આ મા.વા.ધા. એટલે શું ? – કલ્પના જિતેન્દ્ર

[‘પરાયે અપને’ પુસ્તકમાંથી સાભાર.]

વિશાળ બંગલાની વિશાળ લોબીમાં પાછળ હાથ રાખી વિશાલ આ છેડેથી પેલે છેડે આંટા મારતો હતો. આજે તો બરાબરનો અકળાયેલો ! આ બાપુજીને શું કહેવું ? કહેવુંય કઈ રીતે ? જીભ જ ન ઊપડે ને ? શેઠ ગિરજાશંકરનો કડપ જ એવો ! જેવો રુઆબ બહાર એવો જ ઘરમાં ! એની સામે બોલવાની કોઈની હિંમત ન ચાલે. બોલવા જાય તો પહેલાં તો મોઢામાંથી શબ્દ જ બહાર ન નીકળે ! ને કદાચ નીકળે તો ગેં…ગેં..ફેં…ફેં… થઈ જાય !

શેઠ ગિરજાશંકર એટલે મોટું નામ, જાતબળે આગળ આવેલા. ઘણું કમાયા ધન ને કીર્તિ બન્ને ! જેટલું કમાય એટલું જ દાનમાં આપે. એક હાથે કમાય બીજા હાથે દાન કરે. …..ને એટલે જ વિશાલ ધૂંધવાયો હતો. થોડાંઘણાં દાનનો તો એનેય વાંધો નથી. દાનેશ્વરી બાપનો દીકરો છે. પણ આ તો બાપુજી ઊંઘું ઘાલીને આપે જ જાય છે. આઘેની ક્યાં વાત ? હમણાં હમણાંની જ જુઓને. બે મહિના પહેલાં ‘વનિતા વિકાસ’માં એકવીસ હજાર આપ્યા, હજુ મહિના પહેલાં શાળામાં પુસ્તકાલય બનાવવા એકાવન હજાર આપ્યા. ને આજે તો ? એક કાચી સેકંડમાં સવા લાખનો ચેક ફાડી નાખ્યો ! પાંચ-પંદર હજાર તો હાલતા ફેંકી દે છે. વાંધો નથી. ભલે ફેંકે….. પણ સવા લાખ ?

વિશાલનું માથું ચકરાવા લાગ્યું. આજે એને ક્યાંય ચેન નથી. એમાં વળી ગઈ રાત્રીએ નિરજાએ બરાબરની ચાવી ભરાવી હતી.
‘બાપુજી આમ ને આમ બધું વેડફી નાખશે. આપણાં સંતાનો છે હોં. દીકરીનાં લગ્ન લેશું તો નાખી દેતાંય પાંચ સાત લાખ ખર્ચાઈ જશે. આ પ્રીત તો ક્યારનોય અમેરિકા જવા થનગની રહ્યો છે. એના આગળના અભ્યાસનુંય વિચારવાનું ને ?’
‘અરે ! પણ, તું શા માટે ચિંતા કરે છે ? બાપુજી પાસે છે તો વાપરે છે…. ને દીકરાને પરદેશ મોકલનારો હું નથી બેઠો ?’ પત્નીને બાપુજીની વિરુદ્ધ બોલતી બંધ કરી દીધી પણ મનમાં તો ચચરાટ ચાલતો જ રહ્યો. અજંપાથી પીડાતો એ બેડરૂમમાં આવ્યો ને ફરી વાર નિરજાએ પારાયણ માંડી.
‘તમે જુઓ તો ખરા ! બાપુજી કોને ને કેટલું દાન આપે છે. આમ ઊંધું ઘાલીને આપતા રહેશે તો બધું ખૂટી જશે. ભલે આપે ! પણ તમે જરા નજર તો કરો. કોને આપે છે ?’
‘એ…. આમ તો મને ખબર છે.’ એટલું કહેતાં એ વિચારમાં પડી ગયો. બાપુજીના દરેક દાનની એને ખબર નથી. એટલે સામેથી કહ્યું હોય કે જે તે જગ્યાએ આપવા મોકલ્યો હોય તો જ એને જાણ હોય…. નિરજાની વાત તો સાચી. ભલે એમની કમાણી છે ને આપે છે. પણ ક્યાં જાય છે એ જોવું-જાણવું તો જોઈએ જ ! …. પણ કઈ રીતે ? બાપુજીને પુછાય તો નહિ જ. હિંમત જ ન ચાલે પૂછવાની. હા… એમની ચેકબુક જોઈ શકાય. કોને ચેક આપ્યો છે ખબર પડે… પણ ચેકબુક જોવા મંગાય કેમ ? હવે શું કરવું ?

