પવનારની યાત્રા – મૃગેશ શાહ

ભક્તકવિ નરસિંહ મહેતાના જીવનનો એક પ્રસંગ છે. ભગવાન શિવ જ્યારે નરસિંહ મહેતાની ઉપાસનાથી પ્રસન્ન થયા ત્યારે શિવજીએ તેમને વરદાન માગવાનું કહ્યું. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણ-રાધાનો રાસ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. એ પછી શિવકૃપાથી તે મહારાસના દર્શન પણ કર્યાં. આ ધરા પર કેટલીક એવી અલૌકિક ઘટનાઓ બની છે જે કોઈને પણ જોવાનું મન થાય. ચૈતન્ય મહાપ્રભુ કીર્તન કરતાં ‘હરિ બોલ…’ કહીને રસ્તેથી પસાર થતા હશે એ દશ્ય કેવું હશે ? સંત તુલસીદાસજી રામચરિત માનસની રચના કરી રહ્યા હશે ત્યારે એ મંગલમય પળો કેવીક હશે ? અત્યંત વ્યસ્તાભર્યા કાર્યક્રમોને એક બાજુએ મૂકીને પ્રાતઃ અને સાયં પ્રાર્થનામાં ધ્યાનસ્થ બની જતાં મહાત્મા ગાંધીજીની આસપાસના વાતાવરણની કલ્પના જ કરવી રહી. ભૂદાન પ્રવૃત્તિ દ્વારા અનેક લોકોની સાથે ભારતની પદયાત્રા કરતા વિનોબાજીનું દશ્ય તો જોવું જ રહ્યું.

આપણે એ મહારાસની જેમ આ બધા દશ્યો જોઈ શકીએ એટલી આપણી ક્ષમતા નથી પરંતુ એ સ્થાનો પર જતાં આજે પણ તેની સુક્ષ્મ અનુભૂતિ ચોક્કસ થઈ શકે એમ છે. આવું એક જાગ્રત સ્થાન છે મહારાષ્ટ્રનું સેવાગ્રામ અને પવનાર. સેવાગ્રામમાં ગાંધીજીનો આશ્રમ અને કુટિર છે, જ્યારે પવનાર એ વિનોબાજીનું નિવાસસ્થાન છે જે ‘પરમધામ’ તરીકે ઓળખાય છે. પરમધામમાં જે મુખ્ય આશ્રમ છે તે સાધક બહેનો માટે છે, જેને ‘બ્રહ્મવિદ્યા મંદિર’ કહે છે. પવનાર અને સેવાગ્રામ વચ્ચે આશરે પાંચ-સાત કિ.મીનું અંતર છે. તાજેતરમાં વિનોબાજીને કેન્દ્રમાં રાખીને ‘માનસ મહામુનિ’ વિષય પર મોરારિબાપુની કથા યોજાઈ અને એ નિમિત્તે સેવાગ્રામ-પવનારની મુલાકાત લેવાનો મારો યોગ બન્યો. વિનોબાજીનું વિપુલ સાહિત્ય યથાવકાશે હું જોતો રહેતો ત્યારથી અને એ પછી ભૂદાન યજ્ઞમાં વિનોબાજી સાથે જોડાયેલા આપણા સાહિત્યકાર મીરાબેન અને અરુણભાઈ ભટ્ટ પાસે વિનોબાજી વિશે વધુ જાણ્યા બાદ મનમાં આ પરમધામની મુલાકાત લેવાની ઈચ્છા ઘણા સમયથી થઈ રહી હતી. રામકથા નિમિત્તે પવનાર વિનોબા આશ્રમમાં પૂરા અગિયાર દિવસ રોકાવવાનું થયું અને ત્યાંની જે જીવનપદ્ધતિ, આશ્રમની સાત્વિકતા અને સૌની સહૃદયતા જોવા મળી તે ચિત્ત પર એક ઊંડી છાપ છોડી ગઈ. ગાંધી-વિનોબા યુગ, એ સમયના દ્રશ્યો, એ સવાર-સાંજ કેવીક હશે એની થોડીક અનુભૂતિ થઈ. નરસિંહ મહેતાની જેમ સ્પષ્ટરૂપે નહીં પરંતુ (ગાંધી-વિનોબા વિચારરૂપી) એ મહારાસના કેટલાંક અમીછાંટણાં તો જરૂરથી અનુભવાયાં.

