પતંગિયાની પાંખે – સંકલિત

[1] વચન મીઠાં-અશ્રુ ખારાં – જિતેન્દ્ર શાહ

બાર વર્ષના રાજુને ગરીબી ગળથૂથીમાં મળી હતી. ગરીબ અને અભણ બાપને શાકભાજીની લારી ફેરવતા અને તેની જ માને પારકા ઘરનાં ઘરકામ કરતી તે નાનપણથી જોતો આવ્યો હતો. બાપે નિજ અનુભવ પરથી નક્કી કર્યું હતું કે રાજુને ખૂબ ખૂબ ભણાવવો છે. લારીની પાછળ પાછળના ભાગમાં રાજુ નહીં – તેને તો સમણું હતું કોઈ ભવ્ય ઓફિસમાં પગલાં પાડતા રાજુનું. રાજુમાં પણ જ્ઞાન મેળવવાની અદશ્ય ઝંખના જાગી હતી. ચોટલી બાંધીને તે શાળા-અભ્યાસમાં લાગી ગયો. એક પછી એક સફળતા કૂદાવતો તે જોતજોતામાં બારમા ધોરણમાં પહોંચી ગયો.

બોર્ડની પરીક્ષામાં પણ ઝળહળતી ફત્તેહ મેળવવા બધું જ પડતું મૂકીને તે અભ્યાસમાં લાગી પડ્યો. પરીક્ષાનો પહેલો દિવસ આવ્યો. પરીક્ષામાં બેસવા તે ઘરની બહાર પગ મૂકવા જતો હતો તે બાપે યાદ કરાવ્યું, ‘બેટા, ગોળની કાંકરી લેતો જા – શુકન થશે.’ તે વખતે કાંદા કાપતી માનું મોં ઊતરી ગયું. ગઈ કાલે સાંજે જ ઘરમાં ગોળ પૂરો થઈ ગયો હતો અને નવો ગોળ લઈ આવવા જેટલો સમય પણ ક્યાં મળ્યો હતો ? રાજુએ પરિસ્થિતિ સરસ સંભાળી લીધી. તેણે માને કહ્યું :
‘મા, મને કાંદાની ચીરી જ આપી દે. તારા હાથે તું જે કંઈ આપે તેમાં મીઠાશ તો હોવાની જ.’
માને બિચારીને સમજ જ ન પડી કે આંખમાં આવેલ, ખારાં અશ્રુ કાંદા કતરણને કારણે હતાં કે રાજુનાં મધમીઠાં વચનને કારણે ? (‘અખંડ આનંદ’માંથી આભાર.)
.

[2] ચાવી જમણી તરફ ફેરવો – દીના પરીખ

આ વિશ્વ ખૂબ જ વિશાળ છે. એટલું વિશાળ કે આપણી કલ્પના બહારની વાત છે કોઈ પણ માનવીને વિશ્વમાં પ્રવેશ કરાવવાનો હોય તો ઈશ્વર પોતાની અદશ્ય ચાવી જમણી તરફ ફેરવે છે અને માનવને વિશ્વમાં પ્રવેશ મળે છે. આપણે કોઈ પણ મહેલ જેવી ઊંચી ઈમારત જોઈએ છીએ તે ભવ્ય ઈમારતથી એની અગાશી નાની હોય છે. અગાસીથી એનો દિવાનખંડ નાનો હોય છે. બેસવાના ખંડથી એમનો શયનખંડ નાનો હોય છે. શયનખંડથી એમનું રસોડું નાનું હોય છે. રસોડાથી એમનો ઝાંપો નાનો હોય છે. ઝાંપાથી એનો દરવાજો નાનો હોય છે. દરવાજાથી એનો નકુચો નાનો હોય છે. નકુચાથી એનું તાળું નાનું હોય છે અને તાળાથી એની ચાવી નાની હોય છે. એ નાનકડી ચાવી જો જમણી બાજુ ફેરવશું તો તાળું ખુલશે અને આપણે મોટા મહેલમાં પ્રવેશ કરી શકીશું.

