અભિષેક – ભૂપત વડોદરિયા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પંચામૃત શ્રેણીના ‘અભિષેક’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] વિશ્વાસની મૂડી !

અવારનવાર મળવા આવતા એક વર્ષોજૂના મિત્રે કહ્યું : ‘પૈસા ટકાની વાત કરું તો મારી સ્થિતિ ઘણી જ સારી અને સુગમ છે પણ અગાઉ જે એક મૂડી હતી તે મૂડી હવે તળિયે પહોંચી ગઈ હોય એવું લાગે છે. રૂપિયાઆનાપાઈની મૂડીની વાત નથી. મારી વાત છે વિશ્વાસની મૂડી ! કોણ જાણે કેમ પણ મને હવે કોઈનામાં વિશ્વાસ જ રહ્યો નથી ! હું છેતરાઈ ગયો હોઉં એવા પ્રસંગો બહુ થોડા જ બન્યા છે પણ આજકાલ મને કોઈનો વિશ્વાસ કરવાનું મન થતું નથી. મારી નિકટની વ્યક્તિ બાબતમાં પણ એવું બને છે કે એ કાંઈ કહે તો હું તરત તેનો વિશ્વાસ કરી શકતો નથી.’ અવિશ્વાસની આવી માનસિકતામાં તો જીવવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય બની જાય છે.

એક યુવાને એક પત્ર પાઠવ્યો છે. એમાં એની પોતાની સમસ્યા રજૂ કરીને કશુંક માર્ગદર્શન આપવાની વિનંતી કરી છે. આજના સમયમાં મધ્યમવર્ગનાં પતિ-પત્ની બંનેએ નોકરી કરવી પડે છે. આ યુવાનની પત્ની એક પેઢીમાં કામ કરે છે અને ત્યાં કામ કરી રહેલા એક યુવાન સાથે તેની મૈત્રી છે. સાથે કામ કરી રહેલા કોઈ પણ યુવક-યુવતીને ક્યાંક સાથે બહાર જવાનું પણ બને અને કાંઈક કામકાજ પતાવીને કૅન્ટીનમાં સાથે ચા-પાણી પીવાનું પણ બને. યુવાને જણાવ્યું છે કે મને મારી પત્નીની આ મૈત્રીમાં હવે શંકા પડવા માંડી છે. પત્નીને આ અંગે કાંઈ પણ કહું છું તો તરત ભભૂકી ઊઠે છે અને કોઈ વાર રડે છે તો કેટલીક વાર રીતસર લડવા માંડે છે. હું એને કહું છું કે તું આપણા બાળકના સોગંદ ઉપર મને કહે કે તમારી બંનેની વચ્ચે કશું જ નથી. યુવાન પત્રમાં પ્રશ્ન કરે છે – આ સંજોગોમાં મારે શું કરવું ? કોઈક વાર એમ થાય છે કે હું ગૃહત્યાગ જ કરું ! વળી એમ થાય છે આ તો માથાના દુખાવાથી કંટાળીને પોતાનું માથું કાપવા જેવી વાત છે. મને ખબર નથી પડતી કે મારે શું કરવું ? એની હત્યા કરી નાખું ? કે પછી બાળકને ખાતર એની હત્યા કરવાને બદલે હું જ આત્મહત્યા કરીને જિંદગીભરના પસ્તાવાનો વારસો આપી જાઉં ?

આ યુવાનના મનનું સમાધાન થાય એવું કાંઈક કહેવા વિચારું છું ત્યારે એક પ્રશ્ન ઊઠે છે કે જે યુવાન અવિશ્વાસ અને શંકાના ઊંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હાલતમાં ઊભો છે એને કોઈક સલામત કિનારે પહોંચાડવો કઈ રીતે ? મનમાં આનો જવાબ તો એક જ હતો જે તેને પાઠવ્યો. અવિશ્વાસ-અશ્રદ્ધાના હવામાનમાં ખૂબ રહ્યા – હવે સંકલ્પ કરીને એમાંથી બહાર કૂદી પડો ! આપણે માનીએ છીએ એટલી આ દુનિયા સારી ભલે નહીં હોય પણ કોઈ કોઈ વાર આપણે માનીએ છીએ એટલી ખરાબ આ દુનિયા નથી અને એટલા ખરાબ આપણી આસપાસના માણસો પણ નથી. ઈશ્વરમાં જે શ્રદ્ધા હોય તે ખરી પણ જો જીવવું જ હશે તો માણસમાં તો શ્રદ્ધા રાખ્યા વગર છૂટકો જ નથી ! ચોપાસ પ્રદૂષિત હવા છે તે માનીને શ્વાસ લેવાનું બંધ કરવાનું તો શક્ય જ નથી !