પવનાર-સેવાગ્રામનું સ્થાન એ દેશની નાભિ છે. જેમ નાભિ એ શરીરનું મધ્યબિંદુ છે, એમ આ સ્થાન બરાબર ભારતનું મધ્યબિંદુ છે. એનું મહત્વ નાભિ જેટલું જ અગત્યનું છે. રેલ્વે લાઈન પર પવનાર ‘વર્ધા’ સ્ટેશન જોડે જોડાયેલું છે. અહીં પહોંચવા માટે વર્ધા જંકશન પર ઊતરીને ઓટોરિક્ષા દ્વારા આવી શકાય છે. નજીકનું એરપોર્ટ નાગપુર ખાતે છે. નાગપુરથી પવનાર આશરે 70 કિ.મી છે. નાગપુરથી ટેક્સી મારફતે હું પવનાર જઈ રહ્યો હતો ત્યારે સમીસાંજનો સમય હતો. આસપાસ દૂર સુધી ખેતરો અને નાનકડાં ગામડાંઓ નજરે ચઢતાં હતાં. રસ્તામાં ક્યાંક નાના ડુંગરો દેખાતા હતાં. ધીમે ધીમે રાત્રિનું આગમન થઈ રહ્યું હતું. લાંબી મુસાફરી બાદ આખરે ‘જય જગત’ લખેલ વિનોબાશ્રમનું પ્રવેશદ્વાર નજરે પડ્યું અને મન પ્રફુલ્લિત થઈ ગયું. વિનોબાજી ‘જય હિંદ’ નહીં, ‘જય જગત’માં માનતા. તેઓ કહેતા કે આ સમગ્ર પૃથ્વી વંદન કરવાને લાયક છે એથી જય તો આખા જગતનો થવો જોઈએ. એમનું દર્શન વૈશ્વિક હતું. એમની દષ્ટિ વિશાળ હતી.

મારી સાથે મીરાબહેન અને અરુણભાઈ હતાં. પવનાર તો જાણે એમનું પિયર ! ભૂદાન યાત્રા ઉપરાંત અવારનવાર તેઓ અહીં આવતાં રહેતાં. હજી આજે પણ વર્ષમાં એકાદ વાર એમને આવવાનું થતું રહે છે. આશ્રમના આંતરિક સ્વરૂપને જાણવા-સમજવા માટે મને તેમની ખૂબ મદદ મળી. અમે અહીં પહોંચ્યા ત્યારે રાત્રિભોજનનો સમય થઈ ચૂક્યો હતો. સામેની તરફના એક નળિયાવાળા મકાનની પરસાળમાં કથા નિમિત્તે આવેલા સૌ મહેમાનો ભોજન લઈ રહ્યાં હતાં. બ્રહ્મવિદ્યા મંદિરની બહેનો પણ ત્યાં હાજર હતી. સૌ કોઈએ એકમેકનો પરિચય આપતાં પ્રસાદ લીધો અને પોતાના નિવાસની જગ્યાએ રાત્રિ વિશ્રામ કર્યો.