ત્યાં તો અદ્દલ ભાવતું’તું ને વૈદે બતાવ્યા જેવો ઘાટ થયો.
બાપુજીની તબિયત જરા નરમગરમ, આગલા રૂમમાં જ પલંગ પર આરામ ફરમાવતા હતા. કાંઈક યાદ આવ્યું ને એમણે વિશાલને કબાટની ચાવી આપી. એ જે ડાયરીમાં હિસાબની નોંધ રાખતા એ ડાયરી મંગાવી. વિશાલે કબાટ ખોલી ડાયરી કાઢી, બાપુજીને આપતાં આપતાં જરા નજર ફેરવી લીધી. એ જે જાણવા માગતો હતો એ મળી ગયું. કોને કેટલું દાન આપ્યું છે એની નોંધ ડાયરીમાં હતી. ઉપરછલ્લી નજર કરી લીધી ને મનોમન ગોઠવ્યું કે આ ડાયરી નિરાંતે જોવી પડશે. એ તક પણ મળી ગઈ….. ને એણે ઝડપી લીધી. ડાયરીમાં કાંઈક નોંધી લઈ બાપુજીએ પાછી કબાટમાં મૂકવા એને જ આપી. વિશાલ રૂમમાં આવ્યો. કબાટ ખોલ્યો, પણ ડાયરી એમાં મૂકી નહિ. ફરીથી વધારે જોસથી બહાર અવાજ સંભળાય એમ બંધ કરી દીધો. ડાયરી રૂમાલમાં વીંટી ઝડપથી બાજુના પોતાના રૂમમાં મૂકી આવ્યો. નિરાંતે વાંચીને પાછી મૂકી દેશે.

આગળના રૂમમાં આવ્યો. બાપુજીએ ચાવી માગી પણ નહિ ને એણે આપી પણ નહિ. બાપુજી સાથે વાતે વળગ્યો. એ બહારથી સ્વસ્થ હતો પણ અંદરથી ઉત્પાત થતો હતો. ક્યારે બાપુજી સૂઈ જાય ને ક્યારે પોતે ડાયરી વાંચે. અંતે એની અધીરાઈનો અંત આવ્યો. ડાયરીમાં લેવડ, દેવડ, ઉઘરાણી ને કરેલા દાનની નોંધ હતી. એ જોતો ગયો, ક્યાંક પાંચ, ક્યારેક પંદર ને ક્યાંક પચીસ કે પચાસ હજારની નોંધ હતી. ઉપર ઉપર જ આંકડો માંડ્યો તો અત્યાર સુધીમાં બાવીસેક લાખ દાનમાં આપ્યા હતા. એની આંખ ફાટી ગઈ. એમાંય સૌથી વિશેષ લગભગ તેરેક લાખ તો એક જ સંસ્થાને અપાયા હતા. મહારાષ્ટ્રની કોઈ સંસ્થાને. આજે જ સવાલાખનો ચેક ફાડ્યો તે આ જ સંસ્થાને. સંસ્થાના નામમાં – માત્ર ટૂંકા અક્ષરો જ ટપકાવેલા ‘મા.વા.ધા.’
આ મા.વા. ધા. એટલે શું ?
વિશાલે ઘણી મથામણ કરી પણ કોઈ નામ શોધી શક્યો નહિ. એ સમજી શક્યો નહિ, શા માટે એક જ સંસ્થાને આટલી મોટી રકમ ? એણે એક કામ કર્યું. બાપુજીની ડાયરીમાંથી પોતાની ડાયરીમાં થોડું ટપકાવી લીધું. ડાયરી પાછી કબાટમાં મૂકી કબાટની ચાવી બાપુજી જ્યાં રાખતા હતા એ ડબામાં પાછી મૂકી દીધી.