થોડા દિવસ પછી એક પત્ર આવ્યો – થોડીક શંકા અને અમંગળની કલ્પના સાથે એ પત્ર ખોલ્યો અને વાંચ્યો ત્યારે અવર્ણનીય રાહતની લાગણી થઈ. પતિ-પત્નીની સહી સાથે એ પત્રમાં લખ્યું હતું કે પરસ્પર વિશ્વાસ રાખવાનો સંકલ્પ અમે કર્યો છે અને આ સોગંદમાં અમે અમારા પ્રિય બાળકને પ્યાદું બનાવ્યો નથી. અમે નક્કી કર્યું છે કે અમારે પરસ્પરના ભરોસે, પરસ્પરની સાથે જ જીવવું છે અને દંપતી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ અવિશ્વાસ તો હોઈ જ ના શકે કેમ કે કોઈ પણ બે વ્યક્તિઓમાં પરસ્પર અવિશ્વાસનું ઝેર પચાવવાની શક્તિ તો કોઈનામાં હોતી નથી.

[2] ભાગ્યની દેવી પત્ની !

આપણી સંસ્કૃતિમાં આદર્શ પત્નીના જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તેમાં ‘ભોજનેષુ માતા’ અને ‘કાર્યેષુ મંત્રી’ એવા ગુણોનો સમાવેશ થાય છે. રશિયાના મહાન નવલકથાકાર ફાઈડોર દોસ્તોવસ્કીને મોટી ઉંમરે જે પત્ની મળી તે ઉંમરમાં નાની પણ ગુણોમાં ઘણી મોટી. ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’ અને ‘બ્રધર્સ કેરેમેઝોવ’ જેવી મહાન નવલકથાઓ લખનારા આ રશિયન સર્જકે સેક્રેટરી તરીકે, ખરું કહીએ તો સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવનારી આ યુવતીના પ્રેમમાં પડીને પછી તેની સાથે લગ્ન કર્યાં.

દોસ્તોવસ્કી દેવાના ડુંગર નીચે દટાઈ ગયા હતા. નાણાભીડમાં રહેતા આ મહાન સર્જકનું શોષણ કરવામાં પ્રકાશકોએ કશું બાકી રાખ્યું નહોતું. આ આર્થિક ગુલામીમાંથી અન્નાએ તેના પતિ દોસ્તોવસ્કીને મુક્ત કર્યા. દોસ્તોવસ્કી કહે છે કે મોડી રાત સુધી લેખનમાં પ્રવૃત્ત રહેવાને લીધે બીજા દિવસે હું મોડો ઊઠતો ત્યારે પત્નીને પુસ્તકવિક્રેતાઓ સાથે લાભકારક સોદો કરવાની કડાકૂટ કરતી જોઈને મારી આંખમાં આંસુ આવી જતાં. એ પત્ની ખરેખર મારા માટે ‘ભાગ્યની દેવી’ બની ગઈ. દોસ્તોવસ્કીનું શોષણ માત્ર પ્રકાશકો જ કરતા નહોતા, એના ઉદાર સ્વભાવનો લાભ લઈને નિકટનાં સગાં-સંબંધીઓ પણ તેને પરેશાન કર્યાં કરતાં. આ બધાં જ બંધનોમાંથી પત્નીએ તેમને મુક્ત કર્યા. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં એકથી વધુ અર્થમાં એ એક આદર્શ પત્ની બની રહી.

