ખરખરાનું ઊઠમણું – દુર્ગેશ ઓઝા

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in  અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.]

આમ તો ખરખરો એ ગંભીર વિષય છે પણ વેદનાની શેરીમાં હાસ્યની દેરી પણ હોય છે ને મૃત્યુ એ તો અમૃતનું, નવજીવનનું તાજું પ્રવેશદ્વાર છે. એટલે જો તમે કદી ખરખરો કરવા હજુ ગયા ન હો તો એ દુ:ખદ બાબત માટે ખરખરો વ્યક્ત કરી હું એકવાર ખરખરામાં જવાની તમને ભલામણ કરું છું.

ભક્તકવિશ્રી નરસિંહ મહેતાએ કહ્યું છે કે ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો’ પણ લોકો શોક ફોક ન કરતા પોક મૂકે છે. મનુષ્ય આ દુનિયા અને દેહ છોડી જાય એટલે તમારા મૃત્યુનો શોક મનાવવા લોકો સમુહમાં એકત્ર થાય છે, એનું નામ જ ખરખરો. જોકે આમ જૂઓ તો હવે ખરખરામાં ‘ખરેખરો ખરખરો’ થાય છે જ ક્યાં ? એમ થાય કે આ ખરખરો નહિ, પણ ખરખરાનું જ ઊઠમણું થઇ રહ્યું છે. માણસની આ ઝડપથી ભાગતી જિંદગીમાં હવે અમુક ગણ્યાગાંઠયા જ પ્રસંગો એવા આવે છે કે જેમાં સમૂહ બહોળી સંખ્યામાં એકઠો થવાનો હોય. એમાંનો એક વિરલ પ્રસંગ છે ખરખરો, જે ઘણાને ખરું-ખોટું બોલવા-બોલાવવાની, રડવાની, લાગણી દર્શાવવાની અમુલ્ય તક પૂરી પાડે છે. ‘ઐસો ખરખરો નહિ બારબાર’ વિચારી જેને આ રિવાજ પાડી સૌને ‘પાડી દીધા છે’ એ સંશોધકને હાર્દિક અભિનંદન. આવો સંશોધક નક્કી કોઈ નાટકીયો જીવ હોવો જોઈએ જેનામાં અભિનયક્ષમતા હશે, પણ તેને પ્રદર્શિત કરવાની તક નહિ મળી હોય. અને એટલે એ મહાશયે ખરખરાનું સર્જન કર્યું હશે.

આમ તો સદગત માટે અશાંતિજનક ખોટા ખરખરાને સમજીને જ મૂક પ્રાર્થનાસભામાં હવે ફેરવી નખાય છે. જો કે ખરેખર ખરખરો કરવો એ એક કલા છે. એ કાંઈ કાચાપોચાનું કામ નથી. ‘જેમ રુદન વધુ પ્રચંડ, તેમ સદગત આત્મા પ્રત્યે લાગણી વધુ’ – આવી માન્યતામાં રાચનારો શાસ્ત્રીય ગાયકોને પણ પાછળ રાખી દે એવા સૂરમાં રડી પડે છે. પછી ગદગદ સ્વરે કહેશે : ‘કેવો સારો માણસ ? હું હવે નોંધારો થઈ ગયો. હવે હું શાકભાજી લેવા કોની સાથે જઈશ ?’ – એ એટલા જોરથી બોલશે કે બીજા બધાનો અવાજ દબાઈ જાય ને બધાનું ધ્યાન એના ભણી ખેંચાય….. એ જ માણસ બહાર નીકળીને બબડશે ‘સારું થયું. લપ ગઈ. મૂઓ એ જ લાગનો હતો !’ ને કૌતુક એ થાય છે કે તેને તીવ્ર સ્વરે વિલાપતા જોઈને ‘સ્વજનો’ જે અત્યાર સુધી છાનાં હતાં તે પણ ગાડરિયા પ્રવાહની જેમ રુદન વહેતું કરે છે. સદગત પ્રત્યે અમને આ માણસ કરતાં જરાય ઓછી લાગણી નથી એ દર્શાવવા અથવા પોતાનું અસ્તિત્વ, મહત્વ સાબિત કરવા પણ આ રીતનો ‘ખોટો ખરખરો’ થતો હોય છે. ખરખરામાં બીજી એક વાત અલગ તરી આવે છે. સદગતના તમામ કુટુંબીજનો રડતા હોય ત્યારે સાંત્વના આપનારા એ દરેકેદરેક સભ્યને એમ કહેશે – ‘તમે તો ઘરના મોભી… તમે જ જો આમ હિંમત હારી જશો તો બીજા બધાનું શું થશે, હેં ?’…. આપણને ખબર ન પડે કે આમાં ઘરનો ખરો મોભી કોણ ? ઘરમાં કોનું ઊપજે છે ? ને કોઈ સભ્યને પોતે મોભી હોવાનો વહેમ ઘુસી જાય એ લટકામાં.