પથારીમાં લંબાવ્યું. બાજુમાં નિરજા ઘસઘસાટ ઊંઘતી હતી, પણ એની આંખ એક મટકું મારવાય તૈયાર નહોતી. પથારીમાં ક્યાંય સુધી પડખાં ઘસ્યા કર્યાં. એના સળવળાટથી નિરજા જાગી ગઈ.
‘કેમ હજુ જાગો છો ? ઊંઘ નથી આવતી ?’
‘ના… નથી આવતી.’
‘શું છે ? કોઈ ટેન્શન કે બાપુજી કાંઈ વઢ્યા ?’
‘ના ! ના ! એવું કાંઈ નથી…. જો સાંભળ ! વાત એમ છે કે….’ કહેતો એ પથારીમાં બેઠો થઈ ગયો, ‘તારી વાત તો સાચી. મારે જોવું જાણવું તો જોઈએ.’
‘શેની વાત કરો છો તમે ?’ નિરજા હજુ અર્ઘઊંઘમાં હતી.
‘આ… તું કે’તી’તી એ બાપુજીના દાનની વાત કરું છું. મેં આજે એમની ડાયરી વાંચી.’
‘હં…હં…! વાત તો કરો !’ નિરજાની ઊંઘ ઊડી ગઈ. પથારીમાં બેઠી થઈ ગઈ. ખોળામાં ઓશીકું મૂક્યું. એના પર કોણી ટેકવી, બીજા ગાલ પર હથેલી દબાવી વિશાલ સામે જોઈ રહી.
‘શાંતિથી સાંભળ ! પહેલાં તો એ કે સારું થયું તેં થોડો ઝઘડો કર્યો તો મેં ડાયરી જોઈ, નહિતર હું તો અંધારામાં જ રહેત.’
‘હવે….. પ્રસ્તાવના માંડ્યા વિના મૂળ વાત પર આવો ને ! શું જોયું ડાયરીમાં ?’
‘એમણે કરેલા એક એક દાનની નોંધ ! અત્યાર સુધીમાં બાપુજીએ આશરે…. બાવીસેક લાખનું દાન કર્યું છે.’
‘બાવીસ લાખ !’ નિરજાના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ.
‘ધીમેથી બોલ ! કોઈ જાગી જશે.’ વિશાલે એના હોઠ આડે હથેળી મૂકતાં કહ્યું.
‘સૉરી ! પણ વાત જ એવી છે કે બૂમ પડાઈ ગઈ ! બાપુજીએ આટલું બધું આપી દીધું ? શું વાત કરો છો તમે ?’ કહેતાં જ ઓશીકું ફગાવી એ ટટ્ટાર બેસી ગઈ.
‘આપી દીધું ?…. અરે હજુ તો આપે જ જાય છે. આજે સવારે જ સવાલાખનો એક ચેક લખ્યો છે.’
‘…સવાલાખનો ?…. પણ ક્યાં ? કોને આપે છે ? બધું લૂંટાવવા બેઠા છે કે શું ? પાછળ આપણાં છોકરાં છે હોં. આ તો ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને બારનાને આટો’ એના જેવી વાત થઈ.’ બેબાકળા સ્વરે એ બોલી ઊઠી.