બીજા દિવસની સવારનો સૂર્યોદય થતાં બ્રહ્મવિદ્યા મંદિરનું સ્પષ્ટ રૂપ જોવા મળ્યું. વિશાળ મેદાનમાં છૂટા છવાયાં વૃક્ષો હતાં. મુખ્ય દરવાજાની સામે ખળખળ વહેતી ‘ધામ’ નદી હતી. ઠંડી હવા અને શાંત વાતાવરણ હતું. જમણી તરફ આવેલા મોટા હોલમાં સૌ ભાવકો માટે નિવાસની સુવિધા હતી અને તેના જ પ્રાંગણમાં ભોજનની વ્યવસ્થા હતી. સામેની તરફ મુખ્ય મહેમાનો માટેના બે-ત્રણ રૂમનાં મકાન હતાં. મુખ્ય પ્રવેશદ્વારની ડાબી તરફ બ્રહ્મવિદ્યા મંદિરની બહેનો માટેનો કાયમી નિવાસ હતો. ત્યાંથી ડાબી તરફ વળતાં ‘વિનોબા કુટિર’ તરફ જઈ શકાતું. એ તરફ આગળ ‘ભરત-રામ’ મિલન મંદિર આવેલું છે. અહીં દરેક માર્ગને એક નામ આપવામાં આવ્યા છે…. જેમ કે ‘જ્ઞાન પથ’, ‘પ્રજ્ઞા પથ’, ‘સત્ય પથ’, ‘ભક્તિ પથ’ વગેરે…. આશ્રમની અંદર અને આસપાસ ચારે બાજુ વિશાળ ખેતરો છે. એ ખેતરો આશ્રમના પોતાનાં છે. પ્રાતઃકાળે ભાતભાતના પક્ષીઓના અવાજથી બ્રહ્મવિદ્યા મંદિરનું પરિસર ગૂંજી ઊઠે છે. જગતની દોડધામ, શહેરોનો કોલાહલ અને પ્રદૂષણ અહીં લેશમાત્ર નથી. પુરાણોમાં લખેલ સતયુગના કોઈ નદી કિનારે આવેલા આશ્રમમાં જઈ ચઢ્યા હોઈએ એવી અનુભૂતિ થાય છે.

આ પવનારનો ઈતિહાસ અને બ્રહ્મવિદ્યા મંદિરની સ્થાપના વિશે જાણવા જેવું છે. 1938માં વિનોબાજીનું શરીર અત્યંત નબળું પડી રહ્યું હતું. તેમને ખુદને તો કોઈ ચિંતા નહોતી પરંતુ મિત્રોએ ગાંધીબાપુ પાસે ફરિયાદ કરી. ગાંધીજીએ તેમને સંદેશો પાઠવ્યો કે અહીં મારી પાસે રહેવા આવો, હું તમારી ચાકરી કરીશ. પરંતુ વિનોબાજીને એ ન રુચ્યું. ગાંધીજીએ કહ્યું કે તો પછી નૈનિતાલ કે મસૂરી હવાફેર માટે જઈ આવો. પરંતુ એ તો બધા શ્રીમંતોના સ્થાનો ! ગરીબો જ્યાં ન જઈ શકે ત્યાં વિનોબાજી કેમ જઈ શકે ? તેથી વિનોબાજીએ કહ્યું કે હું વર્ધાથી છ માઈલ દૂર ‘પવનાર’ આવેલું છે, જ્યાં જમનાલાલજી બજાજનો બંગલો છે, ત્યાં જઈને રહીશ. ગાંધીજી એ અનુમતિ આપી પરંતુ એ શરત મૂકી કે બધાં જ કામનો બોજ છોડી દેવાનો અને કશું જ ચિંતન નહીં કરવાનું. વિનોબાજી લખે છે કે ‘ગાડી પવનારની ધામ નદીનો પુલ પાર કરી રહી હતી ત્યારે મેં ત્રણ વાર ‘સંન્યસ્તં મયા’ કહ્યું અને બધું છોડીને સાવ ખાલી મને પવનાર પહોંચ્યો (તા. 7-માર્ચ-1938).’ પવનાર ગામ નદીની આ બાજુ અને તેઓ જ્યાં રહ્યાં તે સ્થાન નદીની પેલે પાર હતું એથી તેમણે તેનું નામ ‘પરમધામ’ આપ્યું. વિનોબાજી ત્યાં કશું કામ ન કરતાં ફક્ત ખેતરમાં બેસીને પથરા વીણતાં. એ પછી વ્યાયામ માટે થોડો સમય ખેતર ખોદતાં. આ ભૂમિનો એક પણ ટૂકડો એવો નથી જેને વિનોબાજીનો સંસ્પર્શ પ્રાપ્ત ન થયો હોય. ધીમે ધીમે સમય વધારતાં તેઓ રોજનું બે કલાક ખોદકામ કરતાં થયાં. એક વાર ખોદતાં ખોદતાં જમીનમાં આડો પથ્થર આવ્યો. તેમના સૌ સાથીઓએ સાથે મળીને તે બહાર કાઢ્યો અને જોયું તો ‘ભરત-રામ’ મિલનનું સુંદર શિલ્પ હતું. 1932માં એમણે ગીતા-પ્રવચનો કહ્યાં ત્યારે અનાયાસ એમણે બારમા અધ્યાયમાં આ શિલ્પનું વર્ણન કર્યું હતું અને બરાબર એવી જ મૂર્તિ એમને આટલા વર્ષ પછી અહીં ખોદતા મળી આવી. એમણે એની સ્થાપના કરાવી અને હજી આજે પણ ત્યાં રોજ પ્રાતઃકાળે અને સાયંકાળે પ્રાર્થના બાદ તેની આરતી કરવામાં આવે છે. આરતીમાં કશી માંગ નહિ, પરંતુ ફક્ત ભાવપૂર્વક લયમાં ‘રામ…રામ…રામ…’ નું ઉચ્ચારણ કરવામાં આવે છે.