આ રશિયન સમાજની વાત છે. ભારતીય સમાજની આજની સ્થિતિનો વિચાર કરીએ તો આપણે જોઈએ છીએ કે આજે પત્ની ‘કાર્યેષુ મંત્રી’ બની રહેવાને બદલે પતિને વધુ ને વધુ નાણાં કમાવવાની ફરજ પાડનારી વ્યક્તિ બની ગઈ છે. પૂરતી કમાણી ના હોય તો કેટલાક કિસ્સામાં એ પતિને સીધી કે આડકતરી એવી સૂચના આપે છે કે કોઈ પણ રીતે નાણાં લાવો ! લાંચરુશવત લઈને પણ પૈસા મેળવો. બે નોકરી કરીને પણ નાણાં લાવો. પત્નીના મનમાં બીજાઓની દેખાદેખી વિશેષ છે. તેને જાતે રસોઈ કરવામાં ખાસ રસ નથી અને પતિના કાર્યમાં મદદરૂપ થવાની વાતમાં પણ ખાસ દિલચશ્પી નથી. આપણી જૂની કહેવત એવી છે કે માતા પુત્રને માત્ર ‘આવતો’ જોઈને સંતોષ માને છે પણ પત્ની તો પતિ કંઈક લઈને આવે એવી અપેક્ષા રાખે છે. બીજી બાજુ આજે અનેક પરિવારોમાં પતિની કમાણી અપૂરતી હોય તો પૂરક કમાણી માટે પત્ની પોતે બહાર ક્યાંક ને ક્યાંક નોકરી કરે છે. આમાં કશું ખોટું નથી. આમાં સ્ત્રી પોતાની કાર્યશક્તિ બતાવી શકે છે અને આર્થિક સ્વાતંત્ર્યનો થોડો અનુભવ પણ કરી શકે છે. છતાં આમાં એક પરિણામ એ પણ આવે છે કે સ્ત્રી નથી બરાબર ઘર સંભાળી શકતી કે નથી પોતાનાં બાળકોનાં પોષણ-શિક્ષણ પર પૂરું ધ્યાન આપી શકતી.

ઊંચા જીવનધોરણનો મોહ એટલો બધો વધી ગયો છે કે ‘સંતોષ’ એ જ સાચું સુખ એવી વાત જુનવાણી લાગે છે અને ‘અસંતોષ’, આગળ ને આગળ જવાનો. અજંપો આપણને પ્રગતિનું એક લક્ષણ લાગે છે. આમાં કમાણી વધે છે, જીવનધોરણ બેશક ઊંચું આવ્યાનો અહેસાસ થાય છે પણ ઘરનાં સુખ-શાંતિનું શું ? કેટલાંય એવાં ઘર છે જ્યાં બાળકોની આંખ સામે માતા અને પિતા હાજર હોય એવું ઓછું બને છે. કેટલાક કિસ્સામાં તો બાળકો નોકરના પનારે પડ્યાં હોય છે અને ઘણાબધા કિસ્સામાં માતા-પિતાની સ્થૂળ હાજરી જ બાળકોને જોવા મળે છે. બાળક કાંઈક તોફાન કરે, ક્યાંકથી ફરિયાદ લઈ આવે ત્યારે મા-બાપનું ધ્યાન જાય છે, બાકી તો બધું રામભરોસે ચાલતું હોય તેવું જ લાગે.

[3] સારો સ્વભાવ સારો સાથીદાર

એક યુવાને વાતવાતમાં પ્રશ્ન કર્યો : ઘણી વાર આપણે કહીએ છીએ કે ‘મેં ખૂબ વિચારીને આ નિર્ણય કર્યો છે’, પણ ખરેખર આપણે ખૂબ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય કરીએ છીએ કે પછી આપણે કોઈ પણ નિર્ણય કરી નાખીએ છીએ અને પછી એ નિર્ણયને વાજબી ગણાવવા માટેનાં કારણ આગળ કરીએ છીએ ? પૂરતાં કારણોના આધારે અમુક નિર્ણય કરીએ છીએ કે અમુક નિર્ણય પહેલાં કરીને પછી તેના માટેનાં પૂરતાં કારણો શોધી કાઢીએ છીએ ?

એક યુવતીનાં માતા-પિતા પોતાની પુત્રી માટે યોગ્ય મુરતિયાની શોધમાં હતાં. યુવતીના પિતા એક પ્રતિષ્ઠિત અને શ્રીમંત વેપારી હતા અને તેની માતા એક આગળ પડતી મહિલા સંસ્થાનાં ટ્રસ્ટી હતાં. પોતાની પુત્રી માટે તેઓ કોઈક લાયક અને આશાસ્પદ યુવાનની શોધમાં હતાં. તેમની પુત્રીને જ પહેલાં પ્રશ્ન કર્યો : ‘દીકરી, તને કેવો જીવનસાથી ગમે ? તું તારા જીવનસાથીના દેખાવ – બાહ્ય વ્યક્તિત્વને વિશેષ મહત્વ આપશે કે તેના બુદ્ધિકૌશલ અને ઊજળા ભવિષ્ય માટેની ગુંજાશને વધુ મહત્વ આપશે ?’
યુવતીએ કહ્યું : ‘આ બાબતમાં મેં કશું વિચાર્યું તો નથી, પણ આ ક્ષણે હું એટલું કહી શકું કે જે યુવાન તેને જોતાંવેંત મારી આંખમાં વસી જાય તેને હું વિશેષ મહત્વ આપું !’