‘હું….ઉં…અ હું પણ એ જ વિચારું છું.’ વિશાલે કહ્યું.
‘તમારે એમને ના પાડવી જોઈએ.’
‘કઈ રીતે ? બાપુજીને આડો હાથ થોડો દેવાય ? એમને ના પાડનાર હું કોણ ? ખરી કમાણી તો એમની જ ! જોને, હું તો અત્યાર સુધી ભણવામાં જ રહ્યો. પહેલાં બિઝનેસમાં મન જ નહોતું. મારે તો સરકારી નોકરી જ કરવી હતી. પણ…. ભણી ભણીનેય કોઈ બરાબર મેળ ન પડ્યો. અને રહી રહીને છેલ્લાં દસેક વર્ષથી કામમાં જોડાયો.. તો સામે આપણો ખર્ચ પણ કેટલો ? બન્ને છોકરાનાં અભ્યાસના ખર્ચનો આંકડો કેટલે પહોંચે છે એ તું ક્યાં નથી જાણતી ?’
‘હં…અ…અ…’
સહેજ અટકી વિશાલે આગળ ચલાવ્યું, ‘એમણે તો પરસેવો પાડ્યો છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે. ટાઢ, તડકો, ભૂખ-તરસ વેઠીને આટલું ઊભું કર્યું છે. બાએ પણ નોકરી કરી છે. એ બન્નેના સંઘર્ષની વાત તો તું જાણે જ છે. ને મેંય બાળપણથી એક આમન્યા જાળવી છે. તમે પૈસા ક્યાં અને શેને માટે વાપરો છો એ પૂછવાનોય મને જો અધિકાર નથી તો એમને પૈસા વાપરવાની ના તો હું કઈ રીતે પાડી શકું ? અને આમ જોઈએ તો પૈસા ખોટા રસ્તે નથી જતા ને ? વપરાય છે તો સારા કામમાં ને ?’
‘લો ! તમે તો બેય બાજુ બોલો છો ? હમણાં કહો છો કે તારી વાત સાચી…! ને વળી પાછા બદલાયા ?’
‘ના…ના ! એમ તો તું સાચી !’ ઝંખવાતા સૂરે એણે કહ્યું, ‘મારે જોવું જાણવું તો જોઈએ જ ! વધારે પડતું દાનમાં આપે છે એ તારી વાતેય સાચી…. પણ આજે તેં આડો હાથ દેવાનું કહ્યું, એટલે મેં ચોખવટ કરી. આખી વાત માંડી. એમ માન ને કે તારી આગળ મારો બળાપો કાઢ્યો… બાકી બળતરા તો મનેય ઊપડી છે. કહેવા, પૂછવા તો હુંય માગું છું. પણ હિંમત નથી ચાલતી.’
‘એ તો હિંમત ચલાવવી પડે !’ દાઢમાં બોલી નિરજાએ બાથરૂમ તરફ ચાલતી પકડી.
‘હા… પૂછવું તો મારેય ઘણું છે…. આ બાવીસ લાખ ! તેર લાખ તો એક જ જગ્યાએ….’ બબડતાં એણે પથારીમાં લંબાવ્યું. મનમાં ક્યાંય સુધી ગડમથલ ચાલ્યાં કરી. ઊંઘ તો ક્યાં આવે એમ હતી ? અલપઝલપ બેચાર ઝોકાં ખાઈ લીધાં બસ.

બે-ચાર દિવસ મનોમન દ્વિધામાં વીતી ગયા. બાપુજીને પૂછવાની હિંમત જ ન ચાલી. નિરજા ઘડી ઘડી યાદ કરાવે પણ એમની સાથે વાત મંડાય કેવી રીતે ? ડાયરી છાનામાના વાંચી છે એવી વાત પણ કેમ કરાય ? ત્રણેક વાર તો એ બાપુજીની પાસે ગયો. આડીઅવળી શરૂઆત કરી… મૂળ વાતે પહોંચે ને વળી અટકી જાય. જીભ જ ન ઊપડે. એક વાર જીભ ઉપાડી તો ખરી પણ પછી થોથવાઈ ગયો. અંતે એણે બાપુજીને સીધું નહિ પૂછતાં બાને પૂછવાનું વિચાર્યું. બાની સાથે વાત કરતાં પોતે બાપુજીની ડાયરી જોઈ છે એવું તો કહેવું પડે. એ વિના વાત મંડાય કેવી રીતે ? વળી એ અચકાયો. બે-ચાર દિવસ એમ જ વીતી ગયા. પણ એણે હિંમત કરી બાને વાત કરી.