એ પછી એમનું સ્વાસ્થ સુધર્યું અને સત્યાગ્રહની લડત આગળ ચાલી. ગાંધીજી સાથે 1942નું આંદોલન થયું. ફરીથી જેલમાં ગયાં. એ પછી હરિજન-ઉપાસના અને ગો-ઉપાસનાના કામો ચાલતાં રહ્યાં. ગાંધીજીના નિર્વાણ પછી પણ એમનું કાર્ય સતત ચાલતું રહ્યું. 1949-50માં એમને પવનારમાં જ કાંચન-મુક્તિનો પ્રયોગ કર્યો. ‘કાંચન-મુક્તિ’ એટલે પૈસાની જરૂર જ ન પડે એ રીતે રહેવું ! એમને લાગ્યું કે સમાજમાં વિષમતા અને ઉત્પાતનું મુખ્ય કારણ પૈસો છે અને પૈસો જ સામાજિક જીવનને દૂષિત કરે છે, તેથી પૈસાનો જ ઉચ્છેદ ઉડી જાય એવું આયોજન તેમણે વિચાર્યું. આ આયોજનના ભાગરૂપે ત્યાં ખેતરોમાં શાકભાજી અને અનાજ વાવવાનું શરૂ થયું. કૂવા ખોદાયાં. ખેતરોને પાણી પહોંચાડવા નાળાં બનાવવામાં આવ્યા. બળદ વગરની જાતે મહેનત કરીને ઋષિ-ખેતી વિકસાવવામાં આવી. કપાસ દ્વારા વસ્ત્ર અને ગાયો દ્વારા દૂધ મળ્યું. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પોતાની મેળે જ પ્રાપ્ત કરી લેવાનો આ એક અદ્દભુત પ્રયોગ હતો.

એમને તો એમ જ હતું કે હવે પવનારથી બહાર નીકળવું નથી. પરંતુ હૈદ્રાબાદમાં આવેલ શિવરામપલ્લીના સર્વોદય સંમેલનમાં જવાનું નક્કી થયું. ટ્રેનમાં વર્ધાથી એક રાતમાં ત્યાં પહોંચી શકાય પણ એમણે એ પગપાળા જવાનું વિચાર્યું. માર્ચ 1951નો એ સમય હતો. શિવરામપલ્લીમાં તેઓ 7 થી 14 એપ્રિલ સુધી રોકાયાં. એ પછી યાત્રાના ત્રીજા દિવસે એટલે કે 18 એપ્રિલ, 1951ના દિવસે પોચમપલ્લીમાં ગામના કેટલાક હરિજનો તેમને મળવા આવ્યા. એમણે થોડી ઘણી જમીન મળી જાય તો મહેનત કરીને પેટ ભરી શકાય એવી ઈચ્છા વ્યક્ત કરી. વિનોબાજીએ કહ્યું કે ‘હું જમીન તો અપાવું પણ સૌ ભેગા મળીને ખેતી કરજો. તમે અરજી લખી આપો હું સરકારમાં મોકલીશ.’ પરંતુ એટલામાં ત્યાં સભામાં એક રામચંદ્ર રેડ્ડી નામના ભાઈ ઊભા થયા અને સો એકર જમીન હરિજનોને આપવા તૈયાર થયા. વિનોબાજીને થયું કે આ સાધારણ ઘટના નથી. જે જમીન માટે ખૂનામરકી, કોર્ટ-કચેરી વગેરે ચાલ્યા કરે છે, ત્યાં જમીન દાનમાં મળી, એની પાછળ કોઈ સંકેત હોવો જોઈએ. તેઓ કહે છે : ‘આખી રાત મારું ચિંતન ચાલ્યું અને મને અનુભવ થયો કે આ એક ચમત્કાર જ સર્જાયો છે ! લોકો પ્રેમથી જમીન આપી શકે છે.’ એમણે આ યજ્ઞને ‘ભૂદાનયજ્ઞ’ એવું નામ આપ્યું. તેઓ પરમધામ પાછા ફર્યા અને થોડા દિવસ રોકાઈને ઉત્તર ભારતની પદયાત્રાએ નીકળી પડ્યા. એ વખતે એમની ઉંમર આશરે 56 વર્ષ હતી.