માતા-પિતા પુત્રી સાથે દલીલમાં ના ઊતર્યાં. પછી એક અત્યંત સ્વરૂપવાન યુવક તેને જોવા આવ્યો. યુવતીને યુવક પ્રથમ દષ્ટિએ જ ગમી ગયો. તેણે યુવાનને પ્રશ્ન કર્યો : ‘તમે મને ખૂબ ગમો છો. હું તમને ગમું છું કે નહીં તે નિખાલસપણે કહો !’
યુવાને કહ્યું : ‘તમે મને ગમો છો, પણ હું તમારો વિચાર મારી જીવનસંગિની તરીકે કરી શકતો નથી, કેમ કે હું તમને ગમું છું માત્ર મારા રૂપને કારણે, પણ મારું આ રૂપ તો મારી શારીરિક અવસ્થાનું છે. આવતી કાલે કોઈક અકસ્માતમાં મારું રૂપ નાશ પણ પામી શકે ! એવું બની શકે કે કોઈક અસાધ્ય રોગનો ભોગ બનું અને મારી પાસે આજના મારા રૂપમાંથી કશું બચે જ નહીં !’ યુવતીને એક ધક્કો વાગ્યો. તેણે પ્રશ્ન કર્યો :
‘તમે તમારી જીવનસંગિની પાસેથી શેની અપેક્ષા રાખો છો ?’
યુવાને પૂરી ગંભીરતાથી જવાબ આપ્યો : ‘હું તેના આર્થિક-સામાજિક સુગમ સંજોગો કરતાં તેના મૂળભૂત સ્વભાવને વધુ મહત્વ આપું ! જેનો સ્વભાવ સારો હશે તે સુખમાં કે દુઃખમાં મારી સારી સાથીદાર બની રહેશે ! જેનો સ્વભાવ બહુ સારો નહીં હોય તે સુખની સ્થિતિમાં કાંઈ ને કાંઈ ખોટ જોશે અને દુઃખની સ્થિતિમાં તો એ પોતાની છાતી મારું નામ લઈને જ કૂટશે ! એવું ના માનશો કે હું તમને નાપસંદ કરું છું. હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે મેં જે કાંઈ કહ્યું છે તે અંગે તમે સ્વતંત્ર રીતે, શાંતિથી વિચારજો અને તમારા સ્વભાવનું થોડુંક પૃથક્કરણ કરજો !’

એની વાતમાં કાંઈક તથ્ય છે – આપણે સમજી શકીએ છીએ કે રૂપ અને ધનની સ્થિતિમાં સમયની સાથે પરિવર્તન આવી શકે છે પણ મૂળભૂત રીતે સારો, પ્રેમાળ, ઉદાર સ્વભાવ ગમે તેવા આંચકા વેઠી શકે છે – પચાવી શકે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારતની દ્રૌપદી છે. આજના યુગમાં કોઈ યુવતીને પાંચ પુરુષોની પત્ની બનવું ના પડે પણ એક વ્યક્તિમાં જ પાંચ વ્યક્તિઓના ગુણો કે અવગુણોનો મુકાબલો કરવો પડે તેવું બની શકે. દાંપત્યજીવનમાં પુરુષ કે સ્ત્રીમાંથી કોઈ એક જીતે તો બંનેની જીત બને છે અને કોઈ એક હારે તો બંને હારી જાય છે, પણ બંનેના સ્વભાવમાં સુમેળ હોય તો હારની બાજીને પણ જિંદગીના જુગારમાં જીતની બાજી બનાવી શકે છે.

[કુલ પાન : 136. (મોટી સાઈઝ. પાકું પૂઠું). કિંમત રૂ. 225. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “અભિષેક – ભૂપત વડોદરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.