બાપુજીની ડાયરી છાનામાના વાંચવાની વાત તો એને પણ રુચી નહિ. પણ એ જરાય વઢી નહિ, થોડી ટકોર કરી, મન મનાવતી ગણગણી :
‘તું હવે મોટો થયો. તને શું ના પાડવી ? જોવા-જાણવાનો તનેય અધિકાર છે. પણ એ બધું…..’
‘પણ બા આ બધું તું જાણે છે ?’ બાને બોલતી અટકાવી એણે વચ્ચેથી જ વાત ઉપાડી લીધી.
‘હાસ્તો વળી.’
‘ને તોય તું કાંઈ બોલતી નથી ?’
‘શું કામ બોલું ? સારા કામમાં વાપરે છે. ને એમની પોતાની કમાણી છે.’
‘સારા કામમાં તો ઠીક… પણ ક્યાંય સ્કૂલ-કૉલેજમાં આપે, એમના નામની તક્તી મુકાય. આ તો બધું સંસ્થાઓમાં જ આપે છે. સૌથી વધુ ‘મા.વા.ધા.’માં ને બીજા નંબરે ‘નારીસદન’, ‘વનિતાઆશ્રમ’, ‘સ્ત્રીવિકાસ’, એવી મહિલા સંસ્થામાં જ આપે છે.’
બા મલકી : ‘તું મૂળ વાત કર ! તને વાંધો ક્યાં છે ? તારા બાપુજી દાન આપે છે એ કે આવી સંસ્થામાં આપે છે એનો ?’
‘સાચું કહું, બા ? બેય વાતનો થોડો થોડો વાંધો છે. થોડું દાન આપે તો ક્યાં પ્રશ્ન જ છે ? પણ આટલું બધું ? ને એક જ જગ્યાએ વધારે કેમ ? ને આવી જ સંસ્થામાં કેમ ?’

વિશાલ તો કહેવા ઈચ્છતો હતો, ‘અત્યાર સુધી ભલે ચાલ્યું. પણ હવે બંધ કરો ! મારા છોકરા મોટા થયા છે. પ્રીતને અમેરિકા મોકલવો છે. ફાલતુ સખાવતો પર કાપ મૂકો.’ પણ એ બધું જ એ ગળી ગયો. માત્ર જાણવા ખાતર જ વાત કરતો હોય એવો દેખાવ કર્યો.
બાએ કહ્યું : ‘હવે એ બધું તારા બાપુજીને જ પૂછજે !’
‘એ જ વાત છે ને ? એમને કહેતાં જીભ નથી ઊપડતી, એટલે તો તને પૂછ્યું, એમ કર બા, તું જ એમને વાત કરને !’