સમગ્ર ભારતમાં વિનોબાજીની આ ભૂદાન પદયાત્રા તેર વર્ષ, ત્રણ મહિના અને ત્રણ દિવસ સુધી ચાલી. ત્યાર પછી તેઓ પવનાર પરત આવ્યા. તેઓ લખે છે કે : ‘નાનપણમાં મારો વિચાર બ્રહ્મવિદ્યા પ્રત્યેનો હતો. આપણાં કાર્યોમાં એની ઊણપ અનુભવાતી હતી. બાપુ ગયા પછી તો એ વધારે અનુભવાઈ અને મનમાં વિશ્વાસ બેસી ગયો કે આ ભૂમિકા ઉપર નહીં પહોંચીએ તો આ ઉપર-ઉપરની ચીજો ટકશે નહીં; ખાસ કરીને, ભારતમાં તો નહીં જ ટકે, કારણ કે ભારત તત્વજ્ઞાનની ભૂમિ છે. બ્રહ્મવિદ્યાની પૂર્તિ કર્યા વગર આપણો વિચાર અખંડ પ્રવાહમાં નહીં વહે, એનો નિર્ણય મારા મનમાં થયો અને મારી શક્તિનો વિચાર કર્યા વગર બ્રહ્મવિદ્યા-મંદિર શરૂ કરવાનું નક્કી કર્યું. શક્તિ કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. મારામાં એટલી શક્તિ નહીં હોય, પરંતુ મારામાં એ વિચારની ભક્તિ તો ચોક્કસ છે જ. એ ભક્તિ પર શ્રદ્ધા રાખી બ્રહ્મવિદ્યા-મંદિરની સ્થાપના કરવામાં આવી. (25-માર્ચ-1959).’ અહીં આશ્રમની કુલ વ્યવસ્થા બહેનોના હાથમાં રાખવામાં આવી. આજે પણ અહીં કોઈ પણ નિર્ણય સૌ બહેનો સર્વાનુમતે નક્કી કરીને લે છે. વિનોબાજી માનતા કે સ્ત્રીઓની સાધના હંમેશાં ગુપ્ત રહી છે. એનો પ્રભાવ કોઈ ને કોઈ વ્યક્તિ પર જરૂર પડ્યો છે. પરંતુ એ સાધના પણ પ્રગટ થાય એ ખૂબ જરૂરી છે. વિશ્વશાંતિ એકલા પુરુષો નહીં કરી શકે. બ્રહ્મવિદ્યામાં સ્ત્રીને સ્થાન ન હોય તો એ બ્રહ્મવિદ્યા અધૂરી રહે છે. બ્રહ્મવિદ્યા મંદિરનું કેન્દ્રબિંદુ સામુહિક સાધનાનું છે. વિનોબાજી વ્યક્તિગત સમાધિ કરતાં સામુહિક સમાધિમાં માનતા.

