્યો. બાકી, અંદરથી તો એને બહુ જ લાગી આવ્યું હશે… લગાવું ફોન ? કેદાર ! શું કહ્યું ? લગાવ ! રિયલિ કેદાર ? પણ, આમ ગુસ્સે થઈને કેમ બોલ્યો તું ?…. લગાવું છું હોં ! પછી એમ ના કહેતો કે….

સેલફોન હાથમાં લઈને કૉલિંગ આપ્યું કાર્તિકને !
‘હા, મૅ’મ !’
‘કાર્તિક !’… નામ જ લીધું એમાં તને મારો અવાજ જુદો શાને લાગ્યો કેદાર ? સૉરી કહેવા તો એ રીતે જરા નરમાશથી જ બોલવું પડે ને !
‘બોલો, મૅ’મ ! એની પ્રોબ્લેમ ?’
‘ના. પણ…. કાર્તિક ! હમણાં મેં તમારી સાથે જે બિહેવિયર કર્યું ને…. ઈટ વોઝ નોટ ફેઅર ! આઈ એમ સોરી ! કાર્તિક ! મારે એ રીતે નહોતું બોલવું જોઈતું. પ્લીઝ, પાર્ડન મી !’
‘ઈટ્સ ઓ.કે. મૅ’મ !’
‘બાઈ.’
‘બાય મે’મ !….’ કેદાર ! એય કેદાર ! મોઢું કેમ ફેરવી લીધું તેં ? શું ? શું કહ્યું, તેં ? હું એના પ્રેમમાં છું એમ ? ના-ના ! તુંય ક્યાં લાકડે-માંકડું વળગાડતો હોઈશ ? જૉબમાં સાથે છીએ એટલે… બાકી, તો… શું ? કેદાર ? તું જ ઊઠીને મારી પર શંકા કરીશ ? તારે એમ જ માનવું હોય તો પછી એમ…. ના-ના ! પ્રેમ તો હું તને જ… કેદાર…. કેદાર !

[ તંત્રીનોંધ : બધી જ વાર્તાઓ સીધો બોધ નથી આપતી. ક્યારેક તે આપણી સામે એક ચિત્ર મૂકી આપે છે. માનવીની અંતરંગ વૃત્તિઓનું ચિત્ર. એ એટલું બધું સુક્ષ્મ હોય છે કે ક્યારેક એને શબ્દમાં ઊતારવું કઠિન હોય છે. લેખકે તેનો અહીં સુંદર પ્રયાસ કર્યો છે. એકતરફ માણસની અંદરનો ભાવ, બીજી તરફ બહારનો સંસાર અને એ બંનેની વચ્ચે નાયિકાના મનમાં થતું તીવ્ર મનોમંથન. સાવ અનોખી શૈલીથી આ વાર્તા રજૂ થઈ છે. જે પતિ હયાત નથી તેને સંબોધીને જાણે તમામ ઘટનાઓ તેની હયાતીમાં જ બની રહી હોય એ રીતે આલેખાઈ છે. ‘હું તને પ્રેમ કરું છું’ એ બોલવું કેટલું સરળ છે પરંતુ એ અનુભવવું અને સતત અનુભવતા રહેવું એ કેટલું કઠિન છે તે અહીં સ્પષ્ટ ઊપસી રહ્યું છે.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “પ્રેમ તો હું તને જ… – કલ્પેશ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.