- ReadGujarati.com - http://www.readgujarati.com -

શોપિંગ સિન્ડ્રોમ – કાજલ ઓઝા-વૈદ્ય

[‘જનકલ્યાણ’ સામાયિક ફેબ્રુઆરી-2012માંથી સાભાર.]

શ્રીલેખા અમેરિકામાં રહે છે. શિકાગોમાં એના પતિનો મોટો બિઝનેસ છે. મુંબઈમાં બંને જણાં સાથે ભણતાં હતાં ત્યારે પ્રેમ થયો. પછી શ્રીલેખાની ઈમિગ્રેશન ફાઈનલ પહેલા પાસ થઈ ગઈ એટલે એ અમેરિકા ગઈ. ત્રણ વર્ષ ત્યાં ભણીને લગ્ન કરવા પાછી ભારત આવી. અનિશ સાથે લગ્ન કરીને અમેરિકા ગઈ. એને ત્યાં બોલાવ્યો. એમનાં લગ્નને વીસ વર્ષ થવા આવ્યાં છે. મોટું હાઉસ, બંનેની જુદી ગાડીઓ, બાળકોના ઉછેર માટેની ઉત્તમ સવલતો સહિત બંને જણાં તમામ પ્રકારની ભૌતિક સુખસાહ્યબીમાં જીવે છે…

….ને છતાં શ્રીલેખાને સતત જિંદગીમાં કશું ખૂટ્યા કરે છે. એ જ્યારે ભારત આવે ત્યારે અર્થહીન શોપિંગ કરે છે. અમેરિકામાં પણ મોલ્સમાં સતત ફર્યા કરે છે. પૈસા ખર્ચવા કે ખરીદી કરવી એને માટે જરૂરિયાત કે શોખ નથી. એક જાતની કમ્પલઝિવનેસ છે. તદ્દન બિનજરૂરી કપડાં, પરફ્યુમ્સ, દાગીના કે ગૃહસજાવટની વસ્તુઓ એ ખરીદી લે છે. થોડો સમય રાખીને કોઈને ભેટ આપી દે છે. નવાઈની વાત એ છે કે પોતે ખરીદેલી મોટા ભાગની ચીજો એ વાપરતી નથી. એને આ વાત સમજાય છે ને છતાં એ અંગે પોતે કશું જ કરી શકતી નથી !

એ મને મળવા આવી ત્યારે એની પાસે એક જ સવાલ હતો, ‘હું શું કરું ? મારી પાસે કોઈ કામ નથી…. જિંદગીનાં આટલાં વર્ષ મેં મારી જાતને ભૂલીને ઘરનાં સૌનું ધ્યાન રાખ્યું. હવે એ લોકો પાસે મારી સામે જોવાનો પણ ટાઈમ નથી….’ એનું કહેવું ફક્ત એટલું જ હતું, ‘અત્યાર સુધી મેં મારી ખુશીનો વિચાર જ નથી કર્યો. હવે હું મારી જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું તો એમાં ખોટું શું છે ?’ વસ્તુઓ ખરીદવાની આ આદતને કમ્પલઝિવ શોપિંગ અથવા ઓબ્સેસિવ કમ્પલઝિવ શોપિંગ સિન્ડ્રોમ કહે છે. ભૌતિક રીતે સુખી લોકોને આવી તકલીફ વધુ પ્રમાણમાં થાય છે – ખાસ કરીને સ્ત્રીઓને ! અમુક ઉંમરે પહોંચેલી સ્ત્રી જાણે જિંદગીથી હાથ ધોઈ બેસે છે. સહેજ વધી ગયેલું શરીર, વધતી જતી ઉંમર, પોતપોતાની દિશા લઈને આગળ વધી ગયેલાં સંતાનો અને સફળતાની રેસમાં ઊંધું ઘાલીને દોડી રહેલો પતિ – આ બધાંની વચ્ચે એને પોતાનું અસ્તિત્વ જડતું નથી. અત્યાર સુધી પતિનું ધ્યાન રાખવામાં, બાળકોને ઉછેરવામાં, ઘર બનાવવામાં, ઘર સાચવવામાં એણે વર્ષો કાઢી નાખ્યાં છે. હવે એને માટે ખરેખર અર્થપૂર્ણ લાગે એવું કોઈ કામ નથી. સ્વતંત્ર થઈ ગયેલાં સંતાનો મોટા ભાગે બધું જ પોતાની જાતે કરી લે છે. પતિને પણ શારીરિક જરૂરિયાત એટલી બધી રહી નથી. એણે પોતાના બિઝનેસના કે નોકરીના ક્ષેત્રમાં મિત્રો બનાવી લીધા છે. પોતાના ગમા-અણગમા એણે પત્ની પર ઠોકી બેસાડ્યા છે. જિંદગીનાં સૌથી સોનેરી અને સુંદર વર્ષો વહી ગયાં છે. હવે આંખ નીચે કાળાં કુંડાળાં અને કબાટમાં નોટોની થપ્પી છે. આ પૈસાનું શું કરવું એની એને ખબર નથી. આટલા બધા ફાજલ પડેલા સમયને ક્યાં ખરચવો એની એને સમજ નથી. કદાચ એટલે જ એને લાગે છે કે વસ્તુઓ ખરીદીને ખુશ રહી શકાય છે.