બ્રહ્મવિદ્યા મંદિરમાં મુખ્યતઃ બહેનો રહે છે. કેટલાક ભાઈઓ પણ છે. આ બધા લોકો થોડો વખત ખેતર કામ કરે છે. રસોઈ બનાવવી, શૌચાલય-સ્નાનાગાર સાફ કરવા કે અન્ય સાફસુફીનું બધું જ કામ તેઓ જાતે જ કરે છે. આખા આશ્રમનો કચરો પણ તેઓ જાતે જ વાળે છે. અહીં કોઈ નોકર-ચાકર નથી. સૌએ સાથે કામ કરવાનું છે. આ બહેનો એક નાનકડું પ્રેસ ચલાવે છે જે વિનોબાજીના પુસ્તકો અને અન્ય આધ્યાત્મિક પુસ્તકો છાપે છે. તદુપરાંત અહીંથી ‘મૈત્રી’ નામે હિંદી માસિક પત્રિકા પણ વિનોબાજીના સમયથી પ્રગટ થાય છે. ટૂંકમાં, સામુહિક સાધના, શ્રમનિષ્ઠા અને સૌ સાથે એકરૂપ બનીને ધ્યાન-સ્વધ્યાય વગેરે અને ભક્તિ – આ મુખ્ય છે. બ્રહ્મવિદ્યાના આ પરિસરમાં ખોદકામ કરતાં જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં મૂર્તિઓ નીકળી છે. તમામ મૂર્તિઓને અહીં સુંદર રીતે સ્થાપિત કરવામાં આવી છે. માત્ર હિંદુ જ નહીં, પરંતુ બૌદ્ધધર્મને લગતી અને અન્ય અનેક મૂર્તિઓ અહીં મળી આવી છે. વિનોબાજી કહે છે કે ભક્તિની ભાષામાં બોલવું હોય તો આ સ્થાન જાગ્રત દેવતા છે.

મોરારિબાપુએ અહીંની રામકથામાં જેને ‘પાંચમું ધામ’ કહ્યું એવા આ પવનારના પરમધામ એટલે કે બ્રહ્મવિદ્યા મંદિરમાં અમારો દૈનિક કાર્યક્રમ રોજ કરતાં સાવ જુદો અને આશ્રમજીવનનો અનુભવ કરાવે એવો હતો. સવારે ચાર વાગ્યે બેલ પડતાં અમે ઊઠી જતાં. વહેલાં ઊઠવું અહીં ફરજિયાત નહોતું પરંતુ અમુક ભૂમિ જ એવી હોય છે જે આપણને ખરેખર જગાડી દે છે ! પ્રાતઃકર્મથી નિવૃત્ત થયા બાદ વિનોબા કુટિર પાસે સવારે સાડા ચાર વાગ્યે મરાઠીમાં ભગવદગીતાનો એક અધ્યાય અને પ્રાર્થના થતી. નિતાંત શાંત વાતાવરણમાં સહુ એક અવાજે ગાન કરે ત્યારે કેવા સ્પંદનો ઊઠતાં હશે એની તો કલ્પના જ કરવી રહી ! વિનોબાજીની ચેતનાનો જાણે સંસ્પર્શ પ્રાપ્ત થઈ રહ્યો હોય તેમ અનુભવાતું. સૂર્યોદય બાદ સૌ બહેનો ખેતીકામમાં કે ગૌશાળાના કાર્યમાં જોડાઈ જતી. રામકથામાં જવાનું હોવાથી અમે સૌ પરવારીને સેવાગ્રામ તરફ જવા રવાના થતાં પરંતુ આશ્રમના દૈનિક ક્રમ પ્રમાણે અહીં સાડા દશ વાગ્યે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ અને આરતી થતી. એ પછી ભોજનનો સમય સવારે 11 વાગ્યાનો રહેતો. બપોરે 12 થી 2 સુધી અહીં મૌન રાખવામાં આવે છે. આ સમય દરમિયાન મંત્રજાપ કે વાંચન કરી શકાય છે. આશ્રમના ક્રમ પ્રમાણે 2 થી 5 દરમિયાન નિયત કરેલા કામો પૂરાં કરવાનાં હોય છે. એ પછી સાંજે પાંચ વાગ્યે રાત્રિભોજન લેવામાં આવે છે. સાંજે 7:35 વાગ્યે સાયંપ્રાર્થના અને આરતી થાય છે અને 8:30 વાગ્યે સૌ પોતાનાં રૂમમાં વાંચન કરે છે અથવા સૂઈ જાય છે. ઈલેક્ટ્રોનિક સાધનો, અખબાર અને ટીવીની દુનિયાથી દૂર રહીને કેટલો બધો આનંદ મેળવી શકાય છે તે અહીં રહીને સમજાય તેમ છે. સુંદર અને મરી-મસાલા વગરનું સાત્વિક ભોજન મનને પ્રફુલ્લિત રાખે છે. તન અને મનથી માનવી નિરોગી અને આનંદિત બને એ જ તો આશ્રમ નિવાસની મુખ્ય દેન હોય છે !