બાએ એમ જ કર્યું. રાત્રે જમીને સૌ બેઠાં હતાં ને એમણે સીધી જ વાત માંડી :
‘આ વિશાલ જાણવા માગે છે કે મા.વા.ધા. એટલે શું ? ને તમે ત્યાં શા માટે મદદ કરો છો !’
ગિરજાશંકર સહેજ ચોંક્યા, પણ તરત જ કહ્યું, ‘આ મા.વા.ધા. એટલે માતૃ વાત્સલ્ય ધામ. જ્યાં અનાથ બાળકો નિવાસ કરે છે.’
‘ટૂંકમાં અનાથઆશ્રમ એમ જ કહોને !’ વિશાલ ફૂંગરાયો.
‘ના ! માતૃ વાત્સલ્ય ધામ એટલે અનાથાશ્રમ નહિ, મારી માતૃભૂમિ ! મારું જન્મસ્થળ.’ ગિરજાશંકરે દઢતાથી પણ ભાવવાહી સ્વરે કહ્યું, ‘ત્યાં જ મારો જન્મ થયો. હું મોટો થયો, ભણ્યોગણ્યો ને કામધંધો મેળવવા અહીં મુંબઈ આવ્યો. જોકે હું તને કહેવાનો જ હતો. થોડા વખતમાં જ તિજોરીની ચાવી ને હિસાબનો ચોપડો સોંપવાનો હતો. સાથોસાથ બધો ફોડ પણ પાડવાનો હતો. પણ તારી ધીરજ ન રહી. જોકે મને આનું માઠુંય નથી લાગ્યું. તારી જગ્યાએ હું હોઉં તો મનેય આવો પ્રશ્ન થાય જ…. લે ! એક બીજી વાતેય કહી દઉં, તારા મનમાં કદાચ એમ પણ થાતું હશે કે બા કેમ એક શબ્દેય બોલતી નથી ! ન જ બોલે ! એ તો ઊલટી મને સાથ આપે છે. એનો જન્મ અહીં ‘નારી સદન’માં થયો છે. મારી જેમ એણેય એની જન્મદાત્રીને જોઈ નથી.

આ તો કુદરતે જ અમારો મેળાપ કરાવ્યો. હું કામધંધો મેળવવા અહીં આવ્યો. ને અમારો પરિચય થયો. ન તો એણે પોતાની વાત છુપાવી કે ન મેં. બન્ને સમદુખિયાં મળ્યાં ને જીવનમાં સુખશાંતિ મળી. સગાંવહાલાં તો કોણ હોય ? એકબીજાની હૂંફે ને સંગાથે જિંદગી જિવાઈ ગઈ. અમે બન્ને અવારનવાર જઈએ છીએ તે જાત્રા કરવા નહિ. અમારા જન્મસ્થળે જઈએ છીએ. ત્યાં મોટો પરિવાર છે. એ અમારું વતન ને એ જ અમારું કુટુંબ. હવે આજે ઈશ્વર કૃપાએ આપણે સુખી છીએ તો થોડી આર્થિક મદદ કરવાની ફરજ ખરી કે નહિ ? આમાં હું કશું ખોટું કરું છું ?’ વાત પૂરી કરી ગિરજાશંકરે વહુ-દીકરાની આંખોમાં નજર નોંધી.

વાતાવરણમાં ચુપકીદી પ્રસરી રહી… સહેજવારે મૌન તોડતાં વિશાલે કહ્યું :
‘હા ! બાપુજી, તમે ખોટું જ કર્યું છે ! ધરાર ખોટું !’ સહેજ વિરામ લઈ, ને સૌની આંખોમાં ડોકાતી જિજ્ઞાસા તોડતો બોલ્યો, ‘હજુ સુધી અમને આપણા વતન નથી લઈ ગયા એ ! કાકા, દાદા, મામા-માસી સૌને મળવાની અમને ઝંખના ન હોય ? ક્યારે લઈ જાવ છો ? બોલો !’
‘હા, હા, આ શનિ-રવિની રજામાં જ જઈએ !’ નિરજાએ સૂર પુરાવ્યો.
.
[ સાહિત્યજગતમાં ‘કલ્પના જિતેન્દ્ર’ એક જાણીતું નામ છે. ‘પરાયે અપને’ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની વિશિષ્ટતા એ છે કે તેમાંની તમામ વાર્તાઓ દત્તક સંતાનો, તેમના માતા-પિતા કે અનાથાશ્રમના બાળકોની આસપાસ રચાઈ છે. આ પ્રકારનું આપણા સાહિત્યમાં આ કદાચ પહેલું પુસ્તક છે. અગાઉ ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થયેલી આ વાર્તાઓને ખૂબ જ આવકાર પ્રાપ્ત થયો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે કલ્પનાબેનનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]

[કુલ પાન : 126 (પાકું પૂઠું). કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “આ મા.વા.ધા. એટલે શું ? – કલ્પના જિતેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.