ખરખરામાં ખરખરાને બદલે ‘પારકી પંચાત’ ઝાઝી થાય છે. મૂળ માણસ વિસરાઈ જાય છે ને ખરખરા કરનારનું મહત્વ વધી જાય છે. કોઈ મોટો માણસ આવે તો તેની તરત નોંધ લેવાય છે. મહેશભાઈના ખરખરામાં જ કો’કના લગ્નનું ચોકઠું ગોઠવાય છે, ને….. ‘પેલો ચમનો જમનાકાકીની મંછા હારે નાસી ગ્યો, ફલાણી ટોકીઝમાં નવું પિકચર ચડ્યું, કેમ ચાલે છે બાકી તમારું શેરબજાર ?’, ‘ડીસ્કો દાંડિયામાં ભાગ લેવો હોય તો વહેલાસર નામ નોંધાવી દેજો, તેલના ભાવ તો આસમાને ચડ્યા, સરકાર રહેશે કે ઊથલી જાશે…..?’ આવી ઘણી વાતો થશે, પણ મહેશભાઈ ચાલ્યા ગયા તેના વિશે ઝાઝું નહિ બોલાય. હા, ધ્રુવવાક્ય અવશ્ય આવશે કે ‘મહેશભાઈ એટલે લાખનો માણસ’….. પણ મહેશભાઈ બધું સમજતા હોય છે કે આ એ જ લોકો છે જેણે જીવતેજીવ મને લાખમાંથી કોડીનો કરી નાખ્યો હતો ! મારા વિશે બોલાય એટલું ઘસાતું બોલ્યા હતા ને આજે ખરખરામાં પોતાની હાજરી, મોટપ સિદ્ધ કરવા જૂઠાણાં તેમ જ દંભનો આશ્રય લે છે. જયારે હું ‘લાખનો’ હતો ત્યારે મને ‘રાખનો’ બનાવવા મથનારા આજે જયારે હું ‘રાખનો માણસ’ બન્યો ત્યારે મને ‘લાખનો માણસ’ ચીતરવા આવી ચડ્યા ?

આ તો ઠીક છે કે મહેશભાઈ પુન: સજીવન નથી થતાં નહીતર….? ખરેખર તો આવી એક વ્યવસ્થા હોવી જોઈએ કે ખરખરો પતી જાય પછી મૃતાત્માને દસ-પંદર મિનિટ માટે ફરી સજીવન કરી સામો અભિપ્રાય આપવાની છૂટ જો ઉપરથી અપાય…. જો એમ થાય તો ? તો….. બધા કપાઈ જાય, મપાઈ જાય, ઓઝપાઈ જાય. હાવર્ડ સાચું જ નોંધે છે કે ‘મરેલા શહીદોને આપણી એટલી બધી પ્રશંસા અર્પણ થયેલી હોય છે કે જીવંત વીરોને માટે કોઈ અવકાશ નથી રહેતો.’ ઘણા તો ખરખરો કરે છે કે મસ્તી….એય ખબર ન પડે. ખરખરો ચાલુ થાય, ‘મને એમ કે હશે કોઈ એલફેલ બદમાશ. આપણે શું ? પણ પછી ખબર પડી કે આ તો તમારા નાનાભાઈ, આપણા મહેશભાઈ !! મારે એની હારે બહુ સારો સંબંધ. એકવાર લખોટી ચોરતા પકડાયેલા ત્યારે મેં જ એને છોડાવ્યા’તા. સાવ રાંક….તમે તો રેલવેમાં છો કાં ? હમણાં ભરતી-બરતી થાય છે કે રામ રામ ? એવું કાંઈક હોય તો આપણા બાબાનું કાંઈક ગોઠવી દેજો હોં કે. બાકી મહેશભાઈ એટલે કહેવું પડે હો…… મનેય થયું ચાલ, બાજરોય લેતો આવું ને ખરખરોય……’