આશ્રમનું સૌથી ચેતનાસભર સ્થાન છે ‘વિનોબા કુટિર’. અહીં આમ તો કશું જ નથી પરંતુ આમ ઘણું બધું છે. લાકડાના ટેકે બંધાયેલો છાપરાંવાળો એક નાનકડો રૂમ છે જ્યાં વિનોબાજી પવનાર આવ્યા બાદ અંત સમય સુધી રોકાયા હતાં. ભારતના સ્વરાજ્યના આંદોલનો કે ચળવળોને લગતાં અનેક કામો અંગે મળવા આવનાર સૌ કોઈ તેમને અહીં મળતાં. રૂમમાં કોઈ ફર્નિચર નથી. એક કબાટ સુદ્ધાં નથી. બારી પાસે વિનોબાજી ખાટ પર બેસતાં અને સૂતાં. તેમની પાસે માત્ર થોડાં કાગળો અને કલમ રહેતાં. મળવા આવનાર ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ કેમ ન હોય, તેઓ પણ તેમની સામે નીચે બેસીને વાત કરતાં. આ સ્થાનેથી એમણે અનેક પ્રયોગો અને પ્રવૃત્તિઓ આદરી હતી. નિર્વાણ સમયે વિનોબાજીએ તે જ જગ્યાએ દેહ છોડ્યો હતો. તેઓ માનતા કે મૃત્યુ બાદ તેજ તેજમાં ભળી જાય છે, વાયુ વાયુમાં ભળી જાય છે તો શરીરના જે અસ્થિ વગેરે છે એને પાણીમાં વિસર્જન કરવાની જગ્યાએ ભૂમિમાં દાટી દેવા જોઈએ. એની યોગ્ય જગ્યા ભૂમિ છે. આથી તેઓ જ્યાં બેસતાં ત્યાં જ તેમના અસ્થિને ભૂમિમાં દાટવામાં આવ્યા છે. આજે ત્યાં સમાધિ બનાવવામાં આવી છે અને ત્યાં ‘ગીતાઈ – રામ હરિ’ એમ લખવામાં આવ્યું છે. તેમને અગ્નિદાહ ધામ નદીને કિનારે આપવામાં આવ્યો હતો. આજે ત્યાં ગાંધીજી અને વિનોબાજીની સમાધિઓ છે. આ વિનોબા કુટિરની પાછળ ખોદકામમાંથી મળી આવેલી ગંગામાની મૂર્તિ છે અને તેની પાછળ ‘ભરત-રામ’ મિલન મંદિર છે. વિનોબાજીએ નિર્વાણ સમયે કહ્યું હતું કે : ‘હું તો ઈશ્વર પાસે આ ગયો અને… આ આવ્યો…. હું કંઈ ઈશ્વરને ત્યાં રોકાવાનો નથી.’ તેમણે સંકેતરૂપે એમ પણ કહ્યું હતું કે ‘જે લોકો પરમતત્વની અભિમુખ હશે એમને મદદ કરવા માટે આ ગંગામાની મૂર્તિ અને આ ભરત-રામના મંદિરની વચ્ચેની જગ્યામાં હું હંમેશાં હાજર રહીશ, અધ્યાત્મ પથના પથિકોને મદદ કરતો રહીશ.’