શરૂઆતનાં વર્ષો જો અભાવમાં વીત્યાં હોય તો આ સિન્ડ્રોમ વધુ તીવ્રતાથી ભરડો લે છે. એ વખતે નહીં ખરીદી શકાયેલી તમામ વસ્તુઓ આજે ખરીદીને નાનકડી ‘જીત’નો…. ‘પામ્યા’નો સંતોષ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી ઘણી ગૃહિણીઓ આપણને આસપાસમાં જોવા મળશે. બહુ નવાઈની વાત છે, પરંતુ સત્ય છે કે વસ્તુઓ દ્વારા પોતાને ખુશ થવાને બદલે દુઃખી થાય છે. પૈસા ખર્ચીને ઘરમાં આવી ગયેલી વસ્તુ ઉપયોગી નથી એવું એમને જે પળે સમજાય છે તે પળે પૈસા ખર્ચ્યાનો અફસોસ થાય છે…. એ અફસોસના અપરાધભાવમાં થોડા સમય માટે કંઈ નહીં ખરીદવાનું એ નક્કી કરે છે, પરંતુ મન તો માંકડું છે. એમ બેસી રહે ? ફરી એકાદ બહેનપણીનો ફોન આવે છે અને ફરી સજાવેલા રંગીન મોલ પોતાના બાહુપાશ ફેલાવી એને બોલાવી લે છે. ક્યાંથી શરૂ થાય છે આ સિન્ડ્રોમ ? ક્યાંથી ઉદ્દભવે છે આ જાતને ખુશ કરવાની તદ્દન વ્યર્થ મનોવૃત્તિ ? લગ્નનાં અમુક વર્ષો પછી જીવનમાં ઊભા થતા ગયેલા ખાલીપાને ભરવા શોપિંગ, કિટી પાર્ટી કે નાના-મોટા સોશિયલ વર્કના નામે જાતને ખુશ કરવા મથતી આ ગૃહિણીઓ વીતેલાં વર્ષો સાથે ધીમે ધીમે અંદરથી ખાલી થતી ગઈ છે….. અંદર વધતો ગયેલો એ ખાલીપો એટલો વિસ્તરી જાય છે કે આખરે એમને માટે એ ખાલી પડેલો સમય મોટું પ્રશ્નાર્થ ચિહ્ન બની જાય છે.