ઘણાને ખરખરો કરતા જ નથી આવડતું. આ માટેના ‘ટ્યુશનક્લાસ’ ખોલવા જોઈએ. જો કે ચાર્જ ઓછો રાખવો…ઊંચો ચાર્જ સાંભળી કોઈ રવાના થઈ જાય તો ખરખરો એનો કરવો પડે. ઘણા તો માત્ર ઔપચારિકતા ખાતર આવે છે : ‘આ તો એનો ભાઈ મારો સાહેબ છે એટલે નાછૂટકે આવવું પડે. પ્રમોશન ડ્યુ છે. બાકી મારે ને મહેશભાઈને લાગે નકર વળગે, શું સમજ્યા ?’ આવો ખરખરો સ્વજનને ખરુંખોટું ગૌરવ પણ લેવડાવે છે. ‘બાજુવાળા રમેશભાઈ ગુજરી ગયેલા ત્યારે માંડ વીસ માણસો આવેલાં. આપણા મહેશ વખતે તો દોઢસો હિતેચ્છુઓથી આખો હોલ ભરાઈ ગયેલો. મેં જાતે ગણેલાં….’ પરંતુ સ્વજનને એ ખબર નથી હોતી કે એમાંના અડધા ઉપરાંતના તો સદગતના લેણિયાતો હતાં ! એક કુટુંબીજન તો ફરિયાદના સૂરે રડવા માંડ્યો : ‘હું કેવો કમભાગી ! મારા મોટાભાઈમાં આટઆટલા સદગુણો હોવા છતાં આજ લાગી મને ખબર પણ ન પડી ?! તમારે પહેલાં કહેવું’તું ને…?’ હવે આને કેમ સમજાવવું કે….. ?…… ઘણા તો ખરખરાનો સમય પાંચથી છનો હોય ત્યારે છ ઝટ કેમ વાગે એની કાગડોળે રાહ જ જોતા હોય છે.

‘દિવસની પ્રશંસા રાત્રે કરજો ને જિંદગીની તેના છેડે.’ જ્યોર્જ હર્બટના આ વાક્યનો મનફાવતો અર્થ ઘટાવી ખરખરાબાજો આમ જ કરે છે. આમ તો એક જ માણસની ગેરહાજરી ક્યારેક આખી દુનિયા વસ્તીવિહોણી હોય એવી અનુભૂતિ કરાવે છે. સાચી લાગણી ધરાવનારા સ્વજનો પણ હોય છે, જેને કોઈના જવાનું ઊંડું દુ:ખ હોય છે પણ એ દેખાડાના ખાડામાં કદી પડતા ન હોઈ ઝટ ઓળખાતા નથી. એ ‘ખરેખરા ખરખરા’ માટે જ આવે છે. પોતાનું મહત્વ સિદ્ધ કરવાનો અભરખો એને નથી હોતો. અકાળ મૃત્યુ કોઈને ય ન આવે ભગવાન…… પરંતુ, તમે સદગતને ‘છેલ્લા સ્ટેશને’ વળાવવા જઈ ન શક્યા હો તો ખરખરામાં અવશ્ય જજો. ત્યાંના ‘અભિનયના આટાપાટા’ જોઈને તમારી વૈરાગ્યની ‘ફાટક’ સો ટકા ખૂલી જશે…..! હસવું આવે તો હસી લેજો કેમકે આપણા ખરખરામાં આપણે આવું કરી નહિ શકીએ….. ખરેખરો ખરખરો કરવાની સૌને સદબુદ્ધિ મળો એવી શુભેચ્છા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “ખરખરાનું ઊઠમણું – દુર્ગેશ ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.