અગિયાર દિવસ આ પાવન ભૂમિમાં આ રીતે વીતાવ્યા બાદ અમારે ત્યાંના દેવીબહેન, કુસુમબહેન, કંચનબહેન, કાલિન્દીબહેન, ઉષાબહેન અને સૌ બહેનોની વિદાય લેવાની હતી. અમે સૌ માતૃસ્વરૂપા બહેનોના સ્નેહથી ભીંજાયેલા હતાં. અમારી આંખોમાં આંસુ હતાં અને હૃદય ભાવભીનાં બન્યાં હતાં. શહેરોમાં જોવા ન મળે તેવો કદાચ સાચો સ્નેહ આને જ કહેતાં હશે ! અમે સૌ અમારો સામાન લઈને રૂમની બહાર નીકળ્યાં અને આશ્રમના બહેનો સૌ ‘શુભમંગલ હો… શુભમંગલ હો… ધરતી કા કણ કણ મંગલ હો….’ કહીને અમને વિદાય આપવા માટે આવ્યાં. વિનોબાજીની આ પાવનભૂમિ, ગાંધીજીનો સેવાગ્રામ આશ્રમ અને આ સમગ્ર પ્રદેશને છોડવાનું મન નહોતું છતાં સૌએ જવાનું હતું, ફરીથી આવવા માટે !

વાચકમિત્રો, વિનોબાજી શું નહોતાં ! એ આચાર્ય હતા, બુદ્ધ પુરુષ હતા, ઋષિ હતાં, મહામુનિ હતા અને અનેક કલા-ભાષાઓના જાણકાર હતા. ચેસની રમત અને ગણિત તો એમનો પ્રિય વિષય હતાં. એ કહેતાં કે ભગવાન પછી હું ગણિતને મુખ્ય માનું છું. આજે આપણે આ વેબસાઈટ પર સાહિત્ય વાંચી શકીએ છીએ પરંતુ એમણે તો વર્ષો પહેલાં એમના લેખનમાં કહી દીધું છે કે ‘એકવીસમી સદીમાં સાહિત્ય અને અધ્યાત્મને ટેકનોલોજી દોરી જશે.’ તેઓ આર્ષદષ્ટા હતાં. એમણે પુષ્કળ લખ્યું છે. જે કંઈ લખ્યું છે તે બધું સમજી વિચારીને વૈજ્ઞાનિક બુદ્ધિથી લખ્યું છે. એમનું અપાર સાહિત્ય નવયુવાનોએ ખાસ વાંચવા જેવું છે. તેમની ભાષા અને દષ્ટાંતો સાવ અભણ માનવીને પણ સમજાય તેવાં છે. દુર્ભાગ્યે વાંચનના અભાવે આપણે આવા મહાપુરુષો વિશે કંઈ જાણતાં નથી. આજે શાળામાં ભણતાં વિદ્યાર્થીને ‘વિનોબા’ કોણ છે એ ખબર નથી. કેટલાક તો વળી એમ માને છે કે વિનોબા એટલે ગાંધીજીના બા ! જેમને જાણવા-સમજવા માટે આજે પણ જર્મની, ફ્રાન્સ, જાપાનથી અનેક લોકો પવનાર આશ્રમની મુલાકાત લે છે, એ વિશે આપણે જ આટલી ઉપેક્ષા શા માટે સેવીએ છીએ ? આથી, આપ સૌને વિનંતી કે તેમને ખૂબ વાંચજો, સમજજો અને સમય મળે તો પવનાર આશ્રમની મુલાકાત લેજો. પવનાર આશ્રમના સંપર્ક માટેની વિગતો આ પ્રમાણે છે :

બ્રહ્મવિદ્યા-મંદિર,
પવનાર. વર્ધા-442111.
મહારાષ્ટ્ર.
ફોન : +91 7152 288388 અને +91 7152 288081.
.
[ પવનારના સમગ્ર ફોટા અહીં નીચે સ્લાઈડ તરીકે આપવામાં આવ્યા છે. ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

35 thoughts on “પવનારની યાત્રા – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.