વીતેલાં વર્ષોમાં પતિ પોતાની દુનિયામાં અને પત્ની પોતાની દુનિયામાં વ્યસ્ત રહ્યાં. એકબીજા સાથે સંવાદ રચવાનો પ્રયાસ બેમાંથી કોઈએ કર્યો નહીં. એક છત નીચે જીવતાં રહેલાં બે જણાં ખરેખર સાવ જુદી દિશામાં પ્રવાસ કરતાં રહ્યાં. જ્યારે એમને સમજાયું ત્યારે બંને જણાં એકબીજાંથી એટલાં દૂર જતાં રહ્યાં હતાં કે એક બેડરૂમમાં રહેતાં હોવા છતાં, એક પલંગ પર સૂવા છતાં એકબીજાની સાથે વ્યવહાર સિવાયની વાતચીત કરવાનો પ્રસંગ અને સંબંધ બંને, એ લોકો ખોઈ બેઠાં હતાં ! એનિવર્સરી એક ઔપચારિક પ્રસંગ જ રહી જાય છે… એ દિવસે માત્ર વીતેલાં વર્ષો ગણવાનો અને ચાર-પાંચ મિત્રોની સાથે ડિનર કરીને, ‘બહુ વર્ષો ભેગાં કાઢ્યાં…. ભાભી તમને જ કોન્ગ્રેચ્યુલેશન આપવા પડે…. એ તો તું જ છે જે આમની સાથે જીવી શકે.’ જેવાં વાક્યો ઉપર ખોખલાં હાસ્યોની સાથે એક સાંજ પૂરી કરીને પાછા જતી વખતે કે કપડાં બદલીને બેડરૂમમાં આડા પડતી વખતે ખાલીપાને વધુ વિસ્તરતો જોવા સિવાય કશું જ કરવાનું રહેતું નથી.

શા માટે થાય છે આ ? ભૌતિક જરૂરિયાતો પૂરી નથી થતી ત્યારે એક અફઓસ થાય છે. એક ઝંખના, એક જરૂરિયાત, એક ઈચ્છા કે એક ખેવના આપણી અંદર શ્વાસ લીધા કરે છે. જ્યારે બધું જ મળી જાય છે ત્યારે દોડ પૂરી થઈ જાય છે. પછી વધુ…. વધુ… વધુ…ની લાલસા શરૂ થાય છે, જેનો કોઈ અંત નથી. વસ્તુઓ ભેગી કરવામાં વહાલ વિસરાઈ જાય છે. છેલ્લે એકબીજાની સાથે શાંતિથી બેસીને અડધો કલાક ક્યારે ગાળ્યો હતો એ પણ યાદ કરવું પડે એવી સ્થિતિ આવી જાય છે અને એવા સમયે શરૂ થાય છે એક અજબ જેવું અંતર. બે જણાં એકબીજાં સામે ફરિયાદ કરતાં થઈ જાય છે. સંતાનોનાં ભવિષ્ય, માતાપિતાની તબિયત, સામાજિક કાર્યો કે મૃત્યુ, લગ્ન જેવા પ્રસંગ સિવાય ભાગ્યે જ કોઈ વાતચીત કરવાની રહે છે. માણસ સામાજિક પ્રાણી છે. એને સતત સ્વીકારની ઝંખના હોય છે. કોઈ પોતાને ચાહે એ જરૂરિયાત માણસમાત્રની જરૂરિયાત છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં આ જરૂરિયાત કદાચ થોડી વધારે પ્રમાણમાં અથવા બળવત્તર હોય છે. પુરુષ કે પતિની ‘એપ્રુઅલ’ માટે ખૂબ જ મહત્વની બની રહે છે. ખાસ કરીને મેનોપોઝમાં પ્રવેશતી કે મેનોપોઝના થોડા સમય પહેલાં સ્ત્રીને એક સંવેદનાત્મક ખાલીપો ઘેરી વળે છે.

બાળપણથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે એનું શરીર એને માટે બહુ અગત્યની વસ્તુ છે. સુંદર દેખાતા રહેવું અને પુરુષને રીઝવવો એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે. આવું એને મોટે ભાગે એની માતા જ શીખવે છે. જાહેરખબરો, ફિલ્મો, ટેલિવિઝન આ માન્યતાને દઢ કરે છે. સામાન્ય રીતે જાહેરાતોમાં સ્ત્રીનાં સૌંદર્ય પ્રસાધનોને બઢાવી-ચઢાવીને વેચવામાં આવે છે. સ્ત્રીનું સૌંદર્ય પુરુષને આકર્ષવામાં કે સંતોષવા માટે છે એ વાતને આવી જાહેરાતો પુષ્ટિ આપે છે. છોકરીનાં લગ્ન થાય ત્યારે એને માટે શરીર આપીને સલામતી મેળવવાનો એક વણકહ્યો કરાર પેઢી દર પેઢી અપાતા રહેલા સંસ્કારમાં ઊતરી આવે છે. ‘પતિને સાચવવો’ એટલે શરીરથી થાળી ને સંસારથી સમાજ સુધી બધું જ ! સ્ત્રી માટે ‘શયનેષુ રંભા’, ‘ભોજ્યેષુ માતા’, ‘કાર્યેષુ દાસી’ જેવા અનેક રોલ નક્કી કરાયા છે. આવા કોઈ શ્લોકો પુરુષો માટે લખાયા નથી. છેક પુરાણકાળથી સ્ત્રીને એવું શીખવવામાં આવે છે કે એણે જુદાં જુદાં પાત્રો ભજવી પોતાના પતિ કે પુરુષના જીવનમાં પોતાનું મહત્વ જાળવી રાખવાનું છે. એને પોતાને પણ એમ જ લાગે છે કે પુરુષ સિવાય એના શણગારનો, એની સુંદરતાનો કે એના શરીરનો કોઈ અર્થ નથી. સ્ત્રીને બુદ્ધિશાળી બનાવવાને બદલે સુંદર બનાવવા તરફ આ સમાજે વધુ ધ્યાન આપ્યું છે ! એટલે શરીર અને સુંદરતા – કદાચ એટલે જ, મેનોપોઝમાં પ્રવેશી રહેલી સ્ત્રીને સૌથી પહેલી લાગણી પોતાનું સ્ત્રીત્વ ગુમાવી રહ્યાની થાય છે, જ્યારે એ પોતાનું સ્ત્રીત્વ ગુમાવે છે ત્યારે લગભગ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યાની લાગણી એને ઘેરી વળે છે. આવા સમયે એ ક્લિન્સોમેનિયા, શોપિંગ સિન્ડ્રોમ, ડિપ્રેશન કે એગ્રેશનનો ભોગ બને છે. ઘણી વાર ઘણા પતિઓને તમે કહેતા સાંભળ્યા હશે કે, ‘પહેલાં આવી નહોતી !’