આપણે વિશાળ દષ્ટિથી જોઈએ તો માણસે મહેલ, બંગલો કે નાનકડું વિશ્વમાં પ્રવેશવા માટે હકારાત્મક ભાવ રાખવો પડે છે. નકારાત્મક ભાવ રાખવાથી માણસ પોતાના ઘરમાં, કુટુંબમાં, સમાજમાં અણખામણો થાય છે. નકારાત્મક ભાવ રાખવો એટલે ચાવી ડાબી બાજુ ફેરવી તાળું બંધ કરવું. જેથી ઘરમાં પ્રવેશ મળતો નથી. ચાવી જમણી તરફ ફેરવવાથી તાળું ખુલશે, દરવાજો ખુલશે. કુટુંબ, સગાવહાલાં સાથે મીઠો સંબંધ બંધાશે. મન મેળાપ થશે અને સમાજમાં સારો દરજ્જો મળશે. ચાવી જમણી બાજુ ફેરવવાનો અર્થ છે હકારાત્મક વલણ. કોઈને કોઈ સાથે મનમેળાપ ન હોય તો જરૂરી નથી કે તેની સાથે સંબંધ સમુળગો કાપી નાખવો. સંબંધ કાપી નાખવાનો મતલબ- ચાવી ડાબી બાજુ ફેરવવાથી સંબંધ સમાપ્ત થશે. એ તરફ જોવાની દિશા જ બંધ થઈ જશે. એના કરતાં અણગમતો માણસ પણ સામે મળે તો એની સામે મોઢું ન બગાડો પણ એક નાનકડું સ્મિત આપો. એ સ્મિત કદાચ શબ્દો કરતાં વધારે બળવાન પુરવાર થશે. સામેની વ્યક્તિ સ્મિતનો જવાબ સ્મિતથી આપશે. સંભવ છે કે સામેથી બોલાવી હાલચાલ પુછશે. આ જ છે નાનકડા વિશ્વમાં પ્રવેશવાની જમણી તરફ ફેરવેલી ચાવી.

આ જ વસ્તુ આપણે વિશાળ ફલક પર મૂકીએ તો એના કુટુંબની જગ્યાએ મોટું ‘વસુદ્યૈવ કુટુંમ્બકમ’ આવે છે. કોઈ સંસ્થા, કોઈ પ્રદેશ કે કોઈ દેશમાં તમે કાર્ય કરતા હશો તો સંભવ છે કે ત્યાં તમારા હરિફો કે મીઠા દુશ્મનો હશે. તમને ખબર છે કે અમુક અમુક તમારા મીઠા દુશ્મનો કે હિતશત્રુઓ છે, છતાં તમે તેમની સામે હસતે મુખે એમની દરેક વાતનો મીઠાશથી જવાબ આપો. કોઈ વખત સંભવ છે કે એ માણસ પોતાની ધીરજ ગુમાવી તમારી તરફ ગુસ્સે થઈ ને ઝેર ઓકવા માંડશે અને તે વખતે તમારી આસપાસ જે લોકો હશે તે જરૂર તમારી તરફેણ કરશે અને તમારું માન જળવાઈ રહેશે. તમે મીઠાશ રાખી અને તમારી ચાવી જમણી તરફ ફરી અને સામા માણસની ચાવી ડાબી તરફ ફરી. આ વાત હંમેશા ધ્યાન રાખશો કે ઘરનો, કુટુંબ, પાડોશી, સગાંસંબંધી કે સંસ્થાનો સ્નેહ જીતવો હોય તો તમારા જીવનની ચાવી જમણી તરફ ફેરવો તો પ્રીતની કળ, પ્રેમનું તાળું, પ્રકાશના પુંજનો દરવાજો ખુલશે અને તમને અલૌકિક વિશ્વના દર્શન થશે. (‘પોરવાડ બંધુ’ સામાયિકમાંથી સાભાર.)
.

[3] ધ્યાન ક્યાં આપશો ? – સં. હસમુખ ના. ટાંક

રશિયા અને અમેરિકા વચ્ચે અવકાશમાં પોતપોતાનું આધિપત્ય સ્થાપવા હોડ જામેલી તે સમયની વાત છે. અમેરિકાએ પોતાનું રોકેટ છોડ્યું પણ અવકાશમાં પહોંચેલા વૈજ્ઞાનિકો માટે એક અણધારી મુશ્કેલી ઊભી થઈ. અવકાશમાં ગુરુત્વાકર્ષણબળ શૂન્ય હોવાથી પેનમાંથી શાહી બહાર આવે જ નહિ અને કંઈ નોંધ કરવાનું શક્ય બને જ નહિ. પરિણામે ફેરો માથે પડવા જેવી નોબત વાગી ગઈ. પરંતુ આ મુશ્કેલી નિવારવા અમેરિકન વૈજ્ઞાનિકો મચી પડ્યા અને તેઓએ એક નવા જ પ્રકારની પેન વિકસાવી. ગુરુત્વાકર્ષણબળ શૂન્ય હોય તોય આ પેનથી લખી શકાતું. પાણી થીજીને બરફ થઈ જાય તેટલું નીચું તાપમાન હોય કે લોઢું પીગળીને પ્રવાહી બની જાય તેટલું ઊંચું તાપમાન હોય, તો પણ આ પેનથી લખી શકાતું. કાગળ ઉપર હોય અને પેન નીચે હોય તો પણ લખી શકાતું. પાણીની નીચે જઈને પણ લખવું હોય કે સ્ફટિક જેવી લીસી સપાટી પર લખવું હોય તો પણ આ પેનથી લખી શકાતું. આવી પેન વિકસાવી અમેરિકન વૈજ્ઞાનિકોએ પોતાને પડતી મુશ્કેલીનો અંત લાવી દીધો. પરંતુ આ સંશોધન કરવામાં તેઓએ 10 વર્ષ સુધી પરિશ્રમ કર્યો અને આશરે 6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો….

હવે જે મુશ્કેલી અમેરિકન વૈજ્ઞાનિકો સામે હતી તેવી જ મુશ્કેલી રશિયાના વૈજ્ઞાનિકો સામે પણ હતી. પરંતુ તે સમયે તેઓએ શું કર્યું ? તેઓએ પેન ન ચાલી તો પેન્સિલ વાપરવાનું શરૂ કરી દીધું. પરિણામે તેઓ દશ વર્ષ અને 6 કરોડ રૂપિયાના ખર્ચામાંથી ઊગરી ગયા અને સંશોધન માટે 10 વર્ષ વધુ મેળવ્યા તે નફામાં…. આ સત્ય-ઘટના વર્ણવીને કાર્યનિષ્ણાંતો સમજાવે છે કે કાર્ય કરનારા ઘણીવાર પ્રશ્ન ઉપર એટલા બધા કેન્દ્રિત થઈ જાય છે કે સમાધાન હાથવગું જ હોય અને સરળ હોય છતાં તેને શોધી શકતા નથી. (‘વીણેલાં મોતી’ પુસ્તકમાંથી સાભાર.)
.

[4] મધ્યમ માર્ગ – અજ્ઞાત

ભગવાન બુદ્ધે સોમદેવને પૂછ્યું : ‘તને વીણા વગાડતાં આવડે છે ને ?’
‘હા, જી.’
‘એના તાર બહુ ખેંચીએ તો અવાજ સારો નીકળે કે ?’
‘ના, જી.’
‘તો વીણાના તાર ઢીલા રાખીએ તો અવાજ સારો નીકળે ?’
‘ના, જી. તો પણ વીણાનો ધ્વનિ બરાબર નહીં નીકળે.’
‘તો વીણાના તાર અતિ ખેંચીએ નહિ કે પ્રમાણસર ઢીલા મૂકીએ તો જ વીણાના સૂર સરસ નીકળે, નહિ ?’
‘બરાબર.’
‘એ જ રીતે હે સોમદેવ ! આપણે શક્તિને તાણ્યા કરીએ કે ઢીલી મૂકી દઈએ તો કાંઈ વળે નહિ. શરીર નકામું થઈ જાય. મધ્યમ માર્ગ શ્રેષ્ઠ છે તેનું આ દષ્ટાંત થયું.’ (‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.)
.
[5] ઝાકળબિંદુ – રેણુકા દવે

સપનું તો એક સખી, વ્હાલુડું બાળ, એને શ્રદ્ધાના ઝૂલે ઝુલાવીએ
કરવું સાકાર એ તો હરિવરને હાથ, એના સંકટને સ્હેજે ભૂલાવીએ

દરેક વ્યક્તિ તેના મનમાં કેટલાંક સપનાંઓ લઈને જીવતી હોય છે. એ સપનાંની આસપાસ તેની સફળતા કે નિષ્ફળતાની માપપટ્ટી ગોઠવાયેલી હોય છે. કેટલાંક સપનાં તેના સામર્થ્ય પ્રમાણેનાં હોય છે તો કેટલાંકને સાકાર કરવા તેણે સામર્થ્ય કેળવવું પડે છે. આમ જુઓ તો આવા સપનાંઓ જ આપણને જીવિત રાખતાં હોય છે. આપણા પગમાં જોમ ભરતાં હોય છે. એટલે જ તો આપણે એક પૂરું થાય અને બીજું…. બીજું પૂરું થાય અને ત્રીજું…. એમ સતત મનમાં આવા સપનાંઓ વાવતાં હોઈએ છીએ. દરેક સપનું તરત ને તરત સાકાર થતું નથી. કેટલાંક ખૂબ ઝડપથી ફળિભૂત થાય છે તો કેટલાંક પર સફળતાની નાની કૂંપળ ફૂટતાંયે વરસો વીતી જાય છે. આવો લંબાતો સમય ઘણીવાર મનમાં ઘોર નિરાશા ભરી દે છે. આપણે આપણા કમનસીબને, આપણા નબળા સામર્થ્યને કે કવચિત આપણાં મા-બાપની ભૂલને દોષિત ઠેરવીને દુઃખી થઈ જતાં હોઈએ છીએ. પણ સાચું કહું ? સાચા દિલથી અને સારી ભાવનાથી જોયેલું સપનું સાકાર ન થાય એવું ક્યારેય બન્યું નથી એ વાતનો સાક્ષી છે ઈતિહાસ. ગાંધીજીએ અહિંસાના હથિયાર વડે બ્રિટિશરોને હાંકી કાઢવાનું જોયેલું સ્વપ્ન એ વખતે કેટલું હાસ્યાસ્પદ લાગ્યું હશે ? પણ પૂરું થયું જ !

અસલમાં આપણું સપનું આપણા નાના બાળક જેવું છે. વિકાસ પામવા માટે એને સતત આપણા વ્હાલભર્યા સ્પર્શની જરૂર રહે છે. એના તરફ ઊંડી શ્રદ્ધાની એ અપેક્ષા રાખે છે. એ પણ હકીકત છે કે આપણે જાણતા નથી તેની સાકાર થવાની તિથિ તારીખને. પણ તેની સમયાવધિ જેટલી લંબાય છે તેટલા વધુ બોધપાઠ તે આપણને આપતું રહે છે. સપનું સાકાર થવાની સફરમાં આપણી સામે અનેક તથ્યો આવતાં રહે છે; તથ્યો આપણી આસપાસના લોકો વિશેનાં…. તથ્યો આપણી પોતાની મર્યાદા અંગેનાં…. અને તથ્યો આપણી પોતાની જ છૂપી ખૂબીઓ વિશેનાં.

તો, છોડી દઈએ આપણા પૂરા ન થયેલા સ્વપ્ન વિશે ચિંતા કરવાનું. એને સજાવી સંવારીને શ્રદ્ધાના પારણે પોઢાડી દઈએ. એને સાકાર કરવાનો યોગ્ય સમય ઈશ્વરે નક્કી કરેલો જ છે. એના માર્ગે આવતા સંકટને લઈને નિરાશ થવાની જરૂર નથી કે અડધે રસ્તેથી પાછા વળવાની પણ જરૂર નથી. બસ, જરૂર છે કેવળ આપણી આપણા પરની અને ઈશ્વર પરની શ્રદ્ધાની….. (‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પતંગિયાની પાંખે – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.