જે પત્ની પહેલાં આવી નહોતી એ હવે ‘આવી થઈ ગઈ છે’ એની પાછળનાં કારણોમાં ઊતરવાની ભાગ્યે જ કોઈ પતિદેવને પડી હોય છે. ‘સ્વભાવ બગડી ગયો છે’ એટલું કહીને પરિસ્થિતિની બહાર નીકળી જતા પતિદેવો કાં તો વધુ કામ કરવા લાગે છે અને મોટા ભાગનો સમય ઓફિસમાં ગાળે છે. બીજા કિસ્સામાં લગ્નેતર સંબંધ બંધાય છે. સફળ મિડલએજ પુરુષ સાથે સંબંધ જોડવા આતુર એવી કેટલીય યુવાન સ્ત્રીઓ આ સમાજમાં મળી આવે છે અને ત્રીજા કિસ્સામાં પુરુષ પણ સમય સાથે હતાશાનો ભોગ બને છે. એને પણ વાતે વાતે ગુસ્સો આવવા લાગે છે. નાની નાની વાતોમાં ઓછું આવવા લાગે છે. સ્ત્રી કરતાં પુરુષ શારીરિક રીતે વધુ ઝડપથી નકારાત્મક વલણ અપનાવી લે છે. પુરુષ માટે કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો એની પોતાની જાગ્રત અને તીવ્ર કામેચ્છા સિવાય સંભવ નથી. સ્ત્રી સમર્પણ કરીને પણ પરિસ્થિતિને થાળે પાડી શકે છે. મનથી હતાશ થયેલો પુરુષ શારીરિક રીતે પણ ભાંગી પડે છે. આવા સમયે સ્ત્રીને લાગે છે કે, ‘હવે પતિને મારામાં રસ નથી.’ શરીર આપીને પતિને ‘મનાવી’ લેવાનો પ્રયાસ આવી સ્ત્રીઓ કરે છે, પરંતુ માનસિક રીતે હતાશ પતિ શારીરિક રીતે પણ ભાંગી પડ્યો હોય છે અથવા ‘બીજી સ્ત્રી’ સાથેના સંબંધને કારણે પત્નીના પ્રયાસો છતાં સંભોગ કરવામાં સફળ થતાં નથી. એક-બે પ્રયાસો પછી સ્ત્રીની હતાશાનું પ્રમાણ વધે છે, તેથી ક્રોધ અને નિરાશા ઉમેરાતાં એનું વર્તન વધુ બગડે છે. આવા સમયે માંડ માંડ પોતાની જાતને એકઠી કરીને ઊભો થવા મથતો-લગ્નમાં ગોઠવાવા મથતો પુરુષ ફરી એક વાર વિખરાઈ જાય છે. આવા કિસ્સાઓમાં લગ્નેતર સંબંધનો ભય વધી જાય છે. ટોસ્ટોસ્ટેરોન નામનું દ્રવ્ય પુરુષમાં કામેચ્છા જગાડે છે. એને ઈચ્છા તો થાય છે, પરંતુ પત્ની સાથેના કડવા પ્રસંગો યાદ આવતા એ પરફોર્મ કરી શકતો નથી. આમાં એને પોતાના પુરુષત્વની હાર લાગે છે. એથી પુરુષત્વ પુરવાર કરવા માટે એ લગ્નેતર સંબંધ તરફ વળે છે !

લગ્નેતર સંબંધમાંથી સંસ્કારો અને ઉછેરને કારણે અપરાધભાવનો જન્મ થાય છે. પોતે પત્નીને અન્યાય કરે છે એ લાગણી એને ધીમે ધીમે અંદરથી ખાવા લાગે છે. આવા સમયે એ વધુ ને વધુ પૈસા આપી કે વસ્તુઓ ખરીદી પત્નીને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. પત્નીને ખુશ રાખવાના આ પ્રયાસોમાં ક્યારેક પુરુષો સ્વમાનને પણ ભૂલીને વર્તે છે. જેની સાથે લગ્નેતર સંબંધ હોય તે સ્ત્રી અથવા તો ઘરના સભ્યો સામે વારંવાર આ પ્રકારનું ચાપલૂસીભરેલું કે ‘મસ્કા’ મારતા હોય એવું વર્તન કરવાથી મહેણા સાંભળવા કે ઝઘડા થવાની સ્થિતિ ઊભી થાય છે. વળી, આવા પુરુષો પોતે પણ જાણતા જ હોય છે કે ઝઘડા-કકળાટ નિવારવા કે અપરાધભાવને ઢાંકવા એ પરાણે ‘સારા’ કે ‘સહનશીલ’ બનીને વર્તે છે – જેને કારણે જાત સાથેના સંઘર્ષની બીજી મુશ્કેલી પણ ઊભી થવા લાગે છે. વારંવાર કરવું પડતું પોતાને અણગમતું વર્તન એમને વધુ કડવા ને ફ્રસ્ટ્રેટેડ કરી નાખે છે. ટૂંકમાં, એક વિષચક્ર શરૂ થઈ જાય છે.

ભેટ આપવાથી કે પત્નીને ખુશ રાખવાથી તત્પૂરતો ઝઘડો ટળી જાય છે એવું પતિ શીખે છે, જ્યારે બાળપણમાં મળેલી ભેટો કે યુવાનીમાં મળેલી વસ્તુઓથી થયેલો આનંદ પત્નીના સુષુપ્ત મનમાં ક્યાંક ને ક્યાંક સચવાયેલો પડ્યો છે. એને યાદ છે કે વસ્તુઓ મેળવવાથી એક આનંદ થતો હતો. તેની પોતાની ખાલી પડેલી જિંદગીમાં આનંદ શોધવા એ બિનજરૂરી ખરીદી તરફ વળે છે. શરૂઆતમાં એક-બે વાર આવી ખરીદીને કારણે એને આનંદ થાય છે, પરંતુ ધીરે ધીરે એ વસ્તુની બિનઉપયોગીતા સમજાતા એ આનંદ નકામો થઈ જાય છે. પોતે જે શોધે છે તે વસ્તુઓમાં નથી એવો ખ્યાલ એને મનોમન હોય જ છે. તેમ છતાં એક પ્રવૃત્તિ તરીકે આવી સ્ત્રીઓ ખરીદી કરતી રહે છે. પતિદેવો પણ પૈસા આપીને, પોતાનો ગુનો ધોયાની લાગણી અનુભવે છે. આ વિષચક્ર ફરતું રહે છે. બંનેમાંથી એકેયને ખબર નથી કે આ વિષચક્ર એમની વચ્ચેના અંતરને ધીમે ધીમે વધારે છે. જે પરિસ્થિતિમાંથી બચવા માટે એ બંને જણાં તરફડિયાં મારે છે એ જ પરિસ્થિતિ તરફ જ બંને જણાં વધુ ને વધુ ધકેલાવા લાગે છે.

શ્રીલેખા અને અનિશ અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં રહે છે. તેથી એમના જીવનનો ખાલીપો કદાચ પ્રમાણમાં વધારે છે. પરંતુ આપણા દેશમાં પણ આવાં યુગલોની ખોટ નથી. એમની વચ્ચે સંવાદનો સંબંધ નથી. સ્પર્શની સંવેદના નથી. સાથે હસવાનો કે દિલ ખોલીને ઝઘડી નાખવાનો અવકાશ નથી…. જે ખૂટે છે તે કોઈ ભૌતિક સાધનોમાંથી મળવાનું નથી એની ઊંડે ઊંડે ખાતરી હોવા છતાં આવાં યુગલો એમના ખાલીપાને ભરવાના વ્યર્થ પ્રયાસોમાં રચ્યાપચ્યા રહે છે. ઉપરથી ચકચકિત દેખાતું આ લગ્નજીવન અંદરથી ખાલી અને ખોખલું થતું જાય છે. પરિસ્થિતિ બંને જણાં સમજે છે અને છતાં બંને જણાં અસહાય છે.

ખૂબ શાંતિથી વિચારીએ ત્યારે સમજાય કે આવાં લગ્નજીવન પણ બદલાઈ શકે છે. બે દાયકા પછી પણ એક નવી કૂંપળ આવા લગ્નજીવનને લીલાછમ કરી શકે છે. બે વ્યક્તિઓને જરૂર હોય છે એકબીજાના સાથની, સમયની અને સ્નેહની. એટલું મળી જાય તો કદાચ કોઈ માણસને પોતાના લગ્નજીવનની બહાર જવાની ઈચ્છા કે ઝંખના નથી રહેતી. કોઈ ભારતીય સ્ત્રીને પતિના મહેનતથી કમાયેલા પૈસા ઉડાડવામાં આનંદ નથી જ